જરૂરી તપાસના અંતે ડોક્ટરે કહ્યું:"કાકા, ચિંતા કરવા જેવું કશું જ નથી. ગર્ભમાં બાળકનો વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો છે અને બધું નોર્મલ જ છે. માત્ર સમયસર દવા લેવાની કાળજી રાખવાની છે, બસ."
બે હાથ જોડીને આજીજીના સ્વરમાં ધીરજકાકાએ પૂછ્યું:"પણ સાયબ! અમ રાંક પર જરાયે કૃપા નહીં કરો."
બોલો કેવી કૃપા કરવી છે? બધું જ તમારી મરજી મુજબ કરી આપીશ! તમે બિલકુલ નિશ્ચિંત થઇ જાઓ." ડોક્ટરે હળવું આશ્વાસન આપીને કહ્યું.
"સાયબ, મારે મારી સ્ત્રીના પેટમાં ઉછરતો ગર્ભ છોકરો છે કે છોકરી એ જાણવું છે."
પળ પહેલા જે મંદ મંદ મુસ્કુરાઈ રહ્યાં હતાં એ ડોક્ટર ભવા ચડાવીને તાડૂક્યા:"તમને ખબર નથી કાકા, કે ગર્ભ પરીક્ષણ કરવું એ ગુનો છે? અને સામે જુઓ બોર્ડ તો માર્યું છે. દેખાતું નથી તમને? અમને જેલના સળિયા પાછળ ધકેલવા શું હાલી નીકળ્યા છો લ્યા!"
ધીરાકાકા છોભીલા પડી ગયા.બે હાથ જોડયા અને બોલ્યા:"હંધુય સમજાય છે સાહેબ, પણ....!" કહેતા કહેતા એમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને એમણે ડોક્ટરના ચરણ ઝાલી લીધા.
બે ડગલા પાછા ફરતા ડોક્ટરે ગુસ્સામાં પૂછ્યું:"પણ ધીરજકાકા, તમે એ જાણીને શું કરશો?"
વળી પાછા દિવાલ તરફ જોતા ડૉક્ટર બોલ્યા:"ખબર નથી કુદરત દીકરીને એના ઘેર જ કેમ રાખી લેતો નથી? શા માટે આ બેદર્દી -બેદિલ માનવીને ઘેર રવાના કરતો હશે? રે કુદરત! દીકરીઓના તે એવા તો કેવા લેખ લખવા માંડ્યા છે કે આજે એનું ગર્ભમાં જ મરણ થઈ રહ્યું છે! જે સ્ત્રી સૃષ્ટિનું સર્જન કરી રહી છે એનું વિસર્જન એ ધરતી પર અવતાર ધારણ કરે એ પહેલાં શીદ કરી નાખવામાં આવતું હશે?" ડોક્ટરની પાંપણે આંસુ આવી ગયા. ધીરે રહીને એમણે ધીરજકાકા તરફ નજર કરી તો ધીરજકાકાની આંખો પણ ચોંધારે ચડેલી હતી.
"શાયદ તમે જે વિચારી રહ્યા છો એમાનું મારા મનમાં કશું જ નથી. બસ એક દીકરીના અભરખા છે અભરખા! સાયબ, એક દીકરીની ખાતર સાત-સાત દીકરાઓની વણઝાર ભેગી કરી લીધી છે મેં. દીકરી વિનાનો આ ખોળો આજે સાવ વેરાન લાગે છે અમને." અને ધીરજકાકા હિબકે ચડી ગયા.
ફાટેલા તુટેલા લૂગડામાં લપેટાયેલ બે જણની આંખોના કરૂણ ઝળઝળીયા જોઈને ડોક્ટર સત્વરે ધીરજકાકાને બરાબરની બાથ ભીડીને ભેટી પડ્યા. થોડીવારે ડોક્ટર કહે:" ધીરજકાકા, ધન્ય છે તમને અને તમારા જીવતરને! હું આજ સુધી એમ જ માનતો હતો કે આ હળાહળ કળજુગ છે. કિન્તુ મને તમારામાં સતજુગના દર્શન થઈ રહ્યા છે. લોકોને જેટલા દીકરાના અભરખા હોય છે એનાથી અનેક સવાયા તમને જે દીકરીના અભરખા છે, ઓરતા છે એ જાણીને ઈશ્વર પણ ખુશીથી ઝૂમી રહ્યો હશે!" વળી, ડોક્ટરે ખુશીથી ધીરજકાકાની પત્નીના પેટ તરફ નજર નાખીને કહ્યું:" કાકા, તમારે દીકરી જ અવતરશે! અને એ દીકરીની ખુશીમાં હું તમારી બધા જ પ્રકારની દવા ફ્રીમાં કરી આપીશ! અને તમારી દીકરીને માટે એક લાખ રૂપિયા રોકડા ઈનામ આપીશ!"
ધીરજકાકાને થોડી આશા બધાઈ. એમના અસ્તિત્વ પર ખુશીએ અપાર દેખા દેવા માંડી. તેમ છતાં તેમની આંખોમાં બાળકની જાત જાણવાની જે તમન્ના હતી ડોક્ટર એ પારખી ગયા અને એ ધીરજકાકાને નાખુશ કરવા નહોતા માગતા. એમણે તરત જ ધીરજકાકાની પત્નીને અંદરના રૂમમાં બોલાવી. અને બે ઘડીએ બહાર આવ્યા. ડોક્ટરના ચહેરા પર ખુશીનો પાર નહોતો. ઝપાટાભેર આવીને એ પુનઃ ધીરજકાકાને ભેટી પડયા. કહ્યું :"અભિનંદન ધીરજકાકા! લાખ લાખ અભિનંદન! આ વખતે તમારી અમાર આશા સો ટકા ફળીભૂત થઇ રહી છે. તમારી પત્નીના પેટમાં દીકરી જ ઉઠી રહી છે. જાણે સ્વર્ગનું સામ્રાજ્ય મળ્યું હોય એમ ધીરજકાકા અને તેની પત્ની આનંદથી ઝૂમી ઉઠ્યા.
ઘેર જઈને ધીરજ કાકાએ ગામ આખામાં ગોળધાણા વહેચ્યા. દિવાળીના દિવસે પણ જ્યાં દીવડા નહોતા જલતા એવી ડેલીએ રોજ દીવા પ્રગટાવવા માંડ્યા. લોકોને આ બધું જોઈને નવાઈ લાગતી. ધીરજકાકા સતત દીકરીના વિચારોમાં ને ખ્યાલોમાં જ રહેતા હતા. ધીરજકાકાની પત્નીને પણ એક જ લગની લાગી ગઈ હતી:" મારા પેટમાં ઉતરતો બાળક મારી દીકરી છે. અમારો તો ભવ સુધરી ગયો. વાહ રે, કિરતાર તે મોડેમોડે ભલે લીલા કરી હોય પણ તે અપરંપાર લીલા કરી છે. અમારો તો મનખાવતાર સુધારી આપ્યો હો કુદરત! તારી જય હો!"
*
જેવી ધીરજકાકાએ દવાખાનેથી વિદાય લીધી કે ડોક્ટર તરત જ એની કેબિનમાં જઈને રડી પડ્યા. ધીરજકાકાને જૂઠું બોલવાનું પારાવાર દુઃખ એમને સતાવી રહ્યું. પસ્તાવાના આંસુ લૂછી રહ્યા હતા એ જ ક્ષણે એમની કેબિનમાં નર્સનું આગમન થયું. ડોક્ટરશ્રીએ ઝડપથી આંસુ લુછવા પ્રયાસ કર્યો. એ આંસુ જોઈ ગયેલી નર્સે પૂછ્યું:"સર ! તમારી આંખોમાં આંસુ?"
"નર્સ!" આંખ લૂછતા ડોક્ટરે કહ્યું:"આજે બે કારણે આંખ ભરાઈ આવી છે. એક જૂઠ બોલ્યાના પસ્તાવાનું અને બીજું એક માણસને આશા બંધાવીને ખુશી આપવાના. નર્સ કહેવાય છે કે માણસ મનમાં જે વિચારે છે એવું બની જતું હોય છે. મેં વાંચ્યું પણ છે. ઘણા લોકો કંહી પણ ગયા છે. આપણે એક એક ભમરીનું ઉદાહરણ અનેક વાર સાંભળ્યું છે કે ભમરી એના માટીના ઘરમાં ઈયળને કેદ કરી લે છે અને એ ઈયળ સતત એમ વિચાર્યા કરતી રહે છે કે ભમરીએ અમને કેદ કરી લીધી કેદ! બસ એ જ રટણ કરતી કરતી એય ખુદ ભમરીમાં પરિવર્તિત થઇ જાય છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મેં ધીરજકાકાને ગર્ભનું પરીક્ષણ કર્યા વગર એક આશા એક અખંડ શ્રદ્ધા બાંધી આપી છે કે એમની પત્નીના પેટમાં ઉછરતું બાળક દીકરી જ છે. નર્સ હવે મારે જાણવું છે કે ધીરજકાકાને ઘેર દીકરી અવતરી એમના ભેગું મારું જીવન પણ ધન્ય બની જશે. કુદરત એમને અપાર ખુશી આપશે તો એનો મને આનંદ મળશે."
"સર, તમે જરાય ચિંતા કરશો નહીં. તમારી જે લાગણી હતી, જે ભાવનાથી જે શ્રદ્ધા તમે જન્માવી છે એ શ્રદ્ધા ઈશ્વર સો ટકા પરિપૂર્ણ કરશે.
અને એક દિવસ વહેલી સવારે દૂરથી દોડતો એ ફાટેલા તુટેલા લુગડા વાળો માણસ દેખાયો. એ દોડતા આવતા માણસને શૂન્યમનસ્કે ઊભેલા ડોક્ટર જોઈ રહ્યા. એ ધીરજકાકા હતાં. આંખોમાં ખુશીઓના અપાર આંસુ લઈને ડોક્ટર ને ભેટી પડ્યા અને પેંડાનુ બોક્સ હતું.