હતી એક પાગલ..!!
◆પૂર્વભૂમિકા◆
અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ વિનંતી કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે.
દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ થયો જ હોય..પ્રેમ કરનાર ને લોકો પાગલ કહે છે એ અલગ વાત છે પણ બધાં ને જીંદગી ની સફરમાં એવાં પાત્ર નો જરૂર ભેટો થયો હોય જેની સાથે એની આત્મા જોડાઈ હોય..ક્યારેક એ પ્રેમ ને સફળતા ના પણ મળે.ક્યારેક મળે તો શિવ ની પંક્તિની માફક એ એની હમસફર ના પણ બને.પણ પ્રેમ અમર છે અને એ એક સનાતન સત્ય છે.
હતી એક પાગલ એક અસરકારક શબ્દોમાં લખાયેલી હૃદયસ્પર્શી નવલકથા છે.આ નોવેલમાં ઘણી જગ્યાએ ઉર્દુ,હિન્દી અને ગુજરાતી શાયરો નાં અમુક શેર રજુ કરી એમને ભાવાંજલી આપવાનો પ્રયત્ન પણ કર્યો છે.આ નવલકથાનાં પ્રસંગો તમારી જીંદગીનાં અમુક પળો ને પુનર્જીવિત કરશે એ બાબતે હું ચોક્કસ છું.મારાં સમગ્ર વાંચકોનો ખુબ ખુબ આભાર માની રજુ કરું છું નોવેલ હતી એક પાગલ..!!
-જતીન.આર.પટેલ (શિવાય)
હતી એક પાગલ
(1)
સુરતનાં રંગ ઉપવન નાટ્યગૃહ માં કાવ્ય મહોત્સવ દરમિયાન શ્રોતાઓ બગાસાં ખાઈ રહ્યાં હતાં..એક પછી એક ઉંમરલાયક કવિઓની જુની પુરાણી કવિતાઓ સાંભળ્યા બાદ ત્યાં આવેલાં શ્રોતાઓ કંટાળી ગયાં હતાં. છતાં પણ એમનાંમાંથી કોઈ ઉભું થઈને બહાર નહોતું ગયું અને એમનાં ત્યાં ધીરજ રાખીને બેસવાનું કારણ હતું ગુજરાતનાં ખ્યાતનામ અને યુવાઓમાં ફેમસ એવાં નવાં જમાનાનાં કવિ 'શિવ પટેલ'.
શિવ પટેલ પોતાની બોલવાની આગવી સ્ટાઈલ અને ગજબની પર્સનાલિટીનાં લીધે ટુંક જ સમયમાં યુવાવર્ગ વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયાં હતાં.પોતાની પ્રેમ,બેવફાઈ અને દર્દ ની શાયરીઓ અને કવિતાઓને લીધે એમને સ્કુલ-કોલેજનાં વિદ્યાર્થીઓ ખુબ જ પસંદ કરતાં હતાં. આજે પણ આખો હોલ ખીચોખીચ ભર્યો હતો એનું કારણ શિવ પટેલ જ હતાં. મોટાભાગનાં લોકો એમની શાયરીઓ ને રૂબરૂ માણવા ત્યાં પધાર્યાં હતાં.
આયોજકો ને પણ એ વાત નો અંદાજો હતો કે મોટાભાગનાં શ્રોતાઓ યુવાન છે અને નક્કી એ શિવ પટેલ ને જ સાંભળવા માટે આવ્યાં છે એટલે એમને યોજના પૂર્વક શિવ નું કવિતા પઠન છેલ્લે રાખ્યું હતું જેથી છેલ્લે સુધી હોલ ભરાયેલો દેખાય અને એમનો કાર્યક્રમ સફળ થયો હોય એવું લાગે.
અઢી કલાક જેટલાં બોરિંગ કવિતાઓ અને શાયરીઓ પછી આખરે સ્ટેજથી પર ઉદઘોષકે જાહેર કર્યું.
"તો મારાં સર્વે શ્રોતા મિત્રો જેનો બેસબ્રી પૂર્વક ઇંતજાર કરી રહ્યાં હતાં..જેમની લખેલી કવિતાઓ અને શાયરીઓ અત્યારે whatsup, ફેસબુક અને યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે એવાં યુવા દિલો પર રાજ કરનારાં આપનાં ચાહિતા કવિ એવાં શ્રી શિવ પટેલ.."
ઉદગૉષક મહોદય ની આ ઘોષણા સાથે જ આખો રંગ ઉપવન હોલ સજીવન થઈ ઉઠ્યો..લોકો એ આળસ ખંખેરી હાથ ને કસરત કરાવી અને તાળીઓનો ગળગળાટ સમગ્ર હોલમાં ગુંજી વળ્યો.આ સાથે જ એક સજ્જન લાગતો ત્રીસ વર્ષની ઉંમરે પહોંચેલો વ્યક્તિ ઉભો થઈને માઈક ની જોડે આવીને પોડિયમ ની પાછળ ઉભો રહી ગયો.
ઉંમર કરતાં ચહેરા પર બમણી ઉંમર જેટલાં અનુભવ,આંખે પોતે કોઈ કવિ છે એ દર્શાવવા નહીં પણ પોતાને ગમતું હોવાથી પહેરેલો કથ્થાઈ રંગ નો ખાદી કુરતો,યુવાવર્ગ નો કવિ છે એટલે નીચે ડેનિમ બ્લુ જીન્સ,માથાંનાં વાળ કાંસકો વાપરવાની જગ્યાએ ખાલી હાથ વડે સેટ કરાયાં હોવાનું સહેજ લાગવું,દાઢી ક્લીનશેવ કરવાની જગ્યાએ ઠેકઠેકાણે ઊગી નીકળી હતી..ચહેરા પર આટલી બધી જનમેદની વચ્ચે બોલવાનું હોવાં છતાં કોઈપણ જાતનો ઉચાટ નહીં..આ બધાં નો સરવાળો કરી જે વ્યક્તિ ઉભો હતો એ શિવ પટેલ.
શિવ પટેલે માઈક સ્ટેન્ડ પર થી નીકાળી હાથમાં લઈ લીધું..અને સ્ટેજ ની કિનારીએ આવીને શ્રોતાઓની બિલકુલ સામે ઉભો રહ્યો..આ શિવ ની પહેલાંથી ટેવ હતી.પહેલાં ખોંખારો ખાઈને માઈક નો સાઉન્ડ પરખાઈ ગયાં બાદ શિવ પટેલે પોતાની કવિતાઓ અને શાયરીનું પઠન શરૂ કર્યું.
"યાદ માં વહે છે આંખો ,છતાં એને સાહિલ કહેતાં નથી..
આંખોથી કરે કત્લ એ છતાં કોઈ એને કાતિલ કહેતાં નથી..
અને દિલ વગર તો મળે લાખો દુનિયાની ભીડમાં એમજ
પણ એવી ભીડ ને લોકો મહેફિલ કહેતાં નથી.."
પોતાની જાણીતી પંચલાઈન દ્વારા શિવે જેવી જ પોતાની કવિતાઓનો રસપાન શ્રોતાગણ ને કરાવવાનું શરૂ કર્યું એવું જ બધાં શ્રોતાઓ ઝૂમી ઉઠ્યાં અને વાહ..વાહ નાં નારા સાથે સભાખંડ ગજાવી મુક્યો.
"સાહેબ પ્રિયે વાળી બે-ચાર લાઈન થઈ જાય.."લોકો ની વાહ અટકતાં એક વીસેક વર્ષનો યુવાન મોટેથી બોલ્યો..શિવે એ તરફ નજર કરી અને એ યુવક ને ઉદ્દેશીને કહ્યું.
"તમારું નામ જણાવી શકશો..?"
"અતુલ પ્રજાપતિ.."એ યુવક પોતાનાં સ્થાને ઉભાં થઈને ખચકાતાં સ્વરે બોલ્યો.
અતુલ ને આંગળીનાં ઈશારે બેસવાનું કહી શિવે આગળ બોલવાનું શરૂ કર્યું.
"તો મારાં મિત્ર અતુલ માટે મારી કવિતા પ્રિયે ની બે લાઈન આપ સૌ માટે.."
"તું આદુ વાળી કડક મીઠી ચા પ્રિયે..
અને હું સસ્તું બિસ્કિટ પારલે જી..
તને ચાહવાનાં ચક્કરમાં એવો ડૂબ્યો..
તુજમાં ખોઈ બેઠો મુજને એમાં તારો શું વાંક..
તું HD વીડિયો યુટ્યુબ ની પ્રિયે
અને હું યુનિનોર નું ધીમું નેટ..
મારાં માં લોડ કરવા ચાહું તુજને
લોડિંગ નું ચક્કર ઘુમતું જાય એમાં તારો શું વાંક.."
અને આ સાથે જ ફરીવાર આખો હોલ ચિચિયારીઓ અને તાળીઓથી ગુંજી ઉઠ્યો.
"હવે દોસ્તો થોડાં શેર અને શાયરી થઈ જાય.."
આટલું કહી શિવે શાયરીઓ બોલવાનું શરૂ કર્યું.
"તારી અને મારી જોડ જાણે ગુલાબજાંબુ..
ના ગુલાબ ના જાંબુ છતાં છે ઘણી સ્વીટ.
મેરા નામ જોકર મુવી જેવી લવસ્ટોરી આપણી..
હતી પહેલાં ફ્લોપ છતાં આજે સુપરહિટ.."
આ સાથે એક બીજી શાયરી રજુ કરું..બસ દિલ થોડું ખુલ્લું રાખજો.
"એવું નથી કે હવે તારી યાદ નથી આવતી..
ખોટું નહીં બોલું પણ હવે સવાર સાંજ નથી આવતી.
સમય નાં વહેણ ને તું પણ પારખી ગયો શિવ
હસાવવું તો એની ફિતરતમાં નહોતું..પણ હવે ના એ રડાવતી."
હવે થોડું હિન્દી માં થઈ જાય.. કેમકે માતૃભાષા ને માન આપવાની સાથે રાષ્ટ્રભાષા ને પણ યાદ કરવી એ એક કવિ તરીકે મારી નૈતિક ફરજ બને છે..આમ બોલતાં ની સાથે જ શિવે પોતાનાં આગવા અંદાજમાં હિન્દીમાં શાયરીઓ બોલવાનું શરૂ કર્યું.
"હમ આપકી આંખ કા આંસુ હોતે તો આપકી આંખો સે નિકલતે
ઔર આપકે સુર્ખ હોંઠો પે ખતમ હોતે..
ઔર તુમ હમારી આંખ કા આંસુ હોતે તો,
પરવરદિગાર કી કસમ,હમ ઉમર ભર ના રોતે.."
હજુ તો શિવે આ શાયરી પુરી કરી ત્યાં તો ઓડીયન્સમાંથી વાહ-વાહ અને વન્સ મોર નો કોલાહલ ઉમટી પડ્યો.
"ડુબોકે અપને હાથ પાની મેં..
ઉસને પાની કો ગુલાબી કર દિયા..
પાની કી બાત તો ઠીક થી મગર
ઉસને મછલીયો કો ભી શરાબી કર દિયા.."
શિવ ની આ શાયરી પર તો શ્રોતાઓની સાથે સ્ટેજ પર બેસેલાં એનાં સાથી કવિ મિત્રો પણ આફરીન પોકારી ગયાં.શિવે પોતાનાં હૃદય પર પોતાનો હાથ મુકી ચહેરો ઝુકાવી એ લોકો ની દાદ પર પોતાનો આભાર માન્યો.
"શિવ ભાઈ કંઈક દર્દ ભર્યું થઈ જાય.."એટલામાં ઉદગોષક મહોદય શિવ ને ઉદ્દેશીને બોલ્યાં.
"કોઈ હસે તો તેરે દિલ કો હસી ના લગે..
કે દિલ્લગી ભી તેરે દિલ કો દિલ્લગી ના લગે..
તું રોજ રોયા કરે ઉઠકે સર્દ રાતો મેં..
ખુદા કરે તેરા મેરે બાદ દિલ ના લગે.."
શિવે આ સાથે જ દર્દ ભરી એક શાયરી સંભળાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યાં.
"હુઆ તેરે બીછડને કે બાદ એ માલુમ
કે તું નહીં થા તેરે સાથ એક દુનિયા થી.."
તાળીઓની ગળગળાટ વચ્ચે શિવે એક બીજો શેર કહી સંભળાવ્યો..
"ભલે એ મને લોકો વચ્ચે બદનામ કરે છે..
હું ખુશ છું એમાં પણ મને યાદ તો કરે છે.."
"તો દોસ્તો સમય ની મર્યાદા અને વક્ત નો તકાજો મને અહીં જ અટકવા કહે છે..આશા રાખું કે તમને મારી કવિતાઓ અને શાયરીઓ પસંદ આવી હશે.." પોતાનું મંચન અહીં જ પૂર્ણ કરવાની જાહેરાત કરતાં શિવ બોલ્યો.
"સાહેબ એક હતી પાગલ તો બાકી રહી ગઈ.."કોઈએ શ્રોતાઓમાંથી જોરથી બુમ પાડીને કહ્યું..એ વ્યક્તિનાં આમ બોલતાં જ હોલમાં એકધારો અવાજ ગુંજી વળ્યો.
"એક હતી પાગલ..એક હતી પાગલ.."
લોકો નો આવો ઉત્સાહ અને અરજ જોઈને શિવ નાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું..શિવે હાથનાં ઈશારા વડે લોકોને શાંત રહેવા કહી આંખોથી એ જણાવ્યું કે પોતે એમની ઈચ્છાની કવિતા એક હતી પાગલ હવે સંભળાવશે.
શિવ ફરીવાર માઈક પકડીને સ્ટેજનાં કિનારે આવીને ઉભો રહ્યો..પહેલી હરોળથી લઈને છેલ્લી હરોળ સુધી હોલમાં હાજર શ્રોતાઓનો ચહેરો જોઈ લીધાં બાદ શિવે બોલવાનું શરૂ કર્યું.
"દોસ્તો મને ખબર હતી કે મારાં દરેક સ્ટેજ શો ની માફક છેલ્લે તમે પણ આ કવિતા સંભળાવવાની અરજી કરવાનાં જ હતાં.. તો મારી સુરતની કલા ની કદરદાન અને કવિઓ પર મહેરબાન જનતા માટે રજુ કરું છું મારી સૌથી વધુ વખણાયેલી અને હૃદયનાં ઉંડાણ માં સંઘરી ને રાખેલી રચના એક હતી પાગલ.."
શિવ નાં આમ બોલતાં ની સાથે હોલમાં પિનડ્રોપ સાયલન્ટ થઈ ગયો..ટાંકણી પડે તો પણ અવાજ આવે એવાં યોગ્ય વાતાવરણમાં શિવે બોલવાનું શરૂ કર્યું.
"હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..
એટલે જ એ ધબકાર બની મારાં હૃદય માં ધડકતી હતી.."
"લોકો તો મારાં શબ્દો ને ઓળખતાં ..
પણ એ મારાં મૌન ને પણ સાંભળતી
ક્યારેક ના બોલાયેલું પણ સમજી જતી..
છુપાવતો ઘણી વાતો પણ એ બધું જાણી જતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."
"મન માં ઉદ્દભવતાં દરેક વિચારો..
મારાં થી થતાં દરેક વ્યવહારો..
સાચું કહું તો શરીર ની નસેનસ માં વહેતાં રક્ત પર પણ..
પોતાનું એકહથ્થુ આધિપત્ય જતાવતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."
"એકાંત સડકો અને સુનકાર ગલીઓમાં
વરસતાં વરસાદે તો ક્યારેક કાતિલ કાતિલ ઠંડી માં..
હોય ખુશીઓ ની વસંત કે દર્દ રૂપી પાનખર
હંમેશા હાથ મારો એ મજબૂતાઈ થી પકડતી હતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."
"તડકો હોય તો છાંયડો બનતી
અને ઠંડી માં મળતી એની મીઠી હૂંફ
રડતો તો એનો ખભો ધરી દેતી અને
અને હસું તો મુજ અધર પર નીજ અધર રાખી દેતી..
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી."
"આજ પાસે છે બધું પણ કંઈક ખૂટે છે.
એ પાગલ વગર હાસ્ય પણ હાથતાળી દઈ છૂટે છે..
પોતાની યાદો ને એ મારી પાસે મોકલી..
મને યાદો થકી સાચવે છે, જેમ પહેલાં એ રૂબરૂ સાચવતી હતી
હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી."
"લોકો મળે છે..મારી સાથે વાતો કરે છે..
ખુશી નાં દિવસો તો ક્યારેક પસાર હસીન રાતો કરે છે..
કહે છે કે તને અમારો ગણી અમે સમજીએ છીએ..
એમના આ દાવા પર મંદ મંદ એ દૂર થી હસતી હશે..
હા એક જ છે એ પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી,
સમજે છે અને સમજતી રહેશે..!!"
કવિતા ને પૂર્ણ કરતાં ની સાથે શિવ ની આંખો છલકાઈ ગઈ..સાથે સાથે મોટાં ભાગનાં વાંચકો નાં હૃદય અને આંખો બંને છલકાઈ ગયાં.. કવિતા તો પૂર્ણ થઈ ગઈ હતી પણ એની અસર હજુ પણ નવરંગ ઉપવન નાં એક બંધ હોલ માં વર્તાઈ રહી હતી.હજુ પણ પ્રેમ નો,દર્દ નો એક અવિસ્મરણીય પડઘો હોલમાં પડઘાય રહ્યો હતો.
એકાએક પહેલી હરોળમાં બેઠેલાં એક વૃદ્ધ મહિલા ઉભાં થયાં અને તાળીઓ પાડવા લાગ્યાં.. એમની તાળીઓની સાથે જ જેવો હોલમાં વ્યાપ્ત સન્નાટો તૂટ્યો અને આખો હોલ તાળીઓનો ગળગળાટ થી ફરીવાર ગુંજી ઉઠ્યો.
શિવ જઈને પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો..એનાં હસતાં ચહેરા પર અચાનક ઉભરી આવેલો વિષાદ સંતાડવાની નાકામ કોશિશ એ હાલ કરી રહ્યો હતો.શિવ નાં બેસતાં ની સાથે ઉદગોષક મિત્ર ઉભાં થયાં અને માઈક હાથમાં પકડી કાવ્ય સભા નું સમાપન કરતાં બોલ્યો.
"ખૂબ ખૂબ આભાર mr. શિવ પટેલ નો..જેમને આજની આ સાંજને રંગીન બનાવી દીધી.તો દોસ્તો હવે આજનો આ કાર્યક્રમ અહીં જ પૂર્ણ જાહેર કરું છું..આપ સૌ અહીં આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ તમારો સૌ શ્રોતા મિત્રો નો પણ દિલ થી આભાર.."
આ સાથે જ કાર્યક્રમ ની પુર્ણાહુતી થતાં શિવ બીજાં કવિ મિત્રો સાથે થોડો સમય ગોષ્ટિ કર્યાં બાદ પોતાની કાર તરફ આગળ વધ્યો.કાર નો દરવાજો ખોલી શિવ એમાં બેસવા જ જતો હતો ત્યાં એનાં કાને એક યુવતી નો સુમધુર અવાજ પડ્યો.
"શિવાય.."
આ ત્રણ અક્ષરનો શબ્દ જાણે કોઈ વિષમાં ડુબાડેલાં તીર ની માફક એનાં હૃદયમાં આરપાર ઉતરી ગયાં. ખબર નહીં શું જાદુ હતો આ શબ્દોનો જેને શિવ પટેલ ને જડવત કરી મુક્યો..આ શબ્દોની અસર નીચે શિવે યંત્રવત બની અવાજની દિશામાં પોતાની ગરદન ઘુમાવી.
*************
વધુ આગળનાં અધ્યાયમાં.
આભાર:-નુસરત ફતેહ અલી,જ્હોન ઓલિયા,ફરાજ
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.દરેક નોવેલનાં અંતે એ કવિ કે શાયરનાં નામ લખી ને એમનાં લેખનને સ્લામી આપીશ.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)