PRAVAS- E DHIRAN DAS NO - 2 books and stories free download online pdf in Gujarati

પ્રવાસ - એ ધોરણ દસ નો - 2

                                પ્રકરણ - ૨
                              
                                   આગાહી

          મારી ધીમી ગતિના પગલાં એક્સપ્રેસ થઈ ગયા. હું ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. મેં ભલે ઠંડો પ્રતિભાવ સર ને આપ્યો, પણ માર ચંચળ મનએ નહીં, તેને મારી બધી ઇન્દ્રિયો પર કાબુ લઈ લીધો. પ્રવાસના સ્થળ ભલે એકના એક હોય પણ મને તો પ્રવાસ જવાની મજા લેવી હતી.સ્કૂલમાંથી આ વર્ષે ન હતો ગયો એટલે ટ્યુશનમાંથી જ જવાનું વિચારી રખાયું હતું. અમને પ્રવાસની કેન્ડી બતાવીને બહુ ટેસ્ટ ગુજાર્યા હતો, આજે મૃગજળ હાથમાં આવ્યું હતું. મેં સીધો જ દરવાજા પર-" May I coming ma'am" બોલ્યો ખરો પણ જવાબ આપે તે પહેલાં જ હું ક્લાસમાં પ્રવેશ્યો નહીં પણ ઘૂસી ગયો. કામદેવના પાંચ બાણોમાંનું એક બાણ જે વાતાવરણને રમણીય બનાવે તેવું બાણ મેં છોડ્યું. "બધા સાંભળો...(બધાનું ધ્યાન મારા તરફ, મને બધાની સામે બોલવાનો ડર લાગતો, છતાં दर के आगे प्रवास है। )  આપનો પ્રવાસ નક્કી થઈ ગયો છે." મેં બધી વાત કરી દીધી. પછી મારા પર સવાલોનો વરસાદ થયો.

                પ્રવાસના સ્થળ સંભાળીને બધા મને કેવા લાગ્યા જાણે મેં નક્કી કર્યા હોય. મને પ્રવાસના સમાચારનો નિમિત્તમાત્ર ગણાવને બદલે સ્થળનો જવાબદાર ગણવા લાગયા.

               ત્યાં તો અચાનક મેહુલસર ક્લાસમાં પ્રવેશ્યા. જેમ કોઈ ફિલ્મનો નાયક પોતાન મિત્ર કે પરિવારને બચાવવા પહોંચી જાય તેમ. સર આવતાની સાથે જ બોલ્યા," બાળકો, આ શું છે? આટલા મોટા થયા તમે. કેટલો અવાજ?" બધા શાંત થાય છે. મેં શાંતિનો શ્વાસ લીધો. સરે આખા ક્લાસમાં એક સર્વગ્રાહી નજર નાખી. મારા પર સરે આછો ગુસ્સો અને ન કરવાનું કરી નાખ્યું એવી રીતે એકવાર ડોક હલાવી. હું સમજી ગયો.

               "આપણો પ્રવાસ નક્કી થઈ ગયો છે.( આખા કલાસમાં આનંદની લહેર પ્રસરી ગઈ અને મને મિત્ર પાસેથી પીઠ પર મુક્કો મળ્યો, સાચી ખબર લાવવા બદલ.) શાંતિ... પ્રવાસમાં અવનારે 200 રૂપિયા ફી આપવાની રહેશે. પ્રવાસ આ રવિવારે છે. આજે ગુરુવાર છે. ઉતાવળ કરજો. પ્રવાસના સ્થળ ઝંડ હનુમાન, જામી મસ્જિદ, ધાબા ડુંગરી અને વિરાસતાવન છે.આ પ્રવાસ એક દિવસીય રહેશે."

               બધાને પ્રવાસની કેન્ડી હાથમાં આવવાનો આનંદ થયો.બધાંને છોડ્યા.સરે દસમાં વાળાને બેસવાનો ઈશારો કર્યો.આખો કલાસ ખાલી થઈ ગયો બસ હવે અમે અને સર હતા.

               "આજનું પેપર કેવું ગયું?" સરે સવાલ કર્યો.

               "બહુ ખરાબ સર" સામુહિક જવાબ.

               "મને ખબર છે, આ પ્રકરણ બહુ અઘરું છે,તેમાં તમારી ચાંચ બોળતા વાર લાગશે."

               "સર ખબર તો પડી જાય છે, પણ જાતે દાખલો ગણાતી વખતે અટકી જવાય છે." મિતેષ મૂંઝવણ રજૂ કરી.જે બધાની હતી.પણ મારી નહીં કારણ કે મેં આ પ્રકરણ અડતો જ ન હતો.

               "એ તો તમને પ્રેક્ટિસની જરૂર છે, એ પણ આપણે કરીશું, તમને કિર્તનસર બધું જ કરાવશે. પરીક્ષાને આખા બે મહિના બાકી છે, તૈયારી કરીશું." સરની વાતો હંમેશા હકારાત્મક જ હતી. "પ્રવાસમાં કોણ કોણ આવવાનું છે?"સરે વિષયાંતર કરી વાતાવરણ હળવું બનાવ્યું. બધા એ હા પાડી.

               "સર, પ્રવાસની જગ્યાઓ બદલોને કોઈક નવી જગ્યાએ જઈએ." પલક બધાના પેટમાં દુખતી વાત કરી.

               "જુઓ મહત્વ સ્થળનું નથી, પણ મજાનું છે. મજા તો દર વખતે આવે છે.આપણા પ્રવાસમાં માત્ર તમારી જેવા મોટા નહીં, પણ નાના બાળકો પણ છે. અમુક જગ્યાએ એ નાના પડે તો અમુક જગ્યાએ તમે. આપણે બજેટને પણ ધ્યાનમાં રાખવાનું છે. તમારી ઈચ્છા તો એવી જ ને કે તમારા બધાં મિત્રો આવે કે પછી એકલા જ જવું છે. તમે લોકો મજા લૂટો..." સરે પરિસ્થિતિ આજે સમજાવી કે આટલા વર્ષોથી આ સ્થળોની આસપાસ જ કેમ પ્રવાસ ગોઠવવામાં આવતો હતો.

               "સર એ તો બરાબર છે પણ.......બસમાં પાછળની બધી સીટો પર અમે બધા અને કિર્તનસર અમારી જોડે જ પાછળ રહેશે." કાર્તિકે મહત્વની વાત રાજુ કરી.

               " તમારી ઈચ્છા હશે કે નહીં હોય તમને બધાને પાછળ જ ધકેલીશ. એમ પણ તમે સર વગર કાબુમાં રહેવાના નથી, એની મને ખબર છે." સર અમારો સ્વભાવ જાણતા હતા.

               કિર્તનસર જોડે હું નવમાં ધોરણથી ભણતો હતો. જયારે બીજા કેટલાક તો ઘણા સમયથી. તે અમને વિજ્ઞાન અને ગણિત ભણાવતા. તે દરેક વાત તટસ્થ રીતે કરતા. તે અમને ભણાવવાની સાથે જનરલ નોલેજ અને મસ્તી પણ કરતા. પ્રવાસમાં તેમના નેતૃત્વ વગર પ્રવાસ તો અમારો વિધવાઓ જેવો જાય.

               "સર, જો પ્રવાસમાં ના આવવું હોય તો?" આ નકારાત્મક પ્રશ્નાથી મને પેલા એગ્રી બર્ડને મારવાનું મન થયું. એગ્રી બર્ડ એટલે અર્ચિત અમારી ગાડીનું વાંકુ પૈડું.

               મેં મારા ગુસ્સા અને જુસ્સા ઉપર કાબુ રાખીને તેને મોં પર કહી દીધું," બર્ડ એ ઉડી જવાનું હોય." મારી અને અર્ચિતની વચ્ચે એ સમયે બહુ બનતી ન હતી. એ દરેક વાતને નકારાત્મક લેતો, તેથી મને તેની જોડે ટક્કર લેવાની થઈ જતી. તેનો સ્વભાવ થોડો અતડો હતો, બધા જોડે બહુ ભળતો નહીં. એને ગુસ્સો જલ્દી આવતો એટલે એવા માણસ જોડે ટક્કર લેવાની પણ મજા આવે.

               " તને કોઈ પૂછતું નથી... એલિયન" મને ચુપ કરાવવા એ બોલ્યો. મને નથી ખબર કેમ મને આઠમાં ધોરણમાં એલિયન ખીજ પાડવામાં આવી હતી અને કોને. મારુ આ ઉપનામ આજે કોલેજમાં પણ ચાલે છે, મને બધા આજે પણ એલિયન જ કે છે. દસમાં ધોરણથી હું થોડો જડ બન્યો, કોઈ મયુર બમ પડે તો મારું ધ્યાન કદાચ ના જાય પણ એલિયન કે તો સો ટકા મેં જ એ મને ખબર પડે.

               " એ...ભાઈ! શાંતિ, આ કલાસ છે." મેહુલસરએ નકલી ગુસ્સો કર્યો. કદાચ સાચો પણ હોય પણ મને હંમેશા નકલી જ લાગતો. " જેને ના આવવું હોય તે ના આવે, તે દિવસે એ લોકોને રજા, અને આ ના આવે તો તને શું ખૂંચે છે, દેડકા." સર મને દેડકો કહેતા.
               " સારું તો તમે જઈ શકો છો. પ્રવાસ આવનાર વહેલા નામ લખવી દેવા." સરે અમને વિદાય આપી. અમે સરને બાય અને પ્રવાસમાં અમને ઝેલવા માટે તૈયાર રહેવાની પ્રેમભરી ધમકી આપી.
 
               અમે બધા નીચે ઉતાર્યા, ત્યાં તો નીચે પહોંચતાની સાથે તેજાભાઈ એટલે ગિરિશે બધાને પાર્ટીની ઓફર આપી, અમે ખાલી એક વેફર અને રાતલામી સેવ એકલી જ લીધી. અમે પ્રવાસની આગામી તૈયારી કરવાની વાતો કરી.

               " આ એગ્રી બર્ડ પ્રવાસમાં આવતું હોય તો પ્રવાસમાં એની ચરબી ઉતારી કાઢ્ય." કૌશિક બોલ્યો.

               " છોડને યાર, બીજાનું બગાડે એમનો છે." મિતેષએ પેલા નો નિષેધ કર્યો.

               "મિતેષ છોડીશ તો ગંધાશે." કાર્તિકે અનર્થ કર્યો, બધા હસી પડે છે.


( ક્રમશઃ )


તમારી કિંમતી અભિપ્રાય આપજો. મારા સુધી સીધા પહોંચાડવા માટે...

Facebook:. Mayur Baria 
Instagram:.mayur.2525

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED