“ઓ માડી....... ઓ ભગવાન” લક્ષ્મી ચીસ પાડતા ખુરશી પર બેસી ગઈ. એને નવમો મહીનો જઈ રહ્યયો હતો. “લખીયા, જા જલ્દી તારા બાપાને બોલાવી લાવ.” લક્ષ્મીની ઘરડી સાસુ જીવીબહેનને એ સમજતા વાર ન લાગી કે હવે પ્રસવ પીડા શરૂ થઈ ચુકી હતી. ગલીમાં રમતાં લખીયાએ દાદીના આદેશને કોઈ ચુંચા વિના સ્વીકારી તરત દોડ્યો. ગલીના નાકે એને બાપ કાંતિ એક કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો એને જઈને બોલાવી લાવ્યો.
ઘરમાં ધુસતાં જ એણે પૂછ્યું “શું થયું? ”
“વહુને દવાખાને લઈ જવી પડશે, જલ્દી.......૧૦૮ બોલાવને.”જીવીબેને કહ્યું.
એણે તરત ૧૦૮ ઉપર ફોન લગાવ્યો. પણ સામેથી કહેવામાં આવ્યું “તમારા વિસ્તારમાં અત્યારે આવવું શક્ય નથી.પી.એમ.સાહેબ આજે વીપી હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા આવ્યા છે. બધા રસ્તા જામ છે.”
“હવે શું કરવું.?” કાંતિએ માં ને જોઈને પ્રશ્ન કર્યો.
“રીક્ષા બોલાવ.”
રીક્ષા આવી આડોશ પડોશની સ્ત્રીઓ પણ એના ઘર પાસે ભેગી થઈ ગઈ. “ભગવાનનું નામ લો..... સહું સારાવાનાં થશે...... ” એવી આશીષ વચનો કોઈ કહી રહ્યું હતું.
રીક્ષામાં લક્ષ્મીને વચ્ચે બેસાડી મા-દીકરો બાજુમાં બેઠા. લક્ષ્મીની પીડા વધી રહી હતી. એ કણસી રહી હતી. આની પેહલાં એ ત્રણ ડીલીવરીઓ કરી ચુકી હતી. રીક્ષા મુખ્ય રસ્તા ઉપર આવી પહેલાંજ ચાર રસ્તા પાસે આવી તો ટ્રાફિકમાં અટવાઈ ગઈ. ટ્રાફિક બધી બાજુએ જામ થઈ ગયો હતો. પોલીસવાળા મેનેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બાજુ લક્ષ્મીનું દર્દ વધતું હતું. હવે એ બૂમો પાડવા લાગી હતી. થોડી ઘીરજ રાખો. “બેટા વહુ..... ”જીવીબહેન લક્ષ્મીનો ખભો પકડી એને સંત્વન આપી રહ્યા હતા.
“ભાઈ, કંઈક કરો...... હોર્ન મારો...... આગળ નીકળો.” ધીરજ ગુમાવી બેઠેલા કાંતિએ રીક્ષાવાળાને કહ્યું.
“હું શું કરૂં. ટ્રાફિક જ એેટલો છે.આજે પીએમ સાહેબ આવ્યા છે એટલે રસ્તામાં આ મુસીબત છે.” રીક્ષાચાલકે જવાબ આપ્યો.
કાંતિ અને જીવીબેનના કપાળ ઉપર ચિંતાની રેખાઓ ઉપસવા લાગી હતી.એમને ડોકટરની કહેલી એ વાત યાદ આવી કે આ વખતે કેસ થોડો કોમ્પલીકેટેડ છે. જેવો દુખાવો ઉપડે કે તરત દવાખાને લઈ આવજો, પણ આ ટ્રાફિક.......
“ભાઈ આ બીજા રસ્તેથી લઈ લે......” કાંતિએ કહ્યું.
રીક્ષા ચાલકે જેવા ટ્રાફિક ચાલુ થયો કે એક અજાણ્યા રસ્તે રીક્ષા હંકારી દીધી.
પણ થોડે આગળ ગયા તો પોલીસવાળાએ એમને રોક્યા.
“અહીંથી આગળ તમે નહિ જઈ શકો.” રુઆબદાર પોલીસ અધિકારીએ કહ્યું.કાંતિએ પોલીસને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને પરિસ્થિતિ સમજાવી.પોલીસે ના માનતા કાંતિ થોડો ગુસ્સે પણ થઇ ગયો.એના જવાબમાં એના સંભાળવા મળ્યું કે “પીએમ સાહેબ ની સુરક્ષા તારી પત્નીની ડીલીવરી કરતા વધારે મહત્વની છે.”
લાચાર થઇ કાંતિએ ડ્રાઈવરને રીક્ષા પાછી લેવાનું કહ્યું અને એક બીજા રસ્તે થઇ મુખ્ય માર્ગ ઉપર તેઓ આવ્યા.અહી પણ ટ્રાફિક જામ થઈ હતો.
લક્ષ્મીની પીડા વધી રહી હતી. એનાથી રહેવાતું ન હતું. જીવીબેને એને પોતાની છાતી સરસી ચાંપી ધીરજ રાખવાનું કહેતા હતાં.
વીપી હોસ્પિટલની આસપાસના બધા જ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતાં. રીક્ષા વીપી હોસ્પિટલથી માંડ બે કિલોમીટરના અંતરે હતી. પણ એમને તો જે.એમ. હોસ્પિટલ જવાનું હતું. જે લગભગ હજી પાંચેક કિલોમીટર દૂર હતી.
હોર્ન, શોરબકોર, કોલાહલ અને આ બાજુ લક્ષ્મીની પીડાદાયક ઉંહકારા.......
જાન્યુઆરીના ઠંડા વાતાવરણમાં પણ ત્રણેના કપાળે પ્રસ્વેદ્બિંદુઓ ઊભરાઈ આવ્યા હતાં. રીક્ષા આગળ ખસવાનું નામ લેતી નહતી. આ બાજુ લક્ષ્મીએ વધારે જોરથી ઊહંકારા ભરવા માંડ્યા.કાંતિ રીક્ષાની બહાર નીકળી ગયો અને “અમને જવા દો, ” “ડીલીવરી થવાની છે, ” “જવા દો,” ની બુમો પાડવા લાગ્યો. આજુબાજુ ના વાહનો ચાલકો એને નિસ્તેજ ભાવે જાઈ રહ્યા હતાં. કેટલાંક યુવાનીયાઓ મજાક કરીને હસતા હતા. “હવામાં ઉડીને જઈશ.? ”
“કાંતિ.......”એની બા એને બોલાવી રહી હતી.
આ દર્દભરી ચીસ સાંભળી કાંતિના પેટમાં ફાળ પડી. એ દોડતો રીક્ષા પાસે પાછો આવ્યો.
“બેટા...... વહુ...... જો તો લાઈટ માર.......” ઘબરાયેલી જીવીબેન બોલી રહ્યા હતાં.
કાંતિએ લક્ષ્મીના ચહેરા પર ફોનની ટોર્ચ મારી. લક્ષ્મીની આંખો પહોળી થઈ ગઈ હતી. એનું મોઢું વાદળી પડી ગયુ હતું. અને એ જોરજોરથી કણસી રહી હતી. ઓ મા...... ઓ ભગવાનની બુમો પાડતીએ જોરજોરથી હલનચલન કરી રહી હતી.કાંતિએ લક્ષ્મીનો હાથ પકડ્યો. શું કરવું એને સમજાતું ન હોતું. એ ઘડીમાં લક્ષ્મીના ચહેરા તરફ દયાભાવે જોતો તો ઘડીમાં બહાર ટ્રાફિકથી ચિક્કાર માર્ગ ઉપર ગુસ્સાથી જોતો. એને રડવું આવતું હતું. પણ એ પોતાની જાત પર કાબુ રાખી રહ્યો હતો. ટ્રાફિક હજુ ખસતો ન હતો. રીક્ષા ચાલક પણ પ્રયત્ન કરી રહ્યો હતો કે થોડો પણ રસ્તા મળે તો આગળ વધી જાય પણ એવું થતું ન હતું.
લક્ષ્મીની બેચેની વધી ગઈ. એનું દર્દ વધી ગયું. એની ચીસો વધી ગઈ. અને પછી એ શાંત થઈ ગઈ. થોડી ક્ષણો શાંતિ છવાયેલી રહી, પછી રીક્ષામાં લક્ષ્મી પગ પાસેથી એક તીણો રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો.
જીવીબેને બાળકને હાથમાં લીધું, છોકરી હતી. પણ હજી નાલ કાપવાની હતી. જીવીબેને કાંતિ સામે જોયું. કાંતિ સમજી ગયો. હું કેંચી લઈને આવું છું, કહેતો એ ટ્રાફિકને ચીરતો કોઈ સ્ટેશનરીની દુકાને શોધવા લાગ્યો.ઘણી શોધખોળ પછી એક દુકાનેથી એને કેચી મળી, જેવી રીતે ગયો હતો, તેવીજ રીતે પાછો આવ્યો. માને કેચી આપતા કહ્યું. “લે,બા કેચી.”
જીવીબેન પૂતળાની માફક બેઠા હતા. નિસ્તેજ-નિસ્તબ્ધ, “બા શું થયું. તું કેમ બોલતી નથી.” કાંતિએ ચિંતિત સ્વરે કહ્યું. જીવીબેનની નિસ્તેજ આંખોમાંથી બે અશ્રુઓ ટપકયા. કાંતિએ ફોનની ટોર્ચ લક્ષ્મીની ચહેરા ઉપર મારી. એનું મોઢું વાદળી થઈ ગયું હતું. એ નિશ્વેતન પડી હતી. બાળકી પણ. કાંતિએ જોરથી ચીસ પાડી. “લક્ષ્મી..... લક્ષ્મી......” અને પછી એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો.
આ આક્રંદને આજુબાજુના વાહનચાલકો કુતુહલથી જાઈ રહ્યા હતા. પણ કોઈએ એને કશું જ પુછ્યું નહી. ટ્રાફિક થોડો આગળ વધ્યો હતો. એ રીક્ષામાં બેઠો. થોડી ચાલ્યા પછી રીક્ષા ફરીથી ઉભી રાખવી પડી.
જીવીબેનના ડુસકાં હવે શાંત પડ્યાં હતાં. એમણે કાંતિના ખબે હાથ મુક્યો. કાંતિએ હાથ પોતાના હાથમાં લઈ ચુમી લીધો અને ફરીથી ધ્રુસ્કે ધ્રસ્કે રડવા માંડયો.
“બસ બેટા, રડ મા..... ચુપ થઈ જા બેટા....... ” જીવીબેને વહાલથી પોતાના દિકરાને આશ્વાસન આપી રહ્યા હતા.
“પાણી પી લે ....... લે...તું બેસ હું લઈને આવું. ”
“ના બા, તું બેસ...... હું લઈને આવું છું. ” કહેતો પાસેના એક પાનના ગલ્લે ગયો. જયાં ઠંડા પીણા અને પાણીની બાટલીઓ હતી. પાનના ગલ્લે એલઈડી ચાલુ હતી અને ૮-૧૦ લોકો એકઠા થયેલા હતા. સમાચાર આવી રહ્યા હતાં. વડાપ્રધાનશ્રી વીપી હોસ્પિટલના ઉદ્ધાટનનું ભાષણ આપી રહ્યા હતા. કાંતિને તુટક તુટક સંભળાઈ રહ્યું હતું.
“અમારી સરકાર ગરીબોની સરકાર છે.અમે અધતન હોસ્પિટલ ખોલી પણ વિરોધપક્ષના લોકો આનો વિરોધ કરે છે. કહે છે કે આ અસ્પતાલ અમીરો માટે છે. હું કહું છું આ અસ્પતાલ ગરીબ દર્દીઓ માટે છે. અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે.અમેં સ્ટેનની કિંમતમાં ઘટાડો કર્યો. લુંટ ચલાવતા ડોકટરો વિરૂધ્ધ અમે કામ કર્યુ. ભાઈઓ-બહેનો, હું ગરીબોને દુખી નથી જોઈ શકતો, કારણ કે હું પોતે ગરીબ માનો દીકરો છું. હું પોતે ગરીબ છું. મારી સરકાર ગરીબ કલ્યાણ મેળા દર વર્ષે યોજી રહી છે. અમારૂ લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ.” ત્યાં ઉભેલા લોકોએ તાળીઓ પાડી.
કાંતિ હવે ગલ્લાની નજીક પહોંચી ગયો હતો. એનું માથું દુખવા આવ્યું હતું. એનું મગજ ઠેકાણે ન હતું. લક્ષ્મી......એની પ્રિય પત્ની......રસ્તા વચ્ચે એણે દમ તોડી દીધો હતો...... એ ગરીબ હતો. પણ એનું દયાન રાખનારી અને ખુબ પ્રેમ કરનારી પત્ની મળી હતી. કેટલા બધા દુખો એમણે હસતા મોઢે સહન કર્યા હતા! લક્ષ્મીએ ક્યારે પણ કોઈ ફરિયાદ નહોતી કરી. એની આંખોમાંથી ફરીથી અશ્રુઓ ટપકી પડ્યા.
એ ગલ્લાની લગોલગ પહોંચી ગયો હતો. અવાજ એકદમ સ્પષ્ટ સંભળાતું હતું.
“ભાઈઓ-બહેનો, અમારી સરકાર સ્ત્રી શકિતકરણની યોજનાઓ લઈને આવી. બધા ધર્મની બહેનો અમારા માટે સમાન છે. મારી મુસ્લિમ બહેનો માટે અમે તલાકના વિષચક્રમાંથી છોડાવવા બિલ લાવ્યા. અમે મા અમૃતમ્ જેવી યોજનાઓ શરૂ કરી. બેટી બચાવો-બેટી પઢાવોનું વચન હું હરહંમેશ તમારી સમક્ષ માગું છું અને નિર્ભયાફંડ શરૂ કર્યું. મારા દેશની કોઈ મા-દીકરીને તકલીફ ન પડે એ માટે મારી સરકાર કટીબધ્ધ છે.”ફરીથી તાળીઓ પડી.
કાંતિનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. એનું ગળુ સુકાઈ ગયું હતું. પણ ક્રોધ એના માથે ચડી બેઠું હતું. એણે એક પથ્થર ઉપાડયો અને એલઈડી ઉપર મારી દીધો.
“ઝૂઠ છે બધું... બકવાસ છે બધું.”
આ અચાનક હુમલાથી પાનવાળો તો પહેલાં ડધાઈ ગયો, પછી બોલવા લાગ્યો. “આ આપણા પ્રધાનમંત્રીનો વિરોધી લાગે છે. મારો, સાલાને....... મારૂં એલઈડી પણ તોડી નાંખ્યું.”
કહેવાની જરૂર નથી કે ત્યાં ઉભેલા મોટાભાગના લોકોએ કાંતિને બરાબર ઢીબી નાખ્યો હતો.
કાંતિ રસ્તા ઉપર અધમુઓ પડ્યો હતો.રીક્ષામાં એની પત્ની અને બાળકી મરણ પામ્યા હતા.એની ઘરડી માં ઉપરાછાપરી આઘાતથી સ્તબ્ધ થઇ ગઈ હતી.એની વાચા જ હરાઈ ગઈ હતી.
એક કલાક પછી જયારે પીએમ સાહેબ ઉદ્ઘાટન કરીને ચાલ્યા ગયા હતા અને ટ્રાફિક થોડો હળવો થયો હતો ત્યારે એક ભલા પત્રકારે એમ્બ્યુલન્સ બોલાવી હતી.
કાંતિ,લક્ષ્મી અને નવજાત બાળકીને એમ્બ્યુલન્સમાં ગોઠવવામો આવ્યા ત્યારે ડ્રાઈવરે પુછ્યું હતું “કયાં લઉ? ”
“વીપી હોસ્પિટલ જ લઈ લે ને “....... કોઈએ કહ્યું હતું.