Amazing science behind daily usable goods Part 1 books and stories free download online pdf in Gujarati

રોજબરોજની ચીજો પાછળનું અવનવું વિજ્ઞાન : ભાગ - ૧

રોજબરોજની ચીજોની અવનવી માહિતી (ભાગ - ૧)

આગળના અંકમાં મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનની બહુચર્ચિત થિઓરી 'ઉત્ક્રાંતિવાદ'ની અમુક મર્યાદાઓ જોઈ. એનાથી એટલું તો જરૂરથી સાબિત થાય છે કે કોઈ પણ નિયમ કે સિદ્ધાંત ભલે ગમે એટલો સાચો માની લેવાય, પણ જ્યાં સુધી એને 360° જેટલું ફેરવી, ઉલ્ટાવી - સુલ્ટાવીને ના જોઈએ ત્યાં સુધી તેમાં રહેલ ભૂલો કે ખામીઓની ખબર પડતી નથી. જો કે એ તો માનવું જ રહ્યું કે એ સમયમાં તેમણે કરેલ ખોજ એ બહુ મહાન હતી. એટલે જ આજે આપણી પાસે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં આપણે આપણી શંકાઓનું સમાધાન કરવા જૂના ગ્રંથો ઉપાડવા જ પડે છે. એ ગ્રંથો તો ખરેખર આપણા મહાન વૈજ્ઞાનિકો ની જ ભેટ છે.

જોકે, આ વખતે મારો વિષય કંઈક જુદો જ છે. હાલના યુગમાં વિજ્ઞાનમાં રોજેરોજ નવી નવી શોધો થતી જ રહે છે. કાલે લગભગ અશક્ય મનાયેલી શોધો આજે 100% શક્ય બની છે. એવું પણ બની શકે કે આપણી આવતી કાલ આપણા વિચારોમાં જે ફક્ત કલ્પનાઓ રહેલી છે તે તેને એક નક્કર સ્વરૂપ આપી દે તથા દુનિયા સમક્ષ એક નવો આવિષ્કાર બની જાય !

આપણે આજે આપણા નાનામાં નાના તથા એકદમ મોટા કામ-કાજ માટે લગભગ અગણિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ખાસ કામ માટે બનાવેલી વસ્તુનો ઉપયોગ આપણે બીજા કામ માટે પણ કરી લઈએ છીએ અને ક્યારેક એવું બને છે કે જે કામ માટે જે વસ્તુ બનાવાઈ હતી તેનો ઉપયોગ એ કામ માટે ભાગ્યે જ થાય છે.

વળી કેટલીક વસ્તુઓ તો એવી પણ હોય છે કે જેનો ઉપયોગ આપણે બરોબર રીતે જાણી નથી શકતા. એટલે ભૂલથી પણ એનો ખોટો ઉપયોગ થયા કરે છે, તો ક્યારેક કેટલીક ચીજ પર છાપેલી સંજ્ઞાઓનો મતલબ આપણે બરોબર ખબર હોતી નથી. ઘણીવાર એ સંજ્ઞાઓને સમજ્યા વગર એનો થતો ઉપયોગ હાનિકારક પણ બને છે.

આ અંકમાં હું તમારા માટે કેટલીક એવી જ રોજબરોજની ચીજો વિશેનું થોડુંક જ્ઞાન વધારવા જાણકારી લઈને આવ્યો છું. આમાંની અમુક ચીજો વિશે તમે જાણતા હો તેવું બની શકે પણ એના સિવાય કેટલીક ચીજોની માહિતી જરૂર મળશે જ કે જે હવે પછી જ્યારે વપરાશમાં આવશે ત્યારે તમને તુરંત યાદ આવશે કે એના વિશે ક્યાંક વાંચેલું છે...!

1) આઈ-ફોનમાં પાછળની બાજુએ આવેલો એક હોલ કે જે ફ્લેશ અને રિઅર કેમેરા વચ્ચે આવેલો હોય છે.

આઈ ફોનનું નામ પડતા જ કેટલાક લોકોનું મોઢું મલકાઈ ઉઠે. આમેય આઈફોન પ્રત્યે કૂણી લાગણી ધરાવતો એક વર્ગ લગભગ પુરી દુનિયામાં રહેલો છે ( ભલે ખરીદશક્તિ હોય કે ના હોય ) .

આઈ-ફોનની એક ખાસ વાત છે કે તે દરેક વખતે પોતાના ગ્રાહકો માટે કંઈકને કંઈક નવા ફીચર લાવી પોતાનું આકર્ષણ જાળવી જ રાખે છે. આ નવા ફિચરની તે જાહેરમાં ઘણી માર્કેટિંગ કરે છે ( જેમ કે હમણાં લોન્ચ થયેલા આઈ ફોન માં ફેસ સ્કેનર છે કે જેની મદદથી હવે ફોન ચહેરાની મદદથી અનલોક કરી શકાશે. )

એના સિવાય પણ આઈ ફોન ઘણા વધારાના ફીચર આપે છે કે જેનાથી તમારા ઓડિયો, વિસુઅલ્સ તેમજ વિડીઓગ્રાફીને વધુ સારો અનુભવ મળે છે.

આવું જ એક ફીચર એના નવા લોન્ચ થયેલા ફોનમાં જોવા મળે છે: જો તમે આઈફોનની પાછળની બાજુએ જોશો તો એમાં એના કેમેરા અને સેન્સર વચ્ચે એક નાનકડું હોલ જેવું આપેલ છે.

જો કે, કેમેરા તથા સેન્સર આપી દીધા હોવાથી આ હોલનો વધુ પડતો ઉપયોગ શું હશે એની ઘણાંને ખબર હોતી નથી.પણ હકીકતમાં આ એક વધારાનું માઇક્રોફોન છે. તેને આપવાનું કારણ હવે સમજીએ:

- આજે આઈફોન આવા બધા ફોનમાં રિઅર કેમેરા - સુપ્રીમ ક્વોલિટીનો આપે છે, એટલે જ્યારે ફોટો કે વિડિઓ રેકોર્ડિંગ કરવું પડે ત્યારે સારામાં સારી ગુણવત્તા મળી શકે. પણ ઘણીવાર વિડિઓ રેકોર્ડિંગ કરતી વખતે આજુબાજુના અવાજો પણ વિડિઓમાં આવી જાય છે, જે છેલ્લે વિડિઓની ગુણવત્તાને એકદમ બગાડી નાખે છે.

- એવું ન થાય તે માટે આ હોલ એટલે કે એડિશનલ સપોર્ટરનો ઉપયોગ થાય છે, એટલે આ માઇક્રોફોન વિડિઓ રેકોર્ડિંગ વખતે ફક્ત વિડિઓની રેન્જના અવાજોને જ કેપ્ચર કરે છે એટલે કે ઝડપી લે છે અને આવી રીતે ખૂબ સારી ક્વોલિટીના ઓડિયોથી વિડિઓની ગુણવત્તા પણ જળવાઈ રહે છે.

- તો હવે એવું ન વિચારતા કે આ હોલ ફક્ત સારા દેખાવ માટે જ છે. કેમકે કોઈ પણ કંપની ફક્ત સારા દેખાવ માટે જ એક્સ્ટ્રા માઇક્રોફોન આપી દે એટલી તો મૂર્ખ ન હોય !

2) કટર પર બનાવેલ લાઈનો જે સમાન અંતરે આખી બ્લેડ પર હોય છે.

- જો તમે કયારેક કટર કે પ્રમાણમાં મોટી બ્લેડનો ઉપયોગ કર્યો હશે તો ખબર હશે કે એની આખી સપાટી ઉપર સમાન અંતરે થોડા કાપા પડેલા હોય છે. આ કાપા શરૂઆતથી લઈને છેલ્લે સુધી સમાન અંતરે આવેલા હોય છે

- જોકે આ કટર નથી પણ આને X-ACTO નાઈફ એટલે કે ચાકુ કહે છે. આનો ઉપયોગ સામાન્ય જાડા કાગળથી માંડીને મધ્યમ જાડાઈની ચીજ વસ્તુઓને કાપવા માટે થાય છે .

- હવે વાત કરીએ તેમાં ઝીણવટપૂર્વક પાળેલા કાપાઓની: આ કાપાઓ કોઈ ચોકકસ ખૂણા (ANGLE) પર પાડવામાં આવ્યા હોય છે ને આ ખૂણો આખી બ્લેડમાં એકસમાન જ રહે છે. અહીજ એનું મહત્વ વધી જાય છે. ખરેખરમાં આનો ઉપયોગ બ્લેડની લાઈફ એટલેકે એનો કાર્યકાળ વધારવા થાય છે. જેમ બ્લેડની ધાર ઘસાતી જાય એમ એની કાર્યક્ષમતા ઘટતી જાય છે. આમેય બ્લેડનો આગળનો જ ભાગ તીક્ષ્ણ હોય છે. એટલે એકવાર એ ઘસાઈ જાય પછી બુઠ્ઠા ભાગ વડે જ કામ કરવું પડે છે, એવામાં વસ્તુ બરોબર કપાઈ શકતી નથી .

- આવી પરિસ્થિતિમાં જો આપણે આ કાપાના ઉપયોગ ન જાણતા હોઈએ તો એ બુઠ્ઠો ભાગ ખરી ન જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. પણ એટલી રાહ જોવાની જરૂર નથી. આપણે આ કાપાની મદદથી એ ભાગને દૂર કરી શકીએ છીએ. જેથી નવી ધાર મળી જાય અને સારી રીતે કટિંગ થઈ શકે. આમ, જેટલા વધુ કાપા હોય એટલી વધારે સારી વાર આપણે બ્લેડનો ઉપયોગ કરી શકશું.

- એટલે હવે બીજી વાર જયારે બ્લેડની ધાર બુઠ્ઠી થઈ જાય ત્યારે રાહ જોતા બેસી ન રહેજો, કાપા પાસે હળવેકથી બ્લેડને વાળજો, એટલે તુરંત નવી બ્લેડ હાજર.

3) ફેબ્રિકનો નાનકડો ટુકડો જે નવા કપડાં સાથે આવતો હોય છે.

- આહા, નવા કપડાંમાંથી આવતી સુગંધ તો કંઈક ઓર જ હોય છે ને એ નવા કપડાં પહેરીને બહાર નીકળવાનો વટ પણ અલગ જ હોય છે ! જો કે આ કપડાં સાથે કંપની પ્રાઇસ ટેગ સિવાય કશું આપતી નથી ! ( હા, દુકાનદાર પોતાની દુકાનના નામ વાળી પ્રિન્ટેડ થેલી ચોક્કસ આપે છે.)

- પણ તમે નોંધ્યું હશે કે, કયારેક કોઈ કપડાંની ખરીદી કરીએ ત્યારે એક એક્સ્ટ્રા નાનકડો ફેબ્રિકનો કપડો પણ આપણને મળે છે .

- આ ટુકડો શર્ટ કે પેન્ટ ના પાછળના ભાગમાં લગાડેલ હોય છે. જોકે પહેલી નજરમાં ઘણા ને જોતા એમજ લાગે કે આ કોઈ પેચ કે થિંગડું છે. એટલે આપણને એમજ લાગે કે જ્યારે શર્ટ કે પેન્ટ ફાટી જાય ત્યારે એની જગ્યાએ લગાડવા માટે એનો ઉપયોગ કરાતો હશે. પણ એને આપવાનું કારણ બીજું જ છે.

- આ કપડાંનું મટીરીયલ તમે ખરીદેલા પેન્ટ કે શર્ટનું જ હોય છે. એટલે એનો એક ફાયદો છે: આજે બજારમાં કાપડના ઘણા પ્રકાર તથા ઘણી સ્પેશિયાલિટી જોવા મળે છે. એટલે એકવાર પહેર્યા પછી જ્યારે કપડાં ધોવામાં જાય ત્યારે આપણો વોશિંગ પાવડર કે પછી સાબુ એના પર કેવી રીતે અસર કરશે એ જાણવું જરા અઘરું બની ગયું છે. ઘણીવાર મોંઘાદાટ કપડાઓમાં આપણી જરા સરખી ભૂલને લીધે બીજા કપડાંના રંગ લાગી જાય છે, કે પછી કોઈક કોઈક ઠેકાણે દાગ લાગી જાય છે. ક્યારેક કપડું પોતે કલર છોડે છે ને ઝાંખું પડી જાય છે.

- આવી હાલતમાં નવા નકોર લીધેલા કપડાને ખાતરી કર્યા વગર ધોવા ન આપી શકાય . બસ, આ ફેબ્રિકનો ટુકડો એ જ કામ કરી આપે છે. અસલ મટીરીયલથી બનેલ આ ટુકડાને વોશિંગ મશીન કે હાથથી ધુઓ ને એના પર જે અસર થાય એ જ સાચી. એટલે ફક્ત થોડીજ વારમાં અસલ કપડાને ધોશું તો શું હાલત થશે ? એ જણાઈ જાય છે. એટલે આ ટુકડો એક ટેસ્ટ મટીરીયલ જેમ વર્તે છે. છે ને સસ્તોને સારો આઈડિયા?

- જોકે આ ટુકડા સાથે ક્યારેક એક એક્સ્ટ્રા બટન પણ આપેલ હોય છે. પણ એનું કોઈ ખાસ કામ નથી સિવાય કે કોઈ બટન તૂટી કે ખોવાઈ જાય !

4) મેક-અપના સાધનો પર આપવામાં આવતી કેટલીક નિશાનીઓ

-આજે બજારમાં મહિલાઓ તો ઠીક પણ પુરુષના પણ વિવિધ પ્રકારના મેક-અપ કરવાના સૌંદર્ય - પ્રસાધનોની ભરમાર જોવા મળે છે. ચહેરા પર હળવો કે થોડો ભારે મેક-અપ કરવાથી એક અલગ જ પ્રકારનો ઉઠાવ જોવા મળે છે. પણ આ બધા પ્રસાધનો મોટે ભાગે ચહેરા માટે એકદમ સુરક્ષિત નથી હોતા.

- જ્યારે કોઈ મોટી કંપની એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટ ધરાવતી કંપની પોતાના પ્રોડક્ટસ બહાર પાડે છે, ત્યારે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે તેની બધી પ્રોડક્ટસ બધી આબોહવામાં રહેતા લોકો માટે ફાયદાકારક હોય. આવું શક્ય બને એ માટે એ એવી જ પ્રોડક્ટસ મોટે ભાગે બનાવે છે કે જે બધા વાતાવરણમાં રહેતા લોકો માટે કામ આવી શકે. આ માટે તે ખાસ એ પ્રોડક્ટ પર સ્કિન ટાઈપ લખે છે. આ ઉપરાંત અમુક તાપમાન અને ભેજની પણ ચોક્કસ માત્રા પણ બતાવે છે કે જેનાથી પ્રોડક્ટ લાંબો સમય રહી શકે.

- આ બધું લગભગ પ્રસાધનોમાં સામાન્ય હોય છે. પણ અમુક ચહેરા પર મેકઅપ કરવાના સાધનોમાં ( ખાસ કરીને વિદેશના) અલગ અલગ સંજ્ઞાઓ પણ વપરાય છે. જેમકે કેટલાક પર 6M , 24M જેવું ચિત્રણ હોય છે. આ ઉપરાંત ક્યારેક 12M, 18M પણ અંકિત કરેલા હોય છે.પણ વધુ પડતા લોકો એના પર ધ્યાન આપતા નથી.

- આ સંજ્ઞા સમય વિશે બતાવે છે. 6M કે 18M નો અર્થ અનુક્રમે 6 મહિના તથા 18 મહિના એવો થાય છે. એ તો જાણીતું છે કે વધારે સમય મેક-અપનો ઉપયોગ કરતા રહીએ તો ચહેરા પર ખરાબ અસર થાય છે. ચહેરા પર રિએક્શન થવાની કે એલર્જી થવાની સંભાવના વધી જાય છે. આવા સમયે આવી સંજ્ઞાઓ ઉપયોગી થઇ પડે છે . 6M જેવી સંજ્ઞાઓ એમ સૂચવે છે કે , એકવાર બોક્સ ઓપન કાર્ય પછી લગભગ 6 મહિના સુધી એનો ઉપયોગ કરી શકાય . આ થોડુંક અજુગતું છે કેમકે ખાણી-પીણીના સાધનો પર ચોક્કસ મુદત એટલે કે એક્સપાયર થવાની તારીખ ચોક્કસ લખેલી હોય છે . પણ મેકઅપના સાધનોમાં આવું પણ ક્યારેક જોવા મળે છે. તેઓ MFD. એટલેકે મેનુફેક્ચરિંગ તારીખ કરતા PAO. ને વધુ મહત્વ આપે છે. આ PAO = Period After Open .

- એટલે હવે પછી જો બોક્સ પર 12M (સમજીલો કે), લખેલું છે. તો એનો મતલબ એમ છે કે પહેલી વાર બોક્સ ઓપન કરી લીધા પછી એ વધુમાં વધુ 12 મહિના એટલે કે એક વર્ષ જેટલા ઉપયોગ માટે કાર્યક્ષમ છે . પણ પછી એનો ઉપયોગ હિતાવહ નથી. ( જોકે , મોંઘાદાટ પ્રસાધનો ફેંકી દેતા જીવ તો ન ચાલે પણ શું થાય ?)

5) સ્નિકર શૂઝમાં એકદમ નીચે આવેલા વધારાના બે થી ચાર હોલ્સ.

- આજે ફેશનની દુનિયામાં જો કોઈ મોંઘા કે મનમોહક શૂઝ વડે કદમ રાખો તો તમારો વૈભવ કંઈક ઓર જ હોય. આજે વિવિધ પ્રસંગને અનુરૂપ માર્કેટમાં વિવિધ પ્રકારના શૂઝ સરળતાથી મળી જાય છે. માર્કેટમાં સ્નિકર્સ, લોફર, કેસૂઅલ, પાર્ટીવિઅર અને એના જેવા કેટલાય શૂઝની ડિમાન્ડ છે. તેમાંય વળી સ્પોર્ટ્સના શૂઝની તો અલગ બોલબાલા છે. આવામાં બધા શૂઝ વિશે થોડું થોડું જાણવું જરૂરી બની જાય છે.

- પણ આ બધામાં સ્નિકર્સ શૂઝનું આકર્ષણ કંઈક વિશેષ છે. એમાંય વળી કનવર્સ (CONVERSE) શૂઝનું ચલણ ઘણું વધતું જાય છે. આ પ્રકારના શૂઝ નીચેથી આકર્ષક સોલ ધરાવતા, ફેશનેબલ તથા પહેરવામાં સરળ હોય છે. આમેય સ્નિકર્સમાં અંદર મોજા( SOCKS) પહેરવાની જરૂર રહેતી નથી. પણ કનવર્સ સ્નિકર્સમાં થોડું અલગ જોવા મળે છે. આ શૂઝમાં નીચેના ભાગમાં બે એક્સ્ટ્રા હોલ્સ જોવા મળે છે.

- લોકોની માન્યતા પ્રમાણે આ હોલ્સ નીચે પૈકી કોઈ બે કારણથી આપેલા હોવા જોઈએ:

૧) ફેશન માટે : કેમકે નીચે આપેલા હોલ્સથી એની બહારની બાજુ વધુ સારી દેખાય છે .

૨) શૂઝને વધુ ટાઈટ કરવા માટે : ઘણા લોકો આ વધારાના હોલ્સમાં દોરી (Les) ભરાવીને એને વધુ ટાઈટ પહેરે છે, જેથી બિચારા શૂઝ ચપોચપ પગ સાથે ભીડાઈ જાય છે.

- જો કે, આ બંને માન્યતાઓ એક યા બીજા તર્કથી સાચી છે. પણ આ હોલ્સ આપવાનું મુખ્ય કારણ બીજું જ કંઈક છે: જ્યારે આ કનવર્સ શૂઝ શરૂઆતમાં બનાવવામાં આવ્યા ત્યારે એનું મુખ્ય પહેરણ એના સોલથી બહુ ઊંચું રખાતું. એટલે એ શૂઝ તમારી એડીથી કરીને બહુ ઊંચે સુધી પગને ઢાંકી દેતા. આમ, આવા શૂઝ એક અલગ જ પ્રકારનો લૂક પગને આપતા. પણ આને પહેરવામાં તકલીફ પડતી તથા પગમાં હવા આવજા ન કરી શકતી હોવાથી , વધારે વાર પહેર્યા બાદ પગની હાલત ખરાબ થઈ જતી.

- આમ, હવે તમે પણ કારણ જાણી ગયા હશો એમ , વધારે હવાનું સર્કિયુલેશન થાય એ માટે જ આ વધારે હોલ્સ નીચેના ભાગમાં આપવામાં આવ્યા. એટલે પગ બિચારા ગરમીમાં રિબાઈ ન જાય ને ઓક્સિજન પૂરતું મળતું રહે.

- જોકે, સમયાંતરે કનવર્સ સ્નિકર્સની નવી - નવી ડિઝાઇન માર્કેટમાં આવતી ગઈ. એટલે એના સોલ હવે મુખ્ય પહેરણથી સામાન્ય જ અંતરે મુકાયા. એટલે આ શુઝની સાઈઝ હવે બીજા શુઝની સાઈઝ જેટલીજ બની ગઈ. પણ એમાં નીચે હોલ્સ આપવાનો જે ચીલો ચિતરાયો તે પછી ન બદલાયો. એટલે મોટા ભાગના કનવર્સ શૂઝમાંય નીચે બે હોલ્સ હોય છે..............

આજે , અમુક ચીજો વિશે હવે આપણે જાણી ગયા છીએ. તો આવતા અંકે વધુ કેટલીક આવી જ ચીજોની રસપ્રદ માહિતી જાણવા માટે તૈયાર રહેજો...!

(જ્ઞાન-વિજ્ઞાન-મનોરંજન પીરસતા ‘ખજાનો’ મેગેઝિનના લેખો કલરફૂલ પેજ તથા સચિત્ર માણવા લોગ ઓન કરો : www.khajanogujratimagazine.wordpress.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED