Beiman - 9 books and stories free download online pdf in Gujarati

બેઈમાન - 9

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 9

અજીતનો ખુલાસો !

મોતીલાલ જૈન લીફટમાંથી બહાર નીકળીને પોતાની ઓફીસ તરફ આગળ વધ્યો.

એ જ વખતે સીડીની બાજુમાં ઉભેલો એક યુવાન તેની નજીક જવા લાગ્યો.

યુવાનની ઉંમર આશરે છવ્વીસેક વર્ષની હતી. તે મોતીલાલની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

મોતીલાલે તેના પ્રત્યે કોઈ ધ્યાન ન આપ્યું. એ ચૂપચાપ આગળ વધતો રહ્યો.

યુવાન હવે બરાબર તેનાં પગલા સાથે તાલ મીલાવતો જતો હતો. જાણે મોતીલાલની સાથે જ હોય એવું એની ચાલ પરથી લાગતું હતું.

મોતીલાલ હવે બરાબર ઓફીસ પાસે પહોચ્યો ત્યારે બહાર સ્ટૂલ પર બેઠેલા ચપરાસીએ સલામ બરી, ઉભા થઈને બારણું ઉઘાડ્યું.

ત્યારબાદ મોતીલાલની પાછળ પાછળ યુવાન પણ અંદર દાખલ થઇ ગયો.

કદાચ એ મોતીલાલ સાથે જ આવ્યો છે એમ સમજીને ચપરાસીએ તેણે નહોતો અટકાવ્યો.

બંનેના અંદર ગયા પછી એણે બારણું બંધ કરી દીધું.

ઓફિસમાં પહોંચીને મોતીલાલે પોતાના હાથમાં જકડાયેલી બ્રીફકેસને વિશાળ ટેબલ પર મૂક્યા પછી પીઠ ફેરવી.

‘મિસ્ટર ....! ‘એણે પગથી માથા સુધી તેનું નિરીક્ષણ કરતાં આશ્ચર્યભર્યા અવાજે કહ્યું. તમે કોણ છો? અને અંદર કેવી રીતે આવી ગયા?’

યુવાને કંઈ જવાબ ન આપતાં ક્રુરતાભર્યું સ્મિત ફરકાવ્યું.

‘કોણ છો તમે?’ફરીથી આટલું પુછીને મોતીલાલે ટેબલ પર રહેલું એક બટન દબાવ્યું.

વળતી જ પળે બારણું ઉઘાડીને ચપરાસી અંદર આવ્યો.

મોતીલાલે, જાણે કાચો ને કાચો ફાડી ખાવો હોય એ રીતે તેની સામે જોયું.

‘આ સાહેબ...!’ એણે યુવાન તરફ આંગળી ચીંધીને કઠોર અવાજે પુછ્યું, ‘અંદર કેવી રીતે આવ્યા?’

‘ચપરાસીએ વિચિત્ર નજરે મોતીલાલ સામે જોયું. પછી બોલ્યો, ‘તેઓ તો આપની સાથે જ આવ્યા હતા સાહેબ!’

‘મારી સાથે?’

‘હા...!’ ચપરાસીએ જવાબ આપ્યો, ‘આપની પાછળ પાછળ જ તો તેઓ ઓફિસમાં દાખલ થયા હતા.’

મોતીલાલે કંઇક કહેવા મોં ઉઘડ્યું કે તરત જ યુવાનનો હાથ પોતાના પેન્ટના ગજવામાં ગયો.

પછી જયારે એનો હાથ ગજવામાંથી બહાર નીકળ્યો ત્યારે તેમાં બટનવાળી એક છૂરી જકડાયેલી હતી.

યુવાને છૂરીને સીધી કરીને બટન દબાવ્યું.

વળતી જ પળે છૂરીમાંથી છ ઇચનું ફ્ણું બહાર નીકળી આવ્યું.

મોતીલાલ તથા ચપરાસી એકદમ હેબતાઈ ગયા. તેમના ચહેરા પર ગભરાટના હાવભાવ છવાઈ ગયા.

‘ક...કોણ છો તું...? તારે શું જોઈએ છે?’ ગભરાટ અને ભય પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં મોતીલાલે પૂછ્યું.

‘હું કોણ છું. એ પછી કહીશ. અલબત, મારે શું જોઈએ છે એ જરૂર જણાવી દઉં છું. ‘યુવાને છરીને હવામાં ફેરવતાં કહ્યું, સૌથી પહેલા તો હું એ કહેવા માગું છું. મોતીલાલ, કે તમે એક નીચ અને કમજાત માણસ છો. તમારા જેવો નાલાયક માણસ આજ સુધીમાં મેં બીજો કોઈ નથી જોયો.’

‘શ...શું ...?’ યુવાનના આરોપથી મોતીલાલ એકદમ ડઘાઈ ગયો.

‘હા..તમારા જેવા સ્વાર્થી અને અમીર માણસને જીવતા રહેવાનો કોઈ જ હક નથી.’ યુવાનના અવાજમાં નફરતનો સૂર હતો.

‘એટલે...? તું શું કહેવા માંગે છે? જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખ.’ મોતીલાલે કહ્યું.

એ જ વખતે ચપરાસી ધીમે ધીમે બારણાં તરફ ખસવા લાગ્યો.

પરંતુ યુવાનની વેધક નજરથી તેની હિલચાલ છૂપી ન રહી શકી.

‘ખબરદાર...!’ એનાં મોંમાંથી ક્રોધિત સર્પના ફુંફાડા જેવો અવાજ નીકળ્યો, ‘ખબરદાર, જો તે અહીંથી નાસવાનો પ્રયાસ કર્યો છે તો! કાન ખોલીને સાંભળી લે ! જો તું અહીંથી બહાર જઈશ તો અહીં પાછા આવ્યા પછી તારે તારા સાહેબનો લોહીલુહાણ મૃતદેહ જોવો પડશે એટલું યાદ રાખજે.’

જાણે અચાનક જ જમીનમાં કરંટ વહેવો શરુ થઇ ગયો હોય એમ ચપરાસીના પગ ત્યાં જ જડાઈ ગયા.એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. એની ભયભીત નજર યુવાનના હાથમાં જકડાયેલી છૂરી સામે જ સ્થિર થઇ ગઈ હતી.

‘સાંભળો મિસ્ટર મોતીલાલ !’ યુવાને મોતીલાલને ઉદ્દેશીને કહ્યું, હું ખૂની નથી. તેમ મારી જાતને ખૂની કહેવડાવવાનો પણ મને જરાય શોખ નથી.પરંતુ સાથે જ આજે મારા હાથેથી તમારું ખૂન થઇ જશે એ વાત પણ સાચી છે. જો તમે મારી વાત માનશો તો તમારું ખૂન કરવાનો વખત નહીં આવે. હું ચૂપચાપ અહીંથી ચાલ્યો જઈશ.’

‘તું કઈ વાત મારી પાસે મનાવવા માંગે છે?’

‘જે માણસને પોલીસે ચોરી અને ખૂનના આરોપસર પકડ્યો છે, એ છૂટી જાય એમ હું ઈચ્છું છું.’

‘તું...તું મોહનલાલની વાત કરે છે?’ મોતીલાલે ચમકીને તેની સામે દેખતા પૂછ્યું.

‘હા..હું તેમની જ વાત કરું છું.’ યુવાને રોષભર્યા અવાજે જવાબ આપ્યો, ‘જે માણસે પોતાના લોહીનું પાણી કરીને તમારી આ કંપનીને આટલી વિકસાવી છે, એને પોલીસના હવાલે કરતાં તમને જરાપણ શરમ ન આવી? દેવતા સમાન એ માણસ ચોરી અને ખૂન જેવું હિચકારું, અધમ કૃત્ય કરી શકે છે, એવું તમે કેવી રીતે માની લીધું?’

‘મેં આવી કોઈ વાત પર ભરોસો નથી કર્યો. તેમ મોહનલાલને પોલીસને હવાલે પણ નથી કર્યો. પરંતુ તારે મોહનલાલ સાથે શું સબંધ છે?’ કહેતાં કહેતાં અચાનક મોતીલાલ ચમક્યો. જાણે સહસા કંઇક યાદ આવ્યું હોય એમ એણે કહ્યું.’ તું મોહનલાલનો પુત્ર અજીત છો ખરું ને?’

‘હું કોણ છુ, એની સાથે તમારે કઈ નિસ્બત ન હોવી જોઈએ. હું તો બસ, મોહનલાલને પોલીસની ચુંગાલમાંથી છોડાવો એટલું જ ઈચ્છું છુ, અને હા, હું તમને વિનંતી કરું છુ મોહનલાલને છોડાવવા માટે કરગરું છું. એવું માનશો નહીં. હું તમને આદેશ આપું છુ સમજ્યા?’

‘પોલીસ મારા પિતાજીની નોકર નથી સમજ્યો? ‘ મોતીલાલ ધુંધવાઇને બોલ્યો, ‘કે મારા કહેવાથી તેમને છોડી મુકે! ચોરી અને ખૂનમાં મોહનલાલનો જરા પણ હાથ નથી અને મને પૂરી ખાતરી છે અને આ વાત હું પોલીસને પણ જણાવી ચુક્યો છું. પરંતુ તે છતાંય મોહનલાલને છોડી મુકવા માટે હું પોલીસને લાચાર કરી શકું તેમ નથી.’

યુવાને દાંત કચકચાવ્યા. એણે ક્રોધથી સળગતી નજરે મોતીલાલ સામે જોયું.

‘તમે એને છોડાવવા નથી માગતા એમ જ સ્પષ્ટ રીતે જણાવી દો ને? આમ ગોળ ગોળ વાતો કરવાની શું જરૂર છે?’

‘મારા ઈચ્છવા કે ન ઈચ્છવાથી કંઈ જ નથી થવાનું? જ્યાં સુધી સાચો ગુનેગાર ન પકડાઈ જાય., ત્યાં સુધી પોલીસ મોહનલાલને નહીં છોડે.’

‘કેમ...? શા માટે નહીં છોડે? તમે પ્રયાસ તો કરો.’

‘મેં ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ કોઈ લાભ નથી થયો. પોલીસ સિવાય સી.આઈ.ડી. વિભાગના માણસો પણ આ કેસનું રહસ્ય ઉકેલવાના પ્રયાસો કરે છે. થોડા દિવસમાં જ દૂધનું દૂધ ને પાણીનું પાણી અલગ થઇ જશે એની મને પૂરી ખાતરી છે.’

‘મારે કોઈ બહાનું નથી સાંભળવું.’

‘હું બહાનું નથી કાઢતો.’

‘મિસ્ટર મોતીલાલ....! યુવાન ક્રૂર અવાજે બોલ્યો, ‘તમને તમારી જિંદગીનો મોહ રહ્યો હોય એવું મને નથી લાગતું. તમે આજની તારીખમાં મરવાનું જ નક્કી કરી લીધું લાગે છે.’

એ જ વખતે ધડામ અવાજ સાથે બારણું ઉઘડી ગયું.

ત્રણેય ચમકીને બારણાં તરફ જોયું તો ત્યાં દિલીપ ઉભો હતો.

દિલીપના હાથમાં રિવોલ્વર જકડાયેલી હતી. અને તેની પાછળ ખાન કોન્સ્ટેબલની વર્દીમાં સજ્જ રુસ્તમ ઉભા હતા.

દિલીપે રિવોલ્વરની નળી યુવાન તરફ સ્થિર કરી.

‘પ્રભુજી...! એ ચાસણી જેવા અવાજે બોલ્યો, ‘છૂરીનો ભાર ઊંચકીને તારો હાથ થાકી ગયો હશે. એટલે મહેરબાની કરીને હવે એ ભાર હળવો કરી નાખ. અર્થાત, છૂરીને નીચે ફેંકી દે.’

યુવાન એકદમ ડઘાઈને કિંકર્તવ્ય વિમૂઢની જેમ દિલીપ સામે તાકી રહ્યો હતો. અચાનક શું થઇ ગયું તે ન સમજાતું હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા.

‘જો ભાઈ...!’ દિલીપે પૂર્વવત અવાજે કહ્યું, ‘મારી રિવોલ્વર સામે તારી છૂરીનું કંઈ જ મહત્વ નથી. એનો ઉપયોગ કરી શકે એ પહેલા જ ઈશ્વરના દરબારમાં પહોચી જઈશ. ઉપરાંત, જરૂર પડ્યા પછી પણ તું છૂરીનો ઉપયોગ કરી શકે તેમ નથી એવું તારા ચ્હેરો જોયા પછી હું પૂરી ખાતરીથી કહું છું. છૂરી-ચાકુનો ઉપયોગ કરવા માટે ગજ ભરનું કલેજું જોઈએ સમજ્યો? તારા હાથમાં છૂરી નહીં પણ ગંજીપત્તો વધુ શોભશે એવું મને લાગે છે.’

દિલીપની વાત સાંભળીને યુવાન એકદમ ભયભીત થઇ ગયો. ભય અને ગભરાટના હાવભાવ તેના ચ્હેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા.

‘ચાલ, હવે છૂરી ફેંકી દે.’ જાણે કોઈ નાના બાળકને ફોસલાવતો હોય એવા અવાજે દિલીપે કહ્યું.,

યુવાને છૂરીને જમીન પર ફેંકી દીધી.

દિલીપે આગળ વધીને છૂરી ઊંચકી લીધી.

પછી એણે ચપરાસીને બહાર જવાનો સંકેત કર્યો.

ચપરાસી રાહતનો એક ઉંડો શ્વાસ લઈને બહાર નીકળી ગયો.

એના ગયા પછી દિલીપ પુનઃ યુવાન તરફ ફર્યો.

‘તું મોહનલાલનો પુત્ર અજીત છો ખરું ને?’ એણે પૂછ્યું.

યુવાને કંઈ જવાબ ન આપતાં ચૂપચાપ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

અચાનક મોતીલાલે આગળ વધીને દિલીપની પીઠ થાબડી. પછી બોલ્યો, ‘મિસ્ટર દિલીપ, તમે સમયસર જ આવ્યા છો. નહીં તો અજીતનો હેતુ મને ખતરનાક લાગતો હતો.’

‘મારો હેતુ જરા પણ ખતરનાક નહોતો.’ અજીતે વિરોધભર્યા અવાજે કહ્યું.

‘એમ...? એક તો મારી સામે છૂરી તાકી હતી અને ઉપરથી કહે છે કે હેતુ ખતરનાક નહોતો.’

‘આપ...આપ મારા પિતાજીને છોડાવવામાં મને મદદ કરો એટલું જ હું ઈચ્છતો હતો.’

‘ઓહ...બહુ જલ્દી ‘તમે’માંથી ‘આપ’ પર આવી ગયો તું તો!’ મોતીલાલના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

‘હું મારા અણછાજતા વર્તન માટે આપની માફી માગું છું. જૈન સાહેબ!’ યુવાન પશ્વાતાપભર્યા અવાજે બોલ્યો.

મોતીલાલે ઉપેક્ષાથી મોં મચકોડ્યું.

‘વાત એમ છે સાહેબ કે, પોલીસ ચોરી અને ખૂનના આરોપસર પિતાજીની ધરપકડ કર્યાના સમાચાર મળતાં જ હું ક્રોધાવશમાં આવી ગયો હતો. આપ પોતે જ વિચારી જુઓ કે જે માણસે આટલા વર્ષોથી પૂરી ઈમાનદારીથી કંપનીની સેવા કરી હોય, એ ઘરડે ઘડપણ આવી દગાબાજી કે બેઈમાની કરે ખરા! બસ ક્રોધના અતિરેકથી સારાસારનું ભાન ભૂલી, છૂરી લઈને અહીં આવી પહોચ્યો.’

મોતીલાલે કંઇક કહેવા માટે મોં ઉઘાડ્યું કે અચાનક વચ્ચેથી દિલીપ બોલ્યો, ‘જૈન સાહેબ, મિસ્ટર કલ્યાણી બેસે છે, એ ઓફીસ ખાલી જ છે ને ?’

‘હા...’ મોતીલાલે જવાબ આપ્યો, ‘ એ હજુ રજા પર જ છે.’

‘અમે અજીતને પૂછપરછ કરવા માટે મિસ્ટર કલ્યાણીની ઓફિસનો ઉપયોગ કરીએ છીએ.’

‘જરૂર...!’

‘અને હા...અમે અજીતને પૂછપરછ કરીએ ત્યાં સુધીમાં અજીત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી છે કે નહીં તે આપ નક્કી કરી રાખજો.’

દિલીપની ફરિયાદ નોંધાવવાની વાત સાંભળીને અજીતના ચહેરાનો રંગ ઉડી ગયો. એણે કરગરતી નજરે મોતીલાલ સામે જોયું.

ત્યારબાદ દિલીપ, ખાન, અજીત અને રુસ્તમ સાથે બહાર નીકળ્યો.

બહાર નીકળીને દિલીપે આશાભરી નજરે રુસ્તમ સામે જોયું. શું અજીત જ એણે, માધવીની સાથે જોયેલો પુરુષ છે એમ તે પૂછવા માંગતો હતો.

એની નજરનો અર્થ સમજીને રૂસ્તમે ધીમેથી નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

સૌ કલ્યાણીની ઓફિસમાં દાખલ થયા.

દિલીપે અજીતને બેસવાનો સંકેત કર્યો. પછી રુસ્તમ સામે જોઇને એ બોલ્યો, ‘તું બહાર જઈને બેસ. અહીં તારી કોઈ જરૂર નથી.’

‘ભલે સાહેબ!’ એણે કહ્યું, તે મિ.જૈન સાહેબ સાથે જે ધમકીભર્યું વર્તન કર્યું છે, એ બદલ તને એકાદ-બે વરસની જેલની સજા પણ થઇ શકે તેમ છે.’

‘મારાથી ભૂલ થઇ ગઈ સાહેબ !’ અજીત બને હાથ જોડીને કરગરતા અવાજે બોલ્યો, ‘મને માફ કરી દો.’

‘એક શરતે તને માફી મળી શકે તેમ છે.’

‘શું...?’

‘તને જે કંઈ પૂછવામાં આવે, એનો તું સાચો જવાબ આપે તો તને માફ કરી દેવા માટે હું જૈન સાહેબને કહીશ.’

‘પૂછો...હું સાચા જ જવાબો આપીશ.’

‘તો સૌથી પહેલા એ જણાવ કે તું બાર તારીખથી આજ સુધી ક્યાં ગુમ થઇ ગયો હતો?’ દિલીપે પૂછ્યું.

અજીતે દિલીપ અમે જોયું પછી નીચું જોઈ જતાં બોલ્યો, ‘હું જેલમાં હતો.’

‘શું..?’ દિલીપે ચમકીને પૂછ્યું

ખાન પણ આશ્ચર્યચકિત નજરે અજીત સામે તાકી રહ્યો. પણ આ વાતની પિતાજીને ખબર ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો તેમનું દિલ તૂટી જશે. હું આવારા છું....બદમાશ છું.....જુગારી છું.....આ બધુ તો તેમણે સહન કરી લીધું છે. પરંતુ આ આઘાત તે સહન નહીં કરી શકે. પ્લીઝ સાહેબ! મહેરબાની કરીને આ વાત તેમને જણાવશો નહીં અજીતે કરગરતા અવાજે કહ્યું.

‘ઠીક છે..! દીલીપે તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘આ વાત અમે તેમને નહીં જણાવીએ બસ ને ?’

‘આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ!’

‘પણ તને સજા શા માટે થઇ હતી એ તો જણાવ! શા માટે તારે જેલમાં જવું પડ્યું હતું.?’

‘સાહેબ, બાર તારીખની બપોરની જ વાત છે. હું મારા સાત-આઠ મિત્રો સાથે જી.ટી રોડ પર એક ફ્લેટમાં બેસીને જુગાર રમતો હતો કે અચાનક ત્યાં પોલીસનો દરોડો પડ્યો. પોલીસ અમને બધાને પકડીને જી.ટી. રોડના પોલીસ સ્ટેશને લઇ ગઈ. શરમને કારણે મેં મારા પકડાયાના સમાચાર ઘેર ન મોકલ્યા. ચૂપચાપ પોલીસ સ્ટેશનમાં પડ્યો રહ્યો. બહુ બહુ તો પચાસ-સો રૂપિયાનો દંડ ભરવો પડશે એમ હું માનતો હતો. મેં મારા એક મિત્રને પૈસાની વ્યવસ્થા કરીને કોર્ટમાં પહોચી જવાનું જણાવ્યું હતું. બીજે દિવસે મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મારો મિત્ર પૈસાની વ્યવસ્થા કરીને અગાઉથી જ કોર્ટમાં પહોચી ગયો હતો. પરંતુ કમનસીબે ગુનો કબૂલ કર્યા પછી ન્યાયાધીશસાહેબે રોકડ રકમનો દંડ કરવાને બદલે એક અઠવાડિયા સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી. જેલમાં જતી વખતે મને થયેલી સજા વિશે મારા કુટુંબીજનો કંઈ જ ન કહેવાની સુચના મારા મિત્રને મેં આપી દીધી હતી. અઠવાડિયા સુધી જેલમાં રહ્યા બાદ હું આજે જ છુટ્યો છું. જેલમાંથી બહાર નીકળ્યો કે તરત જ મારો મિત્ર મળી ગયો. એ મને તેડવા માટે જ આવ્યો હતો. હું જેલમાં હતો, ત્યારે પાછળથી મારા પિતાજી પર શું વીત્યું, એ મને તેની પાસેથી જ જાણવા મળ્યું હતું. પોલીસ મને શોધે છે એમ પણ મને એણે કહ્યું. આ બધું સાંભળીને મને ખુબ જ ક્રોધ ચડ્યો. બધો વાંક જૈન સાહેબનો જ છે. એવું મને લાગ્યું. હું એ જ વખતે મારા મિત્ર પાસેથી છુરી લઈને અહીં આવ્યો.’ કહીને અજીતે એક ઊંડો શ્વાસ લીધો.

દિલીપે અર્થસૂચક નજરે ખાન સામે જોયું.

ખાને ધીમેથી માથું હલાવીને ટેબલ પર પડેલો ટેલીફોન પોતાની તરફ સરકાવ્યો.

પછી રિસીવર ઊંચકીને એણે જી.ટી. રોડ પરના પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો.

‘હલ્લો... સબ. ઇન્સ્પેક્ટર અમરજી સ્પીકિંગ ...!’ થોડી પળો બાદ સામે છેડેથી અવાજ આવ્યો.

‘અમરજી...હું ડી. સી. પી. ખાન બોલું છું.’

‘ફરમાવો સાહેબ!’ સામે છેડેથી આવતા અમરજીના અવાજમાં આદરનો સૂર હતો.

‘તેં બારમી તારીખે એ વિસ્તારના કોઈ ફ્લેટમાં છાપો મારીને જુગાર રમતાં સાત-આઠ શખ્સોની ધરપકડ કરી હતી?’

‘હા.. સર!’

‘એમાં અજીત નામનો કોઈ યુવાન હતો.?’

‘મને યાદ છે, ત્યાં સુધી તો હતો. છતાંય હું નોધ જોઇને કહું છું.’

‘ભલે..’ કહી, માઉથપીસ પર હાથ રાખી, અજીતને ઉદ્દેશીને એણે કહ્યું, ’તારી વિરુદ્ધ જયારે ગુનો નોધવામાં આવ્યો, ત્યારે તે તારું પોતાનું નામ સરનામું લખાવ્યું હતું કે બીજા કોઈનું?’

‘મારા મિત્રનું નામ લખાવ્યું હતું.’ અજીતે જવાબ આપ્યો.

ખાને માઉથપીસ પરથી હાથ ખસેડી લીધો.

ત્યારબાદ તે થોડી પળો સુધી સામે છેડેથી કહેવાની વાત સાંભળતો રહ્યો.

પછી એણે રિસીવર મૂકી દીધું.

‘દિલીપ....!’ એ બોલ્યો, ‘અજીતની વાત સાચી છે. બાર તારીખે બપોરે લગભગ ત્રણ વાગ્યે તેણે જી.ટી. રોડના પોલીસ સ્ટેશને જુગાર રમવાના આરોપસર લઇ જવામાં આવ્યો હતો અને તેરમી તારીખે તેણે એક અઠવાડિયાની સજા થઇ હતી.’

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. પછી સ્હેજ અટકીને એણે ગંભીર અવાજે કહ્યું. ‘તો આનો અર્થ એ થયો કે મોહનલાલે ચોરીની રકમ સાથે પોતાના પુત્ર અજીતને ક્યાંક નસાડી મુક્યો છે, એવી પોલીસની માન્યતા ખોટી હતી. ચોરી થઇ એ દિવસે તો અજીત જેલમાં હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે મોહનલાલને અટકમાં રાખીને પોલીસે બહું મોટી ભૂલ કરી છે.’

સહસા અજીતની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

‘સાહેબ...!’ એ ધ્રુસકા ભરતાં વિનંતીભર્યા અવાજે બોલ્યો, ‘પિતાજી ખરેખર નિર્દોષ છે. એના જેવા સજ્જન માણસ ક્યારેય ચોરી અને ખૂન જેવું પાપ કરે જ નહીં.’

‘તને તારા પિતાજી પર આટલો બધો ભરોસો છે?’ દિલીપે એની સામે જોતાં પૂછ્યું.

‘હા...કારણ કે તેઓ માણસ નહીં પણ દેવતા છે!’

‘જે માણસ વિશે તું આટલી ખાતરીથી કહે છે કે –એ ચોરી અને ખૂન જેવું પાપ ન કરે..એ દેવતા છે...એનો પોતાનો જ પુત્ર તેના ચીધ્યા માર્ગે નથી ચાલી શકતો...એના એકેય આદર્શનું પાલન નથી કરી શકતો....શું આ વાત શરમજનક નથી? તારા પિતાને તું સજ્જન પુરુષ કહે છે...દેવતા ગણે છે...પણ તું પોતે શું છો, એનો વિચાર તે ક્યારેય કર્યો છે ખરો? તારા પિતાજી કોણ જાણે કેટલા લોકો માટે દાખલારૂપ છે. પણ જ્યારે તેઓ તેરી સામે જોતા હશે એ તે ક્યારેય વિચાર્યું છે ખરું? ‘ દિલીપના અવાજમાં મોહનલાલ પ્રત્યે આદરની સાથે અજીત પ્રત્યે ઠપકો હતો.

અજીત દિલીપની વાતનો કોઈ જવાબ ન આપી શક્યો. શરમ અને ભોંઠપથી તે નીચું જોઇને જ બેસી રહ્યો.

‘હજુ પણ કંઈ નથી બગડ્યું!’ થોડી પળો સુધી ચૂપ રહ્યા બાદ દિલીપે પોતાની વાત આગળ લંબાવી, ‘હજુય તક છે. તું સુધરી શકે છે. સવારનો ભૂલેલો સાંજે ઘેર પાછો આવી જાય તો તેને ભૂલેલો નથી ગણાતો. જો તું ખરા અંતકારણપૂર્વક તારા પિતાજીની માફી માગીને એક સારો નાગરિક બનવાનો પ્રયાસ કરીશ તો મારી સાથે સાથે તે મને પણ ઘણો આંનદ થશે.’

‘સાહેબ....!’ સહસા અજીત માથું ઊંચું કરીને ભરાયેલા અવાજે બોલ્યો, ‘હું મારી સ્વર્ગવાસી માતાના સમ ખાઈને કહું છુ કે આજ પછી, પિતાજીની લાગણી દુભાય એવું કોઈ કામ નહીં કરું. એક સારો નાગરિક બનીને હું તેમને ચિંધેલા માર્ગે જ ચાલીશ! મારા પર ભરોસો રાખો સાહેબ!’

‘વેરી ગુડ...!’

ત્યારબાદ થોડી પળો સુધી ઓફિસમાં ચૂપકીદી છવાયેલી રહી.

અજીત આંસુ લુછતો હતો. જયારે દિલીપ કંઇક વિચારતો હતો.

‘ચાલો...’ છેવટે દિલીપ ઉભો થતાં બોલ્યો, ‘જૈન સાહેબને મળીને એ તારી વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરે એવો પ્રયાસ કરીએ.’

દિલીપને ઉભો થયેલો જોઇને ખાન તથા અજીત પણ ઉભા થઇ ગયા.

ત્રણેય કલ્યાણીની ઓફિસમાંથી બહાર નીકળ્યા.

દિલીપે લોબીમાં આજુબાજુમાં નજર દોડાવી. પરંતુ રુસ્તમ ક્યાંય ન દેખાયો.

એને થોડું આશ્ચર્ય થયું. કારણકે એણે રુસ્તમને બહાર બેસવાનું જ કહ્યું હતું.

‘આ રુસ્તમ ક્યાં ગુમ થઇ ગયો?’ એ વિચારવશ અવાજે બોલ્યો, ‘ યાર ખાન, જરા એની તપાસ તો કર!’

ખાન માથું હલાવીને રુસ્તમને શોધવા માટે ચાલ્યો ગયો.

દિલીપ અજીત સાથે મોતીલાલની ઓફિસમાં પ્રવેશ્યો.

મોતીલાલ એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એના હાથમાં સિગારેટ સળગતી હતી.

પગરવનો અવાજ સાંભળી, માથું ઉચું કરી, ફાઈલને એક તરફ મુકીને એણે દિલીપ તથા અજીત સામે જોયું.

‘આવો મિસ્ટર દિલીપ!’ એણે કહ્યું, ‘બેસો’

દિલીપ તેની સામે એક ખુરશી પર બેસી ગયો. પછી એના સંકેતથી તેની બાજુમાં બેઠો.

‘હા, તો જૈન સાહેબ, આપે શું નિર્ણય કર્યો છે?’ દિલીપે મોતીલાલ સામે જોતા પૂછ્યું.

‘નિર્ણય ...?કઈ બાબતમાં ?’

‘અજીત વિશે.’

‘ઓહ...!’મોતીલાલે એક ઉડો કસ ખેંચીને કહ્યું, ‘તમે જ કહો મિસ્ટર દિલીપ, કે મારે શું કરવું જોઈએ ?’

‘આપ મારી વાત માની લેશો?’

‘કદાચ માની લઉં ! જોકે અજીતને મોહનલાલના પુત્ર હોવાનો લાભ મળવો જોઈએ એમ હું અંગત રીતે માનું છું.’

‘એનો અર્થ એ થયો કે આપને પણ અજીત પ્રત્યે સહાનુભુતિ છે ખરું ને?’ દિલીપે પૂછ્યું.

‘હા...કારણકે મોહનલાલે ખરેખર આ કંપનીની ખુબ જ સેવા કરી છે. એની ધરપકડથી પણ હું નારાજ છું. મારો વકીલ તેમને જામીન પર છોડાવવા માટે તનતોડ પ્રયાસો કરે છે.’ પછી અજીતને ઉદ્દેશીને એણે કહ્યું, ‘અજીત, મેં તને માફ કરી દીધો છે. તારી વિરુદ્ધ પોલીસમાં કોઈ ફરિયાદ હું નહીં નોધવું. પરંતુ ભવિષ્યમાં કોઈનીયે સાથે આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજે.’

મોતોલાલની વાત સાંભળીને અજીતની આંખો ભરાઈ આવી.

‘આપનો ખૂબ ખૂબ આભાર જૈન સાહેબ!’ એણે દિલગીરીભર્યા અવાજે કહ્યું, ‘આપે મારા પર જે ઉપકાર કર્યો છે, તે હું ક્યારેય નહીં ભૂલું.’

‘આ ઉપકાર નહીં પણ, મોહનલાલની સેવાનું ઇનામ છે.!’

‘સાહેબ, ભવિષ્યમાં કોઈને મારી સામે ફરિયાદ કરવી પડે એવું એકેય કામ હું નહીં કરું, તેની આપને ખાતરી આપું છું.’

દિલીપે અજીતની પીઠ થાબડી.

એ જ વખતે, બારણું ઉઘાડીને ખાન અંદર આવ્યો. એનો ચ્હેરો ઉતરી ગયો હતો.

‘દિલીપ...!’ આવતાંવેત એ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘રુસ્તમનો ક્યાંયથી પત્તો નથી લાગ્યો, એ નાલાયક કોણ જાણે ક્યાં ગુમ થઇ ગયો છે.’

‘શું...?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘હા...હું સાચું જ કહું છું.

‘પણ..પણ એ ક્યાં ગયો હશે? ખાન, તે આટલામાં જ ક્યાંય નાસ્તો-પાણી કરવા માટે ગયો હશે. થોડીવારમાં પાછો આવી જશે.’

‘નાસ્તો...?’ ખાને મો મચકોડતા કહ્યું, હજુ બે કલાક પહેલા તો એણે બ્રેડનું આખુ પેકેટ, સો ગ્રામ માખણ અને પૂરા ત્રણ કપ ચા પીધી છે અને છતાંય એણે ભૂખ લાગી હશે એમ તું માંને છે? ‘

‘વારુ, તે લીફ્ટમેનને પૂછપરછ કરી?

‘હા....રુસ્તમ લીફ્ટ મારફત નથી ગયો. કદાચ નીચે જવા માટે સીડીનો ઉપયોગ કર્યો હશે. એ નાસી છુટ્યો હોય એવું મને તો લાગે છે. આ વખતે એ લબાડ હાથમાં આવે એટલી જ વાર છે. હું એનાં ટાંટિયા જ ભાગી નાખીશ.’

દિલીપ ગંભીર થઇ ને કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

‘ચાલ, એને શોધીએ.’ થોડી પળો સુધી વિચાર કર્યા બાદ ઉભો થતાં તે બોલ્યો. પછી એણે અજીતને ઉદ્દેશીને કહ્યું, ‘અજીત, હવે તું તારા પિતાજી પાસે જા. તેમની માફી માગીને ભવિષ્યમાં કોઈ ખોટું કામ નહીં કરે, એવું વચન તેમને આપ. એક કામ કર, તું મારી સાથે જ ચાલ. હું તને હોસ્પિટલે ઉતારી દઈશ.’

‘રહેવા દો મિસ્ટર દિલીપ!’ સહસા મોતીલાલે કહ્યું,’ તમારે તકલીફ લેવાની કઈ જ જરૂર નથી. આમેય હું મોહનલાલના ખબર-અંતર પૂછવા માટે જઉં જ છું. અજીતને હું મારી સાથે જ લઇ જઈશ.

‘તો તે ઘણું સારું. મારો સમય બચી ગયો. ખેર, હવે મને રજા આપો.’

મોતીલાલે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ દિલીપ તથા ખાન લીફ્ટ મારફત નીચે આવ્યા.

નીચે પાર્કિંગમાં ખાનની જીપ ઉભી હતી.

જીપ તરફ આગળ વધતી વખતે અચાનક એક વિચાર આવતા દિલીપ એકદમ ચમકી ગયો.

‘હે ઈશ્વર...!’ એ ઉત્તેજીત અવાજે બબડ્યો.

‘શું થયું?’ ખાને સ્હેજ અટકીને પૂછ્યું.

‘ખાન...!’ દિલીપે પૂર્વવત અવાજે બોલ્યો, ‘આપણે થાપ ખાઈ ગયા છીએ. રુસ્તમનો દીકરો આપણને મુર્ખ બનાવી ગયો.’

‘કેમ..?’

‘ખૂની આ લોકોમાંથી જ કોઈક છે. એટલું જ નહીં, રૂસ્તમે તેને ઓળખી લીધો છે અને એના નામ-સરનામાની પણ તેને ખબર પડી ગઈ છે.’

‘આ શું કહે છે દિલીપ?’ ખાને અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘હું સાચું જ કહું છું. રુસ્તમ ખૂનીને ઓળખી ચુક્યો હતો. ખૂનીને ઓળખ્યા પછી પણ એ ચૂપ રહ્યો. એણે આપણને કંઈ જ ન જણાવ્યું. દરેક વખતે નકારાત્મક જવાબ જ આપ્યો. ખાન, હવે એ ખૂનીને બ્લેક્મેઈલ કરવા માંગે છે. એની મને પૂરી ખાતરી છે. એ દસ લાખ રકમમાંથી ખૂની પાસે ભાગ માગશે. નાસી છૂટવાનો પ્રયાસ તો તેણે કરવાનો જ હતો. પરંતુ આપણી મૂર્ખાઈને કારણે તેને નાસી છુટવાની તક સહેલાઈથી મળી ગઈ અને એણે આ તકનો આબાદ લાભ ઉઠાવ્યો છે.

દિલીપની વાત સાંભળીને ખાનના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

‘દિલીપ...!’ વળતી જ પળે એ સ્વસ્થ થઈને બોલ્યો, ‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી.’

‘કેમ...?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘હું હમણા જ આખા ડીપાર્ટમેન્ટને તેને શોધવાના કામે લગાડી દઉં છું.’

‘એ તો ઠીક છે....પણ જો તે ખૂની પાસે પહોચી જશે તો પછી આપણે કંઈ જ નહીં કરી શકીએ. એ ખૂની પાસે પહોચે તે પહેલા જ એનું પકડાઈ જવું એકદમ જરૂરી છે.’ દિલીપે ચિંતાતુર અવાજે કહ્યું.

‘તો પછી આપણે એક કામ કરીએ.’

‘શું..?’

‘તારા કહેવા મુજબ ખૂની રણજીત, પ્રમોદ, કલ્યાણી, દીનાનાથ, મોતીલાલ અને અમિતકુમાર..આ પાંચમાંથી જ કોઈક છે ખરું ને?’

‘હા..’

‘હવે જો રુસ્તમનો હેતુ ખરેખર જ ખૂનીને બ્લેક્મેઈલ કરવાનો હશે તો તે એને મળવાનો પ્રયાસ જરૂર કરશે. હું સીવીલડ્રેસમાં એક એક સિપાઈઓને આ પાંચેય પર નજર રાખવા માટે મોકલી આપું છું.’

‘જરૂર..તું તાબડતોબ નજર રખાવવાની વ્યવસ્થા કર ! પરંતુ નજર રાખવાનું કામ, જે લોકો રુસ્તમને ઓળખતો હોય તેમને જ સોપજે અને હા, દીનાનાથ પર નજર રાખવાની કઈ જ જરૂર નથી.’

‘કેમ?’ ખાને ચમકીને પૂછ્યું.

‘એટલા માટે કે હવે એ શંકાસ્પદ માણસોની યાદીમાં નથી.’

‘કેમ? શા માટે નથી..? ઓહ...સમજ્યો..! રૂસ્તમે તો દીનાનાથનું મોં પણ નથી જોયું. એને લઈને માત્ર પ્રમોદ કલ્યાણી, રણજીત, અમિતકુમાર તથા મોતીલાલ પાસે જ ગયા હતા.

‘તું બરાબર જ સમજ્યો છે.’ દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું.

‘દિલીપ...!’ સહસા કંઇક યાદ આવ્યું હોય એમ ખાન બોલ્યો, ‘રુસ્તમ આપણી મૂર્ખાઈને કારણે નાસી છુટ્યો છે એમ તું કહેતો હતો. મારા મિત્ર, તને એક વાત યાદ કરવું છું. કે એને બહાર બેસવાનો આદેશ તેં જ આપ્યો હતો. મેં નહીં સમજ્યો.?’

‘અર્થાત, હું મૂર્ખાઈ કરતો હતો છતાંય તેં મને અટકાવ્યો નહીં. આનો બીજો અર્થ એ થયો કે તું મારા કરતાં પણ વધુ મૂરખ છો.’

દિલીપનું કથન સાંભળીને ખાન ખડખડાટ હસી પડ્યો.

બંને જીપમાં બેઠા. ખાને જીપ સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

‘ખાન, તું, જે ટેક્સીવાળો માધવીને પોતાની ટેક્સીમાં બેસાડીને અમરજી સ્ટ્રીટમાં લઇ ગયો હતો, અને પત્તો મેળવ! કદાચ તેને ઓવરકોટધારી વિશે કંઇક ખબર હશે. પાછા ફરતી વખતે એણે તેના સ્કુટરને જોયું હોય એની બનાવટ તથા રંગ તેને યાદ હોય એ બનવાજોગ છે.’

ખાને હકારમાં માથું હલાવ્યું.

જીપ પૂરી રફતારથી પોલીસ હેડક્વાર્ટર તરફ આગળ ધપતી હતી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED