સફર... આપણથી આતમ સુધી Manu v thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર... આપણથી આતમ સુધી

સફર....આપણથી આતમ સુધી ?

પ્રવાસ મને પ્રિય છે. 
વિસ્તરવું, વિચરવું ને વિચારવું આ ત્રણેય મને સ્પર્શે છે, ગમે છે. નવીન જગ્યાએ જવું, જોવું અને જીવવું 
મારો ગમતીલો વિષય છે. પ્રવાસ મને એ વૈવિધ્ય બક્ષે છે. અડચણો, અગવડો, અવરોધો એ કોઈપણ સફરને રોમાંચક બનાવે છે.પ્રવાસ ભીડભાડથી મુક્ત હોવો જોઈએ તો જ એનો સહજ આનંદ લઈ શકાય.સફર સરળ અને સહજ હોય તો જ મજાથી માણી શકાય. મુસાફરી મનની ગતિવિધિઓ સાથે મ્હોરે છે. મુસાફરીમાં દરેક મુકામ પણ મજાનો હોય છે. 
રસ્તાઓ આપણને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે. બસ આપણે આ રસ્તે ચાલી શું લઈ શકીએ છીએ એ મહત્ત્વનું છે. 

સફર અનેકવિધ ઘટનાઓથી સભર હોય છે. 
પ્રવાસ હંમેશા મારામાં કૌતુકતા જગાવે છે. પ્રવાસ થકી નવીન દ્રષ્ટિકોણ મળે છે. પ્રવાસ અચરજોથી ભરેલ હોય છે. સફરમાં સંગાથી હોવું એ મજાનું લાગે છે પરંતુ કદીક એકાકી સફરનો આનંદ પણ મજાનો હોય છે.  અજાણી કેડી પર મળતાં માનવીમાં કોઈ મનનું મળી જાય તોય મનમેળ જામી જાય. આગંતુક અંગત લાગે ત્યારે સફર
સૌહાર્દપૂર્ણ બને છે. ઘણાં મિત્રો આમ જ મળી જતાં હોય છે ને પછી ભળી જતાં હોય છે. મળવું,ભળવું ને છૂટા પડવું સફરમાં આવતા મુખ્ય પડાવ છે. લાંબી મજલ ખેડવી ગમે જો ચાલવાને મજિયારો મારગ મળે. 

પ્રવાસ કોઈ પ્રાકૃતિક પરિવેશનો  હોય તો અનુભૂતિ કંઈક અલગ જ હોય છે. આજકાલ લાંબી સફર કંટાળાજનક લાગે છે કારણ કે બારી બહારથી વધુ તો કોંક્રીટના જંગલો આંખો સામે અથડાતા હોય છે. હવે રસ્તે જતાં બહુ ઓછા નયનરમ્ય દ્રશ્યો નિહાળી શકાય છે. એ માટે કોઈ ચોક્કસ સ્થળો પર વિહરવા જવું પડે છે. ચશ્માંના નંબર નીતરી જાય એવી નિતાંત લીલીછમ વનરાજી મુસાફરીમાં બહુ ઓછી જોવા મળે છે. ભાગ-દોડ કરતા શહેરો હાંફતા રહે છે. માણસ પણ આ ખટપટોમાં અટપટો બની ગયો છે.આધુનિકતામાં ધૂની બની ગયો છે. પાનખરનો પર્ણશોર એ પામી નથી શકતો ને ધીમે પગલે ક્યાંક વસંત વગડે પોતાનો પ્રભાવ જમાવી રહી હોય છે એનો ખ્યાલ પણ એને નથી રહેતો. ઋતુઓ આવે ને જાય છે પણ મને લાગે છે કે હવે માણસ બારમાસી થઈ ગયો છે. હવે માણસ દિવસ દરમિયાન કામ, દામ ને નામ પાછળ રહે છે ને છેવટે તેની રાત બામ કે જામ સાથે પડે છે. રાત થાય છે પરંતુ નિરાંત નથી થતી. 

હતું એમ કે ફાવી જશે,
શું ખબર કે આ શહેર મને હંફાવી જશે.
-મનન 

એકલા હોવું કે રહેવું એ પણ કલા છે. નિજની મસ્તીમાં મનભાવિત કાર્ય કરવું, એટલે કે ખુદમાં જ ખુશ રહેવું, ખુદમાં ખોવાઈ જવું ને ખુદમાં જ ખુદને ખોળવું. 
જાત સાથે જોડાઈ જઇએ એવી કોઈ પળનું પ્રાગટય થવું
ભીતરની ભીંતને તોડી આવા જ કોઈ સમયે આતમના અજવાળા થતાં હશે ત્યારે આ માનવી કેટલી ધન્યતા પામી શકતો હશે..! પરમ ને પામવા પરિભ્રમણ કેટલુંક..? 
ભ્રમણ જ આપણી ઘણી ભ્રમણાઓને ભાંગે છે. 
આમ તો માનવીને એકલતા કોરી ખાય છે પરંતુ થોડું એકાંત હોય તો તે ઓગળી શકે છે. પીગળી શકે છે. શાંત રહી શકે છે. એટલે જ બધાથી પર થઈ પોતીકા સ્વરને અનુસરી સફર કરવી જોઈએ. એકધારી જિંદગીમાં સતત જીવતા રહીશું તો જીવન ક્યારેય મધુર લય નહીં પામે. ઝરણાંની જેમ ઉબડખાબડ ભૂમિમાં  પણ વહેતાં જશું તો જ જિંદગીની મધુરપને માણી શકીશું.
મસ્ત બનીને  મ્હાલો હરેક ક્ષણમાં એ જ જીવનની શ્રેષ્ઠ અનુભૂતિ. 

દુનિયા આ જેટલી જોઈ, જાણી ને માણી,
જિંદગી જીવ્યાની એ જ તો છે ઉજાણી.

©મનુ.વી.ઠાકોર 'મનન
     રાધનપુર