હોર્ન ના અવાજો આવવા માંડ્યા અને સિદ્ધાર્થ ની વિચાર તંદ્રા તૂટી .જોયું તો ગ્રીન સિગ્નલ થઈ ગયું હતું . કાર સ્ટાર્ટ કરી આગળ વધારી. મૌન રહેવું હવે સિદ્ધાર્થ માટે અસહ્ય થઈ રહ્યું હતું . તેણે આકાંક્ષા તરફ જોયું અને કહ્યું , " આકાંક્ષા ! હું કેટલાય વખત થી તને કહેવા માંગતો હતો.... પરંતુ મને કોઈ મોકો જ ના મળ્યો…"
આકાંક્ષા એ વાત વચ્ચે જ અટકાવી દીધી . " ના કહેશો ! ચાલશે !… કારણ કે… હવે આ બધી વાત નો કોઈ અર્થ જ નથી રહ્યો. જાણવું હતું મારે !! ચોક્કસ જાણવું હતું !!! અને એટલે જ મેં તમને કેટકેટલા પત્રો લખ્યા હતા. છેલ્લો પત્ર મારા લગ્ન પહેલા !!! પરંતુ તમારા તરફ થી તો કોઇ જવાબ જ નહોતો !!! તમને અંદાજો પણ નહિ હોય કે મારા દિલ પર શું ગુજરતી હતી. એક વાર ફોન નો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં પણ કોઈ જવાબ નહોતો આવ્યો. કેટકેટલાય સારા નરસા વિચારો સાથે મેં દિવસ રાત ગુજાર્યા હતા. ફક્ત એક વાર મળવુ હતું ! કારણ જાણવું હતું !!! પરંતુ હવે… આ ક્ષણે…. મને કશું જ જાણવા ની ઈચ્છા નથી … ખબર છે ! મોયરા માં જતાં પહેલાં એક અજીબ ડર પણ લાગતો હતો, અને મન માં કેટકેટલાય વિચારો આવ્યા ; ' કે કદાચ તમે આ સમયે આવી જશો તો ? કદાચ એકવાર છેલ્લે મુલાકાત થઈ જશે ! ' પરંતુ ના કોઈ તમારી ખબર ! ના તમે આવ્યા. " કહેતા કહેતા આકાંક્ષા ની આંખો માં થી આંસુ સરવા લાગ્યા.
સિદ્ધાર્થ ને મનોમન આ વાત કરવા બદલ પસ્તાવો થયો . "આકાંક્ષા ! પ્લીઝ રડીશ નહીં . મારા ઇરાદો તને દુઃખી કરવાનો સહેજ પણ નહોતો. પણ વાત નીકળી તો મને થયું કે હવે આની ચોખવટ થઈ જાય તો સારુ. મેં એટલા માટે તને લીફટ નથી આપી. તારે અત્યારે ના સાંભળવુ હોય તો કાંઈ વાંધો નહીં , હું ફરી કોઈ વાર કહીશ. પરંતુ કયા સંજોગો માં મારે એવો નિર્ણય લેવો પડ્યો …બસ ફક્ત એજ જણાવવુ હતું. " કહી સિદ્ધાર્થ એકદમ ચુપ થઇ ગયો.
થોડી વાર કાર માં એકદમ ચુપકીદી છવાઈ ગઈ. આકાંક્ષા ને અહેસાસ થયો કે કદાચ એ વધારે બોલી ગઈ. " સૉરી ! હું આવેશ માં આવી થોડુ વધારે બોલી ગઈ. કદાચ આટલા વર્ષો થી દબાયેલી વાત અનાયાસે જ બહાર આવી ગઈ. શું કહેતા હતા તમે? " આકાંક્ષા એ ખેદ વ્યક્ત કરતા કહ્યું.
" હું છેલ્લા વર્ષ માં હતો ત્યારે જ મમ્મી ને બ્રેસ્ટ કૅન્સર નું નિદાન થયું. પપ્પા ની નોકરી પણ એ વખતે છુટી ગઈ હતી. ઈલાજ , ઑપરેશન અને બીજા ખર્ચા ને પહોંચી વળવા પપ્પા એ ઘર વેચવા નો નિર્ણય કર્યો. અને અમે નાનું ઘર ખરીદ્યું. મમ્મી એ વાત ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. પરંતુ એ વખતે બીજો કોઈ વિકલ્પ નહોતો. અંદરો - અંદર આ વાત મમ્મી ને ખાઈ રહી હતી . એને લાગતું હતું કે કદાચ આ બધું એના કારણે જ થયું છે. અને તેથી જ ડૉક્ટર નાં લાખ પ્રયત્નો છતાં પણ એ બચી ના શકી.એ જીવન જીવવા ની હિંમત પહેલા જ હારી ચુકી હતી. " સિદ્ધાર્થ ના અવાજ માં ભારોભાર દર્દ હતું. " એવા સંજોગો માં મને ખબર જ નહોતી પડી રહી કે શું કરું? તને નવું સરનામું આપવા ની પણ સુઝ ના પડી. કદાચ એટલે જ તારા પત્રો મને ના મળ્યા , અને કદાચ ફૉન પણ …" કહી સિદ્ધાર્થ જાણે ડુમો ભરાયો હોય એમ એકદમ અટકી ગયો.
" આટલું બધું થઈ ગયું અને તમે મને જણાવવા નું જરુરી ના સમજ્યું. એટલી પરાઈ ગણી હતી મને? " આકાંક્ષા એ ફરિયાદ કરતાં કહ્યું.
" કદાચ મમ્મી ની બિમારી નો અને પછી મમ્મી ને ખોયા નો આઘાત મારા માટે ખૂબ જ વધારે હતો. હું સુઝબુઝ ખોઈ બેઠો હતો. તને તો ખબર જ હતી કે પપ્પા સાથે હું એટલા ખુલ્લા મન થી વાત નહોતો કરી શકતો , જેટલી મમ્મી સાથે. કાંઈ ખબર નહોતી પડી રહી અને એ વખતે જે સુઝયુ એ કર્યું, સાચા ખોટા ની સમજ વગર. પૈસા ની તકલીફે પણ ઘર નું વાતાવરણ ખૂબ ખરાબ થઈ ગયું હતું. પરંતુ સાચુ કહુ તો જ્યારે વિચાર્યું કે પપ્પા ને જણાવી તારી સાથે લગ્ન કરી લઉ અને મેં તારી ખબર લેવા નો પ્રયત્ન કર્યો , ત્યારે મને જાણ થઈ કે તારા લગ્ન થઈ રહ્યાં છે. અને એટલે જ મને ત્યાં આવવા નું હિતાવહ ના લાગ્યું. અને અંતે મેં આગળ ભણવા નું નક્કી કર્યું. મમ્મી કૅન્સર થી મૃત્યુ પામી હતી તેથી એ જ ફિલ્ડ માં આગળ ભણી બીજા કોઈ ના પરિવાર ના સદસ્ય ને બચાવી શકું તો મન ને થોડી સાંત્વના મળશે, એમ વિચારી મન ને મનાવી લીધું. " સિદ્ધાર્થે જાણે વર્ષો પછી દિલ ઠાલવ્યા ની અનુભૂતિ કરી.
આકાંક્ષા પાસે બોલવા માટે કોઈ શબ્દ જ નહોતા. બે માં થી કોઈ ખોટુ નહોતુ, કદાચ સંજોગો ખોટા હતા અને સંજોગો ના શિકાર….એ બન્ને….
આકાંક્ષા નું ઘર આવી ગયું. દરવાજો ખોલી ઉતરવા ગઈ અને કદાચ કશુંક કહેવા માંગતી હોય એમ પાછી વળી ! પરંતુ ફક્ત સ્મિત આપી બાય કહ્યું.જાણે મન માં કોઈ વાત દબાવી લીધી હોય એમ!
સિદ્ધાર્થે પણ સ્મિત આપી અને એની તબિયત ની કાળજી રાખવા કીધું. કાર ચાલુ કરી ઘર તરફ લીધી. મન માં વિચારવા લાગ્યો, 'જિંદગી પણ કેવા મોડ પર લાવી ને મુકી દે છે; ક્યારેક સાથે રહેવા ની શક્યતા હતી ; અને હવે ક્યારેક મળવા ની શક્યતા શોધાય છે. '
ઘરે પહોંચ્યો તો એના પિતાજી કિરીટભાઈ એની રાહ જ જોતા હતા.સિદ્ધાર્થ ને વહેલો આવેલો જોઈ ખુશ થઈ ગયા. કિરીટભાઈ સ્વભાવે થોડા કડક હતા , પરંતુ ઉંમરે અને પત્ની ના વિયોગે એમના સ્વભાવ માં થોડી નરમાશ આવી હતી. છતાં કોઈ કોઈ વખત એમના મૂળ સ્વભાવ ની ઝલક આવી જતી.
જમતાં જમતાં એમણે સિદ્ધાર્થ ને કહ્યું , " આ થોડા દિવસ માં બાઈ નાં હાથ નું જમી ને મને કંટાળો આવી ગયો. તું આખી જિંદગી આવી રીતે કેમ કાઢીશ ? હજી મોડું નથી થયું! કરી લે લગન! મારા તરફ થી કોઈ રોક નથી.નાતે કોઈ પણ હોય! બધું મંજૂર છે મને , પણ હવે બહુ થયું."
સિદ્ધાર્થે પૂછ્યું , " લગ્ન કરવા જરૂરી છે? "
"હા ! તારી સાર સંભાળ માટે ક્યારેક સાજો માંદો હઉ તો! સ્ત્રી વગર ઘર ઘર નથી હોતું. " કિરીટભાઈ જાણે એમના હ્દય ની વ્યથા કહી રહ્યા હતા.
" મને ખબર છે પપ્પા ! કે મમ્મી ના ગયા પછી તમને આ વાત નો અહેસાસ હંમેશા થાય છે. પરંતુ આજે મમ્મી તમારી પાસે નથી તો પણ તમારા દિવસો જાય છે ને? અને લગ્ન પછી કોઈ પ્રોબ્લેમ જ ના હોય એવું થોડું છે? "
" જાય છે દિવસો પણ… કેવી રીતે? " કિરીટભાઈ બોલ્યા.
" એજ તો હું કહેવા માગું છું. જીવનસાથી ગુમાવ્યા નું દુઃખ જીવનસાથી ના હોવા ના દુઃખ કરતાં વધારે છે. સાથી વચ્ચે થી જ સાથ છોડી દે તો જીવન હજી કાઠુ થઈ જાય છે. એના કરતાં જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ તો વધારે સારું નહિ? " કહી સિદ્ધાર્થે કિરીટભાઈ ને સમજાવા નો પ્રયત્ન કર્યો.
" તારા નાનપણ માં હું તને સમજાવી દેતો હતો. હવે તું મને સમજાઈ દવુ છું. તારી ચિંતા થાય છે એટલે ! તને સલાહ આપવી મારી ફરજ છે પરંતુ એને અનુસરવું કે નહિ એ તો તારે જ નક્કી કરવું રહ્યું. છેલ્લે તો તારી જ મરજી ! " કહી કિરીટભાઈ એ જરા નિઃસાસો નાખ્યો.
સિદ્ધાર્થ ને કોઈ શબ્દ સુઝી નહોતા રહ્યા ; બસ તેણે પોતાના પિતાજી ના હાથ પર હાથ મૂકી આશ્વાસન આપવા નો પ્રયત્ન કર્યો. કિરીટભાઈ એ પણ હવે આ વાત પર અલ્પવિરામ મુકવા નું જ વ્યાજબી સમજ્યું.
આકાંક્ષા જ્યારે ઘરે પહોંચી ત્યારે બા સોફા પર જ બેઠાં હતાં. સીધી જઈને એમની જોડે જઈને બેસી ગઈ . દમયંતીબહેને ઉપરા ઉપરી પ્રશ્નો કરી પૂછ્યું , " બધું બરાબર છે ને ? ડૉક્ટરે શું કહ્યું ? અમોલ ના આવ્યો?"
"આવતા જ હશે ? એમને કામ હતું તો ઑફિસે ગયા હતા. ડૉક્ટરે રૂટીન ચેક અપ કર્યું અને થોડી તબિયત ની કાળજી લેવા કહ્યું , બસ બીજું કાંઈ ખાસ નહિ " આકાંક્ષાએ કહ્યું .
" અનન્યા નો ફોન આવ્યો હતો. એને સારા સમાચાર છે !!! ભગવાન ખુશી આપે તોય છપ્પર ફાડીને ! એમનો જેટલો આભાર માની એ એટલો ઓછો છે! એને આટલા વર્ષે ફરી દિવસો રહ્યા છે !!! પરંતુ બે વખત મિસકૅરૅજ થઈ ગયું હતું એટલે આ વખતે ડૉક્ટરે બૅડ રેસ્ટ કરવાનું કીધું છે. અને વાત એમ છે કે એના સાસુ ની પણ તબિયત સારી નથી રહેતી. મારા મનમાં વિચાર આવ્યો કે હું ત્યાં જવું તો? પરંતુ પછી તારી સાથે કોણ હોય ? "
આકાંક્ષા એ કહ્યું , " બિન્દાસ જાવ મમ્મી જી! મારી સાથે બા છે ને, કાંઈ સલાહ સુચના આપવા માટે . અનન્યા બહેન ને આરામ ની જરૂર છે ! "
એટલા માં અમોલ આવી ગયો. દમયંતીબહેને સઘળી વાત કરી અને વહેલી તકે ટીકીટ કરાવવા કીધું.
અમોલે આકાંક્ષા ને પૂછ્યું , " તને ફાવશે ને?"
"હા, ચોક્કસ ! મારી ચિંતા ના કરશો. એવી ક્યાં કશી તકલીફ છે મને ? અનન્યા બહેનને વધારે જરૂર છે. બે વખત ખરાબ અનુભવ પછી થોડા મૉરલ સપોર્ટ ની પણ જરૂર હોય ને ! " આકાંક્ષા એ કહ્યું.
" હું તારા ખોળો ભરવા ના સમયે આવી જઈશ. એ લાહવો કેવી રીતે ચૂકાય? " દમયંતીબહેન બોલ્યા.
" પપ્પા ! તમારી જવા ની ઈચ્છા છે કે અહીં જ રહેવું છે?" અમોલે પૂછ્યું.
"ના , ના આપણે કાંઈ જવું નથી. અહીં જ ઠીક છે ! " ભરતભાઈ એ સ્પષ્ટ પણે કહી દીધું.
દમયંતી બહેન ની જવાની તૈયારી ઓ ચાલુ થઈ ગઈ.રોજ ફોન પર પૂછી ને જરૂરી ખરીદારી કરી બૅગ ભરાઈ ગયી અને ન્યુયોર્ક જવાનો દિવસ પણ આવી ગયો. દમયંતીબહેન પહેલી જ વાર જતા હતા એટલે ફ્લાઈટ માં અને તદ્દન નવી જગ્યા એ જવા ની ગભરાહટ આગળ , દીકરી ને મળવા ની ખુશી જરા દબાઈ રહી હતી. બા ની સલાહ પ્રમાણે નાળિયેર અને ફૂલ તથા શુભકામના ઓ સાથે દમયંતી બહેને પરદેશ તરફ સિધાયા.
(ક્રમશઃ)