ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 12

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(12)

પાંચ મડદાં

બીજે દિવસે, 18મી ફેબ્રુઆરીએ સર્પદ્વીપકલ્પના જંગલોમાં ધોધ નદી સુધીનો પ્રદેશ તપાસવાનું નક્કી થયું. તેઓ આખા જંગલમાં ફરી વળ્યા. એની પહોળાઈ ત્રણથી ચાર માઈલની હતી. તેમાં પશ્વિમ કિનારે ક્યાંય ચાંચિયાઓની નિશાની દેખાઈ નહીં.

આ ઉપરથી હાર્ડિંગે એવું અનુમાન કર્યુ કે ચાંચિયા આ બાજુ ફરક્યાં જ નથી. ઘણું કરીને દક્ષિણના જંગલમાં થઈને ઉત્તરબાજુ ગયા હોય અને ત્યાંથી સીધા તેઓ જંગલ પાર કરીને પશુશાળા તરફ અથવા ફ્રેન્કલીન પર્વતની ખીણોના જંગલમાં ચાલ્યા ગયા હશે. આ ઉપરથી ચાંચિયાઓને શોધવા હોય તો પશુશાળા અને ફ્રેન્કલીન પર્વતની આસપાસ તપાસ કરવી જરૂરી હતી.

ખલાસી તો એવા મતનો હતો કે અહીંથી સીધા જ પશુશાળા તરફ હંકારી જવું; પણ ઈજનેરનો મત એવો હતો કે આપણા બે ઉદ્દેશ છે; એક તો, ગુનેગારોને સાફ કરવા; અને બીજો, ઉપકારનો બદલો વાળવો.

“હું ધારું છું કે, કપ્તાન,” ખલાસીએ કહ્યું. “આપણે એ રહસ્યમય માનવીની શોધી નહીં શકીએ. એની મેળે મળે તો ભલે!”

ખલાસીનો અભિપ્રાય સાચો હતો. તે સાંજે તેઓ ધોધ નદીના મુખ પાસે આવી પહોંચ્યો. ગાડું અટકાવીને ત્યાં જ પડાવ નાખ્યો. રાત તેમણે નદીના મુખ પાસે ગાળી. ગઈ રાત જેવાં જ સાવચેતીનાં પગલાં લીધાં અને ચોકી પહેરાના વારા રાખ્યા.

બીજે દિવસે, 19મી ફેબ્રુઆરીએ ત્યાંથી તેઓ આગળ વધ્યા. અહીંથી ફ્રેન્કલીન પર્વત છ માઈલ દૂર હતો. ઈજનેરની યોજના આ પ્રમાણે હતી..------

નદીના કાંઠે કાંઠે તપાસ કરતાં કરતાં પશુશાળાની નજીક પહોંચી જવું. પછી પશુશાળામાં ગુપ્ત રીતે તપાસ કરવી. જો પશુશાળામાં ચાંચિયા હોય તો તેમના પર હલ્લો કરીને પશુશાળાનો કબજો લેવો; અને જો પશુશાળામાં ચાંચિયા ન હોય તો પશુશાળામાં પડાવ નાખવો અને તેને કેન્દ્ર બનાવીને ફ્રેન્કલીન પર્વતની ચારે બાજુ તપાસ કરવી.

આ યોજના બધાએ સ્વીકારી. તેઓ એક સાંકડી ખીણમાં થઈને આગળ વધ્યા. પાસેથી નદી વહેતી હતી. જમીન ખાડા ટેકરાવાળી અને પથરાળ હતી. અહીં સંતાઈ રહેવું ખૂબ અનુકૂળ હતું. એટલે તેઓ ખૂબ સાવેચીતથી ધીરે ધીરે આગળ વધતા હતા.

ટોપ અને જપ આગળ જઈને રસ્તાના બંને કિનારા તપાસી લેતા હતા. કોઈ શંકાસ્પદ વસ્તુ ઝરણાને કિનારે દેખાતી ન હતી. સાંજે પાંચ વાગ્યે ગાડું પશુશાળાથી છસ્સો ફૂટ દૂર રહ્યું. વૃક્ષોનો અર્ધગોળ પડદો પશુશાળાને ઢાંકી દેતો હતો.

ચાંચિયાઓએ પશુશાળાનો કબજો લીધો છે કે નહીં એની તપાસ કરવી જરૂર હતી. ધોળે દિવસે ખુલ્લી રીતે ત્યાં જવું એમાં જાનનું જોખમ હતું. ચાંચિયાઓ સંતાઈ ને બેઠા હતા. જ્યારે પોતે ખુલ્લામાં હતા. બંદૂકની ગોળીનો ભોગ બનવાનું જોખમ ખેડવામાં મુર્ખાઈ હતી.

રાતનું અંધારું થાય એની રાહ જોવી જરૂરી હતી. જો કે સ્પિલેટ જરાય વિલંબ કર્યા વિના પશુશાળામાં ઘૂસી જવાના મતનો હતો. અને પેનક્રોફ્ટ પણ તેનો સંગાથ કરવા આતુર હતો.

“ના મિત્રો.” ઈજનેરે કહ્યું. “રાત પડે ત્યાં સુધી થોભો. ધોળે દિવસે કાઈ જોખમ ખેડે એમ હું જરાય ઈચ્છતો નથી.”

“પણ કપ્તાન--” ખલાસીએ જવાબ આપ્યો. તે હુકમની અવગણના કરવા માગતો હોય એવું લાગ્યું.

“પેનક્રોફ્ટ, હું તમને વિનંતી કરું છું.” ઈજનેર બોલ્યો.

“ભલે!” ખલાસીએ જવાબ આપ્યો.

તેણે પોતાનો ગુસ્સો ખલાસીની ભાષામાં ચાંચિયાઓને ગાળો દઈને પ્રગટ કર્યો.

બધા ગાડા પાસે સાવચેતીથી ઊભા રહ્યાં. આ રીતે ત્રણ કલાક પસાર થયા. રાત પડી ગઈ ચારે તરફ અધકાર છવાઈ ગયો. પવન પડી ગયો. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. આઠ વાગ્યે અનુકૂળ પરિસ્થિતિ લાગી. સ્પિલેટે પેનક્રોફ્ટ સાથે નીકળી પડવા તૈયારી કરી. હાર્ડિંગે સંમતિ આપી જપ અને ટોપ હાર્ડિંગ પાસે રહેવાના હતા, હર્બર્ટ અને નેબ ત્યાંથી જરા આગળ ઊભા રહેવાના હતા. અને જરૂર પડ્યે ચેતવણી આપવાના હતા.

“જરાય ઉતાવળ ન થતા.” હાર્ડિંગે સ્પિલેટ અને પેનક્રોફ્ટને સંબોધીને કહ્યું. “તમારે પશુશાળાનો કબજો લેવાનો નથી; પણ અંદર કોઈ છે કે નહીં તેની તપાસ કરી મને કહેવા આવવાનું છે.”

“બરાબર.” ખલાસીએ જવાબ આપ્યો.

બંને જણા પશુશાળા તરફ રવાના થયા. અંધકાર એટલો હતો કે ત્રીસ ચાલીસ ફૂટથી વધારે દૂર જોઈ શકાતું ન હતું. સ્પિલેટ અને ખલાસી ખૂબ સાવચેતી સાથે આગળ વધ્યા. તેઓ કોઈપણ ક્ષણે બંદૂકનો ધડાકો થાય એવી આશા રાખતા હતા. થોડીવારમાં તેઓ પશુશાળાની વાડ પાસે આવી પહોંચ્યા.

અહીં તેઓ અટક્યા. અહીંથી પશુશાળાનું ફાટક ત્રીસ ફૂટ દૂર હતું. એ બંધ દેખાતું હતું. વાડથી ફાટક સુધીનો ત્રીસ ફૂટનો વિસ્તાર અતિશય જોખમી હતો. વાડ પાછળથી જો ગોળીબાર કરવામાં આવે તો આગળ વધનાર વીંધાઈ જાય. સ્પિલેટ અને ખલાસી ડરે એવા ન હતા; પણ જરા જેટલી મૂર્ખાઈ તેમનો ભોગ લે અને તેમના સાથીઓને મુશ્કેલીમાં મૂકી દે. જો તેઓ માર્યા જાય તો પાછળ હાર્ડિંગ અને હર્બર્ટનું શું થાય?

તેઓ અંધકાર ગાઢ અને બને તે માટે થોડીવાર થોભી ગયા. જંગલના કાંઠા ઉપરથી તેઓ વાડ ઉપર ચાંપતી નજર રાખતા હતા. પશુશાળા સાવ ઉજ્જડ હોય એવું લાગ્યું. વાડની પાછળ છુપાઈને કોઈ ચાંચિયો ઊભો હોય એવો સંભવ હતો.

બંને જણા ધીમે પગલે, ખૂબ ચપળતાથી, બંદૂકો હાથમાં તૈયાર રાખી ફાટક પાસે પહોંચી ગયા. ખલાસીએ ફાટકને ધક્કો મારી ખોલવા પ્રયત્ન કર્યો, પણ ફાટક અંદરથી બંધ હોય એમ લાગ્યું. નક્કી ચાંચિયાઓ પશુશાળામાં હોવા જોઈએ; અને તેમણે ફાટક અંદરથી બંધ કરી દીધું હોવું જોઈએ, જેથી કોઈ બહારથી એને ઉઘાડી ન શકે.

સ્પિલેટ અને ખલાસીએ ફાટક પર કાન માંડી સાંભળવા પ્રયત્ન કર્યો. અંદરથી કોઈ સંભળાતું ન હતું. ઘેટાં અને બકરાં અંદર શાંતિથી સૂતાં હતાં; અને અવાજ કરીને રાતની શાંતિનો જરાય ભંગ કરતાં ન હતાં.

સ્પિલેટ અને ખલાસી વાડ કૂદીને પશુશાળામાં જવા આતુર હતા; પણ એમ કરવાથી હાર્ડિંગના આદેશનો ભંગ થાય એમ હતો.

એ ખરું કે, સાહસ સફળ થાય એમ હતું. પણ નિષ્ફળ જાય તો? અત્યારે ચાંચિયાઓ અસાવધ હતા. એકાએક હલ્લો કરી તેમને દબાવી દેવાની તક હતી. કોઈપણ જાતનું ખોટું સાહસ કરવા જતાં આ તક વેડફાઈ જાય તેમ હતી.

બંને જણા ગાડા પાસે પાછા ફર્યાં. ઈજનેરને બધી વિગત કહી.

“ચાલો પશુશાળા તરફ!” હાર્ડિંગે તરત જ આદેશ આપ્યો.

“ગાડું અહીં રાખી મૂકીશું?” નેબે પૂછ્યું.

“ના, ગાડું પણ સાથે જ” ઈજનેરે જવાબ આપ્યો.

“એમાં આપણો દારૂગોળો છે. જરૂર પડ્યે આપણે એનો ઓથ લઈ શકીએ.”

ગાડું ધીમે ધીમે અવાજ વગર વાડ તરફ આગળ ચાલ્યું. અંધકાર ખૂબ ગાઢ હતો. વાતાવરણ એકદમ શાંત હતું. તેઓ સૌ બંદૂકનો ધડાકો કરવા તૈયાર જ હતા. જપને પાછળ રાખ્યો હતો. ટોપ નેબ પાસે હતો.

બધા વાડ પાસે પહોંચી ગયા. ત્રીસ ફૂટનો જોખમી વિસ્તાર પસાર થઈ ગયો. સામેથી ગોળીબાર ન થાય. વાડ પાસે આવીને ગાડું અટક્યું. નેબ બંને રોઝને પકડીને ઊભો રહ્યો. ઈજનેર, સ્પિલેટ, હર્બર્ટ અને ખલાસી ફાટક તરફ આગળ વધ્યા. ફાટક અંદરથી બંધ હતું તેની તેઓ ખાતરી કરવા માગતા હતા.

ફાટક ખુલ્લું હતું!

“આ શું?” ઈજનેરે ખલાસી અને સ્પિલેટ તરફ ફરીને પૂછ્યું. બંને સ્તબ્ધ થઈ ગયા.

“હું ખાતરીથી કહું છું કે,” ખલાસીએ કહ્યું. “આ ફાટક અંદરથી બંધ હતું.”

બધા હવે અચકાયા. ખલાસી અને સ્પિલેટે તપાસ કરી. ચાંચિયાઓ પશુશાળામાં હતા? એમાં શંકા નથી તે વખતે ફાટક બંધ હતું તે ચાંચિયા સિવાય કોણ ખોલે? શું તેઓ હજી પણ અંદર હતા? અથવા એમાંથી એક જણ હમણાં બહાર ગયો છે?

આ પ્રશ્નોના જવાબ મળે એમ ન હતા.

એ વખતે હર્બર્ટ થોડાંક પગલાં અંદર ગયો હતો. તે ઉતાવળે પગલે પાછો ફર્યો અને તેણે હાર્ડિંગનો હાથ પકડ્યો.

“કેમ શું છે?” ઈજનેરે પૂછ્યું.

“અંદર દીવો બળે છે!”

“મકાનમાં?--- અંદર ઓરડીમાં?”

“હા!”

પાંચેય જણા આગળ વધ્યા. ઓરડીની બારી આ બાજુ પડતી હતી. તેમાંથી ઝાંખો પ્રકાશ આવતો તેમણે જોયો. હાર્ડિંગે ઝડપથી નિર્ણય કરી લીધો.

“આ આપણી છેલ્લી તક છે.” હાર્ડિંગે તેના સાથીઓને કહ્યું. ચાંચિયાઓ આ ઓરડીમાં ભેગા થયા છે. તેઓ અસાવધ છે. અને આપણી પકડમાં છે. આગળ વધો!”

બધા પશુશાળાના ફળિયામાં આગળ વધ્યા. બધાના હાથમાં બંદૂકો તૈયાર હતી. ગાડું બહાર રાખ્યું હતું. જપ અને ટોપને ખૂબીથી ગાડા સાથે બાંધી દીધા હતા.

એક બાજુ હાર્ડિંગ, ખલાસી અને સ્પિલેટ અને બીજી બાજુ હર્બર્ટ અને નેબ --- બધા વાડની ઓથે ઓથે આગળ વધ્યા.

તેમણે પશુશાળાની ગાઢ અંધકારમાં તપાસ કરી લીધી. આખી પશુશાળા ઉજ્જડ હતી.

થોડીક ક્ષણોમાં તેઓ ઓરડીના બંધ દ્વાર પાસે આવી પહોંચ્યા. હાર્ડિંગે બધાને નિશાની કરીને થોભી જવા જણાવ્યું. હાર્ડિંગ એકલો બારી પાસે ગયો.

તેણે બારીમાં જોયું. ટેબલ ઉપર એક ફાનસ પડ્યું હતું. ટેબલ પાસે આયર્ટન પહેલાં વાપરતો હતો તે પલંગ પડ્યો હતો. પલંગ ઉપર કોઈ માણસ સૂતું હતું.

એકાએક હાર્ડિંગ પાછો હઠ્યો અને કર્કશ અવાજે બોલ્યો --

“આયર્ટન!”

તરત જ બારણાને પાટુ મારીને ખોલી નાખ્યું. અને બધા ઓરડી પાસે ધસી ગયા.

આયર્ટન સૂતો હતો. તેનો ચહેરો ઉપરથી લાગતું હતું કે તે લાંબો વખત ક્રુરતાનો ભોગ બન્યો છે, તેના હાથના કાંડા અને પગની ઘૂંટી પાસે દોરડાનાં નિશાન હતા. હાર્ડિંગ તેના ઉપર નમ્યો અને તેનો હાથ પકડિ તેને જગાડવા લાગ્યોઃ

“આયર્ટન! આયર્ટન!”

આયર્ટન જાગ્યો. તેણે આંખો ઉઘાડી. હાર્ડિંગ અને બીજાઓ સામે જોઈને કહ્યું..

“તમે!” આયર્ટને બૂમ પાડી. “તમે?”

“આયર્ટન! આયર્ટન!” હાર્ડિંગે ફરી બોલ્યો.

“હું ક્યા છું?”

“પશુશાળામાં--- તમારી ઓરડી!”

“એકલો!”

“હા!”

“પણ હમણાં પેલા પાછા આવશે.” આયર્ટન કહ્યું. “સાવધાન રહેજો! સાવધાન રહેજો!”

એટલું કહી એ પથારીમાં પડી ગયો. એ ખૂબ થાકી ગયો હતો.

“સ્પિલેટે!” ઈજનેર કહ્યું, “ ગમે તે ક્ષણે આપણા પર હલ્લો થશે. ગાડું પશુશાળામાં લાવો. પછી બારણાં બંધ કરો, અને બધા અહીં આવી જોઓ.”

ખલાસી, નેબ અને સ્પિલેટ ઈજનેરના હુકમનો અમલ કરવા ઝડપથી આગળ વધ્યા. દરેક ક્ષણ કિંમતી હતી. કદાચ અત્યારે ગાડું ચાંચિયાઓના હાથમાં પડી ગયું હોય!

એક ક્ષણમાં સ્પિલેટ અને તેના સાથીઓ ફાટક પાસે પહોંચી ગયા વાડની પાછળ એકાએક ટોપના ભસવાનો અવાજ આવ્યો.

આયર્ટનને મૂકીને ઈજનેર ગોળીબાર કરવાની તૈયારી સાથે બહાર આવ્યો સાથે હર્બર્ટ હતો. બંનેએ પશુશાળાના પાછળના ભાગમાં આવેલા ઢોરાની તપાસ કરી. જો ચાંચિયાઓ ત્યાં સંતાઈને બેઠા હોય તો તેઓ એક પછી એક બધાને મારી શકે એમ હતો.

બરાબર આ ક્ષણે પૂર્વમાં ચંદ્ર ઊગ્યો. ચારે બાજુ પ્રકાશ ફેલાયો. પશુશાળામાં, તેની પાછળ આવેલા ઢોર પર, વૃક્ષોના ઝૂડા પર, નાનકડા ઝરણા ઉપર, પ્રકાશની સફેદ ચાદર પથરાઈ, ફાટક પાસેનો થોડોક ભાગ અંધારામાં રહ્યો.

તેના સાથીઓ ગાડા સાથે અંદર પ્રવેશ્યા. ફાટક બંધ થવાનો અવાજ હાર્ડિંગને સંભળાયો. તેના સાથીએ ફાટક બંધ કરી અંદરથી આગળિયો દઈ દીધો.

પણ એજ ક્ષણે ટોપ બંધનમાંથી મુક્ત થઈને જોરજોરથી ભસવા લાગ્યો અને પશુશાળાના પાછલા ભાગમાં ધસી ગયો. આ ભાગ ઓરડીની જમણી તરફ આવેલો હતો.

“ગોળીબાર માટે તૈયાર રહો!” હાર્ડિંગે બૂમ પાડી.

બધાએ પોતાની બંદૂક ઊંચી કરી અને ભડાકો કરવા તૈયાર થઈને ઊભા. ટોપ હજી ભસતો હતો. અને જપ કૂતરા તરફ દોડીને ચીસો પાડતો હતો.

બધા તેની પાછળ પાછળ ગયા. અને નાનકડા ઝરણાને કિનારે પહોંચ્યા. ઝરણા ઉપર મોટાં મોટાં વૃક્ષોની છાયા પડતી હતી; અને ત્યાં ચંદ્રના પ્રકાશમાં તેમણે શું જોયું?

પાંચ મડદાં કિનારા પર લાંબાં થઈને પડ્યાં હતાં!

આ મડદાં ચાંચિયાઓનાં હતાં! ચાંચિયાઓ ચાર મહિના પહેલાં લીંકન ટાપુ પર ઊતર્યાં હતા.

***