પ્રિ-વેડિંગ શૂટિંગ Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિ-વેડિંગ શૂટિંગ

પ્રિ-વેડિંગ શૂટિંગ

લેખક-મોહમ્મદ સઈદ શેખ

અને આજે ફરી એજ વાત નીકળી.”ભૈલા નિલેશ,તું લગ્ન કયારે કરીશ?”

અસંખ્ય વખત પુછાએલા આ નાનકડા પ્રશ્ને એનું જીવન દોહ્યલું કરી નાખ્યું હતું.એને ક્યારેક સામો પ્રશ્ન પણ થતો ,શું લગ્ન કરવા જરૂરી હોય છે?

મેહસાણામાં રહેતા એના લક્ષ્મીમાસીનાં પુત્ર રાકેશની કંકોતરી આવતા આ પ્રશ્ન પાછો ચગ્યો હતો.

રાત્રે ખાણું ખાતી વખતે જ આ વાત નીકળી હતી.એની મમ્મી પાર્વતીબેને જ એને પ્રશ્ન કર્યોં હતો.

કંઇક વિચાર્યા પછી એણે કહ્યું હતું “મમ્મી,આ વખતે જે પહેલી છોકરી પસંદ પડે એની સાથે લગ્ન પાકાં ,બસ....”

બસ એક વાર લગ્ન થઇ જાય.... પછી...એના વિચારો ઉપર બ્રેક વાગી જયારે એના પપ્પા વિજય પટેલે રહસ્યમય અને શંકાશીલ સ્મિત કરીને કહ્યું “આ વખતે તો લગ્ન પાકાં...હં... મારા વા’લા ..આ યુવાની ગોલ્ડન એઈજ છે,એને વેડફી ના નાખતો... આ ઉંમરે જે પાક લણી શકાય એ મોટી ઉમરે ના લણાય ,સમજ્યો.”

ખેડૂત કુટુંબમાંથી આવતા અને યુવાનીમાં પોતે પણ ખેડૂત તરીકે કામ કરી ચુકેલા વિજય પટેલે પોતાના જીવનનો અનુભવ ઇશારામાં સમજાવી દીધો.નિલેશ જલ્દી થી લગ્ન કરીને ઠરીઠામ થઇ જાય એવી એમની ઈચ્છા કઈ અસ્થાને નહતી.

એમની બંને દીકરીઓ વિણા અને રીના ના લગ્ન ક્યારના થઇ ચુક્યા હતા.બંનેને ત્યાં નાના બાળકો પણ હતા.બંને પોતપોતાના ઘરમાં સુખી હતી.તેઓ ઈચ્છતા હતા કે નિલેશના લગ્ન પણ જલ્દી થી થઇ જાય તો એમની જવાબદારીમાંથી છુટા થાય.એમની ચિંતાનું મુખ્ય કારણ તો એ હતું કે નિલેશની ઉમર વધતી જતી હતી.૩૧ તો એને પુરા થઇ ગયા હતા...ઉમર વધે એમ સારી છોકરીઓ મળવી મુશ્કેલ થતું હોય છે....

એવું નહોતું કે તેઓ હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યા હતા.ઘણી છોકરીઓ એમણે જોઈ હતી.કેટલીક છોકરીઓ બંને પતિ પત્નીને પસંદ નહોતી પડતી એ સાચું પણ મોટા ભાગે તો નિલેશ જ કોઈ ને કોઈ ખામી કાઢી છોકરી ને રીજેક્ટ કરી દેતો.જોકે બે એક છોકરીઓએ એને પણ રીજેક્ટ કરી દીધો હતો એ પાછી અલગ વાત છે.

એવું નહોતું કે એ કદરૂપો હતો કે બટકો હતો.૫’૯” ની ઉંચાઈ,મધ્યમ કસાયેલા બાંધાનું શરીર,ચમકતી આંખો,ગોળ ગોળ મોઢું,સુરેખ થોડું ઉપસેલું પાતળું નાક,પ્રમાણસરના હોઠ....ડીપ્લોમાં સિવિલ એન્જીનીયર અને એક અમીર ઘરનો બિલ્ડરનો છોકરો! એમ તો એ બધી રીતે પરફેક્ટ હતો ..પણ...

એ પણ... માં છુપાયેલા રહ્સ્યે જ એને આજ દિન સુધી કુંવારો રાખ્યો હતો...

ખેતીમાં કોઈ રસ કસ ન રહેતા મહેસાણાના એક નાનકડા ગામડેથી વિજય પટેલ અમદાવાદમાં આવીને સેટલ થયા હતા.નાના નાના બિલ્ડીંગ કોન્ટ્રાકટ થી શરુ કરી એક મોટા બિલ્ડર અને ડેવલપર તરીકે નામના મેળવી હતી.બોપલમાં જ્યાં પોતે સ્કીમ કરી એમાં જ એક બંગલો પોતે રાખી વસવાટ કરવા લાગ્યા.બે ઔડી ગાડીઓ હતી.બંને દીકરીઓને પરણાવી દીધી હતી.પાર્વતીબેન ના રૂપમાં સુખ દુઃખની જીવન સંગીની મળી હતી.તેઓ ઈશ્વર નો આભાર માનતા કે એણે બધાજ સુખ આ ભવમાં આપી દીધા.પણ..પણ એક નાનકડી બાબત એમને ખટકતી હતી.નિલેશના લગ્નનું ક્યાંક ગોઠવાઈ જાય તો બધી જવાબદારીઓમાંથી મુક્ત થઇ જાય અને પછી પતિ પત્ની હરિદ્વાર ની જાત્રાએ ઉપડી જાય.પણ કોણ જાણે કેમ એનું ક્યાંય ગોઠવાતું ન હતું.

એ માટે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા.મિત્રો અને સંબંધીઓને કહી રાખ્યું હતું કોઈ સારી છોકરી હોય તો બતાવજો.મેટ્રીમોનીઅલ વેબ સાઈટો ઉપર પણ બાયો ડેટા નાખ્યા હતા.અને માગા આવવા લાગ્યા હતા.આટલા સારા કુટુંબમાં માંગા ન આવે તોજ નવાઈ!અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતાં એમના બાળપણના મિત્ર મુકેશ પટેલે પણ એમની પુત્રી માટે માંગું નાખ્યું હતું.એક પગથી ખોડંગાતી વર્ષાને નિલેશે જોયા વિનાજ નાં પાડી દીધી હતી.અમેરિકાથી ક્યારેક ક્યારેક આવતા ફોન પણ એ પછી બંધ થઇ ગયા હતા.વિજયભાઈએ દિલ મનાવ્યું હતું કે છોકરાને જ છોકરી પસંદ ન હોય તો બળજબરીથી લગ્ન કેવી રીતે લેવાય?

ફરી પાછી થોડા દિવસ લગ્નની ચર્ચાઓ ચાલતી અને શાંત થઇ જતી.નિલેશ પણ ફરી પાછો પિતા સાથે પ્રોજેક્ટના કામમાં ગળાડૂબ થઈ જતો.ક્યાંક કોઈ દલાલ સાથે જમીન જોવા જવાની હોય,આર્કિટેક્ટે કરેલા

પ્લાનિંગમાં સુધારા-વધારા કરવાવાના હોય કે કોઈની સાથે ડીલ કરવાની હોય, નિલેશ પોતે બધું સંભાળી લેતો.પોતે ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ કર્યું હોઇ એને આ બાબતમાં પપ્પા કરતા વધારે સમજ પડતી.વિજયભાઈ પોતે પણ એને આગળ કરતા.એમને હવે ધંધાની બહુ ચિંતા ન હતી.છોકરો હોશિયાર થઇ ગયો હતો.એકસાથે બબ્બે ત્રણ-ત્રણ પ્રોજેક્ટ ચાલતા હોય તો એ એકલા હાથે સંભાળી લેતો હતો.બધું જ સારું થઈ રહ્યું હતું. એમને બીજી તો ખાસ કોઈ ચિંતા ન હતી.સિવાય એક વાત ની કે છોકરાની ઉંમર ધીરે ધીરે વધી રહી હતી.બસ હવે એ પરણીને સેટલ થઈ જાય એમ તેઓ મનોમન ભગવાનને પ્રાર્થના કરતા.

રાકેશ ના લગ્નનો દિવસ આવી ગયો.સહકુટુંબ મહેસાણા જવાનું હતું.ડ્રાઈવર ને આવવામાં થોડી વાર થઇ ગઈ તો નિલેશે વિનંતી કરતા કહ્યું.:”પપ્પા,હું ડ્રાઈવ કરુ?”

વિજયભાઈ અને પાર્વતીબેન ને જાણે કશુક યાદ આવી ગયું.એમના ચહેરાની રેખાઓ તંગ થઇ ગઈ.

“ના” વિજયભાઈએ દ્રઢતાથી કહ્યું.

નિલેશે બહુ જીદ નાં કરી.એને ક્ષોભ થયો.પોતાની જાત ઉપર ખીજ ચડી.બહારગામ જવાનું હોય ત્યારે ડ્રાઈવર સાથે જ જવું એવું વિજયભાઈએ નિયમ બનાવી લીધો હતો -એ ઘટના પછી.

એવામાં ડ્રાઈવર આવી ગયો.ત્રણે જણ કારમાં ગોઠવાયા.બંને બહેનો વિણા-અજય,રીના-સુનીલ નું કુટુંબ એક બીજી કારમાં આવવાના હતા.કાર મહેસાણા હાઈવે ઉપર સડસડાટ દોડવા લાગી.

આ બાજુ નિલેશનું મગજ પણ ભૂતકાળ માં દોડવા લાગ્યું.

ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી 18 વરસનો થયો કે એને ડ્રાઇવિંગ લાઇસન્સ લઇ લીધું હતું.ડીપ્લોમાં મળ્યાની ખુશીમાં એણે પોતાના મિત્રો સાથે માઉન્ટ આબુમાં “પાર્ટી” આપવાનો “પ્રોગ્રામ” બનાવ્યો હતો.પહેલાતો વિજયભાઈ એ ઘસીને ના પાડી દીધી,પરંતુ નિલેશે જીદ ચાલુ રાખી હતી. છોકરો હવે પુખ્ત થઈ ગયો અને ડીપ્લોમાં પણ લઈ લીધું, કાર પણ ઘરમાં હતી. ના પાડવાનું કોઈ કારણ ન હતું. એમણે પરવાનગી આપી. પણ ધીમેથી એટલુ તો કહ્યું જ “લિમિટમાં પીજે હોં...” અને બાપ-દીકરો બંને હસી પડ્યા હતા.

બે દિવસ માઉન્ટ આબુમાં મોજમસ્તી કર્યા પછી બધા મિત્રો સાંજે અમદાવાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે નિલેશનો મિત્ર હિરેન શાહ કાર ડ્રાઈવિંગ કરી રહ્યો હતો.આ પાંચ મિત્રોમાં કાર ચલાવવાનો સૌથી વધારે અનુભવ એનેજ હતો.બીજા મિત્રોએ થોડી થોડી પીધી હતી અને તેથી એમને ચડી પણ હતી.હિરેને પીધી ન હતી .આમતો સાવચેતીપૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો પરંતુ માઉન્ટ આબુના વળાંકોવાળા રસ્તાઓ ઉપર ડ્રાઇવીંગ કરવી એના માટે કઈ સરળ ન હતું.અંધારું થવા આવ્યું હતું.એક જગ્યાએ ટર્નિંગ ઉપર સ્વીફ્ટ કાર ઝડપથી એમની સામે આવતી લાગી.હિરેન કંટ્રોલ ગુમાવી દીધું.કાર ખડક સાથે ધડાકાભેર અથડાઇ.બોનેટ ખૂબ ખરાબ રીતે ભાંગી પડ્યું હતું.નસીબ એટલા સારા કે આગળની બંને એરબેગ ખુલી ગઈ હતી. એટલે માથું તો સલામત હતું પરંતુ કમરથી લઈ પગ સુધી નિલેશ અને હિરેન બંને ગંભીર રીતે ઘવાયા હતા.પાછળ બેઠેલા મિત્રોને ઝાઝું વાગ્યું ન હતું.

જયારે એમની આંખો ખુલી ત્યારે ખબર પડી કે તેઓ આબુ રોડ પરની એક એક હોસ્પિટલમાં હતા.વિજયભાઈ અને પાર્વતીબેન તાબડતોડ હોસ્પિટલ પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સમાં બધા મિત્રોને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં મિત્રો ની સારવાર કરવામાં આવી .નિલેશ અને હિરેન ને આઠ દિવસ સુધી હોસ્પિટલ માં રહી સારવાર લેવી પડી.બીજા મિત્રોને એજ દિવસે રજા મળી ગઈ. એજ દિવસથી વિજયભાઈ એ નક્કી કરી લીધું હતું કે અમદાવાદની બહાર ક્યાંય પણ જવું હોય તો ડ્રાયવરને સાથે લઈ લેવું.પોતે કે નિલેશે ક્યારેય ડ્રાઇવિંગ કરવી નહિ.

એ અકસ્માતે નિલેશનું જીવન બદલી નાખ્યું.સારવાર લઇ એ ઘરે પહોંચ્યો ત્યારે એને લાગ્યું એનામાં કશુક ખૂટતું હતું... કપડા કાઢી એ અરીસા સામે ઊભો રહી ગયો....બધી બાજુએ થી એણે એના શરીરનું નિરીક્ષણ કર્યુ.... એણે ઉત્થાન માટેના બહુ પ્રયત્નો કર્યા..નિષ્ફળ...એણે જોરથી ચીસ પાડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો..એનું પૌર્રુંસત્વ એ ગુમાવી ચુક્યો હતો.......

વાતો અને વિચારોમાં ક્યારે મહેસાણા આવી ગયું એની ખબર પણ ન પડી.રાકેશ અને તારીણી ની લગ્ન-વિધિ શરુ થઇ.રાકેશ અને નિલેશ આમતો પિતરાઈ ભાઈઓ હતાં પરંતુ એમના વચ્ચે મિત્રતા વધારે હતી.નિલેશ રાકેશ નો અણવર તો ન હતો પણ એ એની સાથે ને સાથે જ હતો. આ બધી વિધિઓમાં વધુની કેટલીક સખીઓ સાથે વારંવાર સામે આવવાનું થતું.વાતવાતમાં રાકેશે ઇડરથી આગળ આવેલા પોળોમાં પ્રી-વેડિંગ ફોટોશુટ કરાવ્યું હતું એ ફોટા નિલેશને બતાવ્યા.”યાર,બેકગ્રાઉન્ડ તો બહુ જોરદાર છે..તમે બંને પણ બહુ સુંદર લાગો છો.”નિલેશે કહ્યું હતું.

“અમારા તો મેરેજ થઇ ગયા સમજ.પણ તું કયારે કરે છે એ કહેને?”રાકેશે પૂછ્યું.

“બસ હવે જલ્દીથી જ કરી નાખવા છે...”

“કન્યા ક્યાં છે ?કોની સાથે?”

“કન્યા અહીં જ છે...પણ નામ બામ કશું ખબર નથી આપણને હો..”

નિલેશે તારીણીની બાજુમાં બેઠેલી કન્યા તરફ ઈશારો કર્યો.

”પેલી ગ્રીન સાડી વાળી... એનું નામ તો નિધિ છે...” રાકેશે કહ્યું.

આશરે પચીસેક વર્ષની, મધ્યમ કદ અને બાંધાની,ખુબસુરત આંખો,રેશમી ઝુલ્ફા અને ગોરો વર્ણધરાવતી નિધિને જોઇને કોઈ પણ એની ઉપર મોહી પડે એવી સુંદર હતી.નિલેશ પણ મોહી પડ્યો હતો.

“તમારી તો અત્યારથી રાશી પણ મળી ગઈ.... હવે ગોત્ર,વંશ,કુળ,...યોની...”રાકેશ મજાકમાં બોલ્યે જતો હતો..

“બધું મળી જશે ,પહેલા તું વાત તો ચલાવ..”નિલેશે વાત કાપતા કહ્યું હતું.

નિલેશે ઘરવાળાને જયારે નિધિ વિષે વાત કરી ત્યારે બધાના દિલ બાગ બાગ થઇ ગયા હતા.

એ સાંજે વિજયભાઈએ બે પેગ વધારે માર્યા હતા.નિલેશની બંને બહેનો તો એ નક્કી નહોતી કરી શકતી કે રાકેશના લગ્નનો આનંદ વધારે હતો કે ભાઈએ છોકરી જોઈ લગ્નની હા પાડી એનો !નિલેશે જયારે કહ્યું કે હવે તો જલદીથી લગ્ન કરી જ નાખવા છે ત્યારે તો બધાનો આનંદનો પાર ન રહ્યો.પાર્વતીબેન તો જાણે ખુશીથી ફાટફાટ થતા હતા.શું કરવું શું ,ન કરવું ,એમને કશું જ સમજાતું ન હતું.આખરે તો તેઓ એક માતા હતાં ને! રાકેશ અને તારીણીએ હનીમૂનથી આવ્યા પછી નિલેશની વાત ચલાવી હતી.બીજા અઠવાડિયે ઈડરમાં નિધિ પટેલના ઘરે મળવાનું નક્કી થયું હતું.એક મહિનામાં નિલેશ અને નિધિના એંગેજમેન્ટ પણ થઇ ગયા અને ત્રણ મહિના પછી કમુરતા પુરા થાય કે તરતજ જાન્યુઆરીમાં લગ્ન લેવાનું પણ નક્કી થઈ ગયું.ઘરમાં લગ્નની તૈયારીઓ ધામધૂમ થી થવા લાગી.બધા ખુશ હતા પણ નિલેશ ક્યારેક ક્યારેક વિચારોમાં ખોવાયેલો રહેતો.લગ્ન વખતે તો આવી ચિન્તા હોવી સામાન્ય ગણાય છે.

ક્યારેક ઊંડા વિચારોમાં ખોવાયેલા ભાઈ ને જોઈ એની બહેનો એની મશ્કરી પણ કરતી.”જોજે ભઈલા,ક્યાંક ખોવાઈ ન જતો અને હા અમને ભૂલી પણ નાં જતો હો”.અને એ વિચારોની દુનિયામાંથી ઝબકીને પાછો ધરતી પર આવી જતો.લગ્ન ના ૧૫ દિવસ પહેલાં જ્યારે નિલેશ ઘરમાં નિધિ સાથે પ્રી-વેડિંગ ફોટો શૂટિંગની વાત કરી ત્યારે તો બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો.

“શું વાત છે,ભઈલો તો છૂપો રુસ્તમ નીકળ્યો!” એની બહેનોએ હસતા-હસતા મજાકમાં કહ્યું હતું “જાઓ જાઓ ,પણ જશો ક્યાં?”

“પોળો” નિલેશના મનમાં જે પહેલો વિચાર આવ્યો એ એણે તરત કહી દીધું.

પ્રી-વેડિંગ ફોટો શૂટ કરનાર એક સ્ટુડિયોમાં બધું નકકી થઇ ગયું હતું. ડ્રાઇવર દીપસિંહ નિલેશ અને ફોટોગ્રાફર જતીન ને લઈને ઈડર પહોંચ્યો.ત્યાંથી નિધિને લઈને તેઓ પોળો ફોરેસ્ટ પહોંચ્યા ત્યારે બપોર થવા આવી હતી.

જમ્યા પછી ફોટોશૂટ શરુ થયું.નિધી કેસરી રંગના ભરત ભરેલ ડ્રેસમાં દુલ્હન તરીકે સુંદર અને જાજરમાન લાગતી હતી.નિલેશ મરૂન કલરની શેરવાની અને સોનેરી રંગની સલવારમાં ખુબ મોહક લાગતો હતો.ચોમાસા પછી પોળો ના જંગલો જાણે કોઈ મુગ્ધાએ લીલી ચુંદડી ઓઢી હોય એવું સૌન્દર્ય રચે છે.સામાન્ય રીતે ભૂખરા લાગતા ડુંગરો આ ઋતુમાં રંગોની અનોખી ભાત રચે છે.આવા રંગો નીતરતા વાતાવરણમાં આ ભાવિ પતિ પત્ની ની ઉત્કટ ક્ષણોને કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરે અલગ-અલગ લોકેશન ઉપર, અલગ અલગ એંગલ થી ફોટા લેવાના શરૂ કર્યા હતા.એકબીજાના હાથ પકડીને,એક બીજાને ચુંબન કરતાં, એક બીજાની કમર ને કમર અડકાડીને, એમ અલગ અલગ અંદાજ અને પોઝમાં ફોટા લેવાતા ગયા.

એક જગ્યાએ વીયરને લીધે પાણી નો સંગ્રહ થયેલો હતો. પાણી રોકવા માટેની લગભગ ૩-૪ ફૂટ પહોળી અને અંદાજે ૧૦૦ ફૂટ લાંબી દીવાલ ઉપર થી ખળખળ વહેતું પાણી જાણે કોઈ નાનકડા ડેમ જેવું ભાસતું હતું. એક જગ્યાએ પાણીનો સંગ્રહ થયો હતો અને બીજી બાજુ ઓવર ફલો થઇને પાણી વહી રહ્યું હતું.

નિલેશને આ જગ્યા ખુબ પસંદ પડી.એમણે અહી ફોટા પડાવવાનું નક્કી કર્યું.

એ પહેલા પાળ ઉપર ગયો.પાણી વહી જતું હતું અને લીલ પણ બાઝી ગઇ હતી.એણે નિધિ તરફ હાથ લાંબો કર્યો.નિધિને આ લીલ બાઝેલા પાણીમાં બીક લાગી રહી હતી.પરંતુ આખું જીવન જેને સમર્પિત કરી દીધું છે એના માટે કઈ પણ કરી શકાય એમ વિચારી નીધીએ નિલેશનો હાથ પકડ્યો અને એ પણ પાળ ઉપર ઉતરી.એકબીજાના હાથ પકડી તેઓ અડધે સુધી જઈને ઉભા રહ્યાં.ફોટોગ્રાફર કિનારે સ્ટેન્ડ લગાવી ઉભો હતો.એણે હાથ ઉંચો કરી ઓકે નો ઈશારો કર્યો તો નિલેશ અને નીધીએ અલગ અલગ પોઝમાં ફોટા પડાવવાના શરુ કર્યા.

બપોરનો સમય હતો,આજુબાજુ સુનકાર હતો.અવરજવર ઓછી હતી.અચાનક કોણ જાણે કેવી રીતે નિધિ નો પગ લપસ્યો અને એ પાણીમાં પડી.ખરેખર તો પગ લપસ્યો નહતો પણ નિલેશે જ નિધિને ધક્કો માર્યો હતો.એના મનમાં રહેલો શેતાન જાગ્યો હતો.જે યોજનાઓ આટલા સમયથી બનાવી રાખી હતી એને અંજામ આપવાનો સમય આવી ગયો હતો.નિધિને ખતમ કરી પોતે લગ્નના કાયમી પ્રશ્ન થી છુટકારો મેળવી લેવાની યોજના એણે ઘડી હતી.એ મુજબ એણે નિધિને ધક્કો માર્યો અને પછી પોતેજ “બચાઓ, બચાઓ” ની બુમો પાડી વાતાવરણ ગજવી દીધું.

પણ ઠંડા પાણીમાં ઝોલા ખાતી નિધિ તરતજ સપાટી ઉપર આવી ગઈ હતી.એણે નિલેશનો પગ પકડી જોસથી નીચેની તરફ ખેંચ્યો.બેલેન્સ ગુમાવતા એ પાણીમાં પડ્યો.

એને તરતા તો આવડતું નહતું.પાણીમાં એ ઉપર નીચે ઝોલા ખાવા લાગ્યો...મોઢામાં પાણી ભરાઈ ગયું...નિધિ...બચાવો..બચાવો ... ની બુમો પાડવા માંગતો હતો...પણ એ ઉપર આવવાને બદલે સપાટી ની નીચે કેમ જઈ રહ્યો હતો?એને કોઈ નીચે ખેંચી રહ્યું હોય એમ કેમ લાગતું હતું?

પાણીની સપાટી ની નીચે નિધિ એના પગ ખેંચી એનું મોઢું પાણીની અંદર ઘસડી લાવી હતી.એ જેમ જેમ ઉપર આવવાનો પ્રયત્ન કરતો ,નિધિ એને વધારે ને વધારે અંદર ખેંચતી.એનો શ્વાસ ગૂંગળાવા માંડ્યો.પાણી મોઢા અને નાકમાં ઘુસી ગયું.એનું માથું ભારે થવા માંડ્યું...

ઓક્સિજન ... એને અત્યારે ઓક્સિજન ની જેટલી કીમત સમજાઈ રહી હતી એટલી ક્યારેય સમજાઈ નહતી..કાર્બન ડાયોક્સાઈડ એના ફેફસાંઓને જાણે ફાડી નાખવા મથતો હતો....એને લાગ્યું એની બધીજ નસો ફાટી જશે...એ પોતે પણ ફાટીને ફુરચે ફુરચા થઇ જશે...ધીરે ધીરે એના હાથપગની હલન ચલન શક્તિ મંદ પડવા લાગી....

ઊંડે ...ખૂબ ઊંડે....એ ધકેલાઈ રહ્યો હતો......અંધકાર...એ નિશ્ચય નહતો કરી શકતો કે એ અંધકારમાં ઉતરી રહ્યો હતો કે અંધકાર એની અંદર ઉતરી રહ્યું હતું.....

અને પછી બધું જ થમી ગયું....નિસ્તબ્ધતા...નીરવતા....શાંતિ.....

નિધિ પાણીની સપાટી ઉપર આવી અને જોસથી શ્વાસ લીધા....એણે બુમો પાડવા માંડી..”.હેલ્પ ,હેલ્પ.”..

ફોટોગ્રાફર અને બીજા લોકો આવ્યા ત્યાં સુધી બહુ મોડું થઇ ચુક્યું હતું....નિલેશનો પાર્થિવ દેહ બહાર કાઢવામાં આવ્યો....

પોલીસ....એમ્બ્યુલન્સ....પંચનામું....એકસીડન્ટ નો કેસ....

અને નિધિ ....નિધિનો ચેહરો ગુસ્સાથી લાલ ધૂમ હતો.વાળ વિખરાઈ ગયા હતા.એના હોટો ઉપર બબડાટ હતો...સારું હતું કોઈએ એનો બબડાટ સંભાળ્યો નહોતો....

બાસ્તરડ ,મને મારવા માગતો હતો...એને ખબર નહોતી કે હું સ્વીમીંગ ચેમ્પિયન છું......

--------સમાપ્ત---------

પ્રતિભાવ આપવા માટે કોલ કરી શકો છો ૯૬૨૪૦૪૬૬૭૭ ઉપર.આભાર