ઘરમાં રહેલું બાળક બોલે નહીં, તોફાન ન કરે, રમવા ન જાય, આખો દિવસ મેનર્સનું પુંછડું પકડીને ફરતું રહે. આપણે કઈ પેઢીનો વિકાસ કરી રહ્યા છીએ. આવી હરિફાઈ કે વિકાસને શું ચાટવાના. મારું બાળક એવરેજ છે તેના 80 ટકા આવે છે, તેને મ્યૂઝિકમાં રસ નથી, તે સ્વિમિંગ કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં જતું નથી પણ હા તેને દરરોજ રમવા જોઈએ છે. આ વાત સહન થતી જ નથી.
તમારા બાળકમાં ટેલેન્ટ કેટલું ? તે કેટલો સારો ડાન્સ કરી શકે? કે પછી તે કેટલી સારી એક્ટિંગ કરી શકે અથવા તો તેનું સિંગિંગ સારું છે? તેને સ્વિમિંગ આવડે છે કે નહીં, તેને સ્પોર્ટ્સમાં કેટલો રસ છે? તે સ્કૂલમાં ટોપર છે કે નહીં? તે કેટલી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરતું હોય છે?
તમે કોઈપણ સ્કૂલમાં પ્રવેશ કરો અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમની પ્રાયમરી સ્કૂલમાં પ્રવેશ કરો ત્યારે ઉત્તર કોરિયાના અણુ અખતરાઓ જેવી આધુનિક મમ્મીઓની સવાલોની મિસાઈલો ઉડાઉડ કરતી હોય છે. ક્યારેક સમય લઈને આવી સ્કૂલમાં આંટો મારી આવજો તમને ક્યારેક અહોભાવ થશે તો ક્યારેક આશ્ચર્ય થશે તો ક્યાંક ભય અને ક્યારેક ગુસ્સાનો રસ જાગશે. ક્યારેક આનંદ તો ક્યારેક દુઃખની લાગણી પણ અનુભવાશે... તેમાંય આવી મમ્મીઓની ગુજલિશ અને હિંગ્લિશ અંગ્રેજી સાંભળશો ત્યારે તમને જે વેદના થશે તે વેદના અને પીડા તો કદાચ ભીષ્મ પિતામહને બાણશૈયા ઉપર સુતા સુતા સમગ્ર મહાભારત જોતા નહીં થઈ હોય એવી હશે. આ આધુનિક મમ્મીઓ. પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજીમાં જ ટોકિંગ કરવાનું .... બાપ રે.... ટોક ઈન ઈંગ્લિશ... વોક ઈન ઈંગ્લિશ... થોટ ઈન ઈંગ્લિશ.... મારપીટ ઈન ઈંગ્લિશ.... દયા આવી જાય. આ બધામાં એક વાત સ્વીકારવી રહી કે ક્યાંય લાગણીની ઉણપ હોતી નથી પણ હા સામાજિક હોડમાં જોડાવાનો દંભ ચોક્કસ હોય છે.
જો તમે સંવાદ સાંભળો તો એક મમ્મી કહેશે આજે તો મારો આખો દિવસ હેક્ટિક છે. બીજી કહેશે મારેય એવું જ છે. ત્રીજી બોલી પડશે, કેમ આજે શું છે... હકિકતે તે પહેલી મમ્મી પોતાની વ્યસ્તતા અને પોતાના બાળકની વ્યસ્તતા અંગે બીજાને જણાવવા માગતી હોય છે પણ તેને ઈચ્છા હોય છે કે અન્ય વ્યક્તિ જિજ્ઞાસા સાથે સવાલ કરે. બસ સવાલ સાંભળતા જ શરૂ કરશે બોલવાનું. અરે યાર વાત જવા દે ને... અહીંથી ઘરે જઈશું... પછી બે વાગ્યે મારા હિમાંશુના ટીચર ઘરે આવશે. ચાર વાગ્યે તે જશે અને સાડા ચારે અમે જઈશું સ્વિમિંગમાં. પહેલી તારીખથી જ શરૂ કરાવ્યું છે. અમારી બાજુમાં બે-ચાર છોકરા જતા હતા તો હિમાંશુએ પણ જીદ કરી એટલે મુકી આવી. જે દોઢ કલાક કંઈક શીખે. પછી સાંજે છ વાગ્યે તો આપણે કરાટે હોય છે જ. સાડા સાત સુધી આજે તો નવરી પડીશ જ નહીં. હવે ખાલી મંગળવાર અને ગુરુવાર બે દિવસ ખાલી છે. મારી ઈચ્છા છે તે દિવસે ડાન્સ અથવા તો મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ કે પછી મેન્ટર એરિથમેટિક શીખવા મોકલી દઉં. છોકરાઓમાં ટેલેન્ટ તો હોવું જ જોઈએ.
હવે બીજી મમ્મી અહીંથી વાત આગળ શરૂ કરશે. સાચી વાત છે. હવે કંઈ માત્ર ભણવાથી કશું થવાનું નથી. છોકરાઓમાં એક્સ્ટ્રા કરિક્યુલર ટેલેન્ટ પણ હોવું જ જોઈએ. આજે જૂઓ છોકરાઓ કેવા કરાટે, મ્યૂઝિક, ક્રિકેટ, ડાન્સ અને અન્ય ક્ષેત્રમાં નાની ઉંમરે પોતાનું ટેલેન્ટ રજૂ કરે છે. આપણા છોકરાઓને તે ન આવડે તો પાછળ રહી જાય. ખાસ કરીને જ્યારે ક્લબમાં, પાર્ટીમાં કે પછી પ્રસંગે લોકોને મળવાનું થાય ત્યારે મોટાભાગે બધાના છોકરાઓ કોઈને કોઈ એક્ટિવિટીમાં જતા હોય છે. હવે આપણે એમ કહીએ કે આપણું છોકરું કશું નથી કરતું તો કેવું લાગે. આ લગભગ રોજિંદો ક્રમ હોય છે.
આ સુપર ટેલેન્ટેડ મમ્મીઓ બાળકને લઈને ક્લાસમાંથી બહાર નીકળતાની સાથે જ બેગ ખોલવા માંડે છે...ચોપડા હાથમાં આવી જશે અને કેટલા માર્ક આવ્યા અને કેવું લખ્યું તેની જીભાજોડી શરૂ થશે. એક માર્ક ક્યાં કપાયો તારો.... આટલું બોલતા એક ધબ્બો પેલાના બરડા ઉપર પડી જશે. તને યાર આટલું નથી આવડતું... ચાર દિવસથી શીખવાડતી હતી. ત્યાં બીજી બુમ મારશે... અરે આ તે શું કર્યું. તને મોન્યુમેન્ટનો સ્પેલિંગ નથી આવડતો... અહીંયા પણ વાક્ય અધુરું લખ્યું છે. તું કરે છે શું આખો દિવસ સ્કુલમાં... આ બાળકો બીચારા હજી તો પહેલા ધોરણ કે બીજા ધોરણમાં ભણતા હોય છે.
આ દ્રશ્ય જોઈને આપણને દયા આવી જાય. બિચારું પહેલાં ધોરણમાં ભણતું પરાણે છ વર્ષનું બચ્ચું કેટકેટલી આવડતો કેળવે. એ બાળકની મમ્મી સામે જોઈએ તો એમનેમ ખબર પડી જાય કે આ બહેને પરાણે ગ્રેજ્યુએશન કર્યું હશે અને એ પણ એટિકેટીનું બિરુદ જાળવીને આગળ વધ્યા હશે. દંભની દોડમાં અવ્વલ રહેવા દોડતી આ મમ્મીઓને તેમના બાળકને પહેલા કે બીજા ધોરણ પછી સીધું આઈએએસ કે આઈપીએસ તરીકે જ પોસ્ટિંગ મળવાનું હોય તેવી વાતો કરતી હોય છે.
આ કોમ્પિટિશન, આ દેખોડા, આ હરિફાઈઓ, આ ટેલેન્ટ ખરેખર બાળકને વિકાસ તરફ લઈ જવાની નહીં પણ તમારા ઈશારે કામ કરનારા રોબોટ બનાવવાની ઉત્ક્રાંતિ છે. ઘરમાં રહેલું બાળક બોલે નહીં, તોફાન ન કરે, રમવા ન જાય, આખો દિવસ મેનર્સનું પુંછડું પકડીને ફરતું રહે. આપણે કઈ પેઢીનો વિકાસ કરી રહ્યા છીએ. આવી હરિફાઈ કે વિકાસને શું ચાટવાના. મારું બાળક એવરેજ છે તેના 80 ટકા આવે છે, તેને મ્યૂઝિકમાં રસ નથી, તે સ્વિમિંગ કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં જતું નથી પણ હા તેને દરરોજ રમવા જોઈએ છે. આ વાત સહન થતી જ નથી.
આપણે માની લઈએ કે હાલનો જમાનો આધુનિક છે, રોકેટ ગતિએ આગળ વધે છે, ગળાંકાપ સ્પર્ધા છે... બધું જ છે પણ બાળકને તેની સાથે શું લેવા દેવા. ચાર-પાંચ વર્ષનું બાળક જેને પરિક્ષામાં 95 ટકા ઉપર જ લાવવા એવું ક્યાંય બર્થસર્ટિ સાથે લખાઈ આવ્યું હતું. માતા-પિતા પોતે સામાન્ય હોય અને બાળકને રેન્કર થવા ઢોર માર માર્યા કરે તો શું માનવાનું. ઉત્તરાયણનો સમય હોય સાંજે બધા ટેરેસ પર પતંગો ચગાવતા હોય અને પાંચ વર્ષના બાળકને તમે સબસ્ટ્રેક્શન કે એડિશન કરાવતા હોય ત્યારે તેને રસ ન હોય તે સ્વાભાવિક છે. તેને તે સમયે પતંગનું જ એટ્રેક્શન હોય.
જીવનના શરૂઆતના આ પાંચ- છ વર્ષ બાળક માટે ખૂબ જ મહત્વના હોય છે. તેને ઘરમાં, શાળામાં અને સમાજમાં જે જોવા મળે છે, જે તેની સાથે થાય છે તે બધું જ તેના માનસપટ પર અંકિત થતું જાય છે. શાળાઓ, કોલેજો અને તમામ શિક્ષણ સંસ્થાઓ એ હદે વ્યાવસાયિક બની ગઈ છે કે, બાળકને જીવનનું સાચું શિક્ષણ ઘર વગર મળવાનું નથી. આધુનિક માતા-પિતાઓ જે વેલ એજ્યુકેટેડ છે, વેલ બિહેવ્ડ છે અને વેલ સિવિલાઈઝ્ડ છે તેઓ બધું જ જાણે છે, વાંચે છે અને સમજે છે પણ અપનાવતા નથી. ખાલી એક વખત અરિસામાં જોઈ પોતાની જાતને સવાલ કરજો કે તમે જે તમારા બાળક પાસે જે અપેક્ષાઓ રાખો છો તે તમે ક્યારેય પૂરી કરી શક્યા છો. તમે ક્યારેય તમારા માતા-પિતાની અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા છો ? જવાબ મળે તો જાતને જણાવજો. નીદા ફાઝલીએ બાળકો અને માતાપિતા વચ્ચે રહેલાં જનરેશન ગેપ, અપેક્ષાઓ, આશાઓ વગેરેને પૂરા કરવાની લ્હાયમાં વિસરાતા બાળપણને બચાવવા લખ્યું છે,
બચ્ચોં કે છોટે હાથો કો ચાંદ સિતારે છુને દો,
ચાર કિતાબે પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે
- ravi.writer7@gmail.com