"સકન લ્યો સકન.." બહાર શેરીમાં કોઇનો અવાજ સંભળાયો. ઘડિયાળ સામે જોયું તો ઘડિયાળનો કાંટો સવારનાં ચાર વાગ્યાનો સમય બતાવતો હતો. "આ લોકોને નવા વર્ષનાં પ્રભાતે પણ શાંતિ નથી.." નવા વર્ષનાં વિચાર સાથે પથારીમાંથી સફાળો બેઠો થઇ ગયો. બારી ખોલી બહાર જોયું તો કોઇ નહોતું.. કદાચ મને ભણકારા વાગ્યા હશે.. હવે એવી જૂની પધ્ધતિથી નવા વર્ષની પ્રભાત કોણ ઉજવે છે.. હવે તો એ ને.. મસ્ત 9 વાગ્યે નિરાંતે ઊઠીશું.. એમ વિચારી ખુશ થતો રજાઈ ઓઢીને ફરી સૂઈ ગયો.
સવારે 9 વાગતા જ ફોનની ઘંટડી શરૂ થઇ ગઇ.. આખો દિવસ ફોન કોલ્સ, મેસેજ.. ઓહો.. કેટલાં લોકો.. કેટલાં બધાં આશીર્વાદ અને કેટલી બધી શુભેચ્છાઓ.. મજા પડી ગઇ.. ઘણાં બધાં લોકો સાથે તો વર્ષો પછી વાત થઈ. ફેસ બુક ખોલ્યું ત્યાં તો શુભેચ્છાઓનાં ઢગલા હતાં.. "જે લોકો આ નવી ટેકનોલોજીનો વિરોધ કરતાં હોય છે ને એ બધાં ખરેખર વેદિયા હોય છે વેદિયા..! ફોન ના હોત તો આજે આટલાં બધા લોકોનો સંપર્ક થોડો થઇ શકત..!"
આખો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યો.. રાત્રે બેડરૂમ ભણી ગયો તો પત્ની પડખું ભરી સૂતી હતી. મારે તેને નવા વર્ષે ખૂબ પ્રેમ કરવો હતો. પણ તે ખૂબ વ્યસ્ત હતી. બધાંની શુભેચ્છાઓનો જવાબ આપતી હતી. મેં પણ તેને એક હેપી ન્યુ યરનો મેસેજ અને ગુડ નાઈટ કિસ મોકલી આપી.. ખાલી હોઠ ભીનાં ના થયા..
મેં સૂવાની કોશિશ કરી. પણ ઉંઘ ના આવી. નાનપણની દિવાળી યાદ આવી ગઇ. સામે બા બાપુજીનો ફોટો હતો. ગયા વર્ષે જ મળ્યા હતાં હજુ તો... છતાં એમની યાદ આવી ગઇ. નાના હતાં ત્યારે નવા વર્ષે સૌથી પહેલાં એમને પગે લાગતાં. એ લોકો પણ ઓવારણાં લઇને કહેતાં.."જુગ જુગ જીવજે મારા લાલ..!" અને માથા પર વાત્સલ્યનો હાથ ફેરવતા.. આજે સવારે પણ સૌથી પહેલાં બા બાપુજીને ફોન કરેલો.. થેન્ક્સ ટુ મોબાઇલ.. એનાં વગર કઇ રીતે બા બાપુજીનાં આશીર્વાદ મળત આજ નાં દિવસે..! એ જ રીતે આશિર્વાદ આપ્યાં. અનાયાસ હાથ માથા પર ચાલ્યો ગયો. કશુંક ખૂટતું લાગ્યું.
બાજુ વાળા ચંપામાસી...! સૌથી પહેલા એમના જ ઘરે સાલ મુબારક કરવા જતા. એ પણ મીઠાઈનો એક આખો ટુકડો મોં માં ઠુંસી દઈને કહેતા "આટલું તો ખાવું જ પડે હો કે..!" આજે સવારે પણ ચંપામાસીનો મેસેજ આવ્યો હતો. મને ભાવતી મીઠાઈનો ફોટો પણ મોકલેલો. એ પણ મોબાઈલ વિના થોડું શક્ય બને..! જીભ હોઠ પર ફરી વળી. બસ ખાલી મીઠાઇનો સ્વાદ ન આવ્યો.
અને મિત્રો....! એમને તો હાથ મિલાવતા.. ગળે મળતા.. અને વધુ જ પ્રેમ ઉભરાઈ જાય તો વાંસામાં એક ધબ્બો પણ મારી લેતા.. બધા જ મિત્રો હજી એવા ને એવા હો..! આજે દરેક મિત્રએ મને યાદ કર્યો. દરેક મિત્રનાં મેસેજ આવી ગયા. ભલે દૂર હોઇએ પણ પ્રેમ હજુ એવો ને એવો. બધાં મિત્રોએ મેસેજ માં હગ નાં સિમ્બોલ અને સ્માઈલી મોકલ્યાં.. હવે તો નવા સ્ટીકર પણ આવી ગયા છે. એ બધાથી દરેક મિત્રોને ખૂબ ગળે મળ્યો. ખૂબ મજા આવી.. બસ ખાલી.. હાથ અને હૈયામાં મૈત્રીની ઉષ્મા ન અનુભવી શક્યો..
બાકી એકંદરે બધા એ ખૂબ પ્રેમ સંદેશ પાઠવ્યો આજે નવા વર્ષે.. એક જ વસ્તુ ખૂટે છે ફક્ત.. આ ટચ સ્ક્રીનનો મોબાઇલ સ્પર્શની ભાષા ક્યારે સમજતો થશે..!
અને આખરે હું...!
પત્નીની કિસ, બા બાપુજીનું વાત્સલ્ય, મીઠાઈનો સ્વાદ, મિત્રોની ઉષ્મા... આ બધું આ ટચ સ્ક્રીન પર કઈ રીતે 'ટચ' કરી શકાય એ ગુગલ પર શોધવામાં વ્યસ્ત થઈ ગયો....
ડો. આરતી રૂપાણી