બ્લાઇન્ડ ગેમ - ૧૨ એક આતંકકથા DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ - ૧૨ એક આતંકકથા

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(ભાગ - ૧૨ : એક આતંકકથા)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૧ માં આપણે જોયું કે...

નવ્યાના કબાટમાં કાળો બુરખો જોઈને અરમાન હતપ્રભ બની જાય છે. એને મુસ્કાનનું રહસ્ય સમજાય છે કે નવ્યા પોતે જ... અલખ-નિરંજન એક અજ્ઞાત વ્યક્તિને ઝબ્બે કરી લે છે, જેને મેથીપાક ચખાડતા જ એક મોટા રહસ્યનો પર્દાફાશ થાય છે. બોડીગાર્ડ મેકની જગ્યાએ કુરેશીના કોઈક દુશ્મને પોતાનો માણસ ફીટ કરી દીધો હોય છે, જે કુરેશીના ષડયંત્રની રજેરજની માહિતી એ ત્રાહિત વ્યક્તિને પહોંચાડતો હોય છે, અને મુસ્કાન બનીને અરમાનને સી.એમ.ના મર્ડર-પ્લાન અંગે માહિતગાર કર્યો હોય છે. ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનું નામ ખૂલતાં જ કુરેશી સમક્ષ એક યાતનાભર્યો અતીત સળવળી ઊઠે છે...

હવે આગળ...)


‘મિ. અરમાન દીક્ષિત...’ હઝરત કુરેશીએ પોતાનું ગળું ખંખેર્યું, ‘અત્યાર સુધી ચાલી રહેલી આ ‘બ્લાઇન્ડ ગેમ’નું રહસ્ય ઓલમોસ્ટ બધાં સમક્ષ ઓપન થઈ ચૂક્યું છે.’

કોટેજની બહારની તરફ પથરાયેલી લીલીછમ લોનમાં કુરેશી તથા નવ્યાની સાથે પ્લાસ્ટિક-ચેરમાં અરમાન તથા અર્પિતા પણ ઢળતા સૂર્યની લાલ ઝાંયવાળી રોશની નિહાળતા બેઠા હતાં. દરેક જણની મુખમુદ્રા અતિ ગંભીર જણાતી હતી. અલખ-નિરંજન દૂર બેઠાબેઠા ઠંડા બિયરની મઝા માણી રહ્યા હતા. બોડીગાર્ડમાં હવે ફક્ત જેક એની ફરજ બજાવી રહ્યો હતો. ‘અસલી મેકને તો આપણે ગમે તે હાલમાં પાછો હેમખેમ મેળવી લઈશું...’ –કહીને થોડી વાર પહેલાં જ કુરેશીએ પેલા ઘૂસણખોરી કરીને બની બેઠેલા મેકને, કે જે પોતાનું અસલી નામ ‘માથુર’ જણાવી ચૂક્યો હતો, એના હાથ-પગ બાંધીને એક કમરામાં કેદ કરાવી દીધો હતો. એમ પણ નામમાં શું રાખ્યું છે – મેક હોય, મુસ્કાન હોય કે માથુર... આખરે કુરેશીની નજરથી ક્યાં સુધી કોઈપણ ષડ્યંત્ર છૂપું રહી શકે! – એમણે એક રુઆબદાર દીર્ઘ શ્વાસ ભર્યો.

ગળું ખંખેરીને પોતાની વોકિંગસ્ટીક રમાડતા રમાડતા એમણે પોતાની વાત આગળ ચલાવી, ‘ભલે રહસ્યો ઉપરથી પડદો ઊઠી ચૂક્યો હોય, પણ પ્લાન એક વાર બની ગયો એટલે સમજો વિધાતાએ લેખ લખી નાખ્યો! હવે જયારે સઘળું ઉઘાડું થઈ જ ચૂક્યું છે તો એ વાત પણ ગળે ગાંઠ વાળીને હજમ કરી નાખો રાઇટર મહાશય, કે ચીફ મિનિસ્ટરનું અકાળે એક્ઝીટ તો નિશ્ચિત જ છે; લખાઈ જ ચૂક્યું છે, તમે વોટીંગ કરો કે ન કરો, રીઝલ્ટ ડીકલેર થઈ જ ચૂક્યું છે!’

અરમાને એક નજર નવ્યા તરફ તો બીજી નજર અર્પિતા તરફ વહેતી મૂકી. બંને તરફથી એને માત્ર એક ખામોશ પ્રતિસાદ સાંપડ્યો.

‘મિ. દીક્ષિત, તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ-મોહ-માયા-લાગણી ભલે ન હોય, એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. પરંતુ, હું માનું છું કે તમને અર્પિતાના ગર્ભમાં વિકસવાની તૈયારી રહેલાં તમારા ખુદના અંશ પ્રત્યે તો...’ કુરેશીએ ખરા શબ્દોના સથવારે વાક્ય અધૂરું છોડીને અરમાનની લાગણીને ડહોળી નાખવા માટે પૂરતો સમય આપ્યો.

અરમાન છોભીલો પડી ગયો. અર્પિતા સાથે ન તો એ નજર મેળવી શક્યો કે ન તો પોતાના વ્યક્તિત્વની બીજી વિકૃત આવૃત્તિને કાબૂમાં કરી શક્યો. ફક્ત પશ્ચાતાપની આગમાં તરફડિયાં મારીને પોતાની જાતને ધિક્કારી રહ્યો. એ પોતે પણ આ ખુશખબરથી અજાણ હતો. એણે અર્પિતા સામું પ્રશ્નાર્થ નજરે જોયું. અર્પિતાની શુષ્ક નજર જાણે કે કહી ઊઠી, ‘મારે તો અરમાન તને ‘સરપ્રાઈઝ’ આપવી હતી, પણ... તેં મને ‘શોક્ડ’ કરી દીધી!’

થોડી સ્વસ્થતા મેળવીને એ કુરેશીને ઉદ્દેશીને બોલ્યો, ‘વાર્તાસ્પર્ધા તો સમાપ્ત થઈ ચૂકી છે, હવે તમે કઈ રીતે સી.એમ. સાહેબના સાહિત્ય-સન્માન સમારોહમાં..?’

‘ઘણાં રસ્તા છે - પુસ્તક લખો... નવલકથા, વિવેચન, આસ્વાદ, કંઈપણ... અને સાહિત્યની કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાનું પારિતોષિક મેળવો, મારા નામે... એનીહાઉ!’ કુરેશી પોતાના એકએક શબ્દો ચાવીચાવીને બોલી રહ્યા હતા. એ સાથે એમણે પોતાના સફારી સૂટના ખિસ્સામાં સંતાડી રાખેલી રિવોલ્વરની નળી અર્પિતાના પેટ તરફ તાકતા વોકિંગસ્ટીકના માથા ઉપર પોતાની વચલી આંગળીના બે ટકોરા માર્યા અને મોંમાંથી સિગારની એક પાતળી ધૂમ્રસેર છોડી. નવ્યા અને અર્પિતા ફક્ત શોભામાં અભિવૃદ્ધિ કરતાં હોય એમ ગૂપચૂપ બેસીને એમની વાતો સાંભળી રહ્યાં હતાં; કશુંક ઊંડાણમાં વિચારી રહ્યાં હતાં.

‘હું વિચારું છું કે તમારું જીવનચરિત્ર લખાવું જોઈએ, કુરેશી સાહેબ!’ ઢળતી સાંજનું અંધારું પકડી ચૂકેલા ગંભીર વાતાવરણમાં પણ અરમાનને મજાક સૂઝતી હતી. એણે વ્યંગભર્યા અંદાઝમાં કહ્યું, ‘આજકાલ બાયોગ્રાફી અને બાયોપિકનો દોર ચાલી રહ્યો છે... કોઈક સેલિબ્રિટીને પકડી લો; એનું જીવનચરિત્ર ચીતરી નાખો – પુસ્તકરૂપે અથવા મુવી મારફતે... એના નબળા ગુણોને મજબૂરીમાં ખપાવી દો; એના અપરાધોને સ્વરક્ષા હેઠળ ઢાંકી દો; ને બસ એ મહાત્મા પણ પોપ્યુલર થઈ જાય અને સર્જક પણ...’

દરેક વ્યક્તિ અરમાનને પોતપોતાના ભિન્ન ભિન્ન મકસદથી તાકી રહ્યાં હતાં. ‘તમારું પણ જીવનવૃતાંત લખાવું જોઈએ, બરાબરને, ધ ગ્રેટ હઝરત કુરેશી!’ અરમાનનો ઉચાટ શમતો ન હતો, ‘-અને એનું શિર્ષક અપાવું જોઈએ : ‘ટેરરગ્રાફી - આતંકની કહાની, આતંકવાદીની જુબાની’! બસ, પછી તમે પણ ફેમસ, સેલિબ્રિટી બની જશો; ને એવોર્ડ્સ તમારી ઝોળીમાં..! પણ તમારી આત્મકથામાં આવશે શું? કેટલાના મર્ડર કર્યા એ? આતંકનો કઈ હદ સુધીનો ફેલાવો કર્યો એ? કે પછી આજદિન સુધી કેટલાના કિડનેપ કર્યા એ?’

‘યેસ્સ, ગુડ આઇડિયા!’ કુરેશી એકદમ ઉછળી પડ્યા.

અરમાન ઝંખવાણો પડી ગયો, ‘હેં..? ગુડ આઇડિયા? કયો આઇડિયા આ પાગલ માણસને ‘ગુડ’ લાગ્યો? ક્યાંક મજાકમાં કહેવાયેલી મારી વાતને – આત્મકથા લખવાના સૂચનને – આ શનકી કુરેશીએ સીરીયસલી તો નથી લઈ લીધું ને?’

‘બેલાશક, મિ. રાઇટર, તમે લખશો મારી આત્મકથા.’ કુરેશી રોમાંચિત થઈ ઊઠ્યા.

‘આત્મકથા? ઓ હેલ્લો કુરેશીસાહેબ.... એ આત્મકથા નહિ, આતંકકથા હશે! અને મને ન તો તમારા ખૂંખાર જીવનચરિત્રમાં રસ છે કે ન તો હું એ વિશે કશું લખીશ.’ અરમાને દાંત કચકચાવ્યા.

‘મિ. દીક્ષિત....’ કુરેશીએ સિંહ જેવી ગર્જના કરી. નજીકમાં ગુલમોરના ઘેઘૂર વ્રુક્ષ ઉપર કિલ્લોલ કરી રહેલાં પક્ષીઓની જોડી પાંખ ફફડાવતી ઉડી ગઈ. અલખ પોતાને મોઢે બિયરની બોટલ માંડવા જતો હતો એ અટકી ગયો. લોનનું કુમળું ઘાસ તોડતો નિરંજનનો હાથ ત્યાં જ થંભી ગયો.

‘ભલે એ એક આતંકકથા જ હોય, તમે જ લખશો; લખવી જ પડશે. એક આખરી દાવ, એક અંતિમ તક... દિમાગમાં ઘૂસ્યું, મિ. રાઇટર?’ કુરેશીના ચહેરા ઉપર અંધકારનો પડછાયો ઉપસી રહ્યો હતો.

‘ઓહ ગોડ!’ અરમાન મનોમન બબડ્યો, ‘દુનિયાની આ પહેલી આત્મકથા હશે કે જે અન્ય વ્યક્તિ દ્વારા લખાશે અને તે પણ કલમથી નહિ, રિવોલ્વરથી...’ એને પોતે જ કરેલી મજાક માટે ભારે ચીડ ચઢી. એણે મનોમન બળાપો કાઢ્યો, ‘આ માણસ સાથે પંગો લેવો એટલે વાઘના કાનમાં ફૂંક મારવા સમાન છે!’ એને વસવસો થવા માંડ્યો – ક્યાં પોતે ફરી એક નવી મુસીબતમાં ફસાયો! શા માટે પોતે એક ઉડતું તીર પોતાના જ પેટમાં ઘોંચ્યું!

***

‘હેલો...’

‘જી!’

‘મુસ્કાન ઝૂઠી હૈ, પહેચાન ઝૂઠી હૈ?’

‘હમ્મ્મ...’

‘તમારી ડિમાંડ પૂરી કરીશું. બોલો ક્યાં મળવું છે?’

‘જણાવું...’

ફોન ડિસ્કનેક્ટ થયો. અલખ-નિરંજને બંનેએ એકબીજા સામે સૂચક નજરે જોયું. એમને આ ટૂંકો વાર્તાલાપ અગત્યનો લાગ્યો એટલે મધરાત હોવા છતાં આ અંગે હઝરત કુરેશીને ઇન્ફોર્મ કરવાનું એમને સલાહભર્યું જણાયું.

નોક... નોક...

‘યેસ્સ... હુ’સ ધેટ?’

‘અલખ-નિરંજન...’

બેડરૂમનો દરવાજો ઉઘડ્યો. ‘ઇટ્સ અરજન્ટ, બોસ!’ કહીને બંને અંદર પ્રવેશ્યા. ત્રણેય જણ થોડી જ વારમાં બેડરૂમની ગેલેરીમાં ગોઠવાયા. આબુના પહાડો તરફથી ધસી આવતી મધરાતની મારકણી ઠંડી લહેરોમાં કુરેશીએ સૌપ્રથમ સિગાર સળગાવી અને ઉચ્ચાર્યું, ‘બોલો...’

જવાબમાં અલખે મોબાઇલ ફોન કાઢીને ટીપોઈ ઉપર ગોઠવ્યો. અમુક બટનો દબાવીને થોડી મિનિટો પહેલાં આવેલાં ફોનનું રેકોર્ડીંગ સંભળાવ્યું.

‘હમ્મ્મ...’ કુરેશીએ એક લાંબો કાશ ખેંચ્યો.

‘જેના તરફથી ફોન આવ્યો હતો એ જયકાંત છે, સી.એમ.નો પી.એ.! અને માથુરના આ મોબાઇલમાં પણ એ નામથી જ નંબર સેવ કરેલો હતો.’ અલખે પોતાની ઉડી રહેલી ઝુલ્ફોને કાબૂમાં કરવા વાળનો એક જથ્થો માથાની પાછળની તરફ કરી પોની ટેઇલ બનાવી.

‘અન્ય કોઈ વિગત..?’

‘નો સર!’ નિરંજને પોતે એ મોબાઇલમાં કરેલા ખાંખાંખોળા વર્ણવતા કહ્યું, ‘દરઅસલ અમે આખો મોબાઇલ ફેંદી વળ્યા છીએ. માથુરે એમાં કોઈ પણ સુરાગ રહેવા દીધો નથી. મેસેજીસ, ફોટોસ, ચેટ હિસ્ટ્રી, ઇમેઇલ, કોલ રેકોર્ડિંગ... એવરીથીંગ ઓલ ક્લિયર... ફક્ત ગણ્યાગાંઠ્યા કોન્ટેક્ટસ સિવાય...’ પોતાના ટકલામાં ખંજવાળતા એણે કુરેશી સામે જોયું.

‘આ ફોનકોલના અધકચરા અને રહસ્યમય વાર્તાલાપ પરથી એવું તારણ કાઢી શકાય કે...’ હઝરત કુરેશીએ ઊભા થતા કહ્યું, ‘મેકની જગ્યાએ ગોઠવાયેલો આ માણસ, શું નામ જણાવ્યું હતું એણે..?’

‘માથુર!’

‘યેસ્સ, માથુર... એ ભલે ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ માટે પૈસા લઈને આપણી જાસૂસી કરતો હતો, પણ એ લંપટે સી.એમ.ના પી.એ. જયકાંત પાસે પણ કોઈક ગુપ્ત માહિતી – મોસ્ટલી આપણે રચેલા ષડ્યંત્રની જ કોઈક બાતમી - બદલ મસમોટી રકમ ઓકાવવાની ગણતરી કરી રાખી હશે.’

‘માત્ર ગણતરી જ નહિ, એ માટેની ચાલ પણ ચાલી ચૂક્યો હશે.’ અલખે પોતાનો અંદેશો વ્યક્ત કર્યો.

‘માત્ર ચાલ જ નહિ ચાલ્યો હોય, જયકાંતને એકાંતમાં મળવા બોલાવીને રહસ્યો અને રૂપિયાની આપ-લેની પણ તજવીજ કરી નાખી હશે.’ નિરંજને પણ પોતાનું ડિટેક્ટીવ દિમાગ દોડાવ્યું.

‘ઓકે! માથુરને હમણાં આપણી કેદમાં જ રહેવા દો. તમે બંને જણ એના આ મોબાઇલ ઉપર સતત વોચ રાખો, જુઓ કોના અને કેવા ફોનકોલ કે મેસેજીસ આવે છે!’ કુરેશીએ અલખ-નિરંજનને આદેશો આપી દીધા.

ત્યાં જ...

ફરી એકવાર મધરાતના સન્નાટાને ચીરતો માથુરનો મોબાઇલ કારમી ચીસ પાડી ઊઠ્યો. સ્ક્રિન ઉપર નામ ચમક્યું, ‘ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ’.

-ને હઝરત કુરેશીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આંખમાં લોહી તારી આવ્યું. બહાર વરસાદની ધાર રેલાવા માંડી હતી. અને અંદર જાણે કે દાવાનળ ભડકી ઊઠ્યો હતો!

(ક્રમશઃ) દર શુક્રવારે...

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ - ૧૩ વાંચવાનું ચૂકશો નહિ.)