નથણી ખોવાણી - પ્રકરણ -૨૦ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ -૨૦

    " ચા બનાવું ? " આકાંક્ષા એ પૂછ્યું.   અમોલે ના પાડી.  એટલા માં ભરતભાઈ આવ્યા.       " જરા ટી.વી. ચાલુ  કર . ચાલ  સમાચાર જોઈએ. "       અમોલ તરફ જોઈ ને કહ્યું.  અમોલે ટી.વી. ચાલુ કર્યું અને પછી રુમ તરફ જવા લાગ્યો. " તારે નથી જોવા સમાચાર ? " ભરતભાઈ એ અમોલ ને પૂછ્યું. " હું થોડી વાર માં આવું , પપ્પા !" કહી અમોલ  રુમ માં ગયો.  આકાંક્ષા ની પ્રિય જગ્યા પર જઈને બેઠો. બારી માં થી શીતળ  પવન  ની લહેર આવી રહી હતી  ;  એનાં દિલ ને  પળભર માટે ઠંડક મળી ;  પરંતુ   ફક્ત પળભર માટે જ . 

             ફોન ની રીંગ વાગી. આકાંક્ષા એ ફોન ઉપાડ્યો. "ગૌતમ વાત કરું છું.   હું આજે રાત્રે અહીં જ રોકાઈ ‌જઈશ. મારી રાહ ના જોતા. ફૂઆ ને જણાવી દેજે. " 

" હા! ચોક્કસ . જણાવી દઉં   છું ." આકાંક્ષા એ કહ્યું. ફોન મૂક્યો અને ભરતભાઈ ને જણાવ્યું,  " ગૌતમ ભાઈ નો કૉલ હતો. આજે ઑફિસ માં રોકાઈ જશે. " 

" ગૌતમ ને કેવીરીતે સમજાવવું કે કામ‌ થી આગળ પણ જિંદગી હોય છે.  અમોલ કરતાં મોટો છે,  પણ બસ  , જિંદગી ‌ માં સેટ થવા વિશે વિચારતો જ નથી.  " ભરતભાઈ એ નિઃસાસો  નાખ્યો. આકાંક્ષા રસોડા માં જઈ  જમણ ની તૈયારી કરવા લાગી. 

          ગૌતમ એના ઑફિસ  મિત્ર  અમર સાથે   કૉફી પી રહ્યો હતો. અમરે પૂછ્યું , " ડિનર માં પિઝા ઑડર કરું તો ચાલશે ? " 
" ચાલશે યાર! ગમે તે ચાલશે. " ગૌતમે ક્હ્યું.  

"  રાત્રે મોડા કશું નહીં મળે એટલે અત્યારે જ ઑડર કરી દઉં છું.".   કહી અમરે  આગળ ઉમેર્યું , "  ગૌતમ !  એ કહે કે  આ પ્રોજેક્ટ પતી જાય  પછી શું પ્લાન કર્યો  છે    ? " 

" કાંઈ નહીં ! પાછા વડોદરા  જવાની ઈચ્છા છે. " ગૌતમે ક્હ્યું.

" કેમ ? અહીં બધું બરાબર તો છે !  અને તું પણ ખુશ હતો , અત્યાર સુધી , આ અચાનક નિર્ણય બદલાવા નું કારણ ?  " અમરે પૂછ્યું.

" કાંઈ નહીં  ! ત્યાં પોતાનું ઘર છે ;  તો   ફર્ક  પડે ને  ! એટલે બીજું તો શું કારણ હોય ?! ! " ગૌતમે વાત ટાળતા કહ્યું. 

 " હોય  યે ખરું , પણ જણાવવું હોય તો જ!!!   પોતાનો સમજી ને ? કદાચ હું કશી મદદ કરી શકું‌ !" અમરે આત્મીયતા બતાવતા કહ્યું. 

ગૌતમ ચૂપ હતો . અમર ને વધારે પૂછવા નું  યોગ્ય ના લાગ્યું. એટલા માં ગૌતમ નાં ફોન માં રીંગ વાગી. ગૌતમે જોયું અને ફોન કટ કર્યો. ફરી એક વાર , એમ ત્રણ થી ચાર વાર ફોન આવ્યો અને ગૌતમે કટ કર્યો.   સહેજ વાર માં ડેસ્ક નાં લેન્ડ લાઈન પર કૉલ આવ્યો. ગૌતમે કામ કરતા કરતા ફોન  ઉપાડ્યો.  

" મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પ્લીઝ મને ફોન ના કરીશ. " કહી ગૌતમે ગુસ્સા માં  ફોન મૂકી દીધો.   કશું ગણકાર્યું ના હોય એમ પાછો  પોતાના કામ માં પરોવાઈ ગયો. 

   અમર ને ખૂબ જ અચરજ થઈ રહ્યું હતું. ગૌતમ નો આ મિજાજ એણે ભાગ્યે જ જોયો હતો. પરંતુ પૂછવું યોગ્ય છે કે નહીં એ કશ્મકશ માં  હતો . વાત કરતાં કરતાં પૂછી જ  લઈશ, એમ વિચારી ને  એણે 
ગૌતમ ને કહ્યું  , " આટલા વખત થી  હું  તને  મારા ઘરે  રોકાવા બોલાવતો હતો  . પરંતુ તું  આવતો  જ નહોતો.  હવે માની ગયો. સારું લાગ્યું. " 

" હા! દર વખતે મોડા જઈને ભાભી ની ઊંઘ બગાડવી  યોગ્ય નથી લાગતું !… " ગૌતમે ક્હ્યું. 

" તો ઠીક !  હું કંઈક વધારે જ ગંભીર વાત સમજી બેઠો હતો  "  અમરે કહ્યું. 

" શું સમજી બેઠો હતો  ? " ગૌતમે ક્હ્યું

" કોઈ નો ફોન વારે  વારે કટ કરવો. એને    રીપ્લાય  ના આપવો. એ બધું શું છે ?   અમરે પૂછ્યું. 

" તને શું લાગે છે ?  ગૌતમે પૂછ્યું. 

"  બીજું  તો  શું  હોઈ શકે ?  બ્રેકઅપ !!! " અમરે કહ્યું .

 " યાર !  વાત  મારી નથી.  મારા કઝીન અમોલ ની છે. " ગૌતમે ના છુટકે અમર ને  કહ્યું. 

 " તો તારા પર કૉલ વારે વારે આવે છે એ કોણ છે ? " અમરે પૂછ્યું. 

" એ જ છે ! તન્વી ! " ગૌતમે ક્હ્યું

" તન્વી ! એ કોણ છે ?" અમરે પૂછ્યું. 

" તન્વી !   ટી.વી. એક્ટ્રેસ !  ગૌતમે ફોડ પાડી ને કહ્યું. 

 " ઓહ ! તો‌ એને તારા માં ઇન્ટરેસ્ટ છે ? " અમરે પૂછ્યું. 

" ના ! એ  અમોલ માં  રસ‌ ધરાવે છે! તું  કન્ફયુઝડ કેમ થાય છે ? "  ગૌતમે  થોડું અકળાઈ ને  ક્હ્યું .

" તું સ્પષ્ટ શબ્દો માં બોલી નથી રહ્યો !! એટલે !!! ઓકે !! તો પ્રોબ્લેમ શું છે ? અમોલ મેરીડ છે એ ?  એવું તો  ચાલતું હોય છે  ? ક્યાં નવાઈ છે ?  તું એ વાત ને લઈ ને આટલો ટેન્શન માં હતો ?  " અમરે સહજતા થી કહ્યું. 

" મને ખબર છે ! પણ‌ મને આકાંક્ષા  મારા ભાભી  માટે બહુ ખરાબ લાગે છે.  એની સાથે આવું નહોતું થવું જોઈતું.  "   ગૌતમે ક્હ્યું.

" કોઈ સ્પેશિયલ ફિલીંગ છે આકાંક્ષા પ્રત્યે  ?‌ " અમરે કહ્યું.

" હા ! એવું ચોક્કસ કહી શકાય .  મમ્મી નાં ગુજરી ગયા પછી આમ તો ફોઈ જ મમ્મી નાં સ્થાને હતાં , પરંતુ જ્યારે હું બિમાર હતો ત્યારે આકાંક્ષા એ જે રીતે મારી સેવા ચાકરી કરી હતી ; એક '  મા ' ની કમી મહેસુસ જ નહોતી થઈ . એનું મારા દિલ માં એક આગવું  જ સ્થાન છે . કદાચ એટલે જ મને અમોલ અને તન્વી નો સંબંધ  સ્વીકાર્ય નથી." ગૌતમ ખૂબ જ લાગણીવશ થઈ બોલી  રહ્યો હતો. 

 " પરંતુ હજુ સુધી મને એ ના સમજાયું કે તન્વી ના કૉલ તું   ઇગ્નોર  કેમ‌ કરે છે ? " અમરે પૂછ્યું.

" નથી મન થતું એની સાથે વાત કરવા નું  ?  એક મિત્ર સમજી હતી...!!! પરંતુ….  ક્યારેક માણસ ને સમજવા માં થાપ ખવાઈ જાય છે. "  ગૌતમ  આગળ કદાચ બોલવા નો હતો પણ કોણ જાણે કેમ  અટકી ગયો.  પાછું કામ માં મન પરોવા નો પ્રયત્ન કર્યો. કામ પતાવી ને બન્ને અમર નાં ઘરે ગયા. પીઝા ખાતાં ખાતાં અમરે પૂછ્યું , "  મિત્ર તરીકે કશી મદદ જોઇએ તો બેજીજક કહેજે. " ગૌતમ એ હકાર માં સ્મિત આપી. 

       ગૌતમે જે રીતે તન્વી સાથે વાત કરી હતી , તન્વી ખૂબ જ ગુસ્સે હતી. એણે અમોલ ને ફોન લગાવ્યો, પરંતુ  અમોલે  ફોન  નો જવાબ ના આપ્યો.   તન્વી  વધુ અને વધુ અસુરક્ષિતતા અનુભવી રહી હતી . ઊંઘ નહોતી આવી રહી ,  તેથી ઊંઘ ની   ગોળી લીધી અને સૂઈ ગઈ  . 

          રાત્રે સુતી વખતે અમોલે તન્વી નાં  મિસકોલ જોયા. કૉલ બૅક કર્યા. પરંતુ કોઈ જવાબ ના મળ્યો. સૂઈ ગઈ હશે એમ‌ વિચારી ને અમોલ પણ સૂઈ ગયો. 

         સવારે ઑફિસ જતાં તન્વી ને ફોન કર્યો પરંતુ હજુ પણ એ  ફોન ઉપાડી રહી નહોતી. અમોલ ને ચિંતા થઇ અને એણે કાર તન્વી નાં ઘર તરફ લીધી. ઘરે ગયો બેલ માર્યો. કેટલીય વાર પછી દરવાજો ખોલ્યો. તન્વી હજી પણ ઉંઘ માં જ હતી. અમોલે તન્વી ને ભેટી ને કહ્યું, " હું ‌ ડરી ગયો હતો. તન્વી ! " 

   " ડરવું જ જોઈએ !!! કાલે મારો ફોન કેમ ના ઉપાડ્યો ? " તન્વી એ કહ્યું. 

" જમતાં હતાં ત્યારે ફોન બૅડરુમ માં હતો. સાઈલન્ટ હતો. " અમોલે સફાઈ આપતા કહ્યું.

તન્વી એ ઊંઘ ની ગોળી ઓ ની બોટલ બતાવતા કહ્યું ,‌ " જો તે મને હવે થી  ઇગ્નોર કરીને તો જો? " 

અમોલ ડઘાઈ ગયો. " તન્વી !! તું શું બોલું છું ? તને‌ ભાન છે ? ધમકી આપું છું તું મને ?" 

 " ના ! ચેતવણી ! "  તન્વી એ ગુસ્સા માં કહ્યું. અને  એન્વેલપ આપતા કહ્યું , " આ ગૌતમ ને પાછું આપી દેજે .  મારે  એના તરફ થી કોઈ મદદ નથી જોઈતી.  " 

     " તેં શું મને  પોસ્ટ મેન સમજી ને રાખ્યો છે ?   જાતે જ આપી દેજે. અને આ નથણી પણ!   આકાંક્ષા કહે છે આ અલગ છે એની નથી . તો તારે જે વાત કહેવી હોય એને જ સીધે સીધી કહી દેજે. " કહી અમોલે તન્વી ને નથણી પાછી આપી.  

 " ગૌતમ ને કેટલાં ફોન કર્યા , મારી સાથે સરખી વાત પણ નથી કરતો. " તન્વી એ કહ્યું.

 " હું વાત કરું છું એની સાથે  અને કહું છું. પણ આ બધા કામ મારી સાથે ના કરાવીશ.  પ્લીઝ ! " અમોલે કહ્યું. 

" ઓકે બાબા ! " કહી તન્વી અમોલ ને ભેટી પડી.   અમોલ ઑફિસ જવા નીકળ્યો. ઑફિસ જઈ ને ગૌતમ ને ફોન કર્યો , " ગૌતમ  ! વાત કરવી હતી. મળી શકીશ ? ઑફિસ કે પછી કૉફી કૅફે  ? " 

" સારું ! સાંજે મળું છું. કૉફી કૅફે પર !  " ગૌતમ ના પાડી ના શક્યો. 

          સાંજ થઈ અમોલ કૉફી કૅફે પર પહોંચી ગયો . ત્યાં પહોંચી ને તન્વી ને ફોન કર્યો. તન્વી એ પણ ત્યાં જવા ની ઈચ્છા બતાવી પરંતુ અમોલ ને એ યોગ્ય ના લાગ્યું. ગૌતમ દેખાયો એટલે અમોલે ફોન મૂકી દીધો. કૅપેચીનો નો ઓર્ડર અગાઉ થી જ આપી દીધો હતો. 

        ગૌતમ આવી ને બેઠો. એના  મુખ પર નારાજગી વ્યક્ત થઈ રહી હતી. અમોલે વાત ની શરૂઆત કરી. 

" ગૌતમ ! થૅન્ક યુ યાર‌! તારા અત્યાર સુધી ના સપોર્ટ માટે !" 

" મેં તને કોઈ સપોર્ટ નથી કર્યો  , અને મારી પાસે કોઈ આશા પણ ના રાખીશ.  બસ હું જે આકાંક્ષા ને કહી શકતો હતો એ કહ્યું નથી . અને હું મારા તરફ થી નહીં કહું પરંતુ જો એ પૂછશે તો જૂઠું  પણ નહીં બોલી શકું  એ પણ કહી દઉં છું. " ગૌતમે સ્પષ્ટતા કરી. 

 " ગૌતમ ! વાત એમ છે કે  તન્વી … "  અમોલ ખચકાતા બોલી રહ્યો હતો. 

" તન્વી વિશે મને કોઈ વાત નથી કરવી ." ગૌતમે અમોલ ની વાત કાપતા કહ્યું.

 " આટલો તો તને શું પ્રોબ્લેમ છે તન્વી સાથે ? પ્રેમ કરે છે એ મને એ ????  !!!! " અમોલે થોડા રુક્ષ સ્વર માં પૂછ્યું. 

 " મને ના તો તન્વી સાથે  કોઈ  પ્રોબ્લેમ છે ! ના તો તમારા  પ્રેમ સાથે ! મને પ્રોબ્લેમ એક માનસિકતા સામે છે. તન્વી ની માનસિકતા !  અમોલ ! હું તને જે સમજાવા નો પ્રયત્ન કરી રહ્યો છું , એ તું સમજીશ કે નહીં ‌ખબર નથી, પરંતુ  … " કહી ગૌતમ અટકી ગયો. 
 
" બોલી નાખ ગૌતમ !  મારે આજે આપણા વચ્ચે ની ગેરસમજ દૂર કરવી જ છે. કાલે તું ઘરે ના આવ્યો મને સહેજ પણ ના ગમ્યું. " અમોલ બોલ્યો. 

"  આકાંક્ષા ને અત્યારે તારી જરૂર છે. તું આવા સમયે એનો સાથ કેવીરીતે છોડી શકું છું   ?" ગૌતમે ક્હ્યું.

"મેં એનો સાથ ક્યાં છોડ્યો છે ?  મેં એને ઘર ની બહાર નથી કાઢી મૂકી . અને  મને એ કહે કે તું મને  એટલે સપોર્ટ નથી આપતો કે મેં તને અમી‌ માટે સપોર્ટ નહોતો આપ્યો ? " અમોલે કઠોરાઈ થી કહ્યું.  

ગૌતમ ને  એકદમ  આંચકો લાગ્યો . ' આ શું થઈ રહ્યું છે અમોલ ને ? કેટલો બદલાઇ ગયો છે.'  

 "  ફક્ત ઘર માં રાખવું એને સાથ આપ્યું કહેવાય ? અને તન્વી એ અત્યારે તને ફક્ત તારી પત્ની થી દૂર કર્યો છે. બની શકે  આવતા દિવસો માં તારા પરિવાર થી પણ દૂર કરે ? અને પછી સમાજ  સામે પણ ઉભું થવું પડે . તું એકલો થઈ જઈશ. કોની કોની સામે  લડીશ ?  હજુ પણ મોડું નથી થયું. સમજી જા !   " ગૌતમે સમજાવા નો પ્રયત્ન કર્યો. 

"ગૌતમ !  મને એ કહે કે તું  જ્યારે અમી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો ; ત્યારે તે આ બધું વિચાર્યું હતું ? " અમોલે પૂછ્યું. 

 " એજ હું કહેવા માગું છું ! હું તો અમી સાથે લગ્ન કરવા નો હતો.એ રીતે તો એ મારી પત્ની હોત! પરંતુ તન્વી ! શું તું એની સાથે લગ્ન કરવા નો છે ?  " ગૌતમે પૂછ્યું.

" ના લગ્ન નહીં !    live in relationship !"   અમોલે કૉફી નો એક ઘુંટ મારતા કહ્યું. 

( ક્રમશઃ )