આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય જ છે ને.. મારા પિતા નું આંધળું હોવું એ શું એમનો વાંક હતો? એ મોટા હોવા છતાં એમને રાજગાદી ના મળી અને હું પણ ન મેળવી શક્યો.. ધર્મ નાં પાઠો હું પણ જાણું જ છું. પણ મારી સાથે થયેલા અન્યાયો નું શું? બાપ આંધળો, મા એ આંખે પટ્ટી બાંધી લીધી. એમ છતાં મને કે મારાં બંધુઓ ને સહાનુભૂતિ કે પ્રેમ નાં નામે કશું નથી મળ્યું.. જે મળ્યું એ પેલા કુંતી નાં પુત્રો ને.. મારા પિતા ને અન્યાય થયો એ પછી પણ વિદુર એની નીતિશાસ્ત્ર નાં મોટા થોથાઓ ભણાવ્યા કરે છે. અરે.. જ્યેષ્ઠ ભ્રાતા નો જ્યેષ્ઠ પુત્ર હોવાના નાતે પાંડુ પુત્રો એ જ સામે ચાલી ને મને રાજગાદી આપવી જોઈએ.... અને મને રાજગાદી ન મળી તો એ મેળવવા મેં પ્રયત્નો કર્યા તો એમાં ખોટું શું છે.. મારો હક મેળવવા મેં રાજનીતિ રમી અને હવે જ્યારે આખા રાજ્ય પર મારું વર્ચસ્વ છે ત્યારે હવે હું જાતે કરી ને પેલા પાંડુ પુત્રો સાથે સમાધાન નહીં જ કરું. યુદ્ધ તો ક્ષત્રિય ધર્મ જ છે ને હું ક્ષત્રિય નાં ધર્મ થી ચલિત થયા વિના યુદ્ધ જીતી ને જ રાજગાદી જીતવાની વાત કરું છું. તો એમાં ખોટું શું છે..! મારી વાત કોઈ સમજી કેમ નથી શકતું..! એક મામા જ મને સમજે છે.. પિતાશ્રી સમજવા છતાં પેલા વિદુર ની વાત માં આવી જાય છે...
ને આ કેશવ! શું કહેવાનો હશે કાલે! પોતે તો ગોવાળિયો..! પોતે તો રણ છોડી ને ભાગી ગયો હતો.. હું યુદ્ધ ની વાત કરું છું તો એ શાંતિદૂત બની ને આવ્યો છે. ગોવાળિયો પ્રેમ ની જ ભાષા સમજે ને.. એ શું જાણે ક્ષત્રિય ધર્મ... એટલે જ તો મારા છત્રીસ જાતના પકવાન જમાડવાના આમંત્રણ ને ઠુકરાવી ને એ પેલી દાસી નાં ઘરે ગયો છે.. ! પણ એક વાત છે.. બીજા બધા નો હું વિરોધ કરી શકું છું પણ ખબર નહીં કેમ.. આ કેશવ માં એવી તે શી મોહિની છે.. નક્કી કોઈ વશીકરણ ની વિદ્યા જાણતો હોવો જોઈએ એ ગોવાળિયો.. એ બોલે છે ત્યારે એમ થાય છે જાણે સાંભળ્યા જ કરીએ... ગમે એટલી કોશિશ કરવા છતાં એનો વિરોધ કરવાનું મન જ નથી થતું.. જીહવા જાણે સાથ આપવાનું જ બંધ કરી દે છે.. એને જોયા જ કરીએ અને જાણે....
ઓહ.. આ શું થઈ રહ્યું છે તને દુર્યોધન! નહીં.. નહીં હું આ વખતે એ ગોવાળીયાની વાતો માં આવવાનો જ નથી.. એ ગમે એટલી વશીકરણ ની વિદ્યા માં માહિર હશે.. પણ હું એક રાજા છું. ગાયો ચારનાર ગોવાળિયો અચાનક રાજા થઇ ગયો.. પણ હું એને એની કક્ષા યાદ અપાવીશ જ.. એ ગોવાળિયો છે તો એની કક્ષામાં જ વાત કરે...
દુર્યોધન રાત ભર ના સુઈ શક્યો.. કાલે કેશવ શું કહેશે.. અને એ જે કહે ત્યારે પોતે એને શું જવાબ આપશે.. આખી રાત દુર્યોધને પોતાની જાત ને તૈયાર કરવી પડી કે કેશવ ની વશીકરણ વિદ્યા માં પોતે વશ થઇ ને ક્યાંક યુદ્ધ નાં પાઠ ન ભૂલી જાય...!આજે આ રાજશય્યા પણ કંટકો ની શય્યા સમાન લાગતી હતી...
હજારો કોશિશ છતાં કેશવ ની મોહિની માં થી દુર્યોધન છૂટી નહોતો શકતો.. એનું એ શ્યામ મનોહર આકર્ષક રૂપ રહી રહી ને આંખો સામે આવ્યા કરતું હતું.. ગોકુળ ની પેલી ગોપીઓ જેને જોઈ ને શાન ભાન ભૂલી જતી હતી એ કેશવ થી પીછો છોડાવવો એટલો સહેલો પણ ન હતો.. કેશવે દુર્યોધન નાં મન પર પુરેપુરો કબ્જો જમાવી લીધો હતો.. અને એક રીતે જોઈએ તો એ પોતે શું ધર્મ જાણતો ન હતો! દુર્યોધન એનાં મન ને વારંવાર આ જ સવાલ કરતો રહ્યો કે સાચો ધર્મ શું છે.. શું ભણ્યો છું ગુરુકુળ માં! મારી સાથે અન્યાય થયો છે એ સાચું.. પણ પાંડુ પુત્રો સાથે મેં કેટલા કપટો કર્યા છે.. ને એ લોકો પણ કેટલા મૂરખ કે ધર્મ નાં પાલન માટે થઇને પોતાની પત્ની ની લાજ ન બચાવી શક્યા! અને મેં કપટ થી એમને શતરંજ માં હરાવ્યા છતાં એમનાં કહેવાતાં ધર્મ માટે 12 વર્ષ સુધી વનમાં ભટક્યા.. ને આમ જોઈએ તો હવે એ લોકોએ એમનો વનવાસ સફળતા પૂર્વક પૂરો કર્યો છે ત્યારે મારે એમને રાજ્ય નો હિસ્સો આપવો જ જોઈએ.. ને યુદ્ધ થશે તો શું થશે એ શું હું નથી જાણતો? મારી પાસે સૈન્ય બળ વધુ હશે પણ એમની સાથે ધર્મ છે.. હજારો મુસીબતો છતાં ચલિત થયા વિના એ લોકો ધર્મ નાં રસ્તે ચાલ્યા છે.. કર્ણ કદાચ અર્જુન કરતાં વધુ કુશળ હશે ને હું કદાચ ભીમ કરતાં વધુ બળવાન.. અરે..! ભીષ્મ પિતામહ ને આચાર્ય દ્રોણે પણ મારો જ સાથ આપવો પડશે.. એ રીતે જોતાં જીતવાની સંભાવના મારી જ વધી જાય છે..એમ છતાં ધર્મ એ લોકો નાં પક્ષે છે.. અને ઉપનિષદો પણ પોકારી પોકારી ને કહે છે કે સત્યમેવ જયતે... હવે યુદ્ધ થશે તો હું બરાબર સારી રીતે જાણું છું કે કુરુવંશ નો પાયો સુદ્ધા નહીં બચે.. અને સર્વનાશ થઇ જશે.. પણ એમ છતાં હું શું કરું.. હું ધર્મ પણ જાણું છું અને યુદ્ધ નું પરિણામ પણ.. એમ છતાં.. હું શું કરું.. મારી વૃત્તિ જ એ નથી થઇ શકતી કે હું મારા હક નું એ પાંડુ પુત્રો ને આપી દઉં.. ના.. કદાપિ નહીં.. ક્ષત્રિયો ને રાજગાદી શોભે અથવા તો શહીદી.. હાર તો કદાપિ નહીં... હું યુદ્ધ કરીશ અને જીતીશ પણ... હસ્તિનાપુર મારું જ છે ને એમાંથી સોય ની અણી જેટલી પણ જમીન હું પેલા પાંડુપુત્રો ને નહીં જ આપું.
દુર્યોધને મન ને મનાવી ને સુવાની કોશિશ કરી.. પણ આજ ની રાત એને સુવા દે એમ ક્યાં હતી... આજ ની નહીં કદાચ આજ પછી ની એક પણ રાત એ શાંતિ થી હવે સુઈ શકવાનો નોહતો. આ વાત એ પણ સારી રીતે જાણતો જ હતો ને! થોડી અધકચરી ઉંઘ આવી ત્યાં તો ચક્ષુ સમક્ષ બે દુર્યોધન હાજર હતા.. એક એને વારંવાર કહી રહ્યો હતો કે પાંડુપુત્રો ને એક તસુભાર પણ જમીન આપતો નહીં. પણ બીજો થોડો દોઢ ડાહ્યો હતો... વારંવાર એને ધર્મ નાં પાઠ ભણાવી રહ્યો હતો ને કહી રહ્યો હતો કે શરત મુજબ નો વનવાસ અને અજ્ઞાતવાસ પણ પાંડવો પૂરો કરી ચુક્યા છે. બસ કર દુર્યોધન... બહુ અધર્મ આચરી લીધો.. આ અધર્મ તને ક્યારેય સુખ નહીં આપી શકે.. કપટો ને દુરાચારો ની બધી જ હદ તેં વટાવી દીધી છે. મા સમાન ભાભી કે જે રાજ રાણી ને આર્યાવર્ત ની આબરૂ છે એને પણ તેં નથી છોડી. શું ખરેખર તું નથી જાણતો કે ધર્મ શું છે? હજી સમય છે. કેશવ સામે થી શાંતિ નાં દૂત બનીને આવ્યા છે તો એનાં પગે પડી જા.. માફી માંગી લે આજ સુધી કરેલા બધા દુરાચારો ની.. પાંડવો તો ખૂબ ક્ષમાવાન છે.. એક ક્ષણ માં બધું ભુલાવી ને માફ કરી દેશે... આ છેલ્લી તક છે તારા હાથ માં.. બધા જ પાપો ની માફી માંગી લે..
તેલ લેવા ગયો એ ધર્મ કે જે મને સુખ ના આપી શકે.. પાંડવો એ આખી જિંદગી ધર્મનું પાલન કર્યું. શું મળ્યું એમને? વનવાસ... અરે.. પોતાની પત્ની ની આબરૂ પણ ના બચાવી શક્યા! એ ધર્મ શું કામ નો!
ચૂપ કર દુર્યોધન.. ક્યાં સુધી તારા કાળા કામો થી ભાગતો રહીશ! ધર્મ નું પરિણામ સુખ નથી.. શાંતિ છે. આનંદ છે. જે પાંડવો પાસે છે.. તું તો હંમેશા વધુ અને વધુ મેળવવાની જ ધૂન માં છે.. સાચું સુખ મેળવવા માં નહીં પણ ત્યાગ માં છે.. આપણા શાસ્ત્રો પણ કહે જ છે ને त्यक्तेन मा भुञ्जित। ત્યાગી ને ભોગ કર... તારી પાસે ભોગ સુખ નાં બધા સાધનો હોવા છતાં તને એ આદર મળ્યો છે કે જે પાંડવો ને મળે છે...? બધા ધૃણા ની દ્રષ્ટિએ તારા તરફ જુએ છે. એ લોકો એ બધા જ ભોગ સુખ નો ત્યાગ કર્યો છતાં ધર્મ ને નથી છોડ્યો.. અને એટલે જ આજ એ લોકો પાસે કશુ જ ન હોવા છતાં એ લોકો તારા કરતા વધુ સંપત્તિવાન છે ને તું રાજા હોવા છતાં ફકીર....
'હા... હા... હું સ્વીકારું છું... 'દુર્યોધન લગભગ રડી પડ્યો. 'હું સ્વીકારું છું કે ધર્મ મારા પક્ષે નથી. હું જાણું છું ધર્મ શું છે... પણ હું શું કરું... હું ત્યાગ અને ધર્મ નાં રસ્તે નથી ચાલી શકતો.. મને મળતાં આ બધા ભોગ સુખો હું નથી ત્યજી શકતો... સંભવિત શાંતિ ને આનંદ યુક્ત ધર્મ મને અત્યારે સુખ નથી આપી શકતો. ને મારી એ વૃત્તિ જ નથી બનતી કે હું ધર્મ નાં રસ્તે ચાલું. અધર્મ નો રસ્તો મને માફક આવી ગયો છે...એ મારી વૃત્તિ બની ગઈ છે.. અધર્મ માં થી હું નિવૃત્ત નથી થઈ શકતો કે ના તો મારી ધર્મ માં પ્રવૃત્તિ થઇ શકે છે... હું શું કરું.. હે ઈશ્વર! હું શું કરું... આ કેશવ ને બધા ભગવાન કહે છે ને.. હે કેશવ! તું ભગવાન હોય તો તું જ મારાં હૃદય ની અંદર બિરાજમાન છે... તું સારી રીતે મને જાણે છે ને મને ઓળખે છે. તેં જ સમગ્ર માનવો ને બનાવ્યા છે તો દરેક ની વૃત્તિ પણ તો તેં જ બનાવી છે.... મારાં હૃદય માં બિરાજમાન થઈ ને તું જ મારી પાસે જે કરાવે છે એ જ તો હું કરું છું.. હું પાપી નથી. કારણકે મારી અંદર તું બિરાજમાન છે ને તું જે કરાવે છે એ જ બધા કરે છે. તારી ઈચ્છા વિના વૃક્ષ નું પાંદડું પણ નથી ચાલતું.. તો તું જ મને અધર્મ ની પ્રેરણા આપે તો હું શું કરું...?
હે કેશવ... હે હ્રિષીકેશ..!તું જ કે.. હું શું કરું....?
*जानामि धर्मं न च मे प्रवृत्ति: जानामि अधर्मं न च मे निवृत्ति:।
त्वया हृषिकेश हृदि स्थितेन यथा नियुक्त: अस्मि तथा करोमि।।*
મહાભારત નાં દુર્યોધન ની મનોવ્યથા અહીં પુરી થાય છે.. અને આપણી બધા ની અંદર રહેલા દુર્યોધન ની વ્યથા શરૂ થાય છે. આપણામાંનાં બધા જીવન નાં કોઈ ને કોઈ પડાવ પર, વધુ ઓછા પ્રમાણમાં આ દુર્યોધન વૃત્તિ નો આશરો લઈએ જ છીએ. કયારેક કળિયુગ નાં નામે, ક્યારેક કુટુંબ માટે, જીવન નિર્વાહ માટે, એમ અનેક વાર અધર્મ નું આચરણ કરીએ જ છીએ અને જેમ દુર્યોધને એની મનોવ્યથા નું સમાધાન શોધી લીધું એમ આપણે પણ શરણાગતિ નાં ઓળા હેઠળ આપણી ધર્મ પાલન ન કરી શકવાની દુર્બળતા ઓ નો ઢાંક પિછોડો કરવાની કોશિશ કરીએ જ છીએ. શ્રી રામકૃષ્ણ પરમહંસ ને પણ કોઈ જયારે કહેતું કે "બાબા! ધર્મ-અધર્મ અમે શું જાણીએ? અંતે તો ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતુ નથી. તો પુણ્ય કરાવનાર જેમ ઈશ્વર છે એમ પાપ કરાવનાર પણ ઈશ્વર જ તો છે." આ બાબતમાં રામકૃષ્ણ પરમહંસ હંમેશા કહેતાં કે શું ખરેખર જ તમને શ્રદ્ધા છે કે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ ઈશ્વરની ઈચ્છા થી થઇ રહ્યું છે! આ વાતને તમે ખરાં હૃદયથી દરેક વાતમાં સ્વીકારી શકો છો ખરા? જો ખરેખર જ એવું હોય તો તમારે કોઈ જ ભય નથી પણ આપણું કેવું છે ખબર છે? રામકૃષ્ણ પરમહંસ ગાયનું ઉદાહરણ આપીને સમજાવતા એમ જ્યારે કોઈ સારું કામ આપણે કરીએ છીએ ત્યારે તો એ મેં કર્યું હોય છે. પરંતુ કોઈ ખરાબ કામ કરીએ છીએ ત્યારે આ મેં નથી કર્યું પણ એ તો મારી અંદર રહેલ ઈશ્વર જ જે પ્રેરણા આપે છે એ પ્રમાણે હું કરું છું. બસ આ જ દુર્યોધન વૃત્તિ છે એને છોડવાની જરૂર નથી પણ મારા મત મુજબ આને જ વિસ્તૃત બનાવીએ અને ખરેખર દરેક કામને ઈશ્વરની ઈચ્છા મુજબ જ કરીએ. આપણે પણ બધા એ જ કેશવને શરણે જઈએ કે હે કેશવ! અમે પણ દુર્યોધન જેવા છીએ અમે પણ જાણીએ છીએ કે ધર્મ શું છે છતાં એમાં પ્રવૃત્ત થઈ શકતા નથી કે અધર્મ માંથી નિવૃત્ત થઈ શકતા નથી. તો અમે તારે શરણે આવ્યા છીએ. તું જ અમને અમારી આ દુર્યોધન વૃત્તિ માં થી મુક્તિ આપ. કારણકે અંતે તો તું જ બધું કરાવે છે. તો અમને પણ ધર્મ નાં રસ્તા પર ચાલવાની વૃત્તિ આપ. અમે અમારા દોષો સ્વીકારીએ છીએ. અમારી ઉણપ સ્વીકારીએ છીએ. અને અમારાં દોષો સહિત તારા શરણે આવ્યા છીએ. તું જ અમને અમારા હ્રદયની અંદર રહીને અમારી દુર્બળતાઓ નો નાશ કર. જે અમારા માટે અને સૌના માટે યોગ્ય હોય એ જ પ્રેરણા આપ. ધર્મના રસ્તે ચાલી શકીએ તેવી હિંમત આપ.
ડો. આરતી રુપાણી