Pranay jaal books and stories free download online pdf in Gujarati

પ્રણય જાળ

         માર્ચ ઉતરીને એપ્રિલ ઉગ્રતાના સિંહાસન પર પલાંઠી જમાવી બેઠો હતો. બળબળતા ઉનાળાનું સમગ્ર સામ્રાજ્ય જાણે પોતાના હાથમાં આવી ગયું હોય એમ એપ્રિલ માસે અગનજ્વાળા આવવા માંડી હતી.

       એકતરફ ઉનાળાએ ઉષ્ણતાની મહેફિલ છેડી હતી તો બીજી તરફ એપ્રિલની મજા લૂંટી ને શાળાઓ-કોલેજો પરીક્ષાની ઉજવણી કરી રહી હતી. સમગ્ર વિદ્યાર્થી આલમમાં પરીક્ષાનો માહોલ અદ્રશ્ય ઉદાસી લઈને આવ્યો હતો. બિન્દાસ્ત કોલેજીયનો માટે તો પરીક્ષા એક ખુશીનો માહોલ હોય છે. એમાંય એક્સ્ટર્નલ માટે તો ખાસ! કારણકે એમને તો માંડ એક વર્ષ પછી મળવાનું થતું હોય છે.

       અમદાવાદ શહેરની અા વાત છે.
       વાડજથી ઇન્કમટેક્સ તરફ જતા વચ્ચે ગુજરાત વિદ્યાપીઠ આવે છે. એની સહેજ બાજુમાં ઉસ્માનપુરા નામે વિસ્તાર છે જ્યાં એક કોલેજ આવેલી છે. અને એમાં મસ્ત બનીને પરીક્ષા ચાલી રહી હતી.

       પરીક્ષાનો બીજો દિવસ હતો. એટલે કે બીજા નંબરનું પેપર હતું. પ્રથમ પેપરના પહેલા દિવસે જેમણે એકબીજાને કલ્પ્યા સુધ્ધા નહોતા   એવા વિદ્યાર્થીઓ પેપરના બીજા દિવસે એકમેકનું કૂળ જાણવા વળગ્યા હતા.
       "તમારું નામ?" એશ્વર્યા રાય જેવી માંજરી આંખો પોતાની બાજુમાં બેઠેલા છોકરા પર લગાવીને કેટરીના કેફ જેવી અદાઓથી એક છોકરી બોલી.
       "આકાશ!" પેલા છોકરાએ મીઠાશથી ટૂંકમાં ઉત્તર વાળ્યો.
        "ઓહોહો! ખરેખર આસમાન જેવી વિશાળતા છે હો તારામાં!"
         જવાબમાં કઈ બોલવાને બદલે આકાશ છોકરીને નખશિખ તાકીને માણી રહ્યો હતો.

         "અરે હાં, મારું નામ તો તમે પૂછ્યું જ નહીં? કંચન મારું નામ છે."
          "તમારી આ મોતી જેવી દેદીપ્યમાન કાયા આગળ કંચન નામ  વામણું લાગે છે મને."  ગઈકાલે શરમથી કે ગમે તે કારણથી બાઘાની જેમ ચૂપ થઈને બેઠો હતો એ આકાશ આજે આવી રોમેન્ટિક કોમેન્ટ કરી રહ્યો હતો એનું એને ખુદને પણ ધ્યાન નહોતું.

        પેપરનો સમય થયો ને ક્લાસમાં આમતેમ ફરતા વિદ્યાર્થીઓએ ઝપાટાભેર પોતાની બેઠક જમાવી લીધી. ત્રણ કલાકની આ જેલમાંથી છૂટવા લખ્યા સિવાય છૂટકો જ નહોતો. એટલે  સુપરવાઇઝર આવી ચડે તે પહેલા શહેરની છબીલી કંચને આકાશ ને પૂછ્યું ,  "અરે આકાશ!" સહેંજ શરમાઈને આગળ બોલી:" હું તમને તું કહીને બોલાવું તો ચાલે ને!"
        
       "અરે ચાલે શું? દોડશે! તમે મને તમને મજા આવે એવા નામે બોલાવી શકો છો. તમારું મારી સાથે વાત કરવું જ મહત્વનું છે! આસમાન જેવી વિશાળતા બતાવીને પાણી પાણી થતાં એ બોલી ગયો અને જાણે બગાસું ખાતા પતાસું મળ્યું હતું એવી આશાએ અનેક સપના સજાવવામાં આવ્યો.
          ગઇકાલના આકાશની પેપર કોપી જોઈને પેપર લખી કાઢેલી કંચન અને પોતાનું કામ સાધવા ઉનાળાની ગરમીમાં ઠંડાગાર પાણીએ નવરાતી જતી હતી. ને આકાશ તેને પોતાની અંગત મૂડી સમજીને આંખોની વાટે હૃદયમાં ઉતારતો જતો હતો.
      આકાશ ગામડાનો રહેવાસી હતો. માત્ર પરીક્ષા ટાણે જ અમદાવાદ આવતો હતો. ગામડિયો હોવા છતાંય શહેરના યુવાનો જેવી બેનમૂન અદાઓ એનામાં ઠોસી ઠોસીને ભરી હતી. શહેરની અચ્છી અચ્છી યુવતીઓને પોતાના તરફ આકર્ષવાની મોહકતા હતી એનામાં. નહોતી તો માત્ર છોકરીઓ અથવા સામેના વ્યક્તિઓની ચાલાકીને પકડી પાડવાની કોઈ નિરીક્ષણ શક્તિ.

          એટલે જ એ કંચન ની મોહક અદાઓ અને મનભાવન વાણી વિલાસમાં તણાતો જતો હતો. એની વહાલભરેલી સ્વાર્થતાને આકાશ પોતાના તરફની લાગણી સમજી બેઠો હતો. અરે, આખું બ્રહ્માંડ જે શક્તિને પારખી શક્યો નથી એ સ્ત્રીની શક્તિની આકાશ રીતે પારખી શકે!

         કંચનની પોતાની સ્વાર્થભરી પ્રેમાળ મોહકતાએ આકાશને એવો તો ઘેલો બનાવી મૂક્યો હતો કે એ એના માટે થઈને મનોમન મરી ફીટવા તૈયાર થઈ ગયો હતો. દરરોજ પેપર શરૂ થવાના એક કલાક પહેલા એ ગમે ત્યાંથી કંચનને ગોતી પાડતો. ને બંને જણા વાતો કરતા ક્યાંના ક્યાં પહોંચી જતા હતા.

     આકાશને એપ્રિલની ઉગ્રતામાં કંચનનો મધુરો સાથ શિયાળામાં નખી તળાવ પર જામેલા બરફના પોપડા જેવો ઠંડોગાર લાગતો હતો. કિન્તુ એને ખબર નહોતી કે આ ઠંડક કેવી શીતળતા આપી શકશે?

          દરરોજ પેપર શરૂ થવાના એક કલાક પહેલા આવતી કંચન પેપર પૂરું થયાના અડધા કલાકમાં તો રફુચક્કર થઈ જતી હતી. આકાશ પેપર પૂરું કરીને બહાર નીકળતો ત્યાં લગી તો અમદાવાદની પોળોમાં એ ક્યાંય ખોવાઈ જતી.

       કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષાનું છેલ્લું પેપર હતું. પરોઢિયેથી લઈને આકાશ પ્રેમના વાદળાઓ લઈને કંચન પર વરસી જવાની તૈયારીમાં હતો. ગગનમાંથી મેઘ વરસવાની જેવી તૈયારી હોય એવી તૈયારી સાથે એ કોલેજમાં સૌથી પહેલો આવી ગયો હતો. પેપર શરૂ થવાનો બેલ પડયો ત્યાં લગી એ આખી કોલેજ નો ખૂણો ફંફોસી વળ્યો કિંતુ કંચનનું કોકડું એને ક્યાંય નજરે ન ચડ્યું!

       સુપરવાઇઝર શ્રી આવ્યા પુરવણી આપી પેપર આપ્યું પણ આકાશનું મન પેપરમાં કે પુરવણીમાં ન જ ચોટ્યું તે ન જ ચોટ્યું!

      ધોડી મિનિટના ઉકળાટભર્યા ઇન્તજાર બાદ કંચને પરીક્ષાખંડમાં પ્રવેશ કર્યો. એને જોઈને ચારે દિશાઓમાં જાણે વસંત ખીલી ઉઠી હોય એમ આકાશ ખીલી ઉઠ્યો.
      પોતાના પ્રેમનો એકરાર કરવાના ઈન્તેજારમાં સમય ક્યાં જતો હતો એની આકાશને ખબર નહોતી પડતી.
      છેલ્લું પેપર પૂર્ણ થયું. રોજનો સમય થયો ને આકાશ તરફ મીઠું સ્મિત આપીને કંચને ચાલતી પકડી. આકાશ બહાવરો બનીને એને જતી જોઇ રહ્યો. મુઠ્ઠી વાળીને આકાશે કંચન પાછળ દોટ મુકી. હૃદયની જે ગમી ગયું હોય એ જણને પામી જવાની કેવી તાલાવેલી!

        હાંફળો ફાંફળો થતો આકાશ ઇન્કમટેક્સ પાસેના સિટી બસ સ્ટેન્ડ લગી આવી ચૂક્યો. ગુજરાત વિદ્યાપીઠ લઈને ઇન્કમટેક્ષ સુધીનો રસ્તો કીડીઓની જેમ કોલેજીયનોથી ઉભરાઈ રહ્યો હતો.આવી ભયંકર મેદનીમાં આકાશની આંખો બેબાક બનીને કંચનને ગોતી રહી હતી. તેવામાં રણમાં દોડતા મૃગલાને મૃગજળ દેખાય એમ આકાશને કંચન દેખાઈ! એણે સફાળે એ તરફ ડગ માંડયા. પણ સ્કૂટરની અડફેટે એ નીચે પડ્યો. છતાં એણે ઉભા થઇને મુઠ્ઠી વાળીને દોટ મૂકી.
       એવામાં આકાશની આંખો આગળ અઘટિત ઘટના બની ગઈ. જે ઘટના કંચન રોજ ઘટાવતી જતી હતી. કંચન જ્યાં ઉભી હતી ત્યાં એક બાઈક આવીને ઊભું રહ્યું. બાઈક સવાર પોતાના પગ જમીને ઉપર ટેકવે એ પહેલા તો કંચન એની કમર પર હાથ વિંટાળીને પાછળ સવાર થઈ ગઈ. અને આકાશની આંખ આગળ એ બાઈક ભીડમાં ખોવાઈ ગયું.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED