વતનની વાતો ને ચૈતર ચોગમ વેરાતો Manu v thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

વતનની વાતો ને ચૈતર ચોગમ વેરાતો

લીલીછમ જાત લઈને, કૂંપળ ફૂટ્યાની વાત લઈને 
હું આવ્યો છું  ડાળ- ડાળ પાનખરને માત દઈને.
                                   -મનન

    સૃષ્ટિનું યૌવન એટલે વસંત... ચોતરફ ખુશનુમા વાતાવરણ, વસંતનો વૈભવ કેટલો અનેરો છે. આહ્લાદક છે. ડાળ-ડાળ ને પાન - પાન પર પામી શકાય એમ પથરાયેલ છે. ફાગણીયો ફૂલડે ફૂલડે ફોર્યો છે.
પ્રેમની ઋતુ છે. પ્રેમીઓ અને કવિઓની મોસમ છે. શિશિર ઋતુ વૃક્ષો પરથી પોતાનો રહ્યો સહ્યો પ્રભાવ પણ આટોપી રહી છે. મર્મર પર્ણશોર ધ્વનિ મનભાવન લાગે છે. ડાળ-ડાળ હવે પાનખરી પીળાશ છોડી કૂણી લીલાશ પહેરી રહી છે. કેસુડાની કળીએ બેસી ફાગણીયો લૂમઝૂમ લહેરાય રહ્યો છે. વાસંતી વાયરો વગડે વહેતો થયો છે. વૃક્ષો પણ નવયૌવના જેમ અંગે અંગમાં નવીન પર્ણોરૂપી શણગાર સજી રહ્યા છે.
 
      વૃક્ષ જાણે વૈરાગ ધારણ કરતા હોય એમ પીળાશ પડી ગયેલા પાંદડા ખંખેરતા રહે છે તો તદ્દન ભિન્ન નવીન પાંગરતી કૂંપળોનો કલશોર પણ મનમોહક ભાસે છે.
ભ્રમરનું ફૂલો પર અત્ર-તત્ર ઉડ્ડયન ચોતરફ મધુર ગુંજારવ પ્રસારે છે. સઘળું લયાન્વિત થઈને ચાલે છે. આ સમયે પ્રકૃતિને ઝીણી દ્રષ્ટિએ નિહાળવાની અનેરી મજા છે. તેમાં થઈ રહેલ સળવળાટ અને ધીમે ધીમે રૂપાંતરિત થતી તેની કાયાને જોવાની - જાણવાની અનુભૂતિ પ્રકૃતિપ્રેમીને મન અનન્ય છે.સઘળું નંદનવન જેવું લાગે છે. નવપલ્લવિત પ્રકૃતિની લીલા હૈયા પ્રફુલ્લિત કરી દે છે. 

      આપણી આસપાસ આ સમયગાળામાં કેટકેટલી ઘટનાઓ જીવંત બનતી હોય છે. એ જો માણીએ તો વ્યસ્ત રહીને પણ મસ્ત બની શકીએ. છાપરીની વળીઓમાં ચકલા-ચકલી ચકચક કરતાં મીઠો ઝગડો કરતાં કરતાં માળો કરતાં જુઓ તો મજા પડી જાય. ક્યાંક હોલાની કોઇક બાવળની ઝૂલતી ડાળીએ થોડા સાંઠીકડા આમતેમ ગોઠવેલ માળો જોઈએ તો અચરજ થઈ જ આવે, કે વાયરાને ઝોલે પણ કેવી રીતે ત્યાં ટકી રહેતો હશે..! નાના નાના ને બહુ ઓછા જોવા મળતા પક્ષીઓ પણ આ સમય દરમિયાન આ ગાળામાં પંખીઓનો સંવનનકાળ હોય પ્રેમભર્યો કલશોર માણવા જેવો હોય છે. દરેકની પ્રેમકળા પામવાનો સમયગાળો. 

ચૈતરના ચોગમ વેરાતા વાયરાની મોસમ માનવીને નવું જોમ પુરું પાડે છે. ઝટપટ કામ આટોપી લેવામાં ઉત્સાહ જોવા મળે છે. આળસ માટે આ સમય રજાઓ ગાળવાનો હશે કદાચ.! 
ઘઉં - જીરાના પાકની લણણી ચાલતી હોય ત્યારે ભાથું ખઈને મધ્યાહને કોઈ વૃક્ષના તિતર-બિતર છાંયડે આડા પડી બેઘડી લંબાવ્યું હોય ત્યારે કૂણો તડકો પણ ગમ્મત 
કરતો સીધો માથા પર આવે છે. મધમધતાં મોલથી હર્યા-ભર્યા  ખેતર, વગડો, સીમ બધું ધીમે ધીમે ખાલીખમ થવા લાગે છે. કૃષકો ગાડાં કે ટ્રેક્ટરને ટ્રોલી જોડી મોલ ખળાં તરફ લઈ આવે છે. ક્યાંક થ્રેસરનો ઘરઘરાટ જોવા મળે છે તો વળી ક્યાંક ચાકડા ચડાવેલ ટ્રોલી કે ગાડામાં ડાંખળી ને સૂકેલ ખૂંદતા લોકો ગામ ભણી આવતા નજરે પડે છે. કામઢાં માનવીયો વરહ સારું રહ્યું હોય તો મલપતા હોય છે તો વળી કોઈના મોં પર મહેનતનો માર દેખીતાં જ વરતાય આવે છે. 

     મુજ મલક તો રણ-રેતીનો ધૂળિયો પ્રદેશ. ધોમધખતી ને આ સમયે ધમધમતી આ વઢિયારી ધરામાં ધૂળની ડમરીઓ વૈશાખી વાયરાઓ સાથે ઉડવા લાગે એ પહેલાં કામથી પરવારી લેવાય એમ જ સૌ ઈચ્છે એટલે તડામાર કામે લાગી જાય. ગ્રીષ્મનો કાળઝાળ તાપ પડે ત્યારે હેય.. ને પછી નિરાંતે ઘરે ડુંગળી - લસણની ચટણી ને જીરાવાળી છાશ પીને રોંઢા કરીએ તો લાવા વરસાવતી લૂ નજીક પણ ક્યાંથી આવે..? 
ઝાંઝવાના માણસને ઝંખનાઓ સેવતા ને જિંદગીની ઝંઝટો સાથે ઝઝૂમતા જોઈએ ત્યારે જ જિંદગીની સાચી ફિલસૂફી સમજાય જતી હોય છે. 

આ વતનનો વૈભવ અનેરો છે. અહીં સૂકું રણ અને બનાસની રેતીનો વિશાળ પટ છે અને એ જ અમારી વઢિયાર ધરાનો વટ છે. અહીં ઉછરેલા મોંઘેરા માનવીયુંની વાતો નિરાળી છે.અહીંની સંસ્કૃતિમાં લોકજીવનનો ધબકાર વરતાય છે. વેરાન વગડે પણ લખલૂંટ વૈભવ હોય છે. ઝાડી ને ઝાંખરાંના પ્રદેશમાં પણ મીઠો ઝણકાર હોય છે. જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમતા રહે છે. પડકારો ઝીલીને જીવનરાગે ઝૂમતાં કાઠી છાતીના માનવીઓથી આ પ્રદેશ એક આગવી જ ઓળખ ધરાવે છે. 
   
   આવો મુજ આંગણે આપું અઢળક સ્નેહ 
    હરખાશે તમ હૈયડાં હેતાળી અમ શેહ. 
                               - મનન 

અઢળક અભાવોમાં પણ ભાવસભર ભર્યું ભર્યું જીવતા મનેખની મોંઘેરી મ્હોલાત મહેકાય છે.ઝાંઝવાનાં પ્રદેશમાં ઝંખનાઓ પ્રબળ હોય છે અને એટલે જ આ ધરા પર અહીં તહીં વેરાયેલા એ મોંઘામૂલા વારસાને વરસો સુધી વહેતો કરવો છે. આ માટીની મહેકને શબ્દોમાં ભરી સુવાસિત કરવી છે. લોકહૈયે ધરબાયેલી કંઈ-કેટલીય વાતોને શબ્દદેહે સાચવીને આ વઢિયારી ગાથાનો વારસો સાચવી રાખવો છે 


    -મનન 
(મનુ.વી.ઠાકોર) 
    રાધનપુર