બેઈમાન - 12 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈમાન - 12

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 12

જાનકી અચરેકર !

થોડીકવારમાં જ દિલીપ તથા વામનરાવ પોલીસ હેડક્વાર્ટરે પહોચી ગયા.વામનરાવે ટેબલના ખાનામાંથી ડીલક્સ કલબના મેનેજર પાસેથી પોલીસે કબજે કરેલી નોટ કાઢીને ગજવામાં મૂકી દીધી.ત્યારબાદ બંને હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા.દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.નવ વાગીને ઉપર વીસ મિનીટ થઇ હતી.‘વામનરાવ...!’ દિલીપે માથું ધુણાવતાં કહ્યું, ‘હજુ તો માંડ સવા નવ વાગ્યા છે. અત્યારમાં કંઈ રીઝર્વ બેંક નહીં ઉઘડી હોય! ‘‘તો ચાલ, અંદર જઈને બેસીએ ..!’ વામનરાવ બોલ્યો, ‘ચા-પાણી પીને નિરાંતે વાતો કરીશું.’‘હા...પંડિત જવાહરલાલ નહેરુ હતા.’‘તો તો પછી ‘આરામ હરામ હૈ’ નું સૂત્ર તને યાદ જ હશે?’‘હા, યાદ છે તો...?’‘બસ, હું તેમના આ સિધ્ધાંતમાં જ માનું છું.’‘તો શું સડક પર આટા મારીને ચોકી કરવાનો તારો વિચાર છે?’‘ના...’‘તો પછી..?’‘ચાલ, સમય છે ત્યાં સુધીમાં મોતીલાલને મળી લઈએ.’‘ભલે, ચાલ...!’બંને વામનરાવની જીપમાં ગોઠવાયા.‘ક્યાં જવાનું છે? મોતીલાલની ઓફિસે કે નિવાસસ્થાને ?’‘અત્યારે તો એ પોતાના નિવાસસ્થાને જ હશે.’વામનરાવે જીપને સ્ટાર્ટ કરીને મોતીલાલના નિવાસસ્થાન તરફ દોડાવી મૂકી. એણે મોતીલાલના નિવાસસ્થાનનું સરનામુ દિલીપને પૂછી લીધું હતું.પંદર મીનીટમાં જ તેઓ ત્યાં પહોચી ગયા.એ વખતે મોતીલાલ બંગલાની લોનમાં બેસીને અખબાર વાંચતો હતો.દિલીપ તથા વામનરાવ એની પાસે પહોચ્યાં.‘આવો મિસ્ટર દિલીપ....!’ અખબારને એક તરફ મુકીને મોતીલાલે આત્મીયતાભર્યા અવાજે કહ્યું. ‘બોલો શા માટે આવવું પડ્યું? શું કોઈ શુભ સમાચાર લાવ્યા છો?’‘ના, એવું કઈ નથી...!’ દિલીપ એની સામે પડેલી ખાલી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘ હું તો જાનકી વિશે પૂછવા માટે આવ્યો છું.’વામનરાવ પણ દિલીપની બાજુમાં એક ખુરશી પર બેસી ગયો હતો.‘અરે, ...હા...!’ સહસા મોતીલાલે ચમકીને કહ્યું, ‘મિસ્ટર દિલીપ, હું તમને મળવાનો કે ટેલીફોન પર તમારો સંપર્ક સાધવાનો વિચાર જ કરતો હતો. તમે પોલીસ હેડક્વાર્ટરે ગયા હતા ને?’‘હા....’ દિલીપે અચરજથી પૂછ્યું, ‘તમને આ વાતની કેવી રીતે ખબર પડી?’‘મેં તમારે ઘેર ફોન કર્યો હતો. ત્યાંથી જાણવા મળ્યું હતું. ત્યારબાદ દસેક મિનીટ પહેલાં પોલીસ હેડક્વાર્ટરે પણ ફોન કરીને તમારો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં પણ તમારો સંપર્ક નહોતો થઈ શક્યો. તમે આવી ગયા એ સારું જ થયું છે.’‘કેમ..?કોઈ ખાસ સમાચાર છે?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.‘હા...’‘શું...?’‘આજે સવારે જ મારા પર જાનકીનો ફોન આવ્યો હતો.એ સાંજે રવાના થઈને આવતી કાલે બપોર સુધીમાં અહીં પહોચી જશે.’‘વેરી ગુડ...!’‘મેં એને ટેલીગ્રામથી માધવીના ખૂનના સમાચાર આપી દીધા હતા. આજે સવારે ફોન પર વાતચીત થઇ, ત્યારે વાતચીત દરમિયાન એની પાસે તાજેતરમાં જ માધવીએ લખેલો એક પત્ર છે અને આ પત્ર ખૂનીની વિરુદ્ધમાં કદાચ કામ આવી શકે તથા પોલીસને મદદરૂપ થઇ શકે એમ છે, એવું એણે મને જણાવ્યું હતું.’‘વારુ, બીજું કઈ એણે કહ્યું હતું ?’‘હા...’‘શું ?’‘એના કહેવા મુજબ તેને એક માણસ માધવીનો ખૂની હોવાની શંકા છે.’‘એણે એ માણસનું નામ નથી જણાવ્યું ?’‘ના, એનું નામ તો અહી આવીને જ કહેશે.’‘સરસ...!’ દિલીપની આંખોમાં ચમક પથરાઈ ગઈ.એ ગંભીરતાથી કંઇક વિચારતો હતો.‘વારુ, કાલે એ કઈ ટ્રેનમાં આવવાની છે?’ થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે પૂછ્યું.‘ભોપાલ એક્સપ્રેસમાં ....!’ મોતીલાલે જવાબ આપ્યો.ત્યારબાદ એણે એક નોકરને બોલાવીને દિલીપ તથા વામનરાવ માટે કોફી મંગાવી.બંનેએ કોફી પીધી.‘સારું, મિસ્ટર મોતીલાલ...!’ દિલીપ ઉભો થતાં બોલ્યો, ‘હવે અમને રજા આપો.’‘બસ, જવું છે?’‘હા...હજુ ઘણા કામો બાકી છે અને હા ...જાનકીના આગમન વિશે ભૂલેચુકે ય કોઈને કંઈ કહેશો નહીં.’‘ભલે..! ‘ મોતીલાલે હકારમાં માથું હલાવ્યું.દિલીપ તથા વામનરાવ બંગલામાંથી બહાર નીકળીને જીપ પાસે આવ્યા.દિલીપે સમય જોયો.સાડાદસ વાગ્યા હતા.‘ચાલ, હવે અહીંથી સીધા રીઝર્વ બેંકે જ સીધાવીએ. ત્યાં પહોંચતા પહોંચતા પંદર વીસ મિનિટ નીકળી જશે.’ દિલીપે કહ્યું.બંને જીપમાં બેસી ગયા વામનરાવે જીપ સ્ટાર્ટ કરીને રીઝર્વ બેંક તરફ દોડાવી મૂકી.અગિયારમાં પાંચ મિનીટ બાકી હતી ત્યાં જ તેઓ રીઝર્વ બેંકમાં પહોચી ગયા.‘વામનરાવ....!’ દિલીપ બોલ્યો, ‘તારી આ વર્દી જોઇને કદાચ મેનેજર ભડકશે. તારા કરતાં મારો રુઆબ તેના પર વધુ પડશે. તું અહીં રીસેપ્શન હોલમાં જ બેસીને મારી રાહ જો.’વામનરાવે હકારાત્મક ઢબે માથુ હલાવ્યું.દિલીપ વામનરાવ પાસેથી નોટ લઈને મેનેજરની કેબીનમાં ચાલ્યો ગયો.વામનરાવ એક સિગારેટ સળગાવીને દિલીપના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો.એણે બહુ રાહ ન જોવી પડી.વીસેક મિનીટમાં જ દિલીપ પાછો આવી ગયો.એના ચહેરા પર આનંદના હાવભાવ છવાયેલા હતા.‘શું થયું?’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.‘વામનરાવ...!’ દિલીપ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘એ નોટ એકદમ નવી જ છે. અને આ સીરીઝના નંબરમાં કુલ એક લાખ રૂપિયાની નોટો ચાર દિવસ પહેલાં સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની દીવાની ચોક શાખાને આપવામાં આવી હતી. ‘‘વેરી ગુડ...!’ વામનરાવે કહ્યું, ‘દિલીપ, આ કેસ હવે પૂરો થવાને આરે આવ્યો હોય એવું મને લાગે છે.’‘આવ્યો હોય તો આવા દે ...!’ દિલીપ, બહાર નીકળીને જીપમાં બેસતા બોલ્યો, ‘પણ તું હવે આમ તેમ ભટક્યા વગર સીધી જ જીપને દિવાન ચોક તરફ દોડાવી મૂક!’વામનરાવે જીપને સ્ટાર્ટ કરીને દિવાન ચોક તરફ દોડાવી મૂકી.!’દસેક મીનીટમાં જ તેઓ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢ ની ચોક બ્રાંચમાં પહોંચી ગયા.બંને સીધા જ મેનેજરની ચેમ્બરમાં ઘુસી ગયા.દિલીપ પોતાનો પરિચય આપ્યા પછી મેનેજર સાથે વાતો કરવા લાગ્યો. જયારે વામનરાવ ચુપચાપ મુક પ્રેક્ષકની તેની સામે તાકી રહ્યો.દિલીપની વાત સાભળ્યાં પછી મેનેજરે પટાવાળાને બોલાવીને તેની પાસે એક રજીસ્ટર મંગાવ્યું.‘લો, મિસ્ટર દિલીપ!’ એણે રજીસ્ટરનું એક પાનું કાઢીને દિલીપ સામે ધરતાં કહ્યું, ‘ તમે પોતે જ જોઈ લો.’દિલીપ તથા વામનરાવની નજર રજીસ્ટરના એ પાનામાં લખેલા નામ પર ફરવા લાગી.પછી ફરતી ફરતી તેમની નજર એક નામ પર સ્થિર થઇ ગઈ.એ નામ વાંચીને વળતી જ પળે, જાણે અચાનક જ તેમની ખુરશીઓમાં વીજળીનો કરંટ વહેવો શરુ થઇ ગયો હોય તેમ ઉછળી પડ્યા.ખૂનીનું નામ રજીસ્ટરના એ પાના પર સ્પષ્ટ રીતે ચમકતું હતું.ત્યારબાદ બંને ઉભા થયા. ‘આપનો ખૂબ ખૂબ આભાર મેનેજર સાહેબ !’ દિલીપે મેનેજર સાથે હાથ મીલાવતાં કહ્યું.‘એમાં આભાર શાનો મિસ્ટર દિલીપ ?’ મેનેજર સંકોચભર્યા અવાજે બોલ્યો, ‘આ તો મારી ફરજ હતી.’‘અને હા... આ વાતની બીજા કોઈને ખબર ન પડે એનું ખાસ ધ્યાન રાખજો.’‘ચોક્કસ...!’ મેનેજરે હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો.ત્યારબાદ ફરીથી મેનેજરનો આભાર માનીને બંને બેંકમાંથી બહાર નીકળ્યા.‘દિલીપ....!’ વામનરાવે જીપ સ્ટાર્ટ કરતાં કહ્યું. ‘બોલ...!’‘રજીસ્ટરમાં જે નામ લખ્યું છે એ જ જો સાચો ગુનેગાર હોય, તો પણ આપણી પાસે તેની વિરુદ્ધ પુરાવાઓ ક્યાં છે?’‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી બચ્ચા !’ જાણે પોતે કોઈ મહાન તપસ્વી કે સંત હોય એવા અવાજે દિલીપ બોલ્યો, ‘જે રીતે ગુનેગાર મળ્યો છે એ જ રીતે પુરાવાઓ પણ મળી જશે. તું હવે આ દિલીપ મહારાજની કમાલ જોયે રાખ! આપણે એવી જાળ પાથરીશું કે ગુનેગાર સામે ચાલીને જ તેમાં ફસાઈ જશે. એ રેડહેન્ડ પકડાઈ જશે અને તેને ફાંસીના રૂપમાં, આ સંસારનાં બધાં દુઃખોમાંથી છૂટકારો મળી જશે.’‘બસ, મહારાજ બસ!’ વામનરાવે માંડ માંડ પોતાનું હાસ્ય ખાળતા કહ્યું, ‘હવે શું કરવું છે?’‘સૌથી પહેલા તો એક પબ્લિક બુથમાંથી ફોન કરીને ખાનને મારે ઘેર પહોચવાની સુચના આપી દે.’‘અને ત્યારબાદ? ‘‘ત્યારબાદ મને ઘેર પહોંચાડી દે.’‘જેવી આજ્ઞા મહારાજ...!’ કહીને વામનરાવે જીપને એક પબ્લિક બૂથ પાસે ઉભી રાખી.પછી નીચે ઉતરીને તે ફોન કરવા માટે ચાલ્યો ગયો.દિલીપ એક સિગારેટ સળગાવીને તેની રાહ જોવા લાગ્યો.બે મિનિટ પછી વામનરાવ પાછો ફર્યો.‘શું થયું?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પુછ્યું.‘ખાન તો એક જરૂરી કામસર અચાનક જ મુંબઈ ચાલ્યો ગયો છે. અને બે દિવસ પછી પાછો આવવાનો છે.’ વામનરાવે જવાબ આપ્યો.‘કઈ વાંધો નહીં...ચાલ...!’બંને દિલીપના નિવાસ્થાને પહોચી ગયા.દિલીપે, પોતે કરેલી તપાસની વિગત શાંતાને જણાવી દીધી.ત્યારબાદ ત્રણેય ચર્ચા કરવા લાગ્યા.તેઓ ગુનેગારને રેડહેન્ડ પકડવાની યોજના બનાવતાં હતા.‘દિલીપ...!’ સહસા વામનરાવે પૂછ્યું, ‘ આપણે એના ઘરની તલાશી લઈએ તો ?’‘તલાશી? શા માટે?’ દિલીપે સામો સવાલ કર્યો.‘ચોરીની રકમ કદાચ એણે પોતાના ઘરમાં જ રાખી હોય એ બનવાજોગ છે.’ વામનરાવ બોલ્યો.‘અને જો ત્યાંથી ચોરીની રકમ નહી મળી તો ?’‘તો...તો..’‘તો એ સંજોગોમાં તે એકદમ સાવચેત થઇ જશે. એટલું જ નહી, પોતાની આગળની કાર્યવાહી પણ અટકાવી દેશે.’‘આગળની કાર્યવાહી...?’ વામનરાવે આશ્ચર્યથી પૂછ્યું.‘હા..’‘તો શું હજુ પણ તેને કઈ કરવાનું બાકી છે?’‘ક્યું કામ ?’‘જાનકીનું ખૂન કરવાનું કામ !’ દિલીપનો અવાજ એકદમ ગંભીર હતો.‘જાનકીનું ખૂન કરવાનું કામ !’ દિલીપનો અવાજ એકદમ ગંભીર હતો.‘જાનકીનું ખૂન...?’ શાંતાએ મુંઝવણભર્યા અવાજે પૂછ્યું, ‘આ તું શું કહે છે દિલીપ? જાનકીને વળી આ કેસ સાથે શું સંબંધ છે?’‘શાંતા, માધવીએ જાનકીને લખેલા પત્રને તું શા માટે ભૂલી જાય છે?’ દિલીપે પૂછ્યું.‘હું તો કઈ જ નથી ભૂલી....પણ તું જરૂર ભૂલી ગયો લાગે છે કે જાનકીએ આજે સવારે ફોન પર મોતીલાલ સાથે વાત કરતી વખતે માધવીના પત્ર વિશે જણાવ્યું હતું. આ પત્રનો ઉલ્લેખ આજે પહેલી જ વાર થયો હતો. તો એના વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. માધવીના પત્ર વિશે માત્ર જાનકી એકલી જ જાણતી હતી.’ શાંતાએ જવાબ આપ્યો.‘હા તો...?’‘તો એ કે શું મોતીલાલ પાસે જઈને કહેશે કે ભાઈ ખૂની, તારી વિરુદ્ધમાં ઉપયોગ કરી શકાય એવો એક પત્ર જાનકી પાસે છે માટે જઈને જાનકીનું ખૂન કરી નાખ અને પત્ર કબજે કરીને એનો પણ નાશ કરી દે, એમ તું માને છે?’‘ના..’‘તો પછી?’‘ડીયર શાંતા...!’ દિલીપ નાટકીય ઢબે બોલ્યો, ‘જાનકી વિશાળગઢમાં નથી એ તેનું સદનસીબ જ છે. નહીં તો ખૂની ક્યારનોય તેનું ખૂન પણ કરી ચુક્યો હોત!’‘એટલે..? તું કહેવા શું માંગે છે?’‘સાંભળ, કોઈના કહ્યા વગર પણ માધવીનો લખેલો એક પત્ર જાનકી પાસે છે, તથા આ પત્ર પોતાને ફાંસીના માંચડે પહોચાડી શકે છે, એ વાત ખૂની જાણે છે.’‘પણ માધવીએ જાનકીને આવો કોઈ પત્ર લખ્યો છે, એની ખૂનીને કેવી રીતે ખબર પડી?’‘એ જ તો રહસ્યની વાત છે. આજે સવારે તારા દિમાગે કમાલ બતાવી હતી અને અત્યારે મારા દિમાગે એક રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે.’‘દિલીપ..!’ ધૂંધવાઈને બોલી, ‘વાતમાં મ્હોણ નાખ્યા વગર જે કહેવું હોય તે સ્પષ્ટ કહી નાખ.!’‘તો સાંભળો...માધવીના મૃતદેહ પાસેથી સળગી ગયેલા કાગળની રાખ મળી આવી હતી, એ તો તમને યાદ જ હશે?’‘હા, યાદ છે.’ વામનરાવે કહ્યું.શાંતાએ પણ હકારમાં માથું હલાવ્યું.‘ઈશ્વરનો પાડ માન કે તમને યાદ છે. નહીં તો મને તમારા બંનેની યાદદાસ્ત પર જરા પણ ભરોસો નથી. હા, તો હું શું કહેતો હતો ? ઓહ...યાદ આવ્યું...! સાંભળો એ રાખ વાસ્તવમાં જાનકીએ માધવીને લખેલા પત્રની હતી. હવે શું બન્યું હશે એનું અનુમાન કરીને હું તમને જણાવું છું માધવી ફ્લેટમાં દાખલ થઇને જાનકીનો પત્ર વાંચતી હતી, ત્યાં જ ખૂનીએ પાછળથી જઈને તેનું ખૂન કરી નાખ્યું. ત્યારબાદ એણે ઉત્સુકતાવશ જ જાનકીનો પત્ર વાચ્યો. પત્રમાંનું લખાણ વાંચીને તે એકદમ ગભરાઈ ગયો. પરિણામે એણે ત્યાંને ત્યાં જ એ પત્રને સળગાવી નાખ્યો. બસ, એ લખાણ વાંચીને જ એ સમજી ગયો. કે માધવીએ જાનકીને લખેલો પત્ર એના માટે જોખમરૂપ છે. આ રીતે જ માધવીએ જાનકીને પત્ર લખ્યો છે, એની તેને ખબર પડી હશે.’‘તારી વાતમાં તથ્ય છે દિલીપ!’ શાંતા બોલી, ‘પણ એમાં એક વાત ખૂંચે એવી છે.’‘કઈ વાત?’‘જો એ પત્ર ખૂની માટે આટલો બધો મહત્વનો છે તો પછી તે એ પત્ર મેળવવા માટે, જાનકી જ્યાં ગઈ છે, ત્યાં જ શા માટે ન ગયો?’‘એના ઘણાબધા કારણો હોઈ શકે છે. નંબર એક, પોતાનું નામ શંકાસ્પદ માણસોની યાદીમાં છે, અને પોલીસની નજર પોતાના પર પણ છે, એ વાત તો તે પણ જાણતો જ હતો. હવે જો એ જાનકીનું ખૂન કરવા માટે વિશાળગઢ છોડે તો ખૂન કરવામાં તથા પત્ર કબજે કરવામાં કેટલો સમય લાગે તેનું કઈ જ નક્કી નહોતું. એવું તો કંઈ હતું નહી કે, ખૂની એ શહેરમાં જાય ત્યારે જાનકી સામેથી જ જઈને કહે કે-આ લે, આ પત્ર અને મારું ખૂન કરીને તાબડતોબ પાછો વિશાળગઢ ભેગો થઇ જા ! આ કામ માટે તેને ઓછામાં ઓછુ ત્રણ –ચાર દિવસ માટે વિશાળગઢ છોડવું પડે તેમ હતું. તે એક કલાક માટે પણ વિશાળગઢ છોડી શકે તેમ નહોતો. કારણ કે પાછળથી જયારે જાનકીના ખૂનની તપાસ શરુ થાત, ત્યારે બાકીના શંકાસ્પદ માણસો તો વિશાળગઢમાં જ હાજર હતા, માત્ર આ એક સજ્જન જ ત્રણ-ચાર દિવસ માટે ગેરહાજર હતા, તેની ખબર પડી જાત. નંબર બે, જાનકી ત્યાં એકલી જ નથી. પણ એનાં મા-બાપ તથા ભાઈ-બહેન પણ સાથે છે. આ સંજોગમાં એનું ખૂન કરીને પત્ર મેવવાનું કામ અશક્ય નહીં પણ મુશ્કેલ તો જરૂર છે અને આ કારણસર જ ખૂની, જાનકીના વિશાળગઢ પાછા ફરવાની રાહ જુએ છે. તેને માધવીના મૃત્યુ વિશે ખબર પડે એ પહેલાં જ પોતે એનું ખૂન કરીને પત્ર મેળવી લેશે એમ તે મને છે.’વામનરાવ તથા શાંતા મંત્રમુગ્ધ બનીને દિલીપની વાત સાંભળતા હતા.‘હવે..!’ દિલીપ કહેતો ગયો, ‘આપણે જાનકી પાસેથી પત્ર મેળવીને, તે આપણને કેટલો ઉપયોગી નીવડી શકે તેમ છે, એ જોવાનું છે. જો એ પત્ર ખૂનીની વિરુદ્ધ જડબેસલાક પૂરાવો હશે તો આપણે તેની ધરપકડ કરીને એના ઘરની તલાશી લેશું. અને જો કદાચ એ પત્ર બહુ ઉપયોગી નહીં હોય તો પછી એ સંજોગો જાનકીની મદદથી તેણે રેડહેન્ડ પકડીશું. આ વાત પણ બોલો દિલીપ મહારાજની...’પરંતુ વામનરાવ કે શાંતા, બેમાંથી કોઈએ ‘જય’ બોલવાની તકલીફ ન લીધી ‘હદ થઇ ગઈ...!’ દિલીપ ભડકીને બોલ્યો, ‘મેં ખૂનીને પકડવાની આવી સરસ મજાની યોજના બનાવી અને મને ઈમાન અકરામ આપવા તો એક તરફ રહ્યા, મારા વખાણ કરતાં એકાદ બે શબ્દો પણ તમને ન મળ્યા ? હવે તો ખરેખર જ ઘોર કલિયુગ આવી ગયો હોય એવું મને લાગે છે. તમારા બંને પાસે બકવાસ કરવા માટેનો સમય છે પણ મારા વખાણ કરતાં બે શબ્દો કહેવાની...કમ સે કમ મારી ‘જય’ બોલાવવાની તમને જરા પણ ફુરસદ નથી? આવવા દો અંકલને...! જો હું તેમને કહીને, તમને બંનેને પાણીચું ન પકડાવી દઉં તો મારું નામ દિલીપ ધ ગ્રેટ નહિ !’દિલીપની વાત સાંભળીને વામનરાવ અને શાંતા પણ ખડખડાટ હસી પડ્યા.

***

ભોપાલ એક્સપ્રેસ પૂરી રફતારથી વિશાળગઢ તરફ ધસમસતી હતી.ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં એક સીટ જાનકીના નામથી રીઝર્વ હતી.જાનકીના ચહેરા પર ઉદાસીના હાવભાવ છવાયેલા હતાં. તે બારીમાંથી બહાર જોઈ રહી હતી.એની ઉંમર આશરે પચ્ચીસેક વરસની હતી. શરીરની જેમ એનો ચહેરો પણ લંબોતરો હતો. એનો દેખાવ સાધારણ હોવાં છતાં પણ આકર્ષક હતો.એનું મન માધવીને યાદ કરીને રડતું હતું.માધવી તેની એક માત્ર અને ગાઢ બહેનપણી હતી. બંને વચ્ચે એટલી ગાઢ મિત્રાચારી હતી, કે તેઓ એકબીજાથી કોઈ વાત નહોતી છુપાવતી.જાનકી, માધવીના જીવનના એક રહસ્યથી પરિચિત હતી. કે માધવી રણજીત જેવા શરાબી અને જુગારીથી છૂટાછેડા મેળવીને અમિતકુમાર જેવા સજ્જન માણસ સાથે લગ્ન કરીને નવું-સુખી જીવન શરુ કરે એમ તે ખરા હૃદયથી ઈચ્છતી હતી.અત્યારે સવારના સવા દસ વાગ્યા હતાં.વિશાળગઢ આવવાની હજુ બે કલાકની વાર હતી.વચ્ચે એક સ્ટેશન બાકી હતું. ભૂપગઢ ! ત્યારબાદ ટ્રેન સીધી જ વિશાળગઢ પહોંચીને ઉભી રહેતી હતી.કંપાર્ટમેન્ટમાં આધેડ વયની એક સ્ત્રી પણ બેઠી હતી. એ ભૂપગઢ ઉતરવાની હતી.માધવીના મોતથી દુઃખી જાનકીએ એક ઊંડો શ્વાસ લીધો. પછી સીટ પરથી ઊભી થઈને તે પોતાનો બિસ્તરો વગેરે સમેટવા લાગી.સુટકેસમાં સામાન મૂકતી વખતે એની નજર તેમાં પડેલા સ્મિત ફરકાવતાં ફોટા પર પડી.એ ફોટો બીજા કોઈનો નહીં પણ માધવીનો જ હતો.જાનકીના હૃદયને ખૂબ જ આઘાત લાગ્યો હતો. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. મનમાં ખૂની પ્રત્યે નફરતનો દાવાનળ ભભૂકી ઉઠ્યો.પોતે ખૂનીને ફાંસીના માંચડે પહોંચાડીને જ જંપશે એવું એણે મક્કમ રીતે મનોમન નક્કી કર્યું.વિશાળગઢ પહોંચ્યા પછી સૌથી પહેલું શું કરવું એનો તે વિચાર કરતી હતી. ત્યાં જ ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી.ભૂપગઢ આવી ગયું છે એ વાત તરત જ એ સમજી ગઈ.બે મિનિટ પછી ટ્રેન ભૂપગઢના પ્લેટફોર્મ પર પહોંચીને ઊભી રહી.આધેડ મહિલા મજૂર પાસે સામાન ઉતરાવીને ચાલી ગઈ.હવે કંપાર્ટમેન્ટમાં જાનકી એકલી જ હતી.ટ્રેન દસ મિનિટ માટે ત્યાં થોભતી હતી. અચાનક જાનકીને એક ભયભીત કરી મૂકનારો વિચાર આવ્યો.અહીંથી વિશાળગઢ સુધીની મુસાફરી પોતાને એકલીને જ કરવાની છે. જો રસ્તામાં ખૂની આ કંપાર્ટમેન્ટમાં ઘુસી આવીને પોતાનું પણ ખૂન કરી નાખશે તો ?આ વિચાર આવતા જ તે એકદમ ગભરાઈ ગઈ. એના દેહમાં ધ્રુજારી ફરી વળી.સહસા કંપાર્ટમેન્ટમાં કોઈકના પગલાંનો અવાજ સાંભળીને તે એકદમ ચમકી ગઈ.એણે અવાજની દિશામાં જોયું તો દરવાજા પાસે એનો બોસ મોતીલાલ જૈન ઊભો હતો.મોતીલાલને જોઇને જાનકીના જીવમાં જીવ આવ્યો. એણે રાહતનો ઊંડો શ્વાસ લીધો.‘સર, આપ અહીં ?’ એણે અચરજથી પૂછ્યું.‘હા...!’ મોતીલાલે જવાબ આપ્યો, ‘તારી સલામતી માટે મારે અહીં આવવું પડ્યું છે.’‘મારી સલામતી માટે ?’‘હા...! તારો જીવ જોખમમાં છે એમ પોલીસમાં માને છે.’‘શું...?’ જાનકીનો સાદ ફાટેલા વાંસની જેમ તરડાઇ ગયો.‘એ બધી વાતો આપણે પછી નિરાંતે કરીશું. અત્યારે તો એટલો સમય નથી. તું તાબડતોબ તારો સામાન સમેટી લે. આગળની મુસાફરી તારે મારી સાથે કારમાં જ કરવાની છે.’જાનકીએ હકારમાં માથું હલાવીને જલ્દીથી પોતાનો સામાન સુટકેસમાં ભરીને તાળું મારી દીધું.પછી તે મોતીલાલ સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી.બંને સ્ટેશનમાંથી બહાર નીકળ્યા.બહાર સ્ટેશનના કમ્પાઉન્ડમાં મોતીલાલની ઈમ્પાલા કાર ઊભી હતી.ડેકીમાં સૂટકેસ મૂકીને મોતીલાલ ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો.જાનકી એની બાજુમાં બેઠી.મોતીલાલે કાર સ્ટાર્ટ કરીને વિશાળગઢ તરફ દોડાવી મૂકી.જાનકી, મોતીલાલને માધવીના ખૂન વિશે પૂછપરછ કરવા લાગી.મોતીલાલ તેના જવાબો આપતો ગયો.થોડીવાર પછી કાર વિશાળગઢના હાઈવે પર પહોંચી ગઈ. સડકની બંને બાજુ દુર દુર સુધી જંગલ દેખાતું હતું.ધીમે ધીમે સૂરજનો પ્રકાશ તેજ થતો જતો હતો.પછી અચાનક જાનકીની નજર બેક વ્યુ મિરર પર પડી.વળતી જ પળે ચમકીને એણે પાછળ જોયું તો એક કાર આવતી તેને દેખાઈ.કોઈક અજાણી આશંકાથી એનું હૃદય ધબકવા લાગ્યું.‘સર...!’ એ ગભરાયેલા અવાજે બોલી, ‘આપણી પાછળ એક કાર આવે છે.’‘જરૂર આવતી હશે.’ મોતીલાલે સ્મિત ફરકાવતાં કહ્યું.‘સર, ક્યાંક એ કાર આપણો પીછો તો નથી કરતી ને ?’ જાનકીએ શંકાભર્યા અવાજે પૂછ્યું..‘હા, એ આપણી કારનો પીછો જ કરે છે !’ કહીને મોતીલાલ હસી પડ્યો.પછી વળતી પળે જ એણે ઈમ્પાલાને સડકની ડાબી બાજુ ઊભી રાખી દીધી.જાનકીનો ગભરાટ એકદમ વધી ગયો. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.‘સર...સર...!’ એ થોથવાતા અવાજે બોલી, ‘આ આપ શું કરો છો ? કાર શા માટે ઊભી રાખી?’એની વાત સાંભળીને મોતીલાલ ખડખડાટ હસી પડ્યો.‘આપ હસો છો શા માટે ?’ જાનકીએ મૂંઝવણભરી નજરે મોતીલાલ સામે જોતાં પૂછ્યું.મોતીલાલ કંઈ જવાબ આપે એ પહેલાં જ પાછળ આવી રહેલી મારુતિ કાર ઈમ્પાલા પાસે આવીને ઉભી રહી ગઈ.પછી વળતી પળે જ મારુતિમાંથી દિલીપ તથા શાંતા નીચે ઉતરીને ઈમ્પાલાની બારી પાસે પહોંચ્યા.જાનકી કિંકર્તવ્ય વિમૂઢની જેમ બેઠી હતી. ભય અને ગભરાટના અતિરેકને કારણે તે શાંતાને પણ નહોતી ઓળખી શકી.મોતીલાલ હજુ પણ હસતો હતો.‘શું વાત છે જૈન સાહેબ ?’ દિલીપે આશ્ચર્યથી મોતીલાલ સામું જોતાં પૂછ્યું. ‘આપ આ રીતે હસો છો શા માટે ?’‘મિસ્ટર દિલીપ...!’ મોતીલાલે જવાબ આપ્યો, ‘હસવા જેવી જ તો વાત છે.’‘કેમ...?’‘પાછળ આવતી કારમાં...અર્થાત્ તમારી કારમાં બેઠેલા માણસો પોતાનું ખૂન કરવા માંગે છે એમ જાનકી માનતી હતી.’દિલીપ તથા શાંતા પણ હસી પડ્યા.આ દરમિયાનમાં જાનકી સહેજ સ્વસ્થ થઇ ચુકી હતી. એટલું જ નહીં, શાંતાને પણ તે ઓળખી ચૂકી હતી. વળતી પળે જ તે કારમાંથી નીચે ઉતરીને શાંતાને વળગી પડી.‘જાનકી...!’ શાંતાએ સ્નેહથી તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘હવે તારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. માધવીના ખૂનની તપાસ અમે જ કરીએ છીએ. અને એમાં અમને તારી મદદની જરૂર છે.’‘મારી મદદની ?’જાનકીએ પૂછ્યું.‘હા...તારે અમારી સાથે આવવાનું છે. તારી મદદથી અમે માધવીના ખૂનીને રેડ હેન્ડ પકડવા માંગીએ છીએ.’‘શાંતા...!’ જાનકી મક્કમ અવાજે બોલી, ‘માધવી મારી ગાઢ બહેનપણી હતી. એના ખૂનીને ફાંસીના માંચડે પહોંચાડવા માટે કદાચ મારો જીવ આપવો પડે તો પણ હું એના માટે તૈયાર છું.’‘વેરી ગુડ...!’ત્યારબાદ દિલીપે જાનકીની સૂટકેસ ઈમ્પલાની ડેકીમાંથી કાઢીને પોતાની કારમાં મૂકી દીધી.‘મિસ્ટર દિલીપ...!’ સહસા મોતીલાલે કહ્યું. ‘હવે જાનકીની સલામતીની જવાબદારી તમારા પર છે.’‘હા...’ દિલીપે જવાબ આપ્યો.‘જે માણસ ત્રણ ત્રણ ખૂનો કરી ચુક્યો છે, એ ચોથું ખૂન પણ કરી શકે છે...પાંચમું પણ કરી શકે છે. મારી વાતનો અર્થ તમે સમજો છો ને મિસ્ટર દિલીપ?’‘હા...’દિલીપે હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘જૈન સાહેબ, આપ કોઈ પણ જાતની ફિકર કરશો નહીં. જાનકીની બધી જ જવાબદારી મારી છે. હું છું ત્યાં સુધી એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં.’મોતીલાલે સંતોષપૂર્વક માથું હલાવ્યું.પછી દિલીપ વિગેરેની રજા લઈને એણે ઈમ્પલાને વિશાળગઢ તરફ દોડાવી મૂકી.

***