હતી એક પાગલ..!!:-ભાગ 5
રાધા રડી રહી હતી..જાણે કે શિવ નું નામ એને દર્દ આપી રહ્યું હતું.એ અત્યારે પોતાનો ચહેરો વોશબીસીનનાં પાણી વડે ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી.પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એ આરોહી અને તુષાર બેઠાં હતાં એ તરફ આગળ વધી.
આ રાધા બીજું કોઈ નહીં પણ શિવ ની દોસ્ત માહી હતી..અત્યારે એને દોસ્ત જ કહીશ કેમકે આપણને હજુ એ લોકો ની દોસ્તી ક્યાં સુધી આગળ વધી એની ખબર નથી.છતાં રાધા ઉર્ફે માહી ની દશા જોઈને એટલું સમજાઈ રહ્યું હતું કે એ શિવ ને ખુબ જ પ્રેમ કરે છે કાં તો બેહિસાબ નફરત.
હવે માહી ત્યાં સુરતમાં કેમ નામ બદલીને રહેતી હતી એ તો પછી જ ખબર પડશે પણ એક વાત તો ચોક્કસ હતી કે એની જીંદગીમાં કંઈક તો ચક્રવાત આવ્યો હતો જેનાં લીધે એ અત્યારે સુરતમાં એકાંત જીંદગી જીવી રહી હતી..અત્યારે તો માહી ને જોઈ શિવ પટેલની જ બે લાઈન યાદ આવે કે.
ये मेरे इश्क की पीड़ा क्या लाजवाब है ...
इश्क में दर्द है ...दर्द मै अश्क है ...अश्क मै इश्क बेहिसाब है ..
"અરે દીદી તમે આવી ગયાં.. બેસો.."રાધાનાં ત્યાં આવતાં જ તુષાર બોલ્યો.
"રાધા દી, એવું લાગે છે તમે અપસેટ છો..?કોઈ પ્રોબ્લેમ હોય તો અમારી સાથે શૅર કરી શકે છે.."રાધા નાં ચહેરા પરનો ઉચાટ જોઈ આરોહી બોલી.
"હા દી.. તમારે કોઈ ચિંતા જેવું હોય તો અમને જણાવી શકો છો..જો તમે અમને તમારાં માનતાં હોય તો."તુષાર પણ આરોહીની વાત સાથે સહમત થતાં બોલ્યો.
"અરે એવું કેમ બોલો છો..તમારાં બે સિવાય મારું આ દુનિયામાં છે જ કોણ..અને એવું કંઈપણ નથી ચિંતાલયક.જોવો હું હસી રહી છું."પોતે ખુશ છે એવું નાટક કરતાં ચહેરા પર મુસ્કાન લાવી માહી બોલી.
એટલામાં જમવાની પ્લેટ લઈને વેઈટર ત્યાં આવી પહોંચ્યો એટલે તુષાર વાત ને વાળતાં બોલ્યો.
"Ok ત્યારે એવું જ રાખવાનું...લો જમવાનું પણ આવી ગયું.."
વેઈટરે ત્યારબાદ આરોહી,તુષાર અને રાધાની સામે ગોઠવેલી પ્લેટમાં જમવાનું પીરસી દીધું..વાતો કરતાં કરતાં એ લોકો જમવા લાગ્યાં. આરોહી માટે તુષાર યોગ્ય ચોઈસ છે કે નહીં એ ચકાસવા રાધા દીદી તુષાર સાથે સવાલ-જવાબ કરી રહ્યાં હતાં ત્યારે આરોહીનું ધ્યાન રાધા દીદી તરફ મંડાયેલું હતું.
"રાધા દી.. તમે ભલે અત્યારે હસવાનું નાટક કરો પણ હું જાણું છું તમે અત્યારે કોઈ વાતથી પરેશાન છો..તમે નહીં જણાવો તો હું જાતે જાણી લઈશ."રાધા તરફ જોતાં આરોહી મનોમન બબડી.
આખરે જમવાનું પૂર્ણ થઈ ગયું એટલે આરોહીએ રાધા ને પૂછ્યું.
"બોલ ડોશી કેવો છે મારો ટોમી..?"
"એકદમ પરફેક્ટ..મને તો તારી ઈર્ષ્યા થાય છે કે તને આટલો પ્રેમ કરનારો અને વફાદાર પ્રેમી મળ્યો જે ભવિષ્યમાં તારો પતિ પણ બનશે.."રાધા આરોહી માટે તુષાર યોગ્ય છે એ વાત પર મહોર લગાવતાં બોલી.
"તો હવે અમે લગ્નની તૈયારી શરૂ કરી દઈએ..તુષાર કહે છે પછી અમે USA માટે ની ફાઈલ મૂકીએ.એટલે બે મહિના પછી સારી ડેટ જોઈ કોર્ટમેરેજ કરી લઈએ.."આરોહી રાધા તરફ જોઈ બોલી..આ દરમિયાન એનો હાથ તુષારનાં હાથ ફરતે વીંટાયેલો હતો.
"Good.. શુભ કામમાં દેર શેની.."સ્મિત સાથે રાધા બોલી.
"ચલો ત્યારે એ વાત પર એક એક આઈસ્ક્રીમ થઈ જાય.."આરોહીનાં માથા જોડે પોતાનું માથું લગાવી એની તરફ ત્રાંસી નજરે જોઈને તુષાર હરખભેર બોલ્યો.
*************
શિવ પટેલ રેસ્ટોરેન્ટમાંથી નીકળી પોતાનાં એક પુસ્તક પ્રકાશક મિત્ર સુબોધ શાહ ને મળવા ગયો હતો..ભવિષ્યમાં એમનાં ઉત્તમ બુક પબ્લિકેશન માટે પુસ્તક પ્રકાશનની ડીલ પોતાની ઈચ્છિત શરતે ફાઈનલ કરીને શિવ હોટલમાં પોતાનાં રૂમમાં આવીને સુઈ ગયો.
બીજાં દિવસની સવાર પણ શિવ નિયત સમયે નિત્યક્રમ પૂર્ણ કરી તૈયાર થઈ ગયો..આજે સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા શિવ ને ઉભરતાં કવિનો એવોર્ડ આપી સન્માનિત કરવાનો હતો..શિવે એ માટે જરૂરી સ્પીચ નું રિહર્સલ પણ કરી લીધું.
પોતે રાતે સીધો જ પોતાને એવોર્ડ મળ્યાં બાદ અમદાવાદ જવા રવાના થઈ જવાનો હોવાથી આજે એ સુરતમાં થોડી ખરીદી કરી લેવા ઈચ્છતો હતો.બપોરે જમવાનું પૂર્ણ કરી શિવ સીધો સુરતનાં કાપડ બઝારમાં ગયો અને ત્યાંથી પોતાનાં માટે પઠાની અને બે કુર્તા ખરીદી લીધાં.
ખરીદી પૂર્ણ કરી શિવ પાછો પોતાનાં હોટલ પરનાં રુમે આવ્યો..ત્યાં આવી શિવે સાંજના મહાનગરપાલિકાનાં પ્રસંગને અનુરૂપ કપડાં ચેન્જ કરી લીધાં.ત્યારબાદ શિવ સાંજે સાડા પાંચ વાગતાં હોટલમાંથી ચેક આઉટ કરી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જહાંગીર પુરા ખાતે આવેલાં કોમ્યુનિટી હોલ તરફ જવા નીકળી પડ્યો.
અડધા કલાક બાદ શિવ ત્યાં આવી પહોંચ્યો..મહાનગરપાલિકાનાં મેયર સહિત કલા નાં ઘણાં કદરદાનો ત્યાં હાજર હતાં.આ સિવાય શિવ પટેલનાં ઘણાં ચાહકો અને પ્રેસનાં માણસો પણ ત્યાં ઉપસ્થિત હતાં. શિવ ની સાથે અહીં ગુજરાતનાં ચિત્ર,સંગીત,ગીત,નૃત્ય સાથે સંકળાયેલા ઘણાં કલાકારોને પણ ત્યાં સન્માનવાનો કાર્યક્રમ હતો.
એક પછી એક કલાકારો ને મેયરનાં હાથે એવોર્ડ અને એકાવન હજાર રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો.. છેલ્લે કાર્યક્રમ નું સંચાલન કરી રહેલાં જસવંત ભાઈ કૃપલાની બોલ્યાં.
"તો મિત્રો હવે આપણે જેમને સ્ટેજ પર આવવા માટે આમંત્રિત કરવાનાં છીએ એ કોઈ ઓળખાણનાં મોહતાજ નથી..એમનાં શબ્દો જ એમની ઓળખાણ છે..હું નામ નહીં બોલું છતાં એમનાં શબ્દો તમને આવનારી હસ્તીથી વાકેફ કરી દેશે."
આટલું કહી જશવંત ભાઈ શિવ ની કવિતાની બે પંક્તિઓ બોલ્યાં.
""જીવતાં જીવતાં તો કોઈ મારી હમનસીન ના થઈ..
મોત આવી તો સાલુ મોત પર પણ યકીન ના થઈ..
માટી તો અઢળક ફેંકી મેં એનાં ચહેરા ઉપર..
એ આકાશ હતી ક્યારેય જમીન ના થઈ.."
જસવંત ભાઈ નાં આટલું બોલતાં તો હોલમાં શિવ..શિવ..શિવ..નામ ગુંજી ઉઠ્યું..જસવંત ભાઈ આ સાથે જ બોલ્યાં.
"દોસ્તો તમે સાચું સમજ્યાં..હવે સ્ટેજ પર એવોર્ડ લેવા પધારશે ગુજરાતનાં ખ્યાતનામ કવિ શિવ પટેલ."
તાળીઓના ગળગળાટ વચ્ચે શિવ પોતાનાં સ્થાનેથી ઉભો થયો અને સ્ટેજ પર આવ્યો..મેયરનાં હાથે એને એવોર્ડ રૂપે એક ટ્રોફી અને એકાવન હજારનો ચેક આપવામાં આવ્યો..શિવે એ ચેક મેયરને પાછો આપી એને જન કલ્યાણનાં કામમાં વાપરવાં કહ્યું.એમને શિવની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો એટલે મેયરની સાથે હસ્તધૂનન કરી શિવ નીચે ઉતરવા જતો હતો ત્યાં જસવંત ભાઈ બોલ્યાં.
"અરે મહોદય તમે આવ્યાં છો તો પછી એકાદ કવિતા તો થઈ જાય.."
શિવ ને ખબર હતી કે આવી કોઈ ફરમાઈશ જરૂર થવાની એટલે એ સ્મિત સાથે માઈક તરફ આગળ વધ્યો..જસવંત ભાઈ એ માઈક સ્ટેન્ડ થી દુર ખસી શિવને બે-ચાર પંક્તિઓ બોલવાનો આગ્રહ કર્યો.
શિવે માઈક પર પોતાનાં હાથ વડે ખખડાવી ને માઈક નો સાઉન્ડ ચેક કર્યો..બધું ઠીક લાગતાં શિવ પોતાનો ચહેરો માઈક નજીક લાવ્યો અને બોલ્યો.
"અહીંયા ઉપસ્થિત સર્વેનો પહેલાં તો દિલથી આભાર..સુરત મહાનગરપાલિકા નો પણ ખુબ-ખુબ આભાર જેમને આવું સુંદર આયોજન કર્યું છે.આપ લોકો એ હમણાં જે શિવ..શિવ નો નાદ લગાવી હોલ ગુંજાવી મુક્યો એ સાંભળી એવું લાગ્યું કે હું કોઈ શિવ મંદિરમાં મોજુદ છે.આપ સૌ માટે આજે એક એવી કવિતા અહીંથી બોલીશ જેની રચના ગઈકાલે જ થઈ છે.અને આજે આ કવિતા પ્રથમ વખત આ સ્ટેજ પરથી આપ સૌ માટે પઠન કરી રહ્યો છું.."
"એનું શીર્ષક છે,નફરત છે તારાથી...અને એનાં શબ્દો છે.."
"આપણાં અલગ થયાં બાદ,વર્ષો વીતી ગયાં બાદ
જો ક્યારેક તારાં પર અનનોન નંબર પરથી કોલ આવે
દસ વાર તારાં hello કહેવા પર પણ સામેથી અવાજ નાં આવે..
અને તું જાણી જાય કે એ કોલ મારો હતો..
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"તારાં બજાર માં જતી વખતે ક્યારેક
જો કાળાં વાદળો આકાશે ઉભરાય,વરસાદ દોડીને આવી જાય
બાજુમાં ટામેટાં ની લારી પર તને છત્રી દેખાય..
જે મેં રાખી છે તારાં માટે એવું તું સમજી જાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"જુનાં ફિલ્મો ની જેમ તો તારો દુપટ્ટો મારાં ચહેરે આવીને લપેટાય
જેમાંથી મારુ બેચેન દિલ અને આંખો થોડો સમય માટે ઢંકાય..
અને મારા દ્વારા શાહરુખ ની જેમ બાહો પ્રસરાય
અને તને તુજ થી માંગવાની માંગણી જો થાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"તારાં લગ્નનાં દિવસે તારી વિદાય નાં પ્રસંગ વખતે
પાપા નાં ખભે જોરથી રડી લીધાં બાદ
તારું કોઈ બીજાં ખભે માથું મૂકી રડવાનું મન થાય
અને મુજ થકી મારો ખભો જો તારી આગળ ધરાય
તો એવું ના સમજતી કે મને પ્રેમ છે હજુ તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"સુહાગ ની આ કાળી રાતે..એ તને મીઠું મીઠું બધું બોલી દે..
અને તારી લાગણીઓને એક પછી એક ખોલી દે
સવારે ઉઠીને પલંગ ની ચાદર સરખી કરતી વખતે તને..
ચાદર ની કરચલીઓમાં મારો ચહેરો દેખાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"અને જો વર્ષો બાદ તારી દીકરી મને અંકલ કહીને બોલાવે
અને હું તારી તરફ ત્રાંસી નજરે ગુસ્સાથી જોઈને
એનો ચહેરો પ્રેમ થી ચુમી લઉં કોરી આંખે રોઈને
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી.."
"ખુબ ખુબ આભાર"આટલું બોલી શિવ ત્યાંથી નીચે આવીને પોતાની જગ્યાસે ગોઠવાઈ ગયો.
કાર્યક્રમ પૂર્ણ થતાં જ શિવ પોતાની કાર લઈને અમદાવાદ જવા નીકળી પડ્યો..શિવ એ વાત થી બેખબર હતો કે એની પાગલ અત્યારે સુરતમાં જ હતી..જેને એ એવી નફરત કરતો હતો જેની ઝંખના દરેક સ્ત્રી કરતી હોય છે.જતાં જતાં એની કારમાં વાગતું ગુલઝાર સાહેબનું લખાયેલું અને આશા ભોંસલેના અવાજમાં સ્વરબદ્ધ ગીત જાણે શિવ ની સુરત શહેરને જાણે અજાણે કહેવામાં આવેલી સચ્ચાઈ હતી
"मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है
सावन के कुछ भीगे-भीगे दिन रखे हैं
और मेरे इक खत में लिपटी राख पड़ी है
वो राख बुझा दो, मेरा वो सामान लौटा दो"
આ ગીત ની સાથે-સાથે શિવ પોતાનાં ભુતકાળમાં સરી પડ્યો.
************
આ તરફ રેસ્ટોરેન્ટમાંથી ઘરે પાછાં આવ્યાં બાદ રાધા ઉર્ફે માહી ની આંખો સામે ફરીવાર પોતાનો ભૂતકાળ રમવા લાગ્યો જેમાં એ કઈ રીતે શિવને પ્રથમવાર મળી હતી એની યાદો હતી.પોતે શિવ ની આગળ સામે ચાલીને મિત્રતાનો પ્રસ્તાવ મુક્યો હતો એ વાત યાદ આવતાં રાધા રડવા લાગી..એનું રૂદન એ હદે પીડાદાયક હતું કે એની માનસિક સ્થિતિ અત્યારે બગડી રહી હતી.અત્યારે એને ઊંઘ આવવી શક્ય નથી એમ જણાતાં રાધા એ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી..જેની અસર રૂપે એ ચેનથી સુઈ શકવાની હતી એ નક્કી હતું.
બીજાં દિવસે સવારે રાધા બધું ભૂલી પાછી પોતાની ઓફિસે જવા નીકળી પડી..રાધા એક બિઝનેસ વુમન હતી.આફ્રિકા અને ગલ્ફ દેશોમાં એની કંપની ડાયમંડ નો નાનો સરખો ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરતી હતી.રાધા મહિને આસાનીથી ત્રણ-ચાર લાખ રૂપિયા જેટલી આવક એમાંથી કમાઈ લેતી.
આખો દિવસ તો કામની વ્યસ્તતા ને લીધે સરળતાથી વીતી ગયો હતો પણ આવનારી રાત ફરીવાર વિચારોનું વંટોળીયું લઈને આવવાની હતી એ વાત થી વ્યથિત થઈ ગઈ.ઘરે જઈને પણ ઊંઘ તો જોજનો દૂર જ હતી.મનને હળવું કરવાં રાધા એ પોતાની ફેવરિટ ગુલામ અલીની ગઝલોને મ્યુઝિક સિસ્ટમ પર ઘીમાં અવાજે વગાડવાનું શરૂ કર્યું.
એક પછી એક આવતી સુંદર ગઝલો રાધા ને ઘણાં ખરાં અંશે રાહત આપી રહી હતી..અચાનક એક ગઝલ વાગી જેનાં શબ્દો હતાં.
हम तेरे शहर में आए हैं मुसाफ़िर की तरह
सिर्फ़ इक बार मुलाक़ात का मौका दे दे
अपनी आँखों में छुपा रक्खे हैं जुगनू मैंने
अपनी पलकों पे सजा रक्खे हैं आँसू मैंने
मेरी आँखों को भी बरसात का मौका दे दे
आज की रात मेरा दर्द-ऐ-मोहब्बत सुन ले
कँप-कँपाते हुए होठों की शिकायत सुन ले
आज इज़हार-ए-ख़यालात का मौका दे दे
કૈસર આઝમી સાહેબની આ ગઝલનાં શબ્દો જાણે રાધા નાં હૃદયની આરપાર નીકળી એને કહી રહ્યાં હતાં કે
"માહી..તારો શિવ તારા શહેરમાં આવ્યો હતો પણ તું એને મળવા પણ ના ગઈ..એક વાર બસ એક વાર એને મળીને જે અધૂરાં સવાલાત છે એનાં જવાબ તો મેળવવાં હતાં.."
રાધા ઉર્ફે માહી વિચારોનાં ચક્રવાત ને મનમાં લઈ પોતાની જગ્યાએથી ઉભી થઈ અને મ્યુઝિક પ્લેયર બંધ કર્યું.મ્યુઝિક પ્લેયર બંધ કરી એ પાછી પોતાનાં પલંગમાં આવીને સુઈ ગઈ..આજે પણ શિવની યાદો એનો પીછો નહોતી છોડી રહી અને એની આગળ વિતેલો એ સમય જાણે ફિલ્મની રિલની માફક દોડવા લાગ્યો જ્યારે એની અને શિવ ની મિત્રતા ને મિત્રતાથી પણ અધિક બીજું નામ મળ્યું હતું..!!
************
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)