બેઈમાન - 10 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈમાન - 10

બેઈમાન

કનુ ભગદેવ

પ્રકરણ - 10

બ્લેકમેઈલીંગનું ચક્કર !

શાંતા સરિતાને પૂછપરછ કરવા માટે મોહનલાલને ઘેર પહોચી ગઈ.

એણે તેને પોતાનો પરિચય આપ્યો.

એનો પરિચય જાણ્યા બાદ સરિતા માનભેર તેણે ડ્રોઇગરૂમમાં લઇ ગઈ. એટલું જ નહીં. કોફી પણ બનાવી લાવી.

કોફી પીતાં-પીતાં બંને વાતો કરવા લાગ્યા.

‘મિસ શાંતા ....! હું આપની તથા મિસ્ટર દિલીપની ખૂબ જ આભારી છું.’ સરિતાએ કહ્યું.

‘હા...’

‘તમારે આભાર માનવો પડે એવું ક્યું કામ અમે કર્યું છે?’

‘આપ પિતાજીને નિર્દોષ માનો છો, એટલું જ નહીં, તેમને નિર્દોષ પુરવાર કરવા માટે પણ પ્રયાસો કરો છો.’

‘અમે તો ઠીક, પોલીસ પણ હવે તમારા પિતાજીને નિર્દોષ માને છે. જરૂરી વિધી પૂરી થયા પછી તમારા પિતાજીને છોડી મુકવામાં આવશે.’

‘ખરેખર...?’સરિતાએ આનંદભર્યા અવાજે પૂછ્યું.

‘હા...’

‘મિસ શાંતા, હું આપનો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું.’

‘બસ,બસ...હવે તમે મારા સવાલોના સાચા જવાબ આપશો?’ શાંતાએ મુદ્દાની વાત પર આવતા પૂછ્યું.

‘જરૂર ...પૂછો..! હું સાચો જવાબો જ આપીશ.’ સરિતાએ મક્કમ અવાજે કહ્યું.

‘એકાદ વર્ષ પહેલા તમારા પિતાજી ગંભીર રીતે બિમાર પડી ગયા હતા. અને તેમના સ્થાને તમે એમ.જે.એકસપોર્ટની ઓફિસમાં નોકરી કરવા માટે ગયા હતા. એ વાત સાચી છે?’

‘જી, હા..સાચી છે...!’

‘અર્થાત, જેટલો વખત તમારા પિતાજી બિમાર રહ્યા, તેટલા વખત સુધી તમે જ ઓફિસે જતા હતા ખરું ને ?’

‘હા…’

‘સારું, નોકરી દરમિયાન તમારે કોઈ અણગમતા બનાવનો સામનો કરવો પડ્યો હતો? તમને કોઈ ખરાબ અનુભવ થયો હતો?’

‘ના, જરા પણ નહીં ‘

‘કંપનીના માલિક મોતીલાલ સાથે પણ તમારે કોઈ મનદુઃખ નહોતું થયું?’

સરિતાએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તમે સાચું કહો છો ને?’

‘હા...પણ વાત શું છે? જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાખોને!’

નોકરી દરમિયાન મોતીલાલની દાનત તમારા પ્રત્યે બગડી હતી, અમને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે?’

‘ના, જરા પણ નહીં. આ વાત એકદમ ખોટી છે. આવું આપને કોણે કહ્યું?’ સરિતાના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.

‘એ તો અમે નથી જાણતા. અમને એક ગુમનામ પત્ર મળ્યો હતો.’ કહીને શાંતાએ પોતાના હેન્ડ પર્સમાંથી પત્ર કાઢીને સરિતાના હાથમાં મૂકી દીધો.

સરિતા પત્ર વાંચવા લાગી.

એ જેમ જેમ પત્ર વાંચતી જતી હતી, તેમ તેમ એના ચહેરાનો રંગ બદલાતો જતો હતો.

પત્ર વાચ્યા પછી એનો ચહેરો ક્રોધથી લાલઘુમ થઇ ગયો.

‘ખોટું...એકદમ ખોટું...!’ છેવટે એ ક્રોધથી તમતમતાં અવાજે બોલી, ‘મિસ શાંતા, આ પત્રમાં જે કંઈ પણ લખ્યું છે, તે નર્યો બકવાસ છે. એક શરીફ અને ખાનદાન માણસને નાહક જ બદનામ કરવાનો ધૃણિત પ્રયાસ છે. આબરૂ લુંટવાનો પ્રયાસ કરવાની વાત તો એક તરફ રહી, તેમણે મને સ્પર્શ સુધ્ધા નથી કર્યો. ક્યારેય મારી પાસે અઘટિત માંગણી નથી કરી. મેં કામ કર્યું, એ દરમિયાન ક્યારેય તેમણે મારી સામે આંખ ઉચી કરીને પણ નથી જોયું. ક્યારેય મારા પર દાનત નથી બગાડી. તેઓ તો મને પોતાની પુત્રી સમાન માનતા હતા અને દીકરી કહીને જ બોલાવતા હતા. જયારે તેમણે મારા પ્રત્યે કોઈ અણછાજતું વર્તન કર્યું જ નથી તો પછી તેમને તમાચો મારવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે?’

‘સરિતા જયારે પોતાની વાત જણાવતી હતી ત્યારે શાંતા ખુબ જ ધ્યાનથી તેની સામે તાકી રહી હતી.

પાંચેક મિનીટ પછી સરિતા સ્વસ્થ થઇ.

‘’સારું ...હવે હું જઈશ.’ શાંતા ઉભી થતાં બોલી,’ બીજી કોઈ વાત યાદ આવે તો અમને જાણ કરજો.’ કહીને એણે દિલીપનું વીઝીટીંગ કાર્ડ તેને આપી દીધું.

સરિતાએ હકારમાં માથું હલાવ્યું.

શાંતા ત્યાંથી નીકળીને દિલીપ પાસે પહોચી ગઈ.

એણે સરિતા સાથે થયેલી વાતચીતની વિગત તેને જણાવી દીધી.

એની વાત સાંભળીને દિલીપ વિચારમાં ડૂબી ગયો.

‘શાંતા ....!’ થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે કહ્યું, ‘સરિતાએ ભયને કારણે તને સાચી હકીકત ન જણાવી હોય એવું તો નથી બન્યું ને? કદાચ મોતીલાલે તેને એ બાબતમાં ચૂપ રહેવાની ધમકી આપી હોય અને મોહનલાલની સલામતી ખાતર...’

‘ના, દિલીપ...!’ શાંતા વચ્ચેથી જ એની વાતને કાપીને મક્કમ અવાજે બોલી, ‘એણે એકદમ સામાન્ય રીતે જ વાત કરી હતી. ઉલટું એ તો મોતીલાલના વખાણ કરતી હતી. એણે જે કઈ કહ્યું છે, તે સાચું જ છે, એની મને પૂરી ખાતરી છે. ખૂનીએ આપણને અવળે માર્ગે દોરવા માટે પોતે જ આવો પત્ર લખ્યો છે. એણે ચોરી કરી, ચોકીદાર અને માધવીનાં ખૂન કરીને તેમાં મોહનલાલને સંડોવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણી દરમિયાનગીરીથી મોહનલાલ નિર્દોષ છે એમ પોલીસને પણ માનવું પડ્યું. પરિણામે ખૂનીને પોતાની યોજના પર પાણી ફરી વળતું દેખાયું. મોહનલાલને ફસાવવાની ચાલ નિષ્ફળ થતી જોઇને એણે આપણને મોતીલાલ પર શંકા જાય તેટલા માટે આવો ખોટો પત્ર લખ્યો.’

‘અને ખરેખર જ આપણે મોતીલાલ પર શંકા કરી બેઠા હતા.’

‘બરાબર છે...પરંતુ સરિતા પાસેથી આપણને સાચી હકીકત જાણવા મળી જશે એવો વિચાર એ મૂરખને નહીં આવ્યો હોય?’

‘આપણે સરિતાની વાત પર ભરોસો નહીં કરીએ. એ કોઈનાથી ભયભીત થઈને ખોટું બોલે છે એમ માનીશું ...એવું કદાચ એણે વિચાર્યું હશે.’

‘હા...એ બનવાજોગ છે.’

‘વારુ, તું મોહનલાલને મળી હતી?’

‘હા, મળી હતી. પરંતુ કોઈ ખાસ વાત જાણવા નથી મળી. તેમણે જે વાતો પોલીસને જણાવી હતી, એ જ મને જણાવી છે. શાંતાએ જવાબ આપ્યો.

‘ઓહ...!’

‘ત્યારબાદ મેં સ્કૂટર વિશે તપાસ કરી, પરંતુ એમાં પણ મારે નિરાશાનો સામનો કરવો પડ્યો.’

‘કેમ?’

‘એટલા માટે કે મોતીલાલ, અમિતકુમાર, રણજીત, દીનનાથ અને પ્રમોદ કલ્યાણી, આ પાંચેય પાસે સ્કૂટર છે.’

‘શાંતા ...!’ દિલીપે મોં બગાડતા કહ્યું, ‘ક્યારેક તો કેસમાં આગળ વધી શકાય એવો રીપોર્ટ લઇ આવ. ખેર, હવે મુદ્દાની વાત પર આવીએ.’

‘જરૂર...!’

‘જો મોતીલાલને નિર્દોષ માનીએ, અને બહારનો કોઈ માણસ ગુનેગાર ન હોય તો પછી અમિતકુમાર, રણજીત અને પ્રમોદ કલ્યાણી, આ ત્રણમાંથી જ કોઈક ગુનેગાર હોવું જોઈએ.’

‘દીનાનાથ કેમ નહીં?’

દિલીપે દીનાનાથ નિર્દોષ હોવાનું જે કારણ ખાનને જણાવ્યું હતું, એ જ શાંતાને પણ જણાવી દીધું.’

‘ખેર, તું બિચારા રણજીત પાછળ શા માટે પડી ગયો છે?’

શાંતાએ સહેજ ધૂંધવાઈને પૂછ્યું.

‘કેમ...? શું એ શંકાની પરિધિમાં નથી આવતો?’

‘આ ખૂનો કે ચોરી એણે કરી હોય એવું મને નથી લાગતું.’

‘શું એ તારો કોઈ સગો થાય છે કે ગુનેગાર ન હોય?’ દિલીપે તેણે ચીડવવાના આશયથી કહ્યું.

‘બકવાસ બંધ કરીને ભેજું દોડાવ તો બધું સમજાઈ જશે.’ શાંતા ચિડાઈને બોલી.

‘મારું ભેજું તો દોડી દોડીને ખૂબ જ થાકી ગયું હોવાથી અત્યારે આરામ ફરમાવે છે અને હું તેના આરામમાં ખલેલ પહોચાડવા નથી માંગતો. માટે જે કંઈ કહેવું હોય તે તું જ કહી નાખ!’ દિલીપે એક સિગારેટ સળગાવીને ઊંડો કસ ખેંચતાં કહ્યું.

‘તેં હાર માની લીધી છે એમ શા માટે નથી કહેતો?’

‘તું રાજી રહેતી હો ...તને સંતોષ થતો હોય તો એમ કહેવા માટે પણ તૈયાર છું.’ દિલીપ બોલ્યો.

‘તો તું તારી હાર કબૂલ કરે છે ને ?’

‘હા...હવે તો બોલ !’

‘તો સાંભળ...રણજીત, માધવીનો સાથીદાર ન હોઈ શકે.... એટલા માટે કે એના તથા માધવીના સંબધો કેવા હતા, એ તો આપણે જ જાણીએ છીએ. બને વચ્ચે જરા પણ મનમેળ નહોતો. બંને એકબીજાનું મોં જોવામાં પણ અપશુકન માનતા હતા. માધવી તો રણજીત સાથે ફિલ્મમાં જવાનું પણ પસંદ નહોતી કરતી તો પછી દસ લાખની ચોરીમાં એને કેવી રીતે સામેલ કરે? બસ, આ કારણસર જ ચોરી કે ખૂનમાં રણજીતનો હાથ હોય એવું મને નથી લાગતું.’ શાંતાએ ખુલાસો કરતાં કહ્યું.

‘તારી વાતમાં તથ્ય છે.’ દિલીપ સંમતીસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘પણ...’

‘પણ શું?’

‘પણ જો બીજી રીતે વિચારીએ તો રણજીત માધવીનો ખૂની હોઈ શકે છે.’

‘એ વળી શું?’

‘હવે તું ભેજું દોડાવ અથવા તો તારી હાર કબૂલ કર!’

શાંતા વિચારમાં ડૂબી ગઈ.

આમ ને આમ દસેક મિનીટ પસાર થઇ ગઈ.

અ દરમિયાન દિલીપે બે સિગારેટ ફૂંકી નાંખી.

‘મને તો કઈ જ નથી સૂઝતું.’ છેવટે શાંતાએ નિરાશાથી માથું હલાવતા કહ્યું.

‘તો તું તારી હાર કબૂલ કરે છે ને?’

‘હા...’

‘તો હવે મારા ભેજાની કમાલ સાંભળ! તારી વાત સાંભળ્યા પછી આપમેળે જ એ આરામમાંથી બહાર નીકળીને કામે લાગી ગયું છે. ‘દિલીપે ચપટી વગાડતાં કહ્યું, ‘સાંભળ, માધવી એક સ્ત્રી હતી એ તો રણજીત જાણતો હતો. માધવી આવારા હતી... ચરિત્રહીન હતી, એ હકીકતથી તે વાકેફ હતો. એટલે મનોમન તે માધવીને નફરત કરતો હોય એ સ્વભાવિક જ છે. ઘડીભર માટે માની લે કે એણે બારમી તારીખે રાત્રે વધારે પડતો શરાબ ઢીંચી લીધો. એ ઘેર આવ્યો અને જયારે માધવીને ઘરમાં ગેરહાજર જોઈ, ત્યારે એના ક્રોધનો પર ન રહ્યો. એના હદયમાં માધવી પ્રત્યે ક્રોધ અને નફરતનો દાવાનળ ભભૂકી ઉઠ્યો. પરિણામે એ તરત જ માધવીને શોધવા માટે નીકળી પડ્યો. હવે માની લે કે, એણે માધવીના અમરજી સ્ટ્રીટના છૂપા રહેઠાણની ખબર હતી. બીજી તરફ માધવી પોતાના પ્રેમી સાથે એમ.જે. કંપનીમાંથી ચોરી તથા ચોકીદારનું ખૂન કર્યા પછી અમરજી સ્ટ્રીટવાળા ફ્લેટ પર પહોચી. એનો સાથીદાર રસ્તામાં જ તેનાથી છૂટો પડી ગયો હશે. થોડી વાર પછી રણજીત પણ ત્યાં પહોચ્યો. અને એણે માધવીનું ખૂન કરી નાંખ્યું. બોલ, આવું બની શકે કે નહીં?’

શાંતાએ હકારમાં માથું હલાવ્યું.

‘પરંતુ આમાં અનેક વાતનો જવાબ નથી મળતો.’

‘શું?’

‘હવે જો મેં કહ્યું એમ બન્યું હોય તો સવાલ એ ઉભો થાય કે ચોરીની રકમ કોની પાસે છે?’

‘એનો જવાબ તો સ્પ્ષ્ટ જ છે.’ શાંતા બોલી.

દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘જો ખરેખર તું કહે છે એમ બન્યું હોય તો ચોરીની રકમ રણજીત પાસે હોવી જોઈએ.’

‘કેવી રીતે?’

‘રૂસ્તમની જુબાની યાદ કર ! બ્રીફકેસ માધવીની સાથે રહેલો ઓવરકોટધારી નહીં પણ માધવી પોતે જ લઇ ગઈ હતી એમ એણે પોતાની જુબાનીમાં પોલીસને જણાવ્યું હતું.’ શાંતા બોલી.’

‘કમાલ કહેવાય!’ દિલિપે પ્રશંસાભરી નજરે તેની સામે જોતાં કહ્યું, ‘આજે તો તારા શરીરમાં શેરલોક હોમ્સનો આત્મા પ્રવેશી ગયો હોય એવું લાગે છે. આ આત્માથી જેમ બને તેમ જલ્દીથી છુટકારો મેળવી લે.’

‘કેમ...?’ શાંતાએ મૂંઝવણભરી નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘એટલા માટે કે જો તારા શરીરમાંથી એનો આત્મા નહીં નીકળે તો પછી મારે રાજીનામું આપવાનો વખત આવશે.’ દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું.

શાંતા પણ હસી પડી.

‘ખેર...’ એ ગંભીર થતાં બોલી, ‘માધવીનું ખૂન કર્યા પછી રણજીતની નજર માધવીએ લાવેલી બ્રીફકેસ પર પડી હશે. કદાચ એણે તેને ઉઘાડી પણ હશે. અથવા તો એ જયારે પહોંચ્યો ત્યારે માધવી રકમ ગણતી હોય એ બનવાજોગ છે. બસ, માધવીનું ખૂન કરી, બ્રીફકેસ લઇને તે આરામથી ચાલ્યો ગયો હશે.’

‘શાંતા, એ પહોંચ્યો ત્યારે માધવી રકમ ગણતી નહીં હોય ! કારણ કે બ્રીફકેસમાં દસ લાખ રૂપિયા ભર્યા છે એ વાત તે જાણતી જ હતી તો પછી એને રકમ ગણવાની શું જરૂર પડે ? એક બીજી વાત પણ છે.’

‘શું...?’

‘એક વાત એવી ય કે જેના કારણે રણજીત શંકાની પરિધિમાંથી બહાર નીકળી જાય છે. યાદ કર ! અમરજી સ્ટ્રીટનું સરનામું આપણને પ્રમોદ કલ્યાણીનો પીછો કરવાથી જાણવા મળ્યું હતું. જો રણજીતને આ સરનામાની ખબર હોત તો અગાઉ તે ક્યારેક તો જરૂર....છેવટે માધવીનો તાગ મેળવવા માટે પણ ત્યાં જરૂર ગયો જ હોત ! અમરજી સ્ટ્રીટના એ બિલ્ડીંગમાં રહેતાં અન્ય લોકોએ માત્ર પ્રમોદ કલ્યાણી તથા અમિતકુમારને જ ત્યાં માધવી સાથે આવતા-જતાં જોયા છે. રણજીતને ક્યારેય જોયો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે રણજીત આ ફ્લેટ વિશે કશું જ નહોતો જાણતો અને એ નહોતો જાણતો એટલે એણે ત્યાં જઈ, માધવીનું ખૂન કરીને રકમ ભરેલી બ્રીફકેસ ઉઠાવી હોવાની વાત આપોઆપ જ ઊડી જાય છે. એ ફ્લેટ વિશે માત્ર અમિતકુમાર અને પ્રમોદ કલ્યાણી જ જાણતા હતા. કલ્યાણીએ પોતાના બચાવ માટે જ આઘાત લાગવાથી હોસ્પીટલમાં દાખલ થવાનું નાટક કર્યું હતું એવું રહી રહીને મને લાગે છે. બારથી બે વચ્ચે એણે શું કર્યું ને શું નહીં, એ વિશે આપણે કંઈ જ જાણતા નથી. ઉપરાંત એણે અમિતકુમાર પર ફોન કરવાનો ખોટો આરોપ મુક્યો છે. અમિતકુમારના કહેવા મુજબ એણે કલ્યાણીને કોઈ જ ફોન નહોતો કર્યો. આ બેમાંથી સાચું કોણ એ જ નથી સમજાતું. છતાંય બધા તથ્યો કલ્યાણીના ગુનેગાર હોવા તરફ સંકેત કરે છે.’

‘ખેર, તેં શું માહિતી મેળવી એ તો કહે !’

દિલીપે તેને બધી વિગતો જણાવવા માંડી.

***

રુસ્તમ ચોરની જેમ ચારે તરફ નજર દોડાવતો ચાલ્યો જતો હતો.

પછી સહસા એની નજર એક પબ્લિક ટેલીફોન બૂથ પર પડી.

વળતી જ પળે લાંબા લાંબા ડગલાં ભરીને તે બુથમાં દાખલ થઇ ગયો.

બુથનું બારણું સરખી રીતે બંધ કરીને એણે ગજવામાંથી એક નાનકડી ચબરખી બહાર કાઢી.

ચબરખી પર એક ટેલીફોન નંબર લખેલો હતો.

એણે હુક પરથી રિસીવર ઊંચકીને એ નંબર મેળવ્યો.

સામે છેડેથી જવાબ મળતાં જ એણે એક રૂપિયાનો સિક્કો કોઈન બોક્ષમાં સરકાવ્યો.

‘કોણ બોલે છે ?’ રૂસ્તમે પૂછ્યું.

સામેથી બોલનાર વ્યક્તિએ પોતાનું નામ જણાવ્યું.

‘વેરી ગુડ...!’ રૂસ્તમે કહ્યું, ‘મારા સાહેબ હું તમને જ મળવા માંગતો હતો. તમારા દર્શનનો લાભ લેવા માટે હું ખુબ જ આતુર છું. આ તમારો ટેલીફોન નંબર પણ મેં માંડ માંડ મેળવ્યો છે.’

સામે છેડેથી કંઇક કહેવાયું.

‘શું..? શું કહ્યું તમે...? હું શા માટે તમને મળવા માંગું છે એમ ...? તો મારા મહેરબાન, મારો જવાબ સાંભળી લો. હું તમારી સાથે એક સોદો કરવા માંગું છું.’

સામેથી કંઇક પૂછવામાં આવ્યું.

‘જરૂર...જરૂર...!’ એનો સવાલ સાંભળીને રૂસ્તમે ઠાવકા અવાજે કહ્યું, ‘મારો પરિચય હું તમને નહીં આપું તો બીજા કોને આપીશ ? સાંભળો, મારું નામ રુસ્તમ છે. મારું કામ નાની-મોટી ચોરીઓ કરવાનું છે. પણ મારા કદરદાન...તમે તો મારાથી એ મોટા ચોર નીકળ્યા ! તમે આવડો મોટો ઘા મારશો એની તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય ! વાહ સાહેબ...ખરેખર તમારા દિમાગને દાદ આપવી પડશે.’

ત્યારબાદ ચૂપ થઈને તે સામે છેડેથી કહેવાતી વાત સાંભળતો રહ્યો.

‘ના, સાહેબ...બકવાનું કે ભાષણ કરવાનું કામ મારું નથી. મેં ક્યારેય રાજકારણમાં રસ લીધો નથી. એટલે મને આ બધું ક્યાંથી આવડે? મને તો ભાષણનો કક્કો ય નથી આવડતો.’

એણે ફરીથી સામેની વ્યક્તિની વાત સાંભળી.

‘ના, સાહેબ...!’ છેવટે એ બોલ્યો, ‘મેં હમણાં જ કહ્યું છે તેમ મને બકવાસ કરતાં નથી આવડતો. હું તો જે હકીકત છે, એ જ જણાવું છું અને સાંભળો, તમે માત્ર ચોર જ નહીં, ખૂની પણ છો. તમે એક નહીં, બબ્બે માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે.’

સામે છેડેથી પુનઃ કંઈક કહેવામાં આવ્યું.

‘મેં કહ્યું તો ખરા સાહેબ કે મારું નામ રુસ્તમ છે અને હું પણ ચોર જ છું. પરંતુ તમારા જેટલો મોટો ચોર નથી. શું કહ્યું...? ભલા માણસ, હું તમારી પાસે આખુ મહાભારત વાંચી ગયો ને હવે તમે એમ પૂછો કે દ્રૌપદી કોણ હતી, એ કેમ ચાલે? હું જયારે તમને મારી વાત કહેતો હતો ત્યારે તમે તમારા કાન ભાડે આપી દીધા હતા કે શું? મારા સાહેબ, મારી વાત સાંભળવા માટે એક કાન તો તમારા કબજામાં રાખવો હતો? શું બોલ્યા? મને કેવી રીતે ખબર પડી એમ..!હા... હવે તમે મુદ્દાની વાત પર આવ્યા ખરા...મને થતું હતું કે આ સાહેબ, મુદ્દાની વાત પર કેમ નથી આવતા...? તો સાંભળો...અને સાંભળતી વખત તમારા હદયના ધબકારા પર કાબૂ રાખજો. જે વખતે તમે તથા માધવી દસ લાખ રૂપિયાની ચોરી કરવા માટે સાગર બિલ્ડીંગમાં પ્રવેશ્યા અને બહાર નીકળ્યા ત્યારે તમારો આ અદનો ગુલામ ત્યાં જ હાજર હતો. વાહ, સાહેબ, તમારી વાક્પટુતાને ખરેખર દાદ આપવી પડશે. જયારે માધવીએ તમને પૂછ્યું કે આ એટલે ચોકીદાર મરી ગયો હશે તો? ત્યારે તમે જવાબ આપ્યો કે એ માર્યો નથી પણ માત્ર બેભાન જ થયો છે. ચોકીદાર ઈશ્વરના દરબારમાં પહોચી ગયો છે. એ તમે જાણતા હતા. તમારું આ કરતૂત અત્યારે અઢી રાતે જોવા માટે કોણ નવરું છે એવો વિચાર તમને આવ્યો હશે. પરંતુ હું અંધારામાં સુઈને આરામથી તમારું પરાક્રમ જોતો હતો. મારી સગી આંખે મેં બધું જોયું હતું. ખેર, તમે બને બિલ્ડીંગમાંથી બહાર આવ્યા. માધવી બ્રીફકેસ લઈને ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ. તમે તમારી ફેલ્ટ હેટ, ચશ્માં વિ. કાઢીને રૂમાલથી તમારો ચહેરો લૂછતો હતો. અને સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તમારા ચહેરાના દર્શન કરી લીધા હતાં.’

એણે ચુપ થઈને સામેથી કહેવાતી વાત સાંભળી.

‘ના, સાહેબ...આ પોલીસની જાળ નથી. આપણા જેવા ચોરને તો પોલીસ સાથે બાપે માર્યા વેર છે. અને એમાંય હું તો પોલીસના પડછાયાથી પણ દસ ફૂટ દૂર રહેનારો માણસ છું. મારા મુરબ્બી, મારી વાત સાંભળીને તમારી બુદ્ધિ કુંઠિત થઇ ગઈ હોય એવું મને લાગે છે. જો આ પોલીસની જાળ હોત તો હું જયારે તમને મળવા આવ્યો ત્યારે જ તમારો ભાંડો ન ફોડી નાંખત? જો મેં એ વખતે જ તમારો ભાંડો ફોડી નાખ્યો હોત તો અત્યારે તમે આરામથી જેલના સળિયા ગણતા હોત, તમને ઓળખ્યા પછી હું શા માટે ચૂપ રહ્યો? શું કહ્યું...? મારા વડીલ, બરાબર યાદ કરો. કેપ્ટન દિલીપ તથા ડી.સી.પી. ખાન સાથે જે ત્રીજો માણસ પોલીસ કોન્સ્ટેબલના રૂપમાં આવ્યો હતો, એ હું પોતે જ હતો. હવે તો તમને મારી વાતની ખાતરી થઇ ને? હજુ વધુ પૂરાવાઓની જરૂર હોય તો સાંભળો....હું પોલીસ સાથે ભળેલો નથી. તેમ ભળવામાં મને કંઈ રસ પણ નથી. તમે મારા આવડા મોટા કદરદાન બેઠા છો પછી મારે ભળવાની શું જરૂર પડે? પોલીસ બહુ બહુ તો મને પાંચસો-હજાર રૂપિયાનું ઇનામ આપત! મારા વખાણ કરીને મને શાબાશી આપત. પરંતુ મિત્ર, માત્ર વખાણ કે શાબાશીથી પેટનો ખાડો નથી પુરતો, એના માટે પૈસાની જરૂર પડે છે. તમારી પાસેથી મને વધુ પૈસા મળવાની શક્યતા દેખાઈ... બલ્કે તમે ઓછામાં ઓછા એક-બે લાખ તો જરૂરથી આપશો એની મને પગથી માથા સુધી ખાતરી થઇ એટલે, જે રીતે પાંજરામાં પૂરાયેલો ઉંદર, પાંજરુ ઉઘાડ્યા પછી ચારેય પગે ઠેકડા મારતો નાસી છૂટે, એ રીતે તક મળતાં જ હું પોલીસના પંજામાંથી નાસી છુટ્યો છું. અને અત્યારે તો પોલીસ શિકારી કૂતરાની જેમ મને શોધવા માટે ચારે તરફ હડિયાપટ્ટી કરતી હશે.’ કહીને તે પળભર માટે અટક્યો.

થોડી પળો બાદ એણે કહ્યું, આ તો પોલીસ મને લાચાર કર્યો એટલે ન છુટકે મારે તમને સાથ આપવો પડ્યો. પોલીસને જે જે માણસો પર શંકા હતી, એ બધા પાસે મને લઇ જઈને સાચા ગુનેગારની ઓળખ કરાવવા માગતી હતી અને મારી બુદ્ધિને દાદ આપો સાહેબ, મેં તમને ઓળખ્યા પછી પણ તમારા વિશે પોલીસને કંઈ જ ન જણાવ્યું. તમે ખૂની છો એ જાણ્યા પછી પણ એને કઈ જ ન જણાવ્યું. ખેર, ફોન પર વધુ વાત કરવી યોગ્ય નથી.’

ફરી એક વાર રૂસ્તમે સામે છેડેથી કહેવાતી વાત સાંભળી.

‘ના...મારા જેવા અનાથના નાથ....!’ એણે ઠાવકાઈથી કહ્યું, ‘એવી ભૂલ તો હું સપનામાંય ન કરું. ના સાહેબ, હું તમને મળવા માટે કોઈ ઉજ્જડ સ્થળે આવી શકું તેમ નથી. જિંદગી આખી રઝળપાટ કર્યા પછી આજે પહેલી વાર લખપતિ બનવાની સોનેરી તક મળી છે. અને આ તક હું ગુમાવવા નથી માંગતો. હું સાંજે બરાબર સાત અને આઠ વાગ્યાની વચ્ચે મેટ્રો હોટલની ચાર નંબરની કેબિનમાં તમને મળીશ. જો તમે બે લાખ રૂપિયા લઈને આવો તો ઠીક છે. નહીં તો પછી હું હેડક્વાર્ટરે જઈને ખાનના પગ પકડીને તેની માફી માગી લઈશ અને તેને તમારા વિશે બધું જણાવી દઈશ.’

સામે છેડેથી કંઇક કહેવાયું.

‘હે...હે...’ રુસ્તમ હાસ્ય કરીને બોલ્યો, ‘તમે સમજદાર માણસ છો એ હું જાણતો જ હતો. તમારી પાસેથી મારે નિરાશ નહીં થવું પડે એની મને પૂરી ખાતરી હતી. મને બે લાખ આપ્યા પછી પણ તમારી પાસે આઠ લાખ રૂપિયા વધશે. આ આઠ લાખમાંથી તમે તમારે ખુશીથી જે કરવું હોય તે કરજો. મને તો મારા બે લાખ મળી જાય એટલે ભયો ભયો...! હા, તો સાંજે, બરાબર સાત-આઠ વાગ્યાની વચ્ચે મેટ્રો હોટલની ચાર નંબરની કેબીનમાં હું તમારી રાહ જોઇશ.’ કહીને એણે રિસીવર હુક પર લટકાવી દીધું.

ત્યારબાદ બારણું ઉગાડીને બૂથમાંથી એ બહાર નીકળ્યો ત્યારે એનો ચહેરો હજાર વોલ્ટના બલ્બની જેમ ચમકતો હતો.

એ નજીકમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો.

એણે પોતાને માટે નકલી નામથી એક રૂમ બુક કરાવી.

પછી રૂમમાં જઈને તે આરામથી સૂઈ ગયો.

સપનામાં પણ તેને બે લાખ રૂપિયાની નોટો જ દેખાતી હતી.

***