બેઈમાન - 14 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બેઈમાન - 14

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 14

અસલી ગુનેગાર અને અંત !

અત્યારે રાતના નવ વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઇ હતી.

સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી.

દિલીપે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

‘હલ્લો...કેપ્ટન દિલીપ સ્પીકીંગ !’ એણે કહ્યું.

‘હું સબ ઇન્સ્પેક્ટર અમરજી બોલું છું મિસ્ટર દિલીપ !’

‘બોલ....!’

‘એ પોતાના અસલી રૂપમાં, એક બ્રીફકેસ લઇ સ્કૂટર પર બેસીને ઘેરથી નીકળી ચૂક્યો છે.’

‘ગુડ...!’ દિલીપ બોલ્યો, ‘એનો પીછો તો થાય છે ને ?’

‘હા...ખુબ જ સ્ફૂર્તિ એણે ચાલાકીથી તેનો પીછો કરવામાં આવે છે, એક વાયરલેસ જીપ તેની પાછળ જ છે.’

‘સરસ...એ આ તરફ આવતો હોય તો ઠીક છે. તો એને અટકાવશો નહીં. પણ જો એ નાસી છૂટવાનો પ્રયાસ કરે તો બેધડક તેની ધરપકડ કરી લેજો. તારી પાસે ટ્રાન્સમીટર તો છે ને ?’

‘હા...’

‘ઓ.કે ..તું ટ્રાન્સમીટર પર જીપનો સંપર્ક ચાલુ જ રાખજે.’ કહીને દિલીપે સંબંધ વિચ્છેદ કરી નાંખ્યો. પછી જાનકી વિગેરે સામે જોઇને એણે કહ્યું, ‘એ અહીં આવવા માટે રવાના થઇ ગયો છે. બધા પોત-પોતાના સ્થાને ચાલ્યા જાઓ. આ રૂમમાં માત્ર મિસ જાનકીએ જ રહેવાનું છે.’

શાંતા અને વામનરાવ ઊભા થઇ ગયા.

દિલીપે શાંતા પાસેથી તેની સર્વિસ રિવોલ્વર લઈને જાનકીને આપી દીધી. પછી કહ્યું, ‘મિસ જાનકી, આ રિવોલ્વર તમારી સલામતી માટે છે. તમારી જાતને બચાવવા માટે આ રિવોલ્વરથી તમને એ ખૂનીનું ખૂન કરવાની પણ પૂરી છૂટ છે.’

જાનકી કંઈ ન બોલી. એ નર્વસ દેખાતી હતી.

‘મિસ જાનકી..!’ દિલીપ તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘તમારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી ખૂની તમારી પાસે માધવીનો પત્ર નહીં મેળવી લે, અને તમારા બચાવ માટે તમે શું વ્યવસ્થા કરી છે, એ નહીં જાણી લે, ત્યાં સુધી તમને મારવાની વાત તો એક તરફ રહી, તે તમને આંગળી પણ નહીં અડકાડે.

‘હું ગભરાતી નથી...!’ જાનકીએ પોતાના ગભરાટ પર કાબૂ મેળવતાં કહ્યું, ‘બસ, જરા નર્વસ છું.’

દિલીપે પોતાના ગજવામાંથી રિવોલ્વર કાઢીને તેની ચેમ્બર તપાસી, અંદર છ એ છ ગોળી મોજુદ હતી.

‘હું ત્યાં છુપાઈને રહીશ.’ એણે એક તરફ સંકેત કરતાં કહ્યું, ‘ત્યાંથી આખી રૂમ પર નજર રાખી શકાય તેમ છે. જો એ જરા પણ તીડીબાજીનો પ્રયાસ કરશે તો હું બેધડક તેને ગોળી ઝીંકી દઈશ. માટે તમે એકદમ નિશ્ચિંત રહેજો.

જાનકીએ હકારમાં માથું હલાવ્યું.

ત્યારબાદ દિલીપ, શાંતા તથા વામનરાવ ડ્રોઈંગરૂમમાંથી બહર નીકળી નક્કી થયેલા સ્થાને છુપાઈ ગયા.

હવે ડ્રોઈંગરૂમમાં જાનકી એકલી જ હતી.

રૂમમાં ટ્યુબલાઈટનો પ્રકાશ છવાયેલો હતો.

શાંત વાતાવરણમાં ઘડિયાળનો ટીક...ટીક અવાજ ગુંજતો હતો.

ઘડિયાળનો કાંટો ધીમે ધીમે દસના આંક તરફ સરકતો જતો હતો.

દસ વાગ્યામાં બે મિનિટ બાકી હતી, ત્યાં જ અચાનક ડોરબેલ રણકી ઊઠી.

જાનકીના ધબકારા એકદમ વધી ગયા.

‘ક..કોણ છે ?’એણે નર્વસ અવાજે પૂછ્યું.

‘તું જેની રાહ જુએ છે એ જ !’ બહારથી કોઈક પુરુષનો ઊંચો સ્વર તેને સંભળાયો.

જાનકી સોફા પરથી ઊભી થઈને બારણું ઉઘાડવા માટે આગળ વધી. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. જાણે પગમાં મણ મણનો બોજો ખડકાયો હોય એવો ભાસ તેને થતો હતો.

એ થોડી ભયભીત દેખાતી હતી.

અને ભયભીત શા માટે ન થાય ? ગમે તેમ તોય છેવટે એ સ્ત્રી હતી. ઉપરાંત અગાઉ ક્યારે ય એણે આવી પરિસ્થિતિનો સામનો પણ નહોતો કર્યો.

પોતે જેને માટે બારણું ઉઘડવા જાય છે, તે એક ખૂની છે...એણે એક નહીં પણ ત્રણત્રણ ખૂન કર્યા છે એ વાત પણ તે જાણતી હતી.

પરંતુ પછી તરત જ જે લોકોના ખૂનો થયા હતાં, એમાં પોતાની બહેનપણી માધવીનો પણ સમાવેશ થતો હતો. એ વાત તેને યાદ આવી.

આ વાત યાદ આવતાં જ એનો ભય ઊડી ગયો. ખૂનીનો સામનો કરવાની હિંમત એનામાં આવી ગઈ.

મક્કમ ડગલે આગળ વધીને એણે બારણું ઉઘાડ્યું.

બહાર ઊભેલા માણસને જોઇને અનાયાસે જ એની નજર સમક્ષ માધવીનો ચહેરો તરવરી ઊઠ્યો.

સામે ઊભેલા માણસ પ્રત્યે એનું મન નફરત અને ઘ્રુનાથી ભરાઈ ગયું.

એના મોં પર થૂંકીને પોતાના લાંબા નખ વડે તેને લોહીલુહાણ કરી નાંખવાની તીવ્ર ઈચ્છા એની નસેનસમાં ઉછાળા મારવા લાગી.

માંડ માંડ એણે પોતાની ઈચ્છા પર કાબૂ મેળવ્યો.

‘આવ...આવ...’ સ્મિત ફરકાવીને એક તરફ ખસતાં એણે કહ્યું, ‘અંદર આવી જ...!’

આગંતુક અંદર દાખલ થયો. અત્યારે એ પોતાના અસલી રૂપમાં હતો.

આગંતુક બીજો કોઈ નહીં પણ માધવીનો પતિ રણજીત જ હતો.

‘તું આવીશ અને રકમ સાથે જ એની મને પૂરી ખાતરી હતી.’ જાનકીએ બારણું બંધ કરીને તેની સ્ટોપર ચડાવતાં કહ્યું.

રણજીત ચૂપચાપ સોફા પર બેસી ગયો. એણે પોતાના હાથમાં જકડાયેલી બ્રીફકેસને સેન્ટર ટેબલ પર મૂકી દીધી.

‘ફોન પર તે જે પત્રનો ઉલ્લેખ કર્યો હતો, એ પત્ર ક્યાં છે ?સહસા એણે ગળું ખંખેરીને પૂછ્યું.

‘એ પત્ર ક્યાં છે, તે આટલી જલ્દીથી તને કહી શકું તેમ નથી.’ જાનકી ગંભીર અવાજે બોલી, ‘આટલી ઉતાવળ શું છે ? પહેલાં સોદો તો થઇ જવા દે. પછી જણાવીશ.

‘હું એ પત્ર વાંચી લઉં પછી જ સોદો થશે ને ? પત્ર વાંચ્યા વગર હું તારી માંગણી કેવી રીતે પૂરી કરી લઉં ?’

‘તો તારે એ પત્ર વાંચવો છે એમ ને ?’

‘હા...!’ રણજીતે હકારમાં માથું હલાવતાં કહ્યું.

‘તો એમ વાત કરને ! તારું આ કામ તો પત્રની ઝેરોક્ષથી પણ પતી જાય તેમ છે.’ જાનકી એક મેગેઝીન વચ્ચેથી પત્રની ઝેરોક્ષ નકલ કાઢીને તેની સામે લંબાવતા બોલી, ‘લે વાંચી લે.’

રણજીત એના હાથમાંથી પત્રની ઝેરોક્ષ લઈને વાંચવા લાગ્યો.

એમાં લખ્યું હતું.

પ્રિય સખી જાનકી,

માધવીની મધુર યાદ.

જાનકી, તું તો તારા માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે આનંદમાં હોઈશ. પણ અહીં મારા પર શું વીતે છે એની કદાચ તને નહીં ખબર હોય ! જાનકી, હું ખુબ જ પરેશાન છું. બે દિવસથી મને સરખી ઊંઘ પણ નથી આવતી. મારું દિવસનું ચેન તથ રાતની ઊંઘ હણાઈ ગઈ છે.રણજીત સાથે મને ક્યારેય નથી ભળ્યું એ તો તું સારી જાણે છે. અને એક શરાબી, જુગારી અને કઠોર પતિ સાથે કોઈ પત્નીને ભળે ખરું ? રણજીત સાથે છેડો ફાડીને-છૂટાછેડા લઈને અમિત સાથે લગ્ન કરવા માટે મેં ઘણા પ્રયાસો કરી જોયા છે. ઘણાં ધમપછાડા માર્યા છે. પરંતુ રણજીત દરેક વખતે મને કોઈક ને કોઈક બહાનું કાઢીને ટાળી દે છે. પરમ દિવસે સાંજે આ બાબતમાં મેં તેની સાથે વાતચીત કરી તો એણે મને શું જવાબ આપ્યો એની તને ખબર છે ? સાંભળ...એણે મને કહ્યું-‘માધવી, છૂટાછેડા કુલ ચાર અક્ષરનો શબ્દ છે. જો તારે છૂટાછેડા જોઈતા હોય તો તું પ્રત્યેક અક્ષર દીઠ એક લાખ અર્થાત કુલ ચાર લાખ રૂપિયા આપી દે તો હું રાજીખુશીથી છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરી આપું. અને કાન ખોલીને સાંભળી લે, જો તારાથી આ કામ ણ થાય તો તારા પ્રેમીઓને મળવાનું બંધ કરી દે. નહીં તો હું તને મારી નાંખીશ.’ બસ જાનકી, ત્યારથી હું ખુબ જ ભયભીત છું. કાલે રાત્રે પણ એણે મને મારી નાંખવાની ધમકી આપી હતી. એ ખરેખર મારું ખૂન કરી નાંખશે. એવો ભય મને લાગે છે. બહેન, તું અહીં હોત તો તો મને કોઈ વાતની ફિકર નહોતી. તારી ગેરહાજરીમાં હું સાવ એકલી પડી ગઈ છું.મારું દુઃખ હું તારા સિવાય બીજા કોઈનેય કહી શકું તેમ નથી. ચાર લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું મારા માટે અશક્ય છે.હું મારું મકાન વેચું તો પણ માંડ માંડ બે લાખ રૂપિયા ઊપજે તેમ છે. પ્રમોદ કે અમિતને આ બાબતમાં કહેવું કે નહીં, એ હું કંઈ નક્કી નથી કરી શકતી. હવે મારે શું કરવું એ તું જ મને પત્ર લખીને જણાવજે. જવાબ આપવામાં જરા પણ ઢીલ કરીશ નહીં, તાબડતોબ આપજે. આ શયતાન પતિ ક્યાંક ખરેખર જ મારું ખૂન ન કરી નાખે.

તારા જવાબની રાહ જોઉં છું.

લિ. માધવી.

પત્ર વાંચ્યા પછી રણજીતનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગ્યો.

એની આંખોમાં ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

એણે માથું ઊંચું કરીને જાનકી સામે જોયું.

‘રણજીત...!’ જાનકી સ્મિત ફરકાવતાં બોલી, ‘હવે જો આ પત્ર પોલીસ પાસે પહોંચી જાય તો તે તરત જ સરવાળા-બાદબાકી કરીને આખી વાત સમજી જશે. પોલીસ કેવા પરિણામ પર આવશે એ સાંભળ ! માધવીએ તારી પાસેથી છૂટાછેડા મેળવવા માટે ચોરી જેવું નીચ કામ કરવાનું બીડું ઝડપ્યું. બારમી તારીખે કંપનીના દસ લાખ રૂપિયા ઓફિસમાં જ રહેવાના છે અને તેની ચોકી કરવા માટે મોહનલાલ ઓફિસમાં જ રોકાવાનો છે એવી ખબર પડ્યા પછી માધવીએ તને ચોરી કરવાની સલાહ આપી. તમે બંનેએ ભેગા થઈને ચોકીદારનું ખૂન કર્યું, મોહનલાલને ઘાયલ કર્યો અને પછી તિજોરીમાંથી રકમ ચોરી કરી લીધી. ત્યારબાદ એ રકમમાંથી માધવીનો ભાગ ણ આપવો પડે એટલા માટે તેં એનું પણ ખૂન કરી નાંખ્યું.’

રણજીત એકીટશે જાનકીના ચહેરા સામે તાકી રહ્યો.

‘આમાં...!’ છેવટે એ બ્રીફ્કેસને થપથપાવતાં બોલ્યો, ‘પૂરા દસ લાખ રૂપિયા છે. હવે તું એ પત્ર મને આપી દે ! ત્યારબાદ આપણે બંને આમાંથી અડધી અડધી રકમ વહેંચી લઈશું.’

‘તારો જીવ એ પત્રમાં જ ફસાયેલો છે, એ હું જાણું છું.’ જાનકીએ સ્મિત ફરકાવતાં કહ્યું, ‘પણ એ તને એમ સહેલાઈથી નહીં મળે !’

‘કેમ...? શા માટે...? હું તને અડધો ભાગ આપવા માટે તૈયાર તો છું...પછી ?’

‘એ બધું પછી !’ જાનકીએ વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં કહ્યું, ‘પહેલાં બ્રીફકેસ ઉઘાડીને રકમના દર્શન તો કરાવ !’

રણજીતે ક્રોધથી સળગતી નજરે જાનકી સામે જોયું. પછી એણે ચુપચાપ બ્રિફકેસ ઉઘાડી.

જાનકીએ જોયું તો એમાં છેક ઉપર સુધી સો તથા પચાસ રૂપિયાવાળી નોટોના બંડલ ગોઠવેલા હતાં.

એણે બધા બંડલો ઊંચકીને તપાસી જોયા.

બધી જ નોટો સાચી હતી.

‘કેમ ...?’ રણજીતે પૂછ્યું, ‘હવે તો તને સંતોષ થયો ને ?’

‘હા...’ જાનકીએ હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તો પછી હવે પેલો પત્ર મને આપ.’

‘જરૂર...હમણાં જ લાવું છું.’ કહીને જાનકી બીજી રૂમમાં ચાલી ગઈ.

રણજીતના ચહેરા પર ક્રૂર સ્મિત ફરકી ગયું. એની આંખોમાં શયતાનીયતભરી ચમક પથરાઈ ગઈ.

‘નીચ...કમજાત...એકવાર એ પત્ર મારા હાથમાં આવે એટલી જ વાર છે. પછી હું તને પણ રુસ્તમ, ચોકીદાર તથા માધવી પાસે મોકલી આપીશ.’ એ મનોમન બબડ્યો.

સહસા બારણા પાસે પગરવ સંભળાયો.

રણજીતે માથું ઊંચું કરીને અવાજની દિશામાં જોયું.

પછી અચાનક જાણે સાપ વીંટળાયેલો હોય એમ ઉછળીને તે ઊભો થઇ ગયો. એનો ઉપરનો શ્વાસ ઉપર અને નીચેનો શ્વાસ નીચે જ રહી ગયો. આંખો નર્યાનિતર્યા ભય, ગભરાટ અને દહેશતથી ફાટી પડી.

એની આવી હાલત બારણાં પાસે જાનકીને બદલે દિલીપને ઊભેલો જોઇને થઇ હતી.

દિલીપના હાથમાં રિવોલ્વર હતી અને ચહેરા પર ઝેરીલું સ્મિત ફરકતું હતું.

‘હલ્લો...મિસ્ટર ખૂની ઉર્ફે રણજીત...! તારી તબિયત કેમ છે ?’ એણે રણજીત સામે રિવોલ્વર તાકતાં કહ્યું.

રણજીતે કંઈ જવાબ ન આપ્યો. એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

‘રણજીત...છેવટે તું આવી ગયો ને પોલીસની જળમાં ! અમે ધારત તો ક્યારનીયે તારી ધરપકડ કરી લીધી હોત. પણ એ સંજોગોમાં ચોરીની રકમ આટલી સહેલાઈથી ન મળત !’

રણજીતની વ્યાકુળ નજર જાણે નાસી છૂટવાનો માર્ગ શોધતી હોય એમ આમતેમ ફરતી હતી.

એની હાલત જોઇને દિલીપ મનોમન હસી પડ્યો.

‘હવે તારાથી કંઈ જ થઇ શકે તેમ નથી રણજીત !’ એ બોલ્યો, ‘તું એવી જળમાં ફસાઈ ગયો છે કે જેમાંથી છટકવાનો સવાલ જ ઊભો નથી થતો. હવે તું તારા બંને હાથ ઊંચા કર એટલે તારી તલાશી લઇ લઉં.’

રણજીતે લાચારીથી હોઠ કરડીને બંને હાથ ઊંચા કર્યા.

વળતી પળે જ વામનરાવ, શાંતા તથા જાનકી ડ્રોઈંગરૂમમાં આવી પહોંચ્યા.

વામનરાવની વર્દી પર નજર પડતાં જ રણજીતની રહીસહી હિંમત પણ ઓસરી ગઈ.

વામનરાવે આગળ વધીને રણજીતની તલાશી લેતાં એના ગજવામાંથી સ્ટીલની છૂરી મળી આવી.

ત્યારબાદ છૂરીને ગજવામાં મૂકીને એણે રણજીતને સોફા તરફ ધકેલ્યો.

રણજીત લથડીને સોફા પર જી પડ્યો. જાણે ચહેરા પરથી સમગ્ર લોહી નીચોવી લેવામાં આવ્યું હોય એમ એ સફેદ પડી ગયો હતો.

‘વામનરાવ...!’ દિલીપે કારમાંથી મળેલો ટાઈપ કરેલો પત્ર ગજવામાંથી કાઢીને તેની સામે લંબાવતા કહ્યું, ‘રણજીતની વિરુદ્ધ તારી પાસે ઘણાં પુરાવાઓ એકઠા થઇ ગયા છે. તેમાં આ પત્ર રૂપી પુરાવો સામેલ કરી દેજે. આ પત્ર રણજીતે, એ જે કંપનીમાં ટાઈપીસ્ટની નોકરી કરે છે, એ કંપનીના ટાઈપરાઈટર પર ટાઈપ કર્યો છે એની મને પૂરી ખાતરી છે.’ કહીને એણે રણજીતને ઉદ્દેશીને પૂછ્યું, ‘મારી વાત સાચી છે ને ?’

રણજીતે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

‘રણજીત...તું હવે બચી શકે તેમ નથી એ તો તને સમજાઈ જ ગયું હશે.’ દિલીપે કહ્યું.

રણજીત ચૂપ રહ્યો.

‘ખેર, તું મારા સવાલોના જવાબ આપીશ ?’

રણજીતે હકારમાં માથું હલાવ્યું.

‘ગુડ...!’ દિલીપે રિવોલ્વરનો સેફટીકેચ બંધ કરીને તેને ગજવામાં મૂકી દીધી. પછી તે રણજીતની સામે બેસી ગયો.

વામનરાવ, જાનકી તથા શાંતા પણ બેસી ગયા.

જાનકીની આંખોમાં રણજીત પ્રત્યે નફરતના હાવભાવ છવાયેલાં હતાં. રણજીતને મારી મારીને અધમૂવો કરી નાખવાનું તેને મન થતું હતું.

સહસા રણજીતની નજર જાનકીની નજર સાથે મળી.

જાનકીની ઘૃણાભરી નજરનો તાપ એનાથી ન જીરવાયો.

એ ખમચાઈને દિલીપ સામે જોવા લાગ્યો.

‘હા..તો ભાઈ રણજીત, હવે તું શરુ થઇ જા...ચોરીની યોજના ક્યારે અને કેવી રીતે બની ?’ દિલીપે રણજીત સામે જોતાં પૂછ્યું.

‘આ વાત બાર તારીખની છે.’ રણજીતે જવાબ આપતાં કહ્યું, ‘માધવી ઓફિસે ચાલી ગઈ ત્યારબાદ હું મારા પાંચ-છ મિત્રો સાથે જુગાર રમવા માટે બેસી ગયો. પરંતુ અડધી કલાકમાં જ હું મારી પાસેની બધી રકમ હારી ગયો. એટલું જ નહીં મારા પર બે-ત્રણ હજારનું કરજ પણ થઇ ગયું. એટલે માધવી પાસેથી પૈસા લેવા માટે હું તેની ઓફિસે ગયો. એ વખતે લગભગ સવા અગિયાર વાગ્યા હતાં. હું કંપનીના માલિક મોતીલાલની ઓફિસ પાસેથી પસાર થતો હતો, ત્યાં અચાનક જ અંદરથી મોતીલાલ તથા મોહનલાલની વાતચીતનો અવાજ મારે કાને અથડાયો. વાતચીત દરમ્યાન ‘દસ લાખ’ આ શબ્દનો ઉલ્લેખ થયો. મેં ઉત્સુકતાવશ જ એ બંનેની વાતચીત સાંભળી તો મને જાણવા મળ્યું કે બીજે દિવસે કર્મચારીઓનો પગાર ચૂકવવાનો હોવાથી મોહનલાલ બેન્કમાંથી દસ લાખ રૂપિયા ઉપાડવા જવનો હતો. એટલું જ નહી, તે આખી રાત ઓફિસમાં રોકાઈને એ રકમની ચોકી કરવાનો હતો. જો આ રકમ મારા હાથમાં આવે તો મારું દળદર મટી જાય એવો મને વિચાર આવ્યો. હું રાતોરાત પૈસાદાર બની જઉં પરંતુ હું કોઈ ધંધાદારી ચોર નહોતો. તિજોરી તોડવાનું કામ મારું નહોતું એટલે આ ચોરીના કામમાં માધવીને સામેલ કરવાનું મેં વિચાર્યું કારણ કે માધવી પાસે ઓફિસની ઘણીબધી ચાવીઓ રહે છે એની મને ખબર હતી એટલે જો તેની પાસે તિજોરીની ચાવી હોય તો મારું કામ સરળ બની જાય તેમ હતું.’ કહીને રણજીત અટક્યો.

‘હું...’દિલીપે હુંકાર કર્યો, ‘પછી...?’

‘ત્યારબાદ હું માધવીને મળ્યાં વગર જ ઘેર પાછો ફર્યો. મારું સ્કૂટર હું એની ઓફીસની સામેના પાર્કીંગમાં જ મૂકી આવ્યો હતો. સાંજે માધવી ઓફિસેથી છૂટીને ઘેર આવી ત્યારે મેં મારી યોજના તેને જણાવી દીધી. મારી વાત સાંભળ્યા પછી એ મારા પર ખુબ જ ક્રોધે ભરાઈ. એણે મને સાથ આપવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી. ત્યારે ણ છૂટકે મારે તેની દુઃખતી રગ પર આંગળી મૂકવી પડી. મેં તેને છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરવાની તથા ત્રણ લાખ રૂપિયા રોકડા પણ આપવાની લાલચ આપી. રૂપિયાની તો ખેર, એને જરા પણ લાલચ નહોતી. પરંતુ એ મારાથી છુટકારો મેળવીને અમિતકુમાર સાથે લગ્ન કરવા માટે આતુર હતી. ઘણું વિચાર્યા પછી છેવટે એ મારી યોજનામાં મને સાથ આપવા માટે સહમત થઇ. ચોરીનું કામ પત્યા પછી તરત જ મારો એના પર કોઈ હક નહીં રહે અને હું છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરું. ત્યારબાદ લગભગ એક વાગ્યે અમે મોતીલાલની ઓફિસ જે ઈમારતમાં આવેલી છે, ત્યાં પહોંચ્યો. મારો ચહેરો ઓળખાઈ ન જાય એટલા માટે મેં....!’

‘એ બધું તો અમે જાણીએ જ છીએ.’ દિલીપે તેને ટોકતાં કહ્યું, ‘તું તારી વાત આગળ ધપાવ.’

‘ઠીક છે..તો હવે હું ચોકીદારના ખૂન પર આવું છું. એનું ખૂન કરવાનો મારો કોઈ હેતુ નહોતો. પરંતુ એને અમારા પર શંકા આવવાથી એણે અમને ટોક્યા. પરિણામે ણ છૂટકે મારે એનું ખૂન કરવું પડ્યું. ત્યારબાદ છઠ્ઠા માળની મેઈન સ્વીચ ઓફ કરીને અમે મોતીલાલની ઓફિસે પહોંચ્યા. મારા હાથમાં ટોર્ચ હતી. અમે અંદર દાખલ થયા ત્યારે મોહનલાલ સૂતો હતો. પછી અચાનક એની ઊંઘ ઉડી ગઈ.હું ધારત તો મોહનલાલનું ખૂન કરી શકું તેમ હતો. પણ મેં એવું ન કર્યું, કારણ કે ચોરીનો આરોપ એના પર આવે એમ હું ઈચ્છતો હતો. એટલે મેં એને ફક્ત બેભાન જ કર્યો. ત્યારબાદ રકમ ભરેલી બ્રીફકેસ તફડાવીને અમે બંને બહાર આવ્યા. માધવી બ્રીફકેસ સાથે ટેક્સી-સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ. મેં તરત જ સામેના પાર્કિંગમાંથી મારું સ્કૂટર કાઢીને એનો પીછો શરુ કરી દીધો. એ સીધી અમરજી સ્ટ્રીટવાળા ફ્લેટમાં ગઈ. આ ફ્લેટ એણે અમિતકુમાર તથા પ્રમોદ સાથે મુલાકાત કરવા માટે ભાડે લીધો હતો. હું સ્કૂટર ઉભું રાખીને ત્યાં પહોંચ્યો. ત્યારે માધવી બારણાં પાસે ઉભી ઉભી કોઈકનો પત્ર વાંચતી હતી. મેં ચામડાના પટ્ટાથી એનું ગળું દબાવીને તેને મારી નાખી. હવે દસ લાખ રૂપિયા મારા એકલાની માલિકીના હતાં. પછી અચાનક મારી નજર માધવીના હાથમાંથી સરકી ગયેલા પત્ર પર પડી. મેં ઉત્સુકતાવશ જ એ ઊંચકીને વાંચ્યો. એ પત્ર મારે માટે જોખમરૂપ નીવડે તેમ હોવાથી મેં એને ત્યાં જ સળગાવી દીધો.’

‘એ પત્ર કોનો હતો ? એમાં શું લખ્યું હતું ?’

‘ એ પત્ર મિસ જાનકીનો હતો. એમાં લખ્યું હતું- માધવી, તારો પતિ રણજીત આવો નીચ અને હરામખોર છે એ હું નહોતી જાણતી. એણે તારી પાસે ચાર લાખ રૂપિયા માંગ્યા છે એ બહુ નીચતાભર્યું પગલું છે. ખેર, તું થોડા દિવસ પ્રમોદ અને અમિતકુમારને મળવાનું બંધ કરી દે, નહીં તો એ શયતાન ખરેખર જ તારું કરી બેસશે. બસ આવી જ બીજી સલાહો જાનકીએ આપી હતી. એ પત્ર પરથી માધવીએ અગાઉ મારા વિશે-મને ખરાબ ચિતરતો કોઈ પત્ર જાનકીને લખ્યો છે એ વાત તરત જ મને સમજાઈ. પછી મારે મિસ જાનકી પાસેથી, તેમનું ખૂન માધવીએ એને લખેલો પત્ર પણ મેળવવાનો હતો. પરંતુ હું વિશાળગઢની બહાર પગ મૂકીને મારા પર પોલીસને શંકા કરવાની કોઈ તક આપવા માંગતો નહોતો. એટલે જાનકી અહીં પાછી ણ ફરે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું.’

‘એમ તો તેં રુસ્તમનું પણ ખૂન કર્યું છે. રુસ્તમ સાથે તારી મુલાકાત કયા સંજોગોમાં ને કેવી રીતે થઇ ?’

‘રૂસ્તમે કદાચ મને ચોરી કરતાં તથા ચોકીદારનું ખૂન કરતાં જોઈ લીધો હતો. એટલું જ નહીં, ચોરી કર્યા પછી અમે બહાર નીકળ્યા ત્યારે મેં ફેલ્ટ હેટ તથા ચશ્માં કાઢીને મારો ચહેરો લૂછ્યો ત્યારે મારા અસલી ચહેરાથી પણ એ વાકેફ થઇ ગયો હતો. જયારે આપ એને કોન્સ્ટેબલના રૂપમાં મારી પાસે લાવ્યા હતાં, ત્યારે જ એણે મને ઓળખી લીધો હતો. હું જ અસલી ગુનેગાર છું એ વાત એણે આપને નહોતી જણાવી. કારણ કે એનો હેતુ મને બ્લેકમેઈલ કરવાનો હતો. એણે ફોન પર મારો સંપર્ક સાધીને મારી પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી.’

‘ઓહ...!’

‘આ બધું પોલીસનું જ નાટક છે...ફસાવવાની ચાલ છે એવું મને લાગ્યું. એટલે હું એકદમ સાવચેત થઇ ગયો. એણે મને મેટ્રો હોટેલમાં મળવા માટે બોલાવ્યો. હું હોટલની બહાર જ ઊભો રહીને એના પર નજર રાખવા લાગ્યો. પછી આ પોલીસની જાળ નથી એની ખાતરી થયા બાદ મેં આગળ વધવાનું વિચાર્યું. રુસ્તમ નિરાશ થઈને બહાર નીકળ્યો ત્યારે રસ્તામાં જ મેં એને પકડ્યો. હું એને વાતચીત તથા રકમ આપવાને બહાને ડીલક્સ ક્લબમાં લઇ ગયો. ત્યાં મેં ખુબ જ ચાલાકીથી એના શરાબમાં ઝેરની ગોળી નાખી દીધી. ઝેરી શરાબ પીધા પછી એ પણ માધવી પાસે પહોંચી ગયો. હવે મારે ફક્ત જાનકીનું ખૂન કરીને તેની પાસેથી માધવીનો લખેલો પત્ર મેળવવાનું જ કામ બાકી રહ્યું હતું. હું એના વિશાળગઢ પાછા ફરવાની રાહ જોતો હતો. પણ પોલીસે એની મદદથી મને જ પોતાની જાળમાં ફસાવી દીધો.’ કહીને રણજીતે એક ઊંડો શ્વાસ લીધો.

‘બેટમજી...!’ દિલીપ બોલ્યો, ‘માત્ર તને ફસાવ્યો જ નથી, ફાંસીના માંચડા સુધી પણ પહોંચાડી દીધો છે.’

રણજીત ચૂપ રહ્યો.

‘દિલીપ...!’ સહસા કંઇક યાદ આવ્યું હોય એમ શાંતા બોલી, ‘એક વાતનો જવાબ મેળવવાનું તો સાવ ભુલાઈ જ ગયું.’

‘શું...?’

‘આપણી કારમાં મોતીલાલ વિરુદ્ધ ઉશ્કેરતો પત્ર નાખવા પાછળ શું હેતુ હતો ?’ શાંતાએ પૂછ્યું.

‘આપ મોહનલાલને નિર્દોષ માનો છો એવું મને લાગ્યું ત્યારે ક્યાંક આપ તપાસ કરતાં કરતાં મારા સુધી પહોંચી જશો એવો ભય મને લાગ્યો. એટલે જૈન સાહેબને ફસાવવા તથા આપને અવળે માર્ગે દોરવા માટે એ પત્ર ટાઈપ કરીને આપની કારમાં નાખી દીધો હતો.’

‘અમને મોહનલાલની પુત્રી સરિતા પાસેથી સાચી હકીકત જાણવા મળી જશે એવો વિચાર તને ન આવ્યો ?’

‘ના...અહીં હું એટલું જ કહેવા માંગું છું કે ગરજવાનને અક્કલ નથી હોતી એ કહેવત આ બાબતમાં બરાબર લાગુ પડી હતી. મારા સ્વાર્થને કારણે આ વાત પ્રત્યે મારું ધ્યાન જ નહોતું ગયું.’

સહસા કોઈ કશું સમજે-વિચારે એ પહેલાં જ જાનકી ઊભી થઈને રણજીત પાસે પહોંચી ગઈ.

વળતી જ પળે એનો હાથ ઉંચો થઈને પૂરી તાકાતથી તમાચાના રૂપમાં રણજીતના ગાલ પર ઝીંકાયો.

શાંત વાતાવરણમાં તમાચાનો ‘તડાક’ અવાજ ગુંજી ઉઠ્યો.

રણજીતનો ગાલ તમતમી ઉઠ્યો.

જાનકીની આંખોમાંથી નફરતની આગ વરસતી હતી.

દિલીપ કે શાંતાએ જાનકીને અટકાવવાનો જરા પણ પ્રયાસ ન કર્યો.

‘વાહ...મિસ જાનકી...! મજા આવી ગઈ...!’ દિલીપ તાળી પાડતાં બોલ્યો, ‘હજુ એકાદ મારા તરફથી પણ ઝીંકી દો.’

પરંતુ વામનરાવ ખુબ જ સ્ફૂર્તિથી જાનકી પાસે પહોંચ્યો.

એણે બીજી વાર રણજીતને તમાચો ઝીંકવા માટે ઉંચો થયેલો જાનકીનો હાથ પકડીને તેને રણજીતથી દુર લઇ ગયો.

‘મિસ જાનકી...!’ એ તેને સમજાવતાં બોલ્યો, ‘તમે તો ભણેલ-ગણેલ અને સમજદાર હોવાં છતાં પણ દિમાગ પરથી કંટ્રોલ ગુમાવો છો? પ્લીઝ શાંત થાઓ. બાકીનું કામ હવે કાયદાને કરવા દો.’

‘શું ભણેલી-ગણેલી સ્ત્રી પાસે દિલ નથી હોતું ? શું એના મનમાં કોઈના પ્રત્યે લાગણી નથી હોતી ? માધવી મારી બહેન સમાન હતી’ કહેતાં કહેતાં જાનકીની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

વામનરાવે માંડ માંડ સમજાવીને તેને શાંતાની બાજુમાં બેસાડી દીધી.

‘દિલીપ, એક વાતનો ખુલાસો હજુ રહી જાય છે.’

દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘પ્રમોદ કલ્યાણી પર માનસિક આઘાતનો હુમલો શા માટે થયો હતો ? શું ખરેખર અમિતકુમારે તેને ફોન કર્યો હતો ?’

‘હા...’ દિલીપે જવાબ આપ્યો, ‘આંજે હું પૂરી ખાતરીથી કહું છું કે અમિતકુમારે કલ્યાણીને ફોન કરીને તેને, ટૂંક સમયમાં જ માધવી સાથે લગ્ન કરવાનો છે એવું જણાવ્યું હતું. એની વાત સાંભળીને જ કલ્યાણી પર આઘાતનો હુમલો થયો હતો.’

‘તો પછી અમિતકુમાર આપણી પાસે ખોટું શા માટે બોલ્યો ?’

‘પ્રમોદ કલ્યાણી પણ માધવીને ચાહતો હતો. આ કારણસર અમિતકુમારને એના પ્રત્યે અદેખાઈ હતી. જયારે એને માધવીના ખૂનના સમાચાર મળ્યાં ત્યારે, ખૂન તથા ચોરી કલ્યાણીએ જ કર્યા છે, એવા પરિણામ પર તે કુદીને પહોંચી ગયો. આપણે કલ્યાણી પર શંકા કરીએ તથા એ આઘાત લાગ્યાનું નાટક કરે છે એમ માનીએ એટલા માટે, પોતે આવો કોઈ ફોન નહોતો કર્યો એવું અમિતકુમારે આપણને જણાવ્યું હતું. વાસ્તવમાં તો એણે ફોન કર્યો જ હતો.’

હવે બધી વાતો સ્પષ્ટ થઇ ગઈ હતી.

રણજીતે પોતાનો ગુનો કબુલી લીધો હતો.

ત્યારબાદ દિલીપના સંકેતથી વામનરાવે રણજીતના હાથમાં હાથકડી પહેરાવી દીધી.

અડધા કલાક પછી એની જીપ હાથકડી પહેરેલા રણજીત સાથે પોલીસ હેડક્વાર્ટર તરફ આગળ ધપતી હતી.

[ સમાપ્ત ]

રેટ કરો અને રિવ્યુ આપો

Hardik Desai

Hardik Desai 3 અઠવાડિયા પહેલા

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 4 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 7 માસ પહેલા

Ranjan Patel

Ranjan Patel 8 માસ પહેલા