આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા હવે જવાબદાર બની ગઈ હતી. લંડનમાં એ પાછી સ્ટડી ચાલુ કરે છે. ત્યાં એની મૈત્રી વડોદરાથી આવેલા એક મરાઠી યુવક પ્રથમ જોશી જોડે થાય છે. જે સૌમ્યા માટે મૈત્રી કરતા વિશેષ લાગણી અનુભવે છે. આકાંક્ષાના એક ફોન ઉપર સૌમ્યા ઇન્ડિયા આવવા તૈયાર થઈ જાય છે. હવે આગળ...
*****
પ્રેમ પર લખીશ તો દોસ્તીને ખોટું લાગશે.
સ્નેહ પર લખીશ તો વ્હાલને ખોટું લાગશે.
શબ્દો મૂકી માત્ર આંખમાં જોઇશ તો ચાલશે.
તને કહ્યા વગર જઈશ તો મારી રુહને ખોટું લાગશે.
સૌમ્યા પ્રથમના આ પ્રશ્નને સાંભળીને એક દમ ઝંખવાઈ ગઈ અને એક દમ ધીમા અવાજે બોલી, " હા કેમ નહિ!?"
આ જોઈને પ્રથમનું હૃદય એક થડકારો ચૂકી ગયું જાણે. થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ પછી ચૂપકીદી તોડતા પ્રથમ બોલ્યો, " બહુ ઓછાં દિવસ રહ્યા છે હવે. તારે જવાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તું એક લિસ્ટ તૈયાર કર કોના માટે શું લેવું છે એ પછી આપણે શોપિંગ ચાલુ કરી દઈએ."
પછીના પંદર દિવસ તો સગા સંબંધી અને મિત્રો માટે ખરીદીમાં ક્યાંય જતા રહ્યા ખબર જ ના પડી. અને આખરે સૌમ્યાના જવાનો દિવસ આવી ગયો. પ્રથમ એની કાર જોડે સૌમ્યાને મૂકવા હાજર હતો. સૌમ્યાના પાસપોર્ટથી માંડી ને ચાર્જર સુધીની એક એક વસ્તુ એણે જાતે ચેક કરી હતી. આખા એરપોર્ટના રસ્તે એ સૌમ્યાને એકની એક સૂચના વારંવાર આપતો હતો. સૌમ્યા પણ એની કેર અને લાગણી સમજી ને ચૂપચાપ એ સૂચના સાંભળી લેતી હતી. આખરે જ્યારે એરપોર્ટ પહોંચીને લાસ્ટ ગુડ બાય કહેવાનો સમય આવ્યો ત્યારે એની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.
એને લાગ્યું કે જો એ વધારે સમય ઊભો રહેશે તો એનાથી રડી જ પડાશે એટલે એણે ત્યાંથી જતા રહેવાનું જ મુનાસીબ માન્યું. બીજી તરફ સૌમ્યા પણ આટલા પ્રેમાળ મિત્રથી વાત છૂપાવવા માટે ક્ષોભ અનુભવતી હતી. પ્રથમની હાલત જોઈને એનો એ ક્ષોભ વધતો જ જતો હતો. પ્રથમના ગયા પછી એ જરૂરી કાર્યવાહી પતાવીને એક કેફે માં જઈને બેઠી. કોફી પીતા પીતા કંઇક વિચાર કર્યો અને તરત જ પ્રથમને કોલ જોડ્યો.
ફોન ઉપાડીને પ્રથમ તરત જ બોલ્યો, "હા બોલ સૌમ્યા... શું કહેવું હતું ?"
સૌમ્યા લગભગ ચોંકી જ ગઈ અને બોલી, "એટલે!?"
"મને લાગે છે કે તારે મને કઈક કહેવું છે પણ તું કહી નથી શકતી", પ્રથમ બોલ્યો..
"એતો મેં થેન્ક્સ કહેવા ફોન કર્યો હતો. તારો આટલો સ્પોર્ટ ના મળ્યો હોત તો હું બધું કેવી રીતે કરતી!", સૌમ્યા બોલી.
"ઓહ.. એટલે હવે આપણી વચ્ચે આ થેન્ક્સ જેવી ફોર્મલિટી પણ આવી ગઈ!", પ્રથમ બોલ્યો.
"પ્રથમ.. તે એકવાર પણ ન પૂછ્યું કે તું કેમ જાય છે!", સૌમ્યા એના મનનો સવાલ બોલી.
"ના.. મને તારી આંખોમાં મુંઝવણ ત્યારની દેખાય છે જ્યારે તે કીધું કે મારે ઇન્ડિયા જવું છે. એ સમય મને એ બધા સવાલ કરવા યોગ્ય ન લાગ્યો. ને હજુ પણ મને લાગે છે તારે મને કઈક કહેવું છે પણ તું કહી નથી શકતી." પ્રથમ બોલ્યો.
"કદાચ હા, પણ હું તને કઈ જ કહ્યા વગર કદાચ જઈ શકું એમ પણ નથી.", સૌમ્યા બોલી.
"હા બોલ શુ કહેવું છે?", પ્રથમ બોલ્યો.
"વાત જાણે એમ છે કે તું અભીને આકાંક્ષાને તો ઓળખે જ છે, બન્ને મારા ખાસ મિત્રો. આકાંક્ષાનો થોડા દિવસ પહેલા ફોન હતો એ કઈક મોટી સમસ્યામાં છે. એના અવાજ પરથી કદાચ હું એની લાગણી સમજી ગઇ હતી. કદાચ એ ત્યાં બહુ એકલી પડી ગઈ છે. એને મારા સાથની જરૂર છે. કદાચ એનાથી વિશેષ અભીને મારી જરૂર છે. એટલે...", સૌમ્યા વાત કરતા બોલી.
"સૌમ્યા.. તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છુ. ને હા, મને પણ અહીં તારી જરૂર છે. એ વાત યાદ રાખજે.", પ્રથમ બોલ્યો.
"હમ્મ.. ચાલ હવે બાકીની વાત ત્યાં શુ પરિસ્થિતિ છે એ જોઇ ને કહું.", સૌમ્યા બોલી.
સૌમ્યા ફોન મૂકે છે. હજી ફ્લાઇટ ઉપડવાને બે કલાક જેટલો સમય હતો. એટલે સૌમ્યાએ હેન્ડ બેગમાંથી કાજલ ઓઝા વૈદ્યની એક સાંજને સરનામે બુક કાઢી અને વાંચવા બેઠી. ફ્લાઇટ એના ટાઈમ થી ઉપડી અને આખા રસ્તે સૌમ્યા વાંચવાનો અને ઊંઘવાનો પ્રયત્ન કરતી રહી પણ એના મગજમાં એજ વિચાર ચાલતા રહ્યા કે એવી તો કેવી સીરીયસ મેટર હશે કે આકાંક્ષાએ એને આમ બોલાવી હશે. આ વિચારોમાં ને વિચારોમાં જ એની સફર પૂરી થઈ અને જરૂરી વિધિ પતાવીને એ સમાન સાથે એરપોર્ટની બહાર નીકળી.
અમદાવાદ એરપોર્ટ પર આકાંક્ષા અને અભ્યુદય એની રાહ જોઈ ઉભા હતા. આકાંક્ષાની આંખોમાં જેટલી ઇંતેજારી હતી એથી ક્યાંય વિશેષ અભી એને જોવા અધીરો હતો. ત્યાં સૌમ્યાનો ચહેરો દેખાયો. અભી એકદમ ખુશખુશાલ થઈ બોલી ઉઠ્યો, " અક્ષી.. સોમી આવી ગઈ જો..."
અભીને એ વાત નો ખ્યાલ ન હતો કે આકાંક્ષા એ જ સૌમ્યાને બોલાવી હતી. આકાંક્ષા એ અભીને ખાલી એટલું જ કહ્યું હતું કે સૌમ્યા થોડા દિવસ ઇન્ડિયા આવી રહી છે.
સૌમ્યા આવતાવેંત આકાંક્ષાને ભેટી પડી. બન્ને સખીઓ આમ કેટલાય વરસો પછી મળી હતી. આંખો ભીની હતી. અભી હજુ અબોલા જ છે એવા મૂડમાં સૌમ્યાના આવતાંવેંત નજર બદલવા લાગ્યો. સૌમ્યા એ અભીનો હાથ હળવેથી પકડ્યો. ત્યાં તો વરસોનાં અબોલા આંસુ સાથે સરી પડ્યા. ને બન્ને ભેટીને રીતસરના રડી પડ્યા. કેટલીય ફરિયાદો ને કેટલાય મનામણા જાણે આંખોથી જ થઈ ગયા.
અક્ષી મૌન બની ભીની આંખે આ બધું જોતી રહી. આજે અભીની પત્ની નહિ પણ ત્રણેય જુના મિત્રો મળ્યા હતા.
"ચાલ સોમી હવે ઘરે જઈએ.", અભી સોમીની બેગ હાથમાં લેતા બોલ્યો.
સૌમ્યા એના ઘરની ચાવી કાઢવા પર્સ ખોલ્યું. આકાંક્ષા આ જોઈ બોલી, "સૌમ્યા તું અમારા ઘરે જ આવ. તારા ઘરે પછી જજે."
સૌમ્યાએ ડોકી ઘુણાવી. બધા અભીની કાર માં ગોઠવાયા. ત્યાં ફિલ્મી સ્ટાઇલમાં ડ્રાઈવર બોલ્યો, "સોમી મેમ સાબ કિધર લે ચલુ?"
સૌમ્યા ને આ અવાજ જાણીતો લાગ્યો. નજર કરી તો આતો વેદ હતો. સૌમ્યા ખડખડાટ હસી પડી. ને બોલી, "તું નહિ સુધરે. કેમ અહીંયા બેસી રહ્યો! અંદર ન આવ્યો લેવા! "
"આને સરપ્રાઈઝ કહેવાય. પણ તને આ બધું નહીં સમજાય.", વેદ બોલ્યો.
બધા હસતા હસતા કારમાં બેઠા. વેદ એ કાર ડ્રાઈવ કરીને બધા અભીના ઘરે પહોંચ્યા.
ઘરે પહોચ્યા ત્યારે સવારના પાંચ વાગી ગયા હતા. આકાંક્ષા અને અભીએ સૌમ્યાને આરામ કરવા કહ્યું પણ એ હવે સીધી રાતે જ આરામ કરવા માંગતી હતી એટલે આકાંક્ષાએ ચારેય માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને બધા વાતોએ વળગ્યા. સૌમ્યાએ આકાંક્ષા જોડે એકલામાં વાત કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી એ એને તાબડતોડ અહીંયા બોલાવવાનું કારણ પૂછી શકે પણ દર વખતે સંજોગો એવા બનતા કે એ શક્ય ન બન્યું.
આમને આમ આઠ વાગ્યા એટલે વેદ પોતાના ઘરે જવા નીકળી ગયો. અને આ ત્રણેયે પણ પોતાનું રૂટિન પતાવવાનું ચાલુ કર્યું. નવ વાગે બધા બ્રેક ફાસ્ટ ટેબલ પર ફરી ભેગા થયા ત્યારે સૌમ્યાએ લંચ પહેલા થોડો સમય પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. અભી અડધો કલાકમાં ઓફિસ જવા નીકળવાનો જ હતો એટલે એ જ સૌમ્યાને એના ઘરે ઉતારવા જાય એવું નક્કી થયું. આ સમય દરમિયાન સૌમ્યાએ અભી અને આકાંક્ષા વચ્ચે એક તનાવ નોટિસ કર્યો.
નિયત સમયે અભી અને સૌમ્યા અભીની કારમાં બેસીને નીકળ્યા. બંને મિત્રો ઘણા સમય પછી આમ એકલા હતા. બંને શું બોલવું ની દ્વિધા માં અટવાતા હતા અને પછી ચૂપકીદી તોડતા સૌમ્યા બોલી, "શું અભી મેરેજના આટલો સમય થયો હવે બેમાંથી ત્રણ ક્યારે થાવ છો?"
"શું સોમી તું પણ..!? હજી તો વાર છે. પહેલા મેડમને તો માનવા દે...", આ બોલતા અભીનો અવાજ સહેજ કડવો થઈ ગયો...
"કેમ આવું બોલે છે અભી?" સૌમ્યાએ પૂછ્યું.
"આકાંક્ષા ના પાડે છે. એને એના ફિગરની ચિંતા છે. ખબર નહિ શું ચાલે છે એના મનમાં... થોડા દિવસથી ઓફિસ પણ આવે ના આવે, નાની નાની વાતમાં ઈશ્યૂ બનાવે. પહેલા તો મારું કેટલું બધું ધ્યાન રાખતી... હું નહાઈને નીકળું ત્યારે મારા કપડા, રૂમાલ અને પર્સ રેડી જ હોય. ક્યાંય જવાનું હોય તો મારે શું પહેરવું એ પણ એ જ નક્કી કરે. એની દુનિયા જ જાણે મારી આસપાસ ફરતી હતી જ્યારે હવે તો આ બધું તો ઠીક પણ કોઈ વસ્તુ ના મળતી હોય અને એ માંગુ તો પણ ઉડાઉ જવાબ આપે કે જાતે લઈ લે અને વસ્તુ ઠેકાણે મૂકતો હોય તો આમ શોધવી ના પડે. અક્ષી હવે પહેલા જેવી નથી રહી..!! ", અભી એક શ્વાસે બધું બોલી ગયો.
સૌમ્યા આ સાંભળીને થોડું ચોંકી ગઈ પણ મનોમન કઈ તાળો મેળવતી હોય એમ ચૂપ રહી ગઈ.
એટલામાં જ સૌમ્યાનું ઘર આવી ગયું. અભી એની જોડે છેક ઉપર સુધી ગયો. આકાંક્ષાએ પહેલેથી જ સાફ કરાવીને રાખ્યું હતું તેથી એ ચિંતા નહતી. ઘરમાં દાખલ થતા જ પપ્પા સાથેની યાદો થી સૌમ્યાનું મન ઘેરાઈ ગયું. અભી એ એને એ યાદો જોડે એકલા રહેવા દેવાનું યોગ્ય માન્યું અને એ ત્યાંથી નીકળી ગયો.
સૌમ્યા ઘરના ખૂણે ખૂણે ફરી જૂની યાદો વાગોળી રહી હતી. ત્યાં અચાનક એને આકાંક્ષાની યાદ આવી. એને આ સમય એકદમ યોગ્ય લાગ્યો. અભી ઓફિસે જવા નીકળી ગયો હતો ને આકાંક્ષા આજે રજા લઈ ઘરે જ રેવાની હતી. એટલે સૌમ્યા એ એને કોલ કરી એના ઘરે બોલાવી લીધી. જેથી એ એકાંતમાં પોતાના મનની વાત કહી શકે. આકાંક્ષા ને પણ આ સમય યોગ્ય લાગ્યો. એ સીધી સૌમ્યાના ઘરે પહોંચી. બન્ને સખીઓ સોફા પર ગોઠવાણી.
"હવે કહે એવું તો શું થયુ તે મને આમ અચાનક બોલાવી! તમારા બેવ વચ્ચે બધું ઠીક તો છે ને?", સૌમ્યા બોલી. હમણા થયેલી એની ને અભીની વાત પરથી સૌમ્યા ને લાગ્યું કે નક્કી આ બન્ને વચ્ચે કોઈ સમસ્યા છે.
"મને એજ નથી સમજાતું કે હું ક્યાંથી શરૂઆત કરું? અને કદાચ એ પણ નતું સમજાતું કે આ વાતની જાણ કોને કરું?", આકાંક્ષા શબ્દો ગોઠવતા બોલી.
"આકાંક્ષા આજે હું બધું સાંભળવા જ બેઠી છું. બોલ ને આકાંક્ષા", સૌમ્યા બોલી.
આકાંક્ષા એ પર્સ માંથી એક એનવેલોપ કાઢ્યું ને સૌમ્યાના હાથ માં મૂક્યું.
"આ શું છે આકાંક્ષા!", સૌમ્યા એ ખોલતા ખોલતા પૂછ્યું.
આકાંક્ષા કઈ જ બોલ્યા વગર રડવા લાગી. સૌમ્યાના ખોળામાં માથું ઢાળી દીધું. સૌમ્યા કવર ખોલ્યા વગર જ આકાંક્ષા ને પૂછવા લાગી શુ થયું છે એતો કહે.
"મને કેન્સર છે સૌમ્યા. આંતરડાનુ કેન્સર...",આકાંક્ષા રડતા રડતા બોલવા લાગી.
શબ્દો મુખમાંથી એમ જ સરે છે,
કે ભાવિનો કોઈ સંકેત બતાવે છે?
મનના વિચારોને ઉજાગર કરે છે,
કે પછી કોઈ છૂપા ડર ને દર્શાવે છે?
©રવિના વાઘેલા, હિના દાસા, શેફાલી શાહ