ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભ


            મિત્રો! આ પોસ્ટમાં હું ઇસ્લામ ધર્મ કઈ પાંચ મુખ્ય બાબતોને મહત્વ આપે છે અથવા ઇસ્લામના પાંચ મૂળ સ્તંભ ક્યાં છે એની અહીં માહિતી આપવાની કોશિસ કરીશ. દરેક ધર્મ આપણને કંઈક શીખવે છે. આપણે જે પણ ધર્મ પાળીએ છીએ એની પાછળ આપણી શ્રદ્ધા અને ધર્મમાં રહેલી ખૂબીઓ મહત્વની હોય છે.

ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભ:

૧) શહાદા (સાક્ષી થવું, ગવાહી આપવી)

૨) સલાત (નમાઝ , પ્રાર્થના)

૩) સૌમ (રોઝા , વ્રત)

૪) ઝકાત (દાન)

૫) હજ (તીર્થ યાત્રા)

            ઉપર દર્શાવેલ પાંચ સ્તંભ પર ઇસ્લામ ધર્મ ચાલી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમે ઇસ્લામ ધર્મને ફોલો કરો છો તો આ પાંચ વસ્તુઓનું તમારા જીવનમાં મહત્વ હોવું અનિવાર્ય છે. તો ચાલો હવે આ પાંચ સ્તંભને વિસ્તારથી સમજીએ.

૧) શહાદા (સાક્ષી થવું, ગવાહી આપવી)

            સાક્ષી થવું, ગવાહી આપવી એ ઇસ્લામ ધર્મનો એક મૂળભૂત સિદ્ધાંત છે. તમે જે ખુદા (અલ્લાહ, ઈશ્વર)માં માનો છો એ ફક્ત ને ફક્ત એક જ છે. એના જેવું બીજું કોઈ જ આ સૃષ્ટિમાં નથી. અલ્લાહ નિરાકાર છે. એ ના કોઈથી જન્મ્યો છે ના કોઈ એનાથી જન્મ્યો છે એટલે કે અલ્લાહના કોઈ માતા પિતા નથી  કે ના એમના કોઈ સંતાન છે. એમનો કોઈ જ આકાર નથી અને એટલે જ સાચા દિલથી એની ઈબાદત કરીએ છીએ. હજરત મુહંમદ મુસ્તફા (સ.અ. વ.) અલ્લાહના રસુલ છે. ખુદાના એ મેસેન્જર છે. જો તમે આ વાતની ગવાહી આપો તો જ તમે ઇસ્લામમાં દાખીલ થઇ શકો. જેનું અરેબિકમાં વાક્ય કે પહેલો કલમો છે.

" લા ઇલાહા ઇલલ્લાહ મુહંમદુર રસુલુલ્લાહ"

જેનો અર્થ થાય છે. અલ્લાહ સિવાય કોઈ પરમેશ્વર નથી. મુહંમદ અલ્લાહના રસુલ (પયગમ્બર, મેસેન્જર) છે.

૨) સલાત (નમાઝ , પ્રાર્થના)

            નમાઝ ઇસ્લામનો બીજો મહત્વપૂર્ણ નિયમ કે સિદ્ધાંત છે. બાળક સમજણું થાય અથવા (૭ વર્ષનું થાય) એ પછી બાળક પર નમાજ ફર્ઝ (ફરજીયાત) છે. નમાજ એ મનુષ્યની ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા (ગ્રેટીટ્યુડ) દર્શાવે છે. દિવસમાં પાંચ અલગ અલગ સમયે (ફજર, ઝોહર, અસર, મગરીબ, ઈશા) નમાઝ પઢવી ફરજીયાત છે. નમાઝ કોઈપણ હાલતમાં માફ નથી. જો તમે બીમાર હો'તો આંખના ઇસરાથી પણ પઢવી અનિવાર્ય છે. મુસ્લિમ લોકો મક્કા સ્થિત મસ્જિદ-એ-હરમ તરફ પોતાનું મુખ રાખીને નમાઝ અદા કરે છે.

૩) સૌમ (રોઝા , વ્રત)

            રોઝા ઇસ્લામ ધર્મના નવમાં માસ રમઝાનમાં રાખવામાં આવે છે. રોઝા સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી રાખવામાં આવે છે. રોઝાની હાલતમાં અનાજ, પાણી લેવામાં આવતા નથી. રોઝામાં ભૂખ્યા રહેવાની સાથે, સારી વાણી, સારું વર્તન, અપશબ્દો પર પ્રતિબંધ, સહવાસ કે કોઈ ખરાબ કૃત્ય પર પ્રતિબંધ રાખવામાં આવે છે. રોઝાનો ઉદ્દેશ છે કે તમે સંસારની મોહમાયા છોડી ખુદાની ઇબાદતમાં વધારે મન પરોવો , પોતાનું વર્તન સુધારો અને એને આખા વર્ષમાં કન્ટીન્યુ કરવાની કોશિસ કરો, ગરીબોની ભૂખની તકલીફને મહેસુસ કરો અને ઉદાર બનો.

૪) ઝકાત (દાન)

            ઝકાત એક વાર્ષિક દાન છે. ઝકાત વિષે ઊંડાણમાં જાણકારી મેં મારી રચના ઝકાતમાં દર્શાવી છે. ઝકાત એ તમારી જમા પુંજી માંથી ૨.૫% રકમ ગરીબોને આપવાની હોય છે. જે ફરજીયાત છે. તમારી પાસે જે પુંજી છે એ ખુદાની દેન છે. તમારે એ પુંજી માંથી અઢી ટકા આપવી જોઈએ. જેના બદલે ખુદા તમારા એ માલ અને જીવની હિફાજતની ખાતરી આપે છે.

૫) હજ (તીર્થ યાત્રા)

            હજ યાત્રા ઇસ્લામની પવિત્ર યાત્રા છે. ઇસ્લામિક કેલેન્ડરના બારમાં મહિને આ યાત્રા આવે છે. તમારી પાસે જમા પુંજી હોય અને તમારી કોઈ મજબૂરી કે લાચારી ન હોય તો તમારે હજ કરવી અનિવાર્ય છે. જીવનમાં તમારી પાસે જો હજ જેટલા પૈસા હોય તો એકવાર હજ યાત્રા એ જવું અનિવાર્ય બને છે. હજયાત્રાથી તમને ઇસ્લામના સ્થાપત્ય સ્થળોની મુલાકાત, ખુદાની પવિત્ર જગ્યાઓ પર ઇબાદતનો મોકો મળે છે. ઇસ્લામ વિષે વધુ જાણકારી ઉપલબ્ધ થાય છે અને સાથે સાથે સંસારની મોહમાયા દોઢ મહિના સુધી ભૂલીને ખુદાની ઇબાદતમાં લિન થવાનો લ્હાવો મળે છે.

            તો મિત્રો! આ છે ઇસ્લામના મૂળભૂત પાંચ સ્તંભ અને એની વિસ્તારથી માહિતી. મને જેટલું જ્ઞાન છે અને હું જેટલું જાણું છું એ અનુસાર મેં અહીં માહિતી દર્શાવવાની કોશિસ કરી છે. કોઈ મારાથી સારા જાણકાર હોય ને મારી કોઈ જગ્યા એ ત્રુટી રહી ગઈ હોય તો તમારા પ્રતિભાવથી મને જણાવશો જેથી હું એ સુધારી શકું.

બસ એજ..

***
આપનો પ્રિય
ઈરફાન જુણેજા