રુચાને આજે બધું નવું નવું લાગતું હતું. ઘરમાં ન સમજાય એવું વાતાવરણ હતું. ઘણાં બધા લોકો ભેગા થયા હતાં. "આજે તો કોઈ નો બર્થ ડે પણ નથી! તો આટલા બધા લોકો કેમ આવ્યા હશે? અને આ શું! આ લોકો તો રડી રહ્યાં છે..!" નાનકડી રુચા ન સમજાય એવી ગડમથલ અનુભવી રહી..
પપ્પા હોલમાં વચ્ચોવચ જમીન પર સૂતા હતાં. "પપ્પાને તો પલંગ વગર બિલ્કુલ ચાલતું નથી તો આજે જમીન પર કેમ સૂતા હશે! અને આટલી મોડી સવાર સુધી તો ક્યારેય ના સૂતા હોય.. એમનો તો ઓફીસ જવાનો સમય પણ થઈ ગયો હતો.. તેમ છતાં હજુ સૂતા હતાં..! અને પપ્પાની આસપાસ જ આ બધાં લોકો ઘેરો વળીને શા માટે બેઠા હશે!" બેડરૂમમાંથી ડોકિયું કરીને જોતી રુચા ને કશું સમજાતું નહોતું..
મમ્મી પણ પપ્પાની બાજુમાં બેઠી હતી.. એણે સફેદ કલરની સાડી પહેરી હતી.. "મમ્મીને તો સફેદ કલર જરા પણ પસંદ નથી તો આજે કેમ સફેદ સાડી! અરે! મમ્મી તો રોતી હતી. થોડી વારે તે પોતાનાં જ માથા પર મારતી હતી. અને કશુંક બોલતી હતી. ફરી જોર જોરથી પોતાની જ છાતી પર મારીને રડવા લાગતી હતી." રુચા દોડીને મમ્મી પાસે આવીને બેસી ગઇ.. "મમ્મી... મમ્મી...! શું થયું.. તું કેમ રડે છે..? પણ આટલું સાંભળતા જ મમ્મીએ તેને ગળે લગાડી લીધી અને ફરી જોર જોરથી રડવા લાગી.
"હવે આપણું શું થશે દિકરી..! તારા પપ્પા આપણાથી રિસાઈને આપણને એકલા મૂકીને ચાલ્યા ગયા.. જવું જ હતું તો અમને પણ સાથે લઇ જવા હતાં! અમને શા માટે આમ અહીં એકલા જૂરવા રાખી દીધાં..! હાય... હવે તમારાં વિના અમે શું કરશું.. ક્યાં જશું.. મારી સામે નહીં તો આપણી દિકરી સામે તો જોવું હતું.. હે ભગવાન.. એનાં કરતાં તેં મને બોલાવી લીધી હોત..! આવડી મોટી જીંદગી તમારા વિના કેમ જશે!"
રુચા વિસ્મય ભરી નાનકડી આંખોથી ઘડી મમ્મી તરફ તો ઘડી પપ્પા તરફ જોઇ રહી. "મમ્મી આ શું બોલે છે! પપ્પા તો અહીં જ સૂતા છે.. અને મમ્મી કેમ એમ કહે છે કે પપ્પા આપણને છોડીને ચાલ્યા ગયા..!" એ મૂંગા મૂંગા બધું જોઇ રહી.
"થોડી વાર પછી મમ્મી ઊભી થઇને દીવાલ સાથે હાથ પછાડવા લાગી. તેની બંગડી પણ તૂટી ગઇ. તેનો ચાંદલો પણ ભૂંસી નાખ્યો.. "મમ્મીને બંગડી તો બહુ ગમતી.. આ રીતે બંગડી કેમ તોડી હશે..!" રુચાની ગડમથલ વધતી જતી હતી..
આખરે કશું ના સમજાતા અને કોઇએ કશો જવાબ ના આપતાં રુચા દોડીને પપ્પા પાસે ગઇ.. "પપ્પા.. ઉઠો ને પપ્પા..! કેટલું બધુ અજવાળું થઈ ગયું છે તો પણ કેમ સૂતા છો..! તમારે ઓફિસે નથી જવું..! જુઓને પપ્પા.. મમ્મી પણ રડે છે.. ઉઠો ને પપ્પા પ્લીઝ... મને આજે વ્હાલી દિકરી કહીને તમે કિસ પણ નથી કરી.. ઉઠોને.." રુચા એ શક્ય એટલી તાકાત એકઠી કરી પપ્પાને હચમચાવી નાખ્યા.. છ વર્ષની રુચા હજુ મોતનાં માતમને નિહાળવા અસમર્થ હતી..
મમતાએ રુચાને ત્યાંથી ખેંચીને તેડી લીધી. અને બેડરૂમમાં લઇ ગઇ. તેને સુવડાવવાની કોશિશ કરી. રુચાએ પણ ખોટે ખોટે સૂવાનું નાટક કર્યું.. મમતા માસી જતા રહ્યાં એટલે ફરી તેણે હોલમાં ડોકિયું કર્યું. ત્યાંનું દૃશ્ય જોઇ રુચા હેબતાઈ ગઇ. કોઈકે આવીને પપ્પાનાં નાકમાં રૂ ભરાવી દીધું. તેમનાં મોઢામાં પાણી રેડ્યુ. નવડાવીને નવા કપડા પહેરાવ્યા. સફેદ કપડું ઓઢાડી, એમનાં પર બધાં લોકોએ બહુ બધા ફૂલોનાં હાર ચડાવ્યા.. અને પપ્પાની ફરતે ચક્કર ફર્યા. કોઈ લાકડાની પાટ લાવ્યું, જેનાં પર પપ્પાને સુવાડી, દોરીથી બાંધી દીધાં. ચાર જણા આવીને પપ્પા સૂતા હતા એ પાટ લઇ, કશુંક બોલતાં બોલતાં ચાલવા લાગ્યા.. મમ્મી ખૂબ રોતી હતી.. રુચાની ધીરજ ખૂટી ગઇ.. એ દોડીને ફરી હોલમાં આવી અને રડવા લાગી.. જે લોકો પપ્પાને લઇ જતા હતાં એમની પાછળ દોડીને કહેવા લાગી કે "મારા પપ્પાને ક્યાં લઈ જાઓ છો.. એમને શા માટે બાંધ્યા છે.. છોડો મારા પપ્પાને...!" પણ મમતાએ રુચાને ખેંચી લીધી.. રુચા રડતી રહી પણ કોઇએ એનું ના સાંભળ્યું.. બધા પપ્પાને ક્યાંક લઇ ગયા..
"માસી.. ! બધા મારા પપ્પાને ક્યાં લઇ ગયા.. મને પપ્પા વિના નહીં ગમે.. બધાને રોકોને પ્લીઝ.. મમ્મી પણ કેમ કશું નથી કહેતી.." રુચા રડતાં રડતાં મમતા માસીને પૂછી રહી..
" રુચા.. ભગવાનજીને પપ્પાની બહુ યાદ આવતી હતી એટલે ભગવાનજીએ પપ્પાને મળવા બોલાવ્યા હતાં. પપ્પા ત્યાં ગયા છે.."
" પણ માસી.. તો બધા પપ્પાને દોરી બાંધીને કેમ લઇ જતા હતાં.. પપ્પા ફરી ક્યારે આવશે.. મને પપ્પા વિના નહીં ગમે.. મારે પણ ભગવાનજી પાસે જવું છે.. પપ્પાને કહો ને.. મને પણ સાથે લઇ જાય..." રુચાનાં આક્રંદથી ત્યાં બેઠેલા દરેકની આંખ માં પાણી આવી ગયુ.. મમતાએ રુચાનાં મોઢા આગળ હાથ ધરી દીધો.. "નહીં બેટા! એવું નહીં બોલીએ.. ક્યારેય નહીં બોલીએ.." એમ કહી રુચાને ચૂમીઓથી નવડાવી દીધી અને ફરી બેડરૂમમાં લઇ જઇ, ખૂબ ફોસલાવીને વાર્તા શરૂ કરી..
"એક નગરમાં એક રાજા અને એક રાણી રહેતાં હતાં.. તેને એક ફૂલ જેવી સુંદર રાજકુંવરી હતી.. એક્દમ મારી રુચા જેવી..! એક વખત નગરમાં એક રાક્ષસ આવ્યો."
"રાક્ષસ એટલે શું માસી..! એ કેવો હોય?"
"રાક્ષસ? તે ખૂબ મોટો હોય. તેને તો બે મોટા શિંગડા હોય, મોટા મોટા દાંત હોય અને ખૂબ ડરામણો ચહેરો હોય અને તે માણસને ખાઈ જાય. આવો રાક્ષસ પગ પછાડતો નગરમાં આવ્યો અને સીધો રાજાનાં રાજમહેલમાં આવ્યો. નાનકડી રાજ કુંવરી ડરી ગઈ અને તે સિંહાસનની પાછળ સંતાઈ ગઈ. રાક્ષસ આવીને જોર જોરથી હસવા લાગ્યો. તેણે રાજા-રાણીને સિંહાસન પર બેઠેલા જોયા. તેણે પોતાનું મોઢું ખોલ્યું. રાજાને પંજા માં પકડ્યો અને ખાઈ ગયો. પછી તેણે રાણીને જોઈ. તે રાણીને પણ ખાવા જતો હતો પરંતુ રાણી તેને ખૂબ ગમી ગઈ એટલે તે રાણીને ઉપાડી ગયો. રાજમહેલમાં રાજકુંવરી એકલી રહી ગઈ. પછી રાજકુંવરીએ શું કર્યું ખબર છે!" મમતા એ જોયું કે રુચા સૂઈ ગઈ છે. તેમણે વહાલથી રુચાનાં માથા પર હાથ ફેરવ્યો અને ગાલ પર ચૂમી ભરી દીધી પછી વિચારે ચડી ગઇ.
"કેટલી નિર્દોષ અને વ્હાલી છોકરી છે આ! દુશ્મનને પણ પરાણે વ્હાલી લાગે એવી.. છતાં મા બાપનાં પ્રેમ માટે વલખા મારે છે.. આમ તો કેટલી જાહોજલાલી છે ઘરમાં.. રુચાને કોઈ વાતની કમી નથી. પાણી માંગે તો દૂધ હાજર થાય છે.. પણ પૈસો બધી કમી પૂરી કરી શક્તો નથી. એવું નથી કે જયેશ અને તૃષ્ણા એને પ્રેમ નથી કરતા.. પણ એ બન્ને એમની વચ્ચેનાં ઝઘડાઓમાં જ એટલાં વ્યસ્ત છે કે રુચા માટે, એની કાલી ઘેલી વાતો માટે એમની પાસે સમય જ નથી." આમ જોઈએ તો બન્નેનાં લવ મેરેજ હતાં.. રુચા એ એક વાર અજીબ સવાલ પૂછ્યો હતો. " માસી.. મમ્મી પપ્પા એ લવ મેરેજ કર્યા હતાં એવું બધા કહે છે.. પણ લવ મેરેજ એટલે શું..?"
"લવ મેરેજ એટલે પ્રેમ લગ્ન.. જેમ હું તને ખૂબ પ્રેમ કરું છું ને... એમ મમ્મી પપ્પા પણ એક બીજાને બહુ પ્રેમ કરતાં એટલે એ બન્નેએ લગ્ન કરી લીધા. જેથી સાથે રહી શકાય.." મમતાએ બને તેટલી સરળ ભાષામાં રુચાને સમજાવવાની કોશિશ કરી.
"પણ માસી.. પ્રેમ કરતાં હોય એમની સાથે આટલો ઝઘડો થોડો કરાય?" રુચાનાં આ સવાલનો મમતા પાસે પણ કોઈ જવાબ નહોતો.
તૃષ્ણા એટલે મમતાની નાની બહેન.. તેનાં કરતાં બે વર્ષ નાની.. પણ એનાં લગ્ન મમતાની પહેલાં થઈ ગયેલા.. પડોશમાં મહેમાન તરીકે આવેલ જયેશ સાથે પ્રેમ થઈ ગયો. એક જ્ઞાતિ હોવાથી વડીલો પણ માની ગયા અને રંગે ચંગે લગ્ન પણ થઈ ગયા.. મમતાનાં પણ એ પછી એકાદ વર્ષમાં લગ્ન થઈ ગયેલા. પરંતુ ઘણાં વર્ષો છતાં મમતાનું માતૃત્વ સૂનું જ રહી ગયું અને તૃષ્ણાની ઘરે એક નાનકડી પરી એ જન્મ લીધો. એ દરમ્યાન એક દુર્ઘટના ઘટી અને મમતાનાં પતિનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું.. બીજા લગ્નની ઇચ્છા નહોતી એટલે થોડા વર્ષો માતા પિતા સાથે ગાળ્યા.. પણ દિકરીનું દુઃખ ન જોઇ શકવાના કારણે માતા પિતા પણ વહેલા ઇશ્વર પાસે જતા રહ્યાં. ભાઈ તો હતો નહીં.. તૃષ્ણા આગ્રહ કરીને મમતાને પોતાનાં ઘરે લાવી.. એકલું ના લાગે એટલે મમતાએ એક સ્કુલમાં નોકરી સ્વીકારી. બપોરનો સમય સ્કુલમાં પસાર થવા લાગ્યો. બાકીનો સમય રુચા સાથે રમવામાં, એની કાલી ઘેલી વાતો સાંભળવામાં ચાલ્યો જતો. રુચા સાથે એટલું મન ભળી ગયું કે એ એનાં દુઃખોને પણ ભૂલવા લાગી.. અને રુચાને મન તો એની આ માસી જ મા સમાન હતી.. એણે તો એક વાર મમતાને પૂછ્યું પણ હતું કે "માસી.. બધા બાળકો ને એની મમ્મી કેટલો વ્હાલ કરતી હોય.. મને તો તમે એવો વ્હાલ કરો છો તો તમે મારા મમ્મી કેમ નથી?" મમતાનું સૂનું માતૃત્વ ત્યારે રોઈ પડયું હતું.
જીંદગી એક નિશ્ચિત પ્રવાહમાં આગળ વધવા લાગી હતી. બેનનાં સાસરે ક્યાં સુધી રહીશ..! એક અલગ ઘર ભાડે રાખીને રહેવાનું પણ મમતા વિચારી રહી હતી. પણ રુચા પ્રત્યેની માયાને કારણે પહેલ થતી નહોતી.. આ તરફ તૃષ્ણાનાં ઘરની પરિસ્થિતિનો પણ એને ધીરે ધીરે અંદાજ આવી ગયો હતો. વાત જાણે એમ હતી કે, શરૂમાં તો એ બંનેનું લગ્ન જીવન ખૂબ સારુ હતુ.. નવો નવો પ્રેમ, નવી કેડી પર બન્નેની સફર ખૂબ સારી જઇ રહી હતી અને કદાચ આ જ રીતે જીંદગી પૂરી પણ થઈ જાત. પણ રુચાનાં જન્મ બાદ જયેશને લાગ્યું કે બધાનાં ભવિષ્ય માટે ફક્ત નોકરીથી નહીં ચાલે.. હજુ વધુ પૈસાની ભવિષ્યમાં જરૂર પડશે... એટલે તેણે નોકરીનાં સમય પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આખો દિવસ કામમાં જ ગળાડૂબ રહેવા લાગ્યો. ઘરમાં સમય ના આપી શક્તો. આ તરફ તૃષ્ણા એકલી પડી ગઇ.. એને પતિની હૂંફની, પ્રેમની જરૂર હતી.. તેણે જયેશને ખૂબ સમજાવવાની કોશિશ કરી કે હું અને રુચા તમે જેટલું આપશો એટલામાં પણ ઘર ચલાવી લેશું.. ને આમ જોવા જઇએ તો ઘરમાં કંઇ કમી હતી જ ક્યાં.. પણ જયેશ ના માન્યો અને ધીરે ધીરે તૃષ્ણા અને જયેશ વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઇ. અને બન્ને વચ્ચેનાં ઝઘડાઓમાં રુચા પીસાઈ ગઇ.
એ દરમ્યાન આશુતોષનો બન્નેનાં જીવનમાં પ્રવેશ થયો.. આશુતોષ એટલે જયેશનો બાળપણનો મિત્ર.. ઘણાં વર્ષોથી મુંબઇ જ સેટલ થયેલો.. ધીકતો બિઝનેસ હતો. પાણીની જેમ પૈસા વાપરતો.. મુકત વિચાર નો.. હજી સુધી લગ્ન કર્યા નહોતા. પણ હવે કોઈ જીવન સાથીની જરૂર પણ લાગી અને માતા પિતા પણ આગ્રહ કરતાં હતાં.. એમનો આગ્રહ હતો કે છોકરી તો દેશની એટલે કે ગુજરાતની જ શોધવી.. આશુતોષ માની ગયો પણ શરત મૂકી કે આમ પણ એ થોડો સમય બ્રેક લેવા માંગતો હતો.. તો 6 મહિનાનો બ્રેક લઇ અમદાવાદ જશે.. અને ત્યાં શાંતિથી છોકરી શોધશે. કોઈ પસંદ પડે તો તેની સાથે ડેટિંગ કરશે અને પછી જ શાંતિ થી, સમય લઈને લગ્ન જેવો મોટો નિર્ણય લેશે.
અમદાવાદમાં બીજું તો કોઈ ઓળખીતું હતું નહીં. બાળપણનો જીગર જાન જયેશ યાદ આવ્યો. આમ પણ એને મળ્યે ઘણાં વર્ષો થઈ ગયેલાં.. ફોન કર્યો તો ખૂબ ઉમળકાથી વાત કરી. એક ઘર પણ ભાડે અપાવી દીધું. અને છાપામાં લગ્નની જાહેર ખબર પણ આપી દીધી.. થોડા સમયમાં જ જયેશનાં પરિવાર સાથે આશુતોષ ખૂબ હળી મળી ગયો ... એકલો રહેતો એટલે જયેશ પણ વારંવાર તેને આગ્રહ કરીને જમવા બોલાવતો. તૃષ્ણા ભાભી પણ ખૂબ આગ્રહ કરીને પ્રેમથી જમાડતાં. બધા સાથે મળી ખૂબ મસ્તી મજાક કરતાં. જૂના દિવસો યાદ કરતા. તૃષ્ણા સાથે પણ એને સારું ફાવી ગયેલું. અમદાવાદ છોડયે વર્ષો થયેલા એટલે અમદાવાદમાં કશી ખરીદી કરવી હોય કે કશે બહાર જવું હોય તો જયેશને વાત કરતો. જયેશ પાસે સમય ન હોઇ, એ તૃષ્ણાને લઇ જવા ભલામણ કરતો. પછી તો છોકરી જોવા જવું હોય તો પણ તૃષ્ણા ભાભીની મદદ લેતો અને સાથે લઇ જતો.
થોડા સમય બાદ જયેશને લાગ્યું કે તૃષ્ણા અને આશુતોષ જરૂર કરતાં વધારે જ સમય એક બીજા સાથે ગાળે છે. ધીરે ધીરે એ તૃષ્ણા પર શંકાઓ કરવા લાગ્યો. તૃષ્ણા પણ જયેશનાં શંકાશીલ સ્વભાવથી પરેશાન હતી. અને આ વાતને લઇને એ બન્ને વચ્ચે વારંવાર બોલાચાલી થતી.. દિયર ભાભી જેવા પવિત્ર સંબંધો પર શંકા કરવાને લીધે તૃષ્ણા ખૂબ નારાજ હતી. એ ઘણી વાર મમતા પાસે રડતી હતી. જયેશ એને સમય ના આપી શક્તો એ તો જાણે સમજ્યા.. પણ એનો આ શંકાશીલ સ્વભાવ તૃષ્ણાથી સહન થતો નહોતો. તૃષ્ણા અને જયેશ વચ્ચેનાં ઝઘડાઓ એ હવે ઉગ્ર સ્વરુપ લીધુ.. આ બધાની વચ્ચે રુચાને તો બન્ને સમય જ ના આપી શકતા.. તૃષ્ણા ઘણી વાર કહેતી હતી કે રુચાનો વિચાર ના હોત તો હું આવા શંકાશીલ પતિથી છૂટા છેડા જ લઇ લેત.. મમતાને પણ પોતાની બહેનનાં સંસારમાં પડેલી આ તિરાડ થી ખૂબ દુઃખ થતું. તૃષ્ણાની વાત પણ ખોટી નહોતી.. એક સ્ત્રી બધું સહન કરી શકે છે પણ ચારિત્ર્ય પરની શંકાઓ સહન કરી શકતી નથી.
"માસી... માસી... મારી મમ્મીને બચાવો... માસી......"
રુચા ઉંઘમાં બોલી રહી હતી અને તે ખૂબ ડરેલી લાગતી હતી. પરસેવે રેબઝેબ થઈ ગઇ હતી.
"શું થયુ રુચા... રુચા.." મમતાએ રુચાને જોરથી હલાવીને પુછ્યું.
રુચાની ઉંઘ ઉડી ગઇ. એ ખૂબ હેબતાઈ ગઇ હતી. મમતાને વળગીને જોર જોરથી રડવા લાગી.. "માસી.. મારી મમ્મીને બચાવી લો માસી.."
"પણ શું થયુ રુચા.. તું અહીં જ છે.. આપણા ઘરમાં.. મારી પાસે.. કશું નથી થયુ રુચા.. તેં કોઈ સપનુ જોયું હશે.." મમતા પ્રેમથી રુચાની પીઠ પર હાથ ફેરવવા લાગી અને સમજાવવા લાગી.
"માસી.. પેલો રાક્ષસ આવ્યો હતો.. બે મોટા શિંગડા.. બે મોટા મોટા દાંત.. એ મારા પપ્પાને ખાઇ ગયો અને મારી મમ્મીને ઉપાડી ગયો. મારી મમ્મીને બચાવી લો માસી.. હું એકલી થઇ ગઇ.. મારી મમ્મીને પાછી લઇ આવો માસી.. આશુતોષ અંકલ મારી મમ્મીને લઇ ગયા.. એ જ રાક્ષસ બનીને કાલે બપોરે, તમે સ્કુલે હતાં ત્યારે આવ્યા હતા. એ તો ઘણી વાર આવતાં હોય છે. તે મમ્મી સાથે બેડરૂમમાં વાતો કરતાં હતા. હું હોલમાં રમતી હતી. અચાનક પપ્પા બપોરે ઓફિસેથી પાછા આવ્યા હતા. એ પછી શું થયુ ખબર નહીં.. પણ પપ્પા અંકલને જોઈને ખૂબ ગુસ્સે થયા હતાં.. એ પછી મમ્મી-પપ્પા વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો. આશુતોષ અંકલ જ મારા પપ્પાને ખાઇ ગયા છે માસી.. એ મારી મમ્મીને પણ ઉપાડી જશે. મારી મમ્મીને બચાવી લો માસી.. " રુચાની વાતથી મમતા ડઘાઈ ગઇ.. આટલી નાની અમથી બાળકી આ શું વાત કહી ગઇ..! તેણે રુચાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ રુચા રડયે જ જતી હતી.
ડૉક્ટરનાં નિદાન મુજબ ગઇકાલે રાત્રે જયેશ ભાઈને મેસિવ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેઓ ના બચી શક્યા.. હાર્ટ એટેક પાછળનું કારણ જાણી શકાયું નહોતું. સ્ટ્રેસ કે કોઈ મોટો આઘાત લાગ્યો હોવાની શક્યતા દર્શાવી હતી. પણ રુચાની વાતો પરથી કારણ દીવા જેવું સ્પષ્ટ હતું.. તો શું જયેશની શંકાઓ સાચી હતી..? એટલે કે પોતાની બહેન જ... નહીં... નહીં... મમતા આગળ વધુ ના વિચારી શકી.
********************************
ધીરે ધીરે બધું થાળે પડતું જતું હતું. સમયથી મોટું ઓસડ કોઈ નથી. બધા દુઃખોની એક જ દવા છે અને એ છે સમય.. જયેશનાં ગયાને પણ એક વર્ષ થવા આવ્યું હતું. હવે ધીરે ધીરે તૃષ્ણા પણ બધા દુઃખને ભૂલીને નવી જીંદગીની ઘરેડમાં ગોઠવાતી જતી હતી. જયેશ ઘણી મિલ્કત રાખીને ગયો હતો એટલે આર્થિક સંકડામણ તો નહોતી. બસ ઘરમાં હવે ફક્ત મહિલાઓ જ બચી હતી. પુરુષનો ખભ્ભો રહ્યો નહોતો.. આશુતોષ થોડો સમય કંઇ જરૂર હોય તો મદદ કરવા આવતો.. બન્ને વચ્ચે કોઈ વાતચીત ના થતી. આશુતોષને વધુ સમય હવે અમદાવાદ માં રોકાવું વ્યાજબી ના લાગ્યું.. છોકરી તો ફરી ક્યારેક શોધી લઈશ.. મુંબઇનો બિઝનેસ ખોટી થાય છે. મારી કોઈ જરૂર પડે તો કહેજો...અડધી રાત્રે પણ આ દિયર ખડે પગે હાજર રહેશે એમ કહી મુંબઈ ચાલ્યો ગયો હતો.. રુચાની પણ પપ્પા પાસે જવાની જીદ ધીરે ધીરે ઓછી થઇ ગઇ હતી. એણે પણ પરિસ્થિતિ સાથે સમાધાન સાધી લીધુ હતું અને ઉંમર પહેલાં જ પુખ્ત થવા લાગી હતી.
* * *
એક દિવસ, સવારે ઉઠી, પૂજા પાઠ કરી, નાસ્તો બનાવી મમતાએ રુચાને ઉઠાડી. રુચા હવે રાત્રે પણ મમતા સાથે જ સૂઈ જતી. . "સૂરજ ચડી ગયો હતો છતાં તૃષ્ણા હજુ સુધી કેમ ઉઠી નહીં..!" મમતા, તૃષ્ણાને ઉઠાડવા માટે એનાં રૂમ તરફ ગઇ.. બે ત્રણ વાર બહારથી ખખડાવ્યું છતાં કોઇએ ખોલ્યું નહીં.. બારણા ને સ્હેજ ધક્કો મારતાં ખુલી ગયુ. અંદરથી ખુલ્લું જ હતું. તૃષ્ણા બેડ પર નહોતી.. કદાચ બાથરૂમમાં હશે એમ વિચારી મમતા બાથરૂમ તરફ ગઇ.. તો તે પણ ખુલ્લો હતો.. "ક્યાં જતી રહી! વ્હેલી ઉઠીને મોર્નિંગ વોક માં ગઇ હશે!.." મમતા વિચારતી હતી ત્યાં એનું ધ્યાન બેડ પર, ગળી વાળેલ કાગળ પર ગયુ. મમતાએ જાપટ મારીને કાગળ લઇ લીધો અને ચિત્તાની ઝડપથી કાગળ પર નજર દોડાવી.. કાગળ પૂરો થયો ત્યાં સુધીમાં મમતા સ્તબ્ધ થઇ ગઇ..
થોડી વારમાં રુચા ત્યાં આવી.. "માસી.. શું થયુ..? કોનો કાગળ છે? મમ્મી ક્યાં ગઇ માસી... બોલો ને માસી... બોલતાં કેમ નથી? માસી... માસી..." રુચાનાં પ્રશ્નોથી મમતા આઘાતમાંથી બહાર આવી..તેણે રુચા સામે જોયું.. "તારા મમ્મીને રાક્ષસ ઉપાડી ગયો દિકરી.."
રુચાની મોટી મોટી આંખોમાંથી મોતીનાં બે બુંદ ખર્યા અને અટકી ગયા.. તેની આંસુ વિનાની કોરી આંખો આજે પણ હજુ સવાલ પૂછ્યા કરે છે.. "મારો શો વાંક હતો.. એ રાક્ષસ મને કેમ ના ખાઇ ગયો!" અને મમતાનાં હૃદય માં એક ગઝલનો શેર પડઘાયા કરે છે.
જણનારાનાં ઝઘડા જોઇ મૂક છે શૈશવ,
શું વધશે જો ત્રણ માંથી બે બાદ તપાસે....
ડો. આરતી રૂપાણી