બેઈમાન - 6 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈમાન - 6

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 6

પૂછપરછ !

દિલીપે બારણાં પાસે એકઠા થયેલા લોકોને દુર ખસવાનું કહ્યું. પછી તે આજુબાજુમાં નિરીક્ષણ લાગ્યો.

ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ બે ફ્લેટ હતા. જેમાંથી એક ફ્લેટમાં માધવીનો મૃતદેહ પડ્યો હતો.

‘આ ફ્લેટ કોનો છે?’ દિલીપે એકથી થયેલી ભીડને ઉદ્દેશીને બીજાં ફ્લેટ તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘મારો છે...!’ એક યુવાને આગળ આવતા કહ્યું, ‘પણ આપ કોણ છો?’

‘હું પોલીસખાતા સાથે સંકળાયેલો છું.’ દિલીપ બોલ્યો.

પોલીસનું નામ સાંભળીને યુવાન મનોમન સાવચેત થઇ ગયો.

‘તમે આને ઓળખો છો?’ દિલીપે જમીન પર બેભાન હાલતમાં કલ્યાણી સામે આંગળી ચીંધતાં પૂછ્યું.

‘ઓળખું છું પણ માત્ર ચહેરા પરથી જ ! ન તો મને એના નામની ખબર છે કે ન તો ક્યારેય તેમની સાથે મારે વાતચીત થઇ છે.’ યુવાને જવાબ આપ્યો.

‘આ સાહેબ અહીં અવારનવાર આવતાં હોય એવું તમારી વાત પરથી મને લાગે છે.’ દિલીપે કહ્યું.

‘આપની વાત સાચી છે. આ ફ્લેટ એક યુવતીએ ભાડે રાખ્યો છે, અને એ યુવતી સાથે જ આ સાહેબ અહીં આવતા હતા. ક્યારેક એક બીજા સાહેબ પણ આવતા હતા.’

આ ફ્લેટ માધવીએ જ ભાડે રાખ્યો હતો અને તેની સાથે આવનારો બીજો માણસ અમિતકુમાર જ હતો એવું અનુમાન દિલીપે કર્યું. અર્થાત માધવી પોતાના બને પ્રેમીઓ સાથે વારાફરતી આવતી હતી.

‘શું પરમ દિવસે રાત્રે તમે અહીં કોઈને આવતાં જોયા હતા..?’ દિલીપે પૂછ્યું.

‘ના...’ યુવાને જવાબ આપ્યો,’ પરમ દિવસે રાત્રે સાદા દસ વાગ્યે હું ફિલ્મ જોઇને આવ્યો ત્યારે બારણાં પર તાળું લટકતું હતું. અને બીજે દિવસે સવારે ગયો ત્યારે બારણાં પર તાળું નહોતું. કદાચ એ યુવતીએ રાત્રે આવીને અંદરથી બંધ કરી દીધું હશે.’

ફ્લેટનું બારણું અંદરથી બંધ નહોતું પણ અમસ્તું અટકાવેલું જ હતું. એ દિલીપ જાણતો હતો.

એણે અનુમાન કર્યું કે દસ લાખ રૂપિયાની ચોરીમાં માધવીનો હાથ હતો. આ કામમાં એનો કોઈક બીજો સાથીદાર પણ હતો. રકમ ચોર્યા બાદ માધવી તથા તેનો સાથીદાર અહીં આવ્યા હતા. અને માધવીનો સાથીદાર માધવીનું ખૂન કરી, રકમ લઇને ચાલ્યો ગયો હતો.

માધવીનું ખૂન થયાને ઓછામાં ઓછા પાંત્રીસ-ચાલીસ કલાક વીતી ગ્યા હતા, એ વાત તેના મૃતદેહની હાલત પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતી હતી. મૃતદેહની દુર્ગંધ હજુ સુધી દૂર સુધી નહોતી ફેલાઈ, નહીં તો એના ખૂનની વહેલી જાણ થઇ જાત!

‘સાહેબ...!’ સહસા એ યુવાને દિલીપ સામે જોતા પૂછ્યું. ‘આપ આ બધી પુછપરછ શા માટે કરો છો?’

‘ફ્લેટમાં એક યુવતી એટલે કે આ ફ્લેટની ભાડૂઆતનો મૃતદેહ પડ્યો છે.’ દિલીપે જવાબ આપ્યો.

‘શું...?’ યુવાનનો સાદા ફાટેલા વાંસની જેમ તરડાઇ ગયો.

એના ચહેરા પર ગભરાત અને આશ્ચર્યના મિશ્રિત હાવભાવ છવાઈ ગયા હતા. એકઠી થયેલી ભીડમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

‘હા...!’ દિલીપ બોલ્યો, ‘અને ખૂન પરમ દિવસની રાતથી માંડીને ગઈ કાલે વહેલી સવારે વચ્ચેના સમય દરમિયાન થયું છે.’

સહસા નીચે બેભાન પડેલા કલ્યાણીના શરીરમાં હરકત થઇ. એણે પડખું ફેરવીને ચિત્કાર કર્યો.

ત્યાં મોજુદ માણસોની નજર હવે કલ્યાણી પર સ્થિર થઇ ગઈ.

દિલીપ ઉભડક પગે કલ્યાણીના દેહ પાસે બેસી ગયો. એની આંખો હજુ પણ બંધ હતી. તે આંખો ઉઘાડવાનો પ્રયાસ કરતો હતો પણ રહી રહીને તેની પાંપણ બીડાઈ જતી હતી.

એકાદ મિનીટ પછી તેનો પ્રયાસ સફળ થયો. તે આંખો ઉઘાડ્યા પછી તે વિચિત્ર નજરે ત્યાં ઉભેલા માણસો સામે તાકી રહ્યો. પછી ધીમે ધીમે ઉભો થઈને બેસી ગયો.

ત્યારબાદ થોડી પળો સુધી શૂન્યમાં તાકી રહ્યા બાદ અચાનક જ ધ્રસકે ધ્રુસકે રડી પડ્યો.

તેનું આ રુદન નાના બાળક જેવું માસુમ લાગતું હતું.

આ દરમિયાન શાંતા પણ ત્યાં આવી પહોચી હતી.

કલ્યાણીનું રુદન જોઇને તેનું નારીહૃદય દ્રવી ઉઠ્યું.

‘મિસ્ટર કલ્યાણી...!’ તે આશ્વાસનભર્યા અવાજે બોલી, ‘તમે હિંમત રાખો. આ રીતે રડવાથી કઈ જ લાભ નહીં થાય? પ્લીઝ શાંત થાઓ.’

છતાંય કલ્યાણીનું રુદન ન થંભ્યું.

‘દિલીપ...!’ શાંતાએ દિલીપ સામે જોયું. ‘મિસ્ટર કલ્યાણીને અત્યારે આરામની જરૂર છે. ચલો, તેમને ટેકો આપીને સુવડાવી દઈએ. ‘

‘મિસ્ટર કલ્યાણીને પાછા મહેતા સાહેબની હોસ્પિટલે પહોચાડી દેવા જોઈએ એમ હું માનું છું.’ દિલીપ બોલ્યો.

‘હા એ જ યોગ્ય રહેશે.’

‘અહીં તારી કંઈ જરૂર નથી, એક કામ કર ! તું મિસ્ટર કલ્યાણીને મહેતા હોસ્પિટલમાં મૂકી આવ.’

શાંતાએ હકારમાં માથું હલાવ્યું.

પ્રમોદ કલ્યાણીનું રુદન હવે શમી ગયું હતું. તે ધીમે ધીમે ધ્રુસકા ભરતો હતો.

દિલીપે ટેકો આપીને તેણે પોતાની કાર સુધી પહોચાડી દીધો.

શાંતા ડ્રાઈવીંગ સીટ પર બેસી ગઈ.

‘મિસ્ટર કલ્યાણી...!’ સહસા દિલીપે પાછલી સીટ પર આંખો બંધ કરીને બેઠેલા કલ્યાણીને ઉદેશીને પૂછ્યું. ‘એ મૃતદેહ માધવીનો જ છે ને?’

‘જી હા ...’ કલ્યાણીએ રૂંધાયેલા અવાજે જવાબ આપ્યો.

‘માધવી અહીં હશે એની તમને ખબર હતી?’

‘મને પૂરી ખાતરી તો નહોતી. એનાં અહીં હોવા વિશે મેં માત્ર અનુમાન જ કર્યું હતું.’ કલ્યાણી થાકેલા અવાજે બોલ્યો, ‘માધવી બે દિવસથી ગુમ થઇ ગઈ છે અને દસ લાખ રૂપિયાની ચોરીના બનાવમાં પોલીસને તેના પર શંકા ગઈ છે એવું જયારે તમે મને જણાવ્યું ત્યારે એ કદાચ અહીં હોવી જોઈએ એવું અનુમાન મેં કર્યું હતું. પોલીસની પહેલા હું પોતે જ તેની સાથે વાત કરવા માંગતો હતો. આ કારણસર મેં તમને અહીંનું સરનામું નહોતું જણાવ્યું. શું ખરેખર ચોરીમાં એનો હાથ હતો એમ હું તેણે પૂછવા માંગતો હતો.’

‘ખેર ...’ દિલીપે કહ્યું, ‘હાલ તુરત તમે મહેતા સાહેબની હોસ્પિટલમાં જ આરામ કરો. તમારી જુબાની પાછળથી લેવામાં આવશે. અહીંનું કામ પતાવીને હું સીધો તમને મળવા માટે આવીશ.’

કલ્યાણીએ ધીમેથી માથું હલાવ્યું.

‘અને શાંતા ...!’ દિલીપે શાંતા સામે જોયું. ‘મિસ્ટર કલ્યાણીને મહેતા સાહેબને ત્યાં મૂકીને તું મોહનલાલના ખબર-અંતર પૂછવા માટે ચાલી જજે. જો તેમની સાથે થોડી વાત થઇ જાય તો વધુ સારું!’

શાંતાએ હકારમાં માથું હલાવ્યું. પછી કારને આગળ ધપાવી.

દિલીપ ફ્લેટ તરફ આગળ વધતો હતો ત્યાં જ એની નજર ગલીમાં પ્રવેશતી પોલીસની જીપ તથા એમ્બ્યુલન્સ પર પડી.

બંને ગાડીઓ ફ્લેટ સામે પહોચીને ઉભી રહી ગઈ.

જીપમાંથી પોતાના લાવ-લશ્કર સાથે વામનરાવ નીચે ઉતર્યો.

દિલીપે તેને બધી વિગતો જણાવી દીધી. પછી આગળ વધીને ફ્લેટનું બારણું ઉઘાડી નાંખ્યું.

માધવીના મૃતદેહ પર બેઠેલી માખીઓ મૃતદેહની આજુબાજુ ઉડવા લાગી.

વામનરાવ થોડી પળો સુધી મૃતદેહ સામે તાકી રહ્યો.

‘દિલીપ...!’ એ બોલ્યો, ‘મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ છે, એટલે તેની તપાસ મોર્ગમાં લઇ જઈને જ કરવી પડશે.’

દિલીપે કંઈ જવાબ ન આપ્યો. એ બાજુમાં ઉભેલા પોલીસ ડોક્ટર તરફ ફર્યો.

‘આપનું શું મંતવ્ય છે ડોક્ટર સાહેબ?’ એણે પૂછ્યું.

જવાબ આપતા પહેલાં ડોકટરે મૃતદેહ પર એક ઉડતી નજર ફેકી. પછી કહ્યું, ‘મિસ્ટર દિલીપ, ખૂન થયાને ઘણો સમય વીતી ગયો છે. છતાંય હું એક વખત મૃતદેહનું નિરીક્ષણ કરવા માગું છું.’

‘જરૂર....!’ કહીને દિલીપ એક તરફ ખસી ગયો.

ડોક્ટર નાક પર રૂમાલ રાખીને બીજા હાથથી માખીઓ ઉડાડતો માધવીના મૃતદેહ પાસે પહોચ્યો.

મૃતદેહની આંખો ફાટી ગઈ હતી. ડોળા પડળમાંથી બહાર ઘસી આવ્યા હતા. મ્હોમાંથી ચારેક ઈચ જેટલી બહાર નીકળી આવેલી જીભ દાઢીને સ્પર્શતી હતી.

ડોકટરે બારીકાઇથી મૃતદેહનું નિરીક્ષણ કર્યું. પછી તે બહાર ઉભેલા દિલીપ તથા વામનરાવ પાસે પહોચ્યો.

બંનેએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘મિસ્ટર દિલીપ...!’ એણે કહ્યું. ‘મરનારનું મૃત્યુ શ્વાસ રૂંધાઇ જવાને કારણે થયું છે. દોરડું કે, ચામડાના પટ્ટા જેવી કોઈક વસ્તુથી મરનારનું ગળું દબાવી દેવામાં આવ્યું છે. ખૂન થયાને ઓછામાં ઓછા પાંત્રીસ-ચાલીસ કલાક વીતી ગયા છે. અત્યારે વધારે કઈ કહી શકું તેમ નથી. પોસ્ટમોર્ટમ થયા પછી જ બીજી વિગતો જાણી શકાશે.’

ડોક્ટરની વાત પૂરી થયા પછી વામનરાવે પોલીસ ફોટોગ્રાફરને સંકેત કર્યો.

ફોટોગ્રાફર ફોટાઓ પાડવા માટે ફ્લેટમાં દાખલ થઇ ગયો. એણે જુદા જુદા એંગલથી મૃતદેહના ફોટાઓ પાડી લીધા.

પંદર મિનીટ પછી મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી દેવામાં આવ્યો. મૃતદેહને લઈને એમ્બ્યુલન્સ ચાલી ગઈ.

ડોક્ટરનું કામ પૂરું થઇ ગયું હોવાથી, એ પણ ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ વામનરાવે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને જરૂરી સૂચનાઓ આપી.

એ પોતાના સાથીદારો સાથે ફ્લેટમાં પ્રવેશ્યો. થોડી વાર પછી બારણા પરથી, મૃતદેહ પડ્યો હતો, તેની આજુબાજુમાંથી વિગેરે સ્થળેથી હાથ-પગના આંગળાની છાપો મેળવવાનું કામ શરુ થઇ ગયું.

પરંતુ આ કાર્યવાહીમાંથી કોઈ લાભ થાય એવું દિલીપને નહોતું લાગતું. કારણકે બારણાં પર એના આગળાની છાપ પણ હતી. આ ઉપરાંત પ્રમોદ કલ્યાણી તથા માધવીના આંગળાની છાપો પણ બારણાં પર પડી હતી. આ બધા નિશાનો એકબીજા સાથે મિક્સ થઇ જવાની પૂરેપૂરી શક્યતા હતી.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પતી ગયા પછી દિલીપે ફ્લેટની તલાશી લેવાનું નક્કી કર્યું.

અડધા કલાક સુધી તે અને વામનરાવ ફ્લેટની તલાશી લેતા રહ્યા. પરંતુ તેમની આ મહેનત નકામી ગઈ. કેસમાં આગળ વધી શકાય એવું કોઈ સૂત્ર કે પૂરાવો ફલેટમાંથી ન મળ્યા.

‘ઓ. કે. વામનરાવ ...!’ તલાશી લીધા બાદ બહાર આવીને દિલીપે કહ્યું, ‘હવે હું જઉં છું. પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવે એટલે તરત જ મને જાણ કરજે. ‘

‘ભલે...’

‘અરે ...!’ જાણે અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ દિલીપ બોલ્યો, ‘પેલા રુસ્તમ નામના ચોરનો ક્યાંયથી પત્તો મળ્યો?’

‘ના ...!’ વામનરાવે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો, એને શોધવા માટેના મારા પ્રયાસો ચાલુ જ છે.’

‘એને જેમ બને તેમ જલ્દીથી શોધી કાઢ ભાઈ !’

‘જરુર...એની સાથે મોહનલાલના પુત્ર અજીતને પણ અમે શોધીએ છીએ . આ બંનેમાંથી કોઈનો પત્તો લાગશે એટલે તરત જ તને જાણ કરી દઈશ.’

‘ઠીક છે...તો હવે હું જઉં?’

‘હા...’

દિલીપ ફલેટમાંથી બહાર નીકળ્યો ત્યાં જ શાંતાની કાર તેની પાસે પહોચીને ઉભી રહી. એ આગલી સીટનું બારણું ઉઘાડીને શાંતાની બાજુમાં બેસી ગયો.

શાંતાએ કારને આગળ ધપાવી.

‘તું અહીં પાછી શાં માટે આવી?’ દિલીપે શાંતા સામે જોતા પૂછ્યું.

‘તને લેવા માટે!’ શાંતાએ જવાબ આપ્યો.

‘મોહનલાલ સાથે વાતચીત થઇ ?’

‘ના...’

‘કેમ...? શું હજુ સુધી તેઓ ભાનમાં નથી આવ્યા?’

‘તેઓ ભાનમાં તો આવી ગયા છે, પરંતુ ડોકટરે ન મળવા દીધા. મોહનલાલને હજી વાતચીત કરવાની મનાઈ છે. ડોકટરના કહેવા મુજબ મોહનલાલ હજુ વાતચીત કે જુબાની આપવા જેટલા સ્વસ્થ નથી થયા.’

‘શું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. પછી તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

‘હવે ક્યાં જવું છે?’ થોડી વાર પછી શાંતાના અવાજમાંથી તેની વિચારધારા તૂટી.

‘પહેલા ડીલક્સમાં જમી લઈએ.’ દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતા કહ્યું. ‘ત્યારબાદ મોતીલાલને મળવા જઈશું.’ કહીને તે ફરીથી વિચારમાં ડૂબી ગયો.

એને ટોકવાનું શાંતાને યોગ્ય ન લાગ્યું.

એ ચૂપચાપ કાર દોડાવતી રહી.

દસેક મિનીટ પછી એણે ડીલક્સ હોટલના કમ્પાઉન્ડમાં પહોંચીને કારને રાખી દીધી.

બંને નીચે ઉતરીને હોટલમાં પ્રવેશ્યા.

બંને ભોજન કરીને દિવાનચોકમાં આવેલી એમ.જે.એક્સપોર્ટ-ઈમ્પોર્ટની ઓફિસે પહોંચી ગયા.

એક ચપરાસીએ તેમને મોતીલાલની ઓફિસમાં પહોચાડી દીધા. તેઓ ઓફિસમાં દાખલ થયા ત્યારે મોતીલાલ એક ફાઈલ ઉથલાવતો હતો. એના જમણા હાથની આંગળીઓ વચ્ચે સિગારેટ જકડાયેલી હતી.

પગલાનો અવાજ સાંભળી, ફાઈલને એક તરફ મૂકીને એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ તથા શાંતા સામે જોયું.

દિલીપે તેને પોતાનો તથા શાંતાનો પરિચય આપ્યો. ત્યારબાદ મોતીલાલના સંકેતથી બંને તેની સામે પડેલી ખુરશી પર બેસી ગયા.

‘મિસ્ટર દિલીપ!’ મોતીલાલ તેનાથી પ્રભાવિત થતાં બોલ્યો, ‘હું તમારી તથા નાગપાલ સાહેબની કાર્યવાહીથી સારી રીતે પરિચિત છું. તમે મારી કંપનીમાં થયેલી દસ લાખ રૂપિયાની ચોરી બાબત આવ્યા છો. એવું અનુમાન કરવું મારે માટે મુશ્કેલ નથી.’ કહીને અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એમ એણે પૂછ્યું. ‘મિસ્ટર દિલીપ, મોહનલાલનો અકસ્માત તમારી કાર સાથે જ થયો હતો ખરું ને? ‘

‘હા...’ દિલીપે હકારમાં માથું હલાવતા કહ્યું.

‘ઓહ ...તો તમને પણ મોહનલાલના નિર્દોષ હોવાની ખાતરી છે એમ ને?’

‘હા...’

‘હું પણ તેઓ નિર્દોષ છે એમ જ માનું છું. ખેર, આ કેસની તપાસ તમે જ કરો છો ને?’

‘હા...અને હવે તો આ કેસ ખૂબ જ ગંભીર બની ગયો છે.’

‘ગંભીર ...?’

‘હા...હમણાં થોડી વાર પહેલાં આપણા જનરલ મેનેજર મિસ્ટર પ્રમોદ કલ્યાણીની સેક્રેટરી માધવીનો મૃતદેહ એક ફલેટમાંથી મળી આવ્યો છે.’

‘શું...? ‘ મોતીલાલ સર્વાંગે કંપી ઉઠ્યો.

એના હાથમાંથી સિગારેટ છટકીને ટેબલના ટોપ પર જઈ પડી.

દિલીપે જલ્દીથી સીગારેટને ઊંચકીને એશટ્રેમાં મૂકી દીધી.

‘મિસ્ટર મોતીલાલ !’ એ બોલ્યો, ‘માધવીનું ખૂન પરમ દિવસે રાત્રે ગમે ત્યારે થયું હતું. અર્થાત ચોરીનો બનાવ બન્યા પછી થોડી વાર બાદ તેને મારી નાંખવામાં આવી. આ ચોરીમાં એનો પણ હાથ હતો એમ હું માનું છું. ચોરી કર્યા પછી માધવીને ભાગ ન આપવો પડે એટલે એના સાથીદારે તેનું ખૂન કરી નાખ્યું છે.’

મોતીલાલ કિંકર્તવ્ય વિમૂઢની જેમ ફાટી આંખે દિલીપ સામે તાકી રહ્યો હતો.’

‘તેનો આ સાથીદાર...!’ એને ચુપ જોઇને દિલીપે કહ્યું, ‘કંપનીનો જ કોઈક માણસ હોય એ બનવાજોગ છે.’

‘હા, એવું બની શકે છે.’ મોતીલાલ સ્વસ્થ થતાં બોલ્યો,

‘મારે તો બસ, એટલું જ કહેવું છે કે મોહનલાલ આટલી હલકી કોટિનું કામ ક્યારેય કરે જ નહીં. હું વર્ષોથી તેમને ઓળખું છું. આ કંપનીની સેવા કરતાં જ તેમના વાળ સફેદ થયા છે. કંપનીની પ્રગતિમાં તેમણે અગત્યનો ફાળો આપ્યો છે. એનાથી વધુ ઈમાનદાર માણસની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ વાત મેં તપાસ માટે આવેલા ઇન્સ્પેકટરને પણ જણાવી હતી, પરંતુ એણે મારી વાત પર ધ્યાન આપ્યું હોય એવું મને નથી લાગતું. મોહનલાલને ચોર તથા ખૂની ઠરાવીને, પોતાનું કામ પૂરું થઇ ગયું છે એમ કદાચ એણે માની લીધું લાગે છે.’

‘ વારુ, આપને કોઈના પર શંકા છે?’ સહસા શાંતાએ પૂછ્યું.

‘ ના...!’ મોતીલાલના અવાજમાં જરા પણ ખમચાટ નહોતો, ‘મને તો કોઈના પર શંકા નથી. જોકે પોલીસ અને જાસૂસ બધાને શંકાની નજરે જ જુએ છે. કદાચ તમને મારા પર પણ શંકા હશે.’

‘મિસ્ટર મોતીલાલ !’ દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું,’ જાસૂસનું તો કામ જ શંકાથી શરુ થાય છે.’

‘ચાલો માની લઉં છું પરંતુ મારા પર શંકા રાખવી નકામી છે. કારણ કે ચોરી મારી પોતાની જ રકમની થઇ છે. મારા પોતાના જ પૈસા ચોરવા કે ચોરાવવાથી મને શું લાભ થવાનો છે? બીજું કોઈ તો નુકશાનનું વળતર આપવાનું નથી.’

‘મિસ્ટર મોતીલાલ !’ દિલીપ બોલ્યો, આપને જરાપણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આપનું નામ શંકાસ્પદ માણસોમાં નથી.

‘થેંક ગોડ...!’ કહીને મોતીલાલ હસી પડ્યો.

‘ખેર, મિસ્ટર મોતીલાલ !’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો,

‘આ તિજોરીની ચાવી જે જે લોકો પાસે રહે છે, એ બધાની હું પુછપરછ કરવા માગું છું.’ કહીને એણે તિજોરી તરફ સંકેત કર્યો.

‘ચાવી હોય તેવું તો માત્ર બે જ જણ અહીં છે. એક તો હું પોતે અને બીજો કંપનીનો ચીફ હિસાબનીશ દીનાનાથ ! એ સિવાય બીજું કોઈ જ હાજર નથી.’

‘ચોરી થઇ ત્યારે આપ દિલ્હી હતા એની સૌ કોઈને ખબર છે અને આમેય આપણા પર શંકા કરવાનું કોઈ કારણ નથી. આપની સેક્રેટરી મિસ જાનકી કેટલાય દિવસથી બહારગામ છે એટલે એ પણ શંકાની પરિધિમાં નથી આવતી. મોહનલાલને અમે પહેલાથી જ નિર્દોષ માનીએ છીએ. અને માધવીનું ખૂન થઇ ગયું છે, હવે બે જણ બાકી રહે છે. એક તો આપની કંપનીના જનરલ મેનેજર મિસ્ટર કલ્યાણી તથા ચીફ હિસાબનીશ મિસ્ટર દીનાનાથ ! આ બેમાંથી મિસ્ટર કલ્યાણીને હું પૂછપરછ કરી ચુક્યો છું. તેમના કહેવા મુજબ જે રાતે ચોરી થઇ, એ જ રાતે માનસિક આઘાતનો હુમલો થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમની આ વાત કેટલી હદ સુધી સાચી છે એની તપાસ કરવાની હજુ બાકી છે. મિસ્ટર દીનાનાથ પરમ દિવસે રાત્રે ક્યાં હતા, હું તેની સાથે વાતચીત કરીને જાણવા માગું છું. એ સિવાય કંપનીના અન્ય કર્મચારીઓને પણ પુછપરછ કરવા માગું છું.’

‘મિસ્ટર દિલીપ ! તમે તમારે ખુશીથી જે કોઈને પૂછપરછ કરવી હોય તે કરી શકો છો. મારા તરફથી તમને છૂટ છે.’

‘થેન્ક્યૂ...!’

મોતીલાલે ટેબલની બાજુમાં ફીટ કરેલી એક સ્વીચ દબાવી.

વળતી જ પળે ઓફિસબોય અંદર આવ્યો.

‘કમલ...!’ મોતીલાલે આદેશાત્મક અવાજે કહ્યું, ‘મિસ્ટર દિલીપને, દીનાનાથ પાસે લઇ જા.’

‘જી, સાહેબ...!’ કમલે હકારમાં માથું હલાવ્યું.

દિલીપ તથા શાંતા મોતીલાલની રજા લઈને બહાર નીકળ્યા.

ચપરાશી એ બંનેને દીનાનાથ બેસતો હતો, એ ઓફીસ પાસે મૂકી ગયો.

ઓફિસનું બારણું ઉઘાડું જ હતું.

દિલીપ તથા શાંતા ઓફિસમાં પ્રવેશ્યા.

અંદર એક ખુરશી પર દીનાનાથ આરામથી બેસીને સિગારેટ ફૂંકતો હતો.

દિલીપ તથા શાંતાને જોયા પછી પણ એણે ઊભા થવાનો કોઈ પ્રયાસ ન કર્યો. એ પૂર્વવત રીતે ધુમાડા કાઢતો બેસી રહ્યો.

‘તમે દીનાનાથ છો...?’ દિલીપે તેની નજીક પહોંચીને પૂછ્યું.

‘જી, હા...હું જ આ કંપનીનો ચીફ હિસાબનીશ દીનાનાથ છું.’ જાણે પોતે કંપનીનો હિસાબનીશ નહીં પણ માલિક હોય તેવા અવાજે એણે કહ્યું, ‘બોલો...શું કામ છે ?’

દીનાનાથ ખુબ જ અભિમાની છે એવું એના અવાજ તથા વાતચીત કરવાની ઢબ પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતું હતું.

‘મિસ્ટર દીનાનાથ...!’ દિલીપ નરમ આવજે બોલ્યો, ‘મારું નામ દિલીપ છે અને હું એક ખાનગી ડિટેકટીવ છું.’ એણે જાણી જોઇને જ દીનાનાથને પોતાનો ખોટો પરિચય આપ્યો હતો. પોતાની વાતની દીનાનાથ પર શું અસર થાય છે તે જોવા માંગતો હતો.

‘ઓહ...!’ દિલીપનો પરિચય જાણ્યા પછી પણ એના આવજમાં કોઈ ફર્ક નહોતો પડ્યો, ‘તો તમે ખાનગી ડિટેકટીવ છો એમ ને ?’

‘હા...હું આ કંપનીમાં થયેલી દસ લાખ રૂપિયાની ચોરી અંગે તમને પૂછપરછ કરવા માંગું છું.’

દિલીપની વાત સાંભળીને દીનાનાથ ખુરશી પર ટટ્ટાર થયો. તેની સામે ખુરશીઓ પડી હોવા છતાં પણ એણે હજુ સુધી દિલીપ તથા શાંતાને બેસવાનું નહોતું કીધું.

‘’મિસ્ટર દિલીપ...!’એણે સિગારેટના ઠૂંઠાંને એશટ્રેમાં પધરાવી, મોં મચકોડીને કહ્યું, ‘તમે એક ખાનગી ડિટેકટીવ છો. એક મામૂલી હેસિયત ધરાવતા ખાનગી ડિટેકટીવ ! સૌ કોઈને પૂછપરછ કરવાનો હક્ક તમને કોણે આપ્યો છે એ કહેશો ? જુઓ મિસ્ટર, હું ખુબ જ વ્યસ્ત માણસ છું. મારી પાસે જેવાતેવા માણસો માટે સમય નથી.’

એની વાત સાંભળીને શાંતાના ક્રોધનો પાર ન રહ્યો.

‘સાંભળો મિસ્ટર દીનાનાથ...!’ તે ક્રોધથી સળગતી નજરે દીનાનાથની સામે જોતાં બોલી, ‘અમે તમને જે કોઈ સવાલ પૂછીશું એનો જવાબ તમારે આપવો પડશે અને એકદમ શાંતિથી આપવો પડશે. જો અહીં જવાબ આપવાની તમારી ઈચ્છા ન હોય તો પોલીસ હેડક્વાર્ટરમાં અને પોલીસ હેડક્વાર્ટરમાં પણ ઈચ્છા ન હોય તો સી.આઈ.ડીની ઓફિસમાં જવાબ આપવા માટે તમારે લાંબા થવું પડશે સમજ્યા ?’

પરંતુ દીનાનાથ પણ કદાચ એક નંબરનો ભારાડી હતો

‘પોલીસ સ્ટેશન...? સી.આઈ.ડીની ઓફીસ...! માય ફૂટ...!’ એ મોં મચકોડીને બોલ્યો.

‘મિસ્ટર દીનાનાથ !’ શાંતાએ તેની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર કહ્યું, ‘હજુ વાત એટલી હદ સુધી નથી વણસી ! તમારી સામે જ ટેલીફોન પડ્યો છે. જરા જૈન સાહેબનો નંબર મેળવી આપો.’

‘જૈન સાહેબનો નંબર ?’ દીનાનાથે શંકાભરી નજરે શાંતા સામે જોતા પૂછ્યું.

‘હા...અને કદાચ તમે બહેરા હો એવું મને લાગે છે, સાંભળો હું તમારી કંપનીના માલિક જૈન સાહેબ વિશે કહું છું. તેમની સાથે મારી વાત કરાવો.’

‘પણ શા માટે ?’

‘શાંતા...!’ અચાનક દિલીપ વચ્ચેથી બોલ્યો, ‘વાતને વધારવાની જરૂર નથી. આપણે મિસ્ટર દીનાનાથ સાથે મૈત્રીભર્યા વાતાવરણમાં વાતચીત કરવાની છે.’

‘દિલીપ...!’ શાંતાનો ક્રોધ હજુ પણ ઓછો નહોતો થયો, ‘તું ચૂપચાપ જે થાય તે જોયે રાખ ! હમણાં આ સજ્જન બે હાથ જોડીને ‘ભાઈ સા’બ ...ભાઈ સા’બ કહીને વાત કરશે.’ કહીને એણે દીનાનાથ સામે જોયું, ‘હા, તો મિસ્ટર, જરા જૈન સાહેબનો નંબર મેળવ્યો.’

હવે દીનાનાથ ગભરાયો. ગભરાટના હાવભાવ તેના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.

ત્યારબાદ એને ટેલીફોન કરતો જોઇને શાંતાએ પોતે જ રિસીવર ઊંચકીને પૂછ્યું, ‘જૈન સાહેબનો નંબર શું છે?’

‘ડ...ડબલ ટુ...ડબલ થ્રી...’ દીનાનાથ થોથવાતા અવાજે બોલ્યો. એની બધી હેકડી કપૂરની જેમ ઉડી ગઈ હતી. એણે કરગરતા અવાજે કહ્યું. ‘અરે ...આપ ઉભા છો શા માટે...? બેસોને...! આપ જૈન સાહેબનો પરિચિત છો એની મને ખબર નહોતી. હું તો અમસ્તો જ...!’

પરંતુ શાંતાએ તેની વાત પ્રત્યે ધ્યાન આપ્યા વગર જૈન સાહેબનો નંબર મેળવ્યો. પછી સામે છેડેથી જૈન સાહેબનો અવાજ પારખીને એ બોલી, ‘અંકલ, હું શાંતા બોલું છું.’

‘હા, બોલ ...શું વાત છે?’ સામે છેડેથી મોતીલાલે કોમળ અવાજે પુછ્યું.

‘અંકલ...! મિસ્ટર દિનાનાથ અમારા જેવા મામૂલી માણસ સાથે વાત કરવા નથી માંગતા! અને કરે પણ શા માટે?’ ગમે તેમ તોય તેઓ આવડી મોટી કંપનીના ચીફ હિસાબનીશ છે ને?’

‘એની આ મજાલ...!’ સામે છેડેથી મોતીલાલ જોરથી બરાડ્યો , ‘એને રીસીવર આપો.’

‘લો, મિસ્ટર દિનાનાથ!’ શાંતાએ દીનાનાથ સામે રિસીવર લંબાવતાં કહ્યું, ‘જૈન અંકલ તમારી સાથે વાત કરવા માંગે છે.’

દિનાનાથના હાથમાં રિસીવર મૂકીનેતે આરામથી એક ખુરશી પર બેસી ગઈ.

દિલીપ પણ બેસી ગયો હતો.

શાંતાના મોંએથી મોતીલાલ માટે ‘અંકલ’નું સંબોધન સાંભળીને દિનાનાથ એકદમ ગભરાઈ ગયો. એને રિસીવરવાળો હાથ કંપવા લાગ્યો. ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો.

‘સર ...!’ એ કરગરતા અવાજે બોલ્યો, ‘હું દિલગીર છું. મને માફ કરી દો.’

‘શટઅપ ...!’ સામે છેડેથી મોતીલાલને ક્રોધથી તમતમતો અવાજ તેના કાને અથડાયો, ‘દિનાનાથ, કાન ખોલીને સાંભળી લે. જો પંદર મીનીટમાં જ મારા ટેબલ પર તારું રાજીનામું નહીં પહોંચે તો પછી મારે ન છૂટકે તને અપમાનિત કરી, ધક્કા મરાવીને બહાર કાઢી મૂકવો પડશે સમજ્યો...?’

‘પ...પણ સર...!’

પરંતુ એની વાત પૂરી થાય તે પહેલા જ સામે છેડેથી રિસીવર મૂકી દેવાયું.

દિનાનાથ કિંકર્તવ્ય વિમૂઢની જેમ રિસીવર પકડીને બેસી રહ્યો. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો. થોડી પળો સુધી એ જ હાલતમાં રહ્યા બાદ એણે કરગરતા અવાજે કહ્યું. ‘મિસ્ટર દિલીપ પ્લીઝ, મને માફ કરી દો.’

‘લે, કર વાત!’ શાંતા કટાક્ષભર્યું સ્મિત ફરકાવતાંબોલી, ‘તમે તો ખૂબ જ વ્યસ્ત માણસ છો. જેવા-તેવા માણસો સાથે વાત કરવા માટે તમારી પાસે સમય નથી તો પછી તમે આ રીતે કરગરો છો શા માટે? માફીની ભીખ શા માટે માગો છો?’

‘પ્લીઝ...મેડમ..! દિનાનાથે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછતાં કહ્યું, ‘મારા પર દયા કરો. જૈન સાહેબે મને માત્ર પંદર મિનીટમાં મારું રાજીનામું તેમની પાસે નહીં પહોંચે તો તેઓ મને ધક્કા મરાવીને નોકરીમાંથી કાઢી મુકશે.’

‘તો શું થયું? તમે આટલા મોટા માણસ છો.’ શાંતા કટાક્ષભર્યા આવજે બોલી, ‘તમે આના કરતા પણ વધુ સારી નોકરી ગજવામાં રાખીને ફરતા હશો ખરું ને ?’

‘મને વધુ ન શરમાવો મેડમ!’ દીનાનાથે રડમસ અવાજે કહ્યું, ‘મારા પર કૃપા કરો. હું બાળબચ્ચા વાળો માણસ છું. મારી નોકરી ચાલી જશે તો હું ક્યાંયનો નહીં રહું !’

‘શાંતા...!’ સહસા દિલીપ બોલ્યો, ‘બહુ થયું...! હવે બસ કર.’

‘હજુ તો કંઈ જ નથી થયું દિલીપ ! જે થવાનું છે એ તો પંદર મિનીટ પછી થશે.’

‘તું સમજતી કેમ નથી ? માણસથી ભૂલ થાય જ છે.’

‘દિલીપ...આ ભૂલ નહીં પણ ચોખ્ખી બદમાશી હતી.’

‘સારું...ચલ, તું સાચી..પણ હવે તો મિસ્ટર દીનાનાથ પોતાની ભૂલ કબુલ કરે છે ને ?’

‘હવે પસ્તાવો કરવાથી શું વળે...?’

‘શાંતા...તું ય હદ કરે છે...! એક માણસ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરતો હોય તો તેને માફી આપવી જ જોઈએ.’ દિલીપ તેને સમજાવતા બોલ્યો.

‘તો હું શું કરું...?’

‘તારે બીજું કંઈ નથી કરવાનું ! તું જૈન સાહેબને ફોન કરીને મિસ્ટર દીનાનાથને માફી અપાવી દે. ત્યાં સુધીમાં હું એમની પૂછપરછ કરું છું.’

પૂછપરછ હું કરીશ...!’ શાંતાએ જીદભર્યા અવાજે કહ્યું.

‘તું...?’

‘હા...હું...! મિસ્ટર દીનાનાથને જે કંઈ પૂછવું હશે તે હું જ પૂછીશ.’

‘મેડમ..’ સહસા દીનાનાથ બંને હાથ જોડીને બોલ્યો, ‘આપને જે કંઈ પૂછવું હોય તે પુછજો. પણ પહેલાં જૈનસાહેબને ફોન કરી દો. જો આમને આમ વાતોમાં જ પંદર મિનીટ વીતી જશે તો પછી મારી નોકરી ચાલી જશે.’

‘ઓ.કે...!’ શાંતાએ વિજયસૂચક ઢબે માથું હલાવ્યું.

પછી એણે ટેલીફોનનું રીસીવર ઊંચકીને મોતીલાલનો નંબર મેળવ્યો.

‘હલ્લો...’ સામે છેડેથી મોતીલાલનો અવાજ સંભળાયો.

‘અંકલ, હું શાંતા બોલું છું. મિસ્ટર દીનાનાથની સાન ઠેકાણે આવી ગઈ છે. એમણે પોતાની ભૂલ કબુલ કરી લીધી છે. એટલું જ નહીં, મારા સવાલના જવાબ આપવા માટે પણ તેઓ તૈયાર છે. આપ પણ તેમને માફ કરી દો.’

‘ઠીક છે...તું કહે છે એટલે માફ કરી દઉં છું.’

‘થેંક્યું અંકલ...! કહીને શાંતાએ રીસીવર મૂકી દીધું.

પછી તે પુનઃ ખુરશી પર બેસી ગઈ.

***