બેઈમાન - 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈમાન - 1

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 1

દસ લાખની લૂંટ!

મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પૂરતી કાળજી રાખવાને કારણે પિસ્તાળીસથી વધુ નહોતી દેખાતી. આ ઉંમરે પણ એના વાળ કાળા હતા. ગોળ આકર્ષક ચહેરો, આંખ પર સાદા ગ્લાસના સોનેરી ફ્રેમના ચશ્મા, બંને હોઠ વચ્ચે જકડાયેલી સિગારેટ, જમણા હાથની પહેલી બે આંગળીમાં ચમકતી સોનાની વીંટી, આ બધું તેના વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવતું હતું.

એ મૂળ દક્ષિણ ગુજરાતના એક નાનકડા ગામનો વતની હતો. પિતાના અવસાન પછી વીસેક વર્ષ પહેલા જ તે વિશાળગઢ આવીને સ્થિર થયો હતો.વિશાળગઢ આવતા જ તેના નસીબ આડેથી પાંદડુ ખસી ગયું. પોતાની મહેનત, ઈમાનદારી અને લગનથી એ વીસ વર્ષના ગાળામાં જ પ્રગતિના એક પછી એક શિખરો સર કરતો ગયો. આજે તો વિશાળગઢમાં એની ગણતરી કરોડપતિ નહીં, પણ કરોડોપતિમાં થતી હતી.વિશાળગઢમાં અત્યારે એ જે ઓફિસમાં બેઠો હતો, ત્યાં એક્સ્પોર્ટ, ઈમ્પોર્ટનું કામકાજ થતું હતું. આ ઉપરાંત વિશાળગઢમાં જ તેની ત્રણ ફેકટરીઓ હતી. અચળગઢ, ભરતપુર, ચંદનપુર વિગેરે સ્થળોએ પણ એણે અનેક ઔદ્યોગિક એકમો સ્થાપ્યા હતા. પૈસાની એને કંઈ જ પડી નહોતી.

આવડા મોટા સંસારમાં તે એકલો જ હતો. સંતાનમાં કોઈ જ નહોતું. એની પત્ની પણ આઠ વર્ષ પહેલાં જ મુત્યુ પામી હતી.એના અન્ય સગા–સંબધીઓએ તેને બીજા લગ્ન કરી લેવા માટે પુષ્કળ સમજાવ્યો. પરંતુ મોતીલાલે બીજા લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી.

એનું બધું કામકાજ એક નંબરનું જ હતું. કામ કરવા પાછળ પણ તેની એક જ ભાવના હતી. સ્વાર્થ સાથે પરમાર્થ ! આખો દિવસ પ્રવૃતિમાં પસાર થાય એ તેનો સ્વાર્થ હતો. અને એને ત્યાં કામ કરતા કર્મચારીઓને રોજી-રોટી મળી રહે એ તેનો પરમાર્થ ! એ બધું કામકાજ બંધ કરીને બેઠા બેઠા ખાય તો પણ પચાસ –સાઠ વર્ષ સુધી ખૂટે નહીં એટલા પૈસા તેની પાસે હતા. આટલો મોટો માણસ હોવા છતાં પણ એનામાં જરા પણ અભિમાન નહતું. એ દરેક માણસ સાથે હસીને વાતો કરતો.પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓને એ પોતાના સંતાન સમાન જ માનતો હતો. જો કોઈ કર્મચારી બિમાર પડી જાય તો એ પોતે સામે ચાલીને તેને ઘેર જઈને ખબર-અંતર પૂછતો. એટલું જ નહીં, તેને સારામાં સારી સારવાર મળે એવી વ્યવસ્થા કરતો.

આવા માણસ પ્રત્યે કોને માન ન હોય?

ઉપર કહેવાઈ ગયું છે તેમ અત્યારે આ મોતીલાલ પોતાની આલિશાન ચેમ્બરમાં બેસીને કોઈક ફાઈલ વાંચતો હતો. એની આ ઓફીસ દિવાનચોકમાં, સાગર બિલ્ડીંગ નામની બાર માળની ઈમારતના પાંચમાં માળ પર હતી. લગભગ અડધો માળ એની ઓફીસના જ જુદા જુદા વિભાગોમાં રોકાયેલો હતો.

ફાઈલને એક તરફ મુકી, સિગારેટના ઠુંઠાને એશ–ટ્રેમાં પધરાવીને એણે ઘડિયાળમાં સમય જોયો.

અગિયાર વાગ્યા હતા.

પછી કંઇક વિચારીને એણે ટેબલમાં ફીટ કરેલું એક બટન દબાવ્યું.વળતી જ પળે એક ઓફિસ–બોય અંદર દાખલ થયો, એણે બંને હાથ જોડીને મોતીલાલને નમસ્તે કર્યા.પછી પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

‘મિસ્ટર મોહનલાલ આવી ગયા છે?’

‘હા, સાહેબ...!’

‘તો તેમને અહીં મોકલ !’

ઓફીસ–બોય હકારાત્મક ઢબે માથું હલાવીને બહાર નીકળી ગયો.

બે–ત્રણ મિનીટ પછી આશરે પચાસેક વર્ષની ઉમર ધરાવતો એક માનવી અંદર દાખલ થયો. આગંતુકનું નામ જ મોહનલાલ હતું. તે કંપનીનો કેશિયર હતો.દેખાવ પરથી તે ખુબ જ સજ્જન અને બુધીશાળી લાગતો હતો.એણે ખાડીનું ધોતિયું તથા ઝભ્ભો પહેર્યા હતા. એના વાળ સફેદ હતા.

‘નમસ્તે સર !’ એણે બંને હાથ જોડીને આદરભર્યા અવાજે કહ્યું.

‘મોહનલાલ....!’ મોતીલાલ સ્મિત ફરકાવીને બોલ્યો,’ તમારી આ ટેવ નહીં જાય એવું મને લાગે છે . નહીં તો આજના જમાનામાં કયો કર્મચારી પોતાના શેઠને આટલું માન આપે છે?”

‘આપણી વાત કદાચ સાચી હશે સર !” મોહનલાલે નમ્ર અવાજે કહ્યું,’ પણ હું આજના જમાનાનો માણસ નથી. હું તો જે જમાનામાં શેઠને ભગવાન ,અન્નદાતા માનવામાં આવતા હતા, એ જમાનાનો માણસ છું.’

એની વાત સાભળીને મોતીલાલ હસી પડ્યો.એના હાસ્યમાં પ્રશંસા છુંપાયેલી હતી.

‘ઠીક છે ...ઠીક છે ...બેસો તો ખરા !’

મોહનલાલ આગળ વધીને તેની સામે પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો.

‘મોહનલાલ..!’ મોતીલાલ બોલ્યો, ’તમે પેલો વીસ હજાર રૂપિયાનો ચેક તો વટાવી લીધો છે ને?’

‘હા...’ મોહનલાલે હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘એટલું જ નહીં, આપની દિલ્હીની ટિકિટ પણ બુક કરાવી લીધી છે.’

‘વેરી ગુડ...!’

‘આ લો ટિકિટ...! દિલ્હી જતી ફ્લાઈટ બરાબર એક વાગ્યે રવાના થાય છે.’ મોહનલાલે ફાઈલમાંથી ટિકિટ કાઢીને તેની સામે ટેબલ પર મૂકી દીધી.

મોતીલાલે ફરીથી પોતાની કાંડાઘડિયાળમાં નજર દોડાવી. પછી બોલ્યો, ‘મારી ફ્લાઈટને તો હજુ ઘણી વાર છે. ખેર, આવતી કાલ માટે તમે શું વિચાર કર્યો છે?’

‘આવતી કાલ માટે...?’ મોહનલાલે મૂંઝવણ ભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘આવતી કાલે વળી શું છે સર?’

‘તમે ભૂલી ગયા હો એવું લાગે છે. કાલે કંપનીના કર્મચારીઓનો પગાર ચૂકવવાનો છે.’

‘અરે...આ વાત તો હું સાવ ભૂલી ગયો હતો.’

‘અને આવતી કાલથી જ બધી બેંકોના કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતરી જવાના છે.’ મોતીલાલ બોલ્યો.

‘જી, હા...એ તો મને યાદ છે. જ્યાં સુધી તેમની હડતાળ પૂરી નહીં થાય,ત્યાં સુધી બધી બેંકોનું કામકાજ બંધ રહેશે.’

‘બસ, આજ તો સૌથી મોટી ઉપાધિ છે.’

‘એમાં ઉપાધિ જેવું કંઈ જ નથી સર! આપણી સલાહ પડતી હોય તો હું આજે જ કર્મચારીઓનાં વેતનની રકમ બેંકમાંથી ઉપાડી લઉં.’

‘હા, એમ જ કરવું પડશે.’’ થોડી પળો સુધી વિચાર્યા બાદ મોતીલાલ બોલ્યો, ‘હું ચેક લખી આપું છું. તમે એ ચેક આજે જ વટાવી લેજો.’

‘મોહનલાલે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

મોતીલાલે ટેબલના ખાનામાંથી ચેકબુક કાઢી, તેના એક પાના પર દસ લાખ રૂપિયાની રકમ ભરીને નીચે સહી કરી આપી. પછી ચેકને કાઉન્ટર પાસેથી ફાડીને મોહનલાલ સામે લંબાવતાં એણે કહ્યું, ‘મોહનલાલ, પગાર તો આવી કાલે જ ચૂકવવાનો છે. એટલે આ ચેકની રકમ તમે તમારા ઘરે જ લઇ જજો. કંપનીનો માણસ તમને કારમાં જ રકમ સાથે ઘેર સહી-સલામત રીતે ઘેર મૂકી જશે.’

‘ના, સર !’ મોહનલાલ નકારાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘દસ લાખ જેવી જંગી રકમ ઘરમાં રાખવાનું જોખમ હું નથી ઉઠાવવા માંગતો.’

‘કેમ...? મને તમારા ઉપર પૂરો ભરોસો છે. આ રકમ તમારે ત્યાં પડી હોય એટલે એ બેંકમાં જ પડી છે એમ હું માનું છું. તમારી પાસેથી એ વળી ક્યાં જવાની છે ?’

‘મારા પર આટલો ભરોસો મુકવા બદલ આભાર સર ! આપને તો મારા પર પૂરેપૂરો ભરોસો છે, પરંતુ મને મારા પુત્ર અજીત પર એક પૈસા જેતો પણ ભરોસો નથી. આપને કદાચ ખબર નહીં હોય, અજીત એક નંબરનો આવારા,શરાબી અને જુગારી છે. જો આ રકમની ગંધ તેને આવી જાય, તો એ કોઈપણ ભોગે એની ઉઠાંતરી કરીને એટલો બધો દુર ચાલ્યો જશે કે પૈસા તો ઠીક, એનો પડછાયો પણ હાથમાં નહીં આવે. આટલી રકમ ખાતર એ મારું ખૂન કરતાં પણ નહીં અચકાય ! મને મારા જીવની પરવાહ નથી. એ તો કાલે જતો હોય તો આજે જાય ને આજે જતો હોય તો અત્યારે જાય ! પરંતુ કંપનીનું એક પૈસાનું ય નુકસાન થાય એમ હું નથી ઈચ્છતો. બસ, અ કારણસર જ હું રકમ ઘેર લઇ જવા નથી માંગતો.’

‘ઓહ...!’ મોતીલાલ બબડ્યો.

પછી તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

‘ઠીક છે...!’ થોડી પળો સુધી વિચાર કર્યા બાદ એક સિગારેટ સળગાવીને એણે કહ્યું, ‘તો પછી તમે આ રકમ આ તિજોરીમાં મૂકી દેજો.’ એણે ખૂણામાં પડેલી ગોદરેજની તિજોરી તરફ સંકેત કર્યો, ‘માત્ર એક રાત પૂરતો જ સવાલ છે ને ?’

‘ભલે, સર ! પરંતુ આવડી મોટી રકમ અહીં રાખવી પણ યોગ્ય નથી !’

‘તો પછી શું કરીશું ?’

‘સર !’ થોડી પળો સુધી વિચાર્યા બાદ મોહનલાલ ચપટી વગાડતાં બોલ્યો. ‘એક ઉપાય મને સૂઝે છે. હું રકમ ઘરે ન લઇ જઈ શકું તો કંઈ નહીં, પણ અહીં તો રહી જ શકું છું ને ? આજની રાત હું અહીં જ વિતાવી નાખીશ.’

‘ઓ.કે...તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. આમ તો હું સવાર સુધીમાં પાછો આવી જઈશ. કદાચ કોઈ કારણસર મને આવતાં મોડું થાય તો આવતીકાલે તમે બધા કર્મચારીઓને પગાર ચૂકવી દેજો.’

મોહનલાલે હકારાત્મક ઢબે માથું હલાવી ચેકને પોતાના ઝભ્ભાના ગજવામાં મૂકી દીધો.

પછી એ મોતીલાલની રજા લઈને પોતાની ચેમ્બરમાં આવ્યો. એની ચેમ્બરમાં એક ટેબલ પાછળ ખુરશી પર આશરે ચાલીસેક વર્ષની વય ધરાવતો એક આધેડ બેઠો હતો. એ કંપનીનો ચીફ હિસાબનીશ હતો. એનું નામ દીનાનાથ હતું. એના શરીરનો બાંધો મજબુત હતો. એના શારીરિક બાંધા પરથી તે હિસાબનીશ નહીં પણ કોઈ અખાડાનો પહેલવાન હોય એવું લાગતું હતું. ગોળમટોળ ચહેરા પર બંને ગાલ ફૂલેલા હતાં. એની સર્પ જેવી ઝીણી આંખોમાંથી લુચ્ચાઈ નીતરતી હતી

મોહનલાલે કબાટ ઉઘાડીને તેમાંથી વી.આઈ.પીની એક નાનકડી બ્રીફકેસ બહાર કાઢી.

દિનાનાથે ચોપડામાંથી માથું ઉચું કરીને તેની સામે જોયું.

પછી મોહનલાલના હાથમાં બ્રીફકેસ જોઇને એણે પૂછ્યું, ‘અત્યારે વળી બ્રીફકેસ લઈને કઈ તરફ જવું છે?’

‘બેંકમાં જઉ છું !’ મોહનલાલે કબાટનો દરવાજો બંધ કરતા જવાબ આપ્યો,’કાલે પગારનો દિવસ છે, અને કાલથી જ બધા બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના છે. એટલે આજે જ પૈસા ઉપાડવા પડે તેમ છે.’

‘ આ સરકારી કર્મચારીઓને પણ કઈ ધંધો નથી. જરાક વાકું પડે એટલે આ ઉતર્યા હડતાળ પર ! લોકોને કેટલી મુશ્કેલી પડે તેનો તો કોઈ વિચાર જ નથી કરતું. મગની વ્યાજબી હોય કે ગેરવ્યાજબી ! આજે તો નાની વાતમાં પણ હડતાળ પડવાની ફેશન થઇ ગઈ છે. માંગણી ન સંતોષાય તો કઈ નહીં, જે દિવસે હડતાળ હોય , કમસે કામ એ દિવસનો પગાર તો તેમને સાવ મફતમાં બેઠાં બેઠાં જ મળી જ જવાનો છે. બેંકમાં હડતાળ હોવાને કરને લોકોના એકાઉન્ટ હડતાળ દરમ્યાન બંધ થઇ જાય છે.પરંતુ તેના કર્મચારીઓના મીટર તો ચાલુ જ રહે છે.તેમને તો એક જ વાત હોય છે.’સરકાર મરો’ પબ્લિક મરો પનામારું તરભાણું ભરો!’ આ કારણસર જ આપનો દેશ પ્રગતિ નથી કરી શક્યો અને અન્ય દેશો કરતાં પાચલ રહી ગયો છે.’ દીનાનાથે હડતાળ પર મોટું ભાષણ આપ્યા પછી પૂછ્યું,’ ખેર , જૈન સાહેબ દિલ્હી ગયા?’

‘ના, બસ જવાની તૈયારીમાં જ છે! ‘ મોહનલાલે જવાબ આપ્યો.

દિનાનાથ ફરીથી હિસાબ કરવામાં મશગુલ બની ગયો.

મોહનલાલ બહાર નીકળીને મોતીલાલની બરાબર બાજુમાં આવેલી એક ઓફીસનાં બારણા પાસે પહોચ્યો. આ ઓફિસમાં કંપનીનો જનરલ મેનેજર પ્રમોદ કલ્યાણી બેસતો હતો.

એણે બારણાં પર રહેલી ડોરબેલ દબાવી.

અંદર વાગેલી ઘંટડીનો અવાજ પણ સંભળાયો.

‘યસ, કમ ઇન ...! વળતી જ પળે કોઈક પુરુષનો અવાજ તેના કાને અથડાયો.

મોહનલાલ બારણું ધકેલીને અંદર પ્રવેશ્યો.

અંદર પ્રમોદકલ્યાણી પોતાની સેક્રેટરી માધવી સાથે મોઝુદ હતો.

પ્રમોદ કલ્યાણીની ઉમંર આશરે પાંત્રીસેક વર્ષની હતી. ક્લીન શેવ્ડ ચહેરામાં તેનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક લાગતું હતું.

માધવીની ઉમંર આશરે છવ્વીસેક વર્ષની હતી. એનો દેખાવ સુંદર હતો.એના વાળ ખભા સુધી કપાયેલા હતા. યૌવનની માદકતા એના અંગે અંગમાંથી નીતરતી હતી. એણે ચોકલેટી કલરની સલવાર તથા એજ રંગનું કમીઝ પહેર્યા હતા. ગળામાં દુપટો લટકતો હતો.એની આંગળીઓ કુશળ ટાઈપીસ્ટની માફક સામે પડેલા ટાઈપ પર ફરતી હતી.

ઓફીસના શાંત વાતાવરણમાં ટાઈપનો ખટ... ખટ...ખટાક ... અવાજ ગુંજતો હતો.

મોહનલાલે એક ઉડતી નજર માધવી પર ફેકી. પછી પ્રમોદ તરફ ફરતાં કહ્યું,’કલ્યાણી સાહેબ, હું આવતી કાલે હડતાળ હોવાને કારણે તથા પગારનો દિવસ હોવાથી પૈસા ઉપાડવા માટે બેન્કે જઉં છું. એ તરફ કંઈ કામકાજ હોય તો કહો !’

‘મિસ્ટર મોહનલાલ !’ પ્રમોદ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘ આપ હમેશા કામની વાતો જ કરો છો. ભલા માણસ, ક્યારેક તો આરામ અને હરવા – ફરવાની વાત કરો.’

‘આરામની વાત તો જાણે કે બરાબર છે કલ્યાણી સાહેબ !’મોહનલાલે પણ સ્મિત ફરકાવતાં કહ્યું ,’પરંતુ આ ઘરડે-ઘડપણ હરવા ફરવાનું ?ના, ભાઈ ના...! મને તો હરવા-ફરવાના નામ માત્રથી જ ત્રાસ છુંટે છે.’

મોહનલાલની વાત સાંભળીને કલ્યાણી હસી પડ્યો.

માધવી પણ ટાઈપ કરવાનું પડતું મુકીને સ્મિત ફરકાવતી હતી.

‘સારું...હું જઉં છું...માધવી પર પુનઃ એક ઉડતી નજર ફેંકીને મોહનલાલ બારણાં તરફ આગળ વધ્યો.

લીફ્ટ મારફત નીચે આવીને તે ઈમારતમાંથી બહાર નીકળ્યો.

જે બેંકમાંથી પૈસા ઉપાડવાના હતા એ નજીકમાં જ રહેમાન બિલ્ડીંગનાં ત્રીજા માળ પર આવેલી હતી.

મોહનલાલ પગપાળા જ બેંકમાં પહોંચી ગયો.

એકાદ કલાક પછી એ બેંકમાંથી બહાર નીકળ્યો ત્યારે એનાં હાથમાં જકડાયેલી બ્રીફકેસ દસ લાખ રૂપિયાની નોટોથી ચિક્કાર ભરેલી હતી.

નોટો ભરેલી બ્રીફ્કેસને એણે તિજોરીમાં મૂકી દીધી.

ત્યારબાદ તે પોતાના કામે વળગી ગયો.

સાંજે છ વાગ્યે બધા કર્મચારીઓ વિદાય થઇ ગયા.

ઓફિસમાં હવે ફક્ત બે જ માણસો બાકી રહ્યા હતા. એક તો મોહનલાલ પોતે અને બીજો ઓફિસ-બોય કમલ !

મોહનલાલ પોતાની ચેમ્બરમાં બેસીને જરૂરી કાગળ-પત્રો તપાસતો હતો.

એ જ વખતે કમલ અંદર આવ્યો.

‘સાહિબ...! આપ હજુ પણ બેસવા માગો છો?’ એણે પૂછ્યું.

‘તું બેસવાની વાત કરે છે?’મોહનલાલ સ્મિત ફરકાવતા બોલ્યો, ‘અરે, મારે તો આજે સુવાનું પણ અહીં જ છે.’

‘એમ...?’

‘હા...તું થોડીવાર અહીં બેસ, ત્યાં સુધીમાં હું ભોજન કરી આવું.’

કમલે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

મોહનલાલ ઓફિસમાંથી બહાર નીકળીને નજીક આવેલી એક શાકાહારી હોટલમાં પહોચી ગયો.

દરરોજ રાત્રે વહેલાં જ જમી લેવાની તેણે ટેવ હતી.

શુદ્ધ શાકાહારી ભોજન કરીને તે ઓફિસે જવા માટે રવાના થઇ ગયો.સમય પસાર કરવા માટે એણે રસ્તામાં એક બુક સ્ટોલમાંથી રવીન્દ્રનાથ ટાગોરની એક નવલકથા ખરીદી લીધી પછી તે ઓફિસે પહોચ્યો.

એણે ઝોંકા ખાતા કમલને હચમચાવ્યો. એ તરત જ ઉભો થઇ ગયો.

‘કમાલ..હવે તું જઈ શકે છે!’મોહનલાલે કહ્યું,’પરંતુ જતાં જતાં મારું ઘર રસ્તામાં જ આવે છે.તું મારે ઘેર એક સંદેશો આપી દઈશ?’

‘જરૂર...બોલો..શું કહેવાનું છે ?’

‘એ જ કે આજે રાત્રે હું ઘેર નહીં આવી શકું ! અહીં જ રહેવાનો છું.’

‘ભલે સાહેબ, કહી દઈશ’કહીને બહાર નીકળી ગયો.

મોહનલાલે લોબીની ટ્યુબલાઈટ ચાલુ કરી. પછી તે મોતીલાલની ઓફીસ તરફ આગળ વધ્યો. આ ઓફિસની તિજોરીમાં જ દસ લાખ રૂપિયા ભરેલી બ્રીફ્કેસ એણે મૂકી હતી.

મોતીલાલની ઓફિસમાં પહોચીને તે એક સોફા પર આડો પડીને નવલકથા વાંચવામાં મશગુલ થઇ ગયો.

એકી બેઠકે એણે નવલકથા પૂરી કરી નાખી.ત્યારબાદ એણે દીવાલ પર લટકતી ઘડિયાળમાં સમય જોયો.

રાતના સાડા દસ વાગ્યા હતા.

એણે સોફા પરથી ઉભા થઇ, આળસ મરડયા પછી એક ગ્લાસ પાણી પીધું. ત્યારબાદ ઓફિસમાંથી બહાર નીકળીને તે સ્ટોર-રૂમમાં પહોચ્યો.ત્યાં એક કબાટમાં ઓશિકા, ચાદર વિગેરે પડ્યું હતું.

એક ઓશીકું તથા બે ચાદર લઈને તે ફરીથી મોતીલાલની ઓફિસમાં આવ્યો.ઓફીસના બારણાને તેણે લોક કરી દીધું. ત્યારબાદ જમીન પર એક ચાદર પાથરી, ઓશીકું ગોઠવી, બીજી ચાદર ઓઢીને એ સુઈ ગયો.

ટનન......!

દિવાનચોકના આલીશાન રજવાડી ટાવરમાં એક વાગ્યાનો ડંકો પડ્યો.

સાગર બિલ્ડીંગનો મોટો ભાગ અંધકારમાં ડૂબેલો હતો. દિવસના ભાગે હૈયેહૈયું દબાય એવા આ વિસ્તારમાં દૂર દૂર સુધી કોઈ નહોતું દેખાતું. શોરબકોરના સ્થાને ગહન ચુપકીદી છવાયેલી હતી.

સાગર બિલ્ડીંગનો ચોકીદાર રામસિંહ પૂરી સાવચેતીથી આમથી તેમ આંટા મારતો પોતાની ફરજ બજાવતો હતો.

સહસા એક ટેક્સી બિલ્ડીંગની સામે આવીને ઉભી રહી.

રામસિંહે થોડી પળો માટે અટકીને એ તરફ જોયું. પછી ટેક્સી તરફ ઉડતી નજર ફેકીને પુનઃ આંટા મારવા લાગ્યો.

સાગર બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વ્યવસ્થા હતી. પહેલા આઠ માળ પર કોમર્શીયલ ઓફીસો અને ત્યાર પછીના માળો પર રહેણાંક ફ્લેટો હતા. ફ્લેટોમાં રહેતા લોકો પર આવા જવા માટે કોઈ પ્રતિબંધ નહતો. એટલે લીફ્ટ ચોવીસેય કલાક ચાલતી હતી. એક લીફ્ટમેન હંમેશા લીફ્ટમાં હાજર રહેતો હતો.

કદાચ ફ્લેટમાં રહેનાર કોઈક નાઈટ–શો જોઇને આવ્યું હશે. એવું અનુમાન રામસિહે કર્યું, અને આ કારણસર જ એણે ટેક્સી પ્રત્યે ખાસ ધ્યાન નહોતું આપ્યું.

ટેક્સીમાંથી બે માણસો નીચે ઉતર્યા. તેમાં એક પુરુષ હતો અને એક સ્ત્રી!

બંનેનો પહેરવેશ ખુબ જ રહસ્યમય હતો.

પુરુષે ઘૂંટ્ણ સુધીનો ઓવરકોટ પહેર્યો હતો. ઓવરકોટનાં કોલર ઊંચા ચડાયેલા હતા. માથા પર ફેલ્ટહેટ હતી.ફેલ્ટ હેટ નમાવેલી હોવાને કારણે તેનું કપાળ અડધાં જેટલું ઢંકાયેલું હતું. આંખો પર રાતના સમયે પણ ગોગલ્સ ચડાવેલા હતા. એનો ચહેરો નહીં જેટલો જ દેખાતો હતો.

એની સાથે રહેલી સ્ત્રીએ ચહેરા પર બુરખો પહેર્યો હતો. એટલે તેનો ચહેરો દેખાવાનો સવાલ જ ઉભો નહોતો થતો.

ટેક્સી ટર્ન મારીને આવી હતી, એ જ દિશામાં પાછી ચાલી ગઈ.

બને સાગર બિલ્ડીંગની ઈમારત તરફ આગળ વધ્યા.

દિવાનચોકની વિશાલ સડક દૂર દૂર સુધી ઉજ્જડ દેખાતી હતી.

બંને આગળ વધીને ચોકીદારની બાજુમાંથી પસાર થયા.

તેમનો રહસ્ય દેખાવ જોઇને રામસિંહને શંકા આવી. ખાસ કરીને પુરુષના પહેરવેશથી તેની શંકા વધુ મજબૂત બની હતી.

એણે પોતાની શંકાનું સમાધાન કરવાનું નક્કી કર્યું.

‘એક મિનીટ સાહેબ ...જરા ઉભા રહો...!’ વળતી જ પળે એ તેની નજીક જતા બોલ્યો.

પુરુષના પગ આગળ જતા અટકી ગયા. એણે પોતાનો હાથ ઓવરકોટના ગજવામાં નાખ્યો.

આ દરમિયાન રામસિંહ તેની એકદમ નજીક પહોચી ગયો હતો.

વળતી જ પળે આગતુંક ઓવરકોટધારીનો હાથ ગજવામાંથી બહાર નીકળ્યો. રામસિંહે જોયું તો તેના હાથમાં એક ફૂટ લાંબો લોખંડનો સળીયો જકડાયેલો હતો.

એ ગભરાઈને પાછળ ખસવા ગયો. પરંતુ એ પાછળ ખસે તે પહેલા જ આગંતુકના હાથમાં જકડાયેલો સળીયાનો તોતિંગ ફટકો તેના માથા પર ઝીંકાયો.

રામસિંહના મોમાંથી પીડાની તીણી ચીસ નીકળી ગઈ. વળતી જ પળે તે પીઠ ભેર ઉથલી પડીને થોડી પળો સુધી પાણી વગરની માછલીની જેમ તરફડીને શાંત થઇ ગયો.

એ જ વખતે ઓવરકોટધારીની સાથે આવેલી સ્ત્રીએ પોતાના ચહેરા પરથી બુરખો ખસેડી નાખ્યો.

હવે તેનો ચહેરો સપષ્ટ રીતે જોઈ શકાતો હતો. આગંતુક સ્ત્રી બીજું કોઈ નહીં પણ એમ. જે. એક્ષ્પોર્ટના જનરલ મેનેજર પ્રમોદ કલ્યાણીની સેક્રેટરી માધવી પોતે હતી. એના ચહેરા પર ભય, ગભરાટ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા હતા.

‘આ...આ.. તે શું કર્યું...?’ એણે ઓવર્કોટધારીને ઉદ્દેશીને કંપતા અવાજે પૂછ્યું,’ તેં...તેં...આને મારી નાંખ્યો...?’

‘આ મર્યો નથી...માત્ર બેભાન જ થયો છે!’ પુરુષે જવાબ આપ્યો.

ત્યારબાદ માધવી કઈ કહે એ પહેલા જ તે રામસિંહના નિશ્ચેતન દેહને ઘસેડીને ઈમારતની બાઉન્ડરી વોલ પાસે લઇ ગયો. એણે સાવચેતીથી તેના દેહને દીવાલને ટેકે બેસાડી દીધો. આ ભાગમાં સ્ટ્રીટ લાઈટનું અજવાળું નહોતું પહોચતું.

રામસિંહના દેહનું નિરીક્ષણ કરી, સંતોષથી માથું હલાવીને તે માધવી પાસે પાછો ફર્યો.

માધવી હજુ પણ ભયભીત દેખાતી હતી. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો.

‘તારું થોબડું સરખું રાખ!’ પુરુષે તેની સામે જોતાં વડ્કું ભરતો હોય એવા અવાજે કહ્યું, ‘જો તારી હાલત આવી ને આવી જ રહેશે તો, આપણી યોજના પર પાણી ફરી વળશે. માટે ભલી થઈને તારી જાત પર કાબુ મેળવ અને સ્વીચ રૂમનો માર્ગ બતાવ..!’

પરંતુ માધવીએ જાણે કે એની વાત સાંભળી જ નહોતી.

‘એ ...એ મરી તો નહીં ગયો હોય ને ...?’ તે અસ્પષ્ટ અવાજે બબડી.

‘મેં કહ્યું તો ખરું કે એ માત્ર બેભાન જ થયો છે.!’ પુરુષે ફરીથી તેનું વડ્કું ભર્યું.

‘પણ જો તે આમ ને આમ પડ્યો રહેશે તો ચોક્કસ જ મરી જશે.’

‘ઓહો...’ ઓવરકોટધારીએ ધૂંધવાયેલા અવાજે કહ્યું. ‘તું સમજતી કેમ નથી? આ હાલતમાં આપનું આ રીતે અહીં રોકાવું આપણે માટે જોખમરૂપ છે. તું જલ્દીથી મને સ્વીચ રૂમમાં પહોચાડી દે. તું જલ્દીથી મને સ્વીચ રૂમમાં પહોચાડી દે. આપણે કામ પતાવીને જેમ બને તેમ જલ્દીથી અહીંથી રવાના થઇ જવાનું છે.’

માધવીએ પોતાની જાત પર કાબૂ મેળવ્યો. પછી તે એક તરફ આગળ વધી ગઈ.

ઓવરકોટધારી તેની પાછળ જ હતો.

છેવટે માધવી ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક નાનકડી ઓરડીમાં દાખલ થઈ. ઓરડીમાં ગાઢ અંધકાર છવાયેલો હતો.

ઓવરકોટધારીએ ગજવામાંથી નાનકડી ટોર્ચ કાઢીને સળગાવી. ઓરડીની દીવાલો પર દરેક માળની વીજળીની જુદી જુદી સ્વીચો હતી. દરેક નીચે જે તે માળનો નંબર લખેલો હતો. ત્યારબાદ છઠ્ઠા માળની મેઈન સ્વીચ ઓફ કરીને, બંને ઓરડીમાંથી બહાર નીકળીને ઉપરના ભાગમાં લઇ જતી સીડી તરફ આગળ વધ્યા. લીફ્ટ તરફ તો તેમને આંખ ઉંચી કરીને પણ જોયું નહોતું.

પગથિયાં ચડીને બંને છઠ્ઠા માળે પહોચ્યા ત્યારે તેમને હાંફ ચડી ગઈ હતી.

છઠ્ઠા માળ પર સર્વત્ર અંધકાર છવાયેલો હતો.

ઓવરકોટધારીએ ફરીથી ટોર્ચ કાઢીને પ્રગટાવી. ત્યારબાદ ટોર્ચના પ્રકાશમાં આગળ વધીને તેઓ મોતીલાલની ઓફીસના બારણાં પાસે પહોચ્યા. ઓવરકોટધારીએ એક હાથેથી ટોર્ચ પકડીને બીજા હાથેથી ગજવામાંથી એક ચાવી બહાર કાઢીને બારણાના ઓટોમેટીક લોકના છેદમાં ભરાવીને ફેરવી.

વળતી જ પળે તાળું ઉગાડવાનો હળવો અવાજ થયો.

ઓવરકોટધારીએ હેન્ડલ પકડી, તેને નીચું નમાવીને બારણાને ધીમેથી ધક્કો માર્યો.

હળવા અવાજ સાથે બારણું અંદરના ભાગમાં ઉઘડી ગયું.

ઓવરકોટધારી ખૂબ જ સાવચેતીથી, દબાતે પગલે ઓફિસમાં દાખલ થયો.

માધવી તેની પાછળ જ હતી.

અંદર પહોંચીને ઓવરકોટધારીએ ચારે તરફ ટોર્ચનો પ્રકાશ ફેક્યો. પછી એની નજર જમીન પર સૂતેલા મોહનલાલ પર પડી.

સહસા મોહનલાલની ઊંઘ ઉડી ગઈ. તે આંખો ઉઘાડીને સફાળો બેઠો થઇ ગયો.

આ દરમિયાન ઓવરકોટધારીએ ટોર્ચ બુઝાવી નાંખી હતી.

રૂમમાં અંધકાર જોઇને મોહનલાલનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકવા લાગ્યું. કંઇક અજુગતું બનવાનો ભાસ તેને થયો. એ તરત જ ઉભો થઈને સ્વીચ બોર્ડ તરફ આગળ વધ્યો. પોતે સૂતો ત્યારે ઓફિસની લાઈટ ચાલુ જ હતી. એ તેને બરાબર રીતે યાદ હતું.

એ સ્વીચ બોર્ડ પહોચે તે પહેલા જ ઓવરકોટધરી સ્ફૂર્તિથી તેની પાછળ પહોચી ગયો.

મોહનલાલનો સ્વીચ બોર્ડ તરફ લંબાયેલો હાથ એમને એમ જ રહી ગયો.

વળતી જ પળે ઓવરકોટધારીએ ટોર્ચના ઉપરાઉપરી ત્રણ-ચાર ફટકા તેના માથા પર ઝીંકી દીધા.

મોહનલાલ બેભાન થઈને ઢળી પડ્યો.

ત્યારબાદ ઓવરકોટધારી ટટ્ટાર થઈને ફરીથી ટોર્ચ ચાલુ કરીને તિજોરી પાસે પહોચ્યો. એણે ગજવામાંથી એક ચાવી કાઢીને તેની મદદથી તિજોરી ઉઘાડી નાખી. તિજોરીમાંથી કુલ ત્રણ ખાનાઓ હતા. ત્રણેય ખાનાઓમાં અત્યારે માત્ર ફાઈલો અને કાગળો જ પડ્યા હતા.

દસ લાખ રૂપિયા ભરેલી બ્રીફ્કેસનું ક્યાંય નામો-નિશાન પણ નહોતું.

બંને નર્યા-નીતર્યા અચરજથી ટોર્ચના પ્રકાશમાં તિજોરી સામે તાકી રહ્યા.

આમ ને આમ થોડી પળો વિતી ગઈ.

પછી સહસા ઓવરકોટધારીએ તિજોરીમાં પડેલી ફાઈલો અને કાગળોને કાઢીને બહાર ફેકી દીધા.

પરંતુ બ્રીફકેસ ત્યાં હોય તો મળે ને?

ઓવરકોટધારીનો ચહેરો ક્રોધથી તમતમી ગયો.

‘આમાં તો બ્રીફકેસ નથી?’ એણે માધવી સામે જોતાં ધૂંધવાયેલા અવાજે કહ્યું.

‘બ્રીફકેસ તો આમાં જ હતી.’ માધવીના અવાજમાં મુંઝવણનો સુર હતો.

‘હતી તો ક્યાં ગઈ...? શું આ તિજોરી બ્રીફ્કેસનો કોળીયો કરી ગઈ?’

‘બુમો શા માટે પાડે છે? આ ઓફિસમાં જ ક્યાંક પડી હશે,’

‘એ તો હવે એમ જ કરવું પડશે.’ કહીને ઓવરકોટધારીએ મોહનલાલ સુતો હતો, ત્યાં ટોર્ચનો પ્રકાશ ફેક્યો. પછી ઓશિકા નીચે કોઈક વસ્તુનો આભાસ મળતાં જ એ ઝડપથી ત્યાં પહોચ્યો.

એણે ઓશિકાને ઊંચકીને એક તરફ ફેકી દીધું.

વળતી જ પળે એનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકી ઉઠ્યો.

‘મળી ગઈ...’ એ આનંદભર્યા અવાજે બોલી ઉઠ્યો.

માધવી ઝડપથી આગળ વધીને તેની નજીક પહોચી.

‘હા, આ એ જ બ્રીફકેસ છે!’ એણે બ્રીફ્કેસનું નિરીક્ષણ કરતા કહ્યું.

ઓવરકોટધારીએ બ્રીફકેસ ઊંચકીને તેને આપી દીધી. ત્યારબાદ એણે ગજવામાંથી રૂમાલ કાઢીને તિજોરીના અંદર તથા બહાર જ્યાં જ્યાં આંગળાની છાપ પડી હોવાની શક્યતા હતી, એ બધી જગ્યાએ ઘસી ઘસીને રૂમાલ ફેરવ્યો.

પછી બંને ઓફિસમાંથી બહાર નીકળ્યા. બારણાનાં હેન્ડલ પરથી એણે પોતાના આંગળાની છાપ ભૂંસી નાંખી.

ત્યારબાદ પગથિયાં ઉતરીને બંને નીચે આવ્યા. ત્યાં કોઈ કરતાં કોઈ જ નહોતું.

ઓવરકોટધરી ફરીથી સ્વીચ રૂમમાં દાખલ થઈને છઠા માળની મેઈન સ્વીચ ઓન કરી આવ્યો. મેઈન સ્વીચ પરથી પણ એણે પોતાના આંગળાની છાપ ભૂસી નાંખી.

પછી બંને બિલ્ડીંગમાંથી બહાર નીકળીને સડક પર આવ્યા. સડક પૂર્વવત રીતે ઉજ્જડ પડી હતી. બ્રીફકેસ હજુ પણ માધવીના હાથમાં જ જકડાયેલી હતી.

‘હવે હું જઉ છું. બાકીની વાતો કાલે નિરાતે કરીશું.’ માધવીએ કહ્યું.

‘તું કેવી રીતે જઈશ?’ ઓવરકોટધારીએ પૂછ્યું.

‘ટેક્સીમાં...! અહીંથી ટેક્સી સ્ટેન્ડ બહુ દૂર નથી.’ કહીને તે એક તરફ આગળ વધી ગઈ. બ્રીફ્કેસને એણે મજબૂતીથી પકડી રાખી હતી. એ મનોમન ભયભીત છે એવું તેના ચહેરા પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવતું હતું.

એ ચારે તરફ સાવચેતીથી નજર દોડાવતી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધતી જતી હતી.

***