"ઉંમર થતી જાય છે એમ આંખે ઝાંખપ આવતી જાય છે." નરેન ભાઈથી એક નિ:સાસો નીકળી ગયો.
"લાવો પપ્પા.. હું દોરો પરોવી આપું. તમને ઘણી વાર કહ્યું છે પપ્પા.. આવા કામ શા માટે જાતે કરો છો.. બટન હું ટાંકી આપીશ.." કાજલ કોયલ જેવું ટહુકી.
"અરે ના બેટા! જાતે કામ કરવામાં જે આનંદ છે એ અલગ જ છે.. જયા હતી ત્યારે પણ હું જ કરતો આ બધુ.. હવે આ ઉંમરનાં લીધે.. " નરેન ભાઈથી ફરી એક નિ:સાસો નીકળી ગયો અને અચાનક સામે ફળિયામાં લાગેલા આસોપાલવ પર ધ્યાન ગયુ. એ પણ તો ઘરડો થઈ ગયો છે મારી જેમ.. ઉભા થઇને પાણીની એક ડોલ આસોપાલવને ક્યારે રેડી. હેતથી આસોપાલવનાં ભરાવદાર થડ પર હાથ ફેરવ્યો. પાંચમી વર્ષગાંઠ પર રોપ્યો હતો આને.. એ હિસાબે પોતે આ આસોપાલવથી પાંચેક વર્ષ મોટાં ખરાં..! બહુ જતનથી ઉછેર્યો હતો આને. જીવનની બધી ચડતી પડતીનો એક માત્ર સાક્ષી..!
"પપ્પા.. સાંજે જમવામાં શું બનાવું..?"
"બેટા..જે બનાવ એ.. દાંત તો છે નહીં.. એટલે સ્વાદનો શોખ તો હવે રહ્યો નથી.. ચવાય એટલે ઘણું.. તમને લોકોને જે ભાવે એ બનાવો.." નરેન ભાઈ હસી રહ્યા.. આસોપાલવનું એક પીળું પડી ગયેલું પાન ખરીને નરેન ભાઈનાં માથા પર પડયું.
* * *
"મુકલા... મારી લખોટી મૂક.. કહું છું મૂક લખોટી... નહીં તો...!"
"શું કરીશ તું.. શું કરવાનો... જો .. લખોટી.. મારે જોઈએ છે.. એ તો તને નહીં મળે..
"મુકલા.. આજે તો તારું આવી બન્યુ.." નાના ભાઈએ મોટા ભાઈનું કાંઠલું પકડ્યું..
"તું મને મારીશ..! એટલી છે હિમ્મત તારામાં..! હમણાં એક ઊંધા હાથની મારીશને તો ધૂળ ચાટતો થઇ જઈશ.."
"એય.. શું કરો છો બેય ત્યાં.. વળી બાધવા મંડ્યા.. આપણે જરાક આઘા પાછા થયા નથીને બેય જણા ચાલુ થઇ જાય.. નરીયા.. મુકલાને તો કાંઇ કામ ધંધો છે નહીં.. એને તો ભણવું ય નથ.. તારે નિહાળે નથી જાવું..? ઓલો મનુ જો.. કેવો મજાનો વાંચે છે.. તમે બેય બંધ થાઓ છો કે બોલાવું બાપુજીને?" મોટી બેને ધમકી આપી.
બાપુજીનાં નામથી બેય થરથરી ગયા. નરેન છાનોમાનો યુનિફોર્મ પહેરી, દફતર ખંભે ટીંગાડી ચાલતો થયો.. જતાં જતાં એક ઉડતી નજર આસોપાલવ પર નાંખી. પોતાનાં ખભા સુધી આવી ગયો હતો. ઉતાવળથી તેણે એક લોટો પાણી ભરી ક્યારે રેડ્યું અને ધૂળિયા રસ્તે ખુલ્લા પગે સ્કુલ તરફ દોડ્યો.
* * *
"પપ્પા.. જમવાનું તૈયાર છે." રસોડામાંથી કાજલનો અવાજ આવ્યો. નરેન ભાઈનું ઘડિયાળ તરફ ધ્યાન ગયુ. સાંજનાં સાડા આઠનો સમય થયો હતો. જયાએ આ આદત સારી પાડી હતી. સવારે તો બધા નોકરી કામ ધંધામાં બિઝી હોય તો શક્ય ન પણ બની શકે પણ સાંજે બરાબર સાડા આઠ વાગ્યે કુટુંબનાં તમામ સભ્યો સાથે જ જમતાં. સુખ દુઃખની વાતો અને હસી મજાક કરતાં. જયા દૃઢપણે માનતી કે સાથે બેસીને જમવાથી કુટુંબનાં સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. વિશાલ અને કાજલે પણ આ પરંપરા જાળવી રાખી હતી એનો નરેન ભાઇને આનંદ અને સંતોષ હતો.
નરેન ભાઇ દિવાલનાં ટેકે ઉભા થયા. હજુ સુધી લાકડીની જરૂર પડી નહોતી પણ ગોઠણ હવે દુખતા હતાં અને શરીરનો ભાર પણ વર્તાતો હતો. બીપી અને હૃદયરોગ પણ હતાં.. ડગુ મગુ થતાં પગે ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા.
"તબિયત કેમ છે પપ્પા.." વિશાલ પણ નાઈટ ડ્રેસ ચડાવતો ચડાવતો આવી ગયો.
"તબિયત ફિટ એન્ડ ફાઈન હો.. બસ એકલું એકલું બહુ લાગે છે. કામ વિના આખો દિવસ બેસવું ગમતું નથી. આંખે પણ ઝાંખપ આવતી જાય છે તો બુક્સ પણ કેટલીક વાંચવી.."
"અરે પપ્પા.. આખી જીંદગી કામ જ તો કર્યું છે. હવે તમને આરામ મળ્યો છે તો કામ કરવું પણ શા માટે..! તમારે કંઇ પણ ચીજની જરૂર હોય તો અમને કહી દેવું." કાજલે સલાડ પીરસતા પીરસતા કહ્યુ. વહુ પણ બહુ સંસ્કારી મળી હતી એનો સંતોષ નરેન ભાઇનાં મોઢા પર છવાઈ ગયો.
* * *
"નરેન.. આસોપાલવનું તોરણ તો બનાવી લેજે. પ્રસંગ ટાણે બારસાખે લટકતું જોહે ને.. ઘરમાં આનંદ ઉત્સવનો પ્રસંગ હતો. બન્ને મોટી બહેનો સાસરેથી આવી ગઇ હતી. નરેન અને મનુ પણ ખુશ હતા.. ઘરમાં ભાભી જો આવતી હતી..! હરખ મા'તો નહોતો. સવિ તો હજી ચાર વર્ષની માંડ હતી એ તો શું સમજે..! બાપુજી તો પ્રસંગમાં પણ ચોપડામાં માથુ ઘાલીને બેઠા હોય. તેની તો નિસ્તેજ આંખો જ બધા ઉત્સાહ પર પાણી ફેરવી નાંખવા માટે પૂરતી હતી. ક્યારેય કંઈ બોલે ચાલે નહીં તો ય સામેનું માણસ થરથરી જાય.
નરેન બા પાસે દોડ્યો. બા પોતાની ધૂનમાં એકલા એકલા બોલી રહ્યા હતા. "ઓલી નબી છે ને... ઈ મને ઓ દા'ડે લઈ ગઈ તી દરિયા પાહે.. મને તો હારી બવ બીક લાગે દરિયાથી.. મને ધરારથી કયે પગ બોળ."
"બા કોની હાયરે વાતુ કરો છો?"
"આ હામે બયણિયુ પયડી છે ને એની હાયરે..! જો રામ ભગવાન આયવા... પગે લાયગ.." એમ કહીને બા એ અભેરાઇ તરફ દંડવત પ્રણામ કર્યા. "આપણી જીવી નાની હતી ને ત્યારે રામ ભગવાને એને બચાયવી'તી. ઈવડી ઈ લીંબુનું બી ખાઈ ગઈ'તી ને એનાં ગળામાં અટવાઈ ગયુ'તું. હું તો કેવી બી ગઈ'તી. કેમેય કરીને ના નીકળે. મેં તો કેટલી જાપટુ માયરી..! ગળુ દબાવવા જાતી'તી તો તારા બાપુજી મને એવા ખીજાણા..મેં તો કયુ.. હું તો બી કાઢું છું તો મંયડા મને મારવા.."
" બા... બા... તમને કહું છું. સાંભળો ને..!મુકેશભાઈનાં લગન થાય છે. તમારા દીકરાનાં લગન છે. ઘરમાં ભાભી આવશે..પછી આપણે બધાને સારું સારું ખાવા મળશે.." નરેને હરખની વહેંચણી કરવાની કોશિશ કરી.
" હું હાચું જ કહું છું.. મને હાચે જ તારા બાપુજીએ માયરી'તી. એ.. હું ખોટું બોલતી હોઉં ને તો મારી જીભ કપાઈ જાય. જીવી મરી જાય.. લીલીનાં સાસુ ફાટી પડે.. તું અહીંયા ઉભો ઉભો ચિરાય જાય.." બા જોર જોરથી રાડો નાખવા મંડ્યા અને છાતી પીટવા મંડ્યા.. કપડાં પણ ફાડવા જતા હતાં ત્યાં બાપુજી દોડતા દોડતા આવ્યા. નરેન સામે ફક્ત એકવાર જોયું. નરેન ઉભી પૂંછડીએ ભાગ્યો..
"બાંધી દો આ રાં... ને સાંકળથી.. પોતે તો હખેથી નહીં જીવે, કોઈને પણ જીવવા નહીં દયે. તારા દીકરાનાં લગનમાં તો શુભ શુભ બોલ.. જ્યારે હોય ત્યારે મરવા મારવાની વાતો લઇને બેઠી હોય છે.. " લીલા અને જીવી પણ દોડતી દોડતી આવી. બાપુજીએ બાને ઢસડીને સાંકળથી બાંધી દીધા. નરેન દૂરથી ઝળઝળી આંખે પોતાની ગાંડી બા સામે જોઇ રહ્યો. પાછું વળીને ફળિયામાં જોયું તો બહારથી એક બકરી આસોપાલવનાં પાન ખેંચીને ચાવી રહી હતી. આસોપાલવ ચૂપચાપ ઉભુ હતું. નરેન દોડ્યો. બકરીને ભગાડી અને હેત થી આસોપાલવનાં થડ પર હાથ ફેરવ્યો. થોડાં પાન કાળજીપૂર્વક કાપ્યા અને તોરણ બનાવવા બેસી ગયો.
* * *
"કેટલી ધૂળ જામી ગઈ છે આ ફોટા પર..!" નરેન ભાઈ જાતે જ રસોડામાંથી કપડું લાવીને જયાનાં ફોટાને સાફ કરવા લાગ્યા અને સાથે સાથે ભૂતકાળનાં કાચ પર લાગેલી ધૂળ પણ સાફ થવા લાગી. પુણ્યતિથિ હતી આજે જયાની.. પાંચ પાંચ વર્ષના વહાણા વહી ગયા હતા જયાને આ દુનિયામાંથી વિદાય લીધાને... કેટલી ભોળી! કેટલી શાલીન! કોલેજમાં ક્યારેય અવાજ પણ નહોતો સાંભળ્યો. ક્યારેક અલપ ઝલપ ઝલક જોઈ લેતો. એ સમયે પ્રેમની પરિભાષા સમજવા જેટલી પરિપક્વતા તો નહોતી પણ એનાં શાળપણ, શાલીનતા, મૌન અને આંખોનું ઊંડાણ દિલને સ્પર્શી ગયું હતું. એ વખતનાં રૂઢિચુસ્ત જમાનામાં પ્રેમલગ્ન એ જવલ્લેજ બનતી ઘટના હતી. આજની જેટલી સ્વતંત્રતા નહોતી. છોકરાં છોકરીએ એકબીજા સાથે વાતો કરવી હોય તો પણ ઘણો વિચાર કરવો પડતો. ફક્ત એક જ વાર જરૂરી નોટ્સ લેવા માટે જયા મારી પાસે આવી હતી. નીચું જોઈને ફક્ત એટલી વિનંતી કરી કે એને નોટ્સ જોઈએ છે. મેં વગર વિલંબે આપી હતી. એ આપતી વખતે એનાં હાથનો ભૂલથી અછડતો સ્પર્શ થઈ ગયેલો. સમગ્ર શરીરમાં ક્યારેય ન અનુભવેલી ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી..!
નોટ્સ પરત મળી ત્યારે એમાંથી ખરી પડેલી ચોળાયેલી ચિઠ્ઠીમાં કોઇ પરફ્યુમ છાંટ્યું નહોતું છતાં આજે પણ એની ખુશ્બુ અને એનાં શબ્દોની યાદ અકબંધ છે.. પ્રેમનો સ્વીકાર અને આ પ્રેમને લગ્નનું રૂપકડુ નામ આપવાનો અનુરોધ.. ! સંઘર્ષો અને સમાજનાં વિરોધ સામે લડવાની તૈયારી..! અરે.. નરેન શું... કોઇ પણ પુરુષ પલળી જાય.. નરેનને પણ મનોમન જયા ગમતી જ હતી ને.. પરંતુ જયા એક સુખી, સમૃદ્ધ, સંસ્કારી અને આધુનિક વિચારસરણી વાળા કુટુંબમાંથી આવતી હતી. નરેનનું કૌટુંબિક વાતાવરણ અને આર્થિક પરિસ્થિતિ..! નરેન ચૂપ જ રહ્યો અને આ ચુપકીદી કોલેજનાં છેલ્લા વર્ષ સુધી ચાલી.
છેલ્લા વર્ષમાં એક વાર હિમ્મત એકઠી કરીને એણે જયાને બધી હકીકત જણાવી.. જયાનાં ચહેરાની એક પણ રેખા ના ફરકી.. એણે ફક્ત એટલું જ કહ્યું કે .. તમારી દરેક પરિસ્થિતિ અને સંઘર્ષોમાં હું તમારી સાથે છું. તમે મારા પર વિશ્વાસ મૂકી શકશો?" હવે નરેન માટે વિરોધનું કોઇ કારણ નહોતું..
"પપ્પા.. પાણી ગરમ થઇ ગયુ છે. નાહી લેજો.. બ્રાહ્મણ પણ આવી ગયા છે. મમ્મી માટે આજે પાઠ રાખ્યા છે ને..!" કાજલનાં અવાજથી નરેન ભાઇને કોઇએ સોહામણા સપનામાંથી જગાડયા હોય તેવું લાગ્યું. તેમણે એક બગાસા સાથે ભૂતકાળને પણ મનમાંથી ઝાટકી નાખ્યો અને ઉભા થયા.
* * *
એસ. એસ. સી.ની પરીક્ષા માથા પર હતી. નરેન ટેન્શનમાં હતો. વીજળીની સગવડ તો ઘરમાં નહોતી એટલે રાત્રે તો ફરજીયાતપણે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને જ વાંચવું પડતું. ઘણી વાર સ્ટ્રીટ લાઈટનાં પણ ધાંધિયા રહેતાં એટલે ફાનસ લઇને રાતભર નરેન વાંચતો. તેમાંય કેરોસીન બળે તો ભાભીનાં મોઢાં ચડી જતાં. સવારે તો ઘરમાં વાંચવું શકય જ નહોતું. ગાંડી બાનું આખો દિવસ એકલા એકલા બોલવું, બાપુજીનું મીંઢાપણું, કર્કશ ભાભીની કચકચ અને ગાળો, ભાઈ ભાભીનાં ઝઘડાનાં અવાજો.. આ બધુ સતત ચાલુ રહેતું.
ઘણાં અરમાનથી ભાભીને આ ઘરમાં લઇ આવ્યા હતાં. ઘણાં વખતથી કોઇ પણ સ્ત્રી વગરનું ઘર સૂનું હતું. બા તો ગાંડા હતાં. બન્ને મોટી બહેનો પરણીને સાસરે ચાલી ગઇ હતી. નાની બહેન તો હજી ઘોડિયામાં રમે એવડી હતી. ઘર ને ઘર તરીકે ટકાવી રાખવા માટે એક સ્ત્રીની ખૂબ જરૂર હતી. બાપુજી અને મોટાં ભાઇનાં હાથનું કાચું પાકું ખાઇ ખાઇને ઉબકી જવાયું હતું. એટલે મોટાં ભાઈ માટે છોકરીની શોધ ચલાવી. પરંતુ ભાઈ ખાસ ભણ્યો પણ નહોતો તો નોકરી તો ક્યાંથી હોય..! બાપુજીની સાથે મિલમાં મજૂરી કરી લેતો અને થોડાં છૂટક કામો કરી થોડાં પૈસા કમાઈ લેતો. આવા ઘરમાં છોકરી આપે પણ કોણ? આખરે અનાથાશ્રમમાં ઉછરેલી એક છોકરી મળી ગઇ. ખૂબ આશા બંધાઈ હતી એ છોકરી પર. નરેન અને મનુ તો એથી જ ખુશ હતાં કે ઘર માં ભાભી આવશે અને હવે સારું સારું ખાવા મળશે. પણ બધી આશાઓ ઠગારી નીવડી. થોડાં દિવસ તો બધું સારું ચાલ્યું. પણ ધીરે ધીરે ભાભીને પોતાનું વર્ચસ્વ સમજાવા લાગ્યું. પોતાનાં વિના આ ઘર ચાલશે નહીં એટલું સમજાઈ જતાં ધીરે ધીરે એમનું પોત પ્રકાશ્યુ. ચાડીઓ અને કાન ભંભેરણી દ્વારા એમણે બાપુજીને પોતાનાં હાથમાં કરી લીધા. પછી તો આખું ઘર એમની મુઠ્ઠીમાં હતું. ભાભીને પૂછ્યા વિના ઘરમાં કોઈ વસ્તુ ના આવતી. ઘરનું કામ તો બધુ કરતાં પણ સાથે બેફામ ગાળોનો વરસાદ પણ વરસાવતા.
ઘરનાં વાતાવરણે નરેનને તોફાની બાળકમાંથી પુખ્ત વ્યક્તિ બનાવી દીધો હતો. ઘરમાં બોલવા ચાલવાનું એણે બિલ્કુલ ઓછું કરી નાખ્યું હતું. જરૂર પૂરતું જ બોલતો. મિત્રો પણ ખૂબ ઓછા હતાં. છૂટક કામો દ્વારા પોતાનો ભણવાનો ખર્ચ પણ જાતે કાઢી લેતો. એસ. એસ. સી. પછી બહાર મોટાં શહેરમાં ભણવા જવાનો વિચાર હતો. જેમ બને એમ જલ્દી આ કુટુંબની પરિસ્થિતિ અને વાતાવરણથી છૂટવું હતું અને પગ ભર થવું હતું. એટલે એસ. એસ. સી. ની પરીક્ષા બહુ મહત્વની હતી એનાં માટે..
અચાનક એક જોરદાર વંટોળ સાથે પવન ફૂંકાયો. બહારની સ્ટ્રીટ લાઈટ પણ જતી રહી. ફાનસમાં પણ કેરોસીન ખાલી થઇ ગયું હતું. ઘોર અંધારું હતું. તેણે ફટાફટ બારી બારણાં બંધ કરી દીધા. સવારે જ સેલ વાળા રેડિયો પરથી વાવાઝોડાની આગાહી સાંભળેલી એ કદાચ સાચી પડશે એવું લાગતું હતું. પવનનાં સુસવાટા વધતાં જતાં હતાં. નાના નાના ઝાડ આજે પવન સામે બાથ ભીડી શકશે કે કેમ એની શંકા હતી. નરેનને આસોપાલવ યાદ આવ્યો. એને ચિંતા થવા લાગી. આમ તો હવે એ થોડું મોટું થઇ ગયું હતું પણ આ પવન સામે ટકી શકશે કે કેમ એ શંકા હતી. ટોર્ચ લઇ બારી થોડી ખોલી જોયું તો આસોપાલવ ઓસરી સુધી ડોલતો હતો. એ એક માત્ર મિત્ર હતો એનો. એનાં બધા સુખ દુઃખનો સાથી. ઘરમાં બહુ ઓછું બોલતો પણ એકલો એકલો ક્યારેક આસોપાલવ પાસે જઇ ક્યાંય સુધી એની સાથે વાતો કરતો અને આસોપાલવ પણ જાણે એને સમજતો હોય એમ પાંદડાઓ લહેરાવી જવાબ આપતો. આજ એ પડી જશે તો..! પવનનાં સુસવાટાની સાથે એને આસોપાલવની ચિંતાએ સૂવા ના દીધો.
સવાર પડ્યે પવનનાં સુસવાટાઓ ઓછાં થવા લાગ્યા. વાતાવરણમાં ફરી શાંતિ પ્રસરી ગઇ. માણસોનો કોલાહલ શરૂ થઇ ગયો હતો. પક્ષીઓ પણ મોટી આફત ટળી હોય એમ સવાર પડ્યાની છડી પોકારતાં કલ બલ કરવા લાગ્યા.
નરેન આળસ મરડતો પથારીમાંથી ઉભો થવા જતો હતો ત્યાં ભાભીનો અવાજ સંભળાયો.." હાય..!હાય..! એ...ય..! આની કોર આવો તો... આમ જુવો તો ખરા... અહીંયા તો મુઆ બધાએ જાડવા પડી ગયા છ... હાય રે... આટઆટલું રોજ પાણી પાતા'તા તોય હારા આટલો પવન ના ખમી હયકા. આખું ફળિયું બગાડી નાયખુ. હવે આટલું હું વાળી લઇસ ને.. તો સાંજ પડી જાસે.. સાંભળી લેજો...હું આજ રસોઈ બનાવવાની નથ.. તમારે હંધાયને બાર જમવું હોય તો જમી લેજો. ઘરના બધાય ઢહરડા મારે એકલીએ કયરે રાખવાના.. ભાઈઓ કોઈ કમાતા છે નહીં ને બધું અમારા બે જણ માથે નાખી દેવાનું.. સાસુ તો મુઇ ગાંડી જ સે.. ઉપરથી આ ઉંમરે દીકરી ય જાણે મારા હાટુ જયણી'તી તી આ સવલીને ય મારે હાચવવાની... જાણે બીજાના ઢહરડા કરવા જ આની હાયરે લગન કયરા'તા... હવે આંખો ફાડીને જોયા સું કરો છો..? આ ફળિયુ કોણ સાફ કરવા આવસે? તમારો બાપ? હેંડો કરવા લાગો..." આજ્ઞાંકિત પતિએ પત્નીનું કહ્યું માથે ઉપાડ્યું.
નરેન માટે ભાભીનાં આ મહેણાં ટોણાં રોજની કેસેટ થઈ ગઈ હતી. સવાર પણ તેનાંથી પડતી અને રાતની ઉંઘ પણ તેમાં જ થતી.. તેમાંય જમતી વખતે તો રોજનો નિયમ હોય તેમ ભોજનનો પહેલો કોળિયો મોઢામાં ગયો નથી અને ભાભીનું ઝઘડવાનું શરૂ થયું નથી.. મુકેશભાઈને તો ટેવ પડી ગઈ હતી.. એ તો આસાનીથી જમી લેતાં.. થાળી છોડીને ઊભા થવાનો વારો રોજ નરેનનો જ આવતો. શરૂ-શરૂમાં આ મહેણાં ટોણાં ખૂબ ખૂંચતા. ઘરેથી ભાગી જવાનું મન થતું. પણ હવે રોજનું થયું હતું. એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાંખવાની ટેવ પાડી દીધી હતી.. બસ હવે તો થોડો જ સમય... પછી તો હું અહીંથી દૂર ક્યાંક ભણવા ચાલી જઈશ અને પગભર થઇ, કંઈક બની, બધાને દેખાડી દઈશ..
પરંતુ આજે ભાભીનાં આ મહેણાં ટોણાં કરતા પણ ઝાડવા પડી જવાનાં તેનાં વાક્ય એ નરેનને પથારીમાંથી સફાળો ઉભો કરી દીધો.. તે જલ્દીથી ફળિયા તરફ દોડ્યો અને હાંફળા ફાંફળા થતાં જોયું તો આખું ફળિયું આસોપાલવનાં પાનથી ભરાઈ ગયું હતું.. પણ હાશ...! આસોપાલવ હેમખેમ હતો.. જેવો હતો તેવો જ અડીખમ..! કહે છે કે આસોપાલવનાં મૂળિયા બહુ ઊંડા હોય છે.. તેને કોઈ હલાવી ના શકે.. તેણે એક ગૌરવભરી નજરે પોતાનાં જ કોઈ સ્વજન તરફ જોતો હોય તેમ આસોપાલવ ભણી જોયું. નજરોમાંથી જાણે શાબાશીના સૂર રેલાઈ રહ્યા હતા.. તેને સમજાયું નહીં કે તે આસોપાલવને પ્રેરણા આપી રહ્યો હતો કે આસોપાલવ તેને...!
* * *
"ના..! ના..! પપ્પાને એ વાત કરતાં મારી જીભ ન ઉપડે હો.. તમે જ વાત કરો ને..!" કાજલ અને વિશાલ વચ્ચે ઘરનાં રિનોવેશન માટે પપ્પાની મંજૂરી લેવાની વાત થઇ રહી હતી.
"જો કાજલ.. તું પપ્પાની લાડકી વહુ છે. પપ્પા ક્યારેય તને ના નહીં પાડે." વિશાલની વાત પણ સાચી હતી. કાજલ જ નહીં પણ વિશાલને પણ કોઈ વાત માટે નરેન ભાઇએ ક્યારેય ના પાડી જ નહોતી. વિશાલનાં લગ્ન થયા ત્યારે જ જયાએ નરેન ભાઈને કહ્યુ હતું કે "જુઓ..હવે આપણાં જીવનનો એક તબક્કો પૂરો થયો. ગૃહસ્થાશ્રમમાંથી આપણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. દીકરીને પણ સાસરે વળાવી દીધી અને દીકરાને પણ પરણાવી દીધો. આપણી સાંસારિક જવાબદારીઓ અહીં પૂરી થાય છે. હવે ઘરની કોઈ બાબતમાં આપણે માથું મારવાનું નથી. હવે તો આપણે બન્ને એ.. ને.. એક બીજા સાથે સમય વિતાવીશું, હરશું ફરશું અને ભજન કરીશું.. " અને જયાની આ જ સમજથી વિશાલ અને કાજલનો ઘર સંસાર સુખપૂર્વક ચાલી રહ્યો હતો. બીજા ઘરમાં થતાં સાસુ વહુનાં ઝઘડાઓનો અહીં અભાવ હતો.
લગ્નનાં પાંચેક વર્ષ પછી વિશાલને ત્યાં મહેકનો જન્મ થયો.. પછી તો ઘરની બાબતમાં માથું મારવાનું બિલ્કુલ ઓછું કરી નાખ્યું હતું. ગયા વર્ષે મહેક પણ પરણીને સાસરે જતી રહી હતી. પણ એમ છતાં ભગવાને દીકરો વહુ એવા સંસ્કારી આપ્યા હતાં કે હજુ સુધી નરેન ભાઈને પૂછ્યા વિના કોઈ મોટો નિર્ણય ના લેતાં.
આખરે કાજલે જ હિંમત કરી નરેન ભાઈ પાસે વાત કાઢી. "પપ્પા.. હું જાણું છું આ ઘર સાથે તમારે ઘણી લાગણીઓ બંધાયેલી છે.. ઘણી બધી યાદો આ ઘર સાથે જોડાયેલી હોય એ સ્વાભાવિક છે. મમ્મીનાં ગયા બાદ તો આ બધી યાદો જ જીવનનો સહારો બની જતી હોય છે પણ તમારી લાગણી ના દુભાય તો એટલું પૂછવું હતું કે આ મકાન બહુ જુનવાણી લાગે છે તો..."
"મકાન વેચીને નવું લેવાની વાત છે દીકરા..?"
"ના પપ્પા.. હું જાણું છું આ મકાન સાથે તમારી લાગણીઓ જોડાયેલી છે.. ભલે આપણે આ મકાન વેંચીએ નહીં.. પણ વિશાલનાં સાહેબ અને મિત્રો પણ ઘરે આવતાં હોય છે. મહેકનાં પણ સાસરા વાળા આવે છે તો આપણે આ મકાનને એકડે એકથી રિનોવેશન કરાવી શકીએ..?"
નરેન ભાઈને એક ધ્રાસકો તો પડ્યો.. પણ તરત મન મનાવી લીધું. જીવનનાં આખરી પડાવમાં ઘર સાથે શું માયા બાંધવાની.. "ભલે બેટા.. પૈસાની કંઇ ખેંચ પડે તો વિના સંકોચ કહેજો.. મારા પી.એફ. માં પડ્યા છે એ ક્યારે કામ લાગશે.."
"ના ના પપ્પા.. પૈસાની બધી વ્યવસ્થા વિશાલે કરી રાખી છે.. થેન્ક યુ વેરી મચ પપ્પા.." કાજલનાં ચહેરા પરની ખુશી જોઇ નરેન ભાઈને પણ સંતોષ થયો.. વેદનાનો એક સણકો હૃદયમાં ઉઠ્યો અને શમી ગયો.
* * *
"પ્રણામ બા બાપુજી..! પ્રણામ ભાઈ ભાભી.. આશીર્વાદ આપો.." નરેન અને જયાએ બા બાપુજી અને ભાઇ ભાભીને પગે લાગતી વખતે કહ્યું.
"આ જયા છે.. મારી પત્ની.. અમે બન્ને શહેરમાં સાથે ભણતા હતાં અને હવે અમે કોર્ટ મેરેજ કરી લીધા છે. મને અહીં, આપણાં જ શહેરમાં બેન્કમાં નોકરી પણ મળી ગઇ છે એટલે હવે ફરી બધાં સાથે રહેવાનો અવસર મળશે." ઘરમાં સન્નાટો છવાઇ ગયો. ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ થઇ ગઇ. નરેન આખો બદલાઇ ગયો હતો. એની વેશ ભૂષા, બોલ ચાલ બધું બદલાયેલ હતું. ત્રણ વર્ષ પછી અચાનક જ આવીને નરેને ધડાકો કર્યો. આવો જ ધડાકો ત્રણ વર્ષ પહેલાં પણ કરેલો. એસ.એસ.સી.નાં રિઝલ્ટ પછી અચાનક ગાયબ થઇ ગયો. તેનાં પલંગ પરથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે તે નજીકનાં મોટાં શહેરમાં ત્રણ વર્ષ માટે ભણવા જાય છે. પૈસાની વ્યવસ્થા તેણે કરી રાખી છે. ત્રણ વર્ષ બાદ આ જ ઘરમાં ફરી મળશે. આ ત્રણ વર્ષ દરમ્યાન ના તો તેણે કોઈ સંપર્ક કર્યો કે ના તો ઘરનાં કોઇએ એનો સંપર્ક કર્યો.. એ પછી ત્રણ વર્ષ બાદ આજે અચાનક આ ધડાકો.. બધા ચૂપ હતાં. શું બોલવું એ કોઈ ને સમજાતું નહોતું.
નરેનની નજર બાપુજી પર પડી. તે જમીન પર ફસડાઈ પડ્યા હતાં.. નરેન સહિત બધાં બાપુજીને પકડવા દોડ્યા. એમ્બ્યુલન્સ, હૉસ્પિટલ્સ અને ડોક્ટર્સની દોડ ધામમાં નરેન સાથે એનાં લગ્ન વિષયક કોઇએ ચર્ચા ના કરી. બાપુજીને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. અડધું અંગ ખોટું પડી ગયું હતું.
લગ્ન બાદ તરત આ ઘટના ઘટી એટલે નરેન અને જયાનાં ભાગ્યમાં હનિમૂનનાં બદલે હોસ્પિટલ આવી. થોડાં સમયની અંદર જ જયાને ઘરનાં વાતાવરણ વિશે ખબર પડવા લાગી. એ આધુનિક વિચારસરણી વાળા પરિવારમાંથી એક રૂઢિચુસ્ત પરિવારમાં આવી ગઇ હતી. જયાં લકવાગ્રસ્ત સસરા, ગાંડી સાસુ, કર્કશ જેઠાણી અને સાસરેથી વારંવાર રોકાવા આવતી ચુગલીખોર નણંદો હતી. આખો દિવસ કામનો ઢસરડો હતો. પતિ સાથે જાહેરમાં હસવા બોલવાની કે બહાર ફરવા જવાની પણ મનાઈ હતી. લાજનો મોટો ઘુમટો તાણીને ફરવાનું હતું. અને જેઠાણીનાં મહેણાં ટોણાં, ગાળો, ઝઘડા અને અનેક કુટિલતાઓનો પણ સામનો કરવાનો હતો. જયાએ આ બધુ જ કોઇ પણ જાતની ફરિયાદ વિના ચૂપચાપ સહન કર્યું.
થોડાં વર્ષો આ જ રીતે જીંદગીનું ગાડું ગબડ્યુ. બાપુજીનાં સ્વર્ગ વાસ પછી ભાઈ ભાભીનાં ઝઘડાઓ વધતાં નાછૂટકે અલગ થવું પડયું. મિલ્કતની વ્હેંચણી થઇ. જેમાં બાપ દાદાનું આ મકાન નરેનનાં ભાગે આવ્યું. અન્ય મિલ્કતની બીજા બે ભાઇઓ વચ્ચે વ્હેંચણી થઇ. અને અહીં સંઘર્ષનો એક તબક્કો પૂરો થયો.
બીજા તબક્કામાં નબળી આર્થિક પરિસ્થિતિની વચ્ચે પણ બાળકોમાં મૂલ્ય લક્ષી શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાનું હતું. બાળકોને પગ ભર બનાવવાનાં હતાં જે પણ નરેનભાઈ અને જયાબેને સારી રીતે કર્યું..
નિરાંતની આવી એક પળોમાં નરેન ભાઈ ઓસરીમાં હીંચકા પર બેઠા હતાં. બન્ને બાળકો ફળિયામાં રમી રહ્યાં હતાં. જયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. આ સુખી પરિવારને જોઇને નરેન ભાઇની આંખોમાં ટાઢક થઇ ગઇ.. ફળિયામાંનાં આસોપાલવ પર ધ્યાન ગયું. હવે એ બરાબર ફૂલ્યુ ફાલ્યું હતું અને મજબૂત બની ગયું હતું. ઘરની શોભા વધારી રહ્યું હતું.
* * *
મકાનનાં રિનોવેશનનું કામ સારી રીતે ચાલી રહ્યું હતું. ધર મૂળથી ફેરફાર થઇ રહ્યો હતો. પોતાની નજર સામે જોયું ના હોય તો બન્ને મકાન એક જ છે એ માનવા કોઇ તૈયાર ના થાય. પરાશર ભાઈ નામનાં એક શહેરનાં જાણીતાં આર્કિટેકને કામ સોંપ્યું હતું. કામ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું હતું. કાજલ અને વિશાલ ખૂબ ખુશ હતાં. નરેન ભાઇએ પણ આ પરિવર્તનને મનોમન સ્વીકારી લીધું હતું.
"બગીચો બનાવવો હોય તો આ આસોપાલવને કાપવો પડશે." પરાશર ભાઈ વિશાલને કહી રહ્યાં હતાં એ નરેન ભાઇએ સાંભળ્યું.
"કાપી નાખો. આમ પણ હવે એ ઘરડો થયો છે. આખો દિવસ પીળા પાંદડા ખર્યા કરે છે." વિશાલે પણ પરમિશન આપી દીધી. નરેન ભાઇને આઘાત લાગ્યો.. આસોપાલવ ઘરડો થઇ ગયો? એ કપાશે..? એનાં સુખ દુઃખનો સાથી આસોપાલવ..! એનો પ્રેરણા સ્ત્રોત આસોપાલવ..! નરેન ભાઈ આખો દિવસ ગુમસુમ રહ્યાં. કાજલ અને વિશાલને સમજાયું નહીં કે પપ્પાને આજે શું થયું છે..
બીજા દિવસે સવારે જ જાદવ ભાઇ નામનાં એક મજૂર આવી ગયા હતાં.. બધા આસોપાલવને ઘેરો વળીને ઉભા હતાં. એક નરેન ભાઇ જ દૂર ઓસરીમાં એકલાં અટુલાં બેઠા બેઠા બધો તમાશો જોઇ રહ્યાં હતાં.
"બહુ મજબૂત થડ લાગે છે. બહુ જૂનો હોવો જોઈએ.. મૂળથી કાપવામાં તો તકલીફ પડશે. પૈસા પણ એ પ્રમાણે લઈશ..." જાદવ ભાઇ આસોપાલવને મૂળથી કાપવાની 'કિંમત' લગાવી રહ્યા હતાં..
થોડી વાર બાદ કરવતની ધાર આસોપાલવ પર ફરવા લાગી. નરેન ભાઈને સમજાતું નહોતું કે આ ધાર આસોપાલવનાં થડ પર ફરી રહી છે કે એમનાં હૃદય પર.. એમને રહી રહીને એટલાં જ પડઘા સંભળાતા હતાં કે "આસોપાલવ હવે ઘરડો થયો છે. કચરો કરે છે. કાપી નાખો." ઘરડો જ સ્તો.. જીંદગી આખી આટલાં વાવાઝોડામાં અડીખમ ઉભો.. કેટલી પ્રેરણા આપતો રહ્યો.. વડીલ સમાન આશીર્વાદ વરસાવતો રહ્યો. પણ હવે ઘરડો થયો છે અને નવો બગીચો બનાવવામાં નડતર રૂપ છે...
"મૂળિયા પણ બહુ ઊંડા ચાલ્યા ગયા છે. સારું થયું તમે આને કાપવાનો નિર્ણય લીધો. નહીં તો ઘરને પણ નુકસાન પહોંચાડી શકે.." જાદવ ભાઇ વિશાલને કહી રહ્યાં હતાં..
જેમ જેમ કરવતની ધાર ફરતી હતી એમ નરેન ભાઈનો શ્વાસ રુંધાવા લાગ્યો. આખા શરીરનું લોહી જાણે આંખોમાં આવી ગયું હતું. હ્રદયમાં તો અનેક વીંછીઓ એક સામટા દંશ દઇ રહ્યાં હતાં. બધું ચક્કર ચક્કર ફરી રહ્યું હતું. નરેન ભાઈને રહી રહીને એટલું જ સંભળાઈ રહ્યું હતું કે "સારું થયું કાપવાનો નિર્ણય લીધો.. નહીં તો ઘરને પણ નુકસાન પહોંચાડી શકે.." બરાબર જ તો હતું. વધારે ઊંડા મૂળિયા પણ સારાં નહીં.. વધુ ઊંડા મૂળિયાં થાય એ પહેલાં એને કાપવો જ જોઈએ.. અને આ જ કુદરતનો નિયમ છે. આ જ પ્રકૃતિ છે.. નરેન ભાઈને પરસેવો વળતો જતો હતો અને હૃદયનો દુઃખાવો વધવા લાગ્યો. ચીસ પાડવા ગયા પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો. કોઈ સ્વજન એનું ગળું દબાવી રહ્યું હોય એવું લાગતું હતું.
" બસ.. હવે થોડોક જ બાકી છે. આજે તો કોઇ પણ હિસાબે એને કાપીને જ રહીશ.. હમણાં જ એને જમીન દોસ્ત કરી દઈશ." જાદવ ભાઇનાં અવાજ સાથે નરેન ભાઇનાં હૃદય પરની ભીંસ પણ વધવા લાગી. "ઓહ.. હવે સહન નથી થતું. હમણાં જ પડી જઇશ." નરેન ભાઈનાં શરીરમાંથી બધી તાકાત જાણે છીનવાઈ રહી હતી.
એક મોટો અવાજ... અને સાથે સાથે વિશાલ જાદવ ભાઈને શાબાશી આપી રહ્યો હતો.."વાહ.. વાહ..જાદવ ભાઇ..! કહેવું પડે હો..! લાગતું નહોતું કે આ આજ પડશે પણ તમે તો એને જમીનદોસ્ત કરી જ દીધો.. વાહ... ! આ કામની કિંમત તો ખરેખર તમને આપવી જ પડે..."
"પપ્પા ક્યાં ગયા.. એને તો આ ખુશ ખબર આપ કાજલ.." વિશાલ ખુશીથી કાજલને કહી રહ્યો હતો..
કાજલ 'ખુશ ખબર' આપવા ઝડપથી ઓસરી તરફ દોડી... પણ ત્યાં પહોંચતા જ એનાં ગળામાથી એક ચીસ નીકળી ગઇ.. પપ્પા નીચે જમીન પર ચત્તાપાટ પડ્યા હતાં. આંખો ફાટી ગઇ હતી. કાજલ નાં શબ્દો ગળામાં જ અટવાઈ ગયા કે "આસોપાલવ મૂળ સહિત ઉખડી ગયો છે. જમીનદોસ્ત થઇ ગયો છે."