ભેદી ટાપુ - ખંડ બીજો - 8 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ બીજો - 8

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(8)

જપની સેવા

જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું તેમણે કપડાં સીવવાનું ગાળ્યું. બલૂનનું કપડું હતું. સોય અને દોરા પણ હતા. બીજાને દરજીકામ ઓછું ફાવ્યું. પણ ખલાસી દરજીકામમા પ્રવીણ હોય છે. એ જાણીતી વાત છે. કેટલાંક ડઝન ખમીસ અને મોજાં સીવવામાં આવ્યાં. તેમાંથી ઓછાડ પણ બનાવવામાં આવ્યા.

આ દિવસોમાં તેમણે સીલના ચામડામાંથી જોડા સીવી લીધા. આ બૂટ દેખાવમાં રૂપાળાં ન હતાં, પણ પહેરવામાં અનુકૂળ હતાં અને પગમાં જરાય કઠતાં ન હતાં.

1866ના પ્રારંભમાં ખૂબ ગરમી પડતી હતી. પણ જંગલમાં શિકાર કરવાનું કામ ચાલુ હતું. ભૂંડ, કેપીબેરા, કાંગારું વગેરેનો શિકાર મળી રહેતો હતો. સ્પિલેટ અને હર્બર્ટ સારા નિશાનબાજ હતા. કપ્તાને તેમને બંદૂકની ગોળીઓ કરકસરથી વાપરવાની સૂચના આપી હતી.

પેટીમાંથી સીસાની બંદૂરની ગોળીઓ નીકળી હતી. પણ તેની સંખ્યા ઓછી હતી. તેથી બને ત્યાં સુધી તેને સાચવી રાખવી એવો કપ્તાનનો મત હતો. કોઈ આકસ્મિત મુશ્કેલી આવી પડે તો કામ આવે.

આથી સીસાની ગોળીઓને બદલે કપ્તાને લોઢાની ગોળીઓ બનાવી. તે બનાવવી સહેલી હતી. સીસાની ગોળી કરતાં તેનું વજન ઓછું હતું. અને તેની તાકાત પણ ઓછી હતી.

બંદૂક ફોડવા માટેનો દારૂ પેટીમાંથી મળ્યો હતો પણ નવો દારૂ બનાવવો અઘરો ન હતો. તેમાં જોઈતાં રસાયણો અને બીજી સામગ્રી આ ટાપુમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવી હતી. આ દારૂ બનાવવા માટે કપ્તાને ‘ગનકૉટન’ પદ્ધતિ અજમાવી હતી. જો કે આ દારૂ કોલસા, ગંધક અને સૂરોખારમાંથી બનતા દારૂ જેવો તાકાતવાળો ન હતો. પણ તેનો એક વધારાનો ફાયદો હતો. કપ્તાને બનાવેલો દારૂ ભેજ લાગવાથી બગડતો ન હતો. બીજું, બંદૂકની નળીને તે બગાડતો ન હતો.

આ દિવસોમાં તેમણે ત્રણ એકર જેટલી જમીન સાફ કરી હતી. આમાં શાકભાજી વાવવાની તેમની યોજના હતી. હર્બર્ટ ઘણી જાતનાં શાકભાજીનાં છોડવાઓ લાવ્યો હતો. તે બધાને અહીં વાવવામાં આવ્યા.

ખાડા દ્વારા પાથરેલી જાળ અને સસલાં પકડવા માટે ગૂંથેલી જાળ સારું કામ આપતી હતી. તેમાંથી ખોરાક માટે નવાં નવાં પ્રાણીઓ મળી રહેતાં હતાં. આ ઉપરાંત હવે માછલી પકડવાનું પણ ખૂબ સરળ બન્યું હતું. મર્સી નદીમાં અને સરોવરમાં પુષ્કળ માછલાં હતાં.

કેટલીક વાર તેઓ કિનારે જઈને કાચબાનો શિકાર કરી લાવતા. આ કિનારે દરિયાનું પાણી ન પહોંચે એટલે ઊંચે નાના નાના ખડકો હતાં. ત્યાં કાચબીઓ પોતાના ઈંડાં મૂકતી હતી. એક કાચબી વરસે અઢીસો ઈંડાં મૂકે છે.

સદ્દભાગ્યે એ લોકોને એક બીજો ફાયદો થયો. સાલ્મોન નામની અઢીથી ત્રણ ફૂટ લાંબી માછલીઓનું મોટું ટોળું મર્સી નદીમાં પ્રવેશ્યું. નદી આડો બંધ બાંધીને સેંકડો માછલીઓને નદીમાં રોકી પાડવામાં આવી. તેમાંથી લગભગ એકસો જેટલી માછલીઓની સૂકવણી કરીને શિયાળા માટે બરણીમાં ભરી લેવામાં આવી.

વાંદરા જપને પીરસણિયા તરીકે તાલીમ આપવામાં આવી. તેને જાકિટ, સુરવાળ, એપ્રેન વગેરે સફેદ કપડાં પહેરાવવામાં આવ્યાં. જપ નેબ પાસે તાલીમ પામીને ઘરકામમાં અને રસોડાના કામમાં ખૂબ મદદગાર બનવા લાગ્યો. જ્યારે રસોડાનું કામ ન હોય ત્યારે લાકડા લેવા કે કોઈ વૃક્ષ ઉપર ચડીને ફળ ઉતારવામાં તે મદદગાર બનતો.

જપની સેવા ઝડપી અને ચોક્કસ હતી. તે ટેબલ ઉપર થાળી મૂકે, પાણી આપે અને જે માગો તે પીરસે.

“જપ, જરા સૂપ આપજે તો.”

“જપ, પાણી આપજે તો.”

“જપ, થાળી લઈ આવ તો.”

દરેક કામ જપ તરત જ કરી આપતો. એમાં ભૂલ ન કરતો.

હવે જપ ગ્રેનાઈટ હાઉસનો સભ્ય બની ચૂક્યો હતો. તેને છૂટા મૂકવા છતાં તે નાસી જતો ન હતો. કોઈવાર કાદવમાં ગાડાનું પૈડું ફસાઈ જાય તો જપ ખભો મારીને તરત કાઢી આપતો. હાથમાં લાકડી થઈને તે ચાલતો. બધાને જપ ખૂબ ગમતો હતો.

જાન્યુઆરીના અંત ભાગમાં તેમણે એક પશુશાળા બાંધવાનું નક્કી કર્યું. પશુશાળામાં મુખ્યત્વે ઘેટાં અને બકરાં ઉછેરવાનો તેમનો ઈરોદો હતો. તેમની પાસેથી ઊન મળી રહે, જેમાંથી શિયાળા માટે ગરમ કપડાં બનાવી શકાય.

સ્થળ પસંદ કરવામાં આવ્યું. જંગલની વચ્ચે પર્વતના પાછળના ભાગમાં એક મેદાન બધી રીતે અનુકૂળ પડે તેવું હતું. વચ્ચે એક ઝરણું ખળખળ કરતું વહેતું હતું. એને કારણે એકબાજુનો રસ્તો બંધ થઈ જતો હતો. મેદાનમાં ખૂબ ઘાસ ઊગતું હતું. તેની આસપાસ એક મોટી મજબૂત લાકડાની વાડ બનાવવામાં આવી. વાડ એટલી ઊંચી બનાવી કે જંગલી પશુઓ કૂદીને તેની અંદર પ્રવેશી ન શકે. એ વાડો સેંકડો ઘેટાં-બકરાં સમાઈ શકે તેટલો વિશાળ બનાવ્યો.

વાડાની આગળના ભાગમાં એક મોટું ફાટક બનાવ્યું. અને તેને બારણાથી બંધ કરી શકાય તેવી ગોઠવણ કરી. આ પશુશાળા બાંધતાં લગભગ ત્રણ અઠવાડિયાં થયાં. કપ્તાને તેની અંદર પશુઓ રહી શકે, તેવાં એકઢાળિયાં પણ બનાવ્યાં. આ મકાનો ખૂબ મજબૂત બનાવવામાં આવ્યાં.

પશુશાળાનું બાંધવાનું કામ પૂરું થયા પછી હવે તેમાં પશુંઓને કેવી રીતે પૂરવાં તેની ગોઠવણ વિચારવામાં આવી. આ માટે સાતમી ફેબ્રુઆરીએ, ઉનાળાના એ સુંદર દિવસે બધા નીકળી પડ્યાં. તેમાં બે રોઝ ખૂબ ઉપયોગી થયાં. પશુઓને પૂરવા માટે બધા ઘેટાં અને બકરાંનાં ટોળાને ઘેરી વળતા અને પશુશાળાના ફાટક તરફ તેમને દોરતા. ઘેરાવો ધીમે ધીમે સાંકડો અને સાંકડો કરતા જતાં.

આ રીતે તે દિવસે કપ્તાન હાર્ડિંગ, પેનક્રોફ્ટ, નેબ અને જપ જંગલના જુદાં જુદાં સ્થળે ઊભા રહ્યાં. અને બે રોઝડા અને ટોપ અર્ધા માઈલના ઘેરાવામાં પશુશાળાની આસપાસ દોડાદોડી કરતા રહ્યાં. આ ભાગમાં અસંખ્ય ઘેટાં અને બકરાં હતાં.

આ દિવસે બધાને ખૂબ થાક લાગ્યો. આવક-જાવક, દોડાદોડી, હોંકારા પડકારા-આ બધાથી થાક લાગે તે સ્વાભાવિક હતું. લગભગ સો ઘેટાંને ઘેરાવો કરવામાં આવ્યો. તેમાંથી બે તૃતિયાંશ જેટલા છટકીને ભાગી ગયા. પણ અંતે ત્રીસ ઘેટાં અને દસ જંગલી બકરીઓ પશુશાળામાં પૂરી દેવામાં તેમને સફળતા મળી. એકંદરે, પરિણામ સંતોષકારક હતું. ઘેટાં-બકરાંને બચ્ચાં થશે. અને થોડા વખતમાં ઊન અને ચામડું પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે.

કેદી બનેલાં ઘેટાં-બકરાંએ થોડા દિવસ ધાંધલ મચાવ્યું. પણ પછી નિરુપાય બનીને શાંત થઈ ગયાં.

ફેબ્રુઆરી માસમાં કોઈ મહત્વની ઘટના બની નહીં. આ મહિનામાં તેમણે રસ્તાનું સમારકામ કર્યું. પશુશાળાથી પશ્વિમ કિનારા સુધીનો રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું. શિયાળો શરૂ થાય તે પહેલાં હર્બર્ટે એકઠા કરેલાં જંગલી છોડવાઓનું વાવવાનું કામ પણ જરૂરી હતું. તેમાં ચીકેરી, તેલ નીકળે એવાં બી, બટાટા, વગેરેનો સમાવેશ થતો હતો. જમીન ફળદ્રુપ હતી. આ બધાને વાવી દેવામાં આવ્યાં.

તેઓ ઓસ્વેગો નામની વનસ્પતિમાં ચા બનાવતા હતા. હાર્ડિંગે ફરની નવી ઊગેલી કૂમળી ડાળીઓમાંથી બિયર બનાવવાનું શરૂ કર્યું.

ઉનાળાના અંત ભાગમાં મરઘાં ઉછેર કેન્દ્રમાં મરઘાં ઉપરાંત બીજાં કેટલાંક પ્રાણીઓ પણ આવી ગયાં હતાં.

ઉનાળાના દિવસની ગરમી પછી, સાંજે કામકાજમાંથી નવરા થઈને, તેઓ ઉચ્ચ પ્રદેશના મેદાનમાં હવા ખાવા બેસતા, તેઓ ઘણીવાર પોતાના વહાલા અને મહાન દેશ અમેરિકાની વાતો કરતાં. આંતરવિગ્રહનું શું પરિણામ આવ્યું હશે? જનરલ ગ્રાંટે રીચમંડને જીતી લીધું હશે, ઉત્તર અમેરિકા ન્યાયને પક્ષે લડતું હતુ. તેથી તેનો વિજય થયો હશે. જો લીંકન ટાપુમાં રોજ વર્તમાનપત્ર આવતું હોય તો કેવી મજા પડે!

અગિયાર મહિનાથી દુનિયા સાથેનો તેમનો સંબંધ કપાઈ ગયો છે. આવતી 24મી માર્ચે તેમને આ ટાપુમાં આવ્યાને એક વર્ષ થશે. એક વર્ષ પહેલાં તેઓ માત્ર નિરાશ્રિત હતા. કેમ જીવ બચાવવો એ પ્રશ્ન હતો. હવે કપ્તાનના જ્ઞાનથી અને પોતાના પરિશ્રમથી તેઓ પાસે કશું ખૂટતું ન હતું. પ્રાણી, વનસ્પતિ અને ખનીજ-કુદરતનાં એ ત્રણે રાજ્યો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો.

હા; તેઓ આવી બધી વાતો ઘણીવાર કરતા, અને ભવિષ્ચ માટે નવી નવી યોજનાઓ ઘડતા.

વાતો ચાલતી હોય ત્યારે મોટે ભાગે સાયરસ હાર્ડિંગ ચૂપ રહેતો. બધાની વાતો ધ્યાનથી સાંભળતો. પણ હંમેશાં તે આ ટાપુ પર કોઈ માનવીની રહસ્યમય હાજરી વિશે વિચારતો રહેતો!

***