મર્ડર @ રિવરફ્રન્ટ - 11 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર @ રિવરફ્રન્ટ - 11

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:11

અમદાવાદ શહેરમાં એક પછી એક બે લાશો મળી આવે છે..આ કોઈ સિરિયલ કિલર દ્વારા અંજામ આપવામાં આવતું કામ હોવાનું એસીપી રાજલ દેસાઈ એને મળતાં ગિફ્ટ બોક્સને આધારે અનુમાન લગાવે છે.. પોતાનાં ત્રીજા શિકારને પોતાની કેદમાં તડપાવવાની મજા લેતાં સિરિયલ કિલરને એ ખબર નથી હોતી કે એની ફુંકેલી સિગાર નાં દમ પર રાજલ એની સુધી પહોંચવાની તૈયારી કરી ચુકી હોય છે..

સવારે જેવી રાજલ પોલીસ સ્ટેશન પહોંચી એ સાથે જ એને મનોજ અને સંદીપ ક્યાં છે એવાં સવાલ પોતાનાં ત્યાં હાજર સ્ટાફને કરી જોયાં..જવાબમાં એને જાણવાં મળ્યું કે સંદીપ ફોરેન્સિક ઓફિસ ગયો હતો અને મનોજ IT ઓફિસ..એ બંને આવે ત્યાં સુધી એમની રાહ જોયાં વગર કોઈ છૂટકો ના હોવાથી રાજલ આવીને પોતાની કેબિનમાં બેસી.

સવારનાં દસ વાગ્યાં આજુબાજુ મનોજ ત્યાં આવી પહોંચ્યો..આવતાં ની સાથે એને રાજલ ને પોતાની જોડે રહેલાં ડોક્યુમેન્ટ આપતાં કહ્યું.

"મેડમ..આ મયુર જૈનનો જ ફોન છે એ IT ડિપાર્ટમેન્ટ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે..પણ IT ટીમે એ પણ કહ્યું કે આ મોબાઈલ પર આખાં દિવસમાં એક જ કોલ આવ્યો હતો..અને સીમ કાર્ડ કંપની એ પણ આ વાત માં પોતાની સહમતી દર્શાવી છે..અને મયુર ને એ કોલ કરનાર વ્યક્તિ એનો મિત્ર અને વિઝા કન્સલ્ટનન્ટ યાકુબ ખાન હતો.."

"મતલબ કે આ વખતે એ હત્યારા એ ખુશ્બુ સક્સેનાની માફક કોલ કરીને મયુર ને ત્યાં બોલાવ્યો નહોતો..પણ એ પોતાનાં શિકાર નો પીછો કરતો કરતો ત્યાં આવ્યો અને એનાં પાછાં આવવાની રાહ જોઇને બેઝમેન્ટમાંથી જ ઉભો રહ્યો.."મનોજની વાત સાંભળ્યાં બાદ રાજલ બોલી.

"હા મેડમ એવું જ કંઈક હશે.."રાજલની વાત સાથે સહમતી દર્શાવતાં મનોજ બોલ્યો.

અન્ય જરૂરી થોડી વાતચીત કરી મનોજ જેવો રાજલની કેબિનમાંથી બહાર નીકળ્યો એ સાથે જ ઇન્સપેક્ટર સંદીપ ત્યાં ઉતાવળાં ડગલે આવી પહોંચ્યો..આવતાં જ એને રાજલને ઉદ્દેશીને કહ્યું.

"મેડમ,આ સિરિયલ કિલર કોણ છે એની ખબર પડી ગઈ છે..તમને વનરાજ કોમ્પ્લેક્સનાં બેઝમેન્ટમાંથી જે સિગાર મળી એની ઉપર એક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ મોજુદ હતી..ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ દ્વારા એ ફિંગરપ્રિન્ટ ને જ્યારે આપણાં જોડે મોજુદ ક્રિમિનલ ફિંગરપ્રિન્ટ ડેટા જોડે મેચ કરવામાં આવ્યો તો એ પોલીસનાં ચોપડે નોંધાયેલાં એક વ્યક્તિ સાથે મેચ થઈ ગયો.."

સંદીપ નાં ચહેરા પર અત્યારે સુકુન ભરી તાજગી જોઈ શકાતી હતી..એની વાત સાંભળી રાજલે અધીરાઈ પૂર્વક પૂછ્યું.

"ઓફિસર,જલ્દી બોલો એ ફિંગરપ્રિન્ટ જેની સાથે મેચ થઈ એનું નામ શું છે..?"

"એનું નામ છે વનરાજ સુથાર..અને આ રહી એનાં નામે નોંધાયેલ ગુનાઓની લિસ્ટ.."પોતાનાં હાથમાં રહેલ એક પ્લાસ્ટિક ફોલ્ડર રાજલનાં હાથમાં મૂકી સંદીપે કહ્યું.

રાજલે તાત્કાલિક એ ફોલ્ડર લઈ લીધું અને એની અંદર મોજુદ વનરાજ સુથાર નાં પોલીસ ચોપડે ચડેલાં દરેક કારનામાં નો સીધો હિસાબ હતો..રાજલે એમાં લખેલું લખાણ વાંચવાનું શરૂ કર્યું.

"વનરાજ સુથાર પ્રથમ ગુનો પત્ની સાથે મારપીટ કરવી અને દહેજની માંગણી કરવી..સજા એક વર્ષ..જે પાછળથી નવ મહિનાની થઈ ગઈ."

"બીજો ગુનો એક જગ્યાએ દારૂ પી ને મારા મારી કરવી..સજા ત્રણ મહીનાં.."

"ત્રીજો ગુનો એક છોકરીની છેડતી કરવી અને વિરોધ કરવાં ઉપર એને મારી નાંખવાની ધમકી આપવી..સજા છ મહિના.."

આવાં તો બીજા આઠ ગુના વનરાજ સુથારનાં નામે બોલતાં હતા..જેમાં છેલ્લાં ગુનામાં તો કિડનેપિંગનાં કેસમાં મદદકર્તા તરીકે અઢી વર્ષની સજા ભોગવીને દસ દિવસ પહેલાં જ છૂટો થયો હતો..વનરાજ નાં ગુનાનું આ લાંબુ લચક લિસ્ટ જોઈને રાજલ બોલી.

"ઓફિસર,આ વનરાજનાં જેલમાંથી છૂટે ફક્ત દસ જ દિવસ વીત્યાં છે અને આ બધી હત્યાઓ પણ હમણાં જ શરૂ થઈ છે..આટલી માહિતી પૂરતી છે વનરાજ ને આપણી ગિરફતમાં લેવાં માટે.."રાજલ જોશમાં બોલી.

"હા તો પછી મેડમ નીકળીએ વનરાજ ને પકડવા માટે.."સંદીપ પણ ઉત્સાહમાં આવી બોલ્યો.

"વનરાજનાં ઘરનું એડ્રેસ છે C-203,મીનાક્ષી ટાવર,દક્ષિણી સોસાયટી રોડ,મણિનગર.."રાજલ પોતાનાં હાથમાં રહેલી વનરાજ સુથારની ફાઈલમાંથી એનાં ઘરનું સરનામું વાંચતાં બોલી.

"તો મેડમ,હું એક ટીમ રેડી કરું પછી આપણે નીકળીએ એનાં ઘરે તપાસ કરવાં..કેમકે આટલાં મોટાં સિરિયલ કિલરને પૂરતી તૈયારી વગર પકડવા જવું એ જીવ નાં જોખમથી પણ વધુ ગંભીર છે.."ચિંતિત મુખમુદ્રા સાથે સંદીપ બોલ્યો.

"You are right ઓફિસર..તમે જલ્દી ટીમ તૈયાર કરો આપણે દસ મિનિટમાં નીકળીએ એ સાયકો કિલરને પકડવા માટે.."રાજલ નો દમદાર અવાજ સંદીપ નાં કાને પડ્યો.

રાજલનાં આટલું બોલતાં જ સંદીપે મનોજ અને બીજાં ચાર કોન્સ્ટેબલો ને પોતાની સાથે એક ઓપરેશન ઉપર જવાનું છે એવું જણાવી શસ્ત્ર સરંજામ સાથે તૈયાર રહેવાં કહ્યું.. અને પંદર મિનિટમાં તો રાજલ અને એનાં સહકર્મચારી પોલીસકર્મીઓને લઈ જતી જીપ નીકળી પડી વનરાજ સુથાર નામનાં સંદિગ્ધ અપરાધીને પકડવા.મુંબઈ માં થયેલાં 26/11 નાં આતંકી હુમલા બાદ દરેક રાજ્ય સરકાર દ્વારા પોલીસકર્મીઓને પણ અદ્યતન ક્ષમતા ધરાવતાં હથિયારો પૂરાં પાડ્યાં હતાં.. અને જોડે સશસ્ત્ર ઓપરેશન માટે બુલેટપ્રુફ જાકેટ પણ દરેક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતાં.

અમદાવાદ નાં ભરચક ટ્રાફિક ને ચીરતી પોલીસ જીપ અડધાં કલાકમાં મીનાક્ષી ટાવર પહોંચી ચુકી હતી..સાત માળનાં મીનાક્ષી ટાવરમાં ચાર બ્લોક હતાં.A, B, C અને D..દિલીપે સીધી જ જીપ ટાવરનાં C બ્લોક માં લાવીને ઉભી કરી દીધી..રાજલ પોતાની ટીમ સાથે ચૂપચાપ જીપમાંથી હેઠે ઉતરી ગઈ..રાજલે મનોજ અને એક કોન્સ્ટેબલ ને નીચે જ બેકઅપ માટે રોકાઈ જવાનો હુકમ કર્યો અને એક કોન્સ્ટેબલ ને નીચે આવતાં દાદરામાં ઉભાં રહેવાનું કહ્યું.

બીજાં કોઈ રસ્તેથી વનરાજ ભાગી નીકળે તો એને કોઈકાળે હાથમાંથી છટકી નહીં દેવાનું પ્લાનિંગ એકદમ પરફેક્ટ રીતે રાજલે કર્યું હતું..ત્યારબાદ રાજલ સંદીપ અને બે કોન્સ્ટેબલ સાથે દાદરો ચડીને બીજાં માળે આવી પહોંચી..આવીને રાજલ સીધી ઉભી રહી ફ્લેટ નંબર 203 આગળ જે વનરાજ સુથારની માલિકીનો હતો.

રાજલે ત્યાં પહોંચી જોયું તો ફ્લેટ લોક હતો..પહેલાં તો રાજલને લાગ્યું કે ફ્લેટ અંદરથી બંધ હશે..પણ દરવાજાનું હેન્ડલ જોતાં રાજલ સમજી ગઈ કે ફ્લેટ બહારથી જ લોક હતો..તાળું નહોતું મારેલું પણ ડોર ઓટોમેટિક કી વડે લોક કરેલું હતું..આ દ્રશ્ય જોઈ રાજલ સંદીપ તરફ જોઈને બોલી પડી.

"લાગે છે એ સાયકો અહીં નથી..આપણાં આવ્યાં પહેલાં એ ક્યાંક નીકળી ગયો હોય એવું લાગે છે.."

"તો હવે શું કરીશું મેડમ..?"રાજલની વાત સાંભળી સંદીપ બોલ્યો.

સંદીપ નો સવાલ સાંભળી રાજલ થોડું વિચાર્યા બાદ બોલી.

"તોડી નાંખો દરવાજો..મને લાગે છે અંદર કોઈ એવું સબુત મળશે જે ચોક્કસ વનરાજ અત્યારે ક્યાં છે એની માહિતી આપશે.."

રાજલની વાત સાંભળી સંદીપે ડોકું ધુણાવ્યું..અને અન્ય બે કોન્સ્ટેબલો ની મદદથી લાગી ગયો વનરાજ સુથારનાં ફ્લેટનું બારણું તોડવાની કોશિશમાં.ચાર-પાંચ પ્રયાસમાં તો બારણાં નું લોક તૂટી ગયું..આ બધો અવાજ સાંભળી આજુબાજુ રહેતાં પાડોશીઓ બહાર નીકળી આવ્યાં..જેમને રાજલે આ એક પોલીસ કેસ છે એમ સમજાવી પોતપોતાનાં ફ્લેટમાં રહેવાં મોકલી દીધાં.

"મેડમ લોક તૂટી ગયું.."લોક તૂટતાં જ સંદીપ મોટેથી બોલ્યો.

સંદીપ નો અવાજ સાંભળી રાજલ વનરાજનાં ફ્લેટનાં દરવાજા તરફ આગળ વધી..ભલે અંદર કોઈ નહોતું એવી ખબર હતી છતાં રાજલે પોતાની સર્વિસ રિવોલ્વર હાથમાં લઈ લીધી..રાજલને અનુસરતાં અન્ય પોલીસકર્મીઓ પણ રિવોલ્વર હાથમાં લઈને આવનારી ગમે તેવી નવી મુસીબત માટે સાવધ થઈ ગયાં.

રાજલ અને એની ટીમે પાંચેક મિનિટમાં તો આખો ફ્લેટ ખુંદી વળ્યો..આ ફ્લેટમાં ફ્રીઝ,ટીવી જેવી હાલમાં સામાન્ય ઘરમાં પણ હોય એવી વસ્તુની પણ કમી જોઈ રાજલને નવાઈ લાગી..પણ પછી એ સમજી ગઈ કે જે વ્યક્તિ છેલ્લાં છ વર્ષમાં માંડ ચાર મહિના જેલની બહાર રહ્યો હોય એને આ બધી વસ્તુઓની જરૂર પડવાની પણ નહોતી..રાજલે બારીકાઈથી રસોડાનું નિરીક્ષણ કર્યું તો સ્ટવ ઉપર એક તપેલામાં રહેલાં દૂધ પર એની નજર પડી..રાજલે થોડું સુંધીને જોયું તો એને ખબર પડી ગઈ કે એ દૂધ ફાટી ગયું હતું.

રાજલે આમ-તેમ નજર ઘુમાવી પણ કોઈ અન્ય વસ્તુ એની નજરે ના ચડી એટલે એને સંદીપની તરફ જોઈને કહ્યું.

"લાગે છે વનરાજ છેલ્લાં બે-ત્રણ દિવસથી અહિયાં આવ્યો જ નથી..તું આસપાસનાં પડોશીઓને એ ક્યારનો અહીં નથી આવ્યો એ પૂછી જો..ત્યાં સુધી હું પ્રયત્ન કરું કે ક્યાંક એ સિરિયલ કિલર વનરાજ ક્યાં હશે એની થોડી ઘણી હિન્ટ મળી જાય.."

"Ok મેડમ.."આટલું કહી સંદીપ અદબભેર બહાર નીકળી ગયો અને રાજલ લાગી ગઈ બારીકાઈથી ફ્લેટમાં મોજુદ નાનામાં નાની વસ્તુનું નિરીક્ષણ કરવાં..કોઈ વસ્તુ પોતાની નજરથી છૂટી ના જવી જોઈએ એનું રાજલ પૂરતું ધ્યાન રાખી રહી હતી.

દસેક મિનિટ બાદ સંદીપ પાછો વનરાજનાં ફ્લેટમાં આવ્યો અને રાજલ જ્યાં શોધખોળ કરી રહી હતી એ જગ્યાએ આવીને બોલ્યો.

"મેડમ..પડોશીઓ જણાવે છે કે વનરાજ હજુ દસ દિવસ પહેલાં જ એકાદ વર્ષ પછી અહીં આવ્યો હતો..એનાં ચહેરાની દાઢી અને વાળ એટલાં વધી ગયાં હતાં કે એને ઓળખવો પણ એ બધાં માટે મુશ્કેલ થઈ પડ્યું હતું..એક પાડોશી મહિલાએ કહ્યું કે પરમદિવસ બપોરે એ જ્યારે પોતાનાં દીકરા ને સ્કૂલેથી લઈને આવતી હતી ત્યારે મીનાક્ષી ટાવરનાં ગેટ જોડે એને વનરાજ ને જોયો હતો..એ પછી એ અહીં આવ્યો નથી.."

"હમ્મ..મને લાગે છે અહીંથી તો વનરાજ ક્યાં હશે એની કોઈ માહિતી મળે એવી નથી..એક કામ કર તું એ પાડોશી મહિલાને સમજાવી આપણી સાથે લઈ લે..આપણે એને સ્કેચ આર્ટિસ્ટ જોડે લઈ જઈએ અને વનરાજ નો એક સ્કેચ બનાવીએ..કેમકે પોલીસ રેકોર્ડમાં એનો જે ફોટો છે એમાં તો એ ક્લીન શેવમાં છે..આ સ્કેચ બન્યાં બાદ એને શહેરનાં દરેક પોલીસ સ્ટેશનમાં મેઈલ કરી દો..અને અમદાવાદ શહેરની બધી પોલીસને આ સિરિયલ કિલરને પકડવામાં લગાવી દો.."રાજલે સંદીપ ની વાત સાંભળ્યાં બાદ કહ્યું.

રાજલ અને સંદીપ દ્વારા વનરાજની પડોશમાં રહેતી એ મહિલાને ઘણી સમજાવવામાં આવી કે એ પોલીસની મદદ કરે જેથી એ સાયકો કિલર વહેલી તકે પકડાઈ જાય..પણ એક સ્ત્રી હોવાથી એ પોલીસનાં જમેલામાં પડવાથી ડરી રહી હતી..માટે એને ચોખ્ખી ના કહી દીધી પોલીસની કોઈપણ જાતની મદદ કરવાની.વધારે સમય વેડફવો વ્યર્થ છે એમ માનીને રાજલે ત્યાંથી વિદાય લેવું ઉચિત સમજ્યું અને પછી એક ટેમ્પરરી લોક વનરાજ સુથારનાં ફ્લેટ ઉપર મારી પોતાની ટીમ સાથે એ જગ્યાએથી ચાલતી પકડી.

વનરાજ સુથાર ક્યાં હતો એની ખબર પાડવા શું કરવું એ વિચારવામાં ને વિચારવામાં રાજલનું માથું ભારે થઈ ગયું..રાજલે DCP રાણા ની મદદથી શહેરભરની પોલીસને એલર્ટ રહેવાં જણાવી દીધું..પોતાનાં સમગ્ર ખબરી નેટવર્કને પણ રાજલે એક્ટિવેટ કરી દીધું હતું એ સાયકો કિલરની ભાળ મેળવવામાં..આખરે વનરાજ હોય શકે તો ક્યાં હોઈ શકે એ જ રાજલ અને સમગ્ર પોલીસ ટીમ માટે એક મોટો પ્રશ્ન બની ગયો હતો.

સાંજનાં સાત વાગ્યાં સુધી રાજલ અને એની આખી ટીમ ભરચક કોશિશમાં લાગેલી હતી એ સાયકો કિલર વનરાજ સુથારને પકડવાની પળોજણમાં..રાજલ એક પછી એક કોલ કરી પોતાની રીતે બનતાં પ્રયત્ન કરી રહી હતી પોતાને ચેલેન્જ કરનારાં પોતાને એનો હત્યારો કહેતાં એ સિરિયલ કિલરનો કોઈ નવો શિકાર બને એ પહેલાં એને પકડવાની.

અચાનક એક પાંત્રીસેક વર્ષનો પુરુષ પોલીસ સ્ટેશનમાં આવ્યો અને રાજલને પોતે વનરાજ સુથારનો સ્કેચ બનાવવામાં મદદ કરી શકશે એની જાણ કરી એટલે રાજલે તાત્કાલિક એ વ્યક્તિને પોતાની કેબિનમાં આવવાની રજા આપી દીધી..એ વ્યક્તિએ જણાવ્યું કે પોતે વનરાજનો પાડોશી છે અને એનું નામ ધ્રુવ નાકરાણી છે.બપોરે પોલીસ ની ટીમ જે મહિલા જોડે સ્કેચ બનાવવામાં મદદ કરવાની માંગ કરી રહ્યાં હતાં એ એની જ પત્ની હિના નાકરાણી હતી.પોતે નોકરીમાંથી આવ્યાં બાદ જ્યારે આ બધી વાતની ખબર પડી એટલે પોલીસ ની મદદ કરવાનાં ઉદ્દેશથી તાબડતોડ અહીં આવી પહોંચ્યો.

રાજલે ધ્રુવ નાકરાણીની પોલીસ તંત્ર ની મદદ કરી એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પૂર્ણ કરી એ બદલ રાજલે એની પ્રસંશા કરી અને એક સ્કેચ આર્ટિસ્ટ ને બોલાવી વનરાજ સુથારનું સ્કેચ બનાવવાનું નક્કી કર્યું..રાજલે પણ આજે જ્યાં સુધી વનરાજ નું સ્કેચ તૈયાર ના થાય ત્યાં સુધી ઘરે જવાનો વિચાર પડતો મુક્યો.આખરે સ્કેચ આર્ટિસ્ટ દ્વારા રાતનાં અગિયાર વાગે એ વ્યક્તિનાં જણાવ્યાં મુજબનું આબેહુબ વનરાજ સુથારનું સ્કેચ તૈયાર થઈ ગયું.

મનોજ પણ હજુ સુધી પોતાની સિનિયર ઓફિસરની સાથે ત્યાં જ હાજર હતો..રાજલે એને ઉદ્દેશીને કહ્યું.

"મનોજ,આ સ્કેચ ને સ્કેન કરી બધાં પોલીસ સ્ટેશનમાં મોકલાવ અને જે તે પોલીસ સ્ટેશનનાં ઉચ્ચ અધિકારીને આવો કોઈ વ્યક્તિ એમનાં ધ્યાનમાં આવે તો એની ધરપકડ કરવાનો મેસેજ આપી દે.."

"Ok.. મેડમ.."આટલું બોલી રાજલે આપેલું સ્કેચ હાથમાં લઈને મનોજ ઉતાવળાં પગલે રાજલે બતાવેલાં કામને અંજામ આપવામાં લાગી ગયો.

રાજલે ધ્રુવ અને સ્કેચ આર્ટિસ્ટ નો આભાર માની એ બંને પોતપોતાનાં ઘરે જઈ શકે છે એ જણાવ્યું..રાજલની રજા મળતાં એ બંને ત્યાંથી નીકળી ગયાં.અડધાં કલાકમાં મનોજ રાજલે સોંપેલું પોતાનું કામ પૂર્ણ કરી ત્યાં રાતનાં બાર વાગ્યાં આજુબાજુ રાજલની કેબિનમાં આવ્યો અને બોલ્યો.

"મેડમ,બધાં પોલીસ સ્ટેશનમાં મેઈલ કરી દીધો છે અને દરેક પોલીસ સ્ટેશનનાં મુખ્ય પોલીસ અધિકારી ને તમે કહ્યું એમ મેસેજ પણ આપી દીધો છે.."

"Good.. ઓફિસર તો હું હવે ઘરે જવાં નીકળું..તમે પણ ચેતન ને ચાર્જ સોંપી ઘરે જવા નીકળો.."આટલું કહી રાજલ પોતાનાં સ્થાનેથી ઉભી થઈ અને પોતાનાં ઘરે જવાં માટે રવાના થઈ ગઈ.

રાજલને આજની રાત ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું..સિરિયલ કિલર કોણ હતું એની ખબર પડી ગઈ હોવાં છતાં પોતે હજુ સુધી કાતીલ સુધી પહોંચી નથી શકી એ વાતનો રાજલને ભારોભાર વસવસો હતો..રાજલની છઠ્ઠી ઇન્દ્રિય કહી રહી હતી કે આજની રાત ખરેખર કત્લની રાત છે..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

શું વનરાજ સિરિયલ કિલર હતો..?રાજલ વનરાજ સુધી કઈ રીતે પહોંચશે....?શું આ વખતે હત્યારો એનાં ત્રીજા કત્લ ને અંજામ આપી શકશે..?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)