The story of engineer books and stories free download online pdf in Gujarati

ધ સ્ટોરી ઓફ એન્જીનીયર

                   વિરલના ઘરમાં આજે ખૂબ જ આનંદનું વાતાવરણ હતું. તેના માતા-પિતા, ભાઈ-બહેન બધા કંઈ અલગ જ અંદાજમાં જણાતા હતા. કેમ ના હોય? કારણ પણ એવું જ હતું. વિરલે ધોરણ દસમાની બોડૅની પરીક્ષામાં એશી ટકા ગુણ સાથે પાસ થયો હતો. એને લઈ ખુશીનો અવસર જાણે આંગણે આવ્યો હોય તેમ ખુશીઓની છોળો ઉડતી હતી. વિરલનું ઘર આર્થિક રીતે થોડું પાછળ હતું. તેના પિતા ગામની નજીક કોઈ કંપનીમા રોજ પર નોકરી કરતાં. બસ ભાડું બચાવવા પોતે સાયકલ લઇને નોકરી જતાં. વિરલનો મોટો ભાઈ આઈ.ટી.આઈ કરતો.તેના પિતા બંને દીકરાને જોતા ત્યારે વિચારતા કે કાલે મારા દીકરાઓ કમાશે અને ઘર થોડું આર્થિક રીતે સધ્ધર થશે. આવું વિચારી પોતે નોકરી સાથે પોતાની થોડી ઘણી જમીનમાં ખેતી અને પોતાની પત્નીની મદદથી પશુપાલન પણ કરતાં. વિરલ અને તેનો મોટો ભાઈ પણ પિતાની મહેનતને સમજતા અને અભ્યાસ સિવાયના સમયમાં ખેતી અને ઘરનાં બધાં કામ કરવામાં મદદ કરતાં. 
                 આમ ને આમ વિરલનું વેકેશન રમતગમતમાં પસાર થયું. વિરલે હવે આગળના અભ્યાસ વિશે વિચારવાનું હતું.પોતાના એક કુટુંબી ભાઈએ તેને ડિપ્લોમા કરવાનું કહ્યું. વિરલ પણ ડિપ્લોમા કરવા માગતો હતો જેથી તે પોતાના કુટુંબને જલ્દીમાં જલ્દી મદદ કરી શકે. પણ હવે પ્રશ્ન એ હતો કે ડિપ્લોમા કયા ફિલ્ડમાં કરવું. તેને પોતાનો ભાઈ અલગ ફિલ્ડ કહેતો ને પોતાના એક કુટુંબી ભાઈ પણ અલગ ફિલ્ડમાં ડિપ્લોમા કરવાનું કહેતો. વિરલ આ અવઢવમાં અટવાઈ ગયો હતો કે ખરેખર શું કરવું. પણ પછીતેને પોતાાન કુુટુંબી ભાઈએ જે ફિલ્ડની માહિતી આપી હતી તેમાં એડમીશન લેવાનું વિચાર્યું. વિરલ જાણતો હતો કે પોતે પોતાના ભાઈની વિરુદ્ધ જઈ રહ્યો છે પણ તેણે જે વિચાર્યું એ પોતાના ઉજ્જ્વળ કારકિર્દી માટે પણ જરૂરી હતું. એડમીશન પ્રક્રિયાને અંતે તેને એક સરકારી ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી ગયો. હવે વિરલને પોતાનું ગામ છોડીને અભ્યાસ માટે જવાનું થયું. વિરલ માટે પોતાનું ગામ અને મિત્રોને છોડીને જવું અસહ્ય હતું પણ સામેની બાજું પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી હતું.
                   વિરલને તેના પિતા તેને કોલેજમાં મૂકવા ગયા. ત્યાં વિરલ માટે બધું નવું હતું. કોલેજની હોસ્ટેલમાં તેને રહેવાનું નક્કી થયું. બધી પ્રક્રિયા પતાવી તેના પિતા તેને મૂકી નીકળ્યા ત્યારે વિરલ રડી પડ્યો ત્યારે તેના પિતાએ માથે હાથ મૂકી કહ્યું, 'બેટા, મન લગાવી ભણજે. પૈસાની કોઈ ચિંતા ના કરતો. " આટલું કહીં તેના પિતા નીકળી ગયા. હવે વિરલ એકલો હતો પણ મનમાં નિશ્ચય કરી લીધો કે ગમે તેમ કરીને પણ ડિપ્લોમા પૂરૂં કરીશ. વિરલ જે કોલેજની હોસ્ટેલમાં રહેતો ત્યાં સિનિયર સ્ટુડન્ટસનો ત્રાસ હતો તેઓ નવા આવતાં સ્ટુડન્ટ્સને પરેશાન કરતાં પણ આ બધી વાતો અવગણી વિરલ ત્યાં રહેવા લાગ્યો. પણ એક તકલીફ હતી કે વિરલ જે રૂમમાં રહેતો તેનો રૂમ પાર્ટનર માથાભારે હતો. જે પોતે ગુટકા તમાકુનું વ્યસન કરતો. જ્યારે વિરલ પોતે સંસ્કારી હતો તે વ્યસનનો સખ્ત વિરોધી હતો. જેથી તેણે તે રૂમ છોડવાનું નક્કી કર્યું. હોસ્ટેલ માટે જવાબદાર સાહેબને વાત કરતાં તેને એક ખાલી રૂમની માહિતી મળી પણ તે રૂમ અવાવરુ હતો તેમાં કોઈ રહેતું નહોતું અને મસાલાની પિચકારીઓથી દીવાલો રંગાયેલી હતી. તેમ છતાં વૈભવે ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેણે સૌ પ્રથમ આખા રૂમની સફાઈ કરી, જ્યાં મસાલાની પિચકારીઓ મારેલી હતી ત્યાં બજારમાંથી કલર લાવી કરી દીધો. જેથી રૂમ નવો થઈ ગયો. વિરલના ક્લાસમાં હવે તેના નવા મિત્રો થવા લાગ્યા. પોતાની વતન બાજુના કેટલાક મિત્રોને તેણે રૂમ પર રહેવાનું કહ્યું. હવે વિરલ પોતાના રૂમમાં પોતાના બીજા બે મિત્રો જોડે રહેવા લાગ્યો. તેઓ જમવાનું જાતે બનાવતા પણ એ થોડાં દિવસ જ ચાલ્યું. વિરલે પોતે જ જમવાનું બનાવવાનું થતું અને એમાં એના મિત્રોની મદદ મળતી નહોતી. જેથી વિરલે પોતાની સામેની એક પ્રાઈવેટ હોસ્ટેલમાં જમવાનું શરૂ કર્યું પણ હવે બીજી બાજુ વિરલના ઘેર તેના ભાઈ - બહેનના લગ્ન લેવાના થયા એટલે વિરલ પોતના ખચૅ માટેના પૈસા ઘેર માગી શકતો નહોતો. પણ વિરલ તેમ હિંમત હારે તેમ નહોતો. તે પોતે જે હોસ્ટેલમાં જમવા માટે જતો ત્યાં તેણે જે જમવાનું બનાવતા તે મહારાજ જોડે દોસ્તી કરી દીધી અને તેમની સામે એક પ્રસ્તાવ મૂક્યો કે, " મહારાજ, જો હું તમને બીજા ટિફિન બંધાવી આપું તો?" મહરાજે કહ્યું, " જો તું મને વીસ ટિફિન બંધાવી આપે તો તારું જમવાનું ફ્રી." બસ વિરલને આજ જોઈતું હતું. તેણે પોતાની કોલેજમાં આ વાત ફેલાવી દીધી. તેમાં તેને ત્રીસ ટિફિન નક્કી કરી દીધા. આ વાત જાણીને મહરાજ પણ ખુશ થયા. વિરલ પોતે ત્યાં જમી લેતો પછી બધા ટિફિન લઈને ડિલીવર કરી આવતો. હવે તો કોલેજના વિદ્યાર્થીઓ પણ ટિફિન બંધાવવા માટે તેને ફોન કરવા લાગ્યા.વિરલે આમ પોતાના જમવાનો ખર્ચ નીકાળી દીધો. વિરલનું એજીનીયરીંગ પસાર થવા લાગ્યું. પહેલા અને બીજા સેમેસ્ટરમાં તેને બેકલોગ આવી પણ તેણે ત્રીજા સેમેસ્ટરમાં બધું ક્લિયર કરી દીધું. આમ વિરલના ડિપ્લોમાના ત્રણ વર્ષ પસાર થઈ ગયા અને તેને ડિપ્લોમા એન્જીનીયરની ડિગ્રી મેળવી લીધી.
                  વિરલ માટે હવે મોટો પડકાર નોકરી મેળવવા માટેનો હતો. તેણે પોતાના સગા સંબંધીઓમાં કે જેઓ સારી કંપનીઓમાં હોય તેમને વાત કરવા માંડી પણ તેને કોઈ તરફથી નોકરી માટે કોઈ રિપ્લાય આવ્યો નહીં આમને આમ ત્રણેક મહિના પસાર થઈ ગયા. વિરલને પણ હવે ચિંતા થવા લાગી. આ દરમિયાન તેનો ભાઈ પણ અમદાવાદની કોઈ કંપનીમાં લાગી ગયો. વિરલે પણ હવે પોતાના ભાઈના રૂમ પર જવાનું વિચાર્યું જેથી નોકરીની શોધ કરી શકાય. નોકરીની શોધમાં વિરલ અમદાવાદ આવી ગયો. વિરલના ભાભી પણ સ્વભાવે સારા હતા જે વિરલને ટિફિન બનાવી આપતા. વિરલ ટિફિન લઈ સવારથી જ નોકરીની શોધમાં નીકળી પડતો. અલગ અલગ કંપનીઓમાં ફરી પોતા બાયોડેટા આપતો રહેતો. આમ ને આમ બે મહિના પસાર થઈ ગયા પણ વિરલને નોકરીનું કોઈ ઠેકાણું પડતું નહોતું. વિરલે નોકરીની શોધ સાથે સાઈડમાં કામ કરવાનું વિચાર્યું. તેણે એક માણસનો ભેટો થયો જેઓ હોટેલમાં શાકભાજી સપ્લાય કરતાં. વિરલે પણ તે કામ સ્વીકારી લીધું જેમાં સવારના બે કલાકનું જ કામ હતું. બાકીના સમયમાં વિરલ નોકરીની શોધમાં ભટકતો રહેતો. સમય પસાર થઈ રહ્યો હતો પણ નોકરી કોઈ મેળ પડતો નહોતો. વિરલ પોતાના ભાઈને પણ બોજારૂપ બનતો હોય તેવું લાગવા માંડ્યું. ઘણી વખત સાંજે પથારીમાં સૂતાં તે રડીને ભગવાનને નોકરી માટે પ્રાર્થના કરતો. ત્યારબાદ વિરલે એક કોલ સેન્ટરમાં નોકરી લઈ લીધી જેથી પોતાનો ખર્ચ જાતે ઊઠાવી શકે. પણ વિરલનું લક્ષ્ય તો ડિપ્લોમાના આધારે નોકરી મેળવવાનું હતું. આમને આમ છએક મહિના પસાર થઈ ગયા પણ તેને પોતાના એન્જીનીયરીંગ ફિલ્ડમાં કોઈ નોકરી મળી નહોતી. આ દરમિયાન તેણે અલગ અલગ નોકરીઓ જેમ કે વીમા કંપની, ઓપરેટર જેવી કેટલીય નોકરીઓ સ્વીકારી છોડી દીધી. એવામાં એક સરકારી કંપનીમાં એપ્રેન્ટીસ માટેની ભરતી આવી જેમા તેણે એપ્લિકેશન કરી. જેમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી. પછી તેને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. ઈન્ટરવ્યુ આપ્યું પણ વિરલને સેલેક્ટ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી હતી. 
               એવામાં વિરલ ઘેર આવ્યો. એમાં એક દિવસ વિરલના ઘેર ટપાલ આવી. જે જોતાં વિરલ રાજીના રેડ થઈ ગયો. જે સરકારી કંપનીમાં એપ્રેન્ટીસ માટેનો કોલ લેટર હતો. તેણે આ વાત પોતાના માતા પિતા અને ભાઈને જણાવી પણ પ્રશ્ન એ હતો કે એ કંપની બરોડામાં હતી અને સ્ટાઈપન્ડ માત્ર પાંત્રીસો રૂપિયા હતું તેમ છતાં વિરલે પોતાના ફિલ્ડનું તો કામ છે એમ જાણી તેણે તે કંપનીમાં જોઈનીંગ કરી દીધું. ત્યાં વિરલ ખૂબ જ ઉત્સાહથી બધું શીખવા લાગ્યો પણ પાંત્રીસોમાં અને એ પણ બરોડા જેવા શહેરમાં પૂરૂં કરવું કઠિન હતું તેથી તેણે રાતના સમયે મોલમાં પાટૅ ટાઈમ નોકરી પણ શરૂ કરી દીધી. વિરલે કંપનીથી છુટી મોલમાં જતો અને ત્યાંથી અગિયાર વાગે છુટતો. એક ડિપ્લોમા એન્જીનીયર પોતાના સપનાઓ પૂરા કરવા માટે બધું સહેતો રહેતો. એક વરસની એપ્રેન્ટીસ હવે પૂરી થવાની હતી. એવામાં એક દિવસ વિરલને પોતાના ગામની નજીકમાં એક નવા બનતાં પ્લાન્ટમાં ડિપ્લોમા એન્જીનીયરની જાહેરાત જોઈ. તેના માટે વિરલે ઘેર આવી એપ્લિકેશન કરી અને ઈન્ટરવ્યુ આપ્યું. ત્યારબાદ મહિના પછી તેની એપ્રેન્ટીસ પૂરી થતાં તે ઘેર આવતો હતો તેવામાં તેનો ફોન રણ્કયો તેણે ફોન રીસીવ કરી વાત કરી. ફોન મુક્યા પછી તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો. તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તે ફોન તેણે મહિના પહેલા આપેલા ઈન્ટરવ્યુને બાબત હતો. વિરલ તે કંપનીમાં સેલેક્ટ થઈ ગયો હતો. તે જાણી વિરલ પોતાના નસીબ પર હસી ગયો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED