Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 15 - 16

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૧૫

બીજે દિવસે વહેલી સવારે પાંચેય ગાડી જુદાંજુદાં સ્થળે જવા નીકળી. જગ્યા પર પહોંચીને ગટુને જાણ કરવાની હતી.

આહવા ડાંગ સૌથી છેલ્લી કાર પહોંચી પણ ૧૧ વાગ્યે સૌ તેમના નિર્ધારિત સ્થળે પહોંચી ગયા હતા. ટાઈ પહેરવામાં અણખત થતી હતી..પણ દરેક સ્થળે મુલાકાતીઓ ભરપૂર હતા. ઓળખાણ કરીને પહેલાં સૌને ખાવા માટે લઈ ગયા. સામાન્ય દેખાવ મૅનેજર જેવો હતો પણ ભાષામાં સુરતી ભાષાનો લહેકો આવતો હતો તેથી આકર્ષણ રહ્યું.

બધા જમી રહ્યા ત્યાં સુધીમાં ભાડે પ્રોજેક્ટર અને કૉમ્પ્યૂટર મોટા હૉલમાં લાગી ગયું હતું. ત્યાં સૌને આરામથી બેસાડ્યા અને પાનનાં બીડાં અને સીગર્ટ અપાઈ. અને કહેવાયું કે નાના શેઠ આપના પ્રશ્નોના જવાબ આપશે. ત્યાર પછી જેમને નાના શેઠની વાતમાં રસ પડ્યો હશે તે સૌને મુંબઈ ખાતેના અધિકારી સાથે વાતો કરાવીને પેપરવર્ક થશે.

નાના શેઠની વાત સાંભળવામાં લોકોને રસ પડવા માંડ્યો હતો.

બરાબર એકના ટકોરે મોટો રૂમ ખૂલી ગયો હતો.

ખુરસીઓ ગોઠવાયેલી હતી. જેટલા આવ્યા હતા તેમને એક ફોર્મ ભરવા આપ્યું હતું, જેમાં નામ, સરનામું અને ફોન નંબર માંગ્યા હતા. સાથે પાસપૉર્ટની નકલ અને ડૉક્ટરી સર્ટિફિકેટમાંગ્યું હતું. એ ફોર્મની સાથે અમેરિકન પેનો અલપાસો રિસોર્સ નામ સાથે અપાયેલી હતી. અલપાસોનો ફોન નંબર અને નાના શેઠનો ઇમેઇલ પણ હતો.

નાના શેઠ સ્ક્રીન ઉપર દેખાયા ત્યારે તેમના અવાજમાં નમ્રતા અને મૃદુતા હતી.

“મારા વતનનાં ભાઈઓ અને બહેનો,

મેં વતન છોડ્યું ત્યારે ખબર નહોતી કે મારું આ સાહસ મને અઢળક પૈસો આપશે. પણ મને મારા મોટાભાઈએ એક એવી તક આપી કે હું અઢળક કમાયો..હવે એવી જ તક હું મારી પટેલ કોમ અને ભક્તા કોમને આપવા માંગું છું. જેમ કોઈકે મારો હાથ પકડ્યો અને મને અબજોપતિ બનવા તક આપી તેવી જ તક હું મારાં ભાંડુરાઓને, એટલે કે તમને આપવા માંગું છું. આ તક ફ્રી છે તેવું ના માનશો પણ આપણામાં કહે છે ને આંગળી ચીંધવાનું પુણ્ય હોય છે, તે પુણ્ય હું તમને અમેરિકા લાવીને પામવા માગું છું.

હા, આ તો મારી વાત થઈ. હવે તમે પ્લંબર, કડિયા તથા સુથાર કે લુહાર હો તો હું તમે કલ્પના પણ નહીં કરી શકો તેવી અદભુત કમાણી કરવાની તક આપવા માંગું છું. તમારી સાથે કંપનીનો જે માણસ આવ્યો છે તે ૧૫ ડૉલર કલાકના કમાય છે. હજી બે મહિના પહેલાં જ તે આવી ખેપમાં આવ્યો છે. જરા ગણતરી તો કરો, દિવસના કલાકના ૭૦ રૂપિયા, તો ૮ કલાકના અને ૫ દિવસના ૪૦ કલાક્ના ૭૦ લેખે ૪૦ કલાકના ૨૮૦૦૦ રૂપિયા મળી શકે… આ તો લઘુત્તમ વેતન છે. અને તમે ચાહો તો ઓવર ટાઇમમાં બીજા ૨૫ કલાક ગણો તો અઠવાડિયાના ૬૫ કલાક ગણો તો ૫૦૦૦૦ રૂપિયા થઈ શકે. અને વર્ષે કેટલા થઈ શકે તે ગણિત તમને સમજાય એવું છે.

જો તમે મહેનતું હો અને અમીર થવાનું સપનું જોતા હો તો આ તકને સમજો.

હું મારા દેશના અને મારા વતનના હેંડી મેનોને અમેરિકા લઈ જવા માટે આવ્યો છું.

મારી વગને કારણે અમેરિકા જવા માટે ક્યાંય કોઈને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી અને પૈસો પણ હાલમાં એક પણ કાઢવાનો નથી. તમારે ખર્ચના પૈસા કમાઈને આપવાના છે. એવું નથી કે ત્યાં આપણા જેવા માણસો મળતા નથી? પણ મારે આખી કોમને ઊંચી લાવવી છે અને તેથી એલપાસો રિસોર્ટની મોટેલોની ચેન બાંધવી છે, અને હું માનું છું મારી બૅન્ક અને આખા ટેક્સાસમાં જુદી જુદી જગ્યાએ ૧૦૦ કરતાં વધુ મોટેલ બાંધવાની છે. માટે અને તેનો વહીવટ ચલાવવા માણસો જોઈએ છે.

તમને લક્ષ્મી ચાંદલો કરવા આવે છે ત્યારે મોં ધોવા જશો?

આ પ્રશ્ન સાથે નાના શેઠનો વાર્તાલાપ ૧ કેસેટનો પૂરો થયો.

ચા સાથે બિસ્કિટ અપાયાં. હવે મુંબઈથી કંપનીનો અન્ય અધિકારી ફોન ઉપર સૌના પ્રશ્નોના જવાબ આપશે કહી માઇક સાથે ફોન જોડ્યો.

***

પ્રકરણ – ૧૬

પ્રશ્નો તો ઘણા હતા. મુખ્ય પ્રશ્ન એ જ હતો કે નાના શેઠ એમના પૈસા રોકીને કેમ અમને અમેરિકા તેડે છે. તેમનો આશય સમજાતો નથી. ગટુ જવાબ જાણતો હતો કે આ નાના શેઠનું રોકાણ હતું. પણ કળયુગમાં સતયુગની વાતો કેવી રીતે ચાલે? મારું વતન...મારા લોકો અને મારા લોકોને ઊંચા લાવવાની ભાવના અમલમાં લાવવાની વાતોને એક વખત તો શંકાની નજરથી જોઈ લેવાની. વાતને તોડવા ૨૦૦ વર્ષ પહેલાંની વાત કાઢો. તેમનું ગામ રજપૂતોનું ગામ. બાપુનું ગામ એટલે નાની વાતોમાં ભાયડાઓ તલવાર ખેંચે. એટલે તે સમયના રાજાએ હિસાબ રાખવા બારેજામાંથી વાણિયાને વસાવ્યો. આજે તેમની પાંચમી પેઢી ચાલે છે. પણ ગામમાંથી વાતેવાતે તલવારો ખેંચાતી બંધ થઈ ગઈ.

બન્યું એવું હતું કે એક વખત રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે કાલે સવારે તમારું ઠામ (પછી તે ગમે તેટલું મોટું હોય) લઈને આવનારને રાજા તે વાસણ ભરીને ઝવેરાત આપશે.

ગામમાં વાતો ચાલી કે રાજા, વાજા અને વાંદરા સરખા હોય. કાલે સવારે બદલાઈ જાય. ભરોસો સહેજે ના રખાય.

બીજે દિવસે પેલા વાણિયા સિવાય કોઈ વાસણ લઈને રાજા પાસે ના ગયું. પેલો વાણિયો તો ગાડું ભરીને ઘરમાં હતાં તેટલાં વાસણો લઈને રાજાને ત્યાં પહોંચી ગયો. કેટલાક લોકો ખાલી હાથે તમાશો જોવા ગયા. કેટલાક લોકો તો ગયા રાજા, વાજા અને વાંદરાનો ભરોસો નહીં...ને ગયા જ નહીં.

બીજે દિવસે રાજાના દરબારમાંથી ગાડુ ભરીને ઝવેરાત લઈને વાણિયો નીકળ્યો ત્યારે ઘરે બેઠેલા લોકો નિસાસા નાખતા હતા. તમાશો જોવા ગયેલા લોકોને રાજાએ મૂઠો ભરીને ઝવેરાત આપ્યું હતું.

રાજાએ દરબારમાં આવું થયું તેનું કારણ સમજાવતાં કહ્યું,

વિચારવાની ઢબ ઉપર આ પરિણામ હતું. જેટલા લોકો હકારાત્મક વિચારો કરતા હતા – વાણિયા જેવા –એમણે ઘરમાં હતાં તેટલાં વાસણો લઈ લીધાં. તે માનતો હતો, રાજા રીઝે તો રાજ પણ આપી શકે. એટલે ઘરના બધા સામાન લઈને ગાડું ભરીને આવ્યો, તો તેને ઢગલો ઝવેરાત મળ્યું. જે લોકો દ્વિધામાં હતા છતાં દરબારમાં આવ્યા તો તેમને મૂઠી ઝવેરાત મળ્યું. પણ ઘરે જે બેસી રહ્યા તેમને કશું ના મળ્યું.

કશીક વિચિત્ર લાગતી શક્યતાને સમજવી જરૂરી હોય છે. જેમ કે નાના શેઠની ઓફર.

આજે જે લોકો પાસપૉર્ટની ઝેરોક્ષ કૉપી લાવ્યા છે તે મારા મતે હકારાત્મક વિચાર ધરાવતા માણસો છે. તેમને નવી તક સમજવી જરૂરી છે અને ખર્ચો કેટલો અને આવકો વિશે માહિતી જોઈએ છે અને બાકીના બીજી કક્ષામાં તીરે ઊભેલા તમાશો જુએ છે.

ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે તમારાં ફોર્મ ભરો. પાસપૉર્ટની ઝેરોક્ષ કૉપી આપો અને આપનો વિઝા આવતા અઠવાડિયે હ્યુસ્ટન આપને લઈ જશે. સાથે સાથે આપને અમેરિકામાં સ્થિર કઈ રીતે થવાયની ત્રણ કલાકની સીડી નાના શેઠની અને અમેરિકન અંગ્રેજી શીખવાની સીડી આપને મળશે.

કોઈ પ્રશ્ન હોય તો હવે પૂછો.

“અમને આ જવા–આવવાનો કેટલો ખર્ચો નાના શેઠ ઉપાડે છે?”

“નાના શેઠ તમારા વિઝા, ટિકિટ અને ત્યાં રહેવાના અને નોકરીએ લગાડવાના અંદાજે ૫૦૦૦૦ ડૉલર ખર્ચે છે, જે તમે પગારમાંથી પાછા વાળશો.”

“તેમને એવો ભરોસો કેવી રીતે બેસશે કે અમે ત્યાં જઈને બદલાઈ નહીં જઈએ?”

“તેથી જ તો મારું વતન અને મારાં ગામના લોકોની વાત કરે છે ને?”

***