ખેતર : વગડાનો વૈભવ Manu v thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખેતર : વગડાનો વૈભવ

ખેતરનો વૈભવ મને હંમેશાં ભર્યો ભાદર્યો લાગે છે.સીમ સાથેનો મારો સંબંધ હજુ પણ અકબંધ છે, અસીમ છે. એક લીલોપ્રવાહ હજુય મારી નસોમાં વહે છે જે મને લાગણીથી લીલોછમ રાખે છે.લહેરાતા લીલાછમ ખેતરો ઘઉં, જીરું, ચણા, કપાસ, સરસવ અને એરંડા વગેરે રવિપાકથી રળિયાત છે.વસંતની આ મોસમમાં ખેતરને ખોળે ઉગતી સવાર  કે ઢળતી સાંજ મને ખૂબ જ ગમે છે. સૌથી સુંદર સનસેટ પોઈન્ટ મારા મતે મિત્રો સાથે ખેતરને શેઢેથી દૂર ક્ષિતિજે ઢળતી રમ્ય સાંજ છે. આ સમયે મિત્રો સાથે મળીને ઘઉંનો પૌંખ કે ચણાનો ઓળો 
ખાવાની મજા એક લ્હાવો છે. માટીના ઢેફા લગાવી બનાવેલ ચૂલા પર ચા ઉકાળી વાતોનાં વડા સાથે પીવાનો આનંદ પણ અનોખો છે. બાગ-બગીચે હરવા ફરવા જવું હજુ પણ મને આધુનિક લાગે છે. મને કુદરતનો છૂટા હાથે વેરાયેલો સૌંદર્યનો વૈભવ વધુ સ્પર્શે છે. પ્રકૃતિની પાસ-પાસ રહેવું વધુ ગમે છે.

નાના હતા ત્યારે આ સીમ આખી રખડ્યા છીએ.. જાણે વગડાનાં વનેર.. બધા જ સીમ-શેઢા ખૂંદી નાખ્યા છે. એ સ્મરણોનું ટોળું આજે ખેતરમાં જતાં-વેંત મને વળગી પડ્યું.ખુલ્લા આ ખેતરની વચાળે ઉભેલા ચાડિયાની પાસે બેઘડી વાતો કરવાનું મન હજુ પણ થાય છે. હવે તો એનું અસ્તિત્વ પણ લુપ્તતાને આરે  છે. તારબંધ વાડ કે ઝાટકાના મશીન આ પ્રકૃતિજીવને માટે મોટો ઝાટકો છે. 
કાબર હોલા, ચકલાં, તેતર, લાવરી,હડિયા ને હાડિયાનાં ખબર પૂછવાનું મન થયા કરે છે. કાળોકોશી ઉડાઉડ કર્યા કરે છે ને બગલાં તો હજુય પાણીના ધોરીયે આવી ચડે છે. ગોફણમાં ગોળો ઘાલી હજુય ફેંકવાની ઈચ્છા થઈ આવે છે. ખીજડાના ઝાડની ટોચે લટકતા સુગરીના કલાત્મક માળા જોવાનું ને કેરડા કે જારુમાં દેપલીનાં એકદમ ગોળાકાર માળામાં રંગીન ઈંડા જોવાનું આ આંખોને હજુય યાદ છે. હજુ પણ ગમે છે. ક્રાંઉઉ....ક્રાંઉઉ...કરતાં સારસ બેલડાંની પાછળ દોડવું એને એકસાથે ઉડી જતાં જોવા ખૂબ ગમતાં. 
એકસાથે ફરરરરર્ થઈ ઝપાટાભેર ઉડી જતાં ચકલાં -લેલાંને જોતાં ગેલમાં આવી જવાતું. ખેતરની વચાળે ઊભી કરેલી ઊંચી છાપરીએ બેસીને બેક ઘડી ગીતો લલકારવાની મજા હતી. ખેતર પોતાનું રજવાડું લાગતું ને માંચડો ઊંચું સિંહાસન. માંચડે ચડીને ભથવારની રાહ જોવાતી... ભૂખ પણ કકડીને લાગી હોય ત્યારે ઘડી ઘડી ગામ બાજુથી આવતાં એ ધૂળિયા મારગની દિશામાં નજર ફરતી રહેતી. 
શિરામણમાં ગોળ, મરચાં, ડુંગળી ને વાડકો ભરીને દહીં-છાશ ની લિજ્જત માણવાની અને બપોરનું ભાથું  શેઢાના કોઈ ઝાડ નીચે બેસીને ખાવાની મજા શું હોય એ શબ્દોમાં વર્ણવી ન શકાય. એનો માત્ર આસ્વાદ જ લઈ શકાય. બપોરા કરીને લીમડાની કે ઢૂવાની ડાળે સાઈકલ ના ટાયરથી બનાવેલ હીંચકા પર ઝૂલવાનું કેમ ભૂલાય..?
ખેતરને શેઢે મુખ્યત્વે બાવળ,ખીજડો, લીમડો, ઢુવાનાં ઝાડ જોવા મળે. બોરડી, થોર, કેરડો પણ વાડે ને વાટે પથરાયેલ જ હોય. ગાય-ભેંસ,બળદ, ઘેટાં - બકરાં, ઊંટ, કુતરાં, ભૂંડ,રોઝ એ અહીંનું પ્રાણીજગત. બોરની કોઈ બખોલમાં વિયાયેલ કૂતરીનાં ગલૂડિયાં સાથે દોસ્તી કરવી, ધોરીયામાં સાથે સાથે દોડવું ને ગેલ કરવું હજુ પણ સાંભરે છે. રવિવારની સવારે ખેતરે પહોંચવામાં ઝાઝી ઉતાવળ રહેતી. ઉતરાયણની લૂંટેલી પતંગો ને દોરી પછી ખેતરમાં ચગાવવા લઈ આવવાની. વહેતા ધોરીયાના પાણીમાં પગ ડૂબાવી ઊભા રહેવું, લાકડાનાં નાના ટુકડા ને પાંદડાઓ હોડી માફક તેરવવા,બોરની પાથરેલી પાઈપમાં કાણાં પાડી ફૂવારા બનાવી પાણી પીવું ને બોરના કુંડામાં ગરમ ગરમ ઉછળતા પાણીમાં ન્હાવું, ઊભરતી રેતીમાં વારે વારે આંગળીઓ ફેરવવી ને બોર પાસે એકદમ લીસા નાના ચકમક પથ્થરો મળી રહે એ ખિસ્સામાં ભરી લાવવા વગેરેનો આનંદ અપાર હતો. સાંજ પડે ને ગામ તરફ હાલી નીકળવાનું ને વળી રસ્તે કોઈ ગાડું મળે તો બેસી જવાનું ને પછી 'વાયરા વનવગડામાં વાતા'તા,  વા વા વંટોળિયા રે...... હાં રે અમે ગાડામાં બેસીને જાતા'તા વા વા વંટોળિયા રે.............. જગદીપ વીરાણીની આ કવિતા લલકારે જ રાખવાની ઘર સુધી.
આજે ઘરથી ખેતર ખૂબ દૂર દૂર લાગે છે. એકાદ આંટો મારવા જવા પણ બાઈકની કીક મારવી પડે છે. આજે પણ એ જ સીમ અને એ જ ખેતરો છે પણ ઘણું ઘણું બદલાઈ ગયું છે. સમય મળે વગડાનું આ વિશ્વ મને જોવા જવું ગમે છે. ખેતરમાં ખોવાયેલ મારી બધી જ યાદોને હું આ ધોરીયામાં, આ શેઢામાં, ઘરડાં થઈ ગયેલા એ ઝાડમાં શોધ્યા કરું છું. 
આ ચાડિયો પણ મૂક બની જોયા કરે છે. એને માટે ખેતરનું આ જગત હવે એકલું - અટૂલું થઈ પડ્યું છે. કોઈ બાળક હવે એની આસપાસ ફરકતું નથી. ઉડાઉડ કરતાં પક્ષીઓ પણ જાણે પોતાનો કલરવ ભૂલી જ ગયા લાગે છે. કૃષીવલો પોતપોતાના કામમાં રત રહે છે. આજકાલના બાળકો શાળામાં ને પછીથી મોબાઇલમાં મસ્ત રહ્યા કરે છે. શેરી રમતો ભૂલી રહ્યા છે ત્યાં વગડાના વૈભવને તો એ ક્યાંથી માણી જ શકવાના? સીમ તરફ હવેના બાળકોનો પણ અણગમો વધતો જાય છે. દરેકે પોતાના બાળકને બંધિયાર કરી દીધું છે. શૈશવને સાંકળે બાંધી સૌ પોતાના સંતાનોને ચલાવે રાખે છે આદર્શવાદી વિચારધારા પર. બાળપણના આ સમય માટે હું પ્રકૃતિવાદનો હિમાયતી છું.વિસ્તરવા માટે વિહરવું અનિવાર્ય છે. ખુલ્લા આકાશ તળે કુદરતના ખોળે ઉછરવું ગમે છે. વગડાને જાણવા માટે કદીક ઘરથી વેગડા પણ બનવું પડે. રેઢિયાળ બનીને જ રખડવાનો આનંદ લઈ શકાય. પરંતુ આજે તો આ સીમ જાણે સીમા બની રહી છે. ખેતરની હવે કોઈ બાળક ખબરેય નથી પૂછતું. આ ભરી ભરી દુનિયાને ભૂલી જ ગયા લાગે છે સૌ.

અહ્હા...! કેટલો અદ્ભુત નાતો હતો આ સીમ-શેઢા સાથે.! અઠવાડિયે એકાદ આંટો-ફેરો લગાવું છું ત્યારે ખળખળ થતો એ લીલોછમ પ્રવાહ હજુ પણ મને ભીંજવી દે છે. ક્યાંય પણ આવતાં-જતાં દૂરથી આ ખેતરો તરફ દ્રષ્ટિ કરું છું તો આ સઘળા દ્રશ્યો મને વળગી પડવા પાસે દોડી આવતા ભાસે છે. હું બસ જોતો રહું છું એક નજરે..................


© મનુ.વી.ઠાકોર 'મનન' 
        રાધનપુર