“ઓહો, આ સજીધજીને કયાં જાય છે આજે? ” રમાબેને દિકરીને પુછયું.
“મમ્મી, અમદાવાદમાં મારી ફ્રેન્ડ છે...જુમાના...એને ત્યાં ફંકશન છે.” અરીસાની સામે ઉભેલી રૂપલે આંખમાં કાજળ આંજતા જવાબ આપ્યો.
“તારા પપ્પાને પુછયું તેં? ”
“મમ્મી,તુ જ કહી દે ને ... હમણાં હું કહીશ તો કંઈક બોલશે પાછા... ” પ્લીઝ મમ્મી... રૂપલે વિનંતી કરતા કહ્યું.
“સારૂ...પણ વહેલી પાછી આવી જજે.”
રવિવાર, સપ્ટેમ્બરનો એક દિવસ – સવારે ૧૦.૩૦ વાગ્યાનો સમય થઇ રહ્યો હતો. ભાદરવા હોવા છતાંય વરસાદનું નામનિશાન ન હતું. વાતાવરણમાં ઉકળાટ હતો. રૂપલ મિસ્ત્રી વાસમાં આવેલા પોતાના ઘરેથી ચાલતી ગલીના નાકે આવી. રીક્ષા કરી, ખેડા ચોકડીએ પહોંચી. ત્યાંથી અમદાવાદની શટલ જીપમાં બેસી ગઈ. નારોલ ચોકડી ઉપર જૈમિન એને લેવા આવવાનો હતો. મમ્મીને એ જૂઠુ બોલી હતી. જુમાના નહી જૈમિન.
શટલરીક્ષા ખેડાથી ઉપડી અમદાવાદ હાઈવે ઉપર સડસડાટ દોડવા લાગી.
રૂપલનું નજીકનું ભૂતકાળ પણ એની આંખો સામે ઉભું થઈ ગયું.
ખેડા કોમર્સ કોલેજના બીજા વર્ષમાં ભણતી રૂપલને માંડ હજી ૧૯મું પુરૂ થયું હતું. પાંચ ફુટની ઉંચાઈ. સામાન્ય આંખો અને ઘઉંવર્ણો શ્યામ વાન, ગાલ ઉપર થોડાક ખીલ ઉગી આવ્યા હતા. ટીવી ઉપર આવતી ખીલ મટાડવાની અને એક સપ્તાહમાં ગોરા થવાની અસંખ્ય કોસ્મેટીક ટયુબો એણે ચોપડી નાખી હતી. ખીલમાં કે એના રંગના ઉઘાાડમાં કોઈ ફરક પડયો ન હતો. હા, એના પપ્પાના પર્સમાંથી કેટલીક રકમ ઓછી થઈ ગઈ હતી ખરી !
હજી મહિના પહેલાની વાત છે એણે ફેસબુક ખોલ્યુંતો એક છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી. ફેસબુક ઉપર એની સખીઓ કંઈ બહુ વધારે ન હતી. કોઈ છોકરો કે પુરૂષ તો એમાંથી એકેય ફ્રેન્ડ ન હતો.
કોલેજમાં એની લગભગ બધીજ સહેલીઓના બોયફ્રેન્ડ હતા. એ પણ ઇચ્છતી હતી કે એને પણ કોઈ એક મળી જાય...પણ... એ જ્યારે દર્પણમાં જોતી ત્યારે એને નિરાશા થતી. એમ કહો કે એને અરીસો જોવાનું ગમતું જ નહતું. પોતાના ગાલ ઉપરના ખીલ અને શ્યામ ચહેરો. ડાર્ક ઘઉંવર્ણો વાન... એની સખીઓએ એને ક્યારેય કહ્યું ન હતું છતાં એ સમજી શકતી હતી કે એ બહું સુંદર ન હતી. અરે સામાન્ય છોકરીઓથી પણ જાય એવી...
એને લધુતાગ્રંથિ બંધાતી જતી હતી. ખાસ કરીને જ્યારે એની સખીઓનું આખુ ગૃપ એના બોયફ્રેન્ડ સાથે કોઈ પાર્ટીમાં કે પિકચરમાં સાથે જાય ત્યારે... એને એકલતા કોરી ખાતી હતી...
પણ એણે એક નુસખો અપનાવી લીધો હતો.
સ્માર્ટ ફોન...
એના પપ્પા, નડીયાદમાં એક બાઈક શો રૂમમાં મિકેનિક હતાં. મધ્યમવર્ગના હતા. ખાધેપીધે સુખી હતાં. રૂપલે પપ્પાને મનાવી એક સ્માર્ટફોન ખરીદી લીધો હતો. એ દિવસથી એનો મોટાભાગને સમય સોશીયલ મીડીયા ઉપર પસાર થતો. વોટસએપ અને ફેસબુકની નશાની હદ સુધી એ બંધાણી થઈ ગઈ હતી.
ફેસબુક ઉપર મોટાભાગની એની સખીઓજ એની ફ્રેન્ડ હતી. પણ એક છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી તો એને આશ્રર્ય અને ઉત્સુકતા સાથે ખોલી.
જૈમિન ઠક્કર - અમદાવાદ. ઉમર ૨૧ વર્ષ. સામાન્ય ચેહરો. પરંતુ એથ્લેટિક શરીરનો બાંધો – કસાયેલું શરીર, ઉંચાઈ સાડા પાંચ ફુટ હશે. એણે તરત જ રિકવેસ્ટ સ્વીકારી લીધી. બીજા દિવસે જૈમિનનો પર્સનલ મેસેજ આવ્યો. “યુ આર લુકીંગ સો બ્યુટીફુલ.”
આટલુંજ વાંચીને રૂપલના રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો. આજદિન સુધી એને કોઈએ સુંદર કહી નહોતી, ખાસ કરીને કોઈ છોકરાએ.
એ અરીસા સામે ઊભી રહી ગઈ અને પોતાની જાતને નીરખવા લાગી.. એને વિશ્વાસ જ નહતો થતો કે એપણ સુંદર હોઈ શકે... એણે આજદિન સુધી પોતાની જાતને કોસી હતી. કયારેક ઈશ્વર સાથે પણ નારાજ થઈ હતી કે આતે કેવી બનાવી નાંખી, પ્રભુ? કે કોઈ નજર મેળવીને જોતુંય નથી!
જૈમિન મજાક તો નહોતો કરતો ને ? રૂપલે જૈમિનન ફેસબુક મેસેજમાં પોતાની શંકા વ્યકત કરી નાખી હતી.
“તમે મજાક તો નથી કરતા ને? ”
બે કલાક પછી જૈમિનનો મેસેજ આવ્યો હતો.
“તમારા સમ, તમારા સુંદર હોવા વિશે તમને કોઈ શંકા છે.? ”
ના,ના,ના...એ તો જાણે હવામાં જ ઉડવા લાગી હતી. અને પછી એનું મન રોજ જૈમિનના વિચારોમાં ઉડવા લાગતું હતું. આઠ દિવસ પછી મોબાઈલ નંબરોની આપલે થઈ. પછી વોટસએપ ઉપર વીડીયો કોલીંગનો સિલસલો શરૂ થયો.
એક મહિનામાં રૂપલને લાગતું હતું કે એનું આખુ જીવન બદલાઈ ગયું.
પછી એક દિવસે જૈમિને એને અમદાવાદ આવીને મળવાનું કહ્યું, ત્યારે એને લાગ્યું કે ભાવતું હતું એ જ વૈધે કીધું.
“પણ તું ખેડા આવને” રૂપલે નિર્દોષ ભાવે કહ્યું હતું.
“તમે” ઉપરથી બંને “તુ” કહીને બોલાવી શકે એટલી પ્રગતિ એમના સંબધમાં થઈ હતી.
“ખેડા, નાનું અમથું શહેર છે... નગર કહે નગર...હું ત્યાં આવું અને આપણે મળીએ તો તારા મમ્મી પપ્પાને જ નહિ આખા ગામને ખબર પડે...”
“અને અમદાવાદમાં ખબર ના પડે એમને.”
“હા, અહી કોઈ કોઈની ખબર નથી લેતું... બધા પોતપોતાનામાં જ ખોવાયેલા રહે છે. મોટા શહેરોમાં પંચાત ઓછી. તુ આવને.”
અને એ રીતે નકકી થયેલા રવિવારના દિવસે એટલે કે આજે એ અમદાવાદ પહોંચી. નારોલ આવ્યું. જૈમિન બાઈક લઈને આવ્યો હતો. હાય હેલ્લો પછી બંને જણ આશ્રમરોડ ઉપર એક રેસ્ટોરન્ટમાં બેઠા. જૈમિને બે કોફીનો ઓર્ડર આપ્યો.
“બીજું કેવું ચાલે છે, બોલ...”જૈમિને રૂપલના હાથ ઉપર પોતાનો હાથ મુકતા કહ્યું.
શરીરમાં વિજળી દોડી ગઈ હોય એવું રૂપલે અનુભવ્યું. આજદિન સુધી કોઈ છોકરાએ એને આ રીતે સ્પર્શ કર્યો નહતો.
“બીજુ કશું નથી ચાલતું...બસ તારૂં જ ચાલે છે...દિલ પર રાજ... ” ગભરાટમાં શું બોલી ગઈ એનું પણ એને ભાન ન રહ્યુ.
“અરે, ભણવાનું કેવું ચાલે છે, એમ પુછુ છું...”
“ભણવાનું...ભણવાનું તો પહેલાં બરાબર ચાલતું હતું.”
“તો હવે...?”
“હવે... હવે ઠીક ચાલે છે...મન નથી થતું ભણવાનું...”
“એટલે કે દિલ નથી લાગતું એમને... ”
“દિલ તારામાં લાગી ગયું ત્યારથી...ભણવામાં કેવી રીતે લાગે”
“જૈમિન એના હાથ ઉપર વધુ ભાર આપ્યો.
“યાર મારું પણ બીજે કયાંય દિલ નથી લાગતું... આઈ લવ યુ યાર... ”
રૂપલની આખો પહેલા પહોળી થઈ પછી શરમના ભાવથી પાંપણો ઝુકી ગઈ.
થોડી શાંત ક્ષણો એક બીજાને જોતાં વીતી ગઈ.
બેરો કોફી લઈને આવ્યો.
“મે પિકચરની ટીકીટો લઈ રાખી છે...”જૈમિને કોફીની ચુસકી લેતાં કહ્યુ.
“કયા પિકચરની?”
“લવ તડકા”
“લવ કડકા?”
“ના,ના લવ ત-ડ-કા” જૈમિનને એક એક શબ્દ છુટો પાડીને કહ્યુ,
“ગુજરાતી છે ?”
“કેમ, તને ગુજરાતી ફિલ્મો નથી ફાવતી?”
“ના,ના, આ તો નામ થોડુ...વિચિત્ર લાંગ્યું એટલે...”
“સારૂ ચાલ જલ્દી કોફી પી લે.....પિકચરનો સમય થાય છે.”
બંનેએ કોફી પીધી, જૈમિને બિલ ચુંકવ્યું. બંને બહાર આવ્યા.
નજીકમાં જ થિયેટરમાં તેઓ ફિલ્મ જોવા ઘુસ્યા.
અઢી કલાકમાં તેઓ અંધારામાં પણ એકબીજાના ચહેરા જોઈને સ્મિત આપતા રહ્યા. જૈમિનને રૂપલનો હાથ પકડયા સિવાય એક પણ અભદ્ર હરકત કરી ન હોતી. રૂપલને એના માટે માન ઉપજ્યું.
ફિલ્મ જાઈ થિયેટરની બહાર નિકળ્યા.
“હવે કયારે મળીશું ?”જૈમિને સવાલ કર્યો.
“કેમ ” રૂપલે આશ્ચર્ય સાથે પુછયું.
“લે, કેવા સવાલ કરે છે એકબીજાની આરતી ઉતારવા માટે..... અલી,છોકરા-છોકરી શા માટે મળે છે?”
“અરે,રોમેન્ટિક વાતો કરવા, પ્રેમ કરવા...અને ...
રૂપલે નીચું જોઈ ગઈ.
“તો પછી, આવતા રવિવારે..... ”
“ના,ના,આવતા રવિવારે મારી માસીને ત્યાં ફંકશન છે. નડીયાદમાં’..... રૂપલે ઝડપથી કહી દીધું.
“તો,પછી એના પછીના રવિવારે..... ”
“હાં, ઠીક છે.”
જૈમિન રૂપલને નારોલ ચોકડી છોડી આવ્યો. રૂપલ શટલ જીપમાં બેસી ગઈ.
આખા રસ્તે એના રોમ રોમમાં કોઈ અલૌકિક રોમાંચ થતો રહ્યો.એનું હૈયું હર્ષોલ્લાસથી જે રીતે ધબકી રહ્યું હતું, આજ પહેલાં કયારેય આવું ધબકયું નહતું.
હજી શ્વાસો ભર્યા છે શ્વાસમાં
હજી નજાકત છે ઘાસમાં
ફુલોથી પ્રસરે છે ફોરમ
કંટકો ને છે આ ગમ
કે અમે ખુશ્બુને વીંધી શક્યા નહી.
ફોન ઉપર વાતો થતી રહી.બંને જણ નકકી કરેલા રવિવારની પ્રતિક્ષામાં બેચેનીથી ક્ષણો કાપી રહ્યા.
અને એ રવિવાર પણ આવી પહોચ્યો. રૂપલે ગ્રીન ટી શર્ટ અને બલ્યુ જીન્સ પહેરી. વાંરવાંર એ અરીસામાં પોતાને નીરખતી. ખાસ કરીને એના સુડોલ સ્તનો ને. ટાઈટ ટી શર્ટમાં એમનો ઉભાર એવો હતો કે જાણે છલકાઈને હમણાં બહાર આવી જશે ! એને હસવું આવી ગયું.
એ નારોલ આવી પહોંચી, ત્યાં જૈમિન એની પ્રતિક્ષા કરતો ઉભો હતો.
“બહુ સુંદર દેખાય છે ને આજે કંઈક” જૈમિને છટાથી કહ્યું.
“ફલર્ટીગમાં બહુ માસ્ટરી લાગે છે, તારી” રૂપલે પણ એવીજ છટાથી કહ્યું
“ચાલ બેસ.....” હોન્ડા સાઈન ઉપર બેસીને તેઓ ઉપડયા.
“આપણે કયાં જઈએ છીએ?” રૂપલે પ્રશ્ન કર્યો.
“ઈસનપુરમાં મારા એક મિત્રે ભાડેથી ટેનામેન્ટ રાખ્યો છે. એ મિત્રની ફેમીલી જુનાગઢમાં છે. એની અહીંયા વટવામાં જોબ છે. એકલો જ છે. પણ આજે એ કંપનીના કામથી બહાર ગયો છે... ”
“અને ચાવી તને આપી ગયો છે એમને? શું પ્રોગ્રામ બનાવ્યો છે હેં?”
રૂપલે શંકાથી પ્રશ્ન કર્યો.
“તું કંઈ ખોટુ ન માનતી હો.....અરે આતો શું, બે ઘડી શાંતિથી વાતો થાય...સમજી.”
ઈસનપુરમાં આવેલી શુભમંગલ સોસાયટીમાં પહેલી ગલીમાં જ કોર્નર ઉપર આવેલ ટેનામેન્ટ પાસે તેઓ આવી પહોચ્યા. બપોર થવા આવી હતી. સોસાયટી સુમસાન હતી. બાળકો ક્રિકેટ રમીને થાકી ગયા હતા. હવે જમવાનો સમય થતો હતો એટલે બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા હતા.
બંને મકાનમાં પ્રવેશ્યા. જૈમિને મુખ્ય બારણું બંધ કરી સ્ટોપર લગાવી દીધી.
“આ શું કરે છે. બારણું કેમ બંધ કરે છે?” રૂપલે શંકા અને ભયમિશ્રિત અવાજે પુછ્યું.
“બહુ બીએ છે યાર તુ તો..... તુ કહેતી હોય તો લે ખોલી નાંખુ બારણું..... ભલેને કુતરા ઘુસી આવે.”
“ના,ના,.....મારો અર્થ એવો નહોતો.. હું તો એમજ.”....રૂપલ ધીમે ધીમે બોલતી હતી.પછી એને પોતાને જ પ્રશ્ન થયો શું એની ઈચ્છા પણ જૈમિન જેવી જ ન હતી?
એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું.
જૈમિને એને બાહુમાં ભરી એના હોટ ઉપર પોતાના હોટ મુકી દીધા.
આ અચાનક હુમલાથી પહેલા તો એ ડઘાઈ ગઈ.પછી એ પણ જૈમિનને ગળે વળગી પડી.
બંને એકબીજાને તસતસતા ચુંબનો ચોડવા લાગ્યા.
જૈમિન બંને હાથોથી રૂપલને ઉપાડી બેડરૂમમાં લઈ ગયો.
“આ તુ શું કરે છે...... ”
રૂપલ એને ઈન્કાર તો કરી રહી હતી પણ ઈચ્છતી હતી કે જૈમિન એ બધું જ કરે જે એક સ્ત્રી પુરૂષ પાસેથી અપેક્ષા રાખે છે અને જૈમિન એની અપેક્ષા પુરી કરવામાં જરાય કાચો પડે એમ ન હતો. બંને નગ્નાવસ્થામાં રતિક્રિડાનો આનંદ લેવા લાગ્યા.
થોડીવાર પછી રૂપલ જાણે એકદમ ભાનમાં આવી હોય એમ ઉઠીને રડવા લાગી.
“આ તે શું કર્યું? ”
“મે શું કર્યું ? મે એકલાએ જ મજા કરી એમ?”
“આઈ મીન, આપણે આ શું કર્યું.? ”રૂપલલ રડતા રડતા પૂછી રહી હતી.
“હવે બરાબર. આપણે એજ કર્યું જેના માટે કુદરતે આપણું સર્જન કર્યું છે ”
બંને બાથરૂમમાં સાથે નાહ્યા અને કપડાં પહેર્યા.
થોડી વાર પછી જૈમીન રૂપલને એક રેસ્ટોરાં માં લઇ ગયો.બંનેએ ખાધું.પછી રૂપલને નારોલ ચોકડી પાસે છોડી.
“ચાલ તને છોડી દઉ.”જૈમિન એનો હાથ પકડતાં કહ્યું.
રૂપલ ફરીથી રડું રડું થઈ ગઈ. કશું બોલવા જતી હતી પણ બોલી ન શકી.
“રસ્તામાં રડતી નહીં, નહીં તો ...”
“નહિ તો શું...” રૂપલે નખરાળા અંદાજમાં કહ્યું.
“નહિ તો આ જીપમાં બેઠેલા બધાને ખબર પડી જશે.” પછી બંને હસી પડ્યા.
“સારું, એ કહે હવે ક્યારે મળીશ?” જૈમિને હજી એનો હાથ છોડ્યો નહતો.હાથ જોરથી દબાવતા એને પૂછ્યું .
“હં.. હું ફોન કરીશ..... ઓકે , હું જાઉં... બાય... “ રૂપલે કહ્યું.
“અરે સાંભળ...ના ...ચલ જવા દે..” રૂપલે જૈમિનને કહ્યું.
“કહે ને ... શું કહેતી હતી ?”
“તને ખબર છે, હું શું કહેવા માંગતી હતી..”
બંનેના હૃદય મોઢાએ કશું જ ન કહ્યું છતાં પ્રેમની ભાષા સમજી રહ્યા હતા.
એ જીપમાં બેસી.હસી.જૈમીન પણ હસ્યો.પછી જીપ ઉપડી ગઈ.
૩૦ કિમી માં એ જાણે ૩૦ ભવ જીવી ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું.શરીરમાં હજી પણ એક ઝનઝણાટી થઇ રહી હતી.કોઈ અલગ જ સ્વપ્ન લોકમાં આવી ચઢી હોય એવી એની મનોદશા હતી.
જીપમાં ફિલ્મ “રાઝ”નું જે ગીત ગુંજી રહ્યું હતું એથી તો એ વધારે ભાવુક થઇ ગઈ... એ ગીત જાણે એના માટે જ રચાયું હશે!
‘આપકે પ્યાર મેં હમ સંવરને લગે
દેખકે આપકો હમ નિખરને લગે
ઇસ કદર આપસે હમકો મુહબ્બત હુઈ.....
ટૂટ કે બાજુઓમે બિખરને લગે...”
આ બાજુ રૂપલને નારોલ ચોકડી છોડી જૈમિન મકાન ઉપર પાછો આવ્યો.
બે માણસો લીવીંગ રૂમમાં બેઠા હતા.
“કેવું રહ્યું.? ” જૈમિને મકાનમાં ઘુસતાં જ પુછયું.
“દર વખતની જેમ, જબરજસ્ત યાર... ” એમાંથી પિસ્તાળીસેક વર્ષના અને એ બેમાંથી મોટા લાગતા માણસે કહ્યું.
એટલામાં ત્રીજો માણસ વીડીયો કેમેરા લઈને આવ્યો.
“બહુ જારદાર યાર..... ”પચીસેક વર્ષના પેલા કેમેરામેને રીવાઈન્ડ કરીને જોતા કહ્યું.
“પણ મારૂ મોઢું તો નથી આવ્યું ને? ” જૈમિને એને પૂછ્યું.
“ના આવે ને યાર.....આજદિન સુધી આવ્યું છે તારૂં તો હવે આવશે?” કેમેરામેને કહ્યું.
“લે તારૂ મહેનતાણું..... ગણી લે....... ”પેલો આધેડ માણસે જેમિનને પૈસા આપતા કહ્યું.
“ઓ......ઓ...... બોસ..... બોસ... હજાર ઓછા છે...પેલું સિનેમામાં લઈ ગયો હતો એને... કોફી પીવડાવી હતી અને પેટ્રોલ ખર્ચ અને આજે જમાડ્યું એ ખર્ચ.... ”જૈમિને માંગણી કરતાં કહ્યું.
“સાલું દર વખતે તારી આ જ બબાલ હોય છે...લે આ વધારાના હજાર... ”
“ભાવિન,ચાલ જઈએ ઓફિસે... એડીટીંગ કરીને ચઢાવવું પડશે ને.”....આધેડે કેમેરામેન ને કહ્યું.
“આને કયાં ચઢાવશો? ” જૈમિને પ્રશ્ન કર્યો.
“દેસી પોર્ન ડોટ કોમ ઉપર.... ”
આ..હા..હા..બધા હસી પડ્યા.
“અને મારે પણ જવું પડશે..... ફેસબુર ઉપર... ”જૈમિને કહ્યું.
ફરીથી બધા ખડખડાટ હસી પડયા.