Heisenberg Effect books and stories free download online pdf in Gujarati

હાઇઝનબર્ગ ઇફેક્ટ

હાઇઝનબર્ગ ઇફેક્ટ

યશની ફ્લાઇટે મ્યુનિચ એરપોર્ટ પર ઉતરાણ કર્યું. આજે યશનો ઉત્સાહ સમાતો નહોતો. જર્મન ભાષામાં મ્યુનિખ તરીકે ઉચ્ચારણ પામતું જર્મનીનું આ મ્યુનિચ શહેર યશને આજે બહુ પ્યારૂં લાગી રહ્યું હતું. યશ મ્યુનિચની મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટમાં ક્વોન્ટમ ફિઝીક્સ પર રિસર્ચ કરવા આવ્યો હતો. એ પણ એનાં ગુરુ અને ભારતના નોબેલ પ્રાઇઝ વિજેતા જીનીયસ ભૌતિકવિજ્ઞાની ડૉ.રંગરાજનના હાથ નીચે. આમ તો પી.એચ.ડી વખતે યશ ડૉ.રંગરાજનને અનેક વખત મળ્યો હતો અને એમનાથી અનેક વખત પ્રભાવિત પણ થયો હતો. પણ ડૉ.રંગરાજન ભારત છોડી જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટ સાથે જોડાયા એ પછી છેક હવે એને ડૉ.રંગરાજનના હાથ નીચે કંઇક સારૂં સંશોધન કરવાનો મોકો મળ્યો હતો. મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટમાં પહોંચતાવેંત જ યશનું કામ ધમધોકાર ચાલુ થઇ ગયું અને એ પણ ડૉ.રંગરાજનના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ.

જોતજોતામાં છ મહિના વીતી ગયાં. છ મહિનામાં યશે ડૉ.રંગરાજનનો વિશ્વાસ બરાબર જીતી લીધો હતો. એકવાર રાત્રે ક્વોન્ટમ ઓપ્ટીક્સની લેબમાં ડૉ.રંગરાજન અને યશ મોડા સુધી કામ કરી રહ્યાં હતાં. અચાનક ડૉ.રંગરાજનને શું સૂઝ્યું કે એ યશને લેબના અંદરના ભાગમાં લઇ ગયાં. ત્યાં એક ખાનગી દરવાજો હતો જે ડૉ.રંગરાજનની આંખના રેટીના સ્કેનથી જ ખુલતો હતો. એ દરવાજો ખોલ્યાં પછી એક નાની સીઢી આવતી હતી. આ સીઢી એક નાનકડા ભોંયરામાં ખુલતી હતી. યશ માટે તો આ આખોય તાયફો એક મોટું આશ્ચર્ય હતું.

“ક્વોન્ટમ ઓપ્ટીક્સની લેબમાં આ પ્રકારનું સિક્રેટ કાર્ય શું હોઇ શકે?” યશ વિચારી રહ્યો હતો.

“માય ડીઅર બોય.. તું મારો ફેવરીટ સ્ટુડન્ટ છે. હું તને અહીં એટલા માટે લાવ્યો છું કે મેં અને મારા સાથી સિનિયર વૈજ્ઞાનિકોએ અહીં ક્વોન્ટમ ઓપ્ટીક્સ આધારિત એક મશીન બનાવ્યું છે. મારે તને એ બતાવવું છે.” ડૉ.રંગરાજન જરા સિરિયસ મુડમાં બોલ્યાં.

“યસ સર. ઇટ વુડ બી અ પ્લેઝર ફોર મી..” યશે વિવેક દર્શાવતાં કહ્યું.

ભોંયરાના એ નાનકડા રૂમમાં સાત ફૂટની હાઇટનું એક મશીન ઉભું હતું. ચાર બાજુ ચાર જાડા સળિયા અને વચ્ચેનો ખાલી ભાગ આ આખીય સંરચનાને મકાનના મોટા પીલર જેવું સ્વરૂપ આપતો હતો. જોકે એ સાદા સળિયા ન હતાં પણ કોઇ મશીનરીનો ભાગ હોય એવાં ઇલેક્ટ્રોનિક ચીપથી લેસ સળીયા જેવી સંરચના હતી. સળિયામાં ઠેર ઠેર કાણા હોય એવું પણ જોઇ શકાતું. એ ચાર સળિયાની વચ્ચેની જગ્યામાં એક માણસ આરામથી ઉભો રહી શકે એટલી જગ્યા હતી. પાછું એ સળિયાઓ કોઇ અલ્ટ્રામોર્ડન કમ્પ્યુટર સાથે જોડાયેલાં હતાં.

“યશ. તેં ટાઇમ મશીન વિશે વિજ્ઞાનકથાઓમાં વાંચ્યુ હશે અને ફિલ્મોમાં જોયું હશે. જોકે એમાંની મોટાભાગની કલ્પનાઓ અત્યંત અવૈજ્ઞાનિક હોય છે. તમે ઘરઘરાટી બોલાવતાં અને ગોળ ફરતાં પૈડાઓ વાળા એક મશીનમાં બેસીને સમયમાં આગળ કે પાછળ યાત્રા કરો એ આખી વાત જ બકવાસ છે. ટાઇમ મશીન કંઇ એવું થોડું હોય? ટાઇમ મશીન તો એવું હોય કે જે સ્પેસટાઇમને બરાબર માત્રામાં મરોડી શકે. જે સમયના પરિમાણને જરૂર પૂરતું મરોડી સમયને આગળ કે પાછળ કરી શકે. આ જો.. આ છે અમારૂં ટાઇમ મશીન.. ” ડૉ.રંગરાજન આંખોમાં ચમક સાથે યશને બતાવતાં બોલ્યાં.

“વ્હોટ? ટાઇમ મશીન?? ઓહ... ઇમ્પોસીબલ.” યશને પોતાની આંખો પર ભરોસો નહોતો આવતો.

યશને પહેરવા એક ખાસ ચશ્મા આપી, પોતે પણ એવાં જ ચશ્મા પહેરી ડૉ.રંગરાજને મશીન ચાલુ કર્યું. કોઇ અવાજ વગર મશીનના ચારે બાજુનાં સળિયાઓનાં કાણામાંથી આંખો અંજાઇ જાય એવો તીવ્ર લેસર લાઇટ નીકળવા લાગ્યો. જોતજોતામાં તો એ તમામ લેસર લાઈટના પ્રકાશિત શેરડાઓ વડે વચ્ચેના ભાગમાં કરોળીયાના જાળા જેવી રચના બની ગઇ. એ પણ માત્ર બે પરિમાણમાં નહીં પણ ત્રણ પરિમાણમાં... ઉપરથી લઇને છેક નીચે સુધી..

“જો યશ.. આ અંદરોઅંદર ગુંથાયેલા તીવ્ર લેસર કેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે, ખબર છે?” ડૉ.રંગરાજને યશને પુછ્યું.

“ના સર. મને નથી ખબર..” યશ તો ફાટી આંખે આ આખો નજારો જોઇ રહ્યો હતો.

“આ લેસર એટલી ઊર્જા પેદા કરે છે કે આ ચાર સળિયાની વચ્ચેના ભાગના સ્પેસટાઇમને ઇચ્છિત રીતે મરોડી શકાય. સ્પેસટાઇમને કેટલો મરોડવો છે એ પ્રમાણે ઉર્જાના નેનો પલ્સ આપવાના. એક્ઝેટ ગણતરી કરીને આપેલી ઊર્જા સ્પેસટાઇમને એક્ઝેટ મરોડશે. પરિણામે તમારે સમયને એક્ઝેટ કેટલા વર્ષ પાછળ લઇ જવો છે એ બરાબર નક્કી કરી શકાય છે. અને હા.. આ તીવ્ર પ્રકાશની ખાસીયત એ છે કે એ માનવશરીરને નુકસાન પહોંચાડતો નથી..” ડૉ.રંગરાજન ઉત્સાહિત સ્વરે બોલ્યાં.

“તો પછી સર, તમે લોકોએ ટાઇમ ટ્રાવેલ કર્યું છે કે નહી?” યશે પુછ્યું.

“માય સન.. ટાઇમ મશીન તૈયાર હોવા છતાં અમે લોકોએ એટલા માટે ટાઇમ ટ્રાવેલ નથી કર્યું કારણ કે એનાં પરિણામોની અમને હજી સુધી ખબર નથી. માની લે કે હું પચાસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં જતો રહ્યો અને ત્યાં મેં ઇતિહાસમાં કોઇ મોટાં ફેરફાર કરી દીધાં. તો પછી એ ફેરફારોની વર્તમાન પર શી અસર પડશે એનો હજી અમને અંદાજો નથી.” ડૉ.રંગરાજને કહ્યું.

“પણ સર.. માનો કે તમે ભૂતકાળમાં જઇને કંઇક મોટો ફેરફાર કરી નાંખ્યો. તો પછી આ વર્તમાનનું શું? એ તો હવે બદલાઇ ગયો ને!!” યશે સહજ પ્રશ્ન કર્યો.

“હા યશ. મારૂં દૃઢપણે માનવું છે કે ભૂતકાળમાં એકવાર ફેરફાર થયો એટલે વર્તમાન નાશ પામે છે. હું, તું અને અત્યારે હાલ દેખાતું આ બધું, બધે બધું, એકસાથે ગાયબ થઇ જશે અને પેલા બદલાયેલાં ભૂતકાળ સાથે ઘટનાઓ કંઇક અલગ રીતે નવા ભવિષ્યને આકાર આપશે. બધું બદલાઇ જશે. આ બદલાયેલાં સંજોગોમાં હું અને તું હોઇશું તો ખરા.. પણ આપણે ય બદલાઇ ગયાં હોઇશું. અરે, આખી દુનિયા અને આખું બ્રહ્માંડ બદલાઇ ગયું હશે. જો ભૂતકાળમાં નાનો ફેરફાર હશે તો બદલાવ પણ નાના હશે. પણ ભૂતકાળમાં મોટો ફેરફાર અને આખું ભવિષ્ય જ ફરી જશે.” ડૉ.રંગરાજને એક્સપર્ટ ઓપિનિયન જણાવ્યો.

“ઓહ... આ તો ખતરનાક કહેવાય.. આવા મશીનથી તો દૂર રહેવું જ સારૂં..” યશે બે હાથ લાંબા કરી મશીનથી થોડી દૂરી બનાવતા કહ્યું.

“યશ. આ જ કારણોસર અમે લોકોએ આ મશીનનો ઉપયોગ નથી કર્યો. તું મારો વિશ્વાસુ વિદ્યાર્થી છે એટલે મેં તને આ મશીન બતાવ્યું. હવે આપણે ગાણિતિક રીતે એ શોધવાનું છે કે સુરક્ષિત રીતે મતલબ કે ભૂતકાળમાં ફેરફાર કર્યાં સિવાય ટાઇમ ટ્રાવેલ કેવી રીતે કરવું.” ડૉ.રંગરાજન મશીનની સ્વીચ બંધ કરતાં બોલ્યાં.

ભોંયરૂ બંધ કરી બંને જણ લેબમાં પાછા અવ્યાં. રાત્રે મોડા એ લોકો લેબનું કામ પતાવી પોતપોતાના રૂમ તરફ ગયાં.

**********

યશ પોતાના રૂમમાં પ્રવેશ્યો. એણે દરવાજો બંધ કર્યો. રૂમની લાઇટ ચાલુ કરી. એ આખાય રૂમમાં ચારેતરફની દિવાલો પર હિટલરના લગભગ પાંચેક ફોટોગ્રાફ લગાવેલાં હતાં. હિટલર સિવાય હિટલરની ટીમનાં અત્યંત બુદ્ધિશાળી એવાં જીનીયસ ભૌતિકવિજ્ઞાની વર્નર હાઇઝનબર્ગના લગભગ દસેક ફોટોગ્રાફ અહીંતહીં લગાવેલાં હતાં.

જમણી બાજુના ખૂણામાં રાખેલ ટેબલ ખુરશી પર યશ બેઠો. પોતાની ડાયરી કાઢી અને એમાં એ કંઇક લખવા લાગ્યો.

“આ મારી ડાયરી છે. યશની સિક્રેટ ડાયરી.. મારે જે રહસ્યની તલાશ હતી એ આજે મળી ગયું છે. ડૉ.રંગરાજને ખરેખર એક ટાઇમ મશીન બનાવ્યું છે અને એ કામ કરે છે. હું એ ટાઇમ મશીનની જ તલાશમાં જર્મની આવ્યો હતો. એમના હાથ નીચે સંશોધન કરવાનું તો એક બહાનું હતું. હકીકતમાં તો મારે એમનું ટાઇમ મશીન જોવું હતું. હવે હું મારું લક્ષ્ય પાર કરી શકીશ. મારા આદર્શ, જેમની પાછળ હું ગાંડો છું એવાં સર વર્નર હાઇઝનબર્ગને મળી શકીશ અને સર એડોલ્ફ હીટલરને બીજા વિશ્વયુધ્ધમાં વિજેતા બનાવી શકીશ...” આંખોમાં ચમક સાથે યશે લખવાનું પુરૂં કર્યું.

**********

બીજા દિવસે સવારે યશ લેબમાં પહોંચ્યો. લેબમાં રાબેતા મુજબનું કામ ચાલુ હતું. ડૉ.રંગરાજન અને યશ વાતચીત કરી રહ્યાં હતાં. વાતવાતમાં ચર્ચા જામી. વર્નર હાઇઝનબર્ગે આપેલ અનિશ્ચિત્તાના સિધ્ધાંત પર વાતચીત ચાલી રહી હતી.

“ભલે વર્નર હાઇઝનબર્ગે આપેલ સિધ્ધાંત જોરદાર હતો પણ હું તો એમ માનું છું કે ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે આલ્બર્ટ આઇનસ્ટાઇનથી આગળ તમે કોઇને ન મુકી શકો.” ડૉ.રંગરાજન બોલ્યાં.

“સર, હજી તમે વર્નર હાઇઝનબર્ગની પ્રતિભાથી પુરેપુરા પરિચિત લાગતાં નથી. જીનીયસ હતા એ માણસ. ટ્રુ જીનીયસ...” યશ બોલી ઉઠ્યો.

“નો નો.. નોટ મોર ધેન આઇનસ્ટાઇન” ડૉ.રંગરાજન પણ પાછા પડે એમ ન હતાં.

“સર, બીજા વિશ્વયુધ્ધ વખતે વિશ્વનો સૌપ્રથમ પરમાણુ બોમ્બ જો કોઇ બનાવી શકે એમ હોય તો એ માત્ર વર્નર હાઇઝનબર્ગ હતાં. એટલે જ તો હિટલરે એમને પરમાણુ બોમ્બના પ્રોજેક્ટ માટે નિયુક્ત કર્યાં હતાં.” યશની અંદરનો ‘હેઇલ હિટલર’ બોલનારો પ્રશંસક જીવ પોકારી ઉઠ્યો.

“હમ્મ.. તો પછી અમેરિકાએ કઇ રીતે પ્રથમ અણુબોમ્બ બનાવી દીધો? પ્રથમ અણુબોમ્બ બનાવવાની ક્રેડિટ રોબર્ટ ઓપનહાઇમર કેમની લઇ ગયો?” ડૉ.રંગરાજને પુછ્યું.

“અરે, હાઇઝનબર્ગે પરમાણુ બોમ્બ માટે જે હેવી વોટર (ડ્યુટેરિયમ) પ્લાન્ટ બનાવ્યાં હતાં એ બ્રિટિશ વિમાનોએ નષ્ટ કરી નાંખ્યાં. હાઇઝનબર્ગ એમ હાર માને એમ ન હતા એટલે એમણે ફરીથી અજાણી જગ્યાએ હેવી વોટરના પ્લાન્ટ નાંખ્યાં. પણ હાઇઝનબર્ગની અને હિટલરની બદકિસ્મતી કે એ માહિતી પણ લીક થઇ ગઇ. બ્રિટિશ વિમાનોએ ફરીથી એમનો હેવી વોટર પ્લાન્ટ ઉડાવી દીધો. આ બધી ઘટનાઓમાં અમેરિકાને મેનહટ્ટન પ્રોજેક્ટ હેઠળ પરમાણુ બોમ્બ બનાવવાનો સમય મળી ગયો અને રોબર્ટ ઓપનહાઇમરે તક ઝડપી અમેરિકા માટે પ્રથમ પરમાણુ બોમ્બ બનાવી દીધો.”

“અચ્છા. એવું હતું!!” ડૉ.રંગરાજને આશ્ચર્યથી કહ્યું.

“હા સર.. જો હાઇઝનબર્ગ પ્રથમ પરમાણુ બોમ્બ બનાવવામાં સફળ રહ્યાં હોત તો જાપાનના હિરોશિમા અને નાગાસાકીના લાખો નાગરિકો બચી જાત.” યશે પોતાની કેફિયત રજૂ કરી.

“એ બરાબર યશ. પરંતુ હિટલર પણ કંઇ શાંત બેસી રહે એમ ન હતો. હિરોશિમા અને નાગાસાકીના નાગરિકો બચી જાત તો કદાચ ન્યુ યોર્ક અને સાન ફ્રાન્સીસ્કોના લાખો નાગરિકો કમોતે માર્યાં જાત. વસ્તુ તો એકની એક જ થઇ ને!!” ડૉ.રંગરાજને કહ્યું.

“એજ તો હું ઇચ્છું છું..” યશ મનોમન બોલ્યો..

“સારૂં ચલ.. એ બધું જવા દે.. આપણે આપણા રિસર્ચને આગળ વધારીએ..” ડૉ.રંગરાજને વાતને પુરી કરતાં બોલ્યાં.

“યશ. યશ.. શું થયું તને” ગણિત ગણી રહેલાં યશને અચાનક ચક્કર આવી ગયાં. યશ ઢળી પડશે એમ લાગતાં ડૉ.રંગરાજને એને પકડી લીધો. આસપાસના વૈજ્ઞાનિકો પણ એને મદદ કરવા આવ્યાં. એક વૈજ્ઞાનિકે એને પાણી આપ્યું તો બીજા વૈજ્ઞાનિક લીંબુનું શરબત લઇ આવ્યો. પાંચેક મિનિટ પછી યશ જરાક ભાનમાં આવ્યો.

“આર યુ ઓકે નાવ? હાઉ આર યુ ફિલીંગ?” ડૉ.રંગરાજને પુછ્યું

“ફેન્ટાસ્ટીક સર... જરાક ચક્કર આવી ગયાં.. કદાચ એનર્જી થોડી ઓછી થઇ ગઇ હશે” યશે ફ્રેશ થતાં જવાબ આપ્યો.

“સારૂં. ચાલ.. આપણે કોફી પીએ. તને સારૂં લાગશે..” ડૉ.રંગરાજને કહ્યું.

**********

એ રાત્રે લેબમાંથી નીકળતાં પહેલાં યશે ડૉ.રંગરાજનને કેફી પીણૂં પીવડાવી બેભાન બનાવી દીધાં. એ એમને પેલા રૂમ સુધી ઢસડીને લઇ ગયો. હાથની આંગળીઓ વડે પરાણે ડૉ.રંગરાજનના આંખોનાં પોપચાં ખોલી એમનો રેટિના સ્કેન આપ્યો એટલે પેલો સિક્રેટ દરવાજો ખુલ્યો. બેભાન થયેલાં ડૉ.રંગરાજનને ત્યાં જ ફેંકી દઇને યશ પેલા નાનકડાં રૂમમાં પ્રવેશ્યો. ટાઇમ મશીન ઓન કર્યું. ટાઇમ મશીન સાથે જોડેલાં કમ્પ્યુટરમાં કંઇક કમાન્ડ આપ્યાં અને એ ચાર સળિયાની વચ્ચોવચ જઇને ઉભો રહી ગયો. યશનું ગણિત સચોટ હતું. એટલે એણે કરેલી ગણતરી અને એ અનુસાર આપેલી ઊર્જા પ્રમાણે સ્પેસટાઇમ મરોડાયો. મરોડાયેલા સ્પેસ અને ટાઇમે યશને સીધો પહોંચાડી દીધો બીજા વિશ્વયુધ્ધનાં સમયમાં. સ્થળ એનું એજ.. મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટ.. પણ સમય ભૂતકાળનો.. વર્ષ ૧૯૪૧ નું..

યશે ત્યાં પહોંચીને સૌપ્રથમ ભૌતિકવિજ્ઞાન પર એક રિસર્ચ પેપર ત્યાંના રિસર્ચ જર્નલને મોકલ્યું. એ ત્યાં હોટેલમાં રોકાયો. રિસર્ચ પેપર આધુનિક ભૌતિકવિજ્ઞાનની એક થિયરીનું હતું જે એ વખતે શોધાઇ ન હતી. રિસર્ચ પેપર પ્રકાશિત થતાં જ હાઇઝનબર્ગે ખુદ યશને મળવા બોલાવ્યો. નિયત દિવસે યશ હાઇઝનબર્ગને મળવા પહોંચ્યો.. પોતાના આદર્શને પોતાની સામે ઉભેલાં જોઇ યશ અભિભૂત થઇ ગયો.

“મિ.યશ. વેલકમ.. તમારૂં રિસર્ચ પેપર ખરેખર જબરદસ્ત છે. હું તમને મારા હાથ નીચે રિસર્ચ કરવા આવકારૂં છું.” હાઇઝનબર્ગે યશ સાથે હાથ મિલાવતાં કહ્યું. યશે તો હાઇઝનબર્ગનો હાથ પકડી જ રાખ્યો.

“થેન્ક્યુ સર.. હું તમારે બહુ મોટો પ્રસંશક છું. ભૌતિકવિજ્ઞાનની દુનિયામાં વર્નર હાઇઝનબર્ગથી વધુ જીનીયસ કોઇ વૈજ્ઞાનિક થયો નથી કે ભવિષ્યમાં થશે પણ નહીં. યુ આર ધ ગ્રેટેસ્ટ સર..” યશ હાઇઝનબર્ગની આંખોમાં જોઇને બોલ્યો.

હાઇઝનબર્ગ બીજી કોઇ અપોઇન્ટમેન્ટ માટે જાય એ પહેલાં યશે એની પાસેથી પાંચ મિનિટ માંગી અને એને સાઇડમાં લઇ ગયો.

“સર. મારે તમારી સાથે ખૂબજ અગત્યની વાત કરવી છે. સર, સૌપ્રથમ તો હું તમારા સમયનો નથી. તમે ભૌતિકવિજ્ઞાની છો એટલે તમે સમજી શકશો. હું એક ટાઇમ મશીન દ્વારા તમારા સમયમાં આવ્યો છું.” યશ બોલ્યો. બંને વચ્ચે અંગ્રેજીમાં વાતચીત થઇ રહી હતી.

“ઓકે. મિ.યશ. આઇ ટ્રસ્ટ યુ. પણ તમે અહીં શું કામ આવ્યા છો? તમારો અહીં આવવાનો ઉદ્દેશ્ય શું છે?” વર્નર હાઇઝનબર્ગે પુછ્યું.

“સર, સૌથી મહત્વનો ઉદ્દેશ્ય તો પુરો થયો. હું તમને મળવા માંગતો હતો. એ સિવાયનો બીજો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય એ છે કે મારે ભૂતકાળ બદલવો છે.” યશે કહ્યું.

“શું ભૂતકાળ બદલવો છે? કેમ? ઓહ,, ક્યાંક એવું તો નથી ને કે જર્મની બીજા વિશ્વયુધ્ધમાં હારી જાય છે?” હાઇઝનબર્ગે શંકા વ્યક્ત કરતાં પુછ્યું.

“બિલકુલ એમ જ છે સર.. તમે જીનીયસ છો. આખી વાત તરતજ સમજી જાઓ છો.. જર્મની આ વિશ્વયુધ્ધ હારી જશે અને હિટલર સરે શરણાગતિ સ્વીકારવી પડશે. એટલે હું કહું છું એમ કરજો સર.. પ્લીઝ..” યશે વિનંતી કરી.

“ચોક્કસ મિ.યશ. હું જર્મનીને જીતાડવા કંઇપણ કરીશ.” હાઇઝનબર્ગે કહ્યું.

“સર. તમે જે હેવી વોટર પ્લાન્ટ બનાવ્યો છે એવાં ત્રણ હેવી વોટર પ્લાન્ટ બનાવજો. ત્રીજો પ્લાન્ટ ક્યાં છે એ કોઇનેય ન કહેશો. કોઇનેય નહીં. મને પણ નહીં. એ માહિતી માત્ર તમારી પાસે રાખો. તમારા બંને પ્લાન્ટની માહિતી બ્રિટિશ એરફોર્સ પાસે છે પણ ત્રીજા પ્લાન્ટની માહિતી કોઇનીય પાસે નહીં હોય. એ જ વસ્તુની મદદથી તમે વિશ્વનો સૌપ્રથમ અણુબોમ્બ બનાવી દેશો અને અમેરિકા ભવિષ્યમાં જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં જે તબાહી કરવાનું છે એ અટકાવી શકશો.” યશે આખો પ્લાન હાઇઝનબર્ગને સમજાવ્યો.

“ઓકે મિ.યશ. ડન. તમે કહ્યું એમજ હું કરીશ. ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ..” હાઇઝનબર્ગે યશ સાથે હાથ મિલાવતા કહ્યું.

“નો સર. ધ પ્લેઝર ઇઝ માઇન.. હું ઇતિહાસના સૌથી મહાન ભૌતિકવિજ્ઞાનીને મળી શક્યો એ મારી ખુશનસીબી છે.” યશે એની ખુશી વ્યક્ત કરતાં કહ્યું.

“પણ મિ.યશ. તમે પાછા જશો કઇ રીતે?” હાઇઝનબર્ગે પુછ્યું.

“સર. વર્ષ ૨૦૧૯માં પેલું મશીન હજી ચાલુ જ છે. એટલે મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટનો પેલા રૂમમાંનો સ્પેસટાઇમ હજી પણ મરોડાયેલો છે. હું ખાલી એ સ્પેસટાઇમની જગ્યાએ ઉભો રહીશ એટલે સીધો વર્ષ ૨૦૧૯માં પહોંચી જઇશ.” યશે જવાબ આપ્યો.

“ઓકે. મિ.યશ.. ગુડબાય.. તમે કહ્યું એમ જ હું કરીશ.. આ વિશ્વયુધ્ધ તો હવે જર્મની જ જીતશે.” હાઇઝનબર્ગે યશને વિદાય આપતાં કહ્યું.

યશ ત્યાંથી નીકળીને સીધો મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યો. ત્યાં પેલાં સિક્રેટ રૂમમાં પ્રવેશ્યો. ત્યાં હજી મરોડાયેલો સ્પેસટાઇમ અનુભવાતો હતો. મશીનના સળિયા કે મશીનનો કોઇ ભાગ અહીં ભૌતિક રીતે હાજર ન હતો પણ વર્ષ ૨૦૧૯માં મરોડાયેલો સ્પેસટાઇમ અહીં વર્ષ ૧૯૪૧માં પણ મરોડાયેલો જ પડ્યો હતો. યશ એમાં પ્રવેશી ગયો. જોતજોતામાં તો એ વર્ષ ૨૦૧૯માં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટમાં પાછો આવી ગયો. યશ ઇન્સ્ટીટ્યુટમાં પાછો તો આવ્યો પણ આવતાવેંત એને નવી વસ્તુ અનુભવાઇ. ઇન્સ્ટીટ્યુટના તમામ વૈજ્ઞાનિકોની મેમરી બદલાયેલી પરિસ્થિતી પ્રમાણે બદલાઇ ગઇ હતી. એ બધાને ખબર હતી કે બીજા વિશ્વયુધ્ધમાં જર્મની જીત્યું હતું. એ બધા એ બાબતથી વાકેફ હતાં કે હવે દુનિયાના લગભગ દરેક દેશમાં સરમુખત્યારશાહી હતી. એ બધાને એમાં કંઇ જ અજૂગતું નહોતું લાગતું. પણ યશ માટે આ અનુભવ નવો હતો. કારણ કે યશ એકમાત્ર એવો વ્યક્તિ હતો જેની પાસે બે મેમરી હતી. યશને બંને મેમરી એકસાથે યાદ હતી. ભૂતકાળ બદલાયો એની પહેલાંની એટલે કે જૂની મેમરી અને હવે ભૂતકાળ બદલાયા પછીની મેમરી એટલે કે નવી મેમરી. હા, એટલું જરૂર કે જૂની મેમરી ધીરે ધીરે ધૂંધળી થઇ રહી હતી. જૂની મેમરી યાદ કરવામાં એનું માથું દુ:ખી રહ્યું હતું. જૂની મેમરીને રિકોલ કરવી અત્યંત મુશ્કેલ હતી જ્યારે નવી મેમરી યાદ કરવી ખાસ્સી આસાન હતી. મુશ્કેલ હોવાં છતાં યશને જૂની મેમરી યાદ તો હતી જ..

યશ બધાથી અલગ એક ખૂણામાં ટેબલ ખુરશી પર જઇને બેઠો. એણે મન શાંત કર્યું. જે નવી મેમરી હતી એ મુજબ પૃથ્વીના ઇતિહાસને યાદ કરવા પ્રયત્ન કરી જોયો. નવી મેમરીને એક્સેસ કરવી આસાન હતી એટલે એને બધું ક્રમ મુજબ યાદ આવવા લાગ્યું.

બીજું વિશ્વયુધ્ધ વર્ષ ૧૯૪૨ માં જ પુરૂં થઇ ગયું. વર્નર હાઇઝનબર્ગે વિશ્વનો સૌપ્રથમ પરમાણુ બોમ્બ બનાવી દીધો હતો. હિટલરના અલ્ટીમેટમ છતાં અમેરિકા અને બ્રિટને જર્મની પર હવાઇ હુમલા ચાલુ રાખ્યાં હતાં. જર્મનીને ખુવાર કરવાનું અમેરિકા અને બ્રિટનનું પ્લાનિંગ જાહેર થયાં પછી હિટલરે ફાઇનલ નિર્ણય આપ્યો. અમેરિકાના ન્યુ યોર્ક, સાન ફ્રાન્સીસ્કો અને બ્રિટનના લંડન એ ત્રણ શહેર પર પરમાણુબોમ્બ ફેંકવાનો નિર્ણય લેવામાં આવ્યો. ૫મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ આ ત્રણેય શહેરો પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો. ત્રણેય શહેરોમાં ખુવારીના આંકડા લાખોમાં હતાં. માનવઇતિહાસનો સૌથી ગોઝારો હુમલો થયો જેણે એ ત્રણેય શહેરોને સદંતર તબાહ કરી નાંખ્યા. હિટલરના આ એક પગલે આખી બાજી પલ્ટી નાંખી. અમેરિકા અને બ્રિટન ઘુંટણિયે પડી ગયાં અને તાત્કાલિક શરણાગતિ સ્વીકારતા દસ્તાવેજ પર સહી કરી દીધી. જર્મની હવે વિશ્વની સૌથી મોટી મહાસત્તા બની ગઇ. અમેરિકા અને બ્રિટન આર્થિક રીતે ખુવાર હતાં જ્યારે જર્મની અને જાપાન જેવાં મિત્ર દેશો મહાસત્તા બન્યા હતાં. પણ આ મહાસત્તા એટલે બીજા દેશો પર સામ્રાજ્ય ફેલાવનાર મહાસત્તા. હિટલરને છુટો દોર મળ્યાં પછી અડોલ્ફ હિટલર પોતે, બેનિટો મુસોલિનિ, જોસેફ સ્તાલિન, ફિડેલ કાસ્ત્રો, ગદ્દાફી જેવા અનેક નેતાઓના રાજમાં સામ્રાજ્યવાદ અનેકગણો ફૂલ્યોફાલ્યો હતો. સરમુખત્યારશાહી હવે સર્વસામાન્ય અને સર્વમાન્ય બની ગઇ હતી. સામાન્ય લોકોની હાલત મજૂરથી વિશેષ ન હતી. ટોપ સ્લોટના સરમુખત્યારો માટે સરમુખત્યારશાહી અને એમના સિવાયના સામાન્ય માણસ માટે સામ્યવાદ લાગુ પાડવામાં આવ્યો હતો. એ ટોપ સ્લોટના લોકોને તમામ સુખસગવડો સહિત તમામ અધિકારો હતાં, જ્યારે બાકીના લોકોમાંથી કોઇ વધારે કમાણી ન કરી શકે. એક લિમિટથી વધુ આવક થાય તો એને બાકીના લોકો વચ્ચે વહેંચી દેવી એવો નિયમ હતો. નિયમનું પાલન ન કરનાર માટે કડક દંડની જોગવાઇ હતી. ચારેબાજુ મજૂરો જ મજૂરો જોઇ શકાતાં. રાજાશાહીનું અત્યંત વરવું સ્વરૂપ દુનિયામાં દેખાઇ રહ્યું હતું. લોકશાહી નામનો શબ્દ આ પૃથ્વીની ડીક્ષનરીમાંથી નીકળી ચુક્યો હતો. લોકશાહી હવે ઇતિહાસમાં ભણવાના ટોપિક પુરતી મર્યાદિત હતી.

નવી યાદો તાજા કરી યશ સમસમી ગયો. હિટલર અને હાઇઝનબર્ગ બંને તો જતાં રહ્યાં પણ દુનિયાને આ કયું ભવિષ્ય આપતાં ગયાં. આ શું થઇ ગયું? મેં આ કોને સાથ આપ્યો? હાંફળોફાંફળો થયેલો યશ ડૉ.રંગરાજનને શોધવા લાગ્યો. હવે ડૉ.રંગરાજન જ એકમાત્ર એવાં વ્યક્તિ હતાં જે આ સમસ્યાનો તોડ કાઢી શકે એમ હતાં. પુછપરછ કરતાં ખબર પડી કે થોડાં સમય પહેલાં પોતાની બચત લોકો વચ્ચે વહેંચી દેવાની જગ્યાએ ડૉ.રંગરાજને બે બાળકોને એમના ગંભીર રોગોની સારવાર માટે મદદ કરી હતી. પણ એમ કરવા જતાં સામ્યવાદનો સરખે ભાગે વહેંચણીનો નિયમ તુટી ગયો હતો. એની સજાના સ્વરૂપે ડૉ.રંગરાજનને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાં અને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી. યશ ફરીથી સમસમી ગયો. આ બધું શું થઇ ગયું હતું? આ બધું શું થઇ રહ્યું હતું?

એ કારાવાસમાં ડૉ.રંગરાજનને મળવા ગયો. આ બદલાયેલી દુનિયામાં ડૉ.રંગરાજન સ્પેસટાઇમ એક્સપર્ટ તો હતાં જ પણ નોબેલ પ્રાઇઝ વિજેતા ન હતાં. કારણ કે વર્ષો પહેલાં જ નોબેલ પ્રાઇઝ અપાવાના બંધ થઇ ગયાં હતાં. હવે નોબેલ પ્રાઇઝની જગ્યાએ વિજ્ઞાનમાં વિશિષ્ટ ઉપલબ્ધિ માટે ‘હાઇઝનબર્ગ પ્રાઇઝ’ આપવામાં આવતું હતું. જોકે ડૉ.રંગરાજનને હાઇઝનબર્ગ પ્રાઇઝ મળ્યું ન હતું. એટલે એ સામાન્ય વૈજ્ઞાનિક જ ગણાતાં. નવી દુનિયામાં એમણે ટાઇમ મશીન પણ બનાવ્યું ન હતું. એટલે આ દુનિયામાં ટાઇમ મશીન હતું જ નહી. ડૉ.રંગરાજન અને યશ વચ્ચે ફોર્મલ સંબંધો જ હતાં. વધારે કંઇ નહી. છતાં જૂની મેમરીના સહારે યશને ખબર હતી કે ડૉ.રંગરાજનની બુદ્ધિપ્રતિભા કેટલી છે. એ કારાવાસમાં ડૉ.રંગરાજનને મળવા ગયો.

“હલો યશ.. કેમ છે? કેવું ચાલે છે ઇન્સ્ટીટ્યુટમાં?” ડૉ.રંગરાજને શાંતિથી પુછ્યું.

“સર. જુઓ.. હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો. તમને મારા પર વિશ્વાસ આવશે કે નહી એ મને નથી ખબર પણ તમારે મારો ભરોસો કરવો જ પડશે. સર, આ દુનિયા જેવી છે એવી ખરેખરમાં નથી. સર, ખરેખરની દુનિયા અલગ છે. હિટલરે બીજું વિશ્વયુધ્ધ હારવાનું હતું. દુનિયામાં લોકશાહી સર્વવ્યાપ્ત બનવાની હતી.. પણ આ બધું મારી એક ગંભીર ભૂલના કારણે બદલાઇ ગયું. મેં ભૂતકાળ સાથે ચેડાં કર્યાં છે. સર, મેં ભૂતકાળને બદલ્યો એમાં પૃથ્વીનો ઇતિહાસ અને એનું ભવિષ્ય બધું બદલાઇ ગયું.” યશે જેલના સળીયા પકડીને ઉભેલા ડૉ.રંગરાજનના હાથ પર હાથ મુકીને કહ્યું.

“ઓહ.. તો શું ખરેખર મેં ટાઇમ મશીન બનાવી દીધું છે અને તું એમાં બેસીને ભૂતકાળમાં ગયો હતો?” ડૉ.રંગરાજને ઉત્સાહિત સ્વરે કહ્યું.

“હા સર. તમે ટાઇમ મશીન બનાવ્યું હતું. પણ સર, આ બધું તો તમને યાદ ન હોવું જોઇએ. જૂની મેમરી તો મારા એકલાના મગજમાં જ ધૂંધળી યાદો સ્વરૂપે ઉપલબ્ધ છે. બાકીના બધાંના મગજમાંથી તો એ ભૂંસાઇ ગઇ છે કારણ કે ભૂતકાળ બદલવાથી ભવિષ્ય બદલાઇ ગયું છે.” યશે ચોંકી ઉઠતાં જણાવ્યું.

“હા યશ. મને આમાંનું કશું યાદ નથી. પણ મને વારંવાર એવું સપનું આવે છે કે લેસરના શેરડાઓ વડે મેં એક ટાઇમ મશીન બનાવ્યું છે અને તું એમાં બેસીને ભૂતકાળમાં જઇ રહ્યો છે.” ડૉ.રંગરાજન ફોડ પાડતાં બોલ્યાં.

“ઓહ સર.. આ તો કંઇક પરાલૌકિક બની રહ્યું હોય એમ લાગે છે. પણ સર, હવે તમે મને બતાવો કે આ બદલાયેલી પરિસ્થિતી પાછી નોર્મલ કઇ રીતે થઇ શકે એમ છે? સર, મારે દુનિયાને પાછી પહેલાં જેવી બનાવવી છે. આ પરિસ્થિતીનો કંઇક તોડ કાઢો. તમારા સિવાય આ કામ બીજું કોઇ કરી શકે એમ નથી.” યશે ડૉ.રંગરાજનને રીતસર કરગરતા કહ્યું.

ડૉ.રંગરાજન ખાસ્સી વાર સુધી વિચાર કરતાં બેસી રહ્યાં. યશ પણ એમની સામે જોતો બેસી રહ્યો હતો. એ પોતાની ભૂલ સુધારવા બેબાકળો બન્યો હતો. ખાસ્સીવાર વિચાર્યાં પછી ડૉ.રંગરાજને કંઇક કહેવાની શરૂઆત કરી.

“યશ. તું ભૂતકાળ બદલીને અહીં પાછો આવ્યો કઇ રીતે?” ડૉ.રંગરાજને પુછ્યું.

“તમારા ટાઇમ મશીન દ્વારા....” યશે જવાબ આપ્યો.

“પણ આ નવી દુનિયામાં તો મેં ટાઇમ મશીન બનાવ્યું જ નથી? તો પછી કયા ટાઇમ મશીન દ્વારા તું આવ્યો?” ડૉ.રંગરાજન અત્યંત ગંભીર જણાતા હતાં.

“ઓહ.. સર.. આવું તો મેં વિચાર્યું જ નહી.. આપની વાત સાચી છે. ત્યાં તો કોઇ ટાઇમ મશીન હતું જ નહી તો પછી મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટના ભોંયરામાં સ્પેસટાઇમ મરોડાયેલો કેમ હતો? ઓહ... મારા ધ્યાનમાં કેમ ન આવ્યું?? હું પાછો કઇ રીતે આવ્યો? આ બધું શું થઇ રહ્યું છે સર?” યશને ચક્કર આવવાં લાગ્યાં. એ માથું પકડીને બેસી ગયો.

“યશ.. આ તો ખુશ થવાનો સમય છે. તું વગર ટાઇમ મશીને અહીં આવી ગયો. મતલબ કે સ્પેસ ટાઇમમાં એનોમલી પેદા થઇ છે. આ એનોમલી એટલે બ્રહ્માંડના સંચાલનમાં થતી ભૂલો. એરર. સ્પેસટાઇમે એનો મરોડ દૂર ન કર્યો અને એ હજી પેલા ભોંયરાના ભાગમાં મરોડાયેલો છે. એનો મતલબ કે આ બ્રહ્માંડ જલ્દી જ એની ભૂલને ઓળખી પાડશે અને એમાં સુધારો કરી દેશે.” ડૉ.રંગરાજને આત્મવિશ્વાસથી કહ્યું.

જોકે માથુ પકડીને બેસેલા યશને ડૉ.રંગરાજનની વાતમાં કંઇ ખબર ના પડી એટલે એમણે થોડું વધારે સમજાવ્યું.

“યશ. જો હું તને એક ઉદાહરણથી સમજાવું.. માની લે કે તું ભૂતકાળમાં ગયો અને તે તારા દાદાજીને એમનાં નાનપણમાં જ મારી નાંખ્યાં. હવે તારા દાદાજી જ નથી તો તારા પિતાજી નહી જન્મે અને તું પણ નહી જન્મે. હવે જો તારૂં અસ્તિત્વ જ નથી તો પછી દાદાજીને નાનપણમાં મારશે કોણ?? કોઇ નહી?? પણ જો દાદાજીને કોઇ મારે જ નહી તો એ મોટા થશે, લગ્ન કરશે, તારા પિતાજીનો જન્મ થશે, તારો જન્મ થશે.. પણ જો તારો જન્મ થયો તો તો દાદાજી ગયાં..... આ પ્રકારનું આખું ટાઇમ લુપ બની ગયું. આ થઇ ગઇ એનોમલી.. આવું ન થાય એ માટે બ્રહ્માંડની પોતાની એક સિક્યોરિટિ સિસ્ટમ હોય છે. આવી એનોમલી આવે મતલબ કે ટાઇમ લુપ બને તો બ્રહ્માંડ પડી ભાંગે છે. એટલે બ્રહ્માંડની સિક્યોરિટિ સિસ્ટમ એને ઓટો કરેક્ટ (સ્વયં સુધાર) કરી લે છે. ભૂતકાળ બદલાવાથી આખા બ્રહ્માંડમાં ક્યાં ક્યાં ડેમેજ થયું છે એ ચેક કરવામાં થોડો સમય લાગે છે પણ એ ઓટો કરેક્ટ જરૂર થઇ જાય છે. અહીં પણ સ્પેસટાઇમ એનોમલી પેદા થઇ છે તો એ જરૂરથી ઓટો કરેક્ટ થઇ જ જશે. કારણ કે થઇ જવી જ જોઇએ. તું બિલકુલ ચિંતા કર્યાં વગર ઘરે જતો રહે. બધું એની મેળે બરાબર થઇ જશે. અને તને ખબર છે બ્રહ્માંડ પોતાની ભૂલને સ્વયં સુધારી લે છે એ ઘટના કોણે શોધી હતી. આ ઘટનાનું નામ છે હાઇઝનબર્ગ ઇફેક્ટ, જે ઇતિહાસના મહાનતમ ભૌતિકવિજ્ઞાની સર વર્નર હાઇઝનબર્ગે શોધી હતી.” ડૉ.રંગરાજન મોટી મુસ્કાન સાથે બોલ્યાં. એ આ ગુલામીમાંથી મુક્ત થવાની ખુશી અત્યારથી જ અનુભવી રહ્યાં હતાં.

“શું?? હાઇઝનબર્ગ ઇફેક્ટ??” અણધારી ઘટનાઓ અને અણધાર્યા શબ્દોથી અચાનક યશનો માથાનો દુ:ખાવો એકદમ વધી ગયો. એનું માથું ફાટ ફાટ થઇ રહ્યું હતું. એ માથું પકડીને આમતેમ ભાગ્યો પણ એનો દર્દ હદબહાર વધી ગયો હતો. એને લાગ્યું કે હવે એ જીવશે નહી. જેલના સત્તાધિશો ભેગા થઇ ગયાં. બધાએ ભેગા થઇ યશને પાણી આપ્યું. પાણી પીતાવેંત યશને આંખે અંધારા આવવા લાગ્યાં. એને લાગ્યું કે એ હમણાં ઢળી પડશે. એકવાર તો એ ઢળી પડ્યો પણ જેલરે એને પકડી લીધો. આંખે અંધારા વધી ગયાં અને આખરે યશ ભાન ગુમાવી બેઠો..

“લીંબુ શરબત આપો.. એને જરા એનર્જી રહેશે..” ધીમા અવાજોથી યશની આંખો ખુલી.

એણે જોયું કે એ મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યુટની લેબમાં પડ્યો છે. ડૉ.રંગરાજન સહિતના વિજ્ઞાનીઓ એને પાણી અને શરબત પીવડાવી રહ્યાં હતાં. ધીમે ધીમે યશ ભાનમાં આવ્યો. ઇન્સ્ટીટ્યુટની દિવાલોનો કલર અને આસપાસની પરિસ્થિતી જોઇને એને ખ્યાલ આવી ગયો કે એ મૂળ સ્થાને પાછો આવી ગયો છે. એ ધીમે રહીને ઉભો થયો.

“આર યુ ઓકે નાવ? હાઉ આર યુ ફિલીંગ?” ડૉ.રંગરાજને પુછ્યું.

“ફેન્ટાસ્ટીક સર..” એકદમ ખુશ થતાં યશ બોલ્યો.

“વેરી ગુડ માય બોય.. ચાલ આપણે કોફી પીએ.. તને સારૂં લાગશે.” ડૉ.રંગરાજન હાશકારો અનુભવતા બોલ્યાં.

“ઓકે સર..” યશ હવે ખુશ દેખાતો હતો.

“યાદ છે ને પેલું ટાઇમ મશીન.. ભૂતકાળમાં સુરક્ષિત કેવી રીતે જવું એ વિશે આપણે ગણિતની મદદથી ઘણું શોધવાનું છે.” ડૉ.રંગરાજને કોફી પીતાં પીતાં કહ્યું.

“એબ્સોલ્યુટલી સર.. મને બધું જ યાદ છે.” મનોમન હરખાતા યશે જવાબ આપ્યો.

“સંશોધન તો આપણે ચાલુ કરી દઇએ.. પણ તું બેભાન થયો એ પહેલાં તારી છેલ્લી વાત હતી કે હિટલર વિશ્વયુધ્ધ જીત્યો હોત તો સારૂ હતું. બટ માય બોય,, આઇ એમ ડીસએગ્રી. હિટલર જીત્યો હોત તો લોકશાહી ખતમ થઇ જાત. એટલે જે થયું એ બરાબર થયું. પરિસ્થિતી જેમ છે એવીજ સારી છે એવું નથી લાગતું તને?” ડૉ.રંગરાજને યશને પુછ્યું.

“હા સર.. હું તમારી સાથે સંપૂર્ણત: સહમત છું. ઘણીબધી વાર પરિસ્થિતી જેવી હોય છે એવી જ સારી હોય છે. એ બદલાઇ જાય છે પછી જ એનું મહત્વ સમજાય છે.” યશ પણ ખુશ થતાં બોલ્યો.

“યશ. બીજી એક વાત... હું હજી પણ માનું છું કે આઇનસ્ટાઇન ઇઝ બેટર..” ડૉ.રંગરાજને હસતાં હસતાં કહ્યું..

“યસ સર.. આઇનસ્ટાઇન ઇઝ બેટર.. છતાં હાઇઝનબર્ગ ઇફેક્ટ બરાબર રીતે કામ કરે છે..” યશે પણ હસતાં હસતાં કહ્યું.

ડૉ.રંગરાજનને આ હાઇઝનબર્ગ ઇફેક્ટ શબ્દમાં કંઇ ખબર ના પડી છતાં એમણે પણ યશની સામે સ્માઇલ આપ્યું.

કોફીની લહેજત માણ્યા પછી ડૉ.રંગરાજન અને યશ પોતાના સંશોધનકાર્યમાં પરોવાઇ ગયાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED