એક એવી સ્કૂલ કે જ્યાં રિસેસ જ છે ! Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક એવી સ્કૂલ કે જ્યાં રિસેસ જ છે !

એક એવી સ્કૂલ કે જ્યાં રિસેસ જ છે !

સ્કૂલ હોય તો આવી, હેં ને ? સ્કૂલ શબ્દ કાનમાં પડતા જ આપણી આંખની સામે એક જ દૃશ્ય ખડું થાય – બિલ્ડિંગ, વર્ગો, બેન્ચ, બ્લેક બોર્ડ, ચોક અને હવે કદાચ વ્હાઈટ બોર્ડ અને માર્કર અને બેલ. આ બધું એટલે સ્કૂલ. એક એવી જગ્યા કે જ્યાં બાળપણમાં જવામાં કંટાળો આવતો અને ધીમે ધીમે મોટા થતાં ગયાં એમ સારા ભવિષ્યની ચિંતાએ જવું પડતું.

પણ આજે એવી એક સ્કૂલ વિશે વાત કરવી છે જ્યાં ‘કાયમી રિસેસ’ જ છે. સડબરી વેલી/Sudbury Valley એક એવી સ્કૂલ છે જ્યાં અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી, કોઈ ગ્રેડ નથી, કોઈ યુનિફોર્મ નથી કે કોઈ બેલ નથી. છતાં આ સ્કૂલ ૧૯૬૮થી અવિરતપણે ફ્રામિંગહામ, મેસેચ્યુસેટ્સ – અમેરિકામાં ૪ થી ૧૯ વર્ષનાં બાળકો સાથે કામ કરી રહી છે અને આ સ્કૂલથી પ્રેરણા લઈ અને બીજી પચાસ જેટલી સ્કૂલ બાળકો સાથે ઉત્તમ કામ કરી રહી છે.

શીખવવા માટેનો કે શીખવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો ? બાળકોને કયા વિષયો શીખવવા જોઈએ ? આ બધા પ્રશ્નોની વચ્ચે આજનું શિક્ષણ અટવાયું છે. સડબરી વેલી તોલ્સતોયના એક વિચાર પર છેલ્લા ૫૦ વર્ષથી અવિરતપણે કામ કરી રહી છે અને સફળતાના ફળ ઉતારી રહી છે. એ વિચાર છે – ‘મનુષ્યો મૂળભૂત રીતે જિજ્ઞાસુ હોય છે.’ જીવનના પ્રાકૃતિક સ્વરૂપે જિંદગી જીવાતી હોય અને અંદરની આંતરિક પ્રેરણાથી કુદરતના દરેક જીવ જીવે છે એ રીતે જીવવાનો પ્રયાસ અહીં કરાય છે.

એવું પણ નથી કે અહીં સ્કૂલ, એનું મકાન, અન્ય સાધન સામગ્રી તથા લાયબ્રેરી નથી, પણ એ બધું ત્યારે છે જ્યારે બાળકને એની જરૂર હોય, બાકી એ નિષ્ક્રય રહે છે. બિલકુલ હેરી પોટરમાં જે. કે. રોલિંગે દર્શાવેલો ‘આવશ્કયતા ખંડ !’ જરૂર હોય ત્યારે ઉપલબ્ધ અને જરૂર ન હોય તો ત્યારે અનુપલબ્ધ.

સડબરી વેલીની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં સમય સ્ટોપ કરી દેવાય છે. જે બાળકને જેમાં રસ હોય એ દરેક વસ્તુ એના સમયે એની ક્ષમતા મુજબ કરવા અપાય છે. જેમ કે, કોઈ બાળકને સંગીતમાં રસ છે તો એ બાળક સંગીતનો રીયાઝ એના સમયે કરી શકે છે. માછલી પકડવાનો શોખ હોય તો માછલી પકડવામાં એ બાળક વર્ષો કાઢી નાખે, જેને વાંચનમાં રસ છે એ બસ વાંચ્યા કરે અને જો વાંચતા જ ન શીખવું હોય તો પણ સ્વીકાર્ય છે. ૧૦ વર્ષનો બાળક હોય અને વાંચી ન શકતો હોય એવું પણ બને. બાળકને ઈચ્છા થાય કે હવે મારે વાંચતા શીખવું ત્યારે એને અક્ષરજ્ઞાન અપાય છે. કુદરતે આપેલા ‘સ્વ’ને બાળક ઓળખી શકે એ કામમાં સડબરી વેલી એક માધ્યમ બને છે. નોંધવું એ પણ ઘટે કે અહીં એવું પણ નથી કે મન ફાવે તે કરો. કોઈ પણ વસ્તુ કે સાધનનો ઉપયોગ કરવા માટે પ્રમાણપત્ર લેવું પડે જેથી અકસ્માતો નિવારી શકાય.

પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતાં બાળકો પાસે સમય જ નથી હોતો. એ સતત પોતાની જાત જોતરી દે છે અને ધીરજ, સહનશક્તિ, નિષ્ઠા, લગન, મદદ જેવા અમૂલ્ય ગુણો શીખી લે છે. પોતાના આંતરિક અવાજને ઓળખી શકે એવા વાતવરણમાં સંસ્થાના સ્થાપકોમાંના એક હન્ના ગ્રીનબર્ગ કહે છે – સડબરી વેલી એટલે કશું જ ન કરવાની કળા !

‘તમે શું કામ કરો છો ?’

‘સડબરી વેલી સ્કૂલમાં છું.’

‘તમે ત્યાં શું કરો છો ?’

‘કશું જ નહીં.’

વ્યવસ્થાપક અને શિક્ષક થઈ કશું જ ન કરવું એટલે સલાહ સૂચનો આપવાના બંધ કરી દેવા. આ કાર્ય સૌથી વધુ ઊર્જા અને શિસ્ત માંગી લે છે. રેડીમેડ સોલ્યુશન આપી દેવાની જે આપણી ટેવ છે એ બાળકોના અહિતમાં છે, કેમ કે આપણે બાળકને કુદરતે આપેલા અવાજને ઓળખી શકે એ કાબિલ બનવા નથી દેતાં. જ્યારે સડબરી વેલી એ સારી રીતે કરે છે.

સડબરી વેલી જઈ શકીએ એટલા તો આપણે નસીબદાર નથી, પણ સડબરી વેલીની વ્યંજન વિધિ છે – થોડી આઝાદી, થોડી ગરિમા, થોડી જવાબદારી, થોડું સમર્થન, થોડી મદદ અને તૈયાર થાય ત્યાં સુધી ઠરવા દો ! ■

- પૂજન જાની

Reference - Free at last

(આખરે આઝાદ)