બેઈમાન - 5 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈમાન - 5

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 5

દિલીપની તપાસ !

લેડી વિલાસરાય રોડ પર આવેલો પ્રમોદ કલ્યાણીનો બંગલો ખૂબ જ સુંદર અને આધુનિક હતો.

દિલીપે બંગલામાં પહોંચીને ડોરબેલ દબાવી.

અંદર ક્યાંક ડોરબેલનો મધુર અવાજ ગુંજ્યો.

બહાર ઉભેલા દિલીપ તથા શાંતા પણ એ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શક્યા હતા.

થોડી પળો બાદ આશરે ત્રીસેક વર્ષની વય ધરાવતી એક સાધારણ દેખાવની સ્થૂળકાય સ્ત્રીએ બારણું ઉગાડ્યું.

‘બોલો...!’ એણે દિલીપ તથા શાંતા સામે જોતા રુક્ષ અવાજે કહ્યું.

‘હું મિસ્ટર કલ્યાણીને મળવા માગું છું.’ દિલીપ નમ્ર અવાજે બોલ્યો.

‘તેઓ ઘેર નથી.’ સ્ત્રીએ જવાબ આપ્યો.

‘શું તેઓ ઓફિસે જવા માટે નીકળી ગયા છે?’

‘ના...’

‘તો પછી?’

‘તેઓ આત્યારે ડોક્ટર મહેતાની હોસ્પીટલમાં છે. પરમ દિવસે રાત્રે અચાનક જ તેમના પર હુમલો થયો હતો?’

‘હુમલો...?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. ‘કેવો હુમલો?’

‘બધા પર થાય છે તેવો હુમલો!’

‘છતાય કંઇક તો કહો.’

‘મિસ્ટર...!’ અચાનક જ એ મિજાજ ગુમાવીને બોલી, ’હું શા માટે કહું? તમે કોણ છો ને તેમને વિશે શા માટે પુછપરછ કરો છો?’

‘મેડમ...!’ દિલીપનો અવાજ હજુ પણ નરમ હતો,’ મારો સંબંધ પોલીસ સાથે છે. એક કેસના અનુસંધાનમાં હું મિસ્ટર કલ્યાણીને થોડી પુછપરછ કરવા માગું છું. મિસ્ટર કલ્યાણી જે કંપનીમાં નોકરી કરે છે, ત્યાં દસ લાખ રૂપિયાની ચોરી થઇ છે એ તો તમે જાણતા જ હશો?’

‘હા, એની મને ખબર છે.’ દિલીપ,પોલીસ સાથે સંકળાયેલો છે એ જોઇને તે સ્હેજ નરમ પડતાં બોલી.

‘હું એ બાબતમાં જ તેમને થોડી પુછપરછ કરવા માગું છું.’

‘ગઈકાલે એક ઇન્સ્પેકટર સાહેબ પણ પુછપરછ કરવા માટે આવ્યા હતા. મેં તેમને મહેતા સાહેબની હોસ્પીટલનું સરનામું જણાવી દીધું હતું.’

એ ઇન્સ્પેકટરનું નામ વામનરાવ છે. મારે એની સાથે વધુ વાતચીત નથી થઇ શકી એટલે જો તમે મહેતા સાહેબની હોસ્પીટલનું સરનામું આપો તો તમારી મહેરબાની!’

‘લખી લો...’ એ સ્ત્રીએ કહ્યું.

દિલીપ તથા શાંતાને અંદર બોલાવવા જેટલો વિવેક પણ એણે નહોતો દાખવ્યો. બધી વાતચીત બારણાં પાસે જ ઉભા ઉભા થતી હતી.

દિલીપે ગજવામાંથી ડાયરી કાઢીને તેમાં ડોક્ટર મહેતાની હોસ્પીટલનું સરનામું લખી લીધું.

ત્યારબાદ તેઓ એ સ્ત્રી કે જે પ્રમોદ કલ્યાણીની પત્ની હતી, તેની રજા લઇને ડોક્ટર મહેતાની હોસ્પીટલે જવા માટે રવાના થઇ ગયા.

‘શાંતા...!’ રસ્તામાં દિલીપ બોલ્યો, ‘આ કેસ ખુબ જ વિચિત્ર છે. કોના પર શંકા કરવી ને કોના પર નહીં, એ જ મને તો કંઈ સમજાતું નથી.’

‘તારી વાત સાચી છે.’ શાંતાએ કહ્યું, ‘અત્યારે આપણી સામે કેટલાય માણસો શંકાસ્પદ છે.’

‘હવે આ જોને...પરમદિવસે બપોરથી મોહનલાલનો પુત્ર અજીત ગુમ છે. પોલીસ તેને શોધે છે. રુસ્તમ નામના એક ચોરનું લાઈટર ચોકીદારના મૃતદેહ પાસેથી મળ્યું. પોલીસ રુસ્તમને પણ શોધે છે. ચોરી પરમદિવસે રાત્રે એક અને બે વાગ્યાની વચ્ચે થઇ અને એ જ દિવસની સાંજથી માધવી બિનપત્તે છે. એને શોધવાના પ્રયાસો પણ ચાલુ જ છે. અને હવે આ પ્રમોદ કલ્યાણીની વાત કરું તો, જે રાત્રે ચોરી થઇ, એજ રાત્રે તેના પર માનસિક આઘાતનો હુમલો થયો અને તેને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો. આ બધું શું છે? હવે રુસ્તમ, અજીત તથા માધવી, આ ત્રણમાંથી કોઈ જીવતું મળે છે કે નહીં, એ જ આપણે જોવાનું છે.’

‘ચોરીમાં આ લોકોનો હાથ ન હોય એવું પણ બની શકે છે.’ શાંતાએ પોતાનો મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું.

‘બરાબર છે ...પણ કોઈકનો તો હાથ જરૂર હશે જ !’ દિલીપ મક્કમ અવાજે બોલ્યો, ‘આટલા બધા જોગાનુજોગ કંઈ એક સાથે ન બને !’

‘ખેર, જોયું જશે. હજુ તો આપણે તપાસની શરૂઆત જ કરી છે. જે હશે તે સામે આવી જશે.’

‘તારી વાત સાચી છે.’

‘સારું, પ્રમોદ કલ્યાણીને મળ્યા બાદ આપણે મોહનલાલના ખબર-અંતર પૂછવા માટે જઈશું. ત્યારબાદ જ બીજું કામ કરીશું.’

દિલીપે હકારમાં માથું હલાવ્યું.

થોડીવાર પછી એની કાર ડોક્ટર મહેતાની હોસ્પિટલ સામે પહોંચીને ઉભી રહી. વિશાળગઢમાં ડોક્ટર મહેતાનું ખુબ જ નામ હતું. એની હોસ્પીટલમાં દાખલ થવાનું માત્ર પૈસાદાર માણસોને જ પોષાય તેમ હતું.

દિલીપે રીસેપ્શન પર પ્રમોદ કલ્યાણીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો એક વોર્ડબોય તેમને પ્રમોદ કલ્યાણીની રૂમમાં મૂકી ગયો.

દિલીપ તથા શાંતા રૂમમાં દાખલ થયા ત્યારે પ્રમોદ કલ્યાણી પલંગ પર આરામથી બેસીને સિગારેટના કસ લેતો હતો. એના હાથમાં એક મેગેઝીન જકડાયેલું હતું.

એ બિમાર છે અને હોસ્પીટલમાં સારવાર લે છે એમ અત્યારે તેને જોઇને કોઈ જ કહી શકે તેમ નહોતું. એ સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાતો હતો.

એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું.

દિલીપે તેને પોતાનો પરિચય આપ્યો. પછી કહ્યું, ‘મિસ્ટર કલ્યાણી, હું તમારી કંપનીમાં થયેલી દસ લાખ રૂપિયાની ચોરી અને ચોકીદારના ખૂન વિશે થોડી પૂછપરછ કરવા માંગું છું.’

દિલીપની વાત સાંભળીને કલ્યાણીના ચહેરા પર અણગમાના હાવભાવ છવાઈ ગયા.

‘મિસ્ટર દિલીપ !’ એ રુક્ષ અવાજે બોલ્યો, ‘હું જે કંઈ જાણતો હતો, તે પોલીસને જણાવી ચુક્યો છું. મારી પાસે જણાવવા માટે હવે કશુય બાકી નથી રહ્યું.

‘હજુ ઘણુબધું બાકી છે મિસ્ટર કલ્યાણી !’ દિલીપે કહ્યું, તમે જે કંઈ જણાવ્યું છે, એ હું તમને નહીં પૂછું. હું તો તમારી પાસેથી બીજી જ જાણકારી મેળવવા માંગું છું.’

‘કેવી જાણકારી ?’ કલ્યાણીએ સિગારેટનો કસ ખેંચતા પૂછ્યું.

‘માધવી વિશે અને તમારા પર કયા પ્રકારનો હુમલો થાય છે તથા આ બીમારી તમને ક્યારથી વળગી છે એના વિશે.’ દિલીપે જવાબ આપ્યો.

‘પરંતુ એ બધી વાતોને આ કેસ સાથે સંબંધ છે?’ કલ્યાણીએ તીવ્ર અવાજે પૂછ્યું.

‘મિસ્ટર કલ્યાણી !’ દિલીપે કહ્યું, ‘માધવી પરમ દિવસની રાતથી જ ગુમ થઇ ગઈ છે એની કદાચ તમને ખબર નથી લગતી.’

‘શું...?’ કલ્યાણીએ ચમકીને પૂછ્યું. એના હાથમાંથી મેગેઝીન છટકીને નીચે પડી ગયું.

‘હા...માધવી ચોરી કરી, ચોકીદારનું ખૂન કરીને નાસી છૂટી છે, ફરાર થઇ ગઈ છે એમ પોલીસ મને છે.’ દિલીપે એક એક શબ્દ ઉપર ભાર મુકતાં કહ્યું.

‘નહિ...!’ કલ્યાણી ધ્રુજતાં અવાજે બોલ્યો.

તે વિસ્ફારિત નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો. એના ચહેરા પર મૂંઝવણ અને ચિંતાના હાવભાવ છવાઈ ગયા હતા.

‘પરંતુ હજુ સુધી પોલીસે માધવીની વિરુદ્ધ કેસ દાખલ નથી કર્યો. એના નામનું વોરંટ નથી કઢાવ્યું. તમે એના વિશે ઘણું બધું જાણો છો. અત્યારે એ ક્યાં છે એની પણ તમને ખબર છે. આ વાતની મને પૂરી ખાતરી છે. માધવી સાથે સૌ પહેલાં તમે જ પરિચયમાં આવ્યા હતા. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. તમે બંને લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ કમનસીબે તમારા લગ્ન નહોતા થઇ શક્યાં.

કલ્યાણીએ સીગરેટને ટેબલ પર પડેલી એશટ્રેમાં નાખી દીધી. પછી જાણે ભૂતકાળ વાગોળતો હોય તેમ આંખો બંધ કરી દીધી.

‘આપની વાત સાચી છે મિસ્ટર દિલીપ !’ થોડી પળો બાદ એણે ધીમા અવાજે કહ્યું, ‘માધવી મારી પ્રેમિકા છે. મારો પહેલો અને છેલ્લો પ્રેમ ! હા, અમે લગ્ન કરવાનું સપનું પણ જીયું હતું. સોનેરી સપનું ! પણ...પણ...અમારા આ સપનાને માધવીના પિતાજીએ તોડી નાખ્યું કારણકે એ વખતે હું એક સાધારણ માણસ હતો.અથવા તો ગરીબ હતો એમ કહો તો પણ ચાલે. માધવીના પિતાજીએ મારા જેવા ગરીબ ક્લાર્ક સાથે પોતાની પુત્રીનાં લગ્ન કરવાની સ્પષ્ટ રીતે ના પડી દીધી. મારું અપમાન કરીને મને કાઢી મુકવામાં આવ્યો અને ...અને એણે માધવીના લગ્ન રણજીત સાથે કરી નાખ્યાં.

‘પણ...!’ સહસા દિલીપે તેણે ટોકતા કહ્યું,’ રણજીત પણ મામૂલી માણસ છે. એ વળી ક્યાં અમીર કે ગર્ભશ્રીમંત છે? તો પછી માધવીના પિતાએ માધવીના લગ્ન તેની સાથે કેવી રીતે કરી નાંખ્યા.

‘મિસ્ટર દિલીપ !’ કલ્યાણી બોલ્યો, ‘અત્યારે ભલે તેની પાસે પૈસા ન હોય ! પરંતુ પહેલા તેની પાસે ખુબ જ પૈસા હતા. પરંતુ અચાનક જ તેણે જુગારની કુટેવ પડી ગઈ અને તે દિવસે દિવસે બરબાદ થતો ગયો. લગ્નના થોડા વર્ષમાં જ એની બધી મિલકત, પૈસા વગેરે શરાબ તથા જુગારમાં વેડફાઈ ગયું. અને તે લખપતિમાંથી રોડપતિ થઇ ગયો. આજના જમાનામાં પૈસાની ચમક જોઇને લોકો અંજાઈ જાય છે.માધવીનો બાપ પણ રણજીતના પૈસાની ચમકમાં અંજાઈ ગયો હતો.અને એનું માથું ફળ તેને ભોગવવું પડ્યું. માધવી એકદમ દુઃખી થઇ ગઈ.એ નહોતી ઘરની રહી કે નહોતી ઘટની ! ખેર, આ દુનિયામાં હું મારી મહેનત અને લગનથી, કલાર્કમાંથી પ્રગતિ કરતો કરતો કંપનીનો જનરલ મેનેજર બની ગયો હતો. જયારે માધવીની ખરાબ હાલત વિશે મને જાણવા મળ્યું ત્યારે મેં તેનો સંપર્ક સાધ્યો. મારાથી તેની દુઃખી હાલત સહન ન થઇ. પરિણામે મેં તેને મારી સેક્રેટરી બનાવી દીધી. એટલું જ નહીં, રણજીતને પણ એક પ્રાઇવેટ કંપનીમાં ટાઈપીસ્ટ તરીકે નોકરી અપાવી દીધી. પરંતુ તે હજુ પણ નથી સુધર્યો. શરાબ તથા જુગાર રમવાની તેની કુટેવ હજુ પણ ચાલુ જ છે.’

‘હં ...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. પછી કંઇક વિચારીને એ બોલ્યો, ‘મિસ્ટર કલ્યાણી, જયારે માધવીના લગ્નના સમાચાર તમે સાંભળ્યા ત્યારે તમારા પર માનસિક તાણનો સૌથી પહેલો હુમલો આવ્યો હશે એમ હું માનું છું. મારી વાત સાચી છે ને?’

પ્રમોદ કલ્યાણી આશ્ચર્યથી તેની સામે તાકી રહ્યો.

‘આપની માન્યતા એકદમ સાચી છે મિસ્ટર દિલીપ !’ એણે ધીમેથી કહ્યું, ‘મારા પર પહેલો હુમલો એ દિવસે જ થયો હતો.’

‘અને ત્યાર પછી...?’

‘ત્યારબાદ અવારનવાર મારા પર આ જાતના હુમલાઓ થવા લાગ્યા. મારી હાલત જોઇને મારા કુટુંબીજનો એકદમ ગભરાઈ ગયા. તેમણે પરાણે, મારી ઈચ્છા ન હોવા છતાં પણ મારા લગ્ન કરી નાંખ્યા, લગ્ન પછી મારા પર થતાં હુમલાઓ બંધ થઇ જશે એમ કદાચ તેઓ માનતા હતા. ધીમે ધીમે હુમલાઓ ઓછા થઇ ગયા.પણ બંધ તો ન જ થયા. આજે પણ જયારે હું કોઈ દુઃખદ સમાચાર સાંભળું છું ત્યારે મને ખુબ જ આઘાત લાગે છે અને મારા પર તરત જ માનસિક તાણનો હુમલો થાય છે.’

‘આ હુમલામાં શું થાય છે?’ અત્યાર સુધી ચૂપ બેઠેલી શાંતાએ પૂછ્યું.

કલ્યાણીએ શાંતા સામે જોયું. ‘હુમલો થાય ત્યારે મારા મોમાંથી એકદમ ચીસ નીકળી જાય છે. આખુ શરીર ધ્રુજવા લાગે છે. ચહેરો પરસેવે રેબઝેબ થઇ જાય છે. મારી આંખો સામે અંધકાર ફરી વળે છે. અને પછી હું ભાન ગુમાવી બેસું છું.’

‘ઓહ...’ શાંતા બોલી, ‘અને ભાનમાં આવ્યા પછી?’

‘ભાનમાં આવ્યા પછી બાકી બધુ તો બરાબર રહે છે. અલબત, અંદરખાનેથી ખૂબ જ નબળાઈ અનુભવું છું. એટલે મારે ત્રણ-ચાર દિવસ સુધી આરામ કરવો પડે છે.’

‘શું અત્યારે તમને નબળાઈ વર્તાય છે?’ દિલીપે પૂછ્યું.

‘ના બહુ નથી વર્તાતી!’

‘વારુ, પરમ દિવસે રાત્રે એવું તે શું બન્યું કે જેના કારણે તમારા પર હુમલો થયો?’

જવાબ આપતા પહેલા કલ્યાણી સ્હેજ ખમચાયો. એના ચહેરા પર મુંઝવણના હાવભાવ છવાઈ ગયા. દિલીપને કઈ કહેવું કે નહીં એની ગડમથલમાં તે પડ્યો હતો.

‘મિસ્ટર દિલીપ !’ છેવટે એણે કહ્યું, ‘મારી આ હાલત અમિતકુમારનો ફોન સાંભળીને થઇ હતી.’

‘તમે એમ. એસ. કોલેજના પ્રોફેસર અમિતકુમારની વાત કરો છો?’

દિલીપનું કથન સાંભળીને ફરીથી એકવાર કલ્યાણીના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ છવાયા.

‘જી, હા...હું એની જ વાત કરું છું.’ એ બોલ્યો, ‘પોતે ટૂંક સમયમાં જ માધવી સાથે લગ્ન કરવાનો છે એવું એણે ફોનમાં મને જણાવ્યું હતું. એની વાત સાંભળીને મને ખુબ જ આઘાત લાગ્યો અને મારા પર માનસિક તાણનો હુમલો થયો. મારે તાબડતોબ સારવાર માટે દાખલ થવું પડ્યું. પરંતુ હવે મને લાગે છે કે આ તો દુઃખની નહીં પણ આનંદની વાત છે. અમિતકુમાર જેવા હોશિયાર અને બુદ્ધિશાળી માણસ સાથે લગ્ન કરવાથી કમ સે કમ રણજીત જેવા નાલાયક તથા નફફટ માણસથી છુંટકારો મળી જશે.’

‘મિસ્ટર કલ્યાણી...!’ દિલીપે પૂછ્યું, ‘તમે પણ માધવીને પ્રેમ કરો છો. શું તમે તમારી પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરી શકો તેમ નથી?’

‘ના એ શક્ય નથી.’ કલ્યાણીએ નકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો.

‘કેમ...?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું. બાપ બની ચુક્યો છું. બીજા લગ્ન કરીને હું એ બંનેનું ભાવિ બગાડવા નથી માંગતો.’

‘મિસ્ટર કલ્યાણી...!’ દિલીપે વટનો વિષય બદલતા કહ્યું, ‘આપણે હવે માધવી વિશે વિચારવું જોઈએ એમ હું માનું છું.’

‘માધવી વિશે!’

‘હા...એ કયા કારણસર બે દિવસથી ઘેર પછી નથી ફરી કે નથી ઓફિસે ગઈ?’

‘માધવીનું આ રીતે અચાનક જ ગુમ થઇ જવું ખરેખર ચિંતાજનક છે’ કલ્યાણીના અવાજમાં વ્યાકુળતા અને ચિંતાનો સુર હતો, ‘પરંતુ એટલું તો હું પૂરી ખાતરીથી કહું છું કે માધવી ચોરી અને ખૂન જેવું નીચ કામ ક્યારેય કરે જ નહીં. જરૂર તે કોઈક મુશ્કેલીમાં ફસાઈ ગઈ હશે.’

‘કેવી મુશ્કેલીમાં?’

‘એ જ તો મને નથી સમજાતું કદાચ તે અમિતકુમાર સાથે હોય એ બનવાજોગ છે.’

‘અમિતકુમાર અત્યારે ક્યાં હશે?’

‘અત્યારે ...!’ કલ્યાણીએ પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતા કહ્યું. ‘એ કોલેજનો ફોન નંબર છે?’

‘હા...’ કહીને કલ્યાણીએ તેણે એમ. એસ. કોલેજનો ટેલીફોન નંબર જણાવી દીધો.

દિલીપે એ નંબર એક ચબરખી પર લખીને એ ચબરખી શાંતાને આપતા કહ્યું, ‘શાંતા, તું આ નંબર પર અમિતકુમારનો સંપર્ક સાધીને તેણે માધવી વિશે પુછપરછકરી લે.’

શાંતા માથું હલાવીને બહાર નીકળી ગઈ.

સમય પસાર કરવા માટે દિલીપ એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

પાંચેક મિનીટ પછી શાંતા પછી ફરી.

દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘માધવી ક્યાં છે તેની અમિતકુમારને કોઈ જ ખબર નથી.’ શાંતા બોલી, ‘અમિતકુમારના કહેવા મુજબ માધવી છેલ્લે તેણે ત્રણ દિવસ પહેલા મળી હતી.’

સહસા કલ્યાણીએ કંઈક કહેવા માટે મોં ઉગાડ્યું. પણ પછી તરત જ જાણે ક્યારેય ઉઘાડવાના ન હોય એ રીતે તે હોઠ એકબીજા સાથે ચોંટી ગયા.

દિલીપે આ ફેરફાર સ્પષ્ટ રીતે જોયો હતો.

‘મિસ્ટર કલ્યાણી ...!’ એ બોલ્યો, ‘તમે કંઇક કહેવા માંગતા હતા ખરુંને ?’

‘હું...હું...?’ કલ્યાણી થોથવાયો, ‘ ના..ના..હું કઈ જ કહેવા નહોતો માંગતો.’

એનો થોથવાતો જોઇને દિલીપની આંખોમાં શંકાના હાવભાવ છવાયા.

‘સારું, મિસ્ટર કલ્યાણી !’ એણે ઉભા થઇ, ગજવામાંથી પોતાનું વીઝીટીંગ કાર્ડ કલ્યાણીના હાથમાં મુકતાં કહ્યું, ‘હવે અમને રજા આપો. જો માધવી વિશે કઈ જાણવા મળે તો મને જરૂરથી જાણ કરજો.’

‘ચોક્કસ...! ‘ કલ્યાણીએ હકારમાં માથું હલાવીને કાર્ડને ગજવામાં મૂકી દીધું.

દિલીપ તથા શાંતા હોસ્પિટલમાંથી બહાર નીકળીને કારમાં ગોઠવાયાં.

દિલીપે કાર સ્ટાર્ટ કરી, આગળ ધપાવીને હોસ્પિટલથી બસો એક વાર દુર પહોંચીને ઉભી રાખી દીધી. ત્યાંથી પણ હોસ્પિટલ સ્પષ્ટ દેખાતી હતી.

દિલીપની નજર હોસ્પીટલના દરવાજા પર જ સ્થિર થયેલી હતી.

‘શું વાત છે દિલીપ?’ શાંતાએ પૂછ્યું. ‘કાર શા માટે ઉભી રાખી? અને એ તરફ શું જુએ છે? કોઈ નર્સ સાથે તારી આંખો ચાર થઇ ગઈ છે કે શું?’

‘ના, એવું કઈ નથી.’ દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું, ‘ઉલટું તારી આંખો પ્રમોદ કલ્યાણી સાથે ચાર થઇ ગઈ છે એમ હું તો માનતો હતો. એટલે મને થયું કે ચાલ તમારા બંનેની મુલાકાત કરાવી આપું.’

શાંતાએ દિલીપની પીઠ પર મુક્કો ઝીકી દીધો.

‘લે કર વાત !’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો, ‘ભાંડો ફૂટી ગયો એટલે મારકૂટ પર ઉતરી આવી એમ ને ? હવે તું મારી તરફ જોવાને બદલે હોસ્પિટલ તરફ જો !... જો ત્યાંથી તારા સપનાનો રાજકુમાર એટલે કે પ્રમોદ કલ્યાણી હોસ્પીટલમાંથી બહાર નીકળે છે. બિચારો, દસ મિનીટ પણ તારી જુદાઈ સહન નથી કરી શક્યો.’

દિલીપની વાત સાચી હતી.

ખરેખર જ પ્રમોદ કલ્યાણી હોસ્પિટલમાંથી બહાર નીકળતો હતો.

‘જો દિલીપ, આવી મજાક મને જરા પણ પસંદ નથી.’ શાંતાએ કહ્યું.

‘લે બસ ...હવે હું ગંભીર થઇ ગઈ છું.’ કહીને દિલીપ ખરેખર જ ગંભીર થઇ ગયો.

એણે કારનું એન્જિન સ્ટાર્ટ કર્યું.

‘દિલીપ...તું કલ્યાણીનો પીછો કરવા માંગે છે?’ શાંતાએ પૂછ્યું.

‘હા...’ દિલીપે જવાબ આપ્યો, ‘તે કોઈક વાત છૂપાવતો હોય એવું મને લાગે છે.કદાચ માધવી ક્યાં છે, એની તેને ખબર છે.’

પ્રમોદ કલ્યાણી હોસ્પિટલમાંથી બહાર નીકળીને ફૂટપાથ પર પગપાળા જ એક તરફ વધતો હતો. પછી એણે ત્યાંથી પસાર થતી એક ખાલી ટેકસી ઉભી રખાવીને તેમાં બેસી ગયો.

ટેક્સી સડસડાટ કરતી આગળ વધી ગઈ.

અમુક ચોકકસ અંતર રાખીને દિલીપે તેનો પીછો શરુ કરી દીધો.

જુદી જુદી કેટલીયે સડકો વટાવ્યા પછી છેવટે કલ્યાણીની ટેક્સી અમરજી સ્ટ્રીટમાં દાખલ થઈને એક ત્રણ માળની ઈમારત સામે પહોચીને ઉભી રહી.

દિલીપે ગલીના ખૂણા પર જ કારને ઉભી રાખી દીધી. કલ્યાણીની ટેક્સી ગલીમાં સોએક ફૂટ દૂરજ ઉભી હતી. બંને ટેક્સીમાંથી નીચે ઉતરતા કલ્યાણીને સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા.

કલ્યાણીએ ટેક્સીનું ભાડું ચુકવ્યું. પછી તે ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક ફ્લેટ તરફ આગળ વધી ગયો.

‘કલ્યાણી કદાચ માધવીને જ મળવા આવ્યો લાગે છે.’ શાંતા બોલી.

દિલીપે ધીમેથી માથું હલાવ્યું.

આ દરમિયાન કલ્યાણી ફ્લેટ પાસે પહોચી ગયો હતો. એણે ફ્લેટના બારણાં પર ટકોરા માર્યા.

પરંતુ અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો.

એણે ફરીથી એક વાર ટકોરા માર્યા.

આ વખતે પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે એણે બારણાને ધક્કો માર્યો તો એ ઊઘડી ગયું.

આ ગલીમાં રહેણાંક વિસ્તાર હોવાથી ત્યાં ટ્રાફિક નહીંવત જ હતો.

બારણું ઉઘાડું જોઇને કલ્યાણીના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ છવાયા.

પણ પછી અંદરનું દ્રશ્ય જોતા જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

એનો દેહ સૂકા પાંદડાની જેમ થરથરવા લાગ્યો.

પછી વળતી જ પળે તે બેભાન થઈને બારણાં પાસે જ ઢળી પડ્યો.

બીજી તરફ કલ્યાણીની ચીસ સાંભળીને દિલીપ તરત જ કારમાંથી નીચે ઉતરીને ફ્લેટ તરફ દોડ્યો.

ફ્લેટ પાસે પહોંચીને એણે જોયું તો કલ્યાણી બારણાં પાસે જ બેભાન હાલતમાં પડ્યો હતો.

એના પર ફરીથી માનસિક આઘાતનો હુમલો થયો છે એ વાત દિલીપ તરત જ સમજી ગયો.

આઘાતનું કારણ જાણવા માટે એણે બારણાં પાસે પહોંચીને અંદર નજર દોડાવી. પછી અંદરનું દ્રશ્ય જોતા જ તેણે કમકમાટી છૂટી. આંખો નર્યા-નીતર્યા અચરજથી પહોળી થઇ ગઈ. દિમાગ કામ કરતુ અટકી ગયું.

રૂમમાં જમીન પર એક યુવતીનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહ એકદમ ફૂલી ગયો હતો અને તેના પર અસંખ્ય માખીઓ બણબણતી હતી.

રૂમમાં હળવી દુર્ગંધ પણ છવાયેલી હતી.

-અને એ મૃતદેહ બીજાં કોઈ નો નહીં પણ માધવીનો જ હતો.

દિલીપ સ્વસ્થ થયો.એ મૃતદેહ માધવીનો હોવો જોઈએ એવું અનુમાન એણે કર્યું.

આ દરમિયાન શાંતા પણ ત્યાં આવી પહોંચી હતી.

‘શું થયું?’ એણે પૂછ્યું.

દિલીપે ચૂપચાપ મૃતદેહ તરફ સંકેત કર્યો. મૃતદેહ જોઇને શાંતાને ઉલટી થવા લાગી. માંડમાંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો.

દિલીપે બારણું બંધ કરી દીધું. પછી તે કલ્યાણીને તપાસવા લાગ્યો.

આ દરમિયાન ત્યાં આજુબાજુમાં રહેતા લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી.

‘શું થયું...?શું થયું...?’ બધા પૂછવા લાગ્યા.

દિલીપે તેમને શાંત રહેવાનું જણાવ્યું. કલ્યાણીનું નિરીક્ષણ કર્યા પછી તે ઉભો થઇ ગયો.

‘શાંતા ...!’ એણે કહ્યું, ‘તું વામનરાયને ફોન કરીને તેને તાબડતોબ પુરા સ્ટાફ સાથે અહીં આવવાની સૂચના આપી દે.’

શાંતા હકારમાં માથું હલાવીને એક સજ્જન માણસ સાથે ફોન કરવા માટે તેના ફ્લેટ તરફ આગળ વધી ગઈ.

***