Mission Vega books and stories free download online pdf in Gujarati

મિશન વેગા

મિશન વેગા

માનવજાતિ વર્ષોથી એલિયન્સની તલાશ કરી રહી હતી. સર્ચ ફોર એક્સ્ટ્રાટેરસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ (સેટી) જેવા અભિયાન દ્વારા પણ બુદ્ધિશાળી એલિયન્સની તલાશ જારી હતી પરંતુ હજી સુધી એમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. એલિયન્સ સુર્યમંડળમાં દેખાયાના બિનસત્તાવાર સમાચારો ઘણીવાર આવી જતાં પણ સત્તાવાર રીતે એલિયન્સ હજી સુધી મળ્યાં ન હતાં. પૃથ્વીવાસીઓ હવે મંગળવાસીઓ પણ બન્યાં હતાં. માણસોએ મંગળ પર વર્ષ ૨૦૩૦ થી કોલોનીઓ બનાવવાનું શરૂ કરેલું એ આજે વર્ષ ૨૦૭૦માં ધમધમી રહ્યું હતું. મંગળ પર માનવવસ્તીનો આંક થોડું થોડું કરતાં એક લાખને પાર થઇ ગયો હતો. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૭૦માં એલિયન્સના અસ્તિત્વ બાબતે એક મહત્વના સમાચાર મળ્યાં હતાં. સૂર્યમંડળથી બરાબર ૨૫ પ્રકાશવર્ષના અંતરે આવેલાં અભિજીત (Vega) નામના તારાનું વૈજ્ઞાનિકો ઘણા સમયથી અવલોકન કરી રહ્યાં હતાં. અભિજીત (Vega) તારો પૃથ્વીથી ૨૫ પ્રકાશવર્ષ દૂર હતો એટલે ત્યાંથી પ્રકાશકિરણો સ્વરૂપે આવતી માહિતી ૨૫ વર્ષ જૂની હોય એ સ્વાભાવિક હતું. પ્રકાશને પણ આટલું અંતર કાપતાં ૨૫ વર્ષ લાગી જતાં. ઘણા સમયના અવલોકન પછી હવે ફાઇનલી એ જાણવા મળ્યું હતું કે અભિજીત તારાની આસપાસ ૭ ગ્રહો ફરી રહ્યાં છે. એમાંથી એક બિલકુલ પૃથ્વીની સાઇઝનો છે. વૈજ્ઞાનિકોએ એને Vega P3 નામ આપ્યું. એ ગ્રહ પર પાણી હતું. પૃથ્વી સૂર્યથી જેટલાં અંતરે છે બિલકુલ એટલું જ અંતર Vega P3 અને અભિજીત તારા વચ્ચે હતું એટલે એનાં પર જીવસૃષ્ટી ખીલી હોવાની પુરી શક્યતા હતી. જોકે અભિજીત તારો આપણો સૂર્ય બન્યો એનાં ઘણાં વર્ષો પછી બન્યો હતો અને એની આસપાસના ગ્રહો પણ નવા હતાં એટલે એનાં પર બુદ્ધિશાળી જીવસૃષ્ટી ખીલી હોવાની શક્યતા નહિવત હતી. છતાં લીલ, શેવાળ, ફૂગ અને જળચર જીવો જરૂરથી વિકસ્યાં હોવાં જોઇએ.

વૈજ્ઞાનિકો ઘણા સમયથી અભિજીત પર મોકલવાના એક સ્પેસ મિશનનું આયોજન કરી રહ્યાં હતાં. અભિજીતની આસપાસ ફરતાં ગ્રહો, એ ગ્રહોનાં વાતાવરણ અને ખાસ તો Vega P3 પર કેવી જીવસૃષ્ટી છે, પૃથ્વી જેવી જ છે કે કંઇક અલગ પ્રકારના જળચર વિકસ્યાં છે એ બધાં અભ્યાસ માટે સ્પેસ મિશનનું આયોજન હતું જ પણ એ મિશન ધારણા કરતાં સહેજ મોડું પડ્યું હતું. મિશન સહેજ મોડું કરવાનું કારણ હતું સ્પેસટાઇમ વાર્પ ટેકનોલોજી. આ ટેકનિકનું પ્રાયોગિક ધોરણે લાગુ પડવું એક ક્રાંતિકારી પગલું હતું. એનું ટેસ્ટીંગ પુરૂં નહોતું થયું અને એ ટેકનિક સિવાય અભિજીત પર જવું અશક્ય હતું. એનું કારણ પણ સ્પષ્ટ હતું. માનો કે તમે પ્રકાશની ઝડપે પ્રવાસ કરો તો પણ તમારે અભિજીત સુધી પહોંચતા ૨૫ વર્ષ લાગે અને ત્યાં થપ્પો કરીને પાછા આવો એટલે પરત આવવાના બીજા ૨૫ વર્ષ એમ આખી ટ્રીપમાં કૂલ ૫૦ વર્ષ નીકળી જાય. આ તો પ્રકાશની ઝડપે જઇએ તો.. પરંતુ પ્રકાશની ઝડપે જવું તો શક્ય જ ન હતું. પ્રકાશની ૯૯% ઝડપે જઇ શકાય પણ પ્રકાશની ૧૦૦% ઝડપે બિલકુલ નહીં. બ્રહ્માંડની એ કુદરતી સીમા હતી. તમે કોઇપણ સંજોગોમાં એને પાર ન કરી શકો. સાયન્સ ફિક્શન વાર્તાઓના લેખકો માટે કલ્પનામાં પણ કુદરતની એ મહત્તમ સ્પીડ લિમિટ પાર કરવાની છૂટ ન હતી. પણ પણ પણ, હવે એમાં આ સ્પેસટાઇમ વાર્પ ટેકનોલોજી નવી આવી હતી. નવી પણ જબરદસ્ત ટેકનિક હતી. એમાં અવકાશયાનની આગળના ભાગે ખાસું ૫૦૦ મીટર આગળ રહે એ રીતે એક હાથો બનાવવામાં આવ્યો હતો. એમાં પૃથ્વી પરની સૌથી વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકતાં નેનો મશીન્સ ફીટ કરેલાં હતાં. આ મશીન્સ અતિશય ઉંચી ઉર્જાવાળો એક નેનો બોલ બનાવતા જે એક નાનકડા એટમિક બ્લેક હોલ જેવી ઇફેક્ટ આપી સ્પેસટાઇમમાં ઉંડો ખાડો (વક્ર) પાડી દેતાં. અવકાશયાન જેમ જેમ આગળ વધતું જાય એમ એમ એની આગળ પેદા થતી અસીમ ઊર્જા સ્પેસટાઇમને મરોડતી જાય. માનો કે એક કીડી ૧ મીટર લંબાઇના એક કાગળ પર એક છેડાથી બીજા છેડા સુધી જઇ રહી છે તો એણે ફરજીયાતપણે ૧ મીટરનું અંતર કાપવું જ પડશે, પછી ભલે એ ચાલીને કાપે, દોડીને કાપે કે ઉડીને કાપે. ચાલવામાં, દોડવામાં કે ઉડવામાં સમય અલગ અલગ લાગશે પણ એટલું અંતર તો કાપવું જ પડશે. પણ ધારો કે કીડી ચાલતી હોય એ વખતે કોઇ રીતે વચ્ચેના કાગળને જ મરોડી નાંખવામાં આવે તો? કીડી એક છેડેથી સીધી કુદકો મારી (મરોડાયેલા ખાડાને ઓળંગીને) સામેની બાજુ જતી રહે. અંતર કાપ્યાં વગર સીધું સામેના છેડે. બિલકુલ એ જ રીતે આ ટેકનિક કામ કરતી હતી. જોકે સ્પેસટાઇમનાં મરોડાવાની એક મર્યાદા હતી અને એટલે આ ટેકનિકથી સીધું અભિજીત પર પહોંચી જવાય એ શક્ય ન હતું. અવકાશયાન એક એકમ આગળ વધતું જાય એમ મરોડાતા સ્પેસટાઇમ સાથે લગભગ બે એકમ જેટલું અંતર કપાઇ જાય. આ રીતે મહત્તમ સ્પીડ સાથે પણ ૫૦ વર્ષથી ક્યાંય વધુ (લગભગ ૧૦૦ વર્ષ) નો પ્રવાસ ૩૦ વર્ષમાં પુરો થઇ જાય એવું આયોજન હતું. પરોક્ષ રીતે પ્રકાશ કરતાં વધુ ઝડપ અને તોય પ્રત્યક્ષ રીતે કોસ્મીક સ્પીડ લિમિટના કાયદાનો ભંગ નહીં. આખા મિશનનું બધું પ્લાનિંગ થઇ ગયું. પોતાની જીંદગીના ૩૦ વર્ષ કુરબાન કરી દેવા તૈયાર હોય એવાં અવકાશયાત્રીઓ પણ મળી ગયાં.

આખરે એ દિવસ આવી ગયો. મિશન વેગા લોન્ચ કરવાનું હતું. સમગ્ર દુનિયાના પ્રતિનિધિ તરીકે મિશન વેગાની જવાબદારી ભારતીય અવકાશી સંસ્થા ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ સ્વીકારી હતી. ચાર અવકાશયાત્રીઓ, જેમાં બે ભારતીય હતાં, સાથેનું અંતરિક્ષયાન અભિજીત (Vega) તારા તરફ રવાના થયું. કેપ્ટન કબીર અવકાશયાનના કમાન્ડર ઇન ચાર્જ હતાં. બીજા અવકાશયાત્રી એક મહિલા હતાં, કેપ્ટન કવિતા. અન્ય અવકાશયાત્રીઓ અમેરિકાના કેપ્ટન જેમ્સ સ્કોટ અને ઇઝરાયેલના કેપ્ટન ડેવ રેમન હતાં. આ સાહસિકો અજાણી દુનિયાની ખોજમાં નીકળી તો પડ્યાં હતાં પણ સતત ૩૦ વર્ષ સુધી અવકાશયાનમાં રહેવાના કારણે થતી માનસિક અસરોની ગંભીરતા ખબર ન હતી. અભિજીત તરફ જતાં એક વર્ષ માંડ વીત્યું હતું ત્યાંજ અંદરોઅંદર ઝગડા ચાલુ થઇ ગયાં. આ માનવસ્વભાવ હતો અને એની સામે આ સાહસિકોએ ઝઝૂમવાનું હતું. આ બધી બાબતોની ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવી હતી છતાં એ પરિસ્થિતીનો ખરેખર સામનો કરવો અઘરો હતો. જેમ તેમ કરીને આ ટીમે જીંદગીના દસ વર્ષ આ અવકાશયાનમાં કાઢી નાંખ્યાં. માનવશરીરને સુષુપ્તાવસ્થામાં મોકલી દેવાનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં અવકાશયાત્રીઓ જાગતાં રહેવાનું પસંદ કરતાં કારણકે સુષુપ્તાવસ્થાની માનવશરીર પર થતી અસરો વધારે કઠીન હતી.

સાડાબાર વર્ષે એ લોકો અભિજીત પર પહોંચી જાય એવી ગણતરી હતી. જેમતેમ કરીને દસ વર્ષ વીતી ગયાં હતાં. જી હા, અવકાશયાત્રીઓની જીંદગીના અમૂલ્ય ૧૦ વર્ષ એમના એમ વીતી ગયાં હતાં. જોકે એમાં સ્પેસમાં કરવામાં આવતાં કેટલાંક પ્રયોગો સામેલ હતાં છતાં ૧૦ વર્ષ આ રીતે વિતાવી દેવા જરા વિચિત્ર લાગતું હતું. ૧૦ વર્ષ ઉપર બે મહિના કશી નવાજૂની વગર પસાર થઇ ગયાં. મંજિલ હજી દૂર હતી. એવામાં અચાનક યાનના ગ્રવીટી સેન્સર્સ ગુરૂત્વાકર્ષણનું પ્રમાણ વધી રહ્યું હોવાનું દર્શાવવા લાગ્યાં. કેપ્ટન કવિતા સિવાયના બાકીના ત્રણ અવકાશયાત્રીઓ સુઇ ગયાં હતાં. અવકાશમાં તો રાત દિવસ જેવું કશું હોય નહીં એટલે જ્યારે સમય મળે ત્યારે આરામ કરી લેવાનો હોય. કેપ્ટન કવિતાએ બધું બરાબર ચેક કર્યું. આસપાસમાં કોઇ તારો કે ગ્રહ દેખાતો ન હતો છતાં ગુરૂત્વાકર્ષણ સતત વધતું જઇ રહ્યું હતું. કેપ્ટન કવિતાએ કમાન્ડર ઇન ચાર્જ કેપ્ટન કબીર અને બાકીના બંને અવકાશયાત્રીઓને ઉઠાડ્યાં. એ લોકો માટે પણ આ રહસ્ય હતું.

“સર, મને આ સમજાઇ રહ્યું નથી. કોઇ દેખીતા સ્ત્રોત વગર આટલું બધું ગુરૂત્વાકર્ષણ આવે છે ક્યાંથી?” કેપ્ટન કવિતાએ પુછ્યું.

“કેપ્ટન કવિતા, જરા એક્સ રે સેન્સર વડે ગુરૂત્વાકર્ષણના સ્ત્રોતનું ઉદગમ ચકાસો અને જૂઓ ડેટા શું કહે છે.” કબીરે જવાબ આપ્યો.

એક્સ રે નો ડેટા દર્શાવતો હતો કે નજીકમાં જ ક્યાંકથી એક્સ રે (ક્ષ-કિરણો) નો ધોધ વહી રહ્યો હતો.

“આટલા બધાં એક્સ રે એકસાથે?,, ધેટ મીન્સ....” કેપ્ટન ડેવ રેમન ચોંકી ઉઠતાં અધૂરા વાક્ય સાથે બોલ્યાં.

“ધેટ ઓન્લી મીન્સ કે આપણી આસપાસમાં કોઇ મોટો બ્લેક હોલ છે. કેપ્ટન કવિતા અને કેપ્ટન સ્કોટ જલદી અવકાશયાનને એક્સ રે ના ઉદગમથી શક્ય એટલું દૂર લઇ જાઓ. નહીતર આપણે ક્યારેય આપણા ઘરે પાછા નહીં પહોંચી શકીએ.” કેપ્ટન કબીરે રીતસર બૂમ પાડતાં કહ્યું.

“ઓકે સર. હાલ જ યાનની દિશા બદલી નાંખીએ. પણ સર, તમે એવું કેમ કહ્યું કે આપણે ક્યારેય આપણા ઘરે પાછા નહીં પહોંચી શકીએ?” કવિતાએ જીજ્ઞાસાવશ પુછ્યું.

“કેપ્ટન કવિતા, તમે થિયરીમાં તો ભણ્યા જ છો કે બ્લેક હોલની નજીક જતાં સમય ધીમો પડે છે. પણ આપણને એનો પ્રાયોગિક અનુભવ નથી. વેલ, આ હતો એનો પ્રાયોગિક અનુભવ. તમને ખબર પણ નહીં પડે. બ્લેક હોલની નજીક બધું રાબેતા મુજબ જ ચાલતું હોય એવું તમને લાગશે. પછી જ્યારે તમે એ અનુભવમાંથી બહાર આવશો ત્યારે ખબર પડશે કે બહારની દુનિયામાં તો હજારો વર્ષ વીતી ગયાં. પછી તમે પૃથ્વી પર પહોંચો ત્યારે ખબર પડે કે તમારા બધા સગાસંબંધીઓ તો અવસાન પામ્યા છે અને અત્યારે એમની દસમી પેઢી જીવી રહી છે.” કેપ્ટન કબીર ઠંડા કલેજે બોલ્યાં.

કબીરની વાત સાંભળી કવિતાને પરસેવો વળી ગયો. એણેય ટ્રેનિંગમાં આ બધો અભ્યાસ કર્યો હતો પણ જ્યારે ખરેખર સમયને ધીમો પડતો જોવાનો આવે ત્યારે રૂંવાડા અધ્ધર થઇ જાય છે.

“થેંક ગોડ.. આપણે એ કાળમુખા બ્લેક હોલથી દૂર આવી ગયાં” કવિતાએ હાશકારો અનુભવ્યો.

“નો કેપ્ટન.. નો.. આપણે બહાર તો આવી ગયાં પણ બ્લેક હોલની નિશ્રામાં આપણે જે ગણતરીની સેકન્ડ વિતાવી એનાથી પણ મને લાગે છે ત્યાં સુધી આપણાં પ્રવાસનું દોઢ વર્ષ વધી ગયું..” કબીર કમ્પ્યુટરના ડેટા પરથી કંઇક ગણતરી કરતાં બોલ્યો.

બાકીના ત્રણેય અવકાશયાત્રીઓ ફાટી આંખે એકબીજાની સામે જોવાં લાગ્યાં.

અવકાશયાન અભિજીત તારા તરફ આગળ વધી રહ્યું હતું. યાનની કમાન અત્યારે કબીરના હાથમાં હતી. એટલામાં અચાનક બીજા એક સુપરફાસ્ટ યાને એમના યાનને ઓવરટેક કર્યું. બિલકુલ સામે આવીને એ યાન આ તરફ ફર્યું. એણે કબીરના યાન પર લેસરગનથી હુમલો કરવાનું ચાલુ કર્યું. અચાનક અન્ય યાનને આ રીતે હુમલો કરતાં જોઇ ચોંકી ઉઠેલા કબીરે યાનને ઉપર નીચે કરીને સામેવાળા યાનથી દૂર ભગાવ્યું. બાકીના ત્રણ અવકાશયાત્રીઓ ચોંકી ઉઠ્યાં.

“સર. આ શું.. આ અવકાશયાન ક્યાંથી આવ્યું?” જેમ્સ સ્કોટ બોલ્યો.

“કબીર સર.. અમે લોકો તો Vega P3 પર પહોંચ્યા પછી લીલ અને માછલીઓ જોવાની અપેક્ષા રાખતાં હતાં એમાં આ બુદ્ધિશાળી જીવો ક્યાંથી આવી ચડ્યાં.” કવિતાએ રઘવાટથી ભરેલા અવાજે કહ્યું.

“મને નથી ખબર. મને કંઇજ નથી ખબર. હાલ તો આવી પડેલી પરિસ્થિતીનો સામનો કરવાનો છે.” કબીરે કહ્યું.

મહત્તમ ઝડપે દોડાવવા છતાં પેલું યાન કબીરના યાનનો પીછો નહોતું છોડી રહ્યું. વચ્ચે વચ્ચે એ લેસર ગનથી ફાયરિંગ કરતું હતું. ક્યાંક યાન ડેમેજ ન થઇ જાય એની ચિંતા કબીરને સતાવી રહી હતી. કબીર પણ વાંકાચુકા સર્પાકાર માર્ગે યાનને દોડાવી રહ્યો હતો. અચાનક સાઇડમાંથી બીજું યાન આવ્યું. એ બીજું યાન સાઇડમાંથી કબીરના યાન પર લેસર વરસાવી રહ્યું હતું. ચારેય અવકાશયાત્રીઓ ગભરાઇ ગયાં. યાનનું બાહ્ય આવરણ હવે વધુ ટક્કર ઝીલી શકે એમ ન હતું. બાહ્ય આવરણ ચીરાય તો યાન ગમે તે ક્ષણે કામ કરતું બંધ થઇ જાય એમ હતું. કબીર ઉચાટ જીવે યાનને આમતેમ ઘુમાવી રહ્યો હતો.

આ બધો તમાશો ચાલુ હતો એ જ વખતે સામેની બાજુથી બીજા બે અવકાશયાન આવી ચડ્યાં. એમનું બંધારણ જોતાં એ જરા વધુ સારા મટીરીયલમાંથી બનાવેલાં લેટેસ્ટ ટેકનોલોજીના હોય એમ જણાતું હતું. એ યાનોએ પેલા બે ત્રાસવાદી યાનો પર લેસરનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. થોડીક ઝીંક ઝીલ્યા પછી પેલાં બંને યાનો નાસી ગયાં. હવે આ નવા બે યાનો કબીરના અવકાશયાનની આસપાસ આવ્યાં. યાનના ડેશબોર્ડ પર કોઇ અજાણી ભાષામાં અવાજ આવ્યો. એ લોકોએ કંઇક ડેટા કબીરના અવકાશયાનમાંના કમ્પ્યુટરને મોકલ્યો હતો. કબીર તરતજ સમજી ગયો કે આ એક પ્રકારનું લેંગ્વેજ રેકગ્નાઇઝર સોફ્ટવેર હતું. કબીરે ક્વોન્ટમ કોડ્સમાં અંગ્રેજી ભાષાના મૂળક્ષરો અને એના વ્યાકરણને લગતો તમામ ઉપલબ્ધ ડેટા એ સોફ્ટવેરમાં નાંખ્યો. એમાં આ પ્રકારનો ઇનપુટ નાંખી શકવાની ફેસીલીટી દેખાતી હતી. બીજી તરફ કબીર પાસે આ પ્રકારનો ભાષાકીય ક્વોન્ટમ ઇનપુટ ઉપલબ્ધ હતો. પાંચેક મિનિટમાં તો આ સોફ્ટવેરે બંને ભાષાના વ્યાકરણને મેથેમેટીકલી સમજી લીધું અને અરસપરસ ભાષાંતરનો માર્ગ તૈયાર કરી દીધો.

“હેલો. હું કેપ્ટન ઝચાર્સ છું. વેલકમ ટુ અવર સ્ટાર સિસ્ટમ... અને પેલા હુમલાખોરોએ તમારા પર કરેલા હુમલા બદલ માફી ચાહું છું. એ લોકો હવે અમારા કહ્યામાં નથી એટલે..” કેપ્ટન ઝચાર્સનો અવાજ સંભળાયો. હવે સાઉન્ડના કોઇપણ સાધનો ભાષાંતર કરીને અવાજ પ્રસારિત કરી રહ્યાં હતાં. કેપ્ટન ઝચાર્સનો માત્ર અવાજ આવી રહ્યો હતો.

“હલો કેપ્ટન. હું કેપ્ટન કબીર. અમે ૨૫ પ્રકાશવર્ષ દૂર આવેલા સૂર્ય નામના તારાના પૃથ્વી નામના ગ્રહ પરથી આવીએ છીએ.” કબીરે ઝચાર્સને જવાબ આપ્યો.

સામસામી વાતચીત તો થઇ પણ આમ અચાનક બુદ્ધિશાળી એલિયન્સનું આવી ચડવું ચારેય અવકાશયાત્રીઓ માટે દહેશતથી ભરેલું હતું. એમાંય હજી સુધી આ એલિયન્સનો અવાજ જ સંભળાતો હતો. એ કેવા લાગે છે એ વિશે હજી કોઇ જાણકારી ન હતી.

“કેપ્ટન કબીર. અમે તમને અમારી સ્પેસ કોલોની પર આવકારીએ છીએ. અમારી સ્પેસ કોલોની અહીં નજીકમાં જ છે. યુ આર મોસ્ટ વેલકમ..” કેપ્ટન ઝચાર્સે આમંત્રણ આપતાં કહ્યું. આમંત્રણનો અસ્વીકાર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો કે કેમ એ વિશે પણ કોઇને કંઇ ખબર ન હતી. કબીરે ત્રણેય અવકાશવીરો સામે જોયું. નજરોથી એ બધાની સંમતિ લઇ એણે ઝચાર્સને હા પાડી. પેલાં બંને અવકાશયાન કબીરના યાનને એસ્કોર્ટ કરીને એક અત્યાધુનિક સ્પેસ સિસ્ટમ તરફ દોરી ગયાં. ત્રણ કલાકની મુસાફરી પછી અવકાશમાં તરતાં એક અત્યાધુનિક શહેર સુધી એ લોકો પહોંચ્યાં.

સામેથી શરૂ કરીને નજરોની મર્યાદા પુરી થાય ત્યાં સુધી ફેલાયેલું અવકાશી શહેર ટેકનોલોજીની ચરમસીમાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું. એકાદ કિલોમીટર સુધી ફેલાયેલા બસ્સો બસ્સો માળની બિલ્ડીંગો જેવો સરસ ક્યુબિક આકારના એપાર્ટમેન્ટ ધ્યાનાકર્ષક હતાં. એ પછી બસ્સો માળ કરતાંય ઉંચુ જાયન્ટ વ્હીલ (વિરાટ ચક્ર) આવતું હતું. જે સતત ફરતું રહીને અને પેલાં બસ્સો માળના બિલ્ડીંગને ધીમે ધીમે ફેરવતું રહીને કૃત્રિમ ગુરૂત્વાકર્ષણ પેદા કરતું અને ગુરૂત્વાકર્ષણનું નિયત પ્રમાણ એડજસ્ટ કરતું હતું. એ વિરાટ ચક્ર પછી ફરીથી પાછું એક કિલોમીટર લાંબું બસ્સો માળનું સરસ મજાનું ક્યુબિક સ્ટ્રક્ચર આવતું. આ બીજા નંબરનું ક્યુબિક સ્ટ્રક્ચર પહેલા નંબરના ક્યુબિક સ્ટ્રક્ચર સાથે 45˚ ના ખૂણે નમેલું રહેતું. એ પછી ફરીથી ગોળ ફરતું વિરાટ ચક્ર આવતું અને ત્યારબાદ ત્રીજા નંબરનું ક્યુબિક સ્ટ્રક્ચર.. એ પાછું બીજા નંબરના ક્યુબિક સ્ટ્રક્ચર સાથે 45˚ ના ખૂણે (એટલે કે પ્રથમ ક્યુબિક સ્ટ્રક્ચર સાથે 90˚ ના ખૂણે) નમેલું રહેતું. આ આખુંય સ્ટ્રક્ચર ધીમે ધીમે ફરતું રહેતું. અદભુત ઇજનેરી અજાયબી જોઇ ચારેય અવકાશયાત્રીઓની આંખો પહોળી થઇ ગઇ. આ વિરાટ બંધારણને ડાબી બાજુનાં એક ભાગ પર બનાવેલાં પ્લેટફોર્મ પર બધાં અવકાશયાનોએ ઉતરાણ કર્યું. કબીર અને એની ટીમ બહાર આવી. કેપ્ટન ઝચાર્સ અને એની ટીમ પણ બહાર આવી.

એમને જોતાંવેંત કબીર અને એની ટીમ ચોંકી ઉઠી. આ એલિયન્સ તો માણસ જેવાંજ દેખાતાં હતાં. બે આંખ, બે કાન, એક નાક, મોઢું, હાથ, પગ બધું માણસ જેવું જ હતું. જોકે કેટલાંક મૂળભૂત તફાવત હતાં. એક તો એ લોકોની હાઇટ ખાસ્સી ઉંચી હતી અને બાંધામાં પણ એ ખાસ્સા કદાવર હતાં. એ લોકો આઠ ફૂટ જેટલી એવરેજ હાઇટ ધરાવતા હશે એવું લાગ્યું. એમની કદાવર કાયાની સરખામણી પૃથ્વી પરના રહસ્યમય હિમમાનવ સાથે થઇ જાય એવી એમની કાયા હતી. બીજું એ લોકોની ચામડીનો રંગ માણસથી ખાસ્સો અલગ પડતો હતો. એમની ચામડી રતાશ પડતી હતી. પ્રાથમિક રીતે અમેરિકાના રેડ ઇન્ડીયન્સ જેવી ચામડી લાગતી હતી પણ એ રેડ ઇન્ડીયન્સ કરતાં જરા વધુ રતાશ પડતી હતી. એટલામાં ઝચાર્સ એમના તરફ આગળ વધ્યો.

“આપ અમારા મહેમાન છો એટલે સહેજ પણ ગભરાશો નહીં. ઝીવાન ગ્રહના લોકો આજે પણ એમની મહેમાન નવાઝી ભૂલ્યાં નથી.” ઝચાર્સે પોતાના ગ્રહને યાદ કરતાં કહ્યું. એની વાત પરથી ખ્યાલ આવ્યો કે એનાં ગ્રહનું નામ ઝીવાન છે.

ઝચાર્સ એ લોકોને દોરીને નજીકની એક જગ્યાએ લઇ ગયો. એ ત્યાંની કોઇ હોટલ હોય એવું લાગતું હતું. થોડીવારમાં એમને ભોજન પીરસવામાં આવ્યું. આમાંથી એકેય ભોજન આ ચારેય અવકાશયાત્રીઓએ ક્યારેય જોયું ન હતું. આ ચારેયની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી હતી. હજી એમને એ ખબર ન હતી કે એ જેની સાથે ભોજન લઇ રહ્યાં છે એ એમને જવા દેશે કે નહીં. આ ભોજન કરવું કે નહીં. છતાં કબીરે શરૂઆત કરી એટલે બાકીના ત્રણેય એને અનુસરવા લાગ્યા.

“આપે સ્પેસ સીટી બનાવ્યું છે તો આપના ગ્રહને કંઇ થયું છે કે પછી એમજ.......” કબીરે ન પુછવાનો પ્રશ્ન પુછી લીધો.

“અમારો ગ્રહ ઝીવાન અહીંથી નજીકમાંજ છે. પણ હવે એ રહેવાલાયક રહ્યો નથી. અમારા પૂર્વજોએ ગ્રહના પેટાળમાંના કુદરતી ભંડારોનો અવિચારિપણે ઉપયોગ કર્યો. એમ કહો કે ઉપભોગ કર્યો. પેટાળના ભંડારો ખુટી ગયાં અને વાતાવરણમાં ઝેરી વાયુઓનું સામ્રાજ્ય ફેલાઇ ગયું. અમારો ગ્રહ ગરમ થવા લાગ્યો. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અમારા માટે વૈશ્વિક સમસ્યા બની ગઇ. અમે લોકોએ એના ઉકેલ માટે ઘણા પ્રયત્નો કર્યાં પણ આખરે એ અમારા કાબુ બહાર જતું રહ્યું. અમારો ગ્રહ ઝીવાન અમારા માટે રહેવાલાયક ન રહ્યો. અમારો ગ્રહ હવે બળબળતી ભઠ્ઠી છે. સળગતું રેગિસ્તાન છે. અમારી પ્રજાતિની વસ્તી પણ નિયમ સીમા કરતાં વધુ પ્રમાણમાં વધી ગઇ હતી. એટલે અમારે કરોડો લોકોના જીવ ગુમાવવા પડ્યા. અમે લોકો સમયસર અવકાશમાં તરતાં શહેરો ન બનાવી શક્યાં. એમાં ને એમાં અમારા ગ્રહ પર અંધાધુંધી સર્જાઇ. તમે જે ઇજનેરી અજાયબી જોઇ રહ્યાં છો એ મરતાં માણસે બચવાના આખરી પ્રયત્નોરૂપે બનાવેલું અને પછી ધીરે ધીરે સુધારેલું સ્ટ્રક્ચર છે. અમે આ બધું બનાવવામાં મોડા પડ્યાં. અમારા ગ્રહના મીડલ ક્લાસ અને ગરીબ લોકોનો સંપૂર્ણપણે ભોગ લેવાઇ ગયો. એમને સમયસર સ્પેસ સીટીમાં લાવી શકાયા નહી. એ લોકો ઝીવાન ગ્રહ પરજ શેકાઇને મરી ગયાં. આ પ્રકારનો મૃત્યુઆંક પણ કરોડોમાં હતો. માત્ર અમીર માલેતુજારો પૈસા અને રાજકીય વગના જોરે ટકી શક્યાં. એ બધાં આ સ્પેસ સીટીમાં આવી ગયાં. અત્યારે એ વાતનેય ૪૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે તો આ સ્પેસ સીટીમાં એમની પણ આગામી પેઢી આવી ગઇ છે.” ઝચાર્સે ભૂતકાળની યાદોમાં ખોવાતાં કહ્યું.

“ઓહ.. તમારે ઘણુબધું વેઠવું પડ્યું હશે.” કબીરે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું.

“હા. અમારી પ્રજાતિએ ઘણું વેઠ્યું છે.” ઝચાર્સે કહ્યું.

“તમારો ગ્રહ તો અભિજીત તારાની આસપાસ પ્રદક્ષિણા કરતો નથી તો પછી તમારા ગ્રહનો તારો મતલબ તમારો સુર્ય ક્યાં ગયો? અને તમે લોકો અભિજીત તારાના ગ્રહ પર સેટ કેમ નથી થઇ જતાં?” કવિતાએ નિખાલસતાથી પુછ્યું. ઝચાર્સ અને એની ટીમના અલ્ટ્રામોર્ડન કપડામાં રહેલું ભાષાંતર યંત્ર જ હવે ભાષાંતર કરતું હતું એટલે ક્મ્યુનિકેશનનો પ્રશ્ન હવે ન હતો.

“ઝીવાન ગ્રહ પરના બધા દેશોની સરકારોએ ભેગા મળીને આ સ્પેસ કોલોની સ્થાપવાનું સંયુક્ત સાહસ કર્યું છે. સ્પેસ કોલોની ઉપરાંત હવે અમારી નજર અભિજીત તારા પર છે. એનાં ત્રીજા નંબરના ગ્રહ પર હરિયાળી દુનિયા છે. પણ એના પર જીવસૃષ્ટી પાંગરવાની હજી શરૂઆત થઇ રહી છે. ઝીવાન ગ્રહ સાથે અમે જે ભૂલ કરી એ અભિજીતના ગ્રહ સાથે કરવા માંગતાં નથી. એટલે અમે એ જીવસૃષ્ટીને પાંગરવાની તક આપીશું. ધીમે ધીમે થોડી થોડી સંખ્યામાં અમે ત્યાંની ઇકોસિસ્ટમ સાથે સેટ થઇશું. પછી અમે ત્યાં રહેઠાણ બનાવીશું. વાત રહી અમારા તારાની તો અમારો તારો, તમારી ભાષામાં કહું તો અમારો સુર્ય અમારી જ ભૂલોના કારણે અસ્ત પામ્યો. ગ્લોબલ વોર્મિંગ અત્યંત વધી ગઇ હોવાના કારણે અમે તારા પર પ્રયોગો કરવાનું નક્કી કર્યું. અમે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા એવો પ્લાન બનાવ્યો કે અમારા તારા (સુર્ય) માંથી ઉર્જાને ખેંચીને માઇક્રોવેવ સ્વરૂપે બાહ્યાવકાશમાં મોકલી દેવી. અમારી પાસે એવી ટેકનોલોજી હતી કે જેથી અમે સુર્યની ઉર્જાનું ધીરે ધીરે શોષણ કરી શકીએ. પણ અમારા પાસા અવળા પડ્યાં. અમને લાગ્યું કે આમ કરવાથી સુર્ય ઠંડો પડશે. આ તો આ રીતે ઉર્જા ખેંચી લેવાથી સુર્યની અંદરથી બહારની તરફ આવતાં ન્યુક્લિયર પ્રેશરમાં ભયંકર ઘટાડો આવ્યો અને સુર્યના બહારથી અંદરની તરફના પ્રેશરમાં (ગુરૂત્વાકર્ષી પ્રેશરમાં) ધરખમ વધારો થવા લાગ્યો. આ એ ક્ષણ હતી જ્યારે અમારો તારો અંદરથી તુટવા લાગ્યો. એ પોતાનામાંજ ધસી પડ્યો. અને આખરે અમારો તારો બ્લેક હોલ બની ગયો. એ ક્ષણ અમારા બધા માટે અત્યંત દુ:ખદ હતી. અમારે બધું છોડીને રાતોરાત અડધાપડધા બનેલા આ સ્પેસ સીટીમાં આવી જવું પડ્યું. તમે અહીં આવતી વખતે રસ્તામાં જે બ્લેક હોલના દર્શન કર્યાં એજ છે અમારો તારો..” ઝચાર્સ આશ્ચર્યના એક પછી એક આંચકા આપી રહ્યો હતો.

“કેપ્ટન ઝચાર્સ. પેલા અમારા યાન પર હુમલો કર્યો એ કોણ હતાં?” ઝચાર્સ આગળ કંઇ બોલે એ પહેલાં જેમ્સ સ્કોટે પુછી લીધું.

“અમે લોકોએ એટલે કે સરકારોએ ભેગા થઇ આ કાયદેસરની કોલોની બનાવી છે. પણ કેટલીક કંપનીઓને એ નથી ગમ્યું. અભિજીતના ગ્રહ પર જવા માટે અમે શાંતિ રાખી રહ્યાં છીએ એ પણ એમને નથી ગમતું. એ લોકો અભિજીતના ત્રીજા ગ્રહ પર આધિપત્ય સ્થાપવા માંગે છે અને અમે એમને એમ કરવા દઇએ એમ નથી. એટલે એ લોકો છુટક રખડુ બળવાખોરોનો સાથ લઇ અમારા પર હુમલો કરાવે છે. અભિજીતના ત્રીજા ગ્રહ ઉપરાંત અભિજીત તારાનો છઠ્ઠો ગ્રહ પણ ખનીજોની રીતે અત્યંત સમૃધ્ધ છે. આ છઠ્ઠો ગ્રહ તમારા સુર્યમંડળના સૌથી મોટા ગ્રહ ગુરૂ ગ્રહ જેવડો જ છે. એ સિવાય એ છઠ્ઠા ગ્રહનો એક સરસ મજાનો ઉપગ્રહ છે. એના પર પાણી છે. એ પણ રહેવા માટે ઉત્તમ સ્થળ બની શકે એમ છે. આ કંપનીઓવાળા એની પાછળ પડ્યાં છે. પણ અમે લોકોએ એક ઇકોસિસ્ટમ તો બરબાદ કરી નાંખી. હવે બીજી ઇકોસિસ્ટમ બરબાદ નથી કરવી.” ઝચાર્સે કહ્યું.

“એક મિનિટ.. આપણે તો ગુરૂ ગ્રહ વિશે કોઇ વાત થઇ જ નથી. તો પછી તમને કેવી રીતે ખબર પડી કે અમારા સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરૂ છે.” કબીરે ઝચાર્સ સામે શંકાની નજરે જોતા કહ્યું. કવિતા અને અન્ય બંને અવકાશયાત્રીઓનો શ્વાસ બે મિનિટ માટે ઉંચો થઇ ગયો.

“મિત્રો. ચિંતા ના કરશો. હું કોઇ તમારો દુશ્મન નથી. હા એ વાત સાચી છે કે અમને તમારા સુર્યમંડળ વિશે ઘણુંબધું ખબર છે. અને એનું કારણ એ છે કે ક્યારેક ક્યારેક અમે લોકો તમારા સુર્યમંડળમાં ફરવા આવીએ છીએ.” ઝચાર્સે કહ્યું.

“ફરવા?? ૨૫ પ્રકાશવર્ષ દૂર કોઇ ફરવા ન આવી શકે..” કબીરે શંકાશીલ ભાવ દર્શાવતાં કહ્યું.

“કેપ્ટન કબીર. તમારા સુર્યમંડળના છેલ્લા ગ્રહ પ્લુટો (જે હવે લઘુગ્રહ છે) થી આગળના સ્પેસટાઇમનું બારીકાઇથી અવલોકન કર્યું છે? ત્યાં તમને ક્યારેય કોઇ સ્પેસટાઇમ ડિસ્ટર્બન્સ દેખાયું છે ખરૂં?” ઝચાર્સે સહેજ સ્માઇલ આપતાં કહ્યું.

“ના..” કબીરે જવાબ આપ્યો.

“કબીર. કેટલીક વસ્તુઓ કુદરતી રીતે જોડાઇ જતી હોય છે. અમારો તારો બ્લેક હોલ બન્યાં પછી એની ગહેરાઇઓનું સંશોધન કરવા ઘણા મહારથીઓ તૈયાર થયાં. કહો કે કૂરબાની વહોરવા તૈયાર થયાં. પણ એ લોકો જ્યારે અંદર પ્રવેશ્યાં ત્યારે ખબર પડી કે આ તો વર્મ હોલ બની ગયો છે. આ વર્મ હોલનો સામો છેડો તમારા સુર્યમંડળમાં પ્લુટોની બાજુમાં પડે છે. એ પછી ક્યારેક ક્યારેક અમે લોકો ત્યાં આવ્યાં છીએ. ૯૯% અદૃશ્ય હોય એવી પારદર્શક ધાતુના યાનમાં અમે પૃથ્વીની મુલાકાત પણ લીધી છે. ક્યારેક કોઇકે અમને જોવાના દાવા પણ કર્યાં છે.” ઝચાર્સે કહ્યું.

“ઓહ.. ધેટ્સ અનબિલિવેબલ..” ડેવ રેમન બોલી ઉઠ્યો.

“ફરી ફરીને કહું છું કે અમે તમારા મિત્રો જ છીએ. મિત્રના નાતે કહું છું કે તમે લોકો અમારા જેવી ભૂલો ન કરતાં. તમારા ગ્રહને સાચવજો. પૃથ્વીના કુદરતી ભંડારોને બચાવજો. ગ્લોબલ વોર્મિંગ ઘટાડજો. પ્રકૃતિ સાથે અનુકૂલન સાધતા શીખજો. જો પૃથ્વી સાથે તમે સેટ થઇ જશો તો પૃથ્વી તમારી સાથે સેટ થશે. હરિયાળુ વાતાવરણ બનાવી રાખજો. આ બધી કાળજી લેવા છતાં ટેકનોલોજીકલ વિકાસ પણ એટલો જ જરૂરી છે. સ્પેસ કોલોની બાંધવાનું વિચારજો અને વિકસાવજો. ભવિષ્યમાં જ્યારે તમારો સુર્ય એનું બળતણ ખાલી કરવાનો હશે ત્યારે સ્પેસ કોલોની જ કામમાં આવશે.” ઝચાર્સે કોઇ વડીલની અદાથી સલાહ આપી.

એટલામાં દૂર ક્યાંક જોરદાર બ્લાસ્ટ થયો. એકાદ મિનિટમાં તો ઝચાર્સ અને એની ટીમને સૂચના મળી કે પેલી કંપનીઓએ સાથે મળી સ્પેસ કોલોની પર હુમલો કર્યો છે. અત્યાર સુધીના ઇતિહાસનો આ સૌથી મોટો હુમલો છે. એટલી વારમાં તો અવકાશમાં જથ્થાબંધ યાન દેખાવા લાગ્યાં. સ્પેસ કોલોની તરફથી પણ ઘણાબધાં યાન એમનો સામનો કરવા જવા લાગ્યાં. સામસામું યુધ્ધ ખેલાઇ રહ્યું હતું.

“મિત્રો. તમે ફટાફટ અહીંથી નીકળો. તમને કંઇ નૂકસાન થશે તો મને નહી ગમે. અને હા, હવે લોંગ કટ વાપરવાની જરૂર નથી. ભલે તમારી પાસે સ્પેસ ટાઇમ વાર્પ ટેકનોલોજી હોય પણ આ રીતે જવામાં તમારા દસ પંદર વર્ષ વેડફશો નહીં. વધુ એક વખત મારા પર વિશ્વાસ રાખી તમારા યાન સાથે બ્લેક હોલમાં કુદી જુઓ. સીધા તમારા સુર્યમંડળમાં પહોંચી જશો. એક વર્ષ કરતાં પણ ઓછાં સમયમાં તમે ઘરે પહોંચી જશો. ઓલ ધ બેસ્ટ. તમારો પ્રવાસ શુભ રહો.” ઝચાર્સ કબીર અને એની ટીમને વિદાય કરતાં બોલ્યો.

સ્પેસ કોલોનીની પાછળના ભાગેથી કબીર અને એની ટીમને વિદાય કરી દેવાઇ.

આટલો બધો વિશ્વાસ રાખ્યા પછી વધુ એક વખત વિશ્વાસ રાખવાનું નક્કી કરી કબીર અને એની ટીમ અવકાશયાન સાથે બ્લેક હોલની અંદર તરફ ગયાં. ધીમે ધીમે ગુરૂત્વાકર્ષણના ઓવરડોઝે એમને ઘેરી લીધા. દરેક અવકાશયાત્રીને અનહદ ગુરૂત્વાકર્ષણ અનુભવાવા લાગ્યું. વાતાવરણ ભારેખમ થવા લાગ્યું. બ્લેક હોલની અંદર ગરમી વધવા લાગી. હમણાં બધું ભસ્મ થઇ જશે એવું અનુભવાવા લાગ્યું. અને અચાનક એ લોકો કોઇ નવા પરિમાણમાં ઘુસી ગયાં હોય એમ નશાકારક પણ સ્વર્ગીય અનુભૂતિ થવા લાગી. ત્યારબાદ અત્યંત તેજ પ્રકાશે એમને ઘેરી લીધાં. ક્ષણ બે ક્ષણની અર્ધજાગ્રત મૂર્છાવસ્થા જેવું કંઇક અનુભવાયું અને તરત જ પાછું અવકાશ દેખાયું.

“સર.. સર.. ત્યાં જુઓ.. પ્લુટો..” જેમ્સ સ્કોટ બુમ પાડી ઉઠ્યો.

“વાવ... બ્યુટીફુલ.... મેં ક્યારેય પ્લુટોને આટલી નજીકથી નથી જોયો.” કવિતા અભિભૂત થતાં બોલી.

ડેવ રેમન પ્લુટો અને દૂરથી દેખાતા નેપ્ચ્યુનની સુંદરતા જોવામાં જ વ્યસ્ત હતો. પોતાની ટીમને ખુશ જોઇ કબીર પણ આનંદિત થઇ ગયો.

“લેટ્સ ગો હોમ ફ્રેન્ડ્સ..” પ્રથમ વખત પોતાના સાથીઓને મિત્રો તરીકે સંબોધી કબીરે ખુશી ખુશી યાનને પૃથ્વી તરફ હંકારી મૂક્યું.

યાનને પૃથ્વી પર પહોંચતાં છ મહિના લાગ્યાં. સમગ્ર ટીમ હેમખેમ પૃથ્વી પર આવી ગઇ. આ ટીમ પૃથ્વીને સાચવવાનો, એનાં કુદરતી ભંડારોને સાચવવાનો અને પૃથ્વીની ઇકોસિસ્ટમ સાથે સેટ થવાનો સંદેશો લઇને આવી હતી. જો પૃથ્વી સાથે સેટ ન થઇએ તો કેવી તબાહી થાય છે એનો પ્રત્યક્ષ નજારો જોઇને આવેલી આ ટીમ હવે પૃથ્વીના પર્યાવરણને બચાવવા અને પર્યાવરણને બચાવવા બાબતની જાગૃતિ ફેલાવવા કટિબધ્ધ જણાતી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED