ભેદી ટાપુ - ખંડ બીજો - 11 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ બીજો - 11

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(11)

કૂવામાં તપાસ

જૂન મહિનો બેઠો અને શિયાળાનું આગમન થયું. ઉત્તર ગોળાર્ધમાં ડિમેમ્બર મહિનામાં જેવી મોસમ હોય તેવી મોસમ દક્ષિણ ગોળાર્ધમાં જૂન મહિનામાં હોય છે. ગરમ કપડાં તૈયાર કરવાનું કપ્તાને હાથમાં લીધું. ઘેટાંઓનું ઊન કાપી લીધું.

કપ્તાન પાસે કાંતવાનાં કે વણવાનાં કોઈ યંત્રો હતાં નહીં. આથી તેણે સાદો રસ્તો અપનાવ્યો. આ રસ્તો ઊનને દબાવીને વસ્ત્રો તૈયાર કરવાનો હતો. પ્રારંભમાં ઊનને ધોવી, સાફ કરવી વગેરે પ્રાથમિક પ્રક્રિયાઓ કરવામાં આવી. ચોવીસ કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખી. પછી તેને ધોવાના સોડાથી ધોઈ નાખવામાં આવી, કેટલોક સમય તેને સુકાતાં લાગ્યો. આ રીતે કાચો માલ તૈયાર થઈ ગયો.

યંત્રોના અભાવે ઊનને દબાવવા માટે ધોધ સાથે એક ચક્કર જોડ્યું. એ ચક્કર સાથે એવી ગોઠવણ કરી કે લાકડાંનાં પાટિયાથી ઊન ધીમે ધીમે ટિપાતી જાય, જ્યારે કાપડ વણવાના મશીનોની શોધ નહોતી થઈ ત્યારે ઊનમાંથી આ પદ્ધતિથી કાપડ તૈયાર કરવામાં આવતું હતું. એથી કાપડ થોડું જાડું અને ખરબચડું બનતું હતું પણ ઠંડી સામે રક્ષણ આપવાની એની શક્તિ ઓછી ન હતી.

અંતે ગરમ કાપડ સફળતાથી તૈયાર થયું. તેમાંથી કપડાં સીવી શકાય તેમ હતું. એ ઉપરાંત ધાબળા અને ઓછાડ પણ બની શકે તેમ હતા. આ કપડા મસલીન, કાશ્મીરી, સાટીન, આલ્પાકા કે ફલાનીલ જાતનું ન હતું. એની કઈ જાત છે એ નક્કી કરવું હોય તો તેને ‘લીંકોનીયન’ એવું નામ આપી શકાય; કારણ કે એ લીંકન ટાપુમાં બનાવવામાં આવ્યું હતું. હવે તેમને 1866-67ના શિયાળાની બીક ન હતી. તેમની પાસે ગરમ કપડાં હતાં, ઓછાડ હતા અને ધાબળા હતા.

20મી જૂનથી જોરદાર ઠંડી પડવા લાગી. ખલાસીને દિલગીરી સાછે વહાણ બાંધવાનું મુલતવી રાખવું પડ્યું. ખલાસીની ઈચ્છા ટેબોર ટાપુની મુસાફરીએ જવાની હતી. જોકે હાર્ડિંગ ખાલી કૂતુહલ ખાતર કરવામાં આવતી મુસાફરી સાથે સહમત થતો ન હતો. એક તો એ ટાપુ ઉજ્જડ હતો અને બીજું અજાણ્યા સમુદ્રમાં નાના વહાણમાં મુસાફરી કરવામાં જોખમ હતું. ધારો કે તેમનું વહાણ ટેબોર ટાપુએ પહોંચે અને લીંકન ટાપુએ પાછું ફરી ન શકે, તો શું થાય?

પ્રશાંત મહાસાગર જોખમોથી ભરપૂર હતો. વિના કારણ આવું જોખમ માથે લેવું નકામું હતું.

હાર્ડિંગ અને પેનક્રોફ્ટ વચ્ચે ઘણીવાર આ બાબત વાતચીત થતી. ખલાસી આ મુસાફરી કરવાનો આગ્રહ રાખતો હતો, પણ તેને માટે તે યોગ્ય કારણો રજૂ કરી શક્તો ન હતો.

“મિત્ર પેનક્રોફ્ટ,”એ દિવસ ઈજનેરે કહ્યું. “તમે લીંકન ટાપુના ખૂબ વખાણ કરો છો, તો પછી એને છોડી દેવાની ઈચ્છા શા માટે રાખો છો?”

“કાયમ માટે નહીં.” ખલાસીએ જવાબ આપ્યો. “માત્ર થોડા દિવસ માટે. ે ટાપુ કેવો છે એ જોઈને તરત પાછું વળી જવું છે.”

“ત્યાં કંઈ છે કે નહીં તેની કોને ખબર છે?” ખલાસીએ પૂછ્યું.

“અને તમે તોફાનમાં સપડાયા તો?”

“શાંત મોસમમાં એવી કોઈ બીક નથી.” ખલાસીએ જવાબ આપ્યો. “પણ હર્બર્ટને સાથે લઈ જવાની તમારી પાસે રજા માગું છું.”

“પેનક્રોફ્ટ,” કપ્તાને ખલાસીના ખભા પર હાથ મૂકી કહ્યું.

“કંઈ અનિચ્છનીય બનાવ બને તો આપણે જીવનભર પસ્તાવાનો વારો આવે. હાર્બર્ટને આપણે પુત્રવત્ ચાહીએ છીએ.”

“એવી બીક રાખવાની જરૂર નથી, આ અંગે આપણે પછીથી ચર્ચા કરીશું.” ખલાસીએ કહ્યું. “વહાણ તૈયાર થયા પછી આપણે લીંકન ટાપુને તેમાં બેસીને એક ચક્કર મારીશું. પછી તમે મુસાફરીએ જવાની આનાકાની નહીં કરો.”

વાતચીત આ રીતે પૂરી થઈ.

જૂન મહિનામાં પહેલીવાર બરફ પડ્યો. પશુશાળામાં ખાવા-પીવાની પૂરતી સામગ્રી હતી તેથી તેથી અઠવાડિયે કોઈ ત્યાં આંટો મારી આવતું. હાર્ડિંગે બનાવેલા વ્હેલ માછલીના હાડકાંના યંત્રો જુદે જુદે સ્થળે ગોઠવી દેવામાં આવ્યાં. જ્યાં પ્રાણીઓની આવક જાવક વધારે રહેતી હોય એવે સ્થળે એ હાડકાં મૂકવામાં આવ્યાં. આ યોજના પૂરેપૂરી સફળ થઈ. શિયાળ, જંગલી ભૂંડ અને જેગુઆરા સુદ્ધાં એનો ભોગ બનતાં હતાં.

બીજે દિવસે પ્રાણીઓ મરેલાં પડ્યાં હોય. તેમનું પેટ ચીરાઈ ગયું હોય. અહીં ેક રસપ્રદ કિસ્સો નોંધવો જોઈએ. પૃથ્વીના બીજા ભાગ સાથે સંપર્ક સાધવાનો આ ટાપુના રહેવાસીઓનો એ પહેલો પ્રયત્ન હતો.

સ્પિલેચ ઘણીવાર વિચારતો કે શીશામાં કાગળ નાખીને દરિયામાં તરતો મૂકી દેવો અથવા કબૂતર દ્વારા સંદેશો મોકલપો પણ કબૂતરો કે શીશા બારસો માઈલનું અંતર કાપીને વસ્તીવાળા ખંડમાં શી રીતે પહોંચી શકે? આવી આશા રાખવી એ મૂર્ખાઈ છે.

30મી જૂને એક આલ્બેટ્રોસ નામનું પક્ષી પકડાયું. હર્બર્ટે ગોળીબાર કર્યો. અને પક્ષીના પગમાં જરાક ઈજા થઈ. આ પક્ષી પાંખો પહોળી કરે ત્યારે એક પાંખથી બીજી પાંખ સુધી તેની લંબાઈ દસ ફૂટની થતી હતી. તે પ્રશાંત મહાસાગરને પાર કરી શકતું હતું.

હાર્બર્ટને તો આ પક્ષી પાળવાનું મન થયું. પણ સ્પિલેટે સંદેશો મોકલવાની પોતાની ઈચ્છા હર્બર્ટ પાસે વ્યક્ત કરી. આ પક્ષી કોઈક વસ્તીવાળા ભાગમાંથી અહીં આવ્યું હશે. આપણે તેને છોડી મૂકશું કે તરત જ તે ત્યાં પાછું ચાલ્યું જશે. સ્પિલેટ પત્રકાર હતો. તેને આ દ્વારા ખળભળાટ મચાવી દેવાની ઈચ્છા હતી. તેણે એક પત્ર પાંચેય જણાના પરાક્રમમની વાત ટૂંકમાં લખી. જો આ વૃત્તાંત ‘ન્યૂયોર્ક હેરાલ્ડ’માં છપાય તો પત્રકારત્વની દુનિયામાં ડંકો વાગી જાય. તેણે પત્રમાં જોન બેનેટ નામના છાપાના તંત્રીનું સરનામું કર્યું.

લેખ એક વોટરપ્રૂફ કોથળીમાં મૂક્યો. તેમાં નીચે વિનંતી કરી કે જેના હાથમાં આ લેખ આવે તેણે એ ‘ન્યૂયોર્ક હેરાલ્ડ’ની ઓફિસે પહોચતો કરવો. પછી એ કોથળી આલ્બેટ્રોસ પક્ષીના ગળા સાથે બાંધી દીધી. પગ સાથે એટલા માટે ન બાંધો કે આ પક્ષીને ચાલુ સફરે દરિયાનાં મોજાં ઊપર આરામ લેવાની ટેવ છે. પછી એ પક્ષીને ઉડાડી મૂકવામાં આવ્યું.

“એ કઈ બાજુ જાય છે?” ખલાસીએ પૂછ્યું.

“ન્યુઝીલેન્ડ તરફ.” હર્બર્ટે જવાબ આપ્યો.

“તારી સફર નિર્વિધ્ને પૂરી થાઓ.” ખલાસીએ બૂમ મારી. જો કે એને આમાં સફળતા મળવાની જરાય આશા ન હતી.

શિયાળો બેઠા પછી ગ્રેનાઈટ હાઉસની અંદરના ભાગમાં કામકાજ ચાલુ રહ્યું. બીજા કામો સાથે મુખ્ય કામ તો વહાણના સઢ બનાવવાનું હતું. બલૂનના કપડાંમાંથી એ સારી રીતે તૈયાર થઈ શક્યા. જુલાઈ મહિનામાં ભારે ઠંડી પડી. પણ લાકડાં કે કોલસાની અછત ન હતી. બે જગ્યાએ રાતદિવસ તાપણું ચાલુ રહેતું.

દિવસો આનંદમાં પસાર થતા હતા; ઓરડામાં મીણબત્તી સળગતી; તાપણામાંથી ગરમી આવતી હતી; સુંદર ભોજન મળતું હતું; કોફી પીવા મળતી હતી. તમાકુની વાસ આવતી હતી. સગવડમાં કંઈ ખામી ન હતી.

તેઓ ઘણીવાર અમેરિકાની વાતો કરતા. એક દિવસ આડીઅવળી વાતચીત કરતાં સ્પિલેટે કોલસા વિષે વાત કાઢી.

“કપ્તાન, તમને નથી લાગતું કે, માણસજાતનો ઓદ્યોગિક વિકાસ એક દિવસ અટકી જશે?” સ્પિલેટે પૂછ્યું.

“અટકી જશે? “શા માટે?”

“કોલસાની અછતને લીધે.” સ્પિલેટે ઉત્તર આપ્યો. “કોલસો સૌથી કિંમતી ખનીજ છે.”

“હા, તેથી તો કોલસાની ખાણમાંથી કિંમતી હીરા નીકળે છે.” કપ્તાને કહ્યું.

“તો શું આપણે કોલસાના રૂપમાં હીરા બાળીએ છીએ?” ખલાસીએ પૂછ્યું.

“ના.”

“કોલસાનો જથ્થો એકવાર પૃથ્વી ઉપરથી ખૂટી જશે એ વાતનો તમે ઈન્કાર કરી શકો?” સ્પિલેટે પૂછ્યું.

“ના,” કપ્તાને જવાબ આપ્યો. “પણ હજી અઢીસો વર્ષ ચાલે એટલા કોલસાના ભંડાર પૃથ્વીના પેટાળમાં છે.”

“પણ તે પછી? “શું થશે? ખલાસીએ પૂછ્યું.

“માનવી કોલસાની જગ્યાએ બીજી કોઈ વસ્તુની શોધ કરશે.” કપ્તાને જવાબ આપ્યો.

“એ વસ્તુ શી હશે?” ખલાસીએ પૂછ્યું. “તમે કલ્પના કરી શકો છો, કપ્તાન?”

“હા, અમુક અંશે.”

“તો કોલસાની જગ્યાએ તેઓ શું બાળશે?” ખલાસીએ પૂછ્યું.

“પાણી.” હાર્ડિંગે જવાબ આપ્યો.

“પાણી?” ખલાસીએ નવાઈ પામીને પૂછ્યું.

“હા,” કપ્તાને જવાબ આપ્યો, “પાણી ઓકિસજન અને હાઈડ્રોજન એ બે વાયુનું બનેલું છે. એ બંને વાયુને જુદા પાડીને યંત્રમાં વધરાશે અને ઘટ્ટ સ્વરૂપમાં આ બે ગેસ કોલસા કરતાં અનેક ગણી શક્તિથી યંત્રોને ચલાવશે. આથી, ડરવાનું કોઈ કારણ નથી. પૃથ્વી પર જ્યાં સુધી વસ્તી છે ત્યાં સુધી નવી નવી શોધખોળ થતી રહેશે. અને પ્રકાશ કે ગરમીની અછત કદી પણ પડશે નહીં.”

બરાબર આ સમયે વાતચીત અધૂરી રહી. ટોપ જોરજોરથી ભસતો હતો. તે કૂવાના ઢાંકણા પાસે ગોળ ગોળ ચક્કર ફરતો હતો. અને જપ પણ ઘૂરકિયાં કરતો હતો.

“આ કૂવાનું જોડાણ દરિયા સાથે છે અને કોઈ દરિયાઈ પ્રાણી આ કૂવામાં વારંવાર શ્વાસ લેવા આવે છે.” સ્પિલેટે કહ્યું.

“તે દેખીતું છે.” ખલાસીએ જવાબ આપ્યો. “એ સિવાય આ વસ્તુનો બીજો કોઈ ખુલાસો થઈ શકે તેમ નથી.”

કૂતરાને શાંત કરવામાં આવ્યો અને જપને તેના ઓરડામાં જવાનું કહ્યું. જપ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો, પણ ટોપ ત્યાંને ત્યાં રહ્યો અને રાતના બાકીના ભાગમાં વચ્ચે વચ્ચે ભસતો રહ્યો. આ અંગે કંઈ વધારે વાતચીત ન થઈ પણ હાર્ડિંગના ભવાં સંકોચાયાં.

જુલાઈ મહિનાના બાકીના ભાગમાં વરસાદ પડતો રહ્યો, અથવા કરા પડતા રહ્યા. ગયા શિયાળા જેટલી ઠંડી ન પડી. પણ પવનના અને કરાના તોફાનો વારંવાર થતાં રહ્યાં, સમુદ્રમાં પણ તોફાની હવા સતત ચાલુ રહી. પાણી ગુફામાં ઘૂસી ગયું. સમુદ્રનાં મોજાં ગર્જના સાથે ગ્રેનાઈટ હાઉસની દીવાલ સાથે અથડાતાં રહ્યાં.

ગ્રેનાઈટ હાઉસની બારીમાંથી સમુદ્રમાં ઉછળતા લોઢને તેઓ જોઈ શકતા. મોજાંઓ કિનારા સાથે અથડાઈને ફીણ ફીણ થઈ જતાં. અને આખો કિનારો ફીણથી ઉભરાઈ જતો. ઘણીવાર તો મોજાં અથડાતાં તેના છાંટા સો ફૂટ સુધી ઊંચાઈએ પહોંચતા. આ ઉપરથી દરિયાના તોફાનની ઉગ્રતાનો ખ્યાલ આવશે.

તોફાન ચાલુ હોય ત્યારે બહાર નીકળવું મુશ્કેલ અને જોખમી હતું. મોટાં મોટાં ઝાડ મૂળમાંથી ઊખડી પડતાં હતાં. આમ છતાં દર અઠવાડિયે એકાદ જણ પશુશાળાની મુલાકાતે જઈ આવતું. સદ્દભાગ્યે પવનના તોફાનની અસર પશુશાળા પર ખાસ થઈ ન હતી. કારણ કે પશુશાળા પર્વતની ઓથમાં આવેલી હતી. પણ કૂકડા ઘરને સારા પ્રમાણમાં નુકસાન થયું હતું. કબૂતરના રહેઠાણનાં છાપરાં બે વખત ઊડી ગયાં હતાં. આ બધાનું સમારકામ કરવું જરૂરી હતું.

લીંકન ટાપુ પ્રશાંત મહાસાગરમા એવે સ્થળે આવેલો હતો. જ્યાં સૌથી વધારે તોફાનો કેન્દ્રિત થતાં હતાં. ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં ઋતુ શાંત બની ગઈ પણ ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું. થર્મોમિટરમાં પારો શુન્યની નીચે આઠ અંશ ફેરનહીટ સુધી પહોંચ્યો.

3જી ઓગસ્ટે ટાપુના દક્ષિણ ભાગ તરફ એક પ્રવાસ યોજવામાં આવ્યો. આ પ્રવાસ ગોઠવવાની ચર્ચા ઘણા દિવસથી થતા કરતી હતી. પાણીના પક્ષીઓનો શિકાર કરવાની મજા આવશે એમ સૌ માનતા હતા. જંગલી બતક અને એવાં બીજાં પ્રાણીઓ ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતાં. આખો દિવસ ત્યાં ગાળવાનું નક્કી થયું. એક કપ્તાન હાર્ડિંગ સિવાય બધા જ આ પ્રવાસમાં જોડાયા. કપ્તાને કંઈ કામનું બહાનું કાઢી ગ્રેનાઈટ હાઉસમાં એકલા રહેવાનું પસંદ કર્યું.

બધા શિકારીઓ પોર્ટ બલૂનની દિશામાં રવાના થયા. તેમણએ સાંજ સુધીમાં પાછા આવી પહોંચવાનું વચન આપ્યું હતુ. ટોપ અને જપ તેમની સાથે હતા. જેવા તેઓ મર્સી નદીનો પુલ વટાવીને આગળ ગયા કે તરત જ ઈજનેરેતે પુલ ઊંચો કરી નાખ્યો અને તે પાછો ફર્યો. હવે તેણે એકલા રહીને જે યોજના પાર પાડવાની હતી તેનો અમલ શરૂ કર્યો.

આ યોજના ગ્રેનાઈટ હાઉસમાં આવેલા કૂવાની તપાસ કરવાની હતી. કૂવાનું મોઢું ગ્રેનાઈટ હાઉસમાં હતું અને તેનું જોડાણ સમુદ્ર સાથે હતું. આ પહેલાં સરોવરનું પાણી એ રસ્તે સમુદ્રને મળતું હતું.

શા માટે રોચ કૂવાની આસપાસ ચક્કર મારે છે? શા માટે તે વિચિત્ર રીતે ભસે છે? શા માટે જપ ટોપની ચિંતામાં જોડાય છે? આ કૂવાને સમુદ્ર સિવાય બીજાં કોઈ સ્થળો સાથે જોડાણ છે? કૂવામાં બીજા રસ્તા છે જે દ્વારા ટાપુના અન્ય ભાગમાં પહોંચી શકાય? આ બધા પ્રશ્નોના ઉત્તર જાણવાની કપ્તાન હાર્ડિંગની ઈચ્છા હતી. આથી તેણે સંકલ્પ કર્યો કે સાથીદારોની ગેરહાજરીમાં કૂવામાં ઉતરવું; અને તેની ઝીણવટભરી તપાસ કરવી. એ માટેની તક અત્યારે સાંપડી હતી.

કૂવાના તળિયા સુધી પહોંચવું સાવ સહેલું હતું. કપ્તાન પાસે દોરડાની નિસરણી હતી. લિફ્ટ મૂક્યા પછી તેનો ઉપયોગ થતો ન હતો. ઈજનેરે એ સીડીને કૂવામાં ઊતારી. કૂવાનો વ્યાસ સાઈઠ ફૂટ હતો. સીડીને કૂવાના ઉપરના ભાગમાં મજબૂત રીતે બાંધી દીધી. પછી ફાનસ સળગાવીને, રિવોલ્વોર લઈને અને એક મોટું ખંજર કમરપટામાં લટકાવીને તે કૂવામાં ઊતર્યો.

કૂવાની દીવાલો આખી હતી. પણ વચ્ચે વચ્ચે પગ મૂકી શકાય તેવા ખાંચા હતા. આ ખાંચાની મદદથી કોઈ પ્રાણી નીચેથી કૂવાના મથાળા સુધી ચડી શકે. ઈજનેરે આ વસ્તુની નોંધ લીધી. ફાનસનું અજવાળું ફેંકીને ઈજનેરે ખૂબ ઝીણવટથી જોયું તો તાજેતરમાં કોઈએ આ ખાંચાનો ઉપયોગ કર્યો હોય એવું દેખાયું નહીં. આ અગાઉ ક્યારેય પણ તેનો ઉપયોગ થયો હશે એવી કોઈ નિશાની જોવા મળી નહીં.

સાયરસ હાર્ડિંગ કૂવામાં ઊંડો ઊતર્યો, તે કૂવાની બધી બાજુ ઉપર ફાનસનો પ્રકાશ ફેંકતો હતો.

તેનું કશું જ શંકાસ્પદ ન દેખાયું.

જ્યારે ઈજનેર કૂવાને તળિયે પહોંચ્યો, તો પાણી તદ્દન શાંત હતું. પાણીની સપાટી પાસે કે કૂવાની કોઈ પણ દીવાલમાં બહાર જઈ શકાય એવું કોઈ કાણું જોવા ન મળ્યું. હાર્ડિંગે ખંજરના હાથાથી દીવાલોને ઠપકારી જોઈ. એકેય દીવાલ પોલી ન હતી. દીવાલ મજબૂત કાળા પથ્થરની બનેલી હતી. એ દીવાલમાંથી કોઈ જીવંત પ્રાણી માર્ગ કાઢી શકે નહીં.

કૂવાને તળિયે આવવું અને પછી કૂવાને મથાળે ચડવુ; એ પહેલાં કિનારાની નીચે જમીન સોંસરવા કૂવા સુધી પહોંચવું પડે. કૂવાને જે રસ્તે દરિયા સાથે જોડાણ હતું, તેમાંથી પસાર થયા વિના કોઈ પણ પ્રાણી દરિયામાંથી કૂવા સુધી પહોંચી ન શકે. કૂવાને દરિયા સાથે જોડતા રસ્તાને બુગદો કહી શકાય. આ બુગદો સમુદ્રમાં ક્યે સ્થળે ઊઘડતો હશે? એ સ્થળ સમુદ્રમાં કેટલું ઊંડું હશે? આ પ્રશ્નોના જવાબ અત્યારે મળી શકે એમ ન હતા.

પછી કપ્તાન હાર્ડિંગ તપાસ પૂરી કરીને પગથિયાં ચડવા લાગ્યો. ઊપર આવીને સીડી ખેંચી લીધી. કૂવા ઉપર ઢાંકણું કાઢી દીધું અને ભોજન ખંડમાં વિચાર કરતો પાછો ફર્યો. તે મનમાં એટલું બોલ્યો....

“મને કંઈ દેખાયું નહીં. છતાં અંદર કંઈક તો છે જ.”

***