ધરતીની અજાયબી - લદ્દાખ Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીની અજાયબી - લદ્દાખ

ધરતીની અજાયબી: લદ્દાખ

“હમ જો ચલને લગે, ચલને લગે હૈ યે રાસ્તે…

હાં..હાં ! મંઝિલ સે બહેતર લગને લગે હૈં યે રસ્તે.”

આ ગીત એકદમ બરોબર જામે છે લદ્દાખની સફરને ! તો ચાલો બોરીયાબિસ્તરા બાંધો અને નીકળીએ રખડપટ્ટી કરવા લદ્દાખની. હં...હં કેમેરો ભૂલતા નહીં. ફોટોગ્રાફી માટે દુનિયાની ઉત્તમ જગ્યાઓમાંથી એક છે લદ્દાખ. લદ્દાખ જવાના ત્રણ રસ્તા છે :

1. સડકમાર્ગ

2. હવાઈમાર્ગ અને

3....હમણાં નહીં કહું !

મેં પસંદ કર્યો સડકમાર્ગ. હું લદ્દાખ ફરવા જનાર તમામ મિત્રોને સલાહ આપીશ, કે જો લદ્દાખ જવું હોય તો દસ દિવસનો સમય લઈ સડકમાર્ગે જ જજો. બાકી દિલ્હીથી દિલ્હી પાંચ દિવસના હવાઈમાર્ગવાળી સફરમાં તમે ઘણું ગુમાવશો. કારણ …. શ્રીનગરથી લદ્દાખ જવાનો રસ્તો છે એક સ્વર્ગીય અનુભવ. અને એ જ ત્રીજો માર્ગ ‘મરીને સ્વર્ગે જવું !’

વધુ પૂર્વભૂમિકા ન બાંધતા શરૂ કરીએ સફર :

ગુજરાતથી પહેલો મુકામ જમ્મુ. જમ્મુમાં તમને વાતાવરણની તાજગીનો અનુભવ તો થાય જ, પણ સાથે આપણી સેનાઓના મથક જોઈ ગર્વ અનુભવાય. જમ્મુમાં પણ ફરવાની થોડી જગ્યાઓ છે એ ફરી ક્યારેક.

જમ્મુથી બહાર નીકળતાં જ વાતાવરણ બદલાઈ જાય. હવાની લહેરખીઓની શીતળતા અને કુદરતી સૌંદર્યની માદકતાનો મીઠો નશો છવાઈ જાય. જમ્મુથી શ્રીનગર સુધીની સફર ખૂબ લાંબી પણ બિલકુલ કાંટાળાજનક નથી. દરેક વળાંક ઉપર કુદરત તમારા માટે કંઈક કૌતુક લઈને મળે. ક્યારેક ક્યારેક તો એવું લાગે કે જમણી તરફ જોવું કે ડાબી તરફ. એ વખતે મારા મનમાંથી એક માંગણી નીકળી ગઈ, “હે ટેકનોલોજીના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કર્તાહર્તાઓ ! કંઈક એવી શોધ કરો, કે આંખોની પલક ઝપકાવતાં ફોટો પડી જાય.” એક તરફ લીલાંછમ ડુંગરોની વચ્ચે કયાંક દૂર દેખાઈ જતાં હિમાચ્છાદિત ગીરીશીખરો તો બીજી તરફ છેક નીચે સુધી દેખાતી હરિયાળી. માનવસર્જિત વિસ્મયોમાં ‘જવાહર ટનલ’ અને ચેનાબ નદી ઉપરનો ‘બગલીહર ડેમ.’ રસ્તામાંથી પહાડોમાંથી ધીમી ધારે વહેતું કુદરતી મિનરલ વોટર ભરી પીધું. શ્રીનગર આવતાં પહેલા અમુક જુના ખંડેરો દેખાયા પણ સમય મર્યાદાને કારણે ઉતરવું શક્ય ન બન્યું. કેસરના બગીચાઓનું ગામ ‘પેમ્પોર’ પણ આવ્યું પરંતુ હજુ ફૂલ ખીલવાની ઋતુ નહોતી.

શ્રીનગર અમારા માટે ફક્ત રાતવાસો હતું. પરંતુ શ્રીનગરમાં પગ મૂકતાં જ લાગણી ઉછળી આવે. ઝેલમના કિનારે લાગેલી હાઉસબોટ, ડાલલેક, લાલચોક અને લુમેઝુમે ઝૂલતાં ગુલાબ. જાણે સ્વપ્નલોકમાં પહોંચી ગયા હોઈએ. બીજે દિવસે વ્હેલી સવારે નીકળી પડ્યા લદ્દાખ હાઈવે માટે. રસ્તામાં ભવ્ય હઝારાતબાલ જોયું અને વિશાળ યુનિવર્સિટી ઓફ કાશ્મીર પણ આવી. સુંદર, અદભુત અને આહ નીકળી જાય તેવું શ્રીનગર છોડી આગળ વધ્યા. શ્રીનગરમાં રખડપટ્ટી ફરી ક્યારેક ચોક્કસ કરીશું.

ગામ છોડતાં જ પહાડી ઢોળાવો શરૂ થઈ ગયા. સિલસીલાથી લઈ મિશન કશ્મીર સુધીની બધી ફિલ્મો તાદ્રશ થઈ ગઈ. તેની મંત્રમુગ્ધતામાંથી બહાર આવું એ પહેલાં મીઠું ખળખળનું સંગીત ગુંજી ઉઠ્યું. હિમાલયમાંથી નીકળતાં ઝરણાંઓ “સોન નદી” બની, મને લલચાવી રહ્યાં હતાં. અમારી ટ્રીવેરાના ડ્રાઈવરને પૂછ્યું, “આ નદીમાં પગ બોળવા મળે?” અને તેણે એક સરસ જગ્યાએ ગાડી રોકી. નદીને કિંનારે પથ્થરોની વાયરવાળી પાળ બાંધવામાં આવેલી એટલે નાનકડું ટ્રેકિંગ કરી નદી પાસે ગયા. હિમાલયના શીતળ નિર્મળ જળની છાલક મોઢા ઉપર મારી, જે અનુભવ થયો છે તે શબ્દોમાં વર્ણવો શક્ય નથી. ત્યાંથી નીકળવાનું મન તો નહોતું થતું, પણ આગળ જવાની ઉત્સુકતા પણ એટલી જ હતી. સોના નદીના તીરે તીરે આગળ વધતા દૂર ‘અનંતનાગ’ માટેનો બેઝકેમ્પ ‘બેલ તાલ’ દેખાયો. ડ્રાઈવરે દૂરથી અનંતનાગના શિખરવાળી પહાડી પણ બતાવી.

પછીના પાંચ કિલોમીટર ઉત્સુકતામાં ઉમેરો કરતાં રહ્યા. બરફની વચ્ચેથી નીકળ્યા અને ચાલુ ગાડીએ બરફને અડતા ગયા. ત્યારબાદ અમારા ડ્રાઈવરે અમને બરફમાં રમવાનું મેદાન આપી દીધું. બાળક બની બરફના ગોળા બનાવી એકબીજા ઉપર ફેંક્યા. બરફનું સામ્રાજ્ય વધવા લાગ્યું. મિલિટરી કેમ્પના કવાયતના દ્રશ્યો પહેલીવાર ફિલ્મો સિવાય જોયા. રસ્તામાં બાઈકસવારો પણ મળ્યા. એ સાહસિકો અમદાવાદ, બરોડાથી લદ્દાખ સુધી બાઈક ઉપર નીકળી પડેલા. માથાના હેલ્મેટ ઉપર કેમેરાથી શૂટિંગ કરતા એકલવીરોને જોઈ ફરવાનું જોમ વધી ગયું.

શ્રીનગર-લેહના સૌથી ઊંચો પોઇન્ટ ‘ફોટુલા’ આવ્યો, તે પોઈન્ટ ઉપર ઉભા રહી પહાડી સૌંદર્ય માણવાનું હજુ તો શરૂ કર્યું,ઉતરીને ફોટો પડવાના શરૂ કર્યાં ત્યાં તો ઝીણો વરસાદ શરૂ થયો. ફટાફટ ગોઠવાયા કારમાં.

આગળ વધ્યા ત્યાં તો કોઈ ચિત્રકારની ચિત્રનગરીમાં પહોંચી ગયા. નઝીકના પર્વતો થોડા બર્ફીલા, થોડી દૂરીવાળા લીલાં, એનાથી દૂર થોડા પીળાં અને સુદૂર કથ્થાઈ અને કાળા. વળી કયાંક લાલછાંટ દેખાય તો ક્યાંક વળી કોફી પેઇન્ટિંગ કરેલા હોય તેવા શેડ. ઉપર સાફ નિલાંબર, ક્યાંક રુંવાળા ઘેટાં જેવા સુંવાળા વાદળ. તેની સુંવાળપ રીતસર આંખોમાં અનુભવાય. “ફોટુલા”થી આગળ વધતાં આખો નીચે ઉતરતો સર્પાકાર રસ્તો અદ્દભુત દીસતો હતો.

આગળ વધતાં આવી “લામાયૂરું મોનેસ્ટ્રી”. લદ્દાખનો સૌથી વિશાળ અને પુરાતન બૌદ્ધિષ્ઠ મઠ. પહાડો વચ્ચે દેખાતો તે મઠ એક સુંદર જાદુનગરી સમાન લાગતો હતો. અમારા કાર્યક્રમમાં ત્યાં જવાનો સમય નહોતો. અફસોસ થતો હતો પણ ત્યાં તો આગળ અલૌકિક પહાડ “મૂન લેન્ડ” જોઈ બધું વિસરાઈ ગયું. સોનાની જેમ ચમકતાં પહાડો પૃથ્વીની બહાર હોવાનો અનુભવ કરાવતાં હતાં. ડ્રાઈવરે જણાવ્યું કે, ‘રાત્રે ચાંદનીમાં આ ખડકો બીજો ચંદ્ર જ લાગે છે, આ પહાડો તેના પર પડતાં પ્રકાશ અનુરૂપ તેનો રંગ બદલી ઝળહળે છે. ઉત્સુકતા વધતી જતી હતી. લદ્દાખ મારા માટે હજી કેટલી સુંદરતા ભરીને બેઠું હશે!

રસ્તામાં આછીપાતળી હરિયાળી વચ્ચેથી નીકળતી નાની નાની નદીઓ અને રમકડાં જેવા દેખાતાં મઠ. એક નાનકડો મઠ તો રસ્તામાં જ આવ્યો. અમે અંદરથી જોવા ઉતરી પડ્યા. એક મોટા રૂમમાં આવેલો મઠ કેટલી આભા ધરાવતો હતો તે કહેવું મુશ્કેલ છે. તેની બરોબર પાછળ લગભગ પચાસ ફૂટ ઊંચાં એક પથ્થરમાં બૌદ્ધપ્રતિમા કોતરાયેલી હતી. ઝડપથી આગળ વધ્યા. પહાડો પોતે કુદરતની સામે થપાટો ઝીલતાં કોતરાઈ ગયા હતાં. કપરાં પણ ખુબસુરત ચઢાણો અને પુલો ઓળંગતા આગળ વધ્યા અને દેખાયો મનમોહક “ઝંસ્કાર સંગમ”. એક તરફથી વહેતી સફેદ સિંધુ નદીમાં ઘેરા નિલવર્ણવાળી ઝંસ્કારનું ભળવું. સમય લઈને ગયા હોઈએ તો ત્યાં રિવર રાફટની વ્યવસ્થા છે. આગળ ઝંસ્કારના તટે બેસી અમારો લચપેક ખોલી પીકનીક મનાવી.

આગળ વધ્યા ખૂબ પ્રખ્યાત એવી “ મેગ્નેટિક હીલ” તરફ ….કાળક્રમે મેગ્નેટિક ફિલ્ડ નબળા પડતાં હોય છે એટલે મને એવો કોઈ ખાસ અનુભવ ન થયો. હીલની સામેના રોડ ઉપર કાર ન્યુટ્રલમાં મૂકી તો તે હીલ તરફ ખેંચાતી હોય તેમ પાછી પડી. એ ચમત્કાર છોડો અને કુદરતને માણો.

‘પથ્થર સાહિબ’ રસ્તામાં આવેલું ગુરુદ્વારા. એવી માન્યતા છે કે ગુરુ નાનક લેહમાં આવેલા અને ત્યાં સાવ સૂકી ધરતી જોતાં,તેમણે ત્યાં પહેલું વૃક્ષ ઉગાડ્યું. ત્યાં એક રાક્ષસ રહેતો હતો તેનાથી ગુરુ નાનકની લોકપ્રિયતા સહન ન થઈ અને તેણે નાનકજીને મારવા એક મોટી શીલા ફેંકી, તે મોટી શીલા ગુરુજી જ્યાં બેઠા હતા ત્યાં ગબડી આવી પણ ગુરુજીને કશું ન થયું અને તેઓના શારીરિક આકાર મુજબ શીલામાં ગાબડું પફી ગયું અને બન્યું “પથ્થર સાહિબ”. મિલેટરીના જવાનો આ ગુરુદ્વારાની દેખરેખ રાખે છે. વ્યવસ્થા ખૂબ જ સરસ છે.

‘લેહ’ લદ્દાખનું મુખ્ય શહેર શરૂ થતાં પહેલાં મિલેટરીના વિવધ મેદાનો દેખાવા લાગે. એરપોર્ટ પણ દેખાય અને સેનાની સતત ચહેલપહેલ. સુંદર બૌદ્ધશૈલીના દરવાજા -કળશ સાથે લેહ ગામ આપણું સ્વાગત કરે. નાનકડા પરિલોક જેવી બજારો અને મકાનો,મોટા ભાગના બાંધકામો લાકડાના. અમારી હોટલ બજારની વચ્ચોવચ અને પારંપરિક દેખાવની હતી. પહોંચતા સાંજ પડી ગઈ હતી. સૂચના આપવામાં આવી, “આજની સાંજ ફક્ત આરામ, તમારા શરીરને વાતાવરણમાં ગોઠવવા દેવું પડશે. કારણ કે અહીં હવા એકદમ પાતળી છે અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું.” બજારની વચ્ચે હોઈએ પછી આવી બધી સૂચનાઓ કોઈ ગણકારે? ફ્રેશ થઈ અમે પાંચેક લોકો નીકળી પડ્યા હોટલની બહાર જ આવેલી ગરમ કપડાંની બજારમાં. પણ થોડીવારમાં જ ચક્કર જેવું લાગવા લાગ્યું એટલે પાછા વળ્યા. ‘ઠંડી કહે મારું કામ !’ ૪ ડીગ્રી તાપમાનમાં અમારી હાલત ખરાબ હતી. રાત્રે તો માઈનસ ૧ સુધી જશે તેવો અંદાજો હતો. ટુરઓપરેટરને પૂછ્યું કે, “હોટવોટર બેગ કે હીટરની વ્યવસ્થામાં શું છે ?” ત્યારે નવું જાણવા મળ્યું કે, “લેહ પોતાની વીજળી જાતે બનાવે છે એટલે અહીં ગમે ત્યારે પાવરકટ હોય છે. બીજી કોઈ વ્યવસ્થા નથી. અહીં હોટલવાળા તમને પીવા માટે જે ગરમ પાણી આપે છે તે બોટલમાં ભરી લો અને રાત્રે સ્વેટરમાં રાખી સુઈ જજો.” તો બે બોટલ ગરમ પાણી ભરી મેં થોડીઘણી હુંફમાં ઊંઘ ખેંચી કાઢી અને સાચું કહું તો ત્યારે, આપણા ગુજરાતની ગરમીની કદર થઈ.

બીજે દિવસે હુંફાળી સવારમાં તડકો બહુ મીઠો લાગ્યો. નીકળી પડ્યા લેહ સાઇટ સીન માટે. પહેલાં દેખાઈ સુંદર થીમ હોટેલ, તમને આધ્યાત્મિક અનુભવ કરાવે, મોટાભાગે ફોરેનર ઉતરતા હશે તેમાં. પછી દેખાયો “શેહ પેલેસ” બહાર ઊંચી ઊંચી શિલાઓમાં ચિત્રો કોતરાયેલ, અમારા કાર્યક્રમમાં હોવા છતાં ત્યાં ચાલતાં સમારકામને કારણે અમે અંદર ન જઈ શક્યા. આગળ વધતાં એક નાનકડો ચેકડેમ તેમાંથી વહેતું બર્ફીલું વહેણ અને તેના કારણે થોડીક લીલોતરી. તે પાર કરી પહોંચ્યા એક અજાયબ નગરીમાં નામ “હેમીસ ગોમ્પા” એટલે કે હેમીસ મઠ. ગજબ ઊંચાઈએ ગજબ બાંધકામ. લાગભગ સો પગથિયાં ચડ્યા બાદ વિશાળ દરવાજો. અને તેની અંદર મોટું ચોગાન. ચારે તરફ અલગ અલગ ઓરડાઓ. જીવનના રહસ્યો સમજાવતા દ્રશ્યોના રંગીન ચિત્રો વડે શોભતી ખંડના પ્રેવશદ્વારની દીવાલો, અંદર સાધના માટે રાખેલા દરેક સાધકના નાના નાના ડેસ્ક અને ભવ્ય બુદ્ધ અને અન્ય ગુરુઓની પ્રતિમાઓ. હેમીસ મઠ ઉત્તર ભારતની સૌથી મોટી બૌદ્ધ પાઠશાળા ગણાય છે. ત્યાં મ્યુઝિયમ પણ છે જેમાં પૌરાણિક શૈલીની વસ્તુઓ જોવા મળે. ત્યાં સુવેનિયર શોપ પણ છે જ્યાંથી તમે પ્રતીકાત્મક વસ્તુની ખરીદી કરી શકો.

પછીનો મુકામ “થિકસે ગોમ્પા” જ્યાં કારનું પાર્કિગ થયું ત્યાંથી જ જાણે આખો પ્રાંત દેખાતો હતો. મઠ તો હજુ ખૂબ જ ઉપર હતો. અમારા ટુરઓપરેટરએ લોકોનો જુસ્સો વધારવા, જે અટક્યા વગર ઉપર પહોંચશે તેને ઇનામ જાહેર કર્યું. પણ ઘણાખરાની તબિયત બગડી ચુકી હતી એટલે એ લોકોએ તો પહેલેથી જ ના પાડી દીધી. અંદર જતાં એક તરફ સુંદર એમ્પોરિયમ હતું, પણ ખરીદી નહોતી કરવી એટલે અંદર ન ગયા. આગળ વધતાં લડાખીદવાઓનું ચિકિત્સાલય હતું. પીળાં ગુલાબો ઝૂલી ઝુલીને અભિવાદન કરતાં હતાં અને મેં પગથિયાં ચડવાનું શરૂ કર્યું. લગભગ દોઢસો પગથિયાં હશે, પણ થોડા ઊંચા હતાં વળી હવા પાતળી એટલે થાક લાગતો હતો. ઉપર મઠમાં પહોંચ્યા પછી બધો થાક વસૂલ થઈ ગયો. એક બાજુ બેમાળ ઊંચા “મૈત્રીય બુદ્ધ” તેની આંખોમાંથી કરુણા વરસાવતા હતા તો એ પ્રતિમાની ફરતાં અદભુત ચિત્રકામો આપણી આંખને શાતા પહોંચાડતાં હતાં. એક અન્ય કક્ષમાં ત્યાંની માતાના વિવિધ રૂપોના અનેક ચિત્રો અને નાની પ્રતિમાઓ હતી. મુખ્ય ગર્ભગૃહમાં અંદર જતાં જ કંઈક અલગ અનુભવ થયો. જાણે કોઈ ગેબી-રહસ્યમયી-તાંત્રિક જગ્યાએ પહોંચી ગઈ. ત્યાં ઘણાં દેવો હતાં જે પહેલાં ક્યારેય જોયા કે સાંભળ્યા નહોતા. ત્યાં ધરાઈને ફોટો લીધાં પછી હોટલ પાછા પહોંચી જમી લીધું.

જમ્યા બાદનું અમારું ગંતવ્ય સ્થળ “લેહ પેલેસ”. કલ્પના તો ઘણી કરી રાખી હતી. કેમકે ક્યાંક વાંચેલું કે ભવ્ય “લેહ પેલેસ” ત્યાંના રાજવીઓનો મુખ્ય પેલેસ હતો અને તિબેટના “પોટાલા પેલેસ”ની એકદમ પ્રતિકૃતિ છે. ત્યાં પહોંચ્યા તો બિચારો અનાથ પડ્યો હતો. સરકારે 5 રૂપિયા પ્રવેશ ફી રાખી છે. અંદર ગયા તો ફરી પચાસેક પગથિયાં. ઉપર ગયા પછી લાકડાના પાયાઓ અને પથ્થરથી બનેલા સાદા મોટા રૂમો. અમુક વિસ્મયકારી ચિત્રો હતાં. છત, દરવાજા ખૂબ નીચા. અહીં રાજપરિવારની બુદ્ધ પૂજાનો અલગ કક્ષ હતો. ત્રણ મૂર્તિ અને ચોપડા ભરેલો કબાટ. હજુ પણ એ મૂર્તિની પૂજા થાય છે. ત્યાનું વતાવરણ પણ મને રહસ્ય સંઘરીને બેઠું હોય તેવું લાગ્યું. ત્યાં કબાટમાં લાલગ્રંથો સચવાયેલાં હતાં અને ખબર નહીં મને લાગ્યું કે એમાં જાત-જાતના ચમત્કાર અને રહસ્યો સચવાયેલા છે. ત્યાંની અગાસીમાંથી આખું લેહ શહેર દેખાતું હતું અને દૂર રંગીન પહાડો. ત્યાં થોડો સમય વિતાવી અમે નીકળ્યા પછીની જગ્યા તરફ.

‘શાંતિ સ્તૂપ’ તરીકે પ્રખ્યાત જગ્યા ‘લેહ પેલેસ’ની બીજી દિશાની પહાડી ઉપર છે. આ સ્તૂપ જાપાનીઝ અને લડાખી બૌદ્ધ સાધુઓએ મળી બનાવડાવ્યું છે. સ્તૂપથી લગભગ એકાદ કિલોમીટર દૂર ઉતરી જવાનું હતું. અંદર ચાલીને જતાં એક વિશાળ હોલ હતો. જ્યાં સોનેરી ભવ્ય બુદ્ધ પ્રતિમા હતી. ત્યાં કોઈપણ વ્યક્તિ બેસી ધ્યાન ધરી શકે. શાંતિ સ્તૂપની આસપાસનું દ્રશ્ય એક વિશાળ કેનવાસ ઉપર દોરેલું અદ્દભુત ચિત્ર. હજુ તો ફોટો પાડી ધરાઈએ તે પહેલાં વતાવરણે પલટો ખાધો અને ખૂબ જ પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદ વરસવા લાગ્યો. ફટાફટ શાંતિ સ્તૂપની પ્રદક્ષિણા કરી ભાગ્યા કાર તરફ.

ત્યાંથી નીચે આવ્યા તો વાતાવરણ એકદમ સામાન્ય. સમય હતો એટલે અમે ઉપાડ્યા સિયાચીન મ્યુઝિયમ જોવા. આપણાં સેનાનીઓની બહાદુરી અને વિષમતાભરી જીંદગી ઉપર પ્રકાશ પાડતું આ મ્યુઝિયમ અચૂક જોવું જોઈએ. ત્યાં આપણી સીમાઓનું 3D મોડેલ બનાવેલું છે અને ક્યાંથી પાકિસ્તાન અને ક્યાંથી ચીનના હુમલાઓ થાય છે તે જગ્યા પણ સમજાવે છે. સિયાચીન બોર્ડર ઉપર સિપાહીઓના જીવનની ઝાંખી પણ કરાવાઈ છે. યુદ્ધ ઉપરની દસ્તાવેજી ફિલ્મ દેખાડે છે. જોઈને બહાર નીકળીએ ત્યારે થોડી ક્ષણો માટે અવાચક થઈ જઈએ.

તો આજે આપણે અહીં અટકીશું પણ લદ્દાખની રખડપટ્ટી ખતમ નથી થઈ, આવતાં અંકમાં ફરીશું પેન્ગોન્ગ લેક, દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રસ્તાઓ ઉપર, નુબ્રાવેલીમાં અને લેહની બજારમાં.

ત્યાં સુધી... દસ્વીડાનીયા !

- એકતા દોશી

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)