હતી એક પાગલ..!!:-ભાગ 13
માહી જેવી ઘરે પહોંચી અને જેવી પોતાનાં બેડરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી ત્યાં સામે જ સોફા પર બેસેલી આરોહી ને જોઈને એ બોલી.
"આરોહી,કેમ છે તને..?હવે તારી તબિયત ઠીક તો છે ને..?"
"સારું છે મને..જમવાનું બનાવીને ત્યાં ડાઇનિંગ ટેબલ પર રાખી દીધું છે..તમે જમીને આવો પછી મારે થોડી અગત્યની વાત કરવી છે.."આરોહી ટીવી ની ચેનલ રિમોટ વડે બદલતાં બોલી.
થોડીવારમાં માહી જમીને આરોહી જોડે આવીને સોફામાં બેસી અને આરોહીને ઉદ્દેશીને બોલી.
"બોલ શું અગત્યની વાત કરવી છે..?"
માહી ઉર્ફે રાધા દીદી જોડે પોતે હવે શું વાતચીત કરવાની હતી એ નક્કી કરીને બેસેલી આરોહી બોલી.
"દીદી હવે તમને રાધા દીદી કહું કે પછી માહી દીદી..?"
આરોહી દ્વારા આવો કોઈ સવાલ પુછવામાં આવશે એની અપેક્ષા માહી ને નહોતી એટલે પહેલાં તો એ આ સવાલ સાંભળી ચમકી પડી..પણ તુરંત જ માહી એ પોતાની જાતને થોડી સ્વસ્થ કરી અને બોલી.
"ઓહ..તો તને ખબર પડી ગઈ કે મારું સાચું નામ માહી છે..આરોહી,આમ તો મારું સાચું નામ માહી છે પણ મને રાધા નામ વધુ ગમે છે એટલે મેં બધાં ને એ જ નામ કહ્યું છે.."
આટલું કહી માહી જુઠ્ઠું હસી જરૂર રહી હતી પણ એનાં શબ્દોમાં રહેલો ઉચાટ સમજતાં આરોહીને વાર ના થઈ..આરોહી હજુ બીજું ઘણું જાણવા માંગતી હતી એટલે એને પોતાની જોડે રહેલો માહી નો પાસપોર્ટ માહી ની તરફ ફેંકતા બીજો સવાલ કર્યો.
"મને માહી થી વાંધો નથી પણ આ પાસપોર્ટમાં રહેલું નામ માહી આશુતોષ ગોયેંકા ની સંપૂર્ણ હકીકત શું છે એ જાણી શકું."
હવે આરોહી બધું જાણી જ ગઈ હતી તો એને પોતાની રહી-સહી હકીકત પણ જણાવી દેવી જોઈએ એમ વિચારી માહી બોલી.
"આરોહી,તું મારી નાની બહેન જેવી છે અને હાલમાં મારી ફેમિલી મેમ્બરથી પણ વિશેષ..માટે હું તને મારી સાથે જોડાયેલ એ સત્ય કહીશ જે મારે તને પહેલાં કહી દેવું જોતું હતું."
આટલું કહી માહી એ પોતાની સાથે જોડાયેલ આશુતોષ ગોયેંકા નાં નામ ની વિગત આપવાની શરૂ કરી.
"આરોહી હું પરણિત છું પણ અત્યારે મારાં ડાયવોર્સ થઈ ચુક્યાં છે..હું આજથી છ વર્ષ પહેલાં USA રહેતાં આશુતોષ ગોયેંકા નામક NRI યુવક જોડે પરણી હતી.લગ્નનાં બે મહિના બાદ એ USA ચાલ્યો ગયો..છ મહિના બાદ મારાં વિઝા પણ આવી ગયાં એટલે હું પણ ત્યાં પહોંચી ગઈ.અહીં તો આશુતોષ એક સીધાં અને સરળ પ્રકૃતિ ધરાવતાં વ્યક્તિની જેમ રહ્યો પણ હું જ્યારે USA પહોંચી ત્યારે મારી સામે એનો સાચો ચહેરો આવ્યો."
"આશુતોષ ડ્રગ્સ,દારૂ અને જુગાર જેવી બધી કુટેવો ધરાવતો હતો..આટઆટલી વાતો જાણ્યાં બાદ પણ હું એની સાથે એમ વિચારી રહેતી હતી કે આ બધું અહીંની સંસ્કૃતિ છે એટલે આ તો રહેવાનું.આમ ને આમ ચાર મહિના વીતી ગયાં. હું બધું let go કરી રહી હતી પણ એક દિવસ જ્યારે મને ખબર પડી કે આશુતોષ ની એક એન્જલા નામની ગર્લફ્રેન્ડ પણ છે ત્યારે મારાં પગ નીચેથી જમીન સરકી ગઈ."
"આ વિશે મેં જ્યારે આશુતોષ ને પૂછ્યું તો એને ઉદ્ધતાઈથી જણાવી દીધું કે એ છેલ્લાં ત્રણ વર્ષથી એન્જલા જોડે રિલેશનમાં છે અને આગળ પણ એમનું આ રિલેશન ચાલુ જ રહેશે.એ મારી જોડે ફક્ત એનાં ફેમિલીનું માન રાખવા જ પરણ્યો હતો.એનો આ જવાબ મારાં જેવી એક ભારતીય સ્ત્રી માટે પોતાનાં અહમ પર ઘા પડવા બરાબર હતું."
"મેં ત્યાંજ એક વકીલ રોકીને ડાયવોર્સ ફાઈલ કર્યાં.. મારાં પિયરમાંથી પણ મને ડાયવોર્સ નો કેસ પાછો ખેંચવા સમજાવવામાં આવી પણ હું એક ની બે ના થઈ.આખરે મને એ નિર્લજ્જ વ્યક્તિથી છુટકારો મળી ગયો..ત્યાંની ગવર્મેન્ટ પોલિસી મુજબ આસુતોષે મને 20 લાખ રૂપિયા અને એની ઈન્ડિયા ખાતેની બધી મિલકત મારાં નામે કરી આપવાની ફરજ પડી."
"અત્યારે તું અને હું જ્યાં બેઠાં છીએ એ બંગલો આસુતોષનો જ હતો અને હું જે કંપની ચલાવું છું એ પણ એનાં પિતાજીનાં નામે ચાલતી જે લીગલી મારાં નામે કરવી પડી.USA થી હું સીધી અહીં સુરત આવી..મારાં પિયરમાંથી મમ્મી અને ભાઈ મને પોતાની સાથે બિકાનેર લઈ જવા આવ્યાં પણ હું એમની સાથે ના ગઈ..બસ હવે આ ખુબસુરત સુરત જ મારું ઘર છે."
આરોહી ને આટલી વાત કરી પોતાનાં હૈયાનો ઘણો ખરો ભાર માહી એ હળવો કરી દીધો હોય એવું એ મહેસુસ કરી રહી હતી.આરોહી પણ માહી ની આપવીતી સાંભળી હચમચી ગઈ.આરોહી ધીરેથી ઉભી થઈ અને માહી ની જોડે બેસી અને માહીનાં હાથ પર પોતાનો હાથ મુકીને બોલી.
"Sorry.. દીદી.મારે આ વાત પુછવી જ નહોતી જોઈતી.."
આરોહીનાં સામે જોઈ માહી બોલી.
"અરે એમાં sorry ના બોલ..ઉપરથી સારું થયું કે તને આજે આ બધી ખબર પડી ગઈ..કેમકે હવે વધુ સમય આ વાત મનમાં રાખવી અઘરી હતી."
આટલું કહી માહી મનોમન બોલી.
"અને મારી જોડે જે કંઈપણ થયું એનું કારણ એક વ્યક્તિ છે એને તો હું ક્યારેય માફ નહીં કરું."
"સારું તો હવે હું આજથી તમને માહી દીદી જ કહીશ.."આટલું બોલી આરોહી એ પોતાની મનની માનેલી મોટી બહેન માહી ને ગળે લગાવી લીધી.
થોડીવાર બાદ વાતાવરણ થોડું હળવું થતાં આરોહી બોલી.
"દીદી એક વાત કહું તમને ખોટું ના લાગે તો..?"
આરોહી ની વાત સાંભળી માહી બોલી.
"હા બોલ.."
"દીદી,હવે જે થઈ ગયું એ બધું ભુલીને આગળ નવી જીંદગી ની શરૂવાત કરો..આમ પણ તમારી આગળ હજુ ઘણી જીંદગી વધી છે."આરોહી બોલી.
"આરોહી તારી વાત સાચી છે પણ હવે કોઈ પુરુષ પર વિશ્વાસ જ નથી જેની સાથે મારી જીંદગી પસાર કરી શકું.હા,કોઈ મળી જશે તો ચોક્કસ એ વિશે વિચારીશ."સ્મિત સાથે માહી બોલી.
માહી બોલતાં તો આરોહી સામે આવું બોલી ગઈ હતી પણ હકીકતમાં એ કોઈ પુરુષની સાથે લગ્ન તો શું કોઈ પુરુષ સાથે એક કોફી પીવા જેટલો સમય પણ પસાર કરવા તૈયાર નહોતી.કહેવાય છે ને કે હવા મોસમ બદલતાં બદલાય જ્યારે માણસ વિશ્વાસ તૂટતાં બદલાઈ જાય છે અને આવું જ કંઈક માહી જોડે થયું હતું.
**********
માહી એ તો આરોહી ને પોતાનાં અને શિવ નાં સંબંધો વિશે લેશમાત્ર પણ જણાવ્યાં વગર એનાં લગ્નજીવનમાં પડેલાં ભંગાણ અને ડિવોર્સ વિશે બધી વાત આરોહીને કરી દીધી હતી અને આ તરફ પોતાની પત્ની સંધ્યા દ્વારા પોતે અને કાળુ શિવથી કઈ વાત છુપાવી રહ્યાં હતાં એ સવાલનાં જવાબમાં શિવની જીંદગી નો એ કિસ્સો કહેવા જઈ રહ્યાં હતાં જેનાં દરેક પાનાં પર એક જ નામ હતું 'માહી'.
"સંધ્યા,શિવ ની પ્રેમિકા નું નામ માહી હતું એ વિશે તો મેં તને કહ્યું જ હતું પણ એ માહી કઈ રીતે શિવની જીંદગીમાં આવી અને કઈ રીતે શિવની જીંદગીમાંથી ચાલી ગઈ એની હકીકત આ મુજબ છે."આટલું કહી મયુરે શિવ ની માહી સાથે થયેલી પ્રથમ મુલાકાત કઈ રીતે થઈ એ વિષયમાં વાત કરી.
ત્યારબાદ કાળુ એ એમની કોલેજ ટુર ની એ સમગ્ર ઘટનાઓને એક પછી એક માહી સમક્ષ રજુ કરી જેમાં ચોટીલામાં માહીની મદદ માટે શિવે લંબાવેલ હાથ,અંતાક્ષરી ની રમત અને ગિરનાર ચડાન વખતે માહી અને શિવ એકબીજાથી કઈ રીતે નજીક આવ્યાં એની દરેક ઘટનાઓ સામેલ હતી.
"તો પછી ટુર નાં છેલ્લાં દિવસે શું થયું હતું..?"કાભઈ ઉર્ફ કાળુ એ શિવ અને માહી ની વધી રહેલી નજદીકિયો વિશે જણાવ્યું એ સાંભળતાં જ અધિરાઇથી સંધ્યા એ પુછ્યું.
"સંધ્યા, ટુર નાં ત્રીજા દિવસે એકબીજાની નજીક આવવા ની જગ્યાએ શિવ માહીથી અળગો થઈ ગયો.."આટલું કહી મયુરે શિવ અને માહી વચ્ચે શિવનાં લીધે ઉભી થયેલ દુરી ની વાત કરી.
"હા તો એમાં શિવ ભાઈ સાવ ખોટાં પણ નહોતાં.. છતાંય એમને માહી નું દિલ નહોતું દુઃખવવું જોઈતું.."જાણે સંધ્યા વર્ષોથી માહી ને જાણતી હોય એમ આત્મીયતા સાથે બોલી.
"ભાભી,જો ભગવાને બે લોકો ને ભેગાં કરવાનું નક્કી કરી જ રાખ્યું હોય તો એવી ઘટના જરૂર બને છે જે બે લોકોને એકબીજાની નજીક લાવી જ જાય છે.."કાળુ એ આટલું કહી કોલેજનાં વાર્ષિક મહોત્સવમાં કઈ રીતે શિવ અને માહી વચ્ચે ની સ્પર્ધા માં ટાઈ પડી અને આખરે શિવે અને માહીએ એકબીજાની સામે પ્રેમ નો એકરાર કરી લીધો એની વૃતાંત કહી સંભળાવી.
કાળુ ની વાત સાંભળી સંધ્યા રોમાંચિત થઈ ઉઠી..એ હરખાતાં બોલી.
"અરે વાહ..શિવ ભાઈ જેટલાં મોટા કવિ છે એટલી જ સુંદર એમની લવ સ્ટોરી છે..પણ આગળ એવું તે શું બન્યું કે શિવ ભાઈ પોતાની માહી ને પોતાની પત્ની ના બનાવી શક્યાં.?"
સંધ્યાનાં આ સવાલ પર મયુરે શિવ ની જીંદગી અને માહી જોડે એનો કેમ મેળાપ ના થઈ શક્યો એનું એવું રહસ્ય સંધ્યાને જણાવ્યું જેનાંથી બીજાં બધાં અજાણ હતાં.બીજાં લોકોની વાત તો દુર રહી પણ શિવ અને માહી પણ એમનું નહીં મળી શકવાનું સંપૂર્ણ કારણ નહોતાં જાણતાં.
"પ્રેમ માં એકબીજાને મળવું તો અકારણ હોય છે..
પણ અલગ પડવાનું એ ઘણીવાર ક્યાં કારણ હોય છે.?"
"માહી અને શિવ,શિવ અને માહી..આ બંને જાણે એક સિક્કાની બે બાજુ હોય એમ એકબીજાની જોડે જ રહેતાં.પોતાનું નામ પાછું ખેંચી રોટરી કલબમાં પણ શિવ ને જ બોલવા માટે મોકલી માહી એ પ્રેમ નું એક પગથિયું પાર કરી લીધું હતું જેમાં સામે વાળી વ્યક્તિની સફળતામાં પોતાની ખુશી જણાય."
"એ દિવસ બાદ તો શિવ ને શોધવો હોય તો માહી ને શોધવી પડતી અને માહી ને શોધવી હોય તો શિવ ને.શિવ ખરેખર માહી ને દિલથી પ્રેમ કરતો હતો.સામે પક્ષે માહી પણ શિવ ને એટલો જ પ્રેમ કરતી.પોતાનો પરિવાર શિવનાં પરિવારથી વધુ સમૃદ્ધ હોવાં છતાં માહી માં એવું સહેજ પણ ઘમંડ નહોતું.ખરેખર એ બંને ની જોડી અદભુત હતી.માહી એ શિવ ને એક નવું નામ આપ્યું હતું શિવાય..માહી કહેતી કે શિવ પર બધાં નો હક પણ શિવાય પર તો ફક્ત મારો જ હક છે."
મયુર ની આ વાતો સાંભળી સંધ્યા પણ મનોમન માહી અને શિવ નાં એ સમયને નજરો સામે મહેસુસ કરી રહી હતી જ્યારે એ બંને એકબીજાની જોડે હતાં.
મયુર દ્વારા આટલું કહેતા કાળુ એ આગળની કહાની કહેવાની શરૂ કરી.
"જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે એ ક્યાં વીતી જાય એની ખબર જ નહોતી રહેતી..આવું અમારાં બધાં ની સાથે થયું.મહેસાણા નાગલપુર કોલેજમાં B.COM નાં ત્રણ વર્ષ ક્યાં વીતી ગયાં એની સહેજ પણ ખબર ના રહી.બીજી કોઈ છોકરી હોય તો એનાં બોયફ્રેન્ડ ને પોતાનાં મિત્રોથી અલગ રહેવાનું કહે જ્યારે માહી મારાં અને મયુર ની સાથે પણ એટલી જ ફ્રેન્કલી હતી."
"અમે બધાં સાથે જ મુવી જોવાં જતાં.. ક્યારેક વિસનગર તિરુપતિ ગાર્ડનમાં પણ ફરવા જતાં.. B. COM નાં ત્રણેય વર્ષમાં શિવ કોલેજ ટોપર રહ્યો.માહી એ શિવની સ્ટડીમાં અડચણ રૂપ બનવાનાં બદલે એની ઘણી મદદ કરી.એનાં માટે સ્ટડી મટીરીયલ પણ માહી જ પોતાની રીતે લેતી આવતી..અને તમને જાણી ને નવાઈ થશે કે ત્રણેય વર્ષમાં માહી સેકન્ડ નંબરે રહી."
સંધ્યા ને આગળ શું બન્યું હશે એ જાણવાની તાલાવેલી વધતી ન જઈ રહી હતી અને આ તાલાવેલી એનાં ચહેરા પરથી જાણી ગયો હોવાથી મયુરે વાત આગળ વધારી.
"B.COM નાં ત્રણ વર્ષ બાદ અમે બધાં એ M.COM પણ એજ કોલેજમાં કરવાનું નક્કી કર્યું.શિવ અને માહીની સાથે મને પણ M.COM માં સરળતાથી એડમિશન મળી ગયું પણ આ કાળુ ને છેક છેલ્લાં મેરીટ માં મેળ પડ્યો.ફરી થી બીજાં બે વર્ષની હસીન સફરની શરૂવાત થઈ ચુકી હતી.માહી અને શિવનું પ્રેમ પ્રકરણ હવે ધીરે ધીરે લોકોની ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું."
"દિલો કે ફેંસલે નહીં લિયે જાતે સિકકે ઉછાલ કે..
પ્યાર વો પ્યાર ક્યા જો હો જાયે બીના બબાલ કે.."
જો પ્રેમની આગ હતી તો લોકો ની ચર્ચા બની એનો ધુમાડો થવાનો જ હતો તો એની ચિંતા તો પ્રેમીપંખીડા ને ના જ હોય.આમ ને આમ પ્રેમ નાં પરવાન પર પહોંચેલો શિવ અને માહી નો પ્રેમ બીજું એક વર્ષ પણ પૂર્ણ કરી ચુક્યો હતો.શિવે નક્કી કર્યું હતું કે M.COM પૂર્ણ કરી કોઈ સારી જોબ મળ્યાં બાદ એ માહી નાં પિતાજી ને મળી એમની આગળ માહી સાથે લગ્ન કરવાની વાત રજુ કરશે.
માહી પણ નક્કી કરી ચુકી હતી કે કોઈપણ ભોગે એ શિવથી અલગ તો નહીં જ થાય..પોતાની બધી સુખ સાહ્યબી મુકી એ શિવ જેવાં સામાન્ય પરિવારનાં યુવક જોડે પોતાની જીંદગી પસાર કરવા મન બનાવી ચુકી હતી.
M.COMનાં પ્રથમ વર્ષ ની એક્ઝામ પૂર્ણ થતાં બધાં મિત્રો છેલ્લી વાર મુવી જોઈને છૂટાં પડ્યાં..કાળુ રજાઓમાં પોતાનાં ઘરે રહેવા જતો રહ્યો.હું અહીં મહેસાણા જ હતો જ્યારે શિવ પોતાનાં ગામડે.અમે બધાં તો વેકેશન પોતપોતાની રીતે પસાર કરવાનાં હતાં પણ માહી એ વેકેશનમાં પોતાનાં બિકાનેર આવેલાં ઘરે જવાની હતી.આ વેકેશન એ ત્યાં જ પસાર કરવાની છે એવું એને અમને એ છેલ્લી મુલાકાત માં જણાવ્યું હતું.
"છેલ્લી મુલાકાત..?"મયુર દ્વારા બોલાયેલાં છેલ્લી મુલાકાત શબ્દ પર એને મુકેલું વજન ધ્યાનમાં આવતાં સંધ્યાએ પુછ્યું.
"હા સંધ્યા એ અમારી માહી સાથે ની છેલ્લી મુલાકાત હતી..ત્યારબાદ હું,કાળુ કે શિવ ક્યારેક માહીને મળ્યાં જ નહીં.."આટલું કહી મયુરે પોતાની પત્ની સંધ્યાનાં પુછાયેલાં સવાલ નો વિગતે જવાબ આપવાનું શરૂ કર્યું.
★■■■■■■■■★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)