White dav 9 books and stories free download online pdf in Gujarati

વ્હાઇટ ડવ ૯


કાવ્યા એના રૂમમાં જતી રહી. એ હજી કાંપી રહી હતી. દિવ્યાના આત્મા સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે...શશાંક ગિન્નાયેલો હતો. સાંજે હોસ્પિટલ રાઉન્ડ લઈને આવ્યો ત્યારથી ચૂપ હતો. રાતના ભોજન સમયે પણ એ ચૂપ રહ્યો. આજ પહેલીવાર એવું બન્યું હશે કે એ જમતી વખતે ખપ પૂરતી જ વાત કરતો હોય!એને જોઈને કાવ્યાને હસવું પણ આવતું હતું અને દુઃખ પણ થતું હતું. હવે કાવ્યાને લાગ્યું કે પહેલી નજરે જ એ શશાંકના પ્રેમમાં પડી ચૂકી હતી. આજ સુંધી એ જે પુરુષની કલ્પના કરતી આવી હતી એના જીવનસાથી તરીકે એ આજ હતો. શરૂઆતમાં એને મમ્મી સાથે વધારે ખુલીને વાત કરતો જોયો ત્યારે એને જલન થઈ આવી હતી. સ્ત્રીસહજ જલન! એ પણ કદાચ કુદરતી જ હશે...
“શું કરે છે ક્યારની! ચમચીથી પુલાવ હલાવે જાય છે મોંમા ક્યારે મૂકીશ!” માધવીબેન બોલ્યા હતા.કાવ્યાએ શશાંક તરફ એક નજર નાખી અને પછી ફટાફટ જમવાનું પૂરું કર્યું. એને શશાંક સાથે વાત કરવી હતી. જમવાનું પૂરું થતાંજ એ શશાંકના રૂમમાં ગઈ હતી. શશાંકના રૂમનું બારણું ખુલ્લું જ હતું. એ એના રુમની બારી આગળ ખુરશીમાં પગ લંબાવીને બેઠો હતો અને બારીમાંથી દેખાતા ચાંદ તરફ એકીટસે જોઈ રહ્યો હતો. સ્ટ્રોંગ કેવડાની સ્મેલથી એને ખ્યાલ આવી ગયો કે કાવ્યા એના રૂમમાં દાખલ થઈ હતી. કાવ્યાના શરીરમાંથી કેવડાના સેન્ટની સુગંધ આજે બપોરે ખૂબ નજીકથી માણી હતી. એની નસોમાં લોહી તેજ ગતિથી દોડવા લાગ્યું. એ એમને એમ બેઠી રહ્યો, જાણે કાવ્યા આવી એવી એને ખબર જ ના હોય...કાવ્યા આગળ વધી અને બારી સામે, ચાંદ આગળ આવીને ઊભી રહી ગઈ. શશાંક ના ઈચ્છવા છતાં બોલી પડ્યો, સામે ઊભેલી કાળી અર્ધપારદર્શક નાઇટી પહેરેલી કાવ્યા ગજબની સુંદર લાગી રહી હતી. એના એકેક અંગઉપાંગ એ કાળા વસ્ત્રમાથી ઉભરાઈને બહાર આવી રહ્યાં હતા, ડોકિયાં કરી રહ્યા હતા...
“તારો પ્રોબ્લેમ શું છે, હૈં? પહેલાં મને આગળ વધવા સામેથી ઉશ્કેરે છે અને હું મારા ઉપરનો બધો કંટ્રોલ ગુમાવી દઉં એટલે જાણે હું કોઈ ગલીનો કૂતરો હોઉં એમ લાત મારીને ચાલી જાય છે! આ શશાંકને તે બહું હલકો ધારી લીધો લાગે છે. હું હવે તારી વાતોમાં નહી આવું.” શશાંક બોલતો તો હતો પણ એની નજર પલવાર માટેય કાવ્યાના અંગો તરફથી હટી ન હતી.
કાવ્યાએ જાણે કશું જ સાંભળ્યું ના હોય એમ બે ડગલાં ભરીને સીધી શશાંકના ખોળામાં બેસી ગઈ. એનો એક હાથ શશાંકની ગરદને વીંટળાયો અને બીજો એની છાતી પર ફરવા લાગ્યો.
“આ... શું કરે છે? કોઈ જોઈ જશે!” શશાંક ઢીલો પડી ગયો. એ ધીરેથી માંડ બોલ્યો. એનાથી પોતાના પર કાબૂ રાખવો અઘરૂ થઈ રહ્યું.
“કોઈ નહિ આવે. મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો છે.” કાવ્યા એનું મોઢું શશાંકના મોઢાની પાસે લઈ જઈ એના કાનમાં બોલી હતી. શશાંક બધું ભૂલીને ફરીથી કાવ્યાને પોતાની બાહોંમાં સમાવી લેવા માટે તત્પર બન્યો. એણે પોતાના બંને હાથે કાવ્યાની કમર પકડી ભીંસ વધારી, એના હોઠ કાવ્યાના હોઠ પર બીડાઈ જવાના જ હતા કે વચ્ચે કાવ્યાની આંગળી આવી ગઈ.”
“હવે રોકે છે શું કામ? ચુડેલ!”
“શશાંક આ રૂમમાં આપણા બે સિવાય ત્રીજું કોઈ પણ છે, એટલેજ! પહેલા પણ તને રોકેલો અને અત્યારે પણ રોકું છું. ”
“ત્રીજું? કોણ છે?!” શશાંક ગંભીર થઈને બોલ્યો.
“એક આત્મા! મારી જુડવા બહેનની. જે વરસો પહેલાં વ્હાઈટ ડવ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી.”
“શું વાત કરે છે? એ તને ક્યારથી દેખાય છે?” શશાંક હવે સ્વસ્થ હતો. એને એના કામ પ્રત્યે લગાવ હતો.
“કાલે સાંજે વ્હાઈટ ડવમાં મેં પહેલીવાર એને જોયેલી પછી રાત્રે મારા રૂમના બાથરૂમમાં અને આજે જ્યારે આપણે બંને આ પલંગ પર હતા ત્યારે એ ચીસો પાડીને તને દૂર જવા કહેતી હતી. એ તને મારતી હતી પણ એના હાથ તારા શરીરને સ્પર્શતા ન હતા. એ તારા શરીરની આરપાર નીકળી જતા હતાં. એને એમ કે તું મને હેરાન કરી રહ્યો છે. એ હજી દસ બાર વરસની નાની બાળકી છે અને એની સમજ પણ!”
“હા હું નાનીને નાની જ રહી ગઈ. હવે કોઈ દિવસ મોટી જ નહીં થાઉં! કેમકે હું મરી ગઇતી. પેલી સિસ્ટર માર્થાએ બધું જુઠ્ઠું કહ્યું હતું...”
કાવ્યા શશાંકના ખોળામાં બેઠી હોવા છતાં થથરી રહી. સામે દિવ્યા ઊભી હતી. એના હાથમાં એજ એનું ટેડીબેર હતું. એ રડી રહી હતી...એક નાની બાળકીની જેમ અને રડતાં રડતાં બોલતી હતી. સિસ્ટર માર્થાનું નામ સાંભળી કાવ્યા હોશમાં આવી ગઈ હતી. એને જાણવું હતું કે સિસ્ટર માર્થાએ દિવ્યાને શું કહેલું. એ દિવ્યા આગળ બોલે એની રાહ જોઈ રહી. દિવ્યા ચૂપ થઈ ગઈ હતી. એ કાવ્યાની વધારે નજીક આવી હતી. હવે એના મોં ઉપર એક શરારતી સ્મિત હતું. કાવ્યાને થોડો ડર લાગી રહ્યો હતો.
“શું થયું? દિવ્યા અહીં છે અત્યારે?” કાવ્યાને ડરેલી જોઈ શશાંકે પૂછ્યું. કાવ્યાએ હકારમાં સહેજ ડોકું ધુણાવ્યું.
“આ તારો બોયફ્રેન્ડ છે! તું એને લવ કરે છે, હેને?” દિવ્યા સ્મિત સાથે બોલી, પછી તરત મોઢું બગાડી, રડવાં જેવો ચહેરો કરી બોલી, “મને તો કોઇ બોયફ્રેન્ડ નહિ મળે. આ ટેડીબેર જ એક મારું ફ્રેન્ડ છે. તું પણ હવે મારી સાથે રમતી નથી. મમ્મી પણ મારી સાથે વાત નથી કરતી. તમે લોકો બધા ગંદા છો. ગંદા, ગંદા...ગંદા...! મને એકલી મૂકીને જતા રહ્યાં. તારી કિટ્ટા. “દિવ્યા પાછી અવાજ કરીને રડવા લાગી.કાવ્યાને થયું એણે ખૂબ ધીરજથી કામ લેવું પડશે. દિવ્યા પાસેથી જ બધી વાત કઢાવી શકાશે. એણે શશાંકના ખોળામાંથી ઊભા થઈ ખૂબ શાંતિથી કહ્યું, “મારી બેન મારી ભૂલ થઈ ગઈ. હું પણ શું કરી શકું. એ વખતે હું પણ નાની બાળકી જ હતીને. નહીતર હું મમ્મી પપ્પાને કદી જુદા જ ના થવા દેત. તું સિસ્ટર માર્થા વિશે શું કહેતી હતી! એણે શું ખોટું કહેલું?"
“એતો છે જ એક નંબરની જુઠ્ઠી! મને એ જરાય પસંદ નથી. એણે મને...એણે મને ખોટું કહેલું!” દિવ્યાના ચહેરા પર પાછી રડવાની રેખાઓ ઊભરાઈ આવી. એ ફરીથી ભેંકડો તાણે એ પહેલા કાવ્યાએ પૂછ્યું,
“શું કહ્યું હતું, માર્થાએ? સિસ્ટર માર્થાએ..?” કાવ્યા આંખો ફાડીને દિવ્યાને જોઈ રહી.દિવ્યાના ચહેરા પરની રડમસ રેખાઓ એક એક કરતી ગાયબ થઈ ગઈ અને ધીરે ધીરે શરારતી સ્મિત આવી ગયું, “હું કેમ કહું તને?”
“કેમકે હું તારી બહેન છું! હું તને અહીંથી મુક્તિ અપાવીશ. તું આત્મા બનીને ભટકી રહી છે. હું તને છોડાવિશ અહીંથી.” કાવ્યા આવેશમાં બોલી ગઈ. એનો અવાજ થોડો ઉંચો થઇ ગયો.
“તું મને ધમકાવે છે? તું નાની હતી ત્યારે પણ આવું જ કરતી હતી. હું તારાથી મોટી છું તો પણ મને તું દીદી નથી કહેતી. તારી કિટ્ટા, જા!” દિવ્યા જેમ હવામાંથી આવી હતી એમજ હવામાં ગાયબ થઈ ગઈ.
કાવ્યાએ એને બૂમ મારીને બોલાવી. એકવાર...બેવાર....કોઈ ના આવ્યું. કાવ્યાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યા. શશાંકે ફક્ત કાવ્યાએ જે કહ્યું એજ સાંભળ્યું હતું. છતાં શું વાત થઈ હશે એનો એ અંદાજ લગાવી શક્યો. એણે કાવ્યાનો હાથ પકડીને ખેંચ્યો અને પાછી ખોળામાં બેસાડી દીધી અને ધીરેથી કાવ્યાના વાળમાં હાથ ફેરવતા કહ્યું,” રડીસ નહીં. તારી કોઈ ભૂલ નથી. તું દિવ્યાને ભૂલી ગઈ છે. એની નાની નાની વાતો. એનો મૂડ બનાવવા કે કંઈ કામ કરાવવા તમે લોકો શું કરતા હતા એ બધું આપણે માધવી પાસેથી જાણવું પડશે.”
“તું એમને મોમ કે મમ્મી નથી કહી શકતો!” કાવ્યાએ આંસુ ભરેલી આંખે હસતા કહ્યું.
“તમે છોકરીઓય અજીબ હોવ છો. ક્યાં વાત ચાલતી હોય અને અચાનક ક્યાં પહોંચી જાઓ! મમ્મી...ઓકે! મમ્મીને બધી વાત કરવી પડશે. હવે ઊભા થાઓ મેડમ, મારા પગ દુઃખી ગયા.” શશાંક ચિલ્લાઈને બોલ્યો.કાવ્યા હસીને ઊભી થઈ. એની પાછળ શશાંક ઊભો થયો. એના પગે ખાલી ચઢી ગઈ હતી. બે ડગલાં લંગડાઈને ચાલ્યા બાદ એણે પલંગ પર બેસી એનો પગ જમીન પર ધીરે ધીરે ચાર પાંચવાર ઠોક્યો. કાવ્યા એને જોઈ રહી. આજે બપોરે એ શશાંક પાસે આવી ત્યારે એ સેક્સના બદલામાં પ્રેમ મેળવવા આવી હતી. એણે વિચારેલું કે એમ કરવાથી શશાંક એને ચાહવા લાગશે! એ કોઈ પણ કિંમતે શશાંકને ગુમાવવા નહતી માંગતી. એ વખતે જે અધૂરું રહી ગયું એ દિવ્યાના રહેતા આ હવેલીમાં પૂરું થાય એમ ન હતું. એ પોતાની માદક અદાઓમાં શશાંકને ઉલ્જાવિને એનો પ્રેમ મેળવવા આવી હતી અત્યારે રાત્રે...એ પણ નાકામિયાબ રહ્યું. છતાં શશાંકની આંખોમાં અત્યારે એને પ્રેમ દેખાઈ રહ્યો હતો. એ એની ચિંતા કરતો હતો. એની મમ્મીને મળીને દિવ્યાની મદદ કરવા ઈચ્છતો હતો. તો એ શું હતું! એવું કયું પરિબળ હતું જે શશાંકના દિલમાં પોતાના માટે લાગણી જન્માવી ગયું! આ સવાલનો કોઈ જવાબ ન હતો એની પાસે, જવાબની હવે પરવા પણ નહતી....
શશાંક અને કાવ્યા માધવીબેનના ઓરડામાં ગયા. એ નીચે પ્રભુને કંઇક સૂચના આપીને હાલ જ ઉપર આવ્યા હતા. આ બંનેને સાથે આવેલા જોઈને એમના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. કાવ્યા બપોરે અને અત્યારે જમ્યા બાદ શશાંકના ઓરડામાં ગઈ હતી એ વાતની એમને જાણ હતી. એમને પોતાની દીકરી પર વિશ્વાસ હતો. એની પસંદગી એમને પોતાને પણ ગમી હતી. એમને એમ કે આ લોકો એકબીજાને પ્રેમ કરે છે એવું કહેવા આવ્યા હાશે...પણ,
“મોમ, દિવ્યા વિશે વાત કરવી છે.” કાવ્યાએ સીધોજ ધડાકો કરેલો. એણે અત્યાર સુધીની બધી વાત કહી.
“દિવ્યા બાળપણમાં કેવી હતી! આઈ મીન તમે એને કેવી રીતે મનાવતા! એની પસંદ, એનો સ્વભાવ!” શશાંકે પૂછ્યું.
આ બધું સાંભળીને માધવીબેન થોડાં ઉદાસ થઈ ગયા. પલંગ પર બેસીને જાણે ભૂતકાળનો કોઈ સીન એમના મગજમાં ફરીથી જોઈ રહ્યા. થોડીવાર રહીને એમના ચહેરા પર સહેજ મલકાટ સાથે એમણે કહ્યું,
“દિવ્યા ખૂબ ભોળી અને સમજદાર હતી. કોઈ વાતે એની કોઈ જીદ નહિ. કાવ્યા એની પાસેથી કંઈ પણ માંગે તો તરત આપી દે. હંમેશા હસતી રહેતી. એકલી એકલી એના ટેડી બેર સાથે કાલી ઘેલી બોલીમા વાતો કરતી. એકવાર એક જીવડું આવી ગયેલું ઘરમાં દિવ્યા એને આમથી તેમ ઊડાઊડ કરતું જોઈને ગભરાઈ ગયેલી. કાવ્યા મને બચાવ...મને બચાવ કરતી એ સોફામાં એક ખૂણામાં ભરાઈ ગયેલી. કાવ્યાએ એની પગની સ્લીપર નીકાળી એ જીવડાં ઉપર જોરથી થાપટ મારેલી. પેલું જીવડું મરી ગયેલું. દિવ્યા કાવ્યાને વળગી પડેલી...”
માધવીબેન બીજી વાતો કહેતા ગયા અને કાવ્યાને કંઇક યાદ આવી રહ્યું... કાવ્યા મને બચાવ... કાવ્યા... મારી મદદ કર આવું ઘણી વખત એણે સપનામાં સાંભળ્યું હતું. હા, એક ધૂંધળી છાયા જેવી જે છોકરી એના સપનામાં આવતી હતી એ, એ પોતે નહીં દિવ્યા હતી. એની જુડવા બહેન દિવ્યા. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ, જે એના સપનામાં આવતી હતી એ અત્યારની જૂની ઇમારત હતી... અને જે છોકરી એને એમાં દેખાતી એ પોતે નહીં પણ પોતાની બાળપણની પ્રતિકૃતિ જેવી દિવ્યા હતી. ઓ ભગવાન! પોતેજ સમજી ના શકી. દિવ્યા એના સપનામાં આવતી હતી અને એને બચાવવા માટે કાવ્યાને કહેતી હતી. વ્હાઈટ ડવ હોસ્પિટલમાં એને લઈ જવાતી એણે સપનામાં જોઈ હતી. એના પપ્પા સાથે. પછી.. પછીનું યાદ ન હતું. મગજ પર બહુ જોર લગાવી યાદ કરવાનો પ્રયાસ કર્યો પણ દિવ્યા, પપ્પા, વ્હાઈટ ડવ હોસ્પિટલ અને દિવ્યાની ચીખો સિવાય એને કંઈ યાદ ન આવ્યું. એનું માથું દુઃખી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED