ભેદી ટાપુ - ખંડ બીજો - 7 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભેદી ટાપુ - ખંડ બીજો - 7

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(7)

રોઝ મળ્યા

લીંકન ટાપુના રહેનારાઓને પોતાનું રહેઠાણ ફરીથી પ્રાપ્ત થયું. સરોવર તરફનો રસ્તો ખોલવો ન પડ્યોય એટલું સદ્દભાગ્ય; કડિયાકામની મહેનત બચી તેઓ જૂનો રસ્તો ખોલવા જતા હતા, બરાબર તે વખતે વાંદરાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. આ કેવી રીતે બન્યું અને ખુલાસો ન કરી શકાય એવી રીતે બન્યું. કોઈ કે તેમને ગ્રેનાઈટ હાઉંસની બહાર હાંકી કાઢ્યા. કોણ હશે એ? અથવા વાંદરાની પીછેહઠનો આ એક જ ખુલાસો હોઈ શકે.

દિવસ દરમિયાન વાંદરાઓને જંગલમાં દાટી દીધા. પછી ગ્રેનાઈટ હાઉસમાં વાંદરાઓએ જે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું તેને ફરીથી વ્યવસ્થિત કર્યું. સદ્દભાગ્યે તેમણે કંઈ તોડફોડ કરી ન હતી.

બધાએ નાસ્તો કર્યો. જપને પણ બદામ અને કેટલાક કંદમૂળ આપવામાં આવ્યા. ખલાસીએ તેના હાથ છોડી નાખ્યાં પણ પણના બંધન હજી રહેવા દીધાં.

પછી આરામ કરતાં પહેલાં હાર્ડિંગ અને તેના સાથીદારો ટેબલની આસપાસ બેસીને જરૂરી યોજનાઓ વિષે ચર્ચા કરવા લાગ્યા. મર્સી નદી ઉપર પુલ બાંધવાનું કામ સૌથી મહત્વનું હતું. બીજું મહત્વનું કામ ઘેટાંનો ઉછેર કરવાનું હતું. આ માટે વાડો બનાવવાનો હતો.

આ બે યોજનાઓ તેમની કપડાં અંગેની મુશ્કેલી દૂર થાય તેમ હતી. પુલને લીધે બલૂનને ગાડામાં ગ્રેનાઈટ હાઉસ સુધી લાવી શકાય. ઘેટાંના ઊનથી શિયાળા માટેનાં કપડાં તૈયાર થઈ શકે.

ઘેટાંનો વાડો રાતી નદી પાસે તૈયાર કરવાની યોજના હતી. ત્યાં સુધી રસ્તો થોડે ઘણે અંશે તૈયાર થઈ ગયો હતો. એક નવું ગાડું હાંકવા માટે બ ઘોડાની અથવા બળદની જરૂર હતી.

એ ઉપરાંત એક પક્ષીઓનો વાડો પણ જરૂરી હતો. આ વાડો સરોવરને કિનારે ગ્રેનાઈટ હાઉસના જૂના રસ્તા પાસે બનાવવાની યોજના હતી.

બીજે દિવસે, 3જી નવેમ્બરે પુલના બાંધકામનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. કરવત, કુહાડી, હથોડા લઈને તેઓ મર્સી નદીના કિનારે ગયા. હવે તેઓ સુથારી કામ કરવાના હતા. જપ સીડી ઉપર ન ખેંચી લે એટલા માટે સીડીને બે ખૂંટા ખોડી જમીન સાથે જડી દેવામાં આવી.

પછી બધા મર્સી નદીના વળાંક પાસે ડાબ કાંઠે આવ્યા. ત્યાં પુલ બાંધવા માટે યોગ્ય જગ્યા હતી. અહીંથી બલૂન જડ્યું તે સ્થળ સાડા ત્રણ માઈલ દૂર હતું. અને આ પુલથી એ બંદર સુધી ગાડામાર્ગથી સહેલાઈથી બનાવી શકાય તેમ હતો. આ રીતે ગ્રેનાઈટ હાઉસ અને ટાપુના દક્ષિણ કિનારા વચ્ચે વ્યવહાર સ્થાપી શકાય તેમ હતો.

કપ્તાન હાર્ડિંગે સરોવરના કિનારાના ઉચ્ચ પ્રદેશને ટાપુમાં ફેરવી નાખવાની યોજના વિચારી હતી. જો એ યોજના પાર પડે તો ગ્રેનાઈટ હાઉસ ગુફા, પક્ષીઓનો વાડો વગેરે બધું પ્રાણીઓથી સલામત બની જાય. આ યોજના પાર પાડવામાં કોઈ મુશ્કેલી ન હતી.

સરોરવના કિનારાનું મેદાન ત્રણ બાજુથી પાણીના વહેણથી રક્ષિત હતું. વાયવ્ય દિશામાં સરોવરનો કિનારો હતો. ઉત્તર દિશામાં ધોધ પડતો હતો. તેમાંથી નદી જેવું બની ગયું હતુ. દક્ષિણ દિશામાં મર્સી નદી વહેતી હતી.

હવે માત્ર પશ્વિમનો ભાગ એવો હતો કે જ્યાંથી પ્રાણીઓ પ્રવેશી શકે. લગભગ એક માઈલનો એવો ગાળો હતો જ્યાંથી બહારનું કોઈ પણ આવી શકે. તેને રોકવા માટે એક પહોળી અને ઊંડી ખાઈ ખોદવાનો યોજના કરવામાં આવી. એ ખાઈને સરોવરના પાણીથી ભરી દઈ શકાય.

“આ રીતે સરોવરના કાંઠાનો ઉચ્ચપ્રદેશ ટાપુમાં ફેરવાઈ જશે. તેની ચારે બાજુ પાણી હશે અને તેમાંથી બહાર જવા માટે મર્સી નદી ઉપર પુલ બાંધવામાં આવશે. એ ઉપરાંત બીજા બે નાના પુલ પણ બનાવવા પડે, એક કેનાલ ઉપર અને બીજો મર્સી નદીના ડાબા કિનારા ઉપર, આ બધા પુલ ધારીએ ત્યારે ઊંચકી લઈ શકાય એવા હોવા જોઈએ.” કપ્તાન હાર્ડિંગે કહ્યું.....

પુલ બાંધવો તે સોથી પહેલી જરૂરિયાત હતી. એ માટે મોટાં ઝાડ કાપવામાં આવ્યાં. તેની ડાળીઓ વગેરે કાપીને થડને સીધા થાંભલા જેવા બનાવવામાં આવ્યા. વચ્ચે પાણીના પ્રવાહમાં ખોડવા પડે તેમ હતા. પુલનો કેટલોક ભાગ મજબૂતીથી જડી દેવાનો હતો. માત્ર નદીને ડાબે કાંઠે વીસ ફૂટનો પુલનો ભાગ ઊંચો નીચો થઈ શકે એવો બનાવવાનો હતો.

આ કામ ભગીરથ કહી શકાય એમ હતું. તેનું સંચાલન કુશળતાથી કરવામાં આવ્યું છતાં એંસી ફૂટનો પુલ બનાવતાં કેટલોક સમય વિત્યો. સાધન સરંજામ પુષ્કળ પ્રમાણમાં હતો એટલે વાંધો ન આવ્યો. ઈજનેર પુલ બાંધવાના કામમાં નિષ્ણાત હતો. તેના સાથીદારો ઉત્સાહ અને આવડતવાળા હતા. સાત મહિનામાં તેઓ કૂશળ કારીગર બની ગયા હતા. ખબરપત્રી સ્પિલેટ પણ એટલો પ્રવીણ બની ગયો હતો કે ખલાસી નવાઈ પામી જતો હતો.

મર્સી નદીનો પુલ બનાવવામાં ત્રણ અઠવાડિયાં લાગ્યાં. તેઓ નાસ્તો અને ભોજન પણ પુલની પાસે જ કરતા હતા. એક માત્ર સૂવા માટે જ તેઓ ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફરતા હતા.

આ સમય દરમિયાન માસ્ટર જપ ધીરે ધીરે માણસો સાથે હળવા લાગ્યો હતો. જો કે તેને હજી પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી ન હતી. ટોપ અને જપ બંને મિત્રો બની ગયા હતા.

20મી નવેમ્બરે પુલ તૈયાર થઈ ગયો. બહુ થોડી મહેનતથી પુલનો અમુક ભાગ ઊંચો કરી શકાયો હતો. અને વીસ ફૂટનો ગાળો ઊભો થતો હતો. આથી કોઈ પ્રાણી પુલ ઉપર થઈને અંદર પ્રવેશી શકે નહીં. હવે તેઓ બલૂનને અહીં લાવવાની ગોઠવણ કરવા માંડ્યા. એ માટે પાર્ટ બલૂન સુધી ગાડામાર્ગ તૈયાર કરવો જરૂરી હતો. એમાં થોડી વાર લાગે એમ હતી.

દરમિયાન નેબ અને ખલાસી બલૂન જે ગુફામાં રાખ્યું હતું તેની મુલાકાત લઈ આવ્યા. એ ગુફા કાપડને કંઈ નુકસાન થાય એવું ન હતું, આથી, બીજાં કામ ચાલુ રાખવામાં આવ્યા.

મરઘાં માટે એક વાડો તૈયાર કરવાની જરૂરી હતું. એક ઘઉંનો દાણો વાવ્યો હતો તેમાંથી આઠસો દાણા મળ્યા હતા. હવે બીજો પાક લેવાનો હતો. તેમાં સાડા સાતસો દાણા વાવવાની યોજના હતી.

ઘઉંનું ખેતર ખેડવામાં આવ્યું અને તેમાં સાતસો પચાસ દાણા વાપરવામાં આવ્યા.

એકવીસમી નવેમ્બરે કપ્તાન હાર્ડિંગે નહેર ખોદવાના કામગીરી શરૂ કરી. પશ્વિમ કિનારા પર આ નહેર ખોદાતાં એ ભાગ ટાપુ જેવો બની જાય એમ હતો. ઉપર બે-ત્રણ ફૂટ માટી હતી અને ગ્રેનાઈટમાં કાળા પથ્થરો હતા. આથી નહેર ખોદવામાં નાઈ ટ્રોગ્લિસરિનનો ઉપયોગ કરવાનું હાર્ડિંગે વિચાર્યું.

15 દિવસમાં બાર ફૂટ પહોળી અને 6 ફૂટ ઊંડી એક નહેર તૈયાર થઈ ગઈ. એ જ રીતે તળાવમાંથી ત્યાં પાણી પહોંચાડવામાં આવ્યું. એક નાનકડું ઝરણું વહેતું હતુ. તેનું નામ ‘ગ્લિસરિન નદી’ રાખવામાં આવ્યું. એ નદીને મર્સી નદી સાથે જોડી દેવામાં આવી.

ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં આ બધા કામ આટોપી લેવામાં આવ્યા. ચાર માઈલના ઘેરાવાનો એક પંચકોણ તૈયાર થયો. એ પંચકોણની ચારે બાજુ પાણી વહેતું હતુ. આથી એ ભાગ સલાતમ બની ગયો. ડિસેમ્બર મહિનામાં ખૂબ ગરમી પડતી હતી. તેમ છતાં કામગીરી ચાલુ રહી. તેઓ જલદીથી મરઘાંઉછેર માટે એક વાડો તૈયાર કરવા માગતા હતા.

ચારે બાજુ પાણીની વાડ તૈયાર થઈ. પછી જપને પૂર સ્વતંત્રતા આપવામાં આવી. પણ તે હવે અહીંથી નાસી જવા ઈચ્છતો ન હતો. તે ઘણો નમ્ર હતો. તેનામાં અદ્દભૂત ચંચળતા અને અસાધારણ બળ હતું. તેને ગાડું ખેંચવાની તાલીમ આપવામાં આવી હતી.

મરઘાંઉછેર કેન્દ્ર માટે બસ્સો ચોરસ વારની જમીન રોકવામાં આવી હતી. તે કેન્દ્ર સરોવરના અગ્નિ ખૂણામાં બનાવવામાં આવ્યું હતું. તેમાં પક્ષીઓને ઉછેરવાનો વાડો પણ હતો. પ્રારંભમાં બે ટીનેમસ પક્ષીઓ તેમાં રાખવામાં આવ્યા. તેની સાથે અડધો ડઝન બતક ઉછેરવામાં આવ્યા. થોડા દિવસ પછી બીજાં પક્ષીઓ પણ પાળવામાં આવ્યા. આ રીતે પક્ષીઘરમાં અને મરઘા ઉછેર કેન્દ્રમાં ચારે બાજુ કલરવ થવા માંડ્યો.

હાર્ડિંગે પોતાની યોજના માટે એક કબૂતરખાનું પણ બનાવ્યું. એ કબૂતરખાનું મરઘા ઉછેર કેન્દ્રના બીજા ખૂણામાં રાખ્યું. આ કબૂતરો રોજ નવા રહેઠાણમાં આવવા લાગ્યાં.

છેલ્લે બલૂનનાં કપડાંનો ઉપયોગ ખમીસ અને બીજી બધી વસ્તુઓ બનાવવામાં આવ્યો. હવે એ બલૂનમાં ગેસ ભરીને ઊડવાનું જોખમ એ લોકો ખેડવા માગતા ન હતા.

તેમણે બનાવેલા ગાડા માટે ઘોડા, ગધેડાં કે બળદની જરૂર હતી. પેલું મદદગાર પ્રાણી આટલી મદદ નહીં કરે?

23મી ડિસેમ્બરે નેબ અને ટોપ અવાજની હરીફાઈ કરતા હતા. નેબ જોરથી બૂમો પાડતો હતો અને ટોપ જોરથી ભસતો હતો. કોણ સૌથી વધારે અવાજ કરી શકે છે તેની હરીફાઈ ચાલતી હતી. ગુફામાંથી બધા દોડીને ત્યાં પહોંચ્યા. તેમને બીક હતી કે વળી કોઈ મૂંઝવણ ભરેલી ઘટના બની હશે.

ત્યાં તેમણે શું જોયું? બે સુંદર મોટા કદનાં પ્રાણીઓ મેદાનમાં ચરતાં હતાં. તે ઘોડાને મળતાં આવતાં હતાં. આ રોઝ હતાં. ગાડામાં જોડવામાં કામ આવે એમ હતા. પુલને ઉપાડી લેવામાં આવ્યો. હવે આ બે પ્રાણીઓ કેદ થઈ ગયા હતાં.

આ પ્રાણીઓને બળથી વશ કરવાં કે પ્રેમથી? હાર્ડિંગ અને તેના સાથીદારોએ તેમને પ્રેમથી વશ કરવાનું નક્કી કર્યું. તેને માટે મરઘાં ઉછેર કેન્દ્ર પાસે એક તબેલો તૈયાર કરવામાં આવ્યો. અહીં મેદાનમાં ઘાસ તો પુષ્કળ હતુ; એટલે ખોરાક મેળવવાનો પ્રશ્ન હતો નહીં. માત્ર રાતના સારો આશ્રય મળે તે પૂરતું હતું.

બંને પ્રાણીઓને હરવાફરવાનું પૂરું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું. આ લોકો તેમની પાસે જતા પણ નહીં જેથી તે ડરી ન જાય. આ પ્રાણીઓ કેટલીકવાર જંગલમાં ચાલ્યા જવા ઈચ્છતા પણ ચારે બાજુ પાણી તેમને રોકી લેતું. દરમિયાન ઘૂંસરી તૈયાર કરવામાં આવી. ગાડા માટે રસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો. ડિસેમ્બરના અંતમાં તેને ગાડામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ખલાસીએ પ્રાણી સાથે દોસ્તી કરી લીધી હતી. તે બંને રોઝને પોતાના હાથમાં ઘાસના પૂળા લઈને ખવડાવતો. તેમને ગાડામાં જોડવામાં આવ્યાં. શરૂઆતમાં તો આ બંને પ્રાણીઓને ગાડું ખેંચવું ફાવ્યું નહીં. તેમણે કૂદાકૂદ કરી મૂકી. પણ અંતે તેઓ સારી રીતે ગાડું ખેંચવા લાગ્યાં.

આ દિવસે બધા જ લોકો ગાડામાં સવાર થયા. એકલો ખલાસી પ્રાણીઓને દોરતો હતો. પછી તે પણ ગાડામાં સવાર થયો અને ગાડું બલૂન બંદર તરફ રવાના થયું. અલબત્ત, ખરાબ રસ્તાને કારણે અંદર બેસનારને આંચકા લાગતા હતા. પણ એકંદરે કોઈ પણ જાતના અકસ્માત વિના ગાડું નિર્ધારિત સ્થળે પહોંચી ગયું; અને બલૂનનો બધો સામાન ગાડામાં ખડકી દેવામાં આવ્યો.

સાંજે આઠ વાગ્યે ગાડું મર્સી નદીના પુલ ઉપર થઈને દરિયા કિનારે પહોંચ્યું. બંને રોઝને ઘૂંસરીમાંથી છોડવામાં આવ્યાં અને તબેલામાં લઈ જવામાં આવ્યા. બધા ખૂબ ખુશ હતા. ખલાસી અને તેના સાથીઓ સંતોષની લાગણી સાથે ઊંઘી ગયા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Disha

Disha 10 માસ પહેલા

Vipul Makwana

Vipul Makwana 1 વર્ષ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 2 વર્ષ પહેલા