(ગયા પ્રકરણમાં આપે વાંચ્યું કે ડેન્વર્સ કેર્યુંની હત્યા કર્યા પછી, જેકિલને હાઇડના અમાનુષી કૃત્ય બદલ જબરદસ્ત પસ્તાવો થયો હતો. બાદમાં તેણે, ફરી ક્યારેય હાઇડ ન બનવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. હવે આગળનું કબૂલાતનામું જેકિલના શબ્દોમાં...)
ડેન્વર્સ કેર્યુંની હત્યાના સમાચાર બીજા દિવસે ‘જંગલમાં આગ’ની જેમ પ્રસરી ગયા હતા. હત્યા કરનાર હાઇડ હતો તે પણ જાહેર થઈ ચૂક્યું હતું. લોકોમાં એટલો આક્રોશ ફાટી નીકળ્યો હતો કે હાઇડ ક્યાંક દેખાઈ જાય તો લોકો તેને રસ્તા પર જ મારી નાખે અથવા ફાંસીએ ચડાવી દે. માટે, હાઇડ પાસે છુપાઈ રહેવા (જેકિલ બની રહેવા) સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. આ વાતથી મને આનંદ થયેલો ; તે એટલા માટે કે હવે ગમે તેવા આવેગ ઊભા થાય તો ય પકડાઈ જવાની બીકે હું હાઇડ બનવાનો ન્હોતો.
પછી, હું મારા ભૂતકાળને ભૂલવા વર્તમાનમાં વ્યસ્ત રહેવા લાગ્યો. તેનાથી મને સકારાત્મક ફાયદો પણ થયો. તું જાણે છે કે વચ્ચે હું અતડો અને ચિંતિત રહેતો હતો, પણ પછી બધા સાથે હળવા-મળવા લાગ્યો હતો. જોકે, મારા માટે તે સારું જ હતું. સાચું કહું તો આ વખતે મને એકધારું જીવન જીવવાનો કંટાળો આવતો ન્હોતો, ઊલટું, હું તે બધું વધુ ઉલ્લાસથી માણી રહ્યો હતો.
આ કારણથી મને લાગેલું કે હવે વાંધો નહીં આવે, પણ પવનની ફૂંક વાગતા અંગારો આગ ઓકવા લાગે તેમ સમયની ફૂંક વાગતા ભીતરની વિકૃતિઓ બેઠી થવા લાગી હતી. થોડા દિવસ મેં તેની ઉપેક્ષા કરી, પણ પસ્તાવાની ધાર બુઠ્ઠી થતી ગઈ તેમ તેમ અંદરનો શેતાન ઓર તાકાત કરવા લાગ્યો. બાદમાં તેનું જોર એ હદે વધ્યું કે માણસ સ્થિરતા ગુમાવી બેસે. જોકે, એટલું સારું હતું કે હાઇડ બનવાના વિચાર માત્રથી મને ફાંસીનો માંચડો દેખાતો હતો, માટે દ્રાવણ પીવાની તો હિંમત જ ક્યાંથી થાય ! તો ય મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી ; એક બાજુ દ્રાવણ પીવાની, હાઇડ બનવાની ઇચ્છા જોર કરતી હતી તો બીજી બાજુ તેવા વિચારોથી હું ભડકી જતો હતો. સરહદ પર ચાલતા યુદ્ધની જેમ મારી અંદર પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો.
આમ ને આમ દિવસો વીતવા લાગ્યા અને જાન્યુઆરી મહિનાની એક સવારે મને ચાલવા જવાની ઇચ્છા થઈ. તે દિવસે વાતાવરણમાં ઠંડીનો ચમકારો હતો, છતાં આકાશ વાદળ વગરનું સાફ હતું. સૂર્યનો કૂણો તડકો તન-મનને ઉષ્મા આપે તેવો હૂંફાળો હતો અને ધુમ્મસ ઓગળીને બેસી ગયું હતું. આથી, મેં એક લાંબુ ચક્કર માર્યું અને રીજન્ટ પાર્કની બેંચ પર જઈને બેઠો. ત્યાં આસપાસ માણસો ઓછા હતા અને વાતાવરણમાં શાંતિ ફેલાયેલી હતી. જોકે, બહાર શાંતિ હોય એટલે અંદર ય શાંતિ હોય એવું જરૂરી નથી. ખબર નહીં કેમ પણ મારી અંદરનો જાનવર તે દિવસે વધુ જોરથી કૂદકા મારી હતો, તે મને તોડવાનો પ્રયાસ કરતો હતો. સામે પક્ષે આધ્યાત્મિક ભાગ ઝોકું મારી રહ્યો હોય તેમ ગેરહાજર હતો અને હું ય થાક્યો હતો. છેવટે મેં તેને કહ્યું, ‘તારે મનથી જે ભોગવવું હોય તે ભોગવ, હું વિરોધ કરવાનો નથી...’ મને એમ કે મનને છૂટ આપવાથી શું થઈ જશે, હું જેકિલના દેહમાં છું અને જાહેર જગ્યાએ બેઠો છું એટલે કંઈ થવાનું નથી. પણ ત્યાં જ મારી ચૂક થઈ, હું ભૂલી ગયો હતો કે હાથી સોમરસ પી જાય તો બેકાબૂ બની જતો હોય છે. પછી તો મનની ગાડી વિકૃતિના પાટા પર એવા વેગથી ચાલી કે હું દેહથી જ જેકિલ રહ્યો, મનથી તો હાઇડને ય શરમાવે તેવો શેતાન બની ગયો.
તેનું પરિણામ એ આવ્યું કે મને અચાનક ઊબકા આવવા લાગ્યા, આફરો ચડ્યો હોય તેમ જીવ ચૂંથાવા લાગ્યો અને આખું શરીર ધ્રૂજવા લાગ્યું. તે એટલું તીવ્ર હતું કે થોડી જ વારમાં હું બેહોશ થઈ ગયો. પછી ભાનમાં આવ્યો ત્યારે અનુભવાયું કે મારો સ્વભાવ બદલાઈ ગયો છે, વિચારો આક્રમક થઈ ગયા છે અને દિલોદિમાગમાંથી ભય ચાલ્યો ગયો છે. જવાબદારીઓના તમામ બંધન ફગાવી દીધા હોય તેમ હું મુક્તતા અનુભવી રહ્યો હતો. મેં નીચે જોયું તો ગોઠણ પર ટેકવેલા મારા હાથ પર કાળી રૂંવાટી હતી અને તે બેડોળ બની ગયા હતા. બીજી બાજુ કપડાં, શરીર પર લટકી રહ્યા હતા. હા, હું હાઇડ બની ગયો હતો. ઘડી પહેલા હું સલામત હતો, પૈસાદાર હતો, આબરૂદાર હતો, પણ એક જ સેકન્ડમાં હું એ ગુનેગાર બની ગયો હતો જેને આખી દુનિયા શોધી રહી હતી. આ તો સારું થયું કે હું પાર્કના એવા ખૂણામાં બેઠો હતો જ્યાં એક પણ માણસની હાજરી ન્હોતી ; બાકી કોઈએ મારામાં આવેલું પરિવર્તન જોઈ લીધું હોત તો તેણે ચોક્કસ પોલીસ બોલાવી હોત !
તો ય હું ફસાયો તો હતો જ. દ્રાવણ બનાવવાના રસાયણો લેબોરેટરીની કૅબિનમાં હતા અને લેબોરેટરીની ચાવી કૅબિનની ચાદર નીચે હતી. હવે હું હાઇડ સ્વરૂપે ઘરે જાઉં તો મારા (જેકિલના) જ નોકરો મને પોલીસના હવાલે કરી દે. તો કરવું શું ? પરિસ્થિતિ એવી સર્જાઈ કે હું હાથ ઘસતો રહી ગયો. પછી બહુ વિચારતા લાગ્યું કે આમાં લેનીયન મદદરૂપ થઈ શકશે. પણ તેનો સંપર્ક કેવી રીતે કરવો ? માની લઈએ કે હું શેરીમાં ફરતાં લોકોની નજર ચૂકાવી લેનીયનના ઘરે પહોંચી જાઉં, પણ તે મને અજાણ્યો જાણી ઘરમાં ન પેસવા દે તો ? મને મળવા તૈયાર જ ન થાય તો ? આથી, મને મારું મૂળ સ્વરૂપ યાદ આવ્યું. ભલે મારો દેખાવ બદલાયો હતો, પણ અક્ષરો તો જેકિલના જ હતા ને ! બસ આ વિચાર ઝબકતાં જ, મારા દિમાગમાં ‘હવે શું કરવું’ની આખી યોજના ઘડાઈ ગઈ.
બાદમાં મેં મારા કપડાં સંકોર્યા અને રસ્તા પર પસાર થતી ઘોડાગાડી રોકી. ઘોડાગાડીવાળો ઊભો તો રહ્યો, પણ હાઇડને જોઈ હસવા લાગ્યો. મેળજોળ વગરના મોટા કપડામાં હાઇડ વિદૂષક જેવો લાગતો હતો. તેને જોઈ કોઈને પણ હસવું આવે તેવું હતું. પરંતુ, હાઇડે ઘોડાગાડીવાળાની ફેંટ પકડીને એવો ધમકાવ્યો કે તેના ચહેરા પરથી હાસ્ય જ ઊડી ગયું. હાઇડના વર્તનથી તે એટલો ડરી ગયો કે પૉર્ટલેન્ડ સ્ટ્રીટની સોફિયા હોટેલ સુધી મૂંગો બેસી રહ્યો.
બને ત્યાં સુધી સોફિયા હોટેલ પર કોઈ આવતું જતું નથી એટલે હાઇડે જાણી જોઈને ગાડી ત્યાં લેવડાવી હતી. બાદમાં, ઘોડાગાડીવાળાના પૈસા ચૂકવી તે હોટેલમાં પ્રવેશ્યો. હોટેલના કર્મચારીઓ પણ તેનો હાસ્યાસ્પદ દેખાવ જોઈને ભડક્યા, પણ સૌજન્ય દાખવી નીચી મુંડી રાખી કામ કરતા રહ્યા. કાઉન્ટર પર બેઠેલા માણસે હોટેલ રજિસ્ટરમાં હાઇડનું નામ નોંધ્યું (જોકે અહીં હાઇડે ખોટું નામ લખાવ્યું હતું) અને પછી બેલબોયને મોકલી હાઇડને તેનો રૂમ બતાવ્યો. હાઇડે નોકરને ટિપ આપતા કહ્યું કે તેને કાગળ, પેન, પરબીડિયું, વગેરે લખાપટ્ટી કરવાનો સામાન જોઈએ છે. નોકર થોડી જ વારમાં સામાન લઈ આવ્યો. પછી, હાઇડે બે ચિઠ્ઠીઓ લખી ; એક લેનીયનના નામની અને બીજી પોલના નામની... અલગ અલગ વ્યક્તિઓ માટે લખાયેલી ચિઠ્ઠીઓ ચોક્કસ જગ્યાએ પહોંચી છે કે નહીં તેની ખાતરી કરવા તેણે, નોકરને તે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવા કહ્યું.
નોકર ચિઠ્ઠી લઈને તરત જ રવાના થયો, પણ હજુ તો આખો દિવસ કાઢવાનો હતો. તે દિવસે મને હાઇડનું નવું સ્વરૂપ જોવા મળેલું ; ભલે તે ગભરાયેલો ન્હોતો, પણ ધૂંધવાયેલો તો હતો જ. અકળામણમાં માણસ એક જગ્યાનો ગુસ્સો બીજી જગ્યાએ કાઢે એવી તેની હાલત હતી. ભઠ્ઠી સામે બેસી તાપણું કરતી વખતે તે પોતાના નખ ચાવી રહ્યો હતો. છેક મોડી રાત સુધી તે હોટેલના બંધ રૂમમાં એકલો બેસી રહેલો. બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું વાળુ પણ તેણે રૂમમાં જ મંગાવ્યા હતા.
પછી, મોડી રાત્રે તે લપાતો છુપાતો હોટેલની બહાર નીકળ્યો અને એક ગાડી રોકી. ગાડીના ચાલકને તે એક પછી એક શેરીઓમાં ફેરવવા લાગ્યો. બાર વાગવામાં હજુ વાર હતી એટલે લેનીયનના ઘરે જવામાં જોખમ હતું. ધીમે ધીમે, ગાડીવાળાને તેના પર શંકા પડતી હોય તેવું લાગ્યું. આથી હાઇડે, શેરીના અવાવરુ ખૂણામાં ગાડી રોકાવી અને ચાલકને ભાડું આપી રવાના કર્યો. પછી, તે રખડતા ઢોરની જેમ શેરીઓમાં ભટકવા લાગ્યો. આમ તો ખાસ્સું મોડું થઈ ગયું હતું એટલે રસ્તા પર બહુ માણસો દેખાતા ન હતા, છતાં જે એકલદોકલ માણસ તેની સામેથી પસાર થતા હતા તે હાઇડના ઘૃણાસ્પદ દેખાવ અને હાસ્યાસ્પદ કપડાં જોઈ ચોંકી ઊઠતા હતા. આ કારણથી હાઇડની મૂંઝવણ, ડર અને અકળામણ વિસ્ફોટક રીતે વધવા લાગેલા. એટલે સુધી કે રસ્તે મળેલી એક સ્ત્રીએ તેને કંઈક પૂછ્યું તો તેનો જવાબ આપવાના બદલે હાઇડ તેને મુક્કો મારીને ભાગી ગયો હતો.
ક્રમશ :