હતી એક પાગલ - 14 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હતી એક પાગલ - 14

હતી એક પાગલ..!!:-ભાગ 14

પોતાની પત્ની સંધ્યાને મયુર શિવ અને માહી વચ્ચે એવું તે શું બન્યું જેનાં લીધે બંને નોખાં થઈ ગયાં એની વાત કહેતો હોય છે.

"M. com નાં પ્રથમ વર્ષનાં પૂર્ણ થતાં જે વેકેશન પડ્યું એ શિવ ની જીંદગી ને એ હદે બદલી નાંખવાનું હતું જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી.શિવ ની સાથે ખરાબમાં ખરાબ જે કંઈપણ થવાનું હતું એ બધું જ આ સમયગાળામાં થઈ ગયું."

"સીતાપુરમાં શિવ ની જોડે કરવા માટે વધુ કંઈ હોતું નહીં એટલે એ નિરાંતનાં સમયમાં કવિતાઓ લખતો..બે મહિના પહેલાં સ્ટેટ લેવલની કાવ્ય સ્પર્ધામાં પણ એ ભાગ લઈને આવ્યો હતો જેનું રિઝલ્ટ હજુ જાહેર નહોતું થયું.એક વખત મારાં ઉપર માહીની એક સહેલી કિંજલનો કોલ આવ્યો..કિંજલ નાં દ્વારા કહેવામાં આવ્યું કે.

માહી ની બિકાનેર માં એની મરજી વિરુદ્ધ સગાઈ થઈ ગઈ છે અને પંદર દિવસ બાદ એનાં લગ્ન પણ લેવાનાં નક્કી થઈ ગયાં છે.માહી એ કહ્યું છે કે શિવ ને પોતાનો સંદેશો પહોંચાડી ને એને કહેવામાં આવે કે મને બિકાનેર આવી ભગાવી જાય.લગ્નની દસ મિનિટ પહેલાં સુધી શિવ આવશે ત્યાં સુધી પોતે શિવની રાહ જોશે નહીં તો પોતાનાં પિતાજીનાં મરજી મુજબનાં છોકરાં સાથે એ લગ્ન કરી લેશે."

મયુર ની વાત સાંભળી સંધ્યા જાણે સફાળી બેઠી થઈ હોય એવાં હાવભાવ સાથે ઉપરાછપરી સવાલોનો મારો ચલાવતાં બોલી.

'તો પછી તે શિવ ભાઈ ને જાણ કરી..??અને પછી તમે લોકો બિકાનેર ગયાં હતાં..??શું થયું હતું આગળ..?"

આ વાતચીત દરમિયાન એ લોકો મહેસાણાની હદમાં પ્રવેશી ચૂક્યાં હતાં એટલે મયુરે કહ્યું.

"સંધ્યા હવે દસ મિનિટમાં ઘરે પહોંચી જઈશું..પછી આગળની વાત કરીએ."

હવે આગળ શું થયું હતું એ જાણવાની ઉત્તેજના હોવાં છતાં સંધ્યાએ મયુરની વાતમાં હામી ભરી દીધી.કાળુ ની પત્ની પિયર ગઈ હોવાથી એને ઘરે જવાની કોઈ ઉતાવળ નહોતી એટલે મયુરે એને પોતાનાં ઘરે થોડો સમય બેસીને પછી પોતાનાં ઘરે જવા કહ્યું એટલે કાળુ તુરંત માની પણ ગયો.આમ પણ હવે કાળુ મહેસાણા જ રહેતો હતો.

ઘરે જઈને સંધ્યા એ આદુ મસાલા વાળી ચા બનાવી અને ચા ની મહેફિલ સાથે શિવ અને માહી ની અધૂરી રહેલી મુલાકાત નો કિસ્સો મયુરે આગળ કહેવાનો શરૂ કર્યો.

"કિંજલ પર માહી એ ચોરીછુપીથી કોલ કર્યો હતો..એટલે માહી ને ફરીવાર સામે ચાલીને કોન્ટેકટ કરવો એતો હાલ પૂરતું શક્ય જ નહોતું.કિંજલ નો કોલ જેવો પૂરો થયો એવો જ મેં શિવ ને કોલ કર્યો.પણ શિવનો કોલ સ્વીચ ઓફ આવતો હતો.મેં ત્રણ ચાર વખત કોલ કરી જોયો પણ એનો ફોન બંધ જ આવતો હતો.મારાં થી આ બધું એકલું હેન્ડલ થાય એવું નહોતું એટલે મેં કાળુ ને ફોન કર્યો..એ સમયે કાળુ પણ અહીં જ કાયમી રહેવા આવી ગયો હતો."

મયુર આટલું કહી અટકી ગયો એટલે કાળુ એ આગળની વાત કહેવાનું શરૂ કર્યું.

"મયુર દ્વારા માહી નાં કિંજલ પર આવેલ કોલ અને શિવનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાની વાત જાણ્યાં બાદ આગળ શું કરવું એ નક્કી કરવા હું અને મયુર એનાં ઘરે ભેગાં થયાં.આખરે અમે શિવનાં ઘરે રૂબરૂ જવાનું નક્કી કરી બાઈક લઈને સીતાપુર તરફ નીકળ્યાં. જ્યાં એક નવી જ ખબર અમારી રાહ જોઈને ઉભી હતી."

"હું બે વખત પહેલાં પણ શિવની સાથે એનાં ઘરે જઈ આવ્યો હોવાથી મેં બાઈક ને સીધું શિવનાં ઘર આગળ લાવીને થોભાવ્યું..પણ અમારાં આશ્ચર્ય વચ્ચે શિવનાં ઘરને તાળું હતું.આજુબાજુ પડોશીઓ ને પુછપરછ કરતાં માલુમ પડ્યું કે ગઈકાલે શિવનાં મમ્મી દાદરા પરથી પગ લપસતાં પડી ગયાં અને એમને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે..એમને 108 મારફતે વધુ સારી ટ્રીટમેન્ટ માટે મહેસાણા સિવિલમાં ખસેડાયાં હતાં."

"અમે જે શિવ ને મળવા મહેસાણા થી સીતાપુર મળવા આવ્યાં હતાં એ તો મહેસાણા જ હતો એની ખબર પડતાં અમે બુલેટની ગતિએ બાઈકને યુટર્ન લઈને મહેસાણાની તરફ ભગાવી મુક્યું.સિવિલ હોસ્પિટલમાં આવીને ગીતાબેન નામનાં દર્દીની પુછપરછ કરતાં માલુમ પડ્યું કે એ ખૂબ જ ક્રિટિકલ અવસ્થામાં હોવાથી વધુ સારાં ઉપચાર માટે એમને લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં."

"હું અને મયુર શિવ ને માહી ની ખબર આપવા નીકળ્યાં હતાં અને અહીં શિવની સાથે કુદરતે એવી ક્રૂર મજાક કરી હતી જેને સહન કરવાની તાકાત શિવમાં નહોતી.સિવિલ હોસ્પિટલમાંથી નીકળી હું અને મયુર લાયન્સ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ગીતાબેન નામનાં પેશન્ટ ને જ્યાં રખાયાં હતાં એ રૂમ મળી ગયો..શિવનાં મમ્મી અત્યારે કોમમાં હતાં અને એમની હાલત નાજુક હોવાથી એમને ICU માં રખાયાં હતાં."

"અમે ત્યાં ડોકટર ને પૂછ્યું કે શિવ ક્યાં છે તો માલુમ પડ્યું તો શિવ દવાની બોટલ લેવા બહાર ગયો હતો..અમે ત્યાં ICU ની બહાર શિવની રાહ જોઈને બેસી રહ્યાં. દસ મિનિટ બાદ લોબીમાં શિવ આવતો દેખાયો..શિવની નજર મારી અને મયુરની તરફ પડતાં એ ઝડપથી ચાલીને આવ્યો અને રડતાં રડતાં અમને ભેટી પડ્યો."

"માસી ને સારું થઈ જશે એવી ધરપત આપી અમે શિવને શાંત તો કરાવ્યો પણ હકીકતમાં અમને પણ ખબર નહોતી કે માસી ની હાલત કેટલી ગંભીર હતી.ડોકટર ને જઈને શિવ દવા આપી આવ્યો એટલે હું અને મયુર એની પર રિતસરનાં તૂટી પડ્યાં..કારણકે પોતાની ઉપર આટલી મોટી તકલીફ આવવાં છતાં શિવે અમારાં બે માંથી કોઈને એ વિષયમાં જાણ કરવી ઉચિત નહોતી સમજી."

"શિવે અમારી માફી માંગી પણ સાથે એને જણાવ્યું કે બધું એટલી ઝડપથી થઈ ગયું કે એની જોડે કોઈને કોલ કરવાનો સમય જ નહોતો..ઉપરથી એનો ફોન ગઈકાલ રાતનો બેટરી ડાઉન હોવાથી સ્વીચ ઓફ જ છે.સિવિલ હોસ્પિટલમાં તો ઠીક હતું કે કોઈ ખર્ચો ના આવે પણ અહીં ટ્રીટમેન્ટ નો ખર્ચો જરૂર આવવાવો અને અમને શિવની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ હતો એટલે શિવની આનાકાની છતાં અમે એને દસ હજાર રૂપિયા આપ્યાં."

કાળુ ની વાત સાંભળી સંધ્યા તો જડવત બની ગઈ..એને રડવું આવી રહ્યું હતું એવું એનાં ચહેરા પરથી સમજાઈ શકાતું હતું.મયુરની તરફ જોઈને સંધ્યા બોલી.

"તો પછી આંટી ને સારું થઈ ગયું..?તમે માહી નાં કોલ વિશે શિવ ભાઈને જણાવ્યું કે નહીં..?"

સંધ્યાનાં આ સવાલનો જવાબ આપતાં મયુર બોલ્યો.

"સંધ્યા,અમારો દોસ્ત આમ તો બહુ સ્ટ્રોંગ હતો પણ એનાં માટે ગીતા માસીની આ નાજુક હાલત સહન કરવી શક્ય નહોતી.હું અને કાળુ પણ એની જોડે ને જોડે હોસ્પિટલમાં જ રહ્યાં. ચાર દિવસ સુધી દવા અને દુવા બધું જ અમે કરી જોયું પણ કહેવાય છે ને કે ધાર્યું તો અલખધણી નું જ થાય..માસી ને હોસ્પિટલમાં દાખલ કરાયાં નાં પાંચમા દિવસે માસી આ ફાની દુનિયા છોડીને સ્વર્ગ સિધાવી ગયાં."

"માસી નાં મૃત્યુ નું દુઃખ શિવની સામે જે રીતે આવીને ઉભું હતું એની સામે ટક્કર લેવી એ સમયે શિવનાં સામર્થ્યની વાત નહોતી.હવે તો માહી ની વાત શિવ જોડે કરવાનો કોઈ અવકાશ જ નહોતો.માસીની અણધારી વિદાય બાદ અમારે તો શિવ ને આ આઘાતમાંથી બહાર લાવવાની કોશિશ કરવાની હતી."

'બાર દિવસ સુધી હું અને કાળુ વારાફરથી સીતાપુર આવતાં-જતાં રહ્યાં.માસી નું બારમું પૂરું થઈ ગયું પણ અમને એ વાત ની ખબર હતી કે જોડેજોડે માહીનાં લગ્ન પણ થઈ ગયાં હશે.જે પરિસ્થિતિનો ભોગ અમે બધાં બન્યાં હતાં એ ખરેખર અસહ્ય હતી.હું અને કાળુ બધું જાણતાં હોવાં છતાં શિવને માહી વિશે જાણકારી આપી શકીએ એમ નહોતાં."

"શિવ એ હદે માનસિક આઘાતમાં હતો કે એને આ દિવસો દરમિયાન માહી ને યાદ પણ નહોતી કરી..પણ હવે જ્યારે માસી ની મૃત્યુનાં પંદર દિવસ પૂર્ણ થઈ ગયાં અને મૃત્યુપર્યંત કરવામાં આવતી બધી વિધિ થઈ ગઈ એટલે અચાનક શિવે માહીને કોલ લગાવ્યો..પણ માહીનો ફોન બંધ આવતો હતો.માહી નું ફેસબુક એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ થઈ ગયું હતું."

"તો પછી તમે શિવભાઈ ને કીધું નહીં કે માહીનાં લગ્ન થઈ ગયાં હતાં..?"સંધ્યા એ પુછ્યું.

સંધ્યા નાં આ સવાલ નાં જવાબમાં કાળુ બોલ્યો.

"ભાભી,મેં અને મયુરે એ વિશે ઘણું વિચારી જોયું કે શિવ ને જણાવી દઈએ કે માહી એ કેવી પરિસ્થિતિમાં લગ્ન કર્યાં હતાં..પણ એવું કરવામાં એક જોખમ એ હતું કે શિવ માસીનાં અણધાર્યા નિધન બાદ જે રીતે હતાશ હતો એનાં માટે શાયદ માહી પણ એનાંથી અલગ થઈ ગઈ છે એ સહન કરવું શક્ય નહીં જ હોય..અમે શિવ ને ખોવા નહોતાં માંગતા એટલે અમે માહી નાં કિંજલ પર આવેલ કોલ વિશે એને ક્યારેય કહી જ ના શક્યાં."

"અમે શિવને એ સમયે એવું કહ્યું કે માહી ક્યાંક ફરવા માટે ગઈ હશે અને ફેમિલી જોડે હશે એટલે એનો ફોન બંધ હતો અને એ શિવનો કોન્ટેકટ નહોતી કરી રહી.આમ ને આમ વેકેશન પૂરું થઈ ગયું અને M.com નું બીજું વર્ષ ચાલુ થઈ ગયું..પણ શિવ માહી નો કોઈપણ રીતે કોન્ટેકટ ના જ કરી શક્યો.કોલેજ માં પણ માહી ના આવી એટલે શિવને માહીની ચિંતા સતાવી રહી હતી.કિંજલ શિવને મળી માહીનાં એની ઉપર આવેલાં કોલ ની વાત કરે એ પહેલાં અમે એને મળી શિવની માનસિક હાલત વિશે જણાવી એને પણ ચુપ્પી સાધવા કહ્યું."

"અઠવાડિયું વીતી ગયું હતું કોલેજ શરૂ થયાં ને પણ માહીનો કોઈ અતોપતો નહોતો એટલે શિવ અધીરો બની ગયો હતો.આખરે શિવ મન મક્કમ કરી માહીનાં ઘરે જઈ પહોંચ્યો.ત્યાં એક નવું આશ્ચર્ય શિવની રાહ જોઈને બેઠું હતું.શિવે જઈને જોયું તો માહી જ્યાં રહેતી હતી એ ઘરે તો કોઈ બીજું ભાડુવાત રહેવા આવી ગયું હતું.શિવ ત્યાંથી સીધો માહીનાં પિતાજીની જ્યાં જોબ હતી એ બેંકમાં જઈ પહોંચ્યો.અહીં જઈને શિવને ખબર પડી કે એમનું ટ્રાન્સફર બિકાનેર થઈ ગયું છે."

"હતાશ થઈને શિવ બેંકમાંથી જવા જ નીકળતો હતો ત્યાં બેંક નો એક પટ્ટાવાળો આવીને શિવને એની જીંદગીનો બીજો સૌથી મોટો આઘાત આપી ગયો.એને આવીને શિવને કહ્યું કે માહીનાં પિતાજીને માહી નું અહીંના કોઈ ગુજરાતી છોકરા જોડે લફરું હોવાની વાત ખબર પડી ગઈ હતી અને શિવ જે મનોસ્થિતિ સાથે માહીનાં પિતા વિશે પૂછી રહ્યો હતો એટલે શિવ જ એ છોકરો છે એવું એને લાગ્યું એટલે એ અત્યારે માહી સાથે જોડાયેલ હકીકત શિવને જણાવવા આવ્યો હતો."

"એને આગળ શિવને કહ્યું કે માહી નાં પિતાજી બહુ સ્ટ્રીક હતાં અને એ ચુસ્તપણે એવું માનતા કે પોતાની દીકરી એમનાં સમાજમાં જ લગ્ન કરે એટલે એમને અહીંથી બિકાનેર ટ્રાન્સફર લઈ લીધું અને ઉતાવળમાં માહીનાં લગ્ન કરાવી દીધાં..લગ્નનું આમંત્રણ અપાયું હોવાથી બેંકનો સ્ટાફ ત્યાં ગયો હતો અને એમની સાથે પોતે પણ માહીનાં લગ્ન પ્રસંગે બિકાનેર ગયો હતો એવું એ પટ્ટાવાળાએ શિવને કહ્યું."

"શિવે એનો આભાર માન્યો અને ભારે હૈયે મને અને મયુર ને આવીને મળ્યો..શિવે જ્યારે માહીનાં લગ્ન થઈ ગઈ હોવાની વાત અમને જણાવી ત્યારે અમે બંને આખી વાતથી સાવ અજાણ હોય એમ એક્ટિંગ કરવા લાગ્યાં. શિવ સાવ ભાંગી ચુક્યો હતો..એનું રડવાનું બંધ થવાનું નામ જ નહોતું થઈ રહ્યું.એ વારંવાર એક જ રટણ કરી રહ્યો હતો કે માહી એની સાથે આવું ના જ કરી શકે..એક વાર તો માહી એને આ વિષયમાં જાણ કરે જ."

"હવે શિવને કોણ સમજાવે કે માહી એ એને કોલ પણ કર્યો હતો અને પોતાને ત્યાંથી ભગાવીને લઈ જવા પણ કહ્યું હતું પણ સમયનું ચક્ર જે હદે ઊલટું ચાલ્યું જેમાં ફસાઈને એ વાત શિવ જોડે પહોંચી જ ના શકી.મેં અને મયુરે નાટક કરતાં માહી ને બેવફા જાહેર કરી દીધી..અમે માહીને મતલબી,સ્વાર્થી કહી શિવને એને ભૂલી જવા સમજાવ્યું.કેમકે એવું કહેવાથી જ શિવ માહી ને નફરત કરે અને નફરત કરે તો જ એને ભૂલી શકે એવું અમારું બંને નું માનવું હતું."

"શિવ જોડે જીવવાનાં બે કારણ હતાં એક એની માં અને બીજી માહી..ગીતા માસીનાં અવસાન અને માહી નાં લગ્ન થઈ ગયાં હોવાની જાણ થયાં પછી શિવ લગભગ પાગલ બની ગયો હતો.મેં આગ્રહ કરી શિવને મારાં રૂમ પર જ રોકી લીધો..કેમકે સીતાપુર એકલો મુકતાં શિવ કંઈ અજુગતું કરી મુકશે એવી અમને ભીતિ હતી."

"શિવ હંમેશા ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો..એને હવે ભોજન લેવાનું પણ બંધ કરી દીધું હતું..હું આગ્રહ કરી એને જમાડતો તો એ ઉલટી કરી દેતો..રાતે ઊંઘમાંથી ઉભો થઈને માહી નાં નામનું રટણ કરતો રહેતો.માહી નાં લગ્નની ખબર એનાં માટે ખરેખર જીવલેણ સાબિત થવાની હતી એવું અમને લાગી રહ્યું હતું.ઉપરથી શિવનાં ઘરે કોઈ કમાવા વાળું હતું નહીં અને જે કંઈપણ મૂડી ભેગી કરી હતી એ માસીની સારવાર પાછળ ખર્ચાઈ ગઈ હતી."

"શિવ ને હું અને મયુર આશ્વાસન આપી ધીરે-ધીરે પુનઃ મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં..અને અમારી મહેનત રંગ પણ લાવી હતી.પંદર દિવસ બાદ શિવ ની માનસિક સ્થિતિ થોડી સુધારા પર હતી.એ માહી ને ઘણાં ખરાં અંશે ભુલવામાં સફળ પણ રહ્યો હતો.પણ એક દિવસ શિવ ને કોલેજમાં માહીની ઉપસ્થિતિનો અણસાર આવતાં એ પુનઃ જેવો હતો ને એવો જ થઈ ગયો."

કાળુ આ બધું કહી રહ્યો હતો ત્યારે એ રડ્યો તો નહોતો પણ એની આંખો પણ ભરાઈ આવી હતી..સંધ્યા તો રીતસર રડવા લાગી હતી અને એનાં આંસુ પણ આંખોમાંથી નીકળી એનાં ગાલ પર આવી ગયાં હતાં.

"ખરેખર ઉપરવાળો પણ કેવાં ખેલ ખેલે છે..બિચારા શિવ ભાઈ આટલી ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયાં હશે એનો તો અંદાજો પણ અત્યારે એમને જોઈને લગાવી ના શકાય.."સંધ્યા મયુર નાં હાથમાં પોતાનો હાથ રાખીને બોલી.

"સંધ્યા આ બધું તો ઠીક હતું પણ આગળ શિવે એક નિર્ણય લીધો જે સાંભળવો મારાં અને કાળુ માટે ખુબ અઘરો હતો..આ નિર્ણય શિવની જીંદગીને ધરમૂળમાંથી ફેરવી દેવાનો હતો.."આગળ શિવની સાથે શું થયું એનો અહેવાલ કહેવાની મયુરે શરૂવાત કરી.

"કુદરત પણ ક્યારેક કેવી અઘરી રમતો રમે છે...

નસીબમાં ના હોય એજ હંમેશા દિલ ને ગમે છે.."

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)