Thodo Pidho books and stories free download online pdf in Gujarati

થોડો પીધો

થોડો પીધો

ઓક્ટોબરથી શરૂ કરીને છેક ફેબ્રુઆરી સુધીનો આહ્લાદક સમય સામાન્યત: બધાને ગમતો જ હોય છે. એમાં તમે ગાંધીનગરમાં રહેતા હો તો તો એ ઠંડીને અનુભવવાની એક અલગજ મજા છે. રાત્રે સાવ ઠુંઠવાઇ ગયેલું આ શહેર સવાર પડતાં જ એના અસંખ્ય ફુલો સાથે ખીલી ઉઠે છે. ઓછા ટ્રાફીક અને માફકસરની ચહલ પહલ વાળી એક અલગ જ દુનીયાથી ટેવાયેલા અહીંના લોકોને અતિશય ટ્રાફીકવાળી ભરચક દુનિયા પસંદ આવતી નથી. શિયાળાના સુંદર ફુલો, લહેરાતી વનરાજી, દિવસ દરમિયાન મોટાભાગનો સમય જોવા મળતું એ કુદરતી આસમાની રંગનું આકાશ અને એમાં રંગ પુરતાં એ શાંત સફેદ છુટાછવાયા વાદળો મનને મોહી લે છે. શિયાળાના આ પાંચ મહિના દરમિયાન ગાંધીનગરનો જે નજારો હોય છે એ ભલભલાને પ્રકૃતિનાં પ્રેમમાં પાડી દે છે. શિયાળાના સમયમાં રાત્રે જમ્યા પછી આંટો મારવા નીકળ્યા હો તો સુંદર સ્ટ્રીટ લાઇટ્સના પ્રકાશમાં ગાંધીનગરની કુલ સ્ટ્રીટ્સ ખરેખર યુરોપીયન ફેન્ટેસી જેવી લાગે.

આવાજ એક દિવસે હું અને મિત્ર કૌશિક રાત્રે જમીને કંઇક કામથી બહાર નીકળ્યા હતાં. બાઇક ચલાવતા ચલાવતા વાતી ઠંડા પવનની લહેરખીઓ મનને પ્રસન્ન બનાવી રહી હતી. મિત્ર કૌશિકે ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા છેડી.

“યાર, અત્યારે તો ખુલ્લંખુલ્લા જે રીતે પૈસાની લેતી દેતી થાય છે એ વિશે તો વાત જ કરવા જેવી નથી. હમણાંની જ વાત કરૂં. બે દિવસ પહેલાં મને જોવા કન્યાપક્ષ વાળા આવેલાં. એ લોકો મને એમ પુછે કે પગાર તો ઠીક છે પણ ટેબલ નીચેનું કંઇક મળતર છે કે નહી?? તમારૂં ટેબલ નીચેનું વળતર માય ફુટ..” કૌશિક જરા ગુસ્સામાં બોલ્યો.

એની વાત સાંભળી હું હસી પડ્યો.

“હા યાર, તારી વાત પરથી મનેય ઘણા સહકર્મીઓ યાદ આવી ગયા. લોકોએ આ વસ્તુને બહુ આસાનીથી લઇ લીધી છે. એમને પોતાના પગાર સિવાય ટેબલ નીચેથી થતી પૈસાની લેતી-દેતીમાં કંઇજ અજુગતું લાગતું નથી” હું બાઇક ચલાવતા ચલાવતા બોલ્યો.

“બે યાર, પણ એ લોકોને કંઇ અજુગતું નથી લાગતું એમાં ને એમાં જ તો એમણે દેશની પથારી ફેરવી છે. એમને સિધ્ધાંતોના મહત્વની કોઇ ખબર જ નથી. એમણે તો સિધ્ધાંતોની ઇજ્જત લુંટી છે.” કૌશિક આજે ગુસ્સામાં હતો.

“જો કૌશિક. ક્વોન્ટમ ફિઝીક્સ ભણવાવાળાને જ ખબર હોય કે આ દુનિયા અને આ બ્રહ્માંડ કેટલું રહસ્યમય છે અને હજી અસ્તિત્વના કંઇ કેટલાંય વણઉકલ્યા રહસ્યોની વચ્ચે પણ આપણે બિનધાસ્ત રહી શકીએ છીએ, બાકી સામાન્ય માણસને એ પ્રશ્નોના મહત્વની કંઇ ખબર જ નથી. એ પ્રશ્નોનું લેવલ ખબર નથી. બિલકુલ એજ રીતે જે મોટાભાગના લોકો ગેરકાયદેસરના પૈસા લે છે. એમને સિધ્ધાંતોની તો ખબર નથી જ પણ સિધ્ધાંતોના મહત્વની પણ બિલકુલ ખબર નથી. અહીં તો ઉલટી ગંગા વહે છે. સિધ્ધાંતવાદી અને સીધા વ્યક્તિને આ લોકો એલીયન સમજે છે. પોતે મહાન અને સિધ્ધાંતવાદી નીચા એવું સમજવામાં સ્ટેટસ સિમ્બોલ છે. આ લોકો જાણે-અજાણે દેશની વાટ લગાડી રહ્યા છે. સારા હોદ્દા પરના લોકો (કહેવાતા ઇજ્જતદાર લોકો!!!)ને ભ્રષ્ટાચાર કરતા જોઉં છું અને મારૂં મન દ્રવી ઉઠે છે. ઇન્ડીયાની ઇજ્જત લુંટાય છે, સિધ્ધાંતોની ઇજ્જત લુંટાય છે અને એનાથી બિલકુલ બેખબર આ લોકો બિન્ધાસ્ત ફરે છે......” હું પણ કૌશિકની જેમ ગુસ્સે થઇ ગયો.

આ ગુસ્સામાંને ગુસ્સામાં રસ્તાની સાઇડમાં બિલકુલ ફુટપાથને અડીને આડા પડેલા એક બાઇક પર પણ મારૂં ધ્યાન પડ્યું નહી. મિત્ર કૌશિકે એ તરફ મારૂં ધ્યાન દોર્યું.

“યાર, બાઇક ઉભું રાખ. ત્યાં કોઇક બાઇક સાથે પડ્યું લાગે છે. રસ્તાની સહેજ સાઇડમાં બાઇક આડું પડ્યું છે અને એની ઉપર કોઇક માણસ પડ્યો હોય એવું મને લાગ્યું.” કૌશિકની અંદરનો પરોપકારી જીવ બોલી ઉઠ્યો.

મેં બાઇક પાછું વાળ્યું. કૌશિકની વાત સાચી હતી. એક બાઇક રસ્તા પર આડું પડ્યું હતું. એના પર એક માણસ પથારીમાં સુતો હોય એમ પડ્યો હતો. કદાચ કોઇ અકસ્માતે પડી ગયો હશે એમ સમજી અમે માનવતાના ભાવે એને મદદ કરવા ગયા. દરમિયાન અમારા જેવા બે-ત્રણ માનવતાવાદીઓ પણ મદદે આગળ આવ્યાં. અમે એને ઉંચો કર્યો. પણ આ શું..!! ભાઇને અકસ્માત થયો હશે, એવું અમારૂં પ્રાથમિક અનુમાન સાવ ખોટું પડ્યું. આ ભાઇ તો ફુલ પીધેલો હતો. એને ઉભો કરીએ તોય એનો ટાંટીયો જમીન પર ટકતો ન હતો. એના ટાંટીયાની વાત તો જવા દો, અમારો ટાંટીયો પણ એની જોડે ન ટકે એટલી ભયંકર દારૂની વાસ એના મોઢામાંથી આવતી હતી. અમારા માટે તો ધરમ કરતાં ધર્મસંકટ આવી ગયું. એની જોડે એક ફુટની ત્રિજ્યામાં એક સેકંડ પણ ઉભું રહેવાય એમ ન હતું. જેમતેમ કરીને અમે એને ફુટપાથ પરના એક બાંકડા પર બેસાડ્યો. ભાઇ બિલકુલ પણ હોશમાં ન હતાં. એમના રોમરોમને દારૂનો નશો બરાબરનો ચડ્યો હતો.

આ ભાઇ રંગે જરાક કાળો હતો અને એ ફેલાયેલા મોટા નાક સાથે ભારેખમ ચહેરો ધરાવતો હતો. લાલચોળ થઇ ગયેલા એ કાળા ચહેરાને જોતા એ કોણ હશે એની કલ્પનાના ઘોડા દોડવા લાગ્યા. ત્યાં તો ધીમે ધીમે ટોળું મોટું થવા લાગ્યું.

“ભાઇ કોક લોઅર ક્લાસમાંથી આવતો લાગે છે.” ટોળામાંથી કોઇકે કોમેન્ટ કરી.

હું ‘લોઅર ક્લાસ’ની વ્યાખ્યા કરવામાં વ્યસ્ત હતો એટલામાં ટોળામાંથી જ કોઇકે જવાબ આપ્યો, “ભાઇ, લોઅર અને અપર ક્લાસ પણ આપણાજ બનાવેલા છે ને!! કાંતો તમે પૈસાને આધારે કાંતો જાતિને આધારે લોઅર ક્લાસ બનાવશો.. પણ આખરે તો બંને આધાર માનવનિર્મિત જ છે ને!!”

“સોરી, હું જ્ઞાતિ આધારિત ભેદભાવની રીતે બિલકુલ નહોતો કહેતો. આતો કોક ગરીબ ઘરનો હોય અને પૈસાના અભાવે તથા શિક્ષણના અભાવે બુરી લતે ચડી ગયો હોય, બસ એ રીતે લોઅર ક્લાસ કહ્યો. આમેય એ લઘર વઘર લાગે છે એટલે મને એમ લાગ્યું.” પેલા સજ્જન માણસે સ્પષ્ટતા કરી.

“એ બધું બરાબર, પણ હાલ આપણે આના ઘરના કોઇકને બોલાવવા જોઇએ.. આ માણસ તો જાતે ઘરે જઇ શકે એમ નથી... ” મિત્ર કૌશિકે કામની વાત કરી.

કૌશિકે પેલાના ખિસ્સામાંથી મોબાઇલ લીધો અને એના ઘરે ફોન કર્યો. એના સંબંધીઓને આવીને આ મહાનુભાવને ઘરે લઇ જવા કહ્યું. પંદરેક મીનીટ થઇ હશે ત્યાં તો અમારી બાજુમાં એક આલીશાન ગાડી આવીને ઉભી રહી. એમાંથી ત્રણ-ચાર સંબંધી ઉતર્યાં. એક સુંદર સ્ત્રી, જે એ કાર ચલાવતી હતી, કારમાંથી બહાર આવી. એ જરા રડમસ હતી અને બાકીના લોકો એને સમજાવી રહ્યાં હતાં. એમની વાતો પરથી લાગ્યું કે આ એની વાઇફ હતી. હું સ્તબ્ધ થઇ ગયો.

હે ભગવાન!!!, આ તે કેવું કોમ્બીનેશન? આ તો હાયર ક્લાસ (????) નો માણસ નીકળ્યો. આલીશાન કાર અને બ્યુટીફુલ વાઇફ. આ સ્ત્રી કઇ રીતે આ માણસ સાથે રહેતી હશે? અરે, એણે આની સાથે ઘર કઇ રીતે માંડ્યું હશે? આ પ્રકારના સેટીંગમાં પણ કોઇ ભ્રષ્ટાચાર થયો હશે? હું આ કજોડા વિશે વિચારતો જ રહી ગયો. ગમે તે હોય, પણ આ કજોડું અત્યારે તો સજોડે અમારી સામે ઉભું હતું..

હજું હું વિચારવાનું બંધ કરૂં એ પહેલાં તો પેલી સ્ત્રી પેલા દારૂડિયા સામે ધસી ગઇ. કોઇ કંઇ સમજે એ પહેલા એણે પેલાને સાટ-સાટ કરતી પાંચ-છ ઉંધા હાથની લગાવી દીધી. એના સંબંધીઓએ એને પકડી. એણે એના પતિને વ્યવસ્થિત ગાળા-ગાળી શરૂ કરી દીધી. આજુબાજુમાં ઉભેલા અમે માનવતાવાદીઓ પણ એને રોકવા લાગ્યા.

“બેન, આવું ના કરાય. જેવા હોય એવાં તમારા પતિ છે.” ટોળામાંથી એક જણ બોલ્યો.

“બેન, તમે એમને પહેલા કારમાં બેસાડો. એમના બાઇકની ચિંતા ના કરશો. તમે સરનામું આપો, અમે ત્યાં બાઇક પહોંચાડી દઇશું. તમે કો તો તમારી સાથે આવીને બાઇક મુકી જઇએ.” બીજો જણ બોલ્યો. આમેય ખુબસુરત સ્ત્રીઓના ભાઇ બનવા બધા તૈયાર થઇ જતાં હોય છે.

આખરે પેલાના સંબંધીઓ અને બીજા લોકોની મદદથી એને એની ગાડીમાં બેસાડાયો. પેલી સ્ત્રી સતત બબડાટ કરતી હતી. આની સાથે લગ્ન કરીને ભવ બગડ્યો અને આ ડફોળ એના બાળકોનુંય નથી વિચારતો,, એવુ કંઇક.. યુવાન વયે આ ડોબાએ એને પ્રપોઝ કરી હશે અને એ માની ગઇ હશે પરંતુ પછી જીંદગી બગડ્યાના અહેસાસની નકારાત્મકતા અને બાળકોને એમના બાપાના કારનામાઓ વિશે ખબર નથી પડવા દેવી અને એ બાળકોને દરેક ખુશી આપવાની ઇચ્છતી મા ની હકારાત્મકતા બંનેનું એક અનોખું સંયોજન આ સ્ત્રીમાં જોઇ શકાતું હતું.

“તે તો મારી જીંદગી બગાડી દીધી. તારી સાથે લગ્ન કરીને હું માત્ર દુખી જ થઇ છું. તારી આવી હરકતોની ખબર આપણા બાળકોને પડશે તો એ પણ તારા જેવા જ થઇ જશે. સાલા, તુ મરી કેમ નથી જતો? મરી જા.. મરી જા..” આટલું બોલતા ગાડીમાં બેસાડતાં બેસાડતાં વળી એણે થોડો મેથીપાક એના પતિને આપ્યો.

“તે તો મારો ભવ બગાડ્યો..” એ સ્ત્રી હજી શાંત નહોતી પડતી. એ બધા ગાડીમાં બેઠાં.

ગાડી ઉપડતીજ હતી કે પેલા દારૂડીયાનું અર્ધબેભાનાવસ્થા અને દારૂના ભરચક નશામાં બોલાયેલું ધીમું વાક્ય અનાયાસે મારા કાને પડી ગયું.

“ભવ તારો બગડ્યો કે મારો???”......

હું જોતો જ રહી ગયો. બંનેની સમસ્યાઓનું પોટલું પોતાનામાં સંકેલી એમની ગાડી શિયાળાની એ રાત્રીના આછા ધુમ્મસમાં અલોપ થઇ ગઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED