મર્ડર @ રિવરફ્રન્ટ - 8 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર @ રિવરફ્રન્ટ - 8

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:8

ખુશ્બુ સક્સેના મર્ડર કેસને પોતાનાં હાથમાં લીધાં બાદ રાજલને ખુશ્બુ વિશે જે કંઈપણ માહિતી મળે છે એનાં આધારે એ અમુક તપાસ કરાવે છે જેની ઉપરથી રાજલને ખબર પડે છે કે ખુશ્બુ એક કોલગર્લ હતી.હજુ તો ખુશ્બુ મર્ડર કેસ ની તપાસ પૂર્ણ થાય એ પહેલાં જ મયુર જૈન નામનો એક વ્યક્તિ સિરિયલ કિલરનો ભોગ બને છે..એની લાશ જોડેથી પહેલાં મળેલું એવું જ ગિફ્ટ બોક્સ મળી આવે છે.

મયુર જૈન ની લાશ ની આગળની તપાસની જવાબદારી અત્યાર પૂરતી ઇન્સપેક્ટર સંદીપ ને માથે નાંખીને રાજલ પોલીસ સ્ટેશન પહોંચે છે..કાતીલ હત્યા ની માહિતી પોતાને આ ગિફ્ટ બોક્સ દ્વારા આપવા માંગે છે એ રાજલને ખબર પડી જાય છે..કેમકે પહેલાં બોક્સમાં જે ખુશ્બુ નાં કોલગર્લ નાં ધંધા ને અનુરૂપ રમકડું હોય છે જ્યારે બીજી વખત મોકલાયેલાં ગિફ્ટ બોક્સમાં મયુર જૈનની જેમ એક મેદસ્વી માણસ નું રમકડું હોય છે.

ત્રીજા બોક્સમાં પણ એવું જ કંઈક મળી આવશે એવું વિચારી રાજલ અધીરાઈ સાથે એ ગિફ્ટ બોક્સની ઉપરનું ગિફ્ટ પેપર નીકાળી બોક્સ બહાર કાઢે છે..એજ સાઈઝ અને એજ રંગનું બોક્સ જોઈ રાજલ એ વાતે સ્યોર થઈ જાય છે કે આ ત્રણેય બોક્સ મોકલનારો એક જ વ્યક્તિ છે.હવે સમય હતો બોક્સની અંદર મોજુદ વસ્તુ જોવાનો.

રાજલ ની ધારણા મુજબ જ મયુર જૈન ની લાશ જોડેથી મળી આવેલ બોક્સમાંથી એવી જ બે વસ્તુઓ નીકળી જેવી પ્રથમ બે બોક્સ વખતે મળી આવી હતી..આ વખતે અંદર એક આસમાની રંગની રીબીન મોજુદ હતી અને હતું એક પ્લાસ્ટિક નું રમકડું..આ વખતનાં રમકડાં નો દેખાવ જોતાં જ સમજણ પડી જાય એવી હતી કે આ કોઈ કેદીનું રમકડું હતું..સફેદ અને કાળી લાઈનિંગ વાળો કેદીઓનો શર્ટ જોઈ રાજલે એતો અનુમાન લગાવી લીધું કે હવે એ સિરિયલ કિલરનો નવો ટાર્ગેટ કોઈ કેદી હશે.

બીજી વખત જે બોક્સ મળ્યું હતું એમાં લાલ રીબીન હતી અને મયુર જૈન નાં શરીર પર કોઈ લાલ કપડું નહોતું માટે રીબીન દ્વારા વિકટીમમાં પોશાકની માહિતી આપવામાં આવે છે એ વિચાર રાજલને ખોટો પડતો જણાયો.બોક્સની અંદર આ વખતે એક ગાયનું નિશાન હતું..રમકડાં પરથી તો કાતિલ દ્વારા આપવામાં આવેલી હિન્ટ સરળતાથી ઉકેલાઈ ગઈ..પણ આ રીબીન અને આ પ્રાણીઓનાં પોસ્ટરનું રહસ્ય હજુ પણ અકબંધ હતું.

"આખરે શું કહેવાની કોશિશ કરી રહ્યો છે આ ખૂની..કંઈક તો હું મિસ કરી રહી છું..પણ શું..?"બોક્સની અંદરથી મળેલી વસ્તુઓ તરફ એક ધ્યાને જોતાં રાજલ મનોમન બોલી રહી હતી.

અચાનક કંઈક ઝબકારો થતાં રાજલ પોતાની જગ્યાએથી ઉભી થતાં બોલી.

"મારે DCP સાહેબ જોડે આની ચર્ચા કરવી પડશે કે આ શહેરમાં એક સિરિયલ કિલર ઘૂમી રહ્યો છે અને એનો નવો ટાર્ગેટ કોઈ કેદી હશે.."

બોક્સમાં મળેલી વસ્તુઓને આગળનાં બોક્સમાં મળેલી વસ્તુઓ જોડે મૂકી..પોતાની પોલીસ હેટ માથે ચડાવી પોતાની બુલેટ બાઈક પર સવાર થઈને રાજલ નીકળી પડી DCP ઓફિસ તરફ.રાજલ નાં ત્યાં આવવાની ખબર મળતાં જ DCP રાણા એ એને અંદર આવવાં અનુમતિ આપી દીધું.

"પધારો ઓફિસર..હું તમને જ કોલ કરવાનું વિચારતો હતો.."રાજલનાં અંદર આવતાં જ રાણા સાહેબે એનું સ્વાગત કરતાં કહ્યું.

"કોલ કરવાનું કોઈ ખાસ કારણ..?"ચહેરા પર આછેરી ચિંતાનાં ભાવ સાથે રાજલે પૂછ્યું.

"બેટા,મને ખબર મળી છે કે આંબેડકર બ્રિજ નીચેથી બીજી લાશ પણ મળી આવી છે..આખરે આ થઈ શું રહ્યું છે આપણાં અમનપ્રિય શહેરમાં..?"DCP નાં અવાજમાં તણાવ સાફ વર્તાતો હતો.

"હા સર,હું હમણાં ત્યાં જઈને આવી..આ કેસ પણ મારે જ હેન્ડલ કરવો પડશે કેમકે હત્યારા એ આ વખતે પણ મારાં નામનો એક લેટર અને ગિફ્ટ બોક્સ લાશની જોડે મુક્યું હતું..વિનયે સામે ચાલીને આ કેસ મને હેન્ડઓવર કરી દીધો છે..આ વખતે મળેલી લાશ ગીનીઝ બુક માં પોતાની જમવાની ક્ષમતા નાં લીધે નામ નોંધાવી ચુકેલાં મયુર જૈન ની છે.."રાજલે ટૂંકમાં બધી વાત જણાવી દીધી.

"બીજું ગિફ્ટ બોક્સ..ખરેખર આ સિરિયલ કિલર કોઈ સાયકો જ લાગે છે.."DCP રાણા આટલું બોલ્યાં એટલામાં એમનાં ફોનની રિંગ વાગી..રિંગ વાગતાં જ એમને રાજલ તરફ જોયું અને કહ્યું.

"સોરી બે મિનિટ.."

"Its Ok"રાજલે એમનાં ફોન ઉપાડવા પર પોતાને કોઈ વાંધો નથી એવું ટુંકમાં જ કહ્યું.

રાજલ નાં આટલું બોલતાં જ DCP એ પોતાનો ફોન રિસીવ કરતાં કહ્યું.

"બોલ કેમ અચાનક ફોન કર્યો..?"

"પપ્પા,હું એક જરૂરી કામથી બહાર જાઉં છું..મારે થોડાં પેશન્ટ હેન્ડલ કરવાં આઉટ ઓફ સીટી જવું પડે એવું છે..બે કેસ વડોદરા નાં છે અને ત્રણ સુરતનાં..તો હું બે-ત્રણ દિવસ નથી એ જણાવવા કોલ કર્યો હતો."સામેથી એક મૃદુ અવાજ સંભળાયો.

"Ok માય સન..એક ડોકટર માટે ડ્યુટી ફર્સ્ટ હોવી જોઈએ..પ્રાઉડ ઓફ યુ...ચલ અત્યારે હું ફોન મુકું કેમકે હાલ હું એસીપી રાજલ જોડે શહેરમાં થઈ રહેલી શ્રેણીબદ્ધ હત્યાઓ વિશે ચર્ચા કરી રહ્યો છું.."ડીસીપી રાણા એ કહ્યું.

"Ok.. કેરી ઓન..by."સામેથી આટલું કહી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

ડીસીપી ની ફોન પર ચાલી રહેલી ચર્ચા સાંભળી રાજલ એમનાં ફોન મુકતાં જ બોલી.

"સર આદિત્ય નો કોલ હતો..?"

"હા રાજલ,આદિત્ય નો કોલ હતો..એ સાયક્રેટિસ બની ગયો છે અને ગુજરાત ભરનાં અલગ અલગ શહેરોમાં ફરી ગરીબ દર્દીઓની મફતમાં સેવા કરે છે..ગર્વ છે મને એનાં ઉપર.."ડીસીપી રાણા નાં અવાજમાં એવો જ ઉત્સાહ હતો જેવો દરેક બાપ ને એનાં દીકરાની સફળતા ઉપર હોય.

"બહુ સરસ કામ કરે છે આદિત્ય..આ એક નોબલ કોઝ છે.."સ્મિત સાથે રાજલ બોલી.

"પણ મારાં માટે પોલીસમેન જેવી નોબલ કોઝ કોઈ નથી કરતું..મારી તો ઈચ્છા હતી કે મારો દીકરો પણ મોટો પોલીસ ઓફિસર બને પણ એને ડોકટર બનવું હતું તો બની ગયો.."ડીસીપી રાણા એ હસીને કહ્યું.

"સર,તો હું આગળ તમને કંઈક એવું જણાવવા માંગુ છું જે સાંભળી તમને આશ્ચર્ય થશે.."રાજલ હવે મુદ્દાની વાત પર આવતાં બોલી.

"હા..બોલ હવે શું મળ્યું એ ગિફ્ટ બોક્સમાં..?"બેતાબી ભર્યાં અવાજમાં રાણા સાહેબે કહ્યું.

"સર આ હત્યાઓ કરનાર એક સાયકો સિરિયલ કિલર છે એ નક્કી છે..પણ આ સિરિયલ કિલર કંઈક તો મોટિવ સાથે આ હત્યાઓને અંજામ આપી રહ્યો છે..પ્રથમ લાશ મળી એ ખુશ્બુ સક્સેના એક પ્રોસ્ટિટ્યૂટ હતી..તો એની લાશ મળ્યાંનાં એક દિવસ પહેલાં મળેલાં બોક્સમાં એક પ્રોસ્ટિટ્યૂટ જેવાં પોશાકમાં એક ઢીંગલી મળી..એજ રીતે ખુશ્બુ ની લાશ જોડેથી મળેલાં ગિફ્ટ બોક્સમાં હતું એક મેદસ્વી કાયા ધરાવતાં વ્યક્તિનું રમકડું..અને એ પછી લાશ મળી મયુર જૈનની.."રાજલ પોતાની વાત રજૂ કરતાં બોલી.

"તો આ વખતે જે ગિફ્ટ બોક્સમાં મળ્યું છે એમાં શું મળ્યું..?"અધીરાઈ સાથે ડીસીપી એ કહ્યું.

"આ વખતે જે બીજી વસ્તુઓ મળી છે એમાં એક ગાયનું પોસ્ટર અને એક આસમાની રીબીન છે..જેની ઉપરથી તો કોઈ ખ્યાલ આવતો નથી.પણ અંદર પહેલાં ની જેવું જ એક રમકડું છે અને એ રમકડાંને એક કેદીનો પોશાક પહેરાવ્યો છે એ સિરિયલ કિલરે.."રાજલ ડીસીપી ની વાત નો જવાબ આપતાં બોલી.

"મતલબ કે એનો નવો ટાર્ગેટ એક કેદી હશે..?"પ્રશ્નસુચક નજરે રાજલ તરફ જોઈ ડીસીપી એ પૂછ્યું.

"હા પણ અને ના પણ..જે પ્રકારથી આ સિરિયલ કિલર હિન્ટ આપી રહ્યો છે પોતાનાં નવાં વિકટીમ ની એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે..એ ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે કે દમ હોય તો એને નવો શિકાર કરતાં રોકીએ..પણ ક્યાંક એવું બને કે આપણું ધ્યાન ભટકાવવા એ આવું કરતો હોય અને એ બીજાં કોઈકની જ હત્યા કરે..?"એક સવાલ સાથે રાજલે પોતાની વાત પૂર્ણ કરી.

"ઓફિસર,મારે એ સિરિયલ કિલર કોઈની હત્યા કરે એ પહેલાં એ પોલીસની પકડમાં જોઈએ..હું તમને બધી છૂટ આપું છું કે તમે આ સિરિયલ કિલર સુધી પહોંચવા ઇચ્છો એ કરી શકો છો..મને ગર્વ છે..મને વિશ્વાસ છે અમદાવાદ પોલીસ પર કે એ કોઈપણ ગુનેગાર ને વધુ સમય એનાં મનનું ધાર્યું તો નહીં જ કરવા છે.."રૂવાબદાર અવાજમાં રાણા સાહેબે કહ્યું.

"યસ સર..એવું જ થશે..જય હિંદ.."રાજલ પણ પોતાની જગ્યાએથી ઉભાં થતાં અદબભેર બોલી.

"જય હિંદ,ઓફિસર.."ડીસીપી પણ મક્કમ અવાજમાં બોલ્યાં.

થોડીવારમાં તો રાજલ ડીસીપી રાણા ની કેબિનમાંથી બહાર નીકળી ઉતાવળાં પગલે પોતાની બહાર પાર્ક કરેલી બુલેટ તરફ આગળ વધી..રસ્તામાં એને પોતાનાં મોબાઈલ પરથી સંદીપ ને કોલ લગાવ્યો અને પૂછ્યું.

"Hello.. મેડમ.."કોલ ઉપાડતાં જ સંદીપ બોલ્યો.

"Hello ઓફિસર,શું સમાચાર છે ત્યાં નાં..?"રાજલે પૂછ્યું.

"મયુર જૈનની લાશ ફોરેન્સિક ટીમ નાં ગયાં પછી પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી છે..મયુર નાં રાજકોટમાં રહેતાં મોટાં ભાઈ હેમંત ને પણ કોલ કરીને આ ઘટનાની જાણકારી આપી દેવાઈ છે..એ તાત્કાલિક ત્યાંથી નીકળી ગયાં છે.."સંદીપે કહ્યું.

"Good, તો હેમંતભાઈ આવે એટલે મયુર જૈનનો મૃતદેહ એમને સુપ્રત કરી દીધાં બાદ..પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને તમે તાબડતોબ પોલીસ સ્ટેશન આવો.."રાજલ ઉતાવળાં અવાજે બોલી.

"Ok..બીજું કંઈ..?"સંદીપે કહ્યું.

"બીજું કંઈ નહીં.."આટલું કહી રાજલે કોલ કટ કર્યો અને બુલેટ પર બેસતાં જ બુલેટ ને દોડાવી મુક્યું પોલીસ સ્ટેશન તરફ.અમદાવાદ ની જનતા પણ એક લેડી પોલીસ ઓફિસરને બુલેટ પર જોઈને દંગ હતી.

************

એક તરફ રાજલ પુરી ખંતથી અમદાવાદ શહેરમાં આતંક નો પર્યાય બની ચુકેલાં સિરિયલ કિલરને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી તો બીજી તરફ એ સિરિયલ કિલર પોતાનાં નવાં ટાર્ગેટ ની તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હતો.

જ્યાં અમદાવાદ ની શાન બની ચુકેલો રિવરફ્રન્ટ વિસ્તાર એક સાયકો કિલરનાં ખૌફ નીચે હતો તો શહેરનાં અનુપમ સિનેમા થી ખોખરા જતાં રસ્તામાં આવેલા એક હેરી હેર કટિંગ સલુન માં બપોરનાં ત્રણેક વાગ્યાં આજુબાજુ એક પાંત્રીસેક વર્ષનો મજબૂત બાંધાનો વ્યક્તિ સલુનનો કાચ નો દરવાજો ખસેડી અંદર પ્રવેશ્યો.

એ વ્યક્તિનાં આગમનની સાથે જ એક ગ્રાહકની દાઢી બનાવી રહેલાં સલુનનાં માલિકે એ વ્યક્તિને જોઈ ખુશ થતાં કહ્યું.

"અરે વનરાજ ભાઈ..બહુ દિવસે તમારાં દર્શન થયાં.."

"હા હેરી ભાઈ..આ વખતે તો છ મહિના થઈ ગયાં.. થોડાં દિવસ ખુલ્લી હવામાં શ્વાસ લઈ લઉં પછી પાછો આપણાં મૂળ સ્થાને.."લાંબી દાઢી અને લાંબા વાળ ધરાવતો એ વ્યક્તિ આળસ ખાતો હોય એમ હાથ ફેલાવીને બોલ્યો.

"પાંચ મિનિટ બેસો..બસ આમની દાઢી થઈ જાય એટલે તમને અહીં બેસાડું.."એ આગંતુક વ્યક્તિની તરફ જોતાં હેર સલૂન નો માલિક હેરી બોલ્યો.

"ભાઈ કોઈ વાંધો નહીં.. તું તારે પાંચની પચાસ મિનિટ લઈ લે..બસ આ AC ને તું વીસ ઉપર કરી દે.."ત્યાં રાખેલાં સોફાનાં ટેકે લંબાવતાં એ વ્યક્તિ બોલ્યો.

દસેક મિનિટ બાદ હેરી એ વ્યક્તિ ને ઉદ્દેશીને કહ્યું.

"આવી જાઓ વનરાજ ભાઈ.."

"આવી ગયો મારો વારો.."આટલું બોલી એ વ્યક્તિ ઉભો થયો અને સલુનની ચેરમાં જઈને બેઠો.

"બોલો શું કરવાનું છે..?"હેરી એ હાથમાં કાતર લેતાં કહ્યું.

"બસ આ વધી ગયેલાં વાળ દૂર કરી દે..ચહેરા પરથી અને માથા પરથી..હવે તો પછી એક વર્ષે આવીશ.."પોતાની વધી ચુકેલી દાઢી પર હાથ ફેરવતાં વનરાજ નામનો એ વ્યક્તિ બોલ્યો.

વનરાજ નાં આટલું બોલતાં જ હેરી એ એક કાપડ એનાં ગળે બાંધી દીધું અને લાગી ગયો પોતાનાં કામને કરવામાં જેમાં એ વર્ષોથી એક્સપર્ટ હતો..અડધા-પોણા કલાકની જહેમત બાદ હેરી એ વનરાજ ની દાઢી અને માથાનાં વાળ ને દૂર કરી એને જંગલીમાંથી પાછો માણસ બનાવી દીધો હતો.

એર કંડીશનર ની ઠંડી હવામાં એ વનરાજ જ્યારે હેરી પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે ઘસઘસાટ સુઈ પણ ગયો..આખરે પોતાનું કામ પૂરું કરી લીધાં બાદ જ્યારે હેરી એ ઠંડા પાણી નો ફુવારો વનરાજનાં ચહેરા ઉપર માર્યો ત્યારે એ ઝબકીને જાગી ગયો..પોતાની બદલાયેલી શકલ જોતાં જ એ આશ્ચર્ય સાથે બોલ્યો.

"વાહ..હું આટલો સુંદર લાગુ છું એમ ને.."

"અરે એ તો આ હેરીની કમાલ છે.."પોતાનાં વખાણ કરતાં હેરી બોલ્યો.

"સારું સારું બોલ કેટલાં રૂપિયા થયાં..?"ઉભાં થઈને પોતાનાં કપડાં ખંખેરતાં વનરાજ બોલ્યો.

"180 રૂપિયા..120 રૂપિયા વાળનાં અને 60 રૂપિયા દાઢીનાં.."હેરી બોલ્યો.

હેરીની વાત સાંભળી વનરાજે ખિસ્સામાં હાથ નાંખી 100-100 ની બે નોટ નીકાળી અને હેરીને આપતાં બોલ્યો.

"લે આ 200 રૂપિયા..ગઈ વખતનાં 20-30 બાકી હતાં.."

"બીજું બોલો નવા-જૂની..?"હેરી એ પૂછ્યું.

"બસ કાંઈ નહીં..થોડાં દિવસ મોજ-મસ્તી કરી લઉં પછી જતો રહીશ જ્યાં મારું કાયમી ઘર છે.."વનરાજ આટલું બોલ્યો ત્યાં એનાં નોકિયા 1600 મોડેલનાં વર્ષો જુનાં ફોનની રિંગ વાગી.

રિંગ વાગતાં જ વનરાજે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ફોનનું લીલાં રંગનું રિસીવ નું બટન દબાવી ફોનને કાને ધરી મોટેથી બોલ્યો.

"હા કોણ બોલો..?"

સામેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું.

"એક કામ કરવાનું છે..જો તું એ કામ કરીશ તો હંમેશા માટે તું આરામથી રહી શકીશ એની ગેરંટી..અને એ માટે તારે જેલમાં જવાની પણ ફરજ નહીં પડે.."

"હા તો બોલો-બોલો શું કામ કરવાનું છે..હું તૈયાર છું એવું કામ કરવાં જે કર્યાં બાદ જીંદગી સરળતાથી જીવી શકાય.."ખુશ થઈને વનરાજ બોલ્યો.

"આવી જા રોડ ક્રોસ કરીને..એક સિલ્વર કલરની કાર ઉભી છે..ચૂપ-ચાપ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી આવી જા એ તરફ અને કારમાં બેસી જા."સામેથી એક શાંત અવાજ વનરાજનાં કાને પડ્યો.

"એ આવ્યો બે મિનિટ.."આટલું બોલી વનરાજે ફોન કટ કર્યો અને ફોનને સ્વીચ ઓફ કરી પોતાનાં ખિસ્સામાં સેરવી દીધો..અને આજુબાજુ થી આવતાં વાહનનું ધ્યાન રાખતો રાખતો વનરાજ નીકળી પડ્યો પોતાની આરામની જીંદગીનાં ખ્વાબ જોતો જોતો રોડની બીજી તરફ.!!

★★★★★

વઘુ આવતાં ભાગમાં.

વનરાજ નું રહસ્ય શું હતું..?મયુર જૈનની હત્યા કઈ રીતે થઈ હતી..?રાજલ કઈ રીતે કાતીલ સુધી પહોંચશે...?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)