હતી એક પાગલ..!!:-ભાગ 2
"શિવાય"
કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી ગયો..યંત્રવત બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી.
"આપ કોણ..?"શિવે કાર નો દરવાજો બંધ કર્યો અને એ યુવતી ની જોડે જઈને ઉભો રહ્યો.
સફેદ રંગ નાં સલવાર કમીજ અને રંગબેરંગી દુપટ્ટામાં સજ્જ એ યુવતી નો ચહેરો વીતેલાં જમાનાની અદાકારા મધુબાલા જેવો લાગતો હતો.આંખો ને મફકસરની કાજળ લગાવી વધુ પાણીદાર બનાવી હતી.હાથની આંગળીઓના નખ નેઈલ-પોલિશ કરી આકર્ષક બનાવેવાં હતાં..શિવ ને જોતાં ચહેરા પર એક મોટી સ્મિત સાથે બોલી.
"મારું નામ આરોહી પંડિત છે..હું તમારી બહુ મોટી ફેન છું.તમારી કવિતાઓ સાંભળું કે વાંચું ત્યારે એવું લાગે છે કે એક જુદી જ દુનિયામાં પહોંચી ગઈ હોઉં..આજે પણ સર તમારી કવિતાઓ સાંભળીને હવામાં વિહરી રહી હોઉં એવો અહેસાસ થાય છે.."ગાલમાં પડતાં ખંજન એને વધુ સુંદરતા બક્ષી રહ્યાં હતાં.
એ યુવતીનો મનમોહક ચહેરો જોતાં શિવનાં મનમાં સોલી કાપડિયાનું એક ગીત ગુંજી ઉઠ્યું.
"પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પડાય એવો કાયદો..
પ્રેમ એટલે કે તારાં ગાલોનાં ખાડામાં ડુબી જતાં,
મારાં ચોર્યાસી લાખ વહાણો નો કાફલો.."
પોતાની જાત ને વિચારોમાંથી બહાર લાવી શિવ એની સામે જોઈને વિનયપૂર્વક બોલ્યો.
"અરે તમારાં જેવાં ચાહકોનાં પ્રેમ અને પ્રોત્સાહન નાં લીધે જ હું વધુ સારું લખી રહ્યો છું..અને હજુપણ એમાં સુધારો કરવાની કોશીશ કરી રહ્યો છું.બોલો તમારાં માટે હું શું કરી શકું..?"
શિવ પટેલ ની વાત સાંભળી એ યુવતીએ પોતાનાં પર્સમાંથી એક પુસ્તક નીકાળ્યું અને શિવની તરફ લંબાવી ને કહ્યું.
"સર,આ તમારી ગત સપ્તાહે પ્રકાશિત થયેલાં કવિતા સંગ્રહ મૃગનયની ની ફર્સ્ટ એડિશન કોપી છે..મને તમે આની ઉપર ઓટોગ્રાફ આપી શકો.આ પુસ્તક હું મારી મોટી દીદી ને ભેટ આપવાં માંગુ છું."પોતે કોઈનાં ચાહક હોય અને એની સાથે રૂબરૂ વાત કરવાનો અવસર પ્રાપ્ત થાય અને ચહેરો જેમ ખીલી ઉઠે એમ આરોહીનો ચહેરો સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો.
શિવે આરોહીનાં હાથમાંથી પુસ્તક લીધું અને એની ઉપર પોતાનો ઓટોગ્રાફ આપતાં પુછ્યું.
"શું નામ છે તમારી દીદી નું..?"
"રાધા દીદી.."પોતાનાં ચહેરા પર આવતી ઝુલ્ફો ને કાનની પાછળ સેટ કરતાં આરોહી હસીને બોલી.
શિવે પોતાનો ઓટોગ્રાફ પુસ્તક પર આપ્યો અને લખ્યું..to radha.. love from shiv.
શિવ જોડેથી એ પુસ્તક લઈને પોતાનાં પર્સમાં મુકતાં આરોહી હરખભેર બોલી.
"Thanks so much sir.. રાધા દીદી ને છે ને કવિઓ અને કવિતાઓથી નફરત છે એટલે એમને આ પુસ્તક ભેટ આપીશ તો એ વાંચી એ ચોક્કસ કવિતાઓ અને કવિઓ તરફ પોતાનું વલણ બદલી દેશે."
"બીજું કંઈ મારે લાયક કામ હોય તો બોલો..?"શિવે આરોહી ને ઉદ્દેશીને કથન કર્યું.
"એક સેલ્ફી.."ચહેરા પર ખચકાટ ની રેખા સાથે આંખો ને ઝુકાવી,શિવ તરફથી શું પ્રતિભાવ મળશે એની આ ફરમાઈશ નો એ વિચારી એની જીભ પણ અનાયાસે બહાર નીકળી ને દાંત નીચે આવી ગઈ હતી.
શિવ એની આ બધી હરકતોને બારીકાઈથી જોતાં જોતાં આરોહીનાં આગ્રહ નું માન રાખતાં બોલ્યો.
"કેમ નહીં.."
શિવ ની વાત સાંભળી આરોહી ઉત્સાહમાં આવી ગઈ અને પોતાનો મોબાઈલ નીકાળી એનો સેલ્ફી મોડ ઓન કરી શિવ ની નજીક આવી..શિવે પણ મોબાઈલનાં કેમેરા તરફ સ્મિત કર્યું અને એ સાથે જ આરોહી એ સેલ્ફી ક્લિક કરી લીધી.
"સર..આ મારી લાઈફ ની બેસ્ટ મોમેન્ટ છે..i am so lucky.."પોતાની અંદર ઉભરાતાં આનંદ ને મહાપરાણે કંટ્રોલ કરવા છતાં એ આરોહીનાં શબ્દોમાં વર્તાઈ રહ્યો હતો
"સારું તો હું હવે નીકળું.."શિવ બોલ્યો.
"Ok sir,and thanks again"આરોહી બોલી.
ત્યારબાદ શિવ પોતાની કારની ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાયો અને કારને પોતે જ્યાં રોકાયો હતો એ સુરતની અઠવાગેટ સ્થિત પ્રખ્યાત હોટલ ગેટવે હોટલ તરફ ભગાવી મુકી.
શિવ ને બે દિવસ પછી સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ માં શ્રેષ્ઠ યુવા કવિ નો એવોર્ડ એનાયત કરવાનો હોવાથી શિવ અમદાવાદ પોતાનાં નિવાસસ્થાને જવાનાં બદલે સુરતમાં જ રોકાઈ ગયો હતો.ગુજરાતનાં દરેક શહેરોમાં શિવ પટેલનાં ઘણાં પ્રશંસકો હોવાથી અવારનવાર શિવને જુદા-જુદા કાર્યક્રમ હાજરી આપવાં માટે જવું પડતું હતું.
ટૂંક જ સમયગાળામાં શિવ પટેલ સફળતાની એ સીડી ચડી ચુક્યો હતો જ્યાં સુધી પહોંચવામાં લોકોને આયખું નીકળી જતું..પોતાની આજની પેઢી ને પસંદ આવે એવી કવિતાઓ અને કવિતા પઠન કરવાનાં પોતાનાં આગવા અંદાજનાં લીધે શિવ ખુબ ઝડપથી કવિ સંમેલનો નો સ્ટાર બની ગયો હતો..શિવ નું સૌથી મોટું જમા પાસું હતું એનાં યુવા ચાહક મિત્રો..જેમનાં કારણે શિવ અત્યારે સોશિયલ નેટવર્કિંગ માધ્યમો પર સૌથી વધુ વંચાતો અને સંભળાતો કવિ બની ગયો હતો.
શિવ ની જોડે અત્યારે એ બધું હતી જેની ચાહત લોકો કરતાં હોય છે..નામ,શોહરત,પ્રસિદ્ધિ,પ્રશંસકો,દોલત દરેક એવી વસ્તુ જેની ઝંખના લોકો કરતાં હોય એ બધું શિવ ની જોડે મોજુદ હતું..આ બધું હોવાં છતાં શિવ અત્યારે કંઈક ખૂટતું હોવાની લાગણી નાં અહેસાસ હેઠળ દબાયેલો હતો એ એની કવિતા સાંભળનાર હર કોઈ સમજી શકતું હતું.
**********
અઠવાગેટ નજીક આવેલી હોટલ ગેટવે તરફ જતાં રસ્તામાં ગાડીનાં સાઉન્ડ સિસ્ટમમાં શિવ ની સૌથી વધુ પ્રિય કવિતા વાગી રહી હતી..પંકજ ઉદાસનાં દર્દભર્યા અવાજમાં કવિ શિરમોર કલાપીની આ કવિતાઓ શિવ નાં હૃદયને શાતા આપતી હતી.
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
કારને હોટલ ગેટવે નાં બેઝમેન્ટમાં આવેલ પાર્કિંગમાં પાર્ક કરી શિવ લિફ્ટનો ઉપયોગ કરી બીજાં માળે આવેલાં પોતાનાં રૂમમાં ગયો.રૂમ લોક કરી શિવ સીધો શાવર લેવા બાથરૂમમાં પ્રવેશ્યો.અમદાવાદથી સુરત ની મુસાફરી અને પછી એક વ્યસ્ત કાર્યક્રમ બાદ શાવરની ગરમ પાણી ની બુંદો શિવ ને માનસિક અને શારીરિક બંને પ્રકારની રાહત બક્ષી રહી હતી.
સ્નાન કરીને શિવ ટુવાલ લપેટીને બાથરૂમની બહાર નીકળ્યો..નાઈટ પેન્ટ તથા ટીશર્ટ પહેરી શિવ પોતાનાં ભીનાં માથાંને ટુવાલ વડે લૂછતાં અરીસાની સામે ઉભો રહી ગયો..ટુવાલ વડે માથું કોરું કર્યાં બાદ શિવ પથારી તરફ જતો હતો ત્યાં એની નજર પોતાનાં ડાબા હાથ પર બનેલાં એક ટેટુ પર પડી.
"શિવાય"
આકર્ષક સ્ટાઈલમાં બનેલું એ ટેટુ જોતાં જ શિવે પોતાનાં જમણાં હાથની આંગળીઓ ધીરેથી એ ટેટુ પર રાખી.આ ટેટુ જાણે શિવ ને કોઈકની યાદ અપાવી રહ્યું હતું.આ ટેટુ પર હાથ ફેરવતાં શિવ ને એવું મહેસુસ થઈ રહ્યું હતું કે એ દુનિયાની સૌથી મોંઘી વસ્તુને સ્પર્શ કરી રહ્યો હોય.
આ વાત પર પોતાનાં પરમ મિત્ર અનિલ ચાવડા ની પંક્તિઓ શિવનાં મનમાં રમવા લાગી.
"જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે,
એણે ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે..
હાહાકાર મચી જશે જો હું એક-બે અક્ષર બોલીશ તો,
મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે..
વર્ષો પહેલાં છાના-માનાં રિવાજનો પાટો બાંધીને,
મેં પણ કોઈને ચાહવાનું ચાઠું સંતાડી રાખ્યું છે..
કોઈ જુનો પુરાણો જખ્મ જાણે રહીરહીને દર્દ આપે એવો દર્દ શિવ ને અત્યારે થઈ રહ્યો હતો..આમ પણ દર્દ હોય કે વાઈન જેટલો જુનો એટલો નશો વધુ.
હજુ રાતનાં દસ વાગ્યાં હતાં એટલે પોતાને આટલી જલ્દી નીંદર તો નહોતી જ આવવાની એ વાતથી વાકેફ શિવ પલંગમાં તકીયાને ટેકે પગ લંબાવીને બેઠો અને રૂમમાં ગોઠવેલું ટીવી ઓન કર્યું.
શિવ ને કંઈક રોમાન્ટિક મુવી જોવાની ઈચ્છા હતી એટલે એને એક પછી એક ચેનલ બદલી જોઈ પણ બધી ચેનલો પર સાઉથ ની મારધાડ વાળી ફિલ્મો ચાલી રહી હતી.
"આજકાલ તો આ ચેનલો વાળા ને પણ લોકોની માફક પ્રેમ પરથી ભરોસો ઉઠી ગયો હોય એવું લાગે છે.."હસતાં હસતાં શિવ મનોમન બબડયો અને જુનાં સોન્ગ ની એક મ્યુઝિક ચેનલ ચાલુ કરી ને બેઠો.કર્ણપ્રિય ગીતો પણ આજે ના જાણે કેમ શિવ ને રાહત નહોતાં આપી રહ્યાં. મન કંઈક બીજી જ જગ્યાએ ના ઈચ્છવા છતાં દોડી જવાનું શિવ મહેસુસ કરી રહ્યો હતો.
શિવે કંટાળી ટીવી બંધ કર્યું.. અને આંખો બંધ કરી મનોમન બોલી પડ્યો.
"વલોવો જો છાશ તો એમાંથી નવનીત મળે..
હૃદય ને વલોવો જો એમજ એમાંથી મનમીત મળે."
આરોહી દ્વારા પોતાને શિવાય કહીને બોલાવવું શિવ ને આજે કંઈક જુની યાદોની એ ગલીમાં લઈ ગયું હતું જ્યાં શિવ જવા નહોતો માંગતો..આમ પણ ત્યાં જવામાં કંઈ મજા નથી જ્યાંથી તમને અપમાનિત કરીને કાઢી મુકાયાં હોય.ત્યારબાદ પોતાનાં હાથ પર બનેલાં એજ નામનું ટેટુ પર ધ્યાન જવું જે આરોહીએ કહ્યું હતું.આ બધી બાબતોનો સરવાળો અત્યારે શિવનાં દિલ અને દિમાગ પર રીતસરનો વલોપાત મચાવી રહ્યો હતો.
"આટલાં વર્ષો વીતી ગયાં છતાં હજુપણ એવું લાગે છે કે હું તને ભુલવાની નાકામ કોશીશ કરી રહ્યો છું..તું ચાલી ગઈ પણ તારી આ યાદો મને હજુપણ સતાવી રહી છે..હે ઈશ્વર જો શક્ય હોય તો એટલું કર કે એની યાદો ને મારાં માનસપટલ પરથી મિટાવી દે.."પોતાની આંખોને જોર જબરજસ્તીથી મીંચી શિવ બોલી રહ્યો હતો.એનાં અવાજમાં પીડા હતી,દર્દ હતો અને એથીયે વધુ હતી બેબસી.
"પીડા,દર્દ,તિરાડો,ઉંહકારા ને આત્મગલાની..
તમને શું સમજાયું..આતો મારું સરનામું.."
તમે કોઈને ભુલવા ઈચ્છો અને એની સાથે જોડાયેલી ખાટી-મીઠી યાદો તમારી આંખો સામે વારંવાર કોઈ ફિલ્મની રીલ ની માફક ચાલવા લાગે એવું જ કંઈ શિવ ની સાથે અત્યારે થઈ રહ્યું હતું..પોતે જે વસ્તુથી દુર ભાગી રહ્યો હતો એમ એ વસ્તુ અકારણ કોઈ ડાકુ ની માફક એની પાછળ-પાછળ એની નિરાંત ને લૂંટવા યાદો નાં અશ્વ પર સવાર થઈને ભાગી રહી હતી.આ વાત પર બે સુંદર લાઈન છે કે.
"ઘાવમાં પણ રિવાજ લાગે છે,
વાગ્યુ હોય ત્યા ફરી-ફરી વાગે છે."
ના ઈચ્છવા છતાં એ શિવ ની આંખો સામે એ સમયનું દ્રશ્ય ઉભરી આવ્યું જ્યારે શિવે પહેલી વખત એને જોઈ હતી..એ એટલે બીજું કોઈ નહીં પણ શિવ ની એ પાગલ જે શિવનાં કહ્યાં મુજબ એને સૌથી વધુ સમજતી હતી.
"હોવા માટે હતું નહીં કંઈ એટલે એમનું હોવું યાદ આવ્યું..
ફરી થી ભીંજાવી પાંપણો ફરીથી રડવું યાદ આવ્યું.
એક દિવસ રાતે મારી પથારી જોડે આવીને બેઠાં દુઃખો સઘળાં
ના એમને નીંદર આવી ના મને ઊંઘવું યાદ આવ્યું.!"
★★★★★★★★★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ નોવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)