પ્રવાસ-એ ધોરણ દસનો - 6 MAYUR BARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રવાસ-એ ધોરણ દસનો - 6

                               પ્રકરણ - ૬

                               મારામારી

    કિંજલમેડમ અમને સામાજીક વિજ્ઞાન ભણાવતા. કોઈકવાર જો કોઈ અવાજ કે વાતો કરે તો મેડમ એને,"તું ક્લાસની બહાર નીકળ." એવી ધમકી આપતા. એ જે-તે ગુનેગાર એની ગુનાખોર પ્રવૃત્તિ અટકાવી દેતો. મને તે વખતે મનમાં વિચાર આવેલો કે મેડમ અહીં શું ધમકી આપતા કે બસમાંથી ઉતારી દઈશ. આ વિચારથી હું મનમાં ને મનમાં હસેલો.

     મારુ ધ્યાન અર્ચિત તરફ ગયું. એ હેડફોન નાખીને આરામથી આંખો બંધ કરીને બેઠો હતો. મેં એને આંચકા સાથે હલાવીને કહ્યું," ઉંઘે છે શું? બહાર તો જો." હું જોરથી અને આદેશના અંદાજમાં બોલ્યો.

     મને જોઈને એને ખાલી ગુસ્સામાં મારી બાજુ જોયું. મને તો જોઈતી વસ્તુ મળી ગઈ. મેં એના કાન પાસે જઈને પીપુડું વગાડ્યું, એ પીપુડું પકડવા ગયો... પણ અસફળ, મારી ઝડપ આગળ તેનો વાર ખાલી ગયો. મેં ફરીથી પીપુડું વગાડ્યું, ફરીથી એ જ પુનરાવર્તન. હું ત્રીસ- ચાલીસ સેકેન્ડના અંતરે ફરીથી વગાડતો હતો. બીજા પણ હવે આગળ જઈ જઈને વગાડતા હતા.

     ભક્તિ નામની એક નવમા ધોરણની છોકરીને બહુ હેરાન કરી. એની સાથે એનું ઝુંડ પણ હેરાન થયું.

     મનોવિજ્ઞાનની ભાષામાં જો કોઈને હેરાન કરવાથી કે તફલિકમાં જોઈને આનંદ આવે તો તેને વિકૃતઆનંદ કહેવાય. જે અમે માણી રહ્યા હતા. વર્તમાનમાં મારો કોઈ મિત્ર પાગલખાનામાં નથી. આ નગ્ન સત્ય છે. હું પોતે પણ નથી, પાગલખાનામાં.

     મેં ફરી એકવાર અર્ચિતના કાન પાસે પીપુડું વગાડવા માટે ઝુક્યો, હું પૂરેપૂરો ઝુકુ એ પહેલાં જ એને મને બોચીમાંથી પકડ્યો. સીધો જ નીચે અને આગળની સીટ પર ખેંચ્યો. હું બઘવાય ગયો કારણ કે જો એ મને એમ જ ખેંચતો મારા પગ ઉપર અને માથું નીચે થતા વાર ન લાગતી. એની પકડ મજબૂત હતી. ઝુકાવ રોકવા માટે કોઈ વસ્તુ પકડવા માટે ન હતી. મેં બચવા માટે અર્ચિતને પણ સાથે ખેંચવાનો પ્રયત્ન કર્યો.

     મેં મારીમચોડી, તડફડીયા મારીને ઉધો પડવાને બદલે હું ઉપર જોવા સક્ષમ બન્યો. અર્ચિતનો ચહેરો હું જોઈ શક્યો, બસની છત પણ. અર્ચિતના ચેહરા પર મને મારવાના નહીં મને ડરાવવાના ભાવ હતા. 

     આ ઘટના હું યાદ કરું અને અર્ચિતને યાદ કરું તો પોતાને જંગલી પ્રાણી ગણુ છું, જેમ જંગલી લોકો જંગલી પ્રાણીને ડરાવીને ભગાડી મૂકે એમ મારી જોડે થયું. અહીં શિકારી જ પોતે શિકાર થયો.

     મારી બૂમોમાં દર્દને બદલે હાસ્ય હતું એટલે મને છોડાવવાને બદલે બધા મને જોતા હતા. કેટલાક તો આને મારામારી સમજી બેઠા હતા. આ પ્રવાસ પછી એ થોડો બદલાયો હતો. તે બધા જોડે હળવા મળવા લાગ્યો હતો.

     બસ હવે હાઈ-વે પર ન હતી. રસ્તો સાંકળો હતો. જે બતાવતું હતું કે બસ હવે જાંબુઘોડામાં છે. ચારેબાજુ ખેતર હતા. હું મહુડો, લીમડો, આંબો, જાંબુડો, ખાખરો જેવા ઝાડને જોઈને ઓળખી શકતો હતો.

     કિર્તનસરએ બધાને કહ્યું,"આ જાંબુઘોડાનો વિસ્તાર છે. અહીંના ઘોડા ખાલી જાંબુ જ ખાય છે." બધા આ વાતથી વિચારમાં પડી ગયા પણ જે સમજી ગયા કે આ એક ગૂગલી છે, એટલે સમજવા વાળા અણસમજુ પર હસ્યા. સરના આવા જોક્સ જો હું આજે પણ કોઈને કહું તો કોઈ હસતું નથી કારણ કે મારી પાસે એ કલા નથી.

     જાંબુઘોડાથી મને જાંબુના સંબંધી બોર યાદ આવ્યાં. મેં મોટેથી બૂમ પાડીને માત્ર અમારા રાજ્યમાં બોલ્યો,"બોર ખાવા છે. મારી પાસે છે."

     " કેવા છે?" સર બોલ્યા.
 
     "અસલ દેશી છે, ગામડેથી."

     "કાઢ, બધા ખાઈએ." સરે બધાનું ધ્યાન ખેંચ્યું.

     મેં બેગમાંથી બોરની થેલી કાઢી. બોર એટલા હતા કે બધાને મુઠી જેટલા મળ્યા. ( માત્ર ધોરણ ૧૦ની અમારી ગેંગમાં બોર વ્હેચ્યાં હતા.) તેમ છતાં એકાદ કિલોની આસપાસ વધ્યા.

     બધાં એ બે-ત્રણ ખાધા હશે, ત્યાં જ.....

      "આગળ બોર મારવા છે?" કિર્તનસરે પૂછ્યું, પરંતુ કિન્તુ બધા માટે આદેશ બની ગયો. પહેલું બોર સરે મેડમને માર્યું. પછી તો ખુલે આમ અમે મારવાનું શરૂ કર્યું.

      પ્રવાસની બસમાં બેઠા હોય અને કોઈ બોર મારે અને વાગે તો ભારતીય સંસ્કૃતિના મહાન સંસ્કાર મુજબ તે બોર ઉઠાવીને બમણા વેગે પાછું મારવામાં આવે છે. એ જ બન્યું.

     બોરનો મારો અમારી સામે થયો, એ પણ અમારા ફેંકેલા બોરથી જ પછી જોવાનું જ શું?

     બોર મારાનું મહાયુદ્ધ શરૂ થયું.

     ધોરણ દસની છેલ્લી ત્રણ લાઈન વૉસીસ આખી બસ.

     અમે સામેથી આવતા બોરને કેચ કરીને સામે મારતા. જેમ સૈન્યને જરૂર પડે તેમ શસ્ત્રનો બીજો પુરવઠો મંગાવે તેમ આગળથી બે-ત્રણ જણે પણ બોર કાઢ્યા. યુદ્ધ ખૂબ જ ભયંકર સ્થિતિમાં હતું. શસ્ત્રનો પુરવઠો ખૂબ જ વધી ગયો હતો, બંને પક્ષે.
 
     અત્યાર સુધી સૌથી સંસ્કારી લાગતા પેલા બે કોર્સ બહારના મેડમ પણ સામે મારો ચલાવતા હતા. કિંજલ મેડમ આગળ બેસી ગયા હતા. મેહુલસર બંને બાજુના મારનો ભોગ બન્યા. વચ્ચે-વચ્ચે અમારા પર હાથ પણ સાફ કરી લીધા હશે.
 
     અમારું સૈન્યદળ ઓછું હોવાથી અમારા પાર મારો વધારે હતો.
 
     કિર્તનસરએ પોતાના અચૂક ટાકવાની શક્તિ વડે પેલા બે  કોર્સ  બહારના બંને મેડમને વારાફરથી કપાળ પર માર્યું, જે પછી એ બંને મેડમ બેસી ગયા. અમારી પાસે હજી પણ થોડા બોર બચેલા હતા. હવે અમે અમારા શસ્ત્રો વધુ શક્તિશાળી બનાવ્યા. અમે જે બીજા નવા બોરનો પુરવઠો કાઢ્યો તે સીધેસીધો ઉપયોગમાં ન લીધો.

     "અડધુ બોર ખાઈ જાવ અને અડધુ મારો એ લોકો સામે નહિ મારે." કિર્તનસરે યુદ્ધના અંતિમ તબક્કાનું રણશિંગુ ફુક્યું.

     એની સાથે જ નવા પુરવઠાને વાપરવાનું સારું કર્યું. અમે પહેલા બંકરરૂપી સીટોની પાછળ ભરાયા. અમારા પર બોરનો મારો જેવો ઘટ્યો કે અમે નવા આધુનિક શસ્ત્ર વડે, જે મારવાનું શરૂ કર્યું.

     આ નવા શસ્ત્રની અસર તરત જ દેખાઈ, ઘણા જણ તરત જ બેસી પડ્યા.

     મારવા માટે બોર બચ્યા ન હતા. આ મારામારી દરમિયાન અમારાથી કેટલાક બોર ડ્રાઈવરને પણ બોર મારેલા. તે જોઈને કોઈ બોલ્યું હતું," જો આ બેભાન થઈ જશે તો આપણને તફલિક થશે. એમ અમારી ભૂલ કે એની આખી કેબીન બધી બાજુથી ખુલી હતી, તો ખાય માર. 

     પછી કિર્તનસરે ડ્રાઈવરને મારવાની ના પાડી," અરે... ડ્રાઈવરને ના મારશો. માથામાં બોર વાગશે તો બેભાન થઈ જશે. બસ ઘુસાડી દેશે." કિર્તનસરે અટકાવ્યા. ડ્રાઈવરને માથા પર વચ્ચે ચાંદ અર્થાત વચ્ચેથી તકલો અને આજુબાજુ વાળ હતા. મારવાની ઈચ્છા તો થાય જને. વળી એમ આવી રીતે ખુલ્લી જગ્યા મળે.

     અડધું ખાધેલું બોર કોઈએ ભક્તિના વાળમાં મારેલું જે ખૂબ જ ખરાબ રીતે ચોંટી ગયું હતું. એની જ બારી પર કોઈએ બોર મારેલું જે ત્યાં જ ચોટી ગયું હતું.

     બોર મારા દરમિયાન મને એક ગાલ પર, બે છાતી પર એક પીઠ પર ખૂબ જ જબરજસ્ત પડેલા. બાકીના તો મને યાદ પણ નથી. બીજાને પણ એમ જ વાગ્યા હશે એમ હું ધારું છું.

     બોરનો પુરવઠો અખૂટ રીતે ચાલતો હતો પાછળથી આગળ અને આગળથી પાછળ, ચાવેલા બોર પાછા આવતા ન હતા પણ પહેલાના બોર જે આખા હતા તે ફરી ફરીને આવતા હતા. આ બોર મારો ત્યાં સુધી નહિ અટકે જ્યાં સુધી અમે બસમાંથી ઉતરીએ નહીં.આવી સંભાવના જે કદાચ સો ટકાની વાત હતી, એવી ધારણ કરીને મેહુલસર આગળથી વાવાઝોડાની જેમ આવ્યા.

     "કોણ મારે છે? બધાં બોર મારે બારીની બહાર જોઈએ. બધા બોર બહાર ફેંકો. મારે બસમાં એક પણ બોરના જોઈએ નહીં." આવી મોટી બોમો પાડતા આવ્યા.

     આગળના બધાં વિદ્યાર્થીરૂપી સૈનિકોએ બોર બારીની બહાર જવા દીધા.

     પચાર ટકા બોર હજી અમારા સામ્રાજ્યમાં હતા. અમે પ્રવાસ આવ્યા છે, બસ સાફ કરવા કે બોર વીણવા નહીં. એવી સારી ભાવનાથી અમે બોરને બારીની બહાર ફેકવાને બદલે આગળ ફેંક્યા.

     "સર... કોઈ બોર મારે છે. કોઈ બોર મારે છે." ની ત્રાહિત બુમો સાંભળવા લાગી.

     "કોણ છે..? કોણ છે..? ફેંકો બારીની બહાર." મેહુલસરે બુમો મારી. એટલે આગળના વિદ્યાર્થીઓ ડરના માર્યા બોર બહાર ફેંકે અને અમે આગળ ફેકીએ. અમારામાંથી કોઈએ પણ બોર બારીની બહાર ફેંક્યા ન હતા. બુદ્ધિ કોના બાપની?

     અમારી આ આતંકવાદી પ્રવૃત્તિ જોઈને,"તમે આવું જ કરવા પ્રવાસ આવ્યા છો. બહાર તો દેખો." મેહુલસર બારીની બહાર જોઈને બોલ્યા.

     સવારના ૮.૪૫ જેટલો સમય હશે. બહાર તો કુદરત જાણે કંઈક અલગ અંદાજમાં હતું.  અમે અમારી આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરી.

     અમને પણ યુદ્ધનો થાક લાગ્યો હતો. હું આજુબાજુ વાતોમાં મશગુલ થયો અને બીજા પણ. પછી થોડી વાર અમારા પૂરતી તપલીઓ ચાલી.


         ( ક્રમશઃ )

           કૉમેન્ટ કરીને કહે જો કેવી લાગી.
       મારી બીજી વાર્તા -પ્યોર સોલ અને બસ સ્ટેન્ડ વાંચજો