બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૧) મુસ્કાનનું રહસ્ય DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૧) મુસ્કાનનું રહસ્ય

નવલકથા - બ્લાઇન્ડ ગેમ

(શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...)

પ્રકરણ - ૧૧ (મુસ્કાનનું રહસ્ય)

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૧૦ માં આપણે જોયું કે...

આખું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરવાનું અરમાનનું એક ષડ્યંત્ર છે. એ એક તીરથી બે નિશાન સાધવા માંગે છે- સી.એમ.નો બચાવ અને પોતાની પત્ની અર્પિતાનું કુરેશીના હાથે કતલ. નવ્યા કુરેશીને ચોંકાવનારી વિગત આપે છે કે અરમાન બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. સી.એમ. સાહેબના પી.એ.ને કોઈક નનામી વ્યક્તિ આ ષડયંત્રનો સંકેત આપતો ફોન કરે છે. અને બધી ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ માતબર રકમની માંગણી કરે છે. આ તરફ કુરેશીની ટીમ અર્પિતાને લઈને માઉન્ટ આબુ આવી પહોંચે છે.

હવે આગળ...)
કોટેજના પાર્કિંગ એરિયામાં કાર પાર્ક થવાનો અવાજ સાંભળતા જ અરમાને બેડરૂમની વિન્ડોમાંથી જોયું. કારમાંથી બે વિચિત્ર પ્રાણીઓ ઉતરતા એને દેખાયા. એક ખભા સુધીના લાંબા વાળવાળો સાહુડી જેવો વ્યક્તિ; બીજો લીસા તરબૂચ જેવા માથાવાળો ગંજો... બીજી પળે એને પોતાના પગ નીચેથી જમીન સરકી રહી હોવાની અનુભૂતિ થઈ. કારના પાછલા દરવાજામાંથી અર્પિતા નીકળી રહી હતી. બીજો દરવાજો ખૂલતા જ આબુના સ્વચ્છ અને નિર્મળ વાતાવરણને પ્રદૂષિત કરતી હોય એમ સિગારની ધૂમ્રસેર હવામાં ઉપર ઊઠવા માંડી. કારમાંથી બહાર આવી ચૂકેલા હઝરત કુરેશીએ ચારે તરફ પોતાની કરડાકીભરી નજર દોડાવીને નિરિક્ષણ કરવા માંડ્યું. એમના ચહેરાના વ્યાકુળ થઈ ઊઠેલા હાવભાવ પરથી દૂરથી પણ સાફ જણાઈ આવતું હતું કે એમની ચકોર નજર એના બંને મુસ્તંડાઓને શોધી રહી છે.

કોટેજ સામે પાર્ક થયેલી એમની કાર જોઈને એકદમ નજીક આવી પહોંચેલા એક બોડીગાર્ડને એમણે પૂછ્યું, ‘જેક! ઓલ ઓકે?’

‘યસ, સર!’ જેક ટટ્ટાર ગરદન તથા નિર્લેપ ચહેરા સાથે બોલ્યો.

‘...એન્ડ વ્હેર ઇઝ મેક?’ કુરેશીએ પોતાના ગોલ્ડન ફ્રેમના ચશ્માં ઠીક કરતા ફરી એક નજર આસપાસ દોડાવી, ‘મેક ક્યાંયે નજરે નથી પડી રહ્યો!’

જેકનું શરીર તો જરાયે હાલ્યું નહિ, કદાચ કાળા ગોગલ્સ તળિયે રહેલી બે આંખો નજીકના ફેલાઈ શકે એટલા વ્યાસમાં ઘૂમી હશે!

અરમાને નીચે પાર્કિંગમાં આવવા માટે પોતાના પગ દરવાજા તરફ વાળ્યા. બાથરૂમમાં શાવરમાંથી પાણી પડવાનો અવાજ એકધારો ચાલુ જ હતો. બેડરૂમમાંથી બહાર નીકળવા માટે દરવાજાની તદ્દન લગોલગ આવી ગયેલા અરમાને જોયું કે ઉતાવળમાં કબાટમાંથી વસ્ત્રો કાઢતી વખતે નવ્યાનું કંઈક સાડી જેવું કાળા રંગનું એકાદ વસ્ત્ર નીચે ફ્લોર ઉપર પડીને કબાટના ડોરમાં ફસાઈ ગયું હતું. નવ્યા ‘બાથ’ લઈને આવે ત્યાં સુધીમાં એણે કબાટ ખોલીને પેલું કપડું વ્યવસ્થિત ગોઠવી દઈને પછી નીચે અર્પિતા તથા કુરેશી પાસે જવાનું નક્કી કર્યું.

જેવું એણે કબાટ ઉઘાડીને એ કાળું કપડું હાથમાં લીધું કે એની ભ્રમરો ખેંચાઈ ગઈ. આંખો વિસ્ફારિત થઈ ઊઠી. એકાએક એની નજરે એવી ચીજ ચઢી ગઈ હતી કે એને પોતાનું માથું ચક્કર ખાઈ રહ્યું હોવાનું મહેસૂસ થયું. એને પોતાની આંખો ઉપર ભરોસો નહિ બેઠો. નવ્યાનું એ કાળું કપડું બીજું કશું નહિ પરંતુ એક બુરખો હતો. એણે પોતે ક્યારેય નવ્યાને બુરખો પહેરતી જોઈ ન હતી. તો પછી શું આ એ જ બુરખો હતો જે પહેરીને કોઈક અજ્ઞાત વ્યક્તિ એને ‘સનસેટ પોઈન્ટ’ ઉપર મળવા આવી હતી? તો શું પેલી બુરખાધારી મોહતરમા – મુસ્કાન, એ નવ્યા પોતે જ છે? શું નવ્યાએ જ એને એકાંતમાં મળવા બોલાવીને, આ કાળો બુરખો પહેરીને, મુસ્કાન બનીને હજરત કુરેશીની આતંકવાદીઓ સાથેની સાંઠગાંઠની બાતમી પૂરી પાડી હતી? પણ નવ્યાએ તો શરૂઆતમાં એને એમ જણાવ્યું હતું કે હજરત કુરેશી સાહિત્યકાર બનવાની ખૂબ જ તમન્ના ધરાવતા હતા એટલે એ લોકોએ પોતાને કિડનેપ કર્યો હતો! પોતે લખેલી વાર્તા કુરેશી એના પોતાના નામે સ્પર્ધામાં સબમિટ કરીને ગમે તે ભોગે વિજેતા બની એવોર્ડ મેળવવા ઈચ્છતા હતા, વાર્તાકાર તરીકે ફક્ત નામ કમાવવા માંગતા હતા. બચપણથી એમની તથા એમના અબ્બુની એ જ ખ્વાહિશ હતી. તો શું નવ્યા પોતે આતંકી હજરત કુરેશી સાથે મળીને ચીફ મિનિસ્ટરના મર્ડરનું ષડ્યંત્ર રચી રહી છે કે પછી સી.એમ. સાહેબને કુરેશીની જાળમાં ફસાતા બચાવવા માટે મને આ કાવતરાથી માહિતગાર કરી રહી છે? અને સ્પર્ધામાં મારા દ્વારા વાર્તા સબમિટ નહિ થવા દેવા માટે – અજાણ્યા નંબર પરથી મને મેસેજ કરવા... હોટલ ‘અર્બુડા’માં રાતે મને મળવા બોલાવવો... બ્રેકફાસ્ટ એરિયામાં મારી સેન્ડવીચ સ્લાઈસ ઉપર કેચઅપથી ‘સનસેટ’નું ચિત્ર બનાવવું... બુરખાધારી મુસ્કાન બનીને સી.એમ. સાહેબના સાહિત્ય-સન્માન ફંક્શન અંગે મને જાણ કરવી... –એ બધો નવ્યાનો પ્લાન છે? તો એ પોતે સી.એમ. સાહેબના કતલના ષડ્યંત્રમાં શામેલ છે કે પછી એમને બચાવવા માંગે છે? અને તો પછી ગઈ રાતે બીડેલી આંખે એના મોઢેથી એક ઠંડા શ્વાસ સાથે નીકળેલા શબ્દો – ‘મજબૂર તો હું છું! માત્ર એક મારા ભાઈ ખાતર જીવી રહી છું. શું ખબર એને છૂટકારો ક્યારે મળશે...’ –એ શું સૂચવતા હતા? અરમાન જેમજેમ વિચારતો ગયો તેમતેમ વધુ ને વધુ ગૂંચવાતો ગયો.

***

‘નિરંજન... રન બેબી રન...’ ઓચિંતા જ અલખે દોટ મૂકી. નિરંજન પણ અલખનો ઈશારો પામી ચૂક્યો હોય એમ એની પાછળ-પાછળ દોડ્યો.

એ બંને જોડિયા ભાઈઓ વચ્ચે ગજબનું તાલમેલ હતું. વન-ડે ક્રિકેટમાં જે સ્ફૂર્તિથી ન્યૂઝિલેન્ડના ‘ક્રો બ્રધર્સ’ – માર્ટીન ક્રો અને જેફ ક્રો – અણધાર્યો ઝડપી રન લેવા માટે વિકેટની વચ્ચે માત્ર આંખના ઈશારે દોડી જતા હતા - ઠીક એવો જ સુમેળભર્યો તાલમેલ!

કોટેજના પાછળના ભાગે પડતા ઘેઘૂર વૃક્ષો અને એની થોડે આગળ શરુ થતી મેંદીના છોડવાઓની વાડ ભણી અલખ પોતાના દોઢ ફૂટ લાંબા વાળ હવામાં ઊછાળતો દોડી રહ્યો હતો. એની પાછળ નિરંજન પણ લાંબી ફલાંગ ભરતો એનાથીયે આગળ નીકળી જવાની હોડ લગાવતો હોય એમ દોડી રહ્યો હતો. કોઈ કશું સમજે એ પહેલાં તો અલખ-નિરંજન બંનેએ એક સાથે મેંદીના છોડના ઝૂંડ ઉપર છલાંગ મારી. મેંદીની વાડમાં જ બંને જણ જંગલી શૂવરની જેમ આડા પડીને જાણે કે કોઈના તરફ મુક્કા ઉગામી રહ્યા હતા. થોડી જ વારમાં મેંદીને ખેદાનમેદાન કરી નાખી જયારે બંને ઊભા થયા ત્યારે એમની સાથે કાળો કોટ પહેરેલી ત્રીજી વ્યક્તિ પણ ઊભી થઈ. અલખ-નિરંજનના ચહેરા ઉપર શિકારને ઝબ્બે કરવાનો વિજયી સંતોષ છલકાતો હતો જયારે ત્રીજી વ્યક્તિનો ચહેરો ગભરામણથી લાલ અને ગડદાપાટુ પડવાથી લીલો થઈ ચૂક્યો હતો. એનું શરીર રીતસરનું કંપી રહ્યું હતું. નિરંજને એના બંને હાથ પાછળથી કસીને પકડી લીધા અને અલખે એની ગરદન ફરતે પોતાની મજબૂત ભુજાઓનો ફંદો બનાવી દીધો. ત્રણેયને પોતાના ધૂળભર્યા કપડા સાફ કરવાની દરકાર નહોતી. જહાંપનાહ અકબરના દરબારમાં જે રીતે સિપાઈઓ ચોરને ઢસડી લાવતા એમ જ અલખ-નિરંજન પેલી કાળા સૂટવાળી વ્યક્તિને હઝરત કુરેશી સમક્ષ ખેંચી લાવ્યા. બધા કોટેજના ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યા.

‘આ તો મેક...’ બોડીગાર્ડ જેક એકાએક વચ્ચે બોલી પડ્યો.

‘મેક?’ કુરેશી અસમંજસમાં પડી ગયા, ‘કોણ મેક... આ? ચહેરો થોડેઘણે અંશે મેકને મળતો આવે છે ખરો, પણ આ તો કોઈક ભળતી જ વ્યક્તિ છે.’

‘આપણને અણધાર્યા જ માઉન્ટ આબુ આવી પહોંચેલા જોઈને એ પતલી ગલીમાંથી ભાગી રહ્યો હતો. એ સાથે જ મને શંકા ગઈ...’ અલખ કુરેશી સમક્ષ પોતાની કાબેલિયત બયાન કરવા માંડ્યો. પછી મેક બનીને જેકને છેતરતા વ્યક્તિ તરફ ફરીને એક જોરદાર મુક્કો એના પેટમાં ઠોકી દીધો. પેલો ચીસ પાડી ઊઠ્યો.

‘બોલ... કોણ છે તું? મકસદ શું છે તારો? કોનો માણસ છે? અને મેક ક્યાં છે?’ અલખ-નિરંજન બંને ફરી એકવાર પ્રશ્નોની ફૂલઝડી લઈને એની ઉપર તૂટી પડ્યા.

શોરબકોર અને ધમાચકડી વચ્ચે અરમાન અને નવ્યા પણ ત્યાં આવી પહોંચ્યા. અર્પિતા માટે આ નાટક શરૂઆતથી જ સમજની બહાર હતું. ગઈ રાતનું એની સાથે શું બની રહ્યું છે એ વિશે એ એકદમ જ અજાણ અને ભયભીત હતી. અરમાનને જોતાં જ પહેલી નજરે એ અચરજથી ફાટી પડી. પણ એક સુખદ આંચકો આવતા જ એ દોડીને અરમાનને વળગી પડી. એ ધ્રસકેધ્રુસકે રડવા માંડી. સાથેસાથે એની મૂંઝવણ પણ વધી ગઈ કે અરમાન અહીં ક્યાંથી? એ પણ કોઈ મોટી મુસીબતમાં તો નહિ સપડાયો હોય ને?

કુરેશી હેરાન હતા. આખરે મેક ક્યાં છે? અને આ વ્યક્તિ કોણ છે? મેકની જગ્યાએ એ કેવી રીતે? નવ્યા તેમજ જેક, બંનેમાંથી જોકે કોઈએ મેકને આ અગાઉ જોયો ન હતો. એ તો કુરેશીની પોતાની જ વ્યૂહરચના હોય છે કે પોતાના કોઈ પણ બંદાનો પરિચય એ કોઈ સાથે કરાવતા નહિ.

અલખ-નિરંજનના થર્ડ ડીગ્રીના ટોર્ચરથી ટીપાઈને તથા હારી-થાકીને છેવટે એ કાળા કોટવાળા રહસ્યમય વ્યક્તિએ પોપટની જેમ બોલવાનું શરુ કર્યું-

‘હઝરત કુરેશીની પ્રત્યેક હિલચાલ ઉપર નજર રાખવાનો મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, એ પણ તગડા મહેનતાણા સાથે...’

દરેક વ્યક્તિ સ્તબ્ધતાની અસર હેઠળ સાંભળી રહી હતી.

‘નવસારીથી માઉન્ટ આબુ આવવા નીકળેલી લિમોઝીન જયારે ભરૂચમાં નર્મદા ઉપરના કેબલ-બ્રીજ ઉપર ટ્રાફિકમાં અટકી ગઈ હતી, ત્યારે...’

ડ્રોઈંગરૂમમાં હાજર દરેક કાન સરવા થયા.

‘...ત્યારે, સી.એમ. સાહેબના બાળકો સાથેના પીકનીક-પ્રોગ્રામની ભાળ કાઢવા માટે જેક કારમાંથી ઉતર્યો હતો. અમારી કાર નવસારીથી તમારી લિમોઝીનનો પીછો કરતી હતી. અરમાન અને નવ્યા પણ લિમોઝીનમાંથી ઉતરીને બ્રિજની રેલીંગ પાસે રાતનો આહ્લાદક સમય પસાર કરી રહ્યાં હતાં. અમને તક મળતાં જ અમે મેકની પીઠ ઉપર રિવોલ્વર ટેકવીને એને અમારી કારમાં ખેંચી લીધો. અને એની જગ્યાએ હું લિમોઝીનમાં ગોઠવાઈ ગયો. મારો ચહેરો અને કદ-કાઠી મહ્દઅંશે મેકને મળતા આવતા હોવાનો અમે અમારા પ્રી-પ્લાન મુજબ ફાયદો ઊઠાવ્યો...’

કુરેશી સહિત સૌ કોઈના ચહેરા ઉપર હેરતભર્યા હાવભાવ ધસારો કરી રહ્યા હતા.

‘પણ, આ બધું નાટક શેના માટે?’ નવ્યાએ સૂચક નજરે પ્રશ્ન કર્યો.

‘કુરેશીના સી.એમ.ના મર્ડર-પ્લાનની વાટ લગાવવા માટે! અને અરમાનને સ્પર્ધામાં વાર્તા સબમિટ કરતો અટકાવવા માટે કુરેશીના આ ષડ્યંત્રની જાણ પણ મેં જ મારા બોસના નિર્દેશ હેઠળ કરી હતી.’

હવે ચોંકવાનો વારો અત્યાર સુધી ખામોશીથી સાંભળી રહેલા અરમાનનો હતો. ‘તો શું એ બુરખાધારી મુસ્કાન..?’

‘હા. હું જ એ સનસેટ પોઇન્ટની મુસ્કાન!’

‘પણ, સાલ્લા તારો ‘બાપ’ કોણ..?’ નિરંજને એ વ્યક્તિની પીઠ ઉપર પોતાની કોણીનો જોરદાર પ્રહાર કરતા બરાડો પાડ્યો.

‘જસપ્રીત... ઇ... ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ!’

એકાએક હઝરત કુરેશીનો ચહેરો તમતમી ઊઠ્યો. એમના હાથમાં પકડેલી વોકિંગસ્ટિક ધ્રૂજવા માંડી. આંખોમાં અગનજ્વાળાઓ ભભૂકી ઊઠી. એમની નજર સમક્ષ અસહ્ય યાતનાનો ભૂતકાળ સળવળી ઊઠ્યો અને એ કાળમાંથી પસાર થઈ ગયેલો એક રુક્ષ તથા નિર્દય ચહેરો - ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘ!

------------------

(ક્રમશઃ) * દર શુક્રવારે

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

----------------