સંબંધોનું વાવાઝોડું
============
સરસ્વતી દેવીની કૃપા થાય તો અઠવાડિયામાં એકવાર છાંટો પાણી થઇ જાય, પણ કૃપા થાય તો ને? સરસ્વતી મારી પત્નીનું નામ છે. મહિનાના છેલ્લા રવિવારે દેવીજીની કિટી પાર્ટીની જ રાહ જોતો, બીજો તો કોઈ લાભ ન થાય પણ દેવીજીની ગેરહાજરીમાં છાંટો પાણી આરામથી થઇ જાય. શનિવારનો હાફ ડે લઇ હું ઘરે પહોંચ્યો જ હતો અને દેવીજીના મુખકમલમાંથી શબ્દો સરી પડ્યાં...
“ભાભીનો ફોન આવ્યો હતો. આવતી કાલે મુન્નાની છઠ્ઠી છે, મુન્નાનું નામકરણ મારે કરવાનું છે. મારે જાવું પડશે. ચાર વાગ્યાની બસ છે.”
મારા દિમાગમાં તો લાડવા ફૂટવા લાગ્યા. છેલ્લા પંદર દિવસથી એક છાંટો’ય જીભે નહોતો અડાડ્યો.
“જાનુ બે દિવસ તારા વગર કેમ નીકળશે?”
“પાર્સલ મંગાવી લેજે, અને ઘરમાં કચરો ન કરતો. બાજુવાળી પૂછવા આવશે જ મને ખબર છે, પણ ખબરદાર જો વાત પણ કરી છે તો.”
“જાનુ મારો તો જીવ જાય છે અને તને બાજુવાળીના વિચાર આવે છે?”
સરસ્વતી ચુપચાપ રસોડામાં જતી રહી. બટાટાની સુકી ભાજી અને પરોઠા બનાવવા લાગી.
“જાનુ તું મારું કેટલું ધ્યાન રાખે છે!”
“હું જાઉં પછી ઘરમાં.....”
“સમજી ગયો જાનુ પ્લીઝ આગળ કશું જ ના બોલતી.”
સરસ્વતીના મોમાંથી ખરતા ફૂલ અધવચ્ચેથી જ અટકાવી મેં વાત ઉડાડી આગળ ઉમેર્યું.
“હું તને બસ સ્ટેશને મુકવા આવીશ અને લેવા પણ આવીશ.”
તે લોટ બાંધવામાં લાગી. મારા દિમાગમાં ટીનીયો અને મુકલો જ ભમતા હતા. ગયા રવિવારે મુક્લાના ઘરે પાર્ટી માટે પ્લાન બનાવ્યો હતો પણ મુક્લાનું બયરુ! બધો જ પ્લાન બગાડી નાખ્યો હતો..
મારો તો જીવ બળીને રાખ થઇ ગયો હતો. મુક્લાની બાયડીએ વિસ્કીની આખી બોટલ બાથરૂમમાં ઢોળી નાખી હતી. સાલું ડીપ્રેશન જેવું થઈ ગયું હતું.
સાંજે પાંચ વાગ્યે દેવીજીને બસ-સ્ટેશને મૂકી ઘરે આવતાની સાથે જ મુક્લાને ફોન કર્યો..
“એલા મુકલા! આવી જા. પાર્ટી કરીએ, અને ટીનીયાને પણ લેતો આવજે. આપણી ફેવરેટ બ્રાંડ, કાજુ, વેફર અને સોડા ભૂલાય નહી, સિગરેટ પણ.”
મુક્લાને જાણે કોન બનેગા કરોડપતિમાંથી અમિતાભ બચ્ચનનો ફોન ન આવ્યો હોય! એમ વાત કરતો હતો.
“પણ સરસ્વતી ભાભી?”
“એ તો ગઈ સ્વર્ગ લોક!” વાત કરતા કરતા’ય મને તો હસવું આવી ગયું.
“સ્વર્ગલોક! અલ્યા તું શું બોલે છે?”
“અલ્યા આખી દુનિયામાં મારું સાસરિયું એક જ તો છે, જેને હું સ્વર્ગલોક કહું છું.”
“ઓહો! મારો તો જીવ અધ્ધર થઇ ગ્યો’તો. ભલે ત્યારે મળીએ.”
અમારે ગુજરાતમાં પોલીસથી અને દારૂબંધી અભિયાન ચલાવતી ટુકડીથી બીક ન લાગે એનાથી વધારે બીક તો શ્રીમતીજીની લાગે. સાચું કહું મારા મોમાં પાણી આવી રહ્યું હતું. કાચના ગ્લાસ, બરફ, એસ-ટ્રે.. બધી જ ગોઠવણ કરીને હું ટીવી જોવા બેસી ગયો.
સાતના ટકોરે મુકલો અને ટીનીયો આવી ગયા. મેં ફટાફટ દરવાજો બંધ કર્યો. ટીપોય ઉપર પાણીનો જગ,બરફ એસ-ટ્રે, કાચના ગ્લાસ ગોઠવી દીધા. મુક્લાએ થેલીમાંથી બોટલ કાઢી. ટીનીયો તો બોટલને પપ્પીઓ કરવા લાગ્યો. આ પણ અમારી જાહોજલાલી હતી. જો કે ટીનીયો તો બે પેગમાં કબુતર બની જતો. બે પેગ લગાવ્યા પછી એની પાસેથી કોઈ પણ કામ લઇ શકાય. દારૂ પીધાના દરેક પુરાવા નસ્ટ કરી દેતો. ઝાડું પોતા કરીને બધું જેમનું તેમ ગોઠવી દેતો.
હું અને મુકલો એને અચૂક સાથે રાખતા જ. પણ મુકલો! મુક્લાનું તો કંઈ નક્કી નહી. રાજાપાઠ કોને કહેવાય. એ તો કોઈ મુકલા પાસેથી જ શીખે. દારૂની નાનીનાની ફિલોસોફી એ જાણતો. દુનિયામાં એ કોઇથી ડરતો હોય તો એ એની પત્ની લક્ષ્મીથી જ. મુક્લાએ હંમેશની જેમ એનો ફોન આવતાની સાથે જ સ્વીચ ઓફ કરી નાખ્યો. ડરપોક સાલ્લો.
ટીનીયાએ ત્રણેયના પેગ ભરી સોડા અને પાણી ઉમેર્યું. ચીયર્સ કર્યું. મુકલો હજુ ગ્લાસ મોઢે લગાવવા જ જતો હતો અને ટીનીયાએ અધવચ્ચેથી ગ્લાસ પકડી લીધો. હું તો સ્તબ્ધ થઇ ગયો. કારણકે મુક્લાનો પીતો જાય પછી એને રોકવો મુસ્કેલ જ નહી! તમે સમજી ગયા ને? પણ મુક્લાના ચશ્માની પાછળ રહેલી આંખોમાં મને સંયમ જોવાયો ત્યારે મને શાંતિ થઇ. ટીનીયો મુક્લાની આંખોમાં જોઈ રહ્યો. મેં મારો ગ્લાસ ટીપોય ઉપર મુક્યો કે તરત જ મુક્લાએ અને ટીનીયાએ પણ ગ્લાસ ટીપોય ઉપર મુક્યો. અને અમે ત્રણેયએ ગ્લાસમાં આંગળી ઝબોળી અને હવામાં અંજલિ આપી.
ટીનીયાએ ગ્લાસ ઉઠાવતા કહ્યું.
“તને ખબર છે...”
“હા ખબર છે દારુ પીતા પહેલા એક છાંટો અંજલિ આપવી પડે. અપશુકન થાય એજ ને?”
મેં ટીનીયાને વચ્ચેથી અટકાવી કહ્યું..
“ટીનીયા આ દુનિયામાં સૌથી શુખી અને શુકનીયાળ માણસ એક તું જ તો છે! સાચું કહું તો મને અને ધન્યાને ક્યારેક ક્યારેક તારી ઈર્ષ્યા થાય.” મુક્લાએ એક ઘૂંટડો ઉતરતા કહ્યું.
“તમે બંને બાયડીવાળા અને હું?”
“બસ બસ હવે રોદણાં રોવાનું રહેવા દે.” મારો અડધો ગ્લાસ ખાલી કરતા કહ્યું.
મારી વાત સાંભળતા જ ટીનીયો એક જ સીપમાં આખો ગ્લાસ ઉતારી ગયો.. અને પોતાનો ગ્લાસ ભરવા લાગ્યો...
“એય ટીનીયા તને ખબર છે..”
“હા મને ખબર છે ત્રણેયના ગ્લાસ ખાલી થાય પછી જ ગ્લાસ ભરાય નહીતો.”
“અપશુકાન થાય.” મારું અડધું વાક્ય મુક્લાએ એના ગ્લાસ પુરો કરતા પૂરું કર્યું.
ટીનીયો ભારે ઉતાવળો. એને બીજો ગ્લાસ ભરી લીધો અને એ પણ એક જ સીપમાં ઉતારી અમારા ખાલી ગ્લાસની બાજુમાં રાખીને ગાળ બોલતા કહ્યું.
“લ્યો આ પણ ભરો.”
મુકલો મારી સામે જોવા લાગ્યો.મુક્લાની આંખોમાં સહમતી હતી..
“એય ટીનીયા ફ્રિજમાંથી થોડું બરફ લાવ તો.”
ટીનીયો બરફ લેવા ગયો ત્યારે મેં મુક્લાને કહ્યું. “આને વધારે ન આપતો હો.”
“અરે વાંધો નહી પીવા દે ને! દુઃખી છે બિચારો.”
“દુઃખી?”
ટીનીયો બરફ લઈને આવી ગયો એટલે મેં આગળ વાત કરવાનું ટાળી ગ્લાસ ભરવામાં ધ્યાન દીધું.
આજે ટીનીયાનો ન છેડાય એવો તાર છેડાઈ ગયો હોય એવું લાગ્યું. ટીનીયો આવતાની સાથે જ ત્રીજો ગ્લાસ ઉઠાવી ગટગટાવી ગયો..
“એય ટીનીયા શું થયું છે તને?”
“તમે બંને મારી ઠેકડી ઉડાડો છો? એકની પત્ની લક્ષ્મી અને બીજાની સરસ્વતી!” હા હા હા...”
“તો? લક્ષ્મી અને સરસ્વતી નામ હોય તો શું એના ગુણ એમાં આવી જાય? ટીનીયા એક વાત કહું?
થોડા દિવસ પહેલા હું એલ.આઈ.સી ના કામ માટે વૃધાશ્રમ ગયો હતો.. ત્યાં શારદા, ગાયત્રી, પૂર્ણા,,
હા હા હા એક તો અન્નપૂર્ણા પણ હતી!”
“હા હા હા તારા બાપે તારું નામ મુકલો શું સમજીને રાખ્યું? અંબાણી! હા હા હા.. બ્લડી નેગેટીવ!” ટીનીયા એ કહ્યું.
“નેગેટીવ? મને નેગેટીવ કેમ કહ્યો?”
“કોઈ માણસ તને જોઇને મરવાનું જ વિચારે! તારા ગ્રાહકો પણ તને જોઇને મરવાની જ કલ્પના કરતા હશે.” હા હા હા. બ્લડી વીમા એજન્ટ!”
“ટીનીયા તને ચડી ગયો છે.” મેં વચ્ચે કહ્યું..
“હા હા ચડી ગયો છે એટલે જ. ચડાવવા માટે જ તો પીધો છે. તમે બંને મારી ટાંકી હમેશા રિજર્વમાં જ રાખો છો. અરે આજે તો ફૂલ ટાંકી કરવાનો મોકો મળ્યો છે. કોઈ પતિવ્રતા પત્ની ક્યારેય પોતાના પતિની મરવાની કલ્પના સુદ્ધા ન કરે અને સાલા તું મોતના નામે માર્કેટિંગ કરે છે?”
“બસ, ટીનીયા ઘણું થયું હવે.”
“ઘણું થયું? હજી તો બે પેગ મારીશ.”
“ના, બોલવામાં વધારે થઇ ગયું એમ કહું છું.”
“એ તો જેમ જેમ પીતો જઈશ એમ પીતો જાશે. આજે સહન કરી લે. બીજીવાર આમંત્રણ નહી આપે. અને ધન્યા તારે બીજીવાર જો મુકલા સાથે બેસીને પીવો હોય તો મને નહી બોલાવતો.”
“હા વાંધો નહી. તું શાંતિ રાખ.” મેં ટીનીયાને શાંત કરતા કહ્યું.
******
બોટલ ખાલી થઇ ગઈ હતી. હું સિગરેટ સળગાવીને બેઠો હતો. ટીનીયો બબડાટ કરતો ધીરે ધીરે પુરાવાઓ નસ્ટ કરી રહ્યો હતો. ડોરબેલ વાગી..
“અત્યારે કોણ હશે?” સ્વગત બબડતા મેં દરવાજો ખોલ્યો..
“સ..સ...સ.. સરસ્વતી! તું? કેમ? ગઈ નથી?”
સરસ્વતીએ અંદર આવતાની સાથે જ નાક ઉપર હાથ રાખી દીધો. ઘરમાં બેઠેલી બે જીવતી લાશ ઉપર એની ત્રાંસી નજર પડી ગઈ, હવે મને ખબર હતી કે મને રાહુ, કેતુ, સની, જેટલા પણ ગ્રહો છે એ કોઈ મને નહી બચાવી શકે. મારો મંગળ તો બળવાન છે પણ હવે હોનારત આવવાની વકી હતી.
એને પર્સ અને બેગ સોફા ઉપર રાખી જે સોફા ઉપર મુકલો બેઠો હતો ત્યાં ધીરેથી મુક્લાની બાજુમાં ગઈ અને હળવેથી એના ગાલ ઉપર ટપલી મારતા કહ્યું.
“મુકેશ ભાઈ... ઓ મુકેશ ભાઈ....” એ મુકેશના માથા ઉપર હાથ ફેરવવા લાગી પછી ટીનીયા તરફ જોઇને કહ્યું.. “ટીનુભાઈ.. ઓ ટીનુભાઈ.”
હજુ મારા તરફ તોફાન ફંટાયું ન હતું. પણ હું તૈયારીમાં જ હતો... મુક્લાએ હળવેથી આંખ ખોલીને સરસ્વતી તરફ જોયું... અને બબડ્યો...
“સરસ્વતીભાભી.. સપનામાં તો શાંતિનો આનંદ લેવા દયો! આ એકજ ઘડી તો એવી હોય છે જેમાં આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.”
ત્યાં તો ટીનીયાની આંખ ખુલી ગઈ. તે લથડીયા ખાતો સફાળો ઉભો થતા બોલ્યો....
“બ...બ...બ...ભાભી હું તો અહીં વીમો ઉતરાવવા આવ્યો હતો.”
“આજે તમારા બધાયનો વીમો હું ઉતારીશ.. હો બેટા.”
“સરસ્વતીભાભી એક બે પોલીસી મને પણ અપાવજો. મારો આ વર્ષનો ટાર્ગેટ પૂરો નથી થયો.”
મુક્લાએ કહ્યું..
“મુકેશભાઈ તમારો વીમો કેમ ઉતારવો એ મને ખબર છે.” એમ કહેતા સરસ્વતીએ પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને ફોન લગાવ્યો..
“હેલ્લો લક્ષ્મી! હું સરસ્વતી બોલું છું.”
બસ આટલું સાંભળીને મારો તો જાણે વીમો ઉતરી જ ગયો હતો. અહી એક દેવી સહન કરવી મુશ્કેલ હતી અને હવે બે દેવીઓ સાથે મળીને શું કરશે એ વિચારીને જ મને તો તાવ આવવા લાગ્યો. કસમ વિસ્કીના એ પાંચ પેગની, મારો બધો જ નશો ઉતરી ગયો હતો. સરસ્વતી ફોન ઉપર વાત કરતા કરતા છત ઉપર ચાલી ગઈ. પાંચ મિનીટ પછી એ નીચે આવી એક મોટો નિસાસો નાખી એ બંને જીવતી લાશની સામે બેસી ગઈ. મારી સામે ત્રાંસી આંખે જોવા લાગી. હું સમજી જ ગયો હતો હવે વાવાઝોડું મારી તરફ ફંટાઈ રહ્યું હતું. પણ થોડી જ વારમાં એ વાવાઝોડું ટીનીયા તરફ ફંટાઈ ગયું. ટીનીયો પણ જાણે પાંચમાં ધોરણના વિદ્યાર્થીને ક્લાસની બહાર સજા રૂપે ઉભો રાખવામાં આવ્યો ન હોય! એમ ઉભો હતો. એ માંડમાંડ ઉભો રહી શકતો હતો, ઉભા ઉભા એ એ ઝોંકા ખાતો હતો. સરસ્વતી માઈક્રો સ્કેનરની જેમ રસોડું અને હોલ સ્કેન કરી રહી હતી.
હું સમજતો હતો કે આ વાવાઝોડું જેટલું શાંત છે એટલું જ હાનીકારક પણ. થોડીવારમાં એક એકટીવા મારા ઘરની બહાર આવી ઉભું રહ્યું. સાક્ષાત બ્રહ્માણી જાણે સફેદ હંસ ઉપર સવાર થઈને ન આવ્યા હોય!
“આવો લક્ષ્મી ભાભી.. આ તમારા હીરોને લઈ જાવ.”
લક્ષ્મી સામે આવીને ઉભી રહી ગઈ..
“ઘરેથી મને એવું કહીને ગયા કે હું ટીનાભાઈનો વીમો ઉતારવા જાઉં છું. ખોટાડાઓ!”
લક્ષ્મીનો અવાજ જેવો મુકેશના કાને અફળાયો તે મુકેશ બોલ્યા વગરનો રહી જ ગયો હતો..
“એય! ધન્યા આ સપનામાં તે આને પણ બોલાવી લીધી? તું કેવો દારુ લાવ્યો એલા ટીનીયા? તે સપનું પણ પૂરું નથી થતું?”
લક્ષ્મીએ ચુપચાપ ટીપોય ઉપર પડેલા ચશ્માં ઉઠાવ્યા.
“ચાલો! ઉઠો, ઘરે ચાલો, ત્યાં તમારા બધાય સપનાઓ પુરા કરીશ.”
સરસ્વતી અને લક્ષ્મીભાભીએ માંડમાંડ મુક્લાને એકટીવાની પાછળની સીટ ઉપર બેસાડ્યો.
“મારો ખભો પકડી લ્યો.”
તોફાનમાં થોડી શાંતિ થઇ, પણ મારા માટે તો હજુ મુખ્ય સુનામી આવતાની બાકી હતી.
અમે બહાર નીકળ્યા ત્યારે ટીનીયો ખુરસી ઉપર બેસી ગયો હતો પણ જેવા ઘરની અંદર ગયા કે ટીનીયો પાછો એની વિદ્યાર્થી અદામાં લથડીયા ખાતો ઉભો રહી ગયો..
“હવે? ટીનાભાઈ તમને કોણ લેવા આવશે? આ હાલતમાં હું ધનુને તો ન જ મોકલું તમને મુકવા.”
“બ...બ...બ. ભાભી હું ચાલ્યો જઈશ.”
“શું ચાલ્યો જઈશ? ઉભા નથી રહી શકતા અને ચાલ્યો જઈશ? ખુરસી ઉપર બેસી જાવ.”
એમ કહેતા સરસ્વતી સોફા ઉપર બેસી ગઈ.
“તમે કેમ ઉભા છો? તમે પણ બેસી જાવ.”
હું એ દેવીજીનો હુકમ થયો કે તરત ખુરસી ઉપર બેસી ગયો.
ટીપોય ઉપર પડેલો સરસ્વતીનો ફોન રણકી ઉઠ્યો. ફોનના સ્ક્રીન ઉપર નજર કરતા મારી સામે ત્રાંસી આંખે જોતા કહ્યું.. “તમે જ વાતો કરો. મારે વાત નથી કરવી.”
તે મારી સાસુમાનો કોલ હતો.
“હેલ્લો.”
“હેલ્લો ધનસુખ કુમાર. સરસ્વતી ઘરે પહોંચી ગઈ ને?”
“હા મમ્મી, હમણાં જ પહોંચી.”
“ધનસુખકુમાર, મારી વાત સાંભળો. સરસ્વતી ઘરે આવીને પાણી પણ નહોતું પીધું અને જૂની વાત યાદ કરતા એ ભાઈ સાથે ઝગડો કરીને પાછી જતી રહી છે. એને કહેજો કે ભાઈની વાતનું ખોટું ન લાગડે. સરસ્વતીનું ધ્યાન રાખજો. ફોન મુકું છું.”
સાસુમાની વાત ઉપરથી સમજાઈ ગયું કે વાવાઝોડું પાછું કેમ આવ્યું? બે દિવસ માટે ગઈ હતી ને પાછી કેમ આવી એ સવાલનો જવાબ મને મળી ગયો હતો. મેં ચુપચાપ ફોન ટીપોય ઉપર મૂકી દીધો. સરસ્વતીએ જાણે વાત બદલાવી હોય તેમ.
“રીક્ષા બોલાવી દઉં?” ટીનીયા સામે જોઇને કહ્યું.
“નાં ભાભી હું ચાલ્યો જઈશ. મારે ક્યાં ઉતાવળ છે? મારે ઘરે કોણ વાટ જુવે છે? એ હતી ત્યારે હું ક્યાં પીતો હતો? આજે બે વર્ષ થઇ ગયા. તમે તો બધું જાણો જ છો. એ હતી તો મારી એક આગવી ઓળખ હતી. છેલ્લા બે વર્ષમાં તનમયમાંથી મારું નામ ટીનીયો કેવી રીતે પડી ગયું એ મને’ય ખબર ન પડી. મારા ઉપર ધન્યા અને મુક્લાની જેમ કોઈ કંટ્રોલ નથી કે મને કોઈ કહેવા વાળું નથી. તમે આમ મારા ઉપર ગુસ્સો કરો છો તો સારું લાગે છે. મને એમ લાગે છે કે મારી ચિંતા કરવાવાળું આ દુનિયામાં કોઈ છે. તમે રોજ આ રીતે મને વઢતા હો તો હું રોજ દારુ પીવા તૈયાર છું. હું તમારો ભાઈ નથી પણ મેં હમેશા તમારા અંદર એક બહેનના દર્શન કર્યા છે.”
ટીનીયાની વાત સાંભળતા સાંભળતા સરસ્વતીએ પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને આંખે લગાડતા કહ્યું..
“એક કામ કરો. તમે આહી જ રોકાઈ જાવ, સવારે ચાપાણી કરીને જતા રહેજો. આમેય કાલે રવિવાર છે. સુકી ભાજી અને પરોઠા ખાઈ લો પછી સુઈ જાવ.”
એમ કહેતા સરસ્વતીએ બાજુના રૂમમાં બેડસીટ સરખી કરી આપી.
ટીનીયાએ એકાદ પરોઠો માંડ ખાધો અને બેડરૂમમાં જતા જતા સરસ્વતી સામે હાથ જોડતા ગળગળા સ્વરમાં કહ્યું.
“માફ કરજો ભાભી.”
ટીનીયો રૂમ બંધ કરીને સુઈ ગયો હવે સાવરણી ઉપડવાની વાર હતી. જાણે તલવાર લઈને સાક્ષાત માં અંબા ન ઉભા હોય! એવી તો હું કલ્પનાઓ કરવા લાગ્યો. ત્યાં તો સરસ્વતી રૂમાલથી આંખો સાફ કરતા કરતા બોલી..
“ભાઈના ઘરેથી બહેન ભલે પાણી પીધા વગર જતી રહે પણ બહેનના ઘરેથી.......”
સરસ્વતી એટલું માંડ બોલી શકી અને મને ભેટી પડી..
મને’ય ન સમજાયું કે ટીનીયાની વાતોએ મારો નશો ઉતાર્યો હતો કે અચાનક મારા તરફ ફંટાયેલું વાવાઝોડું
શાંત કર્યું...
સમાપ્ત....
-નીલેશ મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com